(ગતાંકથી આગળ)

આ સમગ્ર વિશ્વમાં કંઈ રહેશે નહિ. તે પાણીના પરપોટા જેવું છે અને તેનું જીવન ક્ષણભંગુર છે. પાણીમાંથી પરપોટો બહાર આવે છે, થોડીક ક્ષણ માટે રહે છે અને વળી પાછો પાણીમાં સમાઈ જાય છે. આ વિશ્વ પણ એવું જ છે, પરપોટાની જેમ ઉદ્‌ભવે છે, અનંત કાળમાં થોડો સમય સ્થિતિમાં રહે છે અને વળી પાછું એમાં સમાઈ જાય છે. આપણે સામાન્ય મર્ત્ય માનવો ભાગ્યે જ એની ધારણા કરી શકીએ. માનવ કાળના શાશ્વત પ્રવાહમાં તરે છે. ક્યારેક થોડાક પરપોટા એક જુથ રચે છે, પરંતુ તે અલગ થઈ જવા માટે અને ધોવાઈ જવા માટે આવું કરે છે; પછી કોણ જાણે તેઓ ક્યાં ચાલ્યા જાય છે! આપણે તો તણખલાની જેમ ઉપરની સપાટીએ તરીએ છીએ અને છતાંયે આપણે સુખદ સ્વપ્ન સેવીએ છીએ. આપણે જૂઠી આશાઓથી આપણા દુ:ખને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ અને ઇચ્છીએ છીએ કે ભલે આપણે જુદા પડ્યા હોઈએ પણ અંતે આપણે ભેગા થઈશું. પણ આ સાચો માર્ગ નથી. સાચો માર્ગ તો નશ્વરને નશ્વર તરીકે ઓળખવામાં છે. અને આ રીતે આપણા મનને અનિવાર્ય બાબતને સ્વીકારવા કેળવવું પડે. જો આપણે આપણી ઇચ્છાઓને નિર્મૂળ કરી નાખીએ, ‘હું’ને ભૂંસી નાખીએ અને આપણી નાની દુનિયાનાં બંધનોને તોડી પાડીએ તો આપણાં બધાં દુ:ખકષ્ટોનો અંત થશે. ‘નશ્વર જગત નશ્વર જ રહેશે અને હું કાંઈ મેળવવાનોય નથી અને કંઈ ગુમાવવાનોય નથી.’ જો આપણે સંકલ્પનામાં દૃઢ રહી શકીએ તો એમાં સ્થિર બની શકીએ તો આપણે ડરવાની જરૂર નથી. આપણે મૃત્યુને જીતી લઈએ છીએ અને શાશ્વત મૃત્યુવિહીન અને અતીન્દ્રિય અવસ્થામાં પહોંચીએ છીએ. આપણે મર્ત્ય છીએ આ વાત જ્યારે આપણે જાણી લઈએ ત્યારે મૃત્યુનો કોઈ ભય આપણા પર રહેતો નથી. ‘એમને (પ્રભુને) જાણીને માણસ મૃત્યુથી પર બને છે. આ સિવાય બીજો કોઈ પથ નથી.’ 

અધર સેનને સૂચના

પછી શ્રીરામકૃષ્ણ પોતાના ઓરડાની ઉત્તરની પરસાળમાં અધર સેન સાથે વાતો કરે છે. અધર શ્રીઠાકુરને તાજેતરમાં જ મળ્યા હતા. આ એમની બીજી મુલાકાત હતી. ત્યાર પછી દોઢ વર્ષે એમનું અવસાન થયું. જાણે કે અધર સેનનું ભવિષ્ય જાણતા હોય તેમ શ્રીઠાકુરે તેમને સલાહ આપી: ‘આ સંસાર આપણા માટે પ્રવૃત્તિનું ક્ષેત્ર છે. અહીં આપણે કેટલાંક કર્તવ્યો કરવાનાં છે. લોકોને દૂર ગ્રામ્ય પ્રદેશોમાં પોતાના મકાન હોય છે પણ તેઓ કાર્ય માટે કે નોકરી ધંધા માટે કોલકાતા આવે છે. ચોક્કસ પ્રમાણમાં કાર્ય કરવું જરૂરી છે. આ એક અભ્યાસ છે પણ આ કાર્ય જે તે વ્યક્તિએ ઝડપથી પૂરું કરી દેવું જોઈએ.’

અધર સેન ડેપ્યુટી મેજિસ્ટ્રેટ હતા અને પ્રભુની કૃપાથી એમને આ સ્થાન મળ્યું છે એ વાત શ્રીઠાકુર યાદ અપાવવા માગતા હતા. કીર્તિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીને ભગવાનને ભૂલી ન જવા જોઈએ. એટલે શ્રીઠાકુરે કહ્યું: ‘આપણે તો આ દુનિયામાં થોડાક દિવસો રહેવાનું છે. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે શ્રીઠાકુર અધર સેનના મનમાં આ ક્ષણભંગુર જગતની વાત વિશેષ રૂપે ઠસાવવાનો પ્રયત્ન કરતા હતા. આપણે આ દુનિયામાં કાયમ રહેવા આવ્યા નથી એ વાત આપણા મનમાં રાખવી જોઈએ. ઈશ્વરની અનુભૂતિ કરવા માટે આપણે માનવ રૂપે જન્મ્યા છીએ. જે હેતુ માટે આપણે આવ્યા છીએ એ હેતુ સરે નહિ તો આપણો માનવ જન્મ વૃથા છે. ‘આ હું પછીથી કરી લઈશ’, કે ‘આનો વારો એના સમયે આવશે’ આવા વિચારથી કોઈ પણ કાર્યને મુલતવી રાખવું એ વ્યર્થ છે. આપણે આધ્યાત્મિક સાધના કરવી જોઈએ. આ જીવનનો હેતુ ઈશ્વરની અનુભૂતિ છે એ વાતને સતત મનમાં રાખીને આપણે સખત પુરુષાર્થ કરવો જોઈએ. સોનાને ગાળતી વખતે સોની પંખાનો, મોઢેથી ફૂંક મારવાની ભૂંગળીનો વગેરે વસ્તુનો ઉપયોગ કરે છે, જેથી સોનાને ઓગાળવા માટે અગ્નિ પૂરેપૂરો પ્રગટી ઊઠે. સોનુ પૂરેપૂરું ઓગળી ન જાય ત્યાં સુધી ચલમનો દમ પણ ન મારી શકે. આ જ રીતે આપણે સર્વ પ્રથમ તો પ્રભુને મેળવવા જોઈએ. એક બીજા પ્રસંગે શ્રીઠાકુરે કહ્યું: ‘સોનુ ઓરડામાં છે. ચોર અને સોના વચ્ચે દીવાલ છે. હવે ચોર એમ ને એમ છાનો માનો બેઠો રહેશે કે પેલી દિવાલને તોડીને સોનુ લઈ જવા માટે પૂરતો પ્રયત્ન કરશે? આપણને જ્યારે માનવ જન્મ મળ્યો છે, પ્રભુ વિશે વિચારવાની એક તક મળી છે ત્યારે જેટલી બને તેટલી ઝડપથી અને શક્ય બને તેટલો વધુ તેનો ઉપયોગ કરી લેવો જોઈએ. આપણે ધ્યેયપ્રાપ્તિ માટે વ્યાકુળ બનવું જોઈએ અને પ્રબળ ઉત્કટતા સેવવી જોઈએ; નહિ તો આપણે આળસુ બનીને ઉતાવળ કરવાની હવે જરૂર નથી એવું વિચારતા બની જઈશું અને ધ્યેય તો અપ્રાપ્ય જ રહેવાનું. શ્રીઠાકુરે કહ્યું છે કે : ‘પહેલાં તો દૃઢ નિર્ણય હોવો જોઈએ. પછી જ આધ્યાત્મિક સાધના શક્ય બને. મનથી પાકો નિર્ણય કરવો જ જોઈએ.’

આ દુનિયામાં કેટલાંય પ્રલોભનો છે એટલે જ સાધકમાં દૃઢનિર્ણય શક્તિ હોવી જોઈએ અને તેણે હંમેશાં સાવધ રહેવું જોઈએ. પ્રભુનામમાં ઘણી મહાન શક્તિ છે અને તે અજ્ઞાનને દૂર કરે છે. પરંતુ જેમણે સંસારત્યાગ કર્યો છે તેમને ઝાઝો ભય નથી. તેઓ ઈંદ્રિયભોગોના વિષયોથી પર છે. પરંતુ માત્ર ઈંદ્રિયભોગોના વિષયસુખોથી પર રહેવું એ જ પૂરતું નથી. શ્રીઠાકુરે કહ્યું છે : ‘સાચો સંન્યાસી ‘કામિનીકાંચન’થી દૂર રહે છે. તેથી આધ્યાત્મિક સાધના દ્વારા તે ઈશ્વર પર પોતાનું મન પૂરેપૂરું લગાડી શકે.’ આપણે ‘આધ્યાત્મિક સાધના દ્વારા’ એ શબ્દોને ધ્યાનમાં રાખવા જોઈએ.

આપણને એવું અવારનવાર જોવા મળે છે કે કેટલાંક લોકો વિષયભોગના સુખોવાળું જીવન જીવતા નથી; પરંતુ તેઓ જીવન એકરસીલાં અને કોઈપણ હેતુવિહીન જીવે છે. એટલે જ ત્યાગની જે કંઈપણ સાધના તેઓ કરે છે તે નિરર્થક જાય છે; તેથી જ આધ્યાત્મિક સાધનાનું અનુશાસન નિતાંત આવશ્યક છે. ત્યાગ એકલો જ પૂર્ણતા અપાવી શકતો નથી. ત્યાગ એ સાધન છે સાધ્ય નહિ. એની મદદથી સાધક પોતાનું મન પ્રભુમાં પરોવી શકે છે. જે ત્યાગ આપણને ઈશ્વર તરફ દોરી ન જાય તે ત્યાગની કોઈ આવશ્યકતા નથી. ત્યાગની સાથે સાધના જોડવી જોઈએ. પોતાનો ઈશ્વરપ્રેમ વધ્યો છે કે નહિ એ વિષે સાધકે હંમેશાં જાગૃતપણે જોવું જોઈએ; નહિ તો એકલો ત્યાગ વ્યર્થ જાય છે.

ઈશ્વરપ્રેમ

શ્રીઠાકુરે ત્યાગને ઈંદ્રિયવિષયો પ્રત્યેની નિરાસક્તિરૂપે અને ઈશ્વરપ્રેમરૂપે વર્ણવ્યો છે. કોઈ વ્યક્તિ ઘણાં કારણોને લીધે ઈંદ્રિયવિષયો પ્રત્યેની નિરાસક્તિનો વિકાસ સાધે છે. તે ઈંદ્રિયભોગસુખો મેળવવાની આપણી આંધળી દોટમાં આપણને હાનિ પહોંચી છે કે એ બધાં આપણી પહોંચની બહારનાં છે એટલે આપણે એમને અવગણીએ છીએ. પણ આને લીધે ઈશ્વરપ્રેમમાં ઉન્નતિ થતી નથી. ઈશ્વરપ્રેમ સિવાય સાચો ત્યાગ ઉદ્‌ભવતો નથી. શ્રીઠાકુરે આ બાહ્યદેખાવવાળા ત્યાગને ઘણા પ્રસંગે ધિક્કાર્યો છે. ઉપરછલ્લી રીતે તે ત્યાગ જેવું લાગે પણ તે વાસ્તવિક ત્યાગ હોતો નથી; એ તો કોઈ વ્યક્તિ કામધંધો ન મળતાં બનારસ જાય અને ત્યાં એને કામધંધો મળી જાય એટલે વૈરાગ્ય પણ ચાલ્યો જાય, એના જેવું છે. આ તો માત્ર દેખાવનો બનાવટી ત્યાગ છે જે સાધકે ખરેખર સાચી અનાસક્તિ કેળવી છે તેનામાં ઈંદ્રિય સુખોપભોગની આસક્તિ ક્યારેય ઉદ્‌ભવે નહીં. પરંતુ જે લોકો આ સંસારમાં ‘કામિનીકાંચન’ની વચ્ચે રહે છે, તેઓ પોતાનાં મન-ધ્યાન ઈશ્વરમાં ભલે લગાડે, પણ ક્યારેક એમનાં મન ‘કામિનીકાંચન’ તરફ વળે છે. તેઓ પોતાનાં મન-ધ્યાન ક્યારેક ઈશ્વર પર લગાડે છે પણ એમનાં મન વળી પાછાં ઈંદ્રિય સુખોપભોગ તરફ વળે છે. સામાન્ય લોકોના મન પેલી માખીઓ જેવાં છે; આવી માખીઓ ખાંડ કે સાકરના ટુકડા ઉપર ભલે બેસે પણ અંતે તો છાણ અને મળ પર બેસવાની. પરંતુ મધમાખી તો પુષ્પ પર જ બેસે છે અને એમાંથી મધ ચૂસે છે. એવી જ રીતે સાચા ત્યાગી સાધકનું મન સદૈવ ઈશ્વરમાં જ રહે છે. એટલે ઈશ્વરમાં મનને પરોવવું આવશ્યક છે; અને એને માટે સાધકે સાધનાના પ્રાથમિક તબક્કામાં દૃઢ નિર્ણય સાથે ખૂબ ઝઝૂમવું પડે છે. મન તો સ્વાભાવિક રીતે ઈંદ્રિયોસુખોપભોગ તરફ ખેંચાય છે, એટલે એને એમનાથી દૂર રાખવું આવશ્યક છે.

તંત્ર સાધનામાં ત્રણ પ્રકારની સાધનાઓ આવે છે- પશુભાવ, વીરભાવ અને દેવભાવ. પશુ એ શબ્દનો અર્થ ગાય કે બકરી એવો નથી; અર્થાત્‌ જે વ્યક્તિ ઈંદ્રિયોનો ગુલામ. સામાન્ય જીવ તંત્રસાધનાના પશુભાવનું અનુસરણ કરે છે. આવા લોકોએ ઈંદ્રિયોનાં પ્રલોભનોથી દૂર રહેવું જોઈએ. એનું કારણ એ છે કે એવા લોકોનાં મન ક્યારે ઈંદ્રિયોસુખોપભોગ વળે તેનો એમને ક્યારેય ખ્યાલ નથી આવતો.પોતાનાં સ્વાભાવિક રસ-રુચિ વલણોની વિરુદ્ધ જવું કે લડવું એ ઘણું કઠિન કામ છે. એમાં તેઓ ક્યારેક સફળ પણ થાય અને ક્યારેક એમને નિષ્ફળતા પણ મળે. એટલે જ આવા સાધકોને ઈંદ્રિયોસુખોપભોગથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

પરંતુ વીરભાવનો સાધક આવા પદાર્થોથી પોતાની જાતને દૂર કરતો નથી, પણ એની સાથે ઝઝૂમે છે; એટલે જ એને વીર કહેવાય છે. આવો વીરભાવનો સાધક પ્રલોભનોની વચ્ચે રહે છે, પણ પોતાની શક્તિમાં પૂર્ણ વિશ્વાસ રાખીને ઈંદ્રિયોસુખોપભોગથી જરાય લલચાયા વિના તે તેમની સામે લડતો રહે છે. ઝઝૂમતાં-ઝઝૂમતાં તે ઉન્નતિ સાધે છે. બીજી બાજુએ દેવભાવનો સાધક પોતાનાં દિવ્યગુણોને કારણે હંમેશાં પોતાનું મન ઈશ્વરમાં જ લીન રાખે છે; પછી ભલે એ આવાં પ્રલોભનોની વચ્ચે રહેતો હોય કે ન રહેતો હોય. આવા સાધકો ક્યારેય ઈંદ્રિયોસુખોપભોગથી આકર્ષાતા નથી. પરંતુ સામાન્ય સાધક માટે આવી દિવ્યભાવની સાધના શકય નથી. આવા સાધક તો વિરલ જ હોય છે. આવા સાધકનું મન ઈંદ્રિયોસુખોપભોગથી કે ઈંદ્રિયસુખોથી ક્યારેય લલચાતું નથી. વીરભાવના સાધકો અત્યંત અલ્પસંખ્યામાં હોય છે. સામાન્ય સાધકને માટે યોગ્ય રહે તેવા પશુભાવની તંત્રસાધનામાં સાધકના પ્રાથમિક સોપાનરૂપે ભલામણ કરવામાં આવી છે. આપણી શક્તિનું વધુ પડતું મૂલ્ય આંકીને આપણે વીરભાવને અનુસરવો ન જોઈએ. જો આપણે આવું કરીએ તો આપણું પતન ચોક્કસપણે થવાનું.

શ્રીરામકૃષ્ણ કથામૃત
(એપ્રિલ-૧૫, ૧૮૮૩)

સુરેન્દ્ર શ્રીરામકૃષ્ણના સૌથી વધુ પ્રિય શિષ્યોમાંના એક હતા. અન્નપૂર્ણાપૂજાના પવિત્ર પર્વ નિમિત્તે તેમણે શ્રીઠાકુરને પોતાને ઘરે નિમંત્ર્યા હતા. સુરેન્દ્રના ઘરની ખુલ્લી પરસાળમાં શ્રીઠાકુર એક ચટાઈ પર બેઠા હતા. એમને મોટું ઓશિકું આપવામાં આવ્યું પણ એને શ્રીઠાકુરે દૂર ધકેલી દીધું. તેમણે કહ્યું : ‘આવાં ઓશીંગણને આધારે બેસવાનું! જુઓ, આવી ક્ષણભંગુરતાનો ત્યાગ કરવો ઘણો કઠિન છે. અહં કંઈ નથી એમ કહીને તમે વિવેકની વાત કરી શકો, પણ છતાંય કોણ જાણે ક્યાંથી એ આવી જ જાય છે.’ અર્થાત્‌ આવાં ઓશીંગણને અઢેલીને લોકોના સમૂહ વચ્ચે બેસવું એ જાણે કે પોતે કોઈ સામાન્ય વર્ગનો નથી એવું જાહેર કરવા જેવું છે. જો આવું ઓશિકું ન અપાય તો એવો માણસ આવું વિચારે. ‘જુઓ તો ખરા! મને ઓશિકું ય ન આપ્યું?’ અહં સરળતાથી જતો નથી. વિવેકથી આપણે એને દૂર હડસેલી દઈએ પણ કોણ જાણે એ ક્યાંથી અંદર આવી જાય છે. શ્રીઠાકુર એક ઉદાહરણ આપે છે : ‘બકરાનું માથું ઉડાડી દઈએ ત્યાર પછી થોડીક ક્ષણ એમના પગ ધ્રુજતા રહે છે કે તમે સ્વપ્નમાં ડરી જાઓ છો, તમારી ઊંઘ ઊડી જાય છે, તમે જાગી ઊઠો છો, પણ હજીયે તમારું હૃદય કંપતું રહે છે.’ અહં બરાબર આવો જ છે. તેને તમે હાંકી કાઢો તો ય ક્યાંકથી એ દેખા દે છે. ત્યારે તમે દુ:ખી દુ:ખી થઈ જવાના અને કહેવાના : ‘અરે! મારા પ્રત્યે પૂરો આદરભાવ પણ ન બતાવ્યો!’ પોતાની જાત માટે શ્રીઠાકુર કહેતા : ‘હું મારી જાતને ભક્તોની ચરણરજ ગણું છું.’ આ એવી અવસ્થા છે કે જ્યાં અહં પૂર્ણપણે ચાલ્યો ગયો છે.

કોલકાતા હાઈકોર્ટના વકીલ વૈદ્યનાથ આવ્યા હતા. સુરેન્દ્રે શ્રીઠાકુરને એમનો પરિચય કરાવ્યો. તેઓ અહીં શ્રીઠાકુરને એકાદ બે પ્રશ્નો પૂછવા આવ્યા હતા. તેઓ કંઈ પણ પૂછે એ પહેલા જ શ્રીઠાકુરે કહી દીધું : ‘તમે જે કંઈ પણ જુઓ છો તે ઈશ્વરની શક્તિનું પ્રગટીકરણ છે…પરંતુ તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા પદાર્થોમાં ઈશ્વરની એકસમાન શક્તિનું પ્રગટીકરણ થતું નથી… સર્વવ્યાપી શક્તિની જેમ પ્રભુ બધામાં રહેલા છે. પરંતુ વિવિધ જીવોમાં તેમની શક્તિનું પ્રગટીકરણ ભિન્ન ભિન્ન હોય છે.’ એમની શક્તિ બધું કરે છે પણ એ એક જ પ્રકારની શક્તિ બધે નથી હોતી. એના પ્રગટીકરણમાં ભિન્નતા જોવા મળે છે. તે દરેકમાં સ્વામીરૂપે રહેલો છે એટલે કે તે પોતે વિવિધરૂપે પ્રગટે છે. એ રીતે બધા સમાન છે પરંતુ જુદા જુદા પદાર્થોમાં કે જીવોમાં તેમની શક્તિનું પ્રગટીકરણ ભિન્ન ભિન્ન હોય છે. કેટલાકની પાસે વધુ પ્રબળ શક્તિ હોય છે, તો કેટલાકની પાસે પ્રમાણમાં ઘણી ઓછી.

સ્વતંત્ર ઇચ્છા

વૈદ્યનાથે પૂછ્યું : ‘મહાશય, મારા મનમાં એક શંકા થાય છે. લોકો સ્વતંત્ર ઇચ્છાની વાત કરે છે. તેઓ કહે છે કે માણસ પોતાની ઇચ્છા પ્રમાણે સારું કે નરસું કરે છે. આ સાચું છે? શું ખરેખર આપણને જે ગમે તે કરવા આપણે સ્વતંત્ર છીએ ખરા?’ આજે ભણેલા ગણેલા માણસોના મનને આ પ્રશ્ન અવારનવાર અકળાવી દે છે. કેટલાક કહે છે : ‘બધું ઈશ્વરની ઇચ્છા પ્રમાણે થાય છે.’ વળી કેટલાક કહે છે : ‘આપણે જે કરવા ઇચ્છીએ તે કરવા સ્વતંત્ર છીએ.’ આમાંથી કયું સાચું? શાસ્ત્રો કહે છે : ‘સત્‌કાર્યો કરવાં’. વળી પ્રશ્ન ઊભો થાય છે કે સૌપ્રથમ તો આપણે એ નક્કી કરી લઈએ કે આપણે સત્કાર્યો કરવા માટે સ્વતંત્ર છીએ કે નહીં. જે લોકો શાસ્ત્રોને અનુસરે છે તેઓ એમ કહે છે કે શાસ્ત્રો આપણને સત્‌કાર્યો કરવાનું કહે છે એટલે જો આપણે તેમ કરવા ઇચ્છતા હોઈએ તો આપણે સત્‌કાર્ય કરવા જોઈએ. કોઈ વૃક્ષને ‘સત્યમ્‌ વદ- સાચું બોલો’ એમ કહેતા નથી. ‘પવિત્ર સ્થળોની યાત્રાએ જાઓ’ એમ કોઈ પથ્થરને કહેતા નથી. જેમનામાં આવાં સત્‌કાર્યોનું અનુસરણ કરવાની ક્ષમતા નથી તેમને આ સૂચનાઓ કે આદેશ લાગુ નથી પડતા. એટલે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આવાં કાર્યો કરવા માનવ પૂરેપૂરો સક્ષમ છે એક વ્યક્તિગત રીતે તમે કોઈ કાર્ય કરશો કે બીજાં કાર્યો નહીં કરો અથવા એને તમે જુદી જુદી રીતે કરશો.

આપણે સ્વતંત્ર છીએ કે નહીં એનો બુદ્ધિથી નિર્ણય કરી શકતા નથી અને એ વાત આપણને મૂંઝવે છે. કોઈ કહેશે : ‘મારો હાથ ઊંચો કરવો કે નીચે રાખવો એ મારી ઇચ્છાથી જ થાય છે.’ વળી બીજો કહેશે કે : ‘તમે તમારો હાથ ઊંચો કરશો કે નીચે રાખશો તે તો પહેલેથી જ નક્કી થઈ ગયું હતું અને એટલે તમે એમ કર્યું. તમે કહો છો કે તમે તમારી ઇચ્છાથી જ આમ કરી રહ્યા છો, એનું કારણ એ છે કે તમે સાચી અંતર્દૃષ્ટિ ધરાવતા નથી.’ શ્રીઠાકુર આ અંતર્દૃષ્ટિનો ઉલ્લેખ કરતા કહે છે : ‘જ્યાં સુધી માનવ ઈશ્વરની અનુભૂતિ કરી લેતો નથી ત્યાં સુધી તે પોતે સ્વતંત્ર છે એમ વિચારે છે. આવી ઊણપ કે ખામી ઈશ્વર પોતે જ માનવમાં રાખે છે.’ આપણે એમ ધારીએ છીએ આપણે કાર્ય કરવા સ્વતંત્ર છીએ, કારણ કે આપણે ઈશ્વરની અનુભૂતિ નથી કરી; સાથે ને સાથે બધું ઈશ્વરની ઇચ્છાથી જ થયું છે એ આપણે જાણતા નથી. આપણા બધાં કાર્યની પાછળ તેમને એક ‘કર્તા’રૂપે જોતા નથી અને એટલે જ આપણે પોતાની જાતને ‘કર્તા’ તરીકે માની લઈએ છીએ. હવે સ્વાભાવિક રીતે જ આવો પ્રશ્ન ઊભો થાય કે જો આપણે સ્વતંત્ર નથી અને બધું ઈશ્વરની ઇચ્છા પર આધારિત છે તો શા માટે આપણે આપણાં સારાં કે નરસાં કર્મોનાં ફળ ભોગવવાં જોઈએ? એ બધું તો ઈશ્વરને જ જવું જોઈએ. શ્રીઠાકુરે કહ્યું : ‘ઈશ્વરે પોતે જ માનવમાં આ ઊણપ રાખી છે; નહિ તો પાપ અનેકગણું વધુ જાત; માણસ પાપથી ડરતો ય ન હોત. આવી ‘સ્વતંત્ર ઇચ્છા’ની ભાવના આપણામાં ઈશ્વરે રાખી છે; જો એમ ન થાત તો પાપકૃત્યો વધી ગયાં હોત. આપણે જે કાર્યો કરીએ છીએ તેનાં પરિણામો આપણે ભોગવવાં પડે છે, જો એવી લાગણી આપણામાં ન હોત તો આપણે બધાં આપણા મનમાં જે આવે તેવું કરી બેસત. આનાથી પાપ વધે જ્યારે આપણે ઈશ્વરની અનુભૂતિ કરી લઈએ ત્યારે આપણને આવું લાગે : ‘હું તો યંત્ર છું અને હે પ્રભુ, તમે એ યંત્રના ચાલક છો.’ આપણે એટલું સમજી લેવું જોઈએ કે આપણા માટે ‘સ્વતંત્ર ઇચ્છા’ છે જ નહીં.

(ક્રમશ:)

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.