(ઓક્ટોબર ’૦૫ થી આગળ)

જ્ઞાની અને ભક્તની કર્મસિદ્ધિ

બ્રાહ્મોભક્ત મણિલાલ મલ્લિક શ્રીઠાકુર પાસે આવ્યા અને તેમને પ્રણામ કર્યા. તેઓ એક વેપારી હતા અને એમનો ધંધો વારાણસીમાં ચાલતો હતો, તેઓ હમણાં જ અહીં આવ્યા હતા. શ્રીઠાકુરે મણિલાલને પૂછ્યું કે તમે વારાણસીમાં કોઈ સાધુપુરુષ કે પવિત્ર પુરુષને મળ્યા હતા કે નહિ? મણિલાલે ત્રૈલંગ સ્વામી, ભાસ્કરાનંદ અને અન્યને મળ્યાની વાત કરી. ત્રૈલંગ સ્વામીનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું: ‘હવે તો તેમણે પોતાની મોટા ભાગની શક્તિ ગુમાવી દીધી છે.’ આ સાંભળીને શ્રીઠાકુરે કહ્યું કે આ તો માત્ર સાંસારિક લોકોની ટીકા છે. સંસારના લોકો આવા સંતોની શક્તિઓનું મૂલ્યાંકન એમની ચમત્કારિક શક્તિના આધારે કરે છે. કોઈ સંત કે સાધુ આવી શક્તિ ધરાવતા હોય તો સંસારના લોકો એમની પાસેથી કંઈક મેળવવા ઇચ્છે છે. એટલે સંતોને ચમત્કારિક શક્તિના આધારે મૂલવવા ન જોઈએ પરંતુ એમના પ્રભુપ્રેમની ગહનતા અને એમના ત્યાગથી મૂલવવા જોઈએ. ભાસ્કરાનંદ સાથે મણિલાલે કરેલી ચર્ચા વિશે શ્રીઠાકુરે પૂછ્યું. ભાસ્કરાનંદે તેને દુષિતવિચારોને છોડવાની સલાહ આપી હતી. આ સાંભળીને શ્રીઠાકુરે કહ્યું: ‘સાચી વાત. સંસારી મનવાળા લોકો માટે આ પણ એક પથ છે.’ જે લોકોએ હજી પ્રભુપ્રેમને ઉન્નત કરવાનો છે એમને ‘સંસારી મનવાળા લોકો’ કહેવાય. પ્રાથમિક તબક્કે આપણે ભલા અને બૂરા વચ્ચેનો વિવેક કરવો જોઈએ. પરંતુ સાચા ભક્ત કે જ્ઞાની આમ કરતા નથી. જ્યારે ભક્ત પ્રભુચિંતનમાં મગ્ન બને છે ત્યારે તે કોઈ પણ પ્રકારનું દુષ્કાર્ય કરવા અસમર્થ બની જાય છે. આવી જ રીતે જ્ઞાની પણ દુષ્કાર્ય કરી શકતો નથી. દુષ્કાર્યને ત્યજવા માટે એમની પાસે કોઈ કારણ કે તર્ક નથી. ભક્ત તો પ્રભુપ્રેમમાં જ મત્ત છે અને એ જે કંઈ પણ કરે તે સારું જ હોય. સદ્‌ભાવનાઓની અસરો સુષુપ્ત રહેલ દુર્ભાવનાઓને દૂર કરી દે છે અને ત્યારે જ સદ્‌ભાવનાઓ પ્રભાવક રહે છે. પરંતુ જ્યાં સુધી આપણી ભીતર સદ્‌ભાવનાઓ અને દુર્ભાવનાઓ રહે છે ત્યાં સુધી ભલાબૂરા વચ્ચેનો સંઘર્ષ રહેવાનો. આવી અવસ્થામાં આપણે સભાનપણે દુષ્કૃત્યોથી દૂર રહેવું જોઈએ. પરંતુ જે લોકો આધ્યાત્મિક ભાવથી જાગ્રત થયેલા છે, અને જેમણે ઈશ્વર પ્રત્યેનો સાચો પ્રેમભાવ વિકસાવ્યો છે, ‘એક માત્ર ઈશ્વર જ કર્તા છે’ એવી અનુભૂતિ જેમણે કરી છે તેવા લોકો જુદા જ આદર્શને પાળેપોષે છે. સામાન્ય સંસારી મનવાળા લોકોએ સતતપણે ભલાબૂરા વચ્ચેનો વિવેક કરવો જ જોઈએ. પૂર્ણપણે જાગ્રત થયેલા મહાત્માઓ જ આવા દુર્ગુણસદ્‌ગુણથી પર હોય છે.

આવી ઉચ્ચ આધ્યાત્મિક અવસ્થા માટે આપણે જાગ્રત રહેવું જોઈએ; નહિ તો આપણે આજે છીએ એવી અવસ્થામાં વ્યવસ્થિત ગોઠવાઈ જઈશું. આપણે હજુ આગળ વધવાનું છે એ જાણવું જોઈએ. શું સાધનામાં કોઈ અંત હોય છે ખરો? આપણે તો જેવા સાધનામાં થોડાક આગળ વધીએ, કદાચ આપણી આંખોમાંથી થોડાં આંસું પણ સરવા લાગે કે આપણે ભીતરથી આનંદભાવ અનુભવીએ અને તેની સાથે જ આપણે વિચારવા માંડીએ કે આપણે તો ઉચ્ચ આધ્યાત્મિક ભાવનાવાળા બની ગયા! આપણે એ વસ્તુ બરાબર મનમાં રાખવી જોઈએ કે આપણે તો બહુ અલ્પમાત્રામાં પ્રગતિ કરી છે, અને હજુ તો ઘણો લાંબો લાંબો પથ આપણે કાપવાનો છે. સાધનાનો પથ એ ગુલાબની પાંખડીથી છવાયેલો પથ નથી. ઉપરછલ્લા આનંદથી કામ થવાનું નથી. આપણે તો પૂર્ણપણે ચૈતન્યમાં ડૂબી જવું જોઈએ. જ્યાં સુધી આપણે આવી તલ્લીનતાથી લાગણી અનુભવતા નથી ત્યાં સુધી આપણે સમજવું જોઈએ કે હજુ પૂરેપૂરો પથ તો કાપવાનો જ બાકી રહે છે. ઘણા લોકો કહે છે: ‘શરૂ શરૂમાં અમને પ્રભુનામસ્મરણમાં ઘણો આનંદ થતો પણ હમણાં હમણાં અમને એ આનંદ જરાય થતો નથી.’ પરંતુ આપણે તો આપણી જાતને પૂછવું જોઈએ: ‘શું આપણે આપણી ભીતર પ્રભુને જોવા માટે ખરેખરી ઉદ્વિગ્નતા અનુભવીએ છીએ ખરા?’ આપણે સત્‌નો આશ્રય કરીને અને અસત્‌ને નિવારીને આપણી પોતાની પ્રભુપથની યાત્રા તૈયાર કરવી જોઈએ. આવી રીતે જ્યારે દુર્વૃત્તિઓનું સંપૂર્ણપણે નિવારણ થશે ત્યારે આપણે પ્રભુ સાથે નાતો બાંધી શકશું. જ્ઞાન અજ્ઞાનથી પર હોય એવી અવસ્થાએ આપણે પહોંચવું જોઈએ. જ્યારે આપણે અહંથી મુક્ત થઈએ ત્યારે જ આવી અનુભૂતિનો સૂર્ય આપણી ભીતર ઊગે છે. ઈશ્વરની અનુભૂતિ થયા પછી કોઈ પણ આટલું સ્વયંભૂપણે અનુભવે છે કે પ્રભુ જ સર્વકંઈ કરે છે. એ પહેલાં આપણે એમ કહીએ ‘પ્રભુ જ સર્વકંઈ કરે છે’ એ તો માત્ર આપણી જાતને છેતરવા માટે કહીએ છીએ. જ્યારે આપણે કંઈ પણ ખરાબ કરીએ છીએ કોઈ દુષ્કૃત્ય કરીએ છીએ ત્યારે આપણા બચાવમાં આપણે ‘શું કરીએ, ભગવાને અમને આવું કરતાં કર્યા’ આમ કહેવા ટેવાયેલા છીએ.

નિષ્ઠા અને પ્રભુનામજપસ્મરણ

શ્રીઠાકુરે મણિલાલને ભાસ્કરાનંદ સાથે બીજી કોઈ ચર્ચા થઈ હતી કે કેમ એ વિશે પૂછ્યું. મણિલાલે કહ્યું: ‘ભક્તિને કેવી રીતે કેળવવી?’ તેમણે કહ્યું: ‘પ્રભુનામ રટો. રામનામ રટો.’ શ્રીઠાકુરે કહ્યું: ‘એ ઘણું સારું છે.’ પ્રભુનામ સ્મરણ કરીને આપણે એમના પ્રત્યેના પ્રેમને ઉન્નત કરીએ છીએ. પ્રભુનામ જપસ્મરણથી ક્રમશ: આપણું મન નિર્મળ બને છે અને પછી પ્રભુપ્રેમ ઉદ્‌ભવે છે, વૈધિભક્તિ રાગભક્તિમાં પરિણમે છે. આમ, પ્રેમથી પ્રેમ ઉદ્‌ભવે છે. વૈધિભક્તિ (સેવાપૂજા) એ આપણી પૂર્ણ નિષ્ઠા અને ભક્તિથી થવી જોઈએ કોઈ બાહ્ય દંભદેખાવ સાથે નહિ. પ્રભુપ્રેમ કંઈ એક દિવસમાં થતો નથી. જેમ જેમ સાધક સાધનાના પથે આગળ વધતો જાય તેમ તેમ સમય જતાં તે પ્રેમ ધીમે ધીમે આપણી ભીતર ઉદ્‌ભવે છે. થોડો સમય પ્રભુનામ રટણ કે સ્મરણ કરીને દિવ્યાનંદથી છલકી જઈશું એમ આપણે ધારીએ છીએ. એ કંઈ એ રીતે બનવાનું નથી. પ્રભુની કૃપાથી જ આપણું હૃદય પ્રભુપ્રેમથી ભરાઈ જશે એવી આશા રાખીને શાંતિથી કંઈ પણ કર્યા વિના બેસી રહેવાથીયે બનતું નથી. પ્રભુ શું કરશે અને શું નહિ કરે તે તેઓ જાણે છે. આપણા પક્ષે આપણે શું કરવું જોઈએ તેની કાળજી રાખવી જોઈએ. શ્રીઠાકુર કર્મકાંડ, અનુષ્ઠાનો અને એવી બીજી બાબતો કે જે મોટે ભાગે બાહ્યાચાર જેવી હોય છે અને જે સાચા ધર્મનો અંશ નથી એમ માનીને તેને અવગણતા. જ્યાં સુધી સાધક ઈશ્વર પ્રાપ્તિ માટેની તીવ્ર ઝંખના ન જગાડે ત્યાં સુધી આધ્યાત્મિક જીવન શરૂ ન થાય. આપણે સામાન્ય રીતે જપ, સેવાપૂજા, શાસ્ત્રોનું વાચન કે મંત્રોચ્ચારને સામાન્ય રીતે ધર્મ માનીએ છીએ. પરંતુ આ તો તુલસીદાસ કહે છે તેમ એક બાળકનું ઢીંગલીઓ સાથે રમવા જેવું છે. એક નાની બાળકી પોતાની ઢીંગલીઓ સાથે રમે છે પણ જ્યારે એ પરણી જાય છે ત્યારે તે એની સાથે રમતી નથી; એવી જ રીતે આ બધાં – જપ, સેવાપૂજા વગેરે રમકડાં સાથે રમવા જેવું છે. જ્યારે કોઈ પણ સાધક પોતાની ભીતર ઈશ્વર માટેની ઝંખના કે તાલાવેલી અનુભવે ત્યારે તેનું સાચું આધ્યાત્મિક જીવન શરૂ થાય છે.

ઠાકુરદાસ સેન સહિત કલકત્તાથી એ દિવસે કેટલાક વરિષ્ઠ બ્રાહ્મભક્તો આવ્યા હતા. પોતાની નાની ખાટ પર બેસીને શ્રીઠાકુર ભક્તો સાથે આનંદભાવમાં વાતો કરવા લાગ્યા. ચર્ચાનો વિષય પ્રેમ-પ્રભુપ્રેમ હતો. શ્રીઠાકુરે ભક્તોને કહ્યું: ‘તમે પ્રેમ વિશે દંભભરી વાતો કરો છો. શું આ પ્રેમ જ્યાં ત્યાં ચર્ચવાની વાત છે? શ્રી ચૈતન્ય સમાધિભાવ જેવો પ્રેમભાવ ધરાવતા.’ સામાન્ય સાધકોને આ મહાભાવ કે પ્રેમભાવનો અનુભવ થતો નથી. આ પ્રેમનાં બે લક્ષણ છે. એક તો તે સંસારને ભુલાવી દે છે, પ્રભુપ્રેમમાં મતવાલો બનેલો ભક્ત બાહ્યભાન ભૂલી જાય છે. બીજું એ દેહભાન પણ ભૂલી જાય છે. ‘હું દેહ છું’ એ ભાવ કે લાગણીને તે પૂર્ણપણે દૂર કરી દે છે. સામાન્ય લોકો ઈશ્વર માટે થોડોઘણો પ્રેમભાવ જગાડી શકે. પરંતુ આપણને અતિવહાલા લાગતા આ દેહને ભૂલી જવા શક્તિમાન બનવું એ એટલું સરળ નથી. એટલે જ શ્રીઠાકુરે કહ્યું છે કે ઈશ્વરાનુભૂતિ વિના કોઈને પ્રેમનો અનુભવ ન થાય. પરંતુ સાધના દ્વારા પહેલાં કોઈને થોડોઘણો પ્રેમભાવનો અનુભવ થાય ખરો. ઈશ્વરાનુભૂતિ માટેનાં કેટલાંક લક્ષણો છે. જે વ્યક્તિ પ્રભુની નિકટ રહેનારો હોય છે તે સાત્ત્વિક ગુણો જેવા કે સર્વ જીવો પ્રત્યે કરુણા, સાધુસંતોના સંગતની અને એમની સેવા કરવાની ચાહના, પ્રભુનાં નામમહિમાનું રટણ, સત્યનિષ્ઠા વગરેની અનુભૂતિ કરે છે. આ દિવ્યપ્રેમનાં પ્રગટીકરણો છે. પ્રેમનો અર્થ આપણે માત્ર આંસું સારીએ એવો નથી. ઉપર્યુક્ત ગુણો કે લક્ષણો જ્યારે સાધકમાં દેખાય ત્યારે હવે પ્રભુનાં દર્શન બહુ દૂર નથી એમ સમજી શકાય. 

એક ભક્તે પૂછ્યું: ‘મહાશય, આત્મસંયમ માટે સૌ પ્રથમ વિવેકને કેળવવો જોઈએ ખરો?’ શ્રીઠાકુર આ વિવેકના પથને અવગણતા હતા એવું ન હતું પરંતુ તેઓ એને સર્વોચ્ચ સ્થાન પણ ન આપતા. તેમણે કહ્યું: ‘પ્રેમભક્તિના પથે ચાલીને સૂક્ષ્મ ઇન્દ્રિયોને સંયમમાં લાવી શકાય છે અને એ રીતે એ કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકાય.’ જેવો પ્રભુપ્રેમ જાગે અને ઉન્નત બને કે તરત ઇન્દ્રિય સુખો વધુ ને વધુ નિરસ બની જાય. ખાંડમાંથી બનાવેલ સીરપ જો કોઈ ચાખી લે તો પછી ગોળ સરીમાંથી બનાવેલ પીણાની મજા કોઈ માણી શકે ખરું? શ્રીઠાકુરે એક દૃષ્ટાંત આપીને આ વિષયને વધારે સ્પષ્ટ કર્યો છે. પોતાના બાળકના મૃત્યુના દિવસે જ કોઈ પણ સ્ત્રીપુરુષને ભોગવાસનાનું સુખ આકર્ષી શકે ખરું? વિષાદની લાગણી એટલી બધી ગહન છે કે મનને બીજી કોઈ બાબતો તરફ વાળી શકાતું નથી. એક ભક્તે પૂછ્યું: ‘પ્રભુના નામમાં હું કેવી રીતે આનંદ માણી શકું?’ વાત સાચી છે. ક્યાં છે આપણો પ્રભુપ્રેમ? જો આપણે આ પ્રભુપ્રેમને વિકસાવીએ, ઉન્નત કરીએ તો ઇન્દ્રિય સુખનો આનંદ અને એનું આકર્ષણ અદૃશ્ય થઈ જાય. આ વિધાન સાચું છે. પણ આપણે કેમ પ્રભુ પ્રત્યેની પ્રેમભાવના વિકસાવી શકતા નથી? શ્રીઠાકુરે જવાબ આપ્યો છે: ‘પ્રભુ પ્રત્યેની હૃદયપૂર્વકની આરત સાથે તેમને પ્રાર્થો અને તેથી તેમના નામસ્મરણમાં તમને આનંદ આવશે. તે અવશ્ય તમારી હૃદયની ઇચ્છાને પૂર્ણ કરશે.’ આ વાત ન માની શકાય તેટલી સરળસહજ છે. જો આપણે માત્ર એમની પ્રાર્થના કરીએ તો એમના નામસ્મરણમાં આપણાં રુચિપ્રેમનો વિકાસ થાય, શું એ ખરેખર સાચું છે? શ્રીઠાકુરે કહ્યું: ‘ઈશ્વરનાં નામરટણસ્મરણથી પ્રભુ પ્રત્યેની લગની દિવસે દિવસે સાધકનાં મનધ્યાનમાં વધતી રહે છે અને એનો આત્મા આનંદસભર બની જાય છે; પછી સાધકને કશો ભય ન રહે.’ ઈશ્વરનાં નામ અનંત છે અને સાધકે એને જે ગમે એ નામનું રટણ કે એ નામનો જપ કરવો જોઈએ. જો કોઈ સાધકમાં આ માટેની થોડીઘણી પણ ઇચ્છા જાગે તો તેને (ઈશ્વરપ્રાપ્તિની) આશા રહે છે. પ્રભુની કૃપા એના પર ઉતરવાની જ.

પ્રભુ તો આપણા હૃદયને જુએ છે. એટલે આપણે પૂર્ણનિષ્ઠાથી એના નામની રટણા કે જપ કરતાં રહેવું જોઈએ. કર્તાભજા સંપ્રદાયના ગુરુ મંત્રદીક્ષા આપતી વખતે કહે છે: ‘હવે બધો આધાર તમારા મન પર છે.’ એનો અર્થ એ છે કે જો કોઈ ભક્ત પ્રભુનામની રટણા પૂર્ણનિષ્ઠાથી કરે તો તે જરૂર સફળતા પામવાનો. ‘જેમનું મન યોગ્ય હોય છે એને સુયોગ્ય પથ મળે છે અને તેને સાચા આદર્શ કે ધ્યેયની પ્રાપ્તિ થાય છે.’ કોઈ પણ સાધકે પ્રભુનામના મહિમામાં અટલ શ્રદ્ધા રાખીને સાધના કરવી જોઈએ. ‘અરે શું! હું એમનું પવિત્ર નામ જપું છું. શું મારા માટે કંઈ અશક્ય છે ખરું?’ આવી ઝંખનાભરી તીવ્ર શ્રદ્ધા સાધકમાં હોવી જોઈએ.

જ્યાં સુધી અહં રહે ત્યાં સુધી આપણે ઈશ્વરની અનુભૂતિ નહિ કરી શકીએ. જો આપણે એ ‘કર્તા’ની જગ્યાએ પોતાની જાતને મૂકીએ તો પછી આપણે ઈશ્વરને ક્યાં રાખીશું? ‘અતિ વિનમ્ર બનીને ઉન્નત થઈ શકાય.’ વિનમ્રતા વિના આપણને પ્રભુપ્રેમની પ્રાપ્તિ થતી નથી. સાધુની સંગત રાખવી એ વાત આદેશાત્મક છે. ‘સાધુ, સંતો અને પવિત્ર પુરુષોના સંગાથને મેળવવા સાધકે ઘણું ઘણું વેઠવું પણ પડે છે.’ આવી મુશ્કેલીઓ વેઠવી આવશ્યક છે કારણ કે પ્રારંભમાં આપણું મન પ્રભુ પ્રત્યે દોરવાતું નથી. એને તો ત્યાં બળપૂર્વક લઈ જવું પડે. એવુંયે શક્ય બને કે આધ્યાત્મિક જીવન જીવવા માટે ઘરનું વાતાવરણ પ્રેરક ન હોય તો સાધકે મનને સાધુસંતોની સંગત તરફ બળપૂર્વક લઈ જવું જોઈએ. 

પછી શ્રીઠાકુરે સૂચક વાત કરતાં કહ્યું: ‘સદ્‌ગૃહસ્થના બંગલાનું એક લક્ષણ એ છે કે એના બધા ઓરડાઓ પ્રકાશિત હોય છે. ગરીબ તો આટલું બધું તેલ વાપરી ન શકે અને એટલે જ એને આટલા બધા દીવડા ન હોય. આ દેહમંદિરનો કોઈ પણ ભાગ અંધારિયો ન રહેવો જોઈએ; એને જ્ઞાનદીપથી અજવાળી દેવો જોઈએ.’ દરેકને પ્રભુપ્રાપ્તિ કરવાનો અધિકાર છે. એમની શરણાગતિ સાધવાથી સર્વશક્તિમાન એવા પ્રભુની સાથે સાધક ભળી જાય છે. આવો પરમ આત્મા દરેકમાં રહેલો છે. પણ આપણે તો એનાથી પોતાની જાતને અલગ કરી દીધી છે. એટલે જ આપણે માનીએ છીએ કે આપણે નાના કે ક્ષુદ્ર છીએ અને આપણી શક્તિઓ સીમિત છે. જેવા આપણે પ્રભુ સાથે એક થઈએ છીએ ત્યારે એ ચૈતન્યની આપણને પ્રાપ્તિ થાય છે. જ્યારે આવો ચૈતન્યભાવ જાગે ત્યારે તેને ઈશ્વર સિવાય બીજી કોઈ બાબતોની વાતો કરવામાં કે સાંભળવામાં આનંદ ન આવે. ચાતક વર્ષાના પાણી સિવાય બીજું પાણી પીતા નથી. 

શ્રીરામકૃષ્ણ કથામૃત, ૮ એપ્રિલ, ૧૮૮૩

એક પછી એક રામલાલ અને મંદિરના એક બ્રાહ્મણ કારભારીએ ત્રણ ભજનગીતો ગાયાં અને ત્યાર પછી શ્રીરામકૃષ્ણે ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો વિશે કહ્યું: ‘જેમ વાઘ બીજા પ્રાણીઓને ખાય જાય છે તેમ ‘પ્રભુ માટેની વાઘઝંખનાવાળો’ મોહવાસના, ક્રોધ જેવા ષડ્‌રિપુને ખાય છે. એક વખત આવી ઝંખના જાગે કે મોહવાસના જેવા ઇન્દ્રિય વિષયો અદૃશ્ય થઈ જાય. કૃષ્ણ માટેના તીવ્ર પ્રેમને કારણે વૃંદાવનની ગોપીઓના મનની આવી સ્થિતિ હતી.’ આવા ઈશ્વરપ્રેમને પામવા શ્રીઠાકુર કહે છે: ‘વળી, પ્રભુપ્રેમની તીવ્ર ઝંખનાને દૃગાંજન સાથે સરખાવી છે.’ શાસ્ત્રો ભારપૂર્વક કહે છે કે પ્રભુ પ્રેમની ઝંખનાની તીવ્ર ભાવનાથી જ સાધક પ્રભુને જોઈ શકે છે. રાધાએ પોતાની સખીઓને આમ કહ્યું છે: ‘હું તો કૃષ્ણને સર્વત્ર નિહાળું છું.’ બદ્ધ આત્મા એક પળ માટે પણ પ્રભુ વિશે વિચારતો નથી. આ સંસારીવૃત્તિવાળા લોકો દ્વારા કોઈ ઉમદાકાર્ય થઈ શકવાનું નથી. કારણ કે તેઓ બધા તો મોહ, ક્રોધ અને એવા બીજા ઇન્દ્રિય ભોગથી અંકુશિત છે. બદ્ધ આત્મા રેશમના કીડા જેવા છે. એમને પોતાની લાળથી રચેલા કોશેટામાંથી બહાર નીકળવાનું ગમતું નથી. આવી રીતે પોતાને બદ્ધ કરીને શા માટે કોઈ પોતાના મોતને નોતરે છે? શ્રીઠાકુરે એનો ઉત્તર આપતાં કહ્યું: ‘માયા જ એને ભ્રમમાં નાખે છે.’

લોકોના ઘણા પ્રકાર છે. કેટલાક લોકો આધ્યાત્મિક સાધના દ્વારા પૂર્ણતા પ્રાપ્ત કરે છે; એ લોકો ઘણા પરિશ્રમ સાથે ખેતી કરતાં ખેડૂત જેવા છે. વળી કેટલાક એવા છે કે જેઓ પ્રભુકૃપાથી પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આવા લોકો પાણી સિંચવા માટે વધુ પરિશ્રમ ન કરતાં ખેડૂત જેવા છે. એમનાં ખેતરો વરસાદથી સિંચાય છે. પ્રભુકૃપાથી એમને સરળતાથી પૂર્ણતા પ્રાપ્ત થાય છે. પરંતુ આવા લોકો ઘણા અલ્પપ્રમાણમાં હોય છે. હવે એક આવો પ્રશ્ન એની મેળે ઊભો થાય છે. શા માટે આપણે આધ્યાત્મિક સાધના કરવી જોઈએ? પ્રભુ આપણને એમની કૃપાથી પૂર્ણ કેમ બનાવતા નથી? પ્રભુ શું કરે છે એ તેઓ જ જાણે. આપણે તો આપણે શું કરવું જોઈએ અને એમની કૃપા માટે સાધના કેવી રીતે કરવી જોઈએ એટલું જ ધ્યાનમાં રાખવાનું છે. જો આપણે ખરેખર પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો એને પ્રાપ્ત કરવા માટે આવશ્યક એવું બધું આપણે કરવું પડશે. આધ્યાત્મિક સાધના કર્યા વિના આપણને મુક્ત કરવા માટે જો એમની અમીકૃપા મળી રહે તો એ પ્રભુનો વિશેષ અધિકાર છે.

પછી પણ એક બીજો વર્ગ છે, સદૈવ પૂર્ણ આત્માઓનો. તેઓ પોતાની આધ્યાત્મિક ચેતનાને પૂર્ણપણે જાગ્રત કરીને દરેક અવતારમાં અવતર્યા છે. એમણે જે કંઈ પણ કરવાનું હતું તે એમણે પૂર્ણ કર્યું છે. તેઓ જ્ઞાન અને પ્રેમભક્તિથી ભરેલ છે. તેઓ યોગ્ય પળની રાહમાં હોય છે. અને જ્યારે એ પળ આવે કે એમના જ્ઞાન અને પ્રેમભક્તિ પૂરબહારે ખીલી ઊઠે છે. તેઓ અવતાર સાથે અવતરે છે. 

ગોપીઓની આતુરતા

શ્રીઠાકુરે કહ્યું: ‘કેવી હતી ગોપીઓની ઉત્સુકતા! તેઓ કેવા અંતર્ભાવથી કૃષ્ણને ઝંખતી હતી!’ વૃંદાવનની ગોપીઓની આ આતુરતા વિશેનું ગીત સાંભળીને શ્રીઠાકુર સમાધિભાવમાં આવી ગયા. પોતાની સમાધિમાં એમણે કૃષ્ણને સર્વત્ર નિહાળ્યા. ભક્તોનાં આતુર નયનો શ્રીઠાકુરના આ અનંતભાવ પર સ્થિર થઈ ગયાં.

સમાધિભાવમાંથી બહાર આવીને શ્રીઠાકુર ફરીથી કહેવા લાગ્યા, એ સમય દરમિયાન અધરસેન પોતાના કેટલાક મિત્રો સાથે આવી પહોંચ્યા. એના મનમાં જાગેલા પ્રશ્નનો ઉત્તર શ્રીઠાકુર આપી રહ્યા છે: ‘સંસારી લોકોમાં આધ્યાત્મિક જ્ઞાનનાં દર્શન વિરલ જ હોય છે. એ તો મીણબત્તીની જ્વાળા જેવું હોય છે.’ એ વિધાનને તરત જ પાછું ખેંચતા હોય એમ એમણે કહ્યું: ‘ના, દિવાલમાંની સાંકળી તિરાડમાંથી પસાર થતાં સૂર્યના એકાદ કીરણ જેવું. સંસારના લોકો પ્રભુનામ રટણ કે જપ તો કરે છે પણ એની પાછળ તીવ્ર ઝંખના કે ઉત્સુકતા નથી.’ સંસારી લોકો પ્રભુનામનું રટણ કોઈ નિષ્ઠા કે ઝંખના વિના કરે છે. એમને ઈશ્વર વિશે કે એમની અનુભૂતિનો કોઈ ખયાલ જ નથી. એમની સાધનામાં ક્યાંય ઉત્સુકતા કે ઝંખના નથી કે નથી ધૈર્ય-દૃઢતા. લોકો તો પોતાના ભૂતકાળનાં કર્મોનાં ફળ ભોગવે છે. આ વિચારને અભિવ્યક્ત કરતું ગીત શ્રીઠાકુર ગાય છે:

દોષ કોઈનો નથી ઓ મા!
મેં ખોદ્યા ખાડામાં હું ડૂબી મરું શ્યામા..
ષડ્‌રિપુ થયા કોદાળા રૂપ,
પુણ્યક્ષેત્રમાંહી ખોદ્યો કૂપ,
કૂપમાં નીકળ્યું કાળરૂપી જળ, કાળ મનોરમા..
મારું શું થશે તારિણી, ત્રિગુણધારિણી,
અવળું કર્યું મેં પોતાની મેળે.

‘હું’ અને ‘મારું’ તેમજ મૃત્યુનો ભય

પછી શ્રીઠાકુરે કહ્યું: “હું’ અને ‘મારું’ એ જ અજ્ઞાન છે.’ ‘હું’ અને ‘મારું’નો ભાવ એ જ આપણાં બધાં દુ:ખનું મૂળ છે. વાસ્તવિક રીતે જો આ ‘હું’ની આપણી આસપાસ રચાયેલી દિવાલ તોડી પડાય તો, આપણી ભીતર આ ‘હું’ જોવા નહિ મળે. પછી તો તે (પ્રભુ) જ રહે છે. તેઓ આ સાન્ત, નશ્વરદેહની પાછળ રહે છે. વિવેક-વૈરાગ્યથી આપણે સત્યની અનુભૂતિ કરી શકીશું. શું આપણે દેહ, માંસ કે બીજું કંઈ છીએ? ના, આપણે એમાંના કંઈ નથી. આપણે કોઈ આવી ઉપાધિઓ નથી.

આ ઉપાધિઓ એવાં વિશિષ્ટ લક્ષણો છે જેના દ્વારા આપણે આપણી જાતને પ્રભુથી અલગ કરીએ છીએ. દેહ, મન અને ઇન્દ્રિયોની ઉપાધિઓ આત્મા પર ઠોકી બેસાડેલ છે. હું દુબળો-પાતળો કે જાડો હોઈ શકું. આ પાતળાપણું કે હૃષ્ટપુષ્ટતા એ મારા દેહની ઉપાધિઓ છે અને એ આત્મા પર લાદી દેવામાં આવી છે; પરંતુ હું કહું છું કે ‘હું’ કે આત્મા એ દુબળોપાતળો અને હૃષ્ટપુષ્ટ છે, વગેરે વગેરે. એવી જ રીતે ઇન્દ્રિયો અને મનને પણ આ આત્મા પર લાદવામાં આવ્યાં છે. પણ આમાંની એકેય ઉપાધિ આત્માની નથી. તે સત્ય-અસત્યથી પર છે. એના પર કોઈ ગુણનો પાશ લાગતો નથી.

જ્યારે કોઈ સાધક પ્રભુને સાક્ષાત્‌ જુએ છે ત્યારે બુદ્ધિ કે તર્ક બંધ થાય છે. ત્યાં બુદ્ધિને કોઈ સ્થાન નથી. અને જો પ્રત્યક્ષ અનુભૂતી થાય તો ત્યાં શંકા કેવી રીતે ઉદ્‌ભવી શકે? શ્રીઠાકુરે કહ્યું છે: ‘પરંતુ લોકોના એવા ઉદાહરણો છે કે જેમણે ઈશ્વરાનુભૂતિ પણ કરી લીધી છે અને છતાંય તેઓ હજુ બુદ્ધિતર્ક ચલાવે છે.’ બીજાને ખાતર, પોતાની અનુભૂતિઓને બીજા સુધી પહોંચાડવા અને બુદ્ધિતર્ક દ્વારા આ પરમસત્યને તેઓ અનુભવે તે માટે ઈશ્વરાનુભૂતિ પછી કેટલાક લોકો બુદ્ધિતર્ક કરે છે. એ પરમાત્માને પ્રાપ્ત કરવા બીજા લોકો શક્તિમાન બને તે માટે શંકરાચાર્ય અને બીજા કેટલાકે બુદ્ધિતર્ક ચલાવ્યાં. અને વળી, કેટલાક એવા લોકોય છે કે જેઓ ઈશ્વરને પ્રત્યક્ષ જોયા પછી તેમનું નામ-સ્મરણ કરે છે, તેમના મહિમાનું ગાન કરે છે અને ભક્તિનો આનંદ માણે છે. જો સાધુ-સંતોની અનુભૂતિઓનું પ્રગટીકરણ આ રીતે ન થાય તો સામાન્ય લોકો માટે પ્રભુને જાણવાનો કોઈ ઉપાય કે પથ રહેતો નથી. જો ભીતર આ આનંદનું પ્રગટીકરણ ન થાય તો લોકો તેની કલ્પના પણ ન કરી શકે.

શ્રીઠાકુરે કહ્યું છે : ‘ઈશ્વર જ સર્વ કંઈ બને છે. પરંતુ માનવમાં તે મહદંશે પોતે પ્રગટે છે.’ આપણામાં સુસ્પષ્ટ રીતે આ ચૈતન્ય પ્રગટે છે અને જે વ્યક્તિ નિર્મળ હોય છે તેની સામે પ્રભુ પ્રત્યક્ષ થાય છે. એટલે જ શ્રીકૃષ્ણે કહ્યું હતું કે જ્ઞાની એ પોતાનું રૂપ છે. 

અધરસેન પોતાના મિત્ર શારદાચરણ સાથે આવ્યા છે અને શ્રીઠાકુરને પોતાના મિત્રના પુત્રના અવસાનથી થયેલા આઘાતની વાત કરે છે. પોતાની આજુબાજુના વાતાવરણમાં જાણે કે ધ્યાન ન હોય તેમ શ્રીઠાકુરે ગીત ગાયું :

જીવ થા તૈયાર લડવા રણવેશે કાળપ્રવેશે તવ ઘેર,
ભક્તિ-રથે ચડી, લઈ જ્ઞાનભાથો
રસના-ધનુને દઈ પ્રેમદોર;
બ્રહ્મમયીનું નામ બ્રહ્માસ્ત્ર,
તેમાં કરો સંધાન……
બીજી એક યુક્તિ, રણે જોઈએ નહિ, રથ, રથી,
સહેલાઈથી શત્રુ નાશ થાય,
જો રણભૂમિ કરે દાશરથી
ભાગિરથીને તીરે……

આ જીવન એક રણસંગ્રામ છે જેમાં મૃત્યુ એક યોદ્ધારૂપે પ્રવેશે છે, એની સામે લડવું રહ્યું. મૃત્યુ અનિવાર્ય છે, પરંતુ જ્યારે આપણે જીવીએ છીએ ત્યાં સુધી તેને ધ્યાનમાં લેતા નથી. અને જ્યારે તે આવે છે ત્યારે આપણામાં એની સામે લડવાની શક્તિ હોતી નથી. આપણે જ્ઞાન અને ભક્તિની મદદથી પ્રબળ બનવું પડશે અને આપણા મૂળ સ્વરૂપને અનુભવીને મૃત્યુને ઉલ્લંઘવું પડશે. બીજો કોઈ માર્ગ નથી. મૃત્યુ આપણા ઘરમાં પ્રવેશી ગયું છે અને પ્રભુના પવિત્ર નામના શસ્ત્રથી તેની સામે લડવું પડશે. જો કે શ્રીઠાકુરે શરૂઆતમાં આવું યુદ્ધ કરવાની વાત કરીને પછી કહ્યું, ‘હે પ્રભુ! મારા દ્વારા તમે જે કરાવવા ઇચ્છો તે હું કરું છું; મારા દ્વારા તમે જે બોલાવવા ઇચ્છો છો તે હું બોલું છું. ….. તમારું મુખત્યારનામું પ્રભુને આપી દો.’

જો આપણે ઈશ્વરની ઇચ્છાને પૂર્ણપણે અધીન થઈ જઈએ તો આપણે લડવું પડતું નથી. જ્યાં સુધી આ ‘હું’ રહે છે ત્યાં સુધી એ લડાઈ ચાલું રહેવાની. શ્રીઠાકુરે પેલા સદ્‌ગૃહસ્થને પોતાના પુત્રના મૃત્યુથી આવી પડેલા દુ:ખ માટે સલાહ જ ન આપી પણ તેઓ તેના દુ:ખે દુ:ખી પણ થયા. તેમણે કહ્યું, ‘પરંતુ તમારો વિષાદ માત્ર તમારા પુત્ર માટે સ્વાભાવિક રીતે છે, ખરું ને?’ એમને ઘણી સહાનુભૂતિ હતી. સામાન્ય લોકોનું દુ:ખ પણ એમના હૃદયને સ્પર્શી જતું. તો પછી એક માનવ શું કરી શકે? શું તે હતાશામાં ડૂબી જાય? એટલે જ શ્રીઠાકુરે ઉમેર્યું : ‘ભાઈ, ઘર, પત્ની, અને બાળકો બધા અલ્પજીવી છે; તેમનું અસ્તિત્વ ક્ષણભરનું હોય છે.’ જો આપણે આ જગતની ક્ષણભંગુરતાથી જાગી જઈએ તો કોઈ દુ:ખ વિષાદ રહે નહીં. અહીં જગત એટલે જે ગતિશીલ છે અને ક્ષણભંગુર છે. જે અનિવાર્ય હોય એના પર વિષાદ શા માટે કરવો જોઈએ? ઈશ્વર આ ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે : ઉત્પત્તિ, સ્થિતિ અને લય. મૃત્યુ અનિવાર્ય છે. એટલે લયકાળે જગન્માતા ભાવિ સર્જન માટે માત્ર બીજ એકઠા કરે છે. આપણે આ ક્ષુદ્ર સંસારને સર્વ કંઈ માનીએ છીએ. એમાંથી કંઈ ગુમાવીએ એટલે આપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ.

Total Views: 70

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.