ઈશ્વર પ્રત્યેના પ્રેમને આપણે સાધન ગણવું જોઈએ કે સાધ્ય? આ વિશે સાધકો કહે છે કે ભક્તિ બે પ્રકારની છે: એક એનો પથ છે અને બીજું એનું અંતિમ લક્ષ્ય. એટલે ભક્તિ સુગમતા ઊભી કરતું સાધન અને પ્રાપ્તિ કે લક્ષ્ય બંને છે. સાધનાના સાધન તરીકે એને વૈધીભક્તિ કહીએ છીએ. અહીં જપ, ઔપચારિક પૂજા આદિ પર વિશેષ ભાર દેવાય છે. વૈધીભક્તિ પણ (લક્ષ્ય પ્રાપ્તિનું) સાધન કે સાધના છે. તે સાધનાનું સારભૂત તત્ત્વ છે. પરંતુ ઈશ્વરની અનુભૂતિ એ જ લક્ષ્ય કે હેતુ છે. એ જ અંતિમ ધ્યેય છે. જ્યારે કોઈ પણ સાધકમાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમભાવ જાગે ત્યારે સાધનોનું નહિવત્‌ મહત્ત્વ રહે છે કે નથી પણ રહેતું. શ્રી ઠાકુર આ વાત સમજાવતાં કહે છે કે કોદાળી, પાવડા, બકડિયાં વગેરે કૂવો ગાળવા માટે જરૂરી છે; પણ એક વખત કૂવો ગળાય જાય અને પાણી આવી જાય પછી કોદાળી, પાવડા કે બકડિયાંની જરૂર નથી રહેતી. કેટલાક લોકો એને દૂર રાખી દે છે કે કોઈ બીજા કામમાં લે છે. જપ દ્વારા પૂર્ણત્વ પ્રાપ્ત કરનાર ગોપાલની માએ શ્રીઠાકુરને એક વખત પૂછ્યું કે તેણે જપ ચાલુ રાખવા જોઈએ કે કેમ? શ્રીઠાકુરે તેમને કહ્યું: ‘હવે તમારે વધુ જપ કરવાની જરૂર નથી. પરંતુ તમે ગોપાલના કલ્યાણ માટે કરી શકો.’ પૂર્ણતા પ્રાપ્તિ પછી સાધકની આવી અવસ્થા હોય છે. આ અવસ્થાનો પ્રેમભાવ કોઈ બદલાની ભાવનાવિહોણો હોય છે. એ નિ:સ્વાર્થ પ્રેમ છે. પ્રભુની અનુભૂતિ પછી ભક્ત કેવી રીતે રહે છે? તે માત્ર ઈશ્વર સાથે જ રહે છે. આ પ્રેમને પરાભક્તિ કહે છે. આપણે અવારનવાર નિ:સ્વાર્થ પ્રેમની વાત કરીએ છીએ; પરંતુ આવો નિ:સ્વાર્થ પ્રેમભાવ તો પરમજ્ઞાન કે ઈશ્વરની અનુભૂતિ પછી જ સાધકમાં આવિર્ભૂત થાય છે, એ પહેલાં નહિ. જ્યારે કોઈ પણ સાધક તેમને પ્રાપ્ત કરી લે છે ત્યારે એમને પોકારવાની આવશ્યકતા જ નથી. ત્યારે તો માત્ર નિ:સ્વાર્થ પ્રેમભાવના જ હોય છે.

તંત્રપથ

નરેન્દ્રે તંત્રની વાત ઉપાડી. તેણે સાંભળ્યું હતું કે તંત્રો સ્ત્રીની સંગાથે આધ્યાત્મિક સાધનાની વાત કરે છે. શ્રીઠાકુરે જવાબ આપ્યો: ‘એ ઇચ્છવા યોગ્ય નથી. એ ઘણો કઠિન પથ છે અને તે અવારનવાર સાધકનું પતન પણ નોતરે છે. આવી ત્રણ પ્રકારની સાધના પદ્ધતિ છે. એમાં સ્ત્રીને પોતાની પત્ની રૂપે, પોતાને તેના દાસ રૂપે કે પુત્ર-સંતાન રૂપે ગણવામાં આવે છે.’ શ્રીઠાકુરે વધુ આગળ ઉમેરતાં કહ્યું: ‘હું તો સ્ત્રીને મારી મા ગણું છું. પોતાને એનો દાસ ગણવો એ પણ પ્રમાણમાં ઠીક છે; પણ સ્ત્રીને પત્ની તરીકે ગણીને આધ્યાત્મિક સાધના કરવી અત્યંત કઠિન છે. વળી પોતાને એનો પુત્ર ગણાવીને સાધના કરવી એ વધારે પવિત્ર અને નિર્મળ વલણ ગણાય.’ જો કોઈ સાધક સ્ત્રીને પોતાની માતા રૂપે જુએ તો એનું મન શાંત થઈ જાય છે. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે શ્રીઠાકુરે બધા પથે ચાલીને સાધના કરી હતી. પણ એમણે કોઈનેય આવી આધ્યાત્મિક સાધના કરવા સૂચન કર્યું નથી. શ્રીઠાકુરે વ્યક્તિગત રીતે એ બધાને પ્રમાણી લીધા હતા અને અંતે આવો ઉપસંહાર કર્યો: ‘બાળકનો પોતાની માતા પ્રત્યેનો ભાવ નિર્મળ અને પવિત્ર હોય છે.’ આ પણ એમનો એક ભાવ હતો. સ્ત્રીને પોતાની પત્ની ગણવાનો ભાવ – વીરભાવ ઘણો કઠિન છે. આપણે એની કલ્પના પણ ન કરી શકીએ અને સમાજ ખુલ્લે ખુલ્લી રીતે આવી સાધનાની ક્યારેય પરવાનગી ન આપે. આવી સાધના હંમેશાં છૂપી રીતે થઈ હતી. અહીં સાધક પોતાને શિવ રૂપે ધારે છે અને પત્નીને શક્તિ રૂપે. આવી સાચી ધારણાથી સાધકનું અધ: પતન થતું નથી. તંત્રોમાં પણ સામાન્ય પ્રકારના સાધકોને આ ચોક્કસભાવની સાધના કરવા માટે મનાઈ કરવામાં આવી છે. વીરોચિત ભાવવાળા સાધકોને જ વીરભાવ પ્રમાણેની સાધના કરવાની છૂટ છે. પરંતુ શ્રીઠાકુર ભારપૂર્વક કહેતા કે માતૃભાવ જ સૌથી વધુ નિર્મળ, પવિત્ર અને શ્રેષ્ઠ સાધના છે. વીરભાવમાં વામાચારનો પ્રબંધ છે. (એટલે સ્ત્રી સાથે ઔપચારિક ક્રિયાકર્મ સાધના) શ્રીઠાકુરે સાધકને આ પથની સાધના કરવાથી દૂર રહેવા ચેતવ્યા છે. એના શિષ્યોમાંના એકે મજાકમાં વામાચારીનો પોશાક ધારણ કર્યો. નરેન્દ્રે વ્યંગમાં કહ્યું: ‘હું વામાચારી બનીશ.’ (ગીતમાંથી એક પંક્તિ ટાંકી). જો કે તેણે આ મજાકમાં કહ્યું હતું છતાં પણ શ્રીઠાકુર ખૂબ ગંભીર – ખિન્ન બની ગયા હતા. તેઓ એટલા બધા જાગ્રત અને સચેત હતા.

શ્રીઠાકુરે પછી સમજાવતા કહ્યું: ‘ઈશ્વર માટે બધું શક્ય છે.’ એમણે બે યોગી અને નારદની વાર્તા કહી. ઈશ્વર તો હાથીને પણ સોઈના નાકામાંથી પસાર કરાવી શકે. આ સાંભળીને એક યોગીએ કહ્યું: ‘આમાં નવાઈ જેવું શું છે? ઈશ્વર માટે બધું શક્ય છે.’ આપણા માટે અશક્ય હોઈ શકે પણ એમને માટે કંઈ અશક્ય નથી. કોઈ પણ વ્યક્તિ એને શબ્દોમાં વ્યક્ત ન કરી શકે. મનમોહન કોન્નગરથી કોલકાતા જતા હતા ત્યારે રસ્તામાં પોતાના કુટુંબના સભ્યો સાથે આવ્યા છે. શ્રીઠાકુરે કહ્યું: ‘આજે બંગાળી પંચાંગનો પ્રથમ દિવસ છે, યાત્રા માટે અશુભ દિન. હું આશા રાખું છું કે તમારું બધું સરખી રીતે પાર પડે.’ હાસ્ય સાથે એમને બીજી બાબતો પર વાતો કરવા માંડી. આવી બધી બાબતોને શ્રીઠાકુર પોતે સ્વગત હસી કાઢતા. એને તેઓ વ્યક્તિગત વિશિષ્ટ શૈલી કહેતા. તેઓ ગુરુવારને અશુભ દિન ગણતા. એક વખત જ્યારે શ્રીમા દક્ષિણેશ્વર ગુરુવારે પહોંચ્યાં ત્યારે તેને એક ક્ષણનાય ખચકાટ વિના તરત પાછાં મોકલી દીધાં. આવા અપમાનને શ્રીમા કોઈ પણ જાતના પ્રતિકાર વિના સ્વીકારે છે કે કેમ એવી કદાચ તેઓ પરીક્ષા કરવા માગતા હોય એવું પણ હોઈ શકે, કંઈ કહી ન શકાય.

લોકશિક્ષણ

નરેન્દ્રના બ્રાહ્મોસમાજના મિત્રોને શ્રીઠાકુરે કહ્યું: ‘ધ્યાનમાં પ્રભુમય બની જવું જોઈએ.’ વિદ્વત્તા અને વક્તૃત્વકળાથી કંઈ મળતું નથી. આપણી પાસે વિવેક-વૈરાગ્ય અને નિર્મોહ હોવા જોઈએ. આપણાં હૃદયમંદિરમાં ઇષ્ટદેવને સ્થાપવા જોઈએ. જ્યાં પ્રેમભક્તિ નથી, ત્યાગ નથી, વિવેક-વૈરાગ્ય નથી એવા અભદ્રમંદિરમાં મોટો ઘોંઘાટ કરવાનો કોઈ અર્થ નથી. આવું કાર્ય જાણે કે નિરર્થક શંખ ફૂંકવા જેવું છે. શ્રીઠાકુર અવારનવાર કહેતા: ‘સૌ પ્રથમ તો તમારા હૃદયમંદિરમાં પ્રભુની સ્થાપના કરો અને ત્યાર પછી તમને મનફાવે તેટલાં ભાષણો આપો.’ ભાષણ અને ઉપદેશ તો ઈશ્વરાનુભૂતિ પછી જ આવવાં જોઈએ. લોકશિક્ષણ વિશે શ્રીઠાકુર કહે છે : ‘ઈશ્વરની અનુભૂતિ કરીને કોઈ પણ માનવ ઈશ્વરનો આદેશ મેળવે ત્યારે જ તે ઉપદેશ આપવા પાત્ર બને છે.’ આપણે એ હંમેશાં ધ્યાનમાં રાખવું જોઈએ કે ભાષણ આપવાં એ ઈશ્વરની વાતો કરવા જેવું નથી. સંભાષણો તો ‘તમારાથીયે વધુ પવિત્ર’ના વલણભાવમાંથી આવે છે. હું જે કહું છું તે તમે સ્વીકારો છો અને મને અનુસરો છો. અલબત્ત, સંપૂર્ણ વિનમ્રતા સાથે ઈશ્વર વિશેની વાતો કરવી એ એક જુદી જ વાત છે. અહીં શ્રીઠાકુર જે લોકો નામ-યશ કે કીર્તિ માટે ભાષણો આપતા હતા એમનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

શ્રી ‘મ’ને શ્રીઠાકુરની ખાતરી

‘ત્યાગ, વૈરાગ્ય વિના ઈશ્વરની અનુભૂતિ થઈ ન શકે’ આવી વાત શ્રીઠાકુર પાસેથી વારંવાર સાંભળીને શ્રી ‘મ’ ઘણા ઉદ્વિગ્ન બની ગયા. તેમણે વિચાર્યું: ‘ત્યાગ, વૈરાગ્ય અને નિર્મોહ એટલે કામિની-કાંચન ત્યાગ કરવો એવો અર્થ છે શું?’ હવે શું કરવું એના પૂરા સંભ્રમમાં હતા એટલે એમણે શ્રીઠાકુરને પૂછ્યું: ‘તમે મને અવગણોછો એટલે હું આપઘાત કરીશ જો કોઈની પત્ની એમ કહે તો એના પતિએ શું કરવું જોઈએ?’ શ્રીઠાકુરે ગંભીર સ્વરે જવાબ આપ્યો: ‘જો પત્ની આધ્યાત્મિક જીવનમાં વિઘ્ન રૂપ નીવડે તો એવી પત્નીનો ત્યાગ કરવો.’ બધા લોકો માટે આવું સૂચન ખરેખર ઘણું દુષ્કર છે. એટલે શ્રી ‘મ’ દીવાલ તરફ નમીને ઊભા રહ્યા. અરે, નરેન્દ્ર અને બીજા ભક્તો પણ અવાક્‌ બની ગયા. તેમણે શ્રીઠાકુરને આવા કઠોર અવાજે બોલતા ક્યારેય સાંભળ્યા ન હતા.

થોડી ક્ષણો પછી શ્રીઠાકુર એકાએક શ્રી ‘મ’ પાસે ગયા અને એના કાનમાં કહ્યું: ‘પણ જો કોઈ પણ માણસ ઈશ્વર પ્રત્યેના પ્રેમભાવમાં પૂર્ણપણે નિષ્ઠાવાન હોય તો રાજા, દુષ્ટો અને પત્ની સુધ્ધાં બધું અંકુશમાં આવી જાય છે.’ પતિની ઈશ્વર પ્રત્યેની પૂર્ણ નિષ્ઠા સાથેની પ્રેમભક્તિ પણ ધીમે ધીમે પત્નીને આધ્યાત્મિક જીવન જીવવામાં સહાયક નીવડે છે. જો પતિ જ સજ્જન હોય તો પછી પ્રભુની કૃપાથી પત્ની પણ તેના આચરણને અનુસરશે. એ કહેવું જરૂરી નથી કે અહીં શ્રીઠાકુર માત્ર પત્નીઓનો ઉલ્લેખ કરી રહ્યા ન હતા પણ એના પ્રતિપક્ષની વાત પણ એમાં હતી. 

શ્રી ‘મ’ને આ દુનિયાનો ઘણો ભય હતો. ‘ભૌતિક દુન્યવી માણસો માટે મુક્તિની કોઈ આશા નથી.’ શ્રી ચૈતન્ય મહાપ્રભુના આ કથનનો તેઓ વારંવાર પુનરુચ્ચાર કરતા. કોને માટે મુક્તિની કોઈ આશા નથી ? જે ઈશ્વરને સમર્પિત નથી તેને, કારણ કે આવી વ્યક્તિ વાસ્તવિક રીતે ભૌતિક અને દુન્યવી છે. પરંતુ જે ઈશ્વરાનુભૂતિની દુનિયામાં રહે છે તેણે કંઈ ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. ‘હું અને મારું’ એ ભાવલાગણી સંસાર રચે છે. અને સંસાર માનવ જન્મમૃત્યુના ચક્રમાંથી પસાર થતો રહે છે. જ્યાં સુધી તે ઈશ્વરપ્રેમ પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી તેની મુક્તિની કોઈ આશા નથી. પરંતુ જો કોઈ પણ માણસ આ જગત પ્રત્યે અનાસક્તભાવે રહીને ઈશ્વરાનુભૂતિ માટે જીવન જીવે તો તેને કોઈ ભયચિંતા નથી.

શ્રીરામકૃષ્ણ કથામૃત (૧૧ માર્ચ, ૧૮૮૩)

શ્રીરામકૃષ્ણ ભક્તોથી વીંટળાઈને પોતાના ઓરડામાં બેઠા હતા. એ વિશેષ દિવસ હતો. શ્રીઠાકુરના ઘણા શિષ્યો અને ભક્તજનો એમના જન્મદિવસના શુભપ્રસંગને ઉજવી રહ્યા હતા. મૂળ બંગાળીમાં આ દિવસની ઘટનાઓની વિગતવાર નોંધ ઘણાં પ્રકરણોમાં થઈ છે. શ્રી ‘મ’ દક્ષિણેશ્વરે સવારમાં પહોંચી ગયા અને આખો દિવસ જે કંઈ બન્યું તે બધું જોયું.

ભવનાથ, રાખાલ, ભવનાથના મિત્ર કાલીકૃષ્ણ ઉપસ્થિત હતા. ભવનાથ અને કાલીકૃષ્ણે ગાવાનું શરૂ કર્યું:

ધન્ય, ધન્ય ધન્ય, આજ દિન આનંદકારી,
સહુ મળી તવ સત્યધર્મ, ભારતે પ્રચાર…’

જેવું શ્રીરામકૃષ્ણે આ ગીત સાંભળ્યું કે એમનું મન દૂરસુદૂર ભાવરાજ્યમાં ચાલ્યું ગયું અને ઘણા લાંબા સમય સુધી તેઓ સમાધિ અવસ્થામાં ધ્યાનવસ્થામાં રહ્યા. પછીથી કાલીકૃષ્ણ જવા માટે ઊભા થયા. તેઓ ‘વર્કિંગ મેન્સ ઇન્સ્ટિટ્યૂટ’માં શિક્ષણકાર્ય કરતા હતા. જો કે શ્રીઠાકુરને એમના આમ ચાલ્યા જવાથી સારું ન લાગ્યું. તેમણે કહ્યું: ‘એ તેનું દુર્ભાગ્ય છે. આજે અહીં આનંદામૃતનું ઝરણું વહેશે. તે એને માણી શક્યો હોત. પણ કેટલો દુર્ભાગી!’ એમનું આમ છોડીને ચાલ્યા જવાનું કારણ સારું હતું એ વાત સાચી પણ આવી પવિત્ર સંગાથમાં એને જે આનંદ મળ્યો એની સરખામણીમાં એ કારણ મહત્ત્વહીન છે.

શ્રીઠાકુર સામાન્ય રીતે સવારના ૮ કે ૯ વાગ્યાની આસપાસ સ્નાન કરતા. આમ છતાં પણ આજે તેઓ જરા સચેત હતા અને એમને ટાઢ લાગતી હતી તેથી તેમણે ગંગામાં સ્નાન ન કરવાનું નક્કી કર્યું અને નદીમાંથી થોડા લોટા પાણી ભરી લાવીને તેનાથી સ્નાન કરવાનો નિશ્ચય કર્યો. તે પોતાના માથા પર એક ઘડાથી વધારે પાણી રેડી ન શક્યા. તેઓ આટલા બધા સચેત કેમ હતા? શ્રી જગજ્જનની માટે આ યંત્ર (શરીર) દ્વારા હજુ ઘણું સારું કાર્ય કરવાનું હતું એટલે એને જાળવી રાખવાની કાળજી લેવી એ આવશ્યક હતી.

સ્નાન કર્યા પછી શ્રીઠાકુરે નવાં વસ્ત્રો પહેર્યા. અને શ્રીકાલીમંદિર, વિષ્ણુમંદિર અને શિવમંદિરમાં પ્રણામ કરવા માટે તેઓ દક્ષિણેશ્વર મંદિરના ચોગાનમાં આવ્યા. આ બધો સમય તેઓ પ્રભુનું નામ જ રટતા હતા. શ્રી ‘મ’એ લખ્યું કે પોતાના ઈંડાને ઉછેરતું માદા પક્ષી પોતાની જેમ તેમની આંખો અંદર ઊતરી ગયેલી, અર્ધમીંચેલી લાગતી હતી. ત્યારપછી પોતાના ઓરડામાં પાછા આવ્યા.

નિત્ય ગોપાલને શ્રીઠાકુરની શાબ્દિક ચેતવણી

એ દિવસે ઘણા શિષ્યો આવ્યા હતા. તેમાં રામ, નિત્ય ગોપાલ અને કેદાર પણ હતા. શ્રીઠાકુર નિત્ય ગોપાલને ખૂબ ચાહતા. તેઓ અવારનવાર કહેતા કે નિત્ય ગોપાલ એક પરમહંસ અવસ્થામાં રહેતા. એક પરમ ભક્ત મહિલા નિત્ય ગોપાલની આ અદ્‌ભુત ભાવાવસ્થાને જોઈને તેના પ્રત્યે એક પુત્રના જેવો પ્રેમ રાખતાં અને તેને અવારનવાર પોતાના ઘરે આવવા આમંત્રણ આપતાં. પોતાના ઉચ્ચ આધ્યાત્મિક ભાવમાં હોવા છતાં શ્રીઠાકુરે નિત્ય ગોપાલને ચેતવણીના સૂરે કહ્યું: ‘અરે, સાધુ! સાવધાન! ક્યારેક એકાદવાર જવું, વારંવાર ન જઈશ. નહિ તો તારા આદર્શમાંથી ભ્રષ્ટ થઈ જઈશ.’ આપણે એ નોંધી શકીએ છીએ કે શ્રીઠાકુરને એમના સંબંધો વિશે શંકા ન હતી. એટલે જ તેમણે નિત્ય ગોપાલને જવાની સાવ મના ન કરી. મનની નિર્બળતા આવા સંબંધોને બગાડી મારે તેવી ક્ષણની કોઈને ક્યારેય ખબર નથી રહેતી. એટલે જ ચેતવણીના શબ્દો હતા. આવી ચેતવણી હંમેશાં આવશ્યક છે. ભક્ત સ્ત્રીઓ કહેતી કે શ્રીઠાકુર એમને પોતાની પાસે લાંબા સમય સુધી નજીક રહેવા ન દેતા. લોકોને શિક્ષણ આપવા માટે જ એમણે આવું વર્તન કર્યું હતું. શ્રીઠાકુરની ચેતવણીના શબ્દો માત્ર પુરુષો માટે જ હતા એવું ન હતું પરંતુ, એ સ્ત્રીઓ માટે પણ હતા. સ્ત્રીઓ અને પુરુષોએ એક બીજા પ્રત્યે હંમેશાં જાગ્રત-સચેત રહેવું જોઈએ. શ્રીમા કહેતાં: ‘હું દરેકને ખૂબ ચાહું છું. પરંતુ એ બધા સાથે આ દેહે મુક્તપણે હળીભળી ન શકું.’ તેઓ તો મા છે, આપણાં મા છે, જગજ્જનની છે. છતાં પણ તેઓ આમ કેમ બોલ્યાં? સામાન્ય જનો માટે આદર્શ સ્થાપવા આવી સચેતતા કે ચેતવણી જરૂરી છે.

શાસ્ત્રો કહે છે કે સંન્યાસીઓએ સ્ત્રીઓથી હંમેશાં દૂર રહેવું. એ જ આદર્શનું સમાજમાં પણ અનુસરણ થવું જોઈએ. વ્યાવહારિક રીતે શક્ય બને તેટલું ધર્મ્ય અંતર જાળવવું જોઈએ. આવી સચેતતા કે જાગ્રતતાના અભાવે ઘણી સંસ્થાઓ નાશ પામી છે. ગાંધીજી એક મહાન નૈતિકવાદી હતા. એમના સેવાગ્રામમાં સ્ત્રીઓ અને પુરુષો મુક્તપણે એક કુટુંબના સભ્યોની જેમ રહેતા. પછીથી થોડા કટુ અનુભવો બાદ તેમને જણાયું કે આવી રીતે હળવા-મળવાની છૂટ આપવી એ એમની ભૂલ હતી અને એમણે આશ્રમ બંધ કર્યો. આપણને આવી અગમચેતી આપવા માટેની દીર્ઘદૃષ્ટિ અને દૂરદૃષ્ટિ આપણાં શાસ્ત્રોમાં છે. સંન્યાસીઓ વિશે શાસ્ત્રો કહે છે : ‘સ્ત્રીની લાકડાની પ્રતિમાને પણ સંન્યાસીએ પોતાના પગથી સ્પર્શ ન કરવો.’ આવી આકરી અને કઠોર ભાષા વપરાઈ છે! અલબત્ત, તેઓ આમ કહે છે કે જેથી પૂરી સચેતતા રહે અને સ્ત્રીઓ વિશે ગેરસમજણ પણ ન હોવી જોઈએ. આપણે શ્રીઠાકુરના જીવનમાં વાંચ્યું છે કે તેઓ એક વખત ગોપાલની માના ખોળામાં બેઠા હતા. ત્યારે તેઓ સંપૂર્ણપણે બાલકૃષ્ણના ભાવમાં ડૂબી ગયા હતા. વળી પાછું જાનબજારના શ્રી મથુરબાબુના મકાનમાં શ્રીઠાકુર, મથુરબાબુ અને મથુરબાબુનાં પત્ની એક જ પથારીમાં સૂતાં હતાં. તેમને મન તો શ્રીરામકૃષ્ણ પોતાના બાળક સમા હતા. પરંતુ શ્રીઠાકુર જ આવું કરી શકતા, બીજા કોઈ માટે ક્યારેય આવું શક્ય છે ખરું? અને શું કોઈ બીજો આવા વર્તનની બરોબરી કરી શકે ખરો ?

મહાન ઉપદેશકોની વાણીને આપણે અનુસરવી જોઈએ. એમના કેટલાંક વર્તનને નહિ. ભાગવતમાં કહ્યું છે : ‘તમને જેમ કરવાનું કહેવામાં આવ્યું છે તેમ કરો પણ એમણે કર્યું છે તેવું ન કરો.’ આપણા માટે હંમેશાં આ જ સારું રહેશે. આપણે આને સદૈવ મનમાં રાખવું પડશે. શ્રીઠાકુરના શબ્દો શ્રી ‘મ’ના હૃદયને સ્પર્શી ગયા અને એમને વિચારતા કરી મૂક્યા. નાના હરિદાસને ચૈતન્યદેવે આટલો સખત ઠપકો કેમ આપ્યો તેનો એમને ખ્યાલ આવ્યો. ચૈતન્યદેવ એનાથી ત્રાસી ગયા હતા એવું નહોતું. પરંતુ વિશ્વસમક્ષ સંન્યાસનો આદર્શ સ્થાપિત કરવા માટે તેમણે હરિદાસને હાંકી કાઢ્યો હતો. ‘અરે સાધુ! સાવધાન!’ શ્રીઠાકુરની આ અગમચેતીએ શ્રી ‘મ’ના મન ઉપર ઘણી ઊંડી અસર કરી.

અનાહત શબ્દ

પછી શ્રીઠાકુર ભક્તજનો સાથે પોતાના ઓરડાની ઈશાન દિશામાં ગયા. દક્ષિણેશ્વરમાં રહેતા એક ભક્તે વેદાંત દર્શનના સંદર્ભમાં અનાહત શબ્દ વિશે કહ્યું: ‘કોઈ વસ્તુ સાથે બીજી વસ્તુ અથડાવાથી અવાજ (શબ્દ) નીપજે છે. ઉદાહરણ તરીકે બે હાથે તાળી મારવાથી અવાજ નિષ્પન્ન થાય છે. હવામાં સોટી વીંઝવાથી અવાજ નિષ્પન્ન થાય છે, અહીં સોટી હવા સાથે અથડાય છે. આપણે આપણા કાન દ્વારા ધારણા કરીએ છીએ કે આ અવાજ અથડાવાને કારણે નિષ્પન્ન થયો છે. અનાહત શબ્દ વિશે કહેતાં શ્રીઠાકુરે આવું તારણ આપ્યું છે: ‘પરંતુ શબ્દ જ પૂરતો નથી. શબ્દ દ્વારા સંકેત થતો હોય એવું કંઈક હોવું જોઈએ.’ અનાહત શબ્દ એ મહાકારણ ૐનું મૂળ છે. આ (અનાહત) શબ્દ શું સૂચવે છે? અને જો ‘બ્રહ્મ’એ જ શબ્દ છે તો તે શું સૂચવે છે? દક્ષિણેશ્વરના પેલા રહેવાસીએ કહ્યું: ‘શબ્દ પોતે જ બ્રહ્મ છે.’ પ્રાચીન સમયના ઋષિઓનું આ દર્શનજ્ઞાન છે. આ વૈવિધ્ય સ્થૂળ રૂપમાં હોય છે એવું તેઓ સ્વીકારતા નથી. તેમણે શબ્દને આ વિશ્વના માત્ર કારણ રૂપે સ્વીકાર્યો હતો.

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.