(ગતાંકથી આગળ)

પરમલક્ષ્યની પ્રાપ્તિ માટે ચાલુ કરેલ યાત્રામાં આપણે ઘોર સંઘર્ષનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે અવિરત સંઘર્ષ માટે તત્પર નહીં થઈ જઈએ તેમજ આ અદૃશ્ય યુદ્ધમાં વચ્ચે આવનારી નરસાઈનો વિરોધ નહીં કરીએ, ત્યાં સુધી આપણે પોતાના લક્ષ્ય સુધી પહોંચવાની આશા રાખી ન શકીએ. આપણી ભીતર એ ભયંકર સંઘર્ષ ઉદ્‌ભવશે. જો કે બાહ્યજગતના લોકો એ વિશે કંઈ જાણી શકવાના નથી. અત: આ પહેલાંના લેખમાં – અધ્યાયમાં વર્ણવેલ કેથલિક પાદરી લોરેન્ઝો સ્કૂપોલીએ પોતાના પુસ્તકનું નામ – Unseen Warfare- અદૃશ્ય યુદ્ધ એવું નામ ખરેખર યોગ્ય જ રાખ્યું છે. પરંતુ આ પુસ્તકમાં આશા અને પ્રેરણાના શબ્દો પણ છે. એમાં એ વાત પર ઈશારો કરવામાં આવ્યો છે અંતે વિજય સાચા યોદ્ધાનો જ થાય છે. અંત સુધી કોણ લડી શકે? એવી વ્યક્તિ જ લડી શકે કે જે પૂર્ણતા પ્રત્યે વાસ્તવમાં ગંભીર હોય. બધાં યુદ્ધોમાં પોતાની દુષ્પ્રવૃત્તિઓ પર વિજય મેળવવો અને એ માટે યુદ્ધ કરવું એ ઘણું કઠિનતમ છે, એમ પણ કહેવામાં આવ્યું છે. શા માટે એમ કહેવામાં આવ્યું છે? એનું કારણ એ છે કે આપણે પોતાની વિરુદ્ધ લડીએ છીએ.

સ્વામી બ્રહ્માનંદજીએ પોતાના અમૂલ્ય ગ્રંથ The Eternal Companion -‘ધ્યાન, ધર્મ અને સાધના’માં આ સંબંધે કહ્યું છે : જે લોકો આધ્યાત્મિક પ્રગટીકરણના પથને ગંભીરતાપૂર્વક અપનાવે છે એમણે પ્રવાહની વિરુદ્ધ તરવાનું હોય છે. નવાણું ટકા લોકો પ્રવાહની સાથે તરે છે; તેઓ પ્રવૃત્તિ એટલે કે ઈંદ્રિયસુખના પથનું અનુસરણ કરે છે. જે લોકો આ જીવનમાં ઈશ્વરપ્રાપ્તિ કે પૂર્ણતા મેળવવા ઇચ્છે છે તેઓ એક અલગ શ્રેણીના જ માનવીઓ હોય છે. એનું કારણ એ છે કે તેઓ નિવૃત્તિનો પથ, ઈંદ્રિય-સુખનિગ્રહનો પથ, પ્રેયનો નહીં પણ શ્રેયનો પથ અપનાવે છે એટલે એમણે ઘોર સંઘર્ષનો સામનો કરવો પડે એ વાત સ્વાભાવિક છે. કેટલીયેવાર એવું પણ બની શકે કે વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી જ્યારે આપણને કંઈ પ્રાપ્તિ ન થાય તો આપણે આપણો સંઘર્ષ છોડી દેવા ઇચ્છીએ છીએ. આપણે આ સંઘર્ષને છોડી દેવો એ શ્રેયસ્કર છે એવું વિચારવા માંડીએ છીએ, કારણ કે આટલા લાંબા સમય સુધી સંઘર્ષરત રહ્યા પછી પણ આપણને કોઈ આધ્યાત્મિક અનુભૂતિ થતી નથી. આવે વખતે આપણે શ્રેયનો પથ છોડીને પ્રેયનો પથ અપનાવી લઈએ છીએ. આપણે શુભ અને સાચા પથને છોડીને ઈંદ્રિયસુખના પથને અનુસરણ કરીએ છીએ. પરમલક્ષ્યની આપણી યાત્રામાં આવી દુર્બળતા અને આવાં પ્રલોભનો આવતાં જ રહે છે. સ્વામી બ્રહ્માનંદજી કહે છે : સંસારના નવાણું ટકા લોકો આપણી સામે જ ભિન્ન ભિન્ન પ્રકારનાં સાંસારિક સુખોની પાછળ દોડતા રહે છે; અત: એટલું સ્વાભાવિક છે આપણા મનમાં પણ એમનું અનુસરણ કરવાનું પ્રલોભન ઉદ્‌ભવી શકે. જો આપણે આવી પરિસ્થિતિમાં ઉપર્યુક્ત મનોવૃત્તિનો ભોગ બનીએ તો આપણને લક્ષ્ય પ્રાપ્ત થવાનું નથી. પરંતુ જો એકવાર આપણે સતત સંઘર્ષ કરવાનો દૃઢ સંકલ્પ કરી લઈએ તો અંતે વિજય ચોક્કસ મળવાનો જ.આવી પરિસ્થિતિમાં મનુષ્ય કેવી રીતે અંતે વિજયી બને છે? અહીં કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો છે. જો આપણે ખરેખર પોતાના અંત:કરણના આ અદૃશ્ય યુદ્ધમાં વિજય મેળવવા માગતા હોય તો આપણે ચાર મહત્ત્વપૂર્ણ બાબતોને આપણા હૃદયમાં રાખવી પડશે. આ ચાર બાબતો કંઈ છે?

ક્યારેક ક્યારેક આપણે સ્વંયમ્‌ને ઘણું બિનજરૂરી મહત્ત્વ આપીએ છીએ. આપણને અહંકાર થાય છે અને આપણે વિચારીએ છીએ- ‘આહા! હું કેવો અત્યંત મહત્ત્વપૂર્ણ માનવ છું.’ આપણે પોતાની જાતને ઘણા મહાન માનવા લાગીએ છીએ. આ એક આધ્યાત્મિક રોગ છે અને આ બાબત ઈશ્વરને ગમતી નથી. ઈશ્વર અહંકારી માનવોને પસંદ કરતા નથી. જે લોકો મિથ્યાભિમાની છે, પોતાની જાતને અનાવશ્યક મહત્ત્વ આપે છે તેવા લોકો લક્ષ્ય પ્રાપ્ત કરવાની આશા ક્યારેય ન રાખી શકે. એટલે આપણે આપણી જાતને અનાવશ્યક મહત્ત્વ ન આપવું જોઈએ. આપણે પોતાની જાતને એટલા બધા મહાન માનવા કે સમજવા ન જોઈએ. ચાલો હવે આપણે વિનમ્ર્રતાનો અભ્યાસ કરીએ.

આપણને કેવળ ઈશ્વર અને ઈશ્વરમાં જ પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ, એ બીજી વાત છે. જ્યાં સુધી ઈશ્વર, અત્યંત દયાળુ ઈશ્વર કંઈ સહાયતા ન કરે ત્યાં સુધી આપણે પોતે કંઈ કરી શકવાના નથી. આપણે પોતે વ્યક્તિગત પ્રયાસો દ્વારા સફળ થવાની આશા રાખી નથી શકતા. આપણને દૈવી સહાયની આવશ્યકતા રહે છે.

આપણે સતત સંઘર્ષરત રહેવું જોઈએ એ ત્રીજી વાત છે.

અને ચોથી વાત છે – આપણે નિરંતર ઈશ્વરની પ્રાર્થના કરતાં રહેવું જોઈએ. ઉપર્યુક્ત ચારેય મહત્ત્વપૂર્ણ તત્ત્વોમાંથી પ્રથમ તત્ત્વ આપણાં બધાં મનોવિકાર, પતન અને કુકર્મોનું મૂળ કારણ છે. જ્યાં સુધી કોઈપણ માનવને દૈવી અનુકંપા મળતી નથી ત્યાં સુધી કોઈપણ ઈશ્વર કે પૂર્ણતાને પ્રાપ્તિ કરવાની આપણે આશા ન રાખી શકીએ. અને જો આપણે અભિમાન સાથે પોતાની જાતને મહાન માનતા રહીશું તો આપણા પર દૈવીકૃપા પણ થવાની નથી. પોતાની જાતને અનાવશ્યક મહત્ત્વ આપવાથી દૈવી અનુકંપાનાં દ્વાર આપણા માટે બંધ થઈ જાય છે. અત: આ એક મહત્ત્વની વાત છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણે પોતે કંઈ કરી શકતા નથી. આપણે દૈવી સહાયતા પર નિર્ભર રહેવું પડે છે.

 કોઈપણ વ્યક્તિએ પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે પોતાના હૃદયમાં આ ચાર સદ્‌ગુણોને ધારણ કરવા સિવાય બીજી કેટલીક યોગ્યતાઓની પણ આવશ્યકતા રહે છે.

સર્વપ્રથમ તો આપણી પોતાની અસારતાનું અનુભવ આપણે કરવો જોઈએ. પીટર દમાસ્કસ (Peter of Damascus) એક મહાન ખ્ર્રિસ્તી સંત હતા. તેઓ લખે છે : ‘પોતાની દુર્બળતા અને અજ્ઞાનતાને ઓળખવા સિવાય બીજું કંઈ શુભ નથી.’ કેટલીકવાર લોકો આવે છે અને આવો પ્રશ્ન પૂછે છે : ‘શું જિજ્ઞાસુઓ માટે ગુરુની કોઈ આવશ્યકતા છે ખરી? કોઈની પાસેથી સહાયતા લેવાની શી આવશ્યકતા છે? આપણે કોઈ બાહ્ય સહાયતામાં વિશ્વાસ કે શ્રદ્ધા રાખતા નથી. અત: આપણને ગુરુની આવશ્યકતા જણાતી નથી.’ આવું વિચારવું ત્યારે જ યોગ્ય જણાય કે જ્યારે આપણે જીવન્મુક્ત બનીએ, કે કોઈએ ઈશ્વરાનુભૂતિ કરી લીધી હોય. છતાં પણ કોઈપણ પ્રકારની અપરાવિદ્યા- લૌકિક કલા અને વિજ્ઞાન શિખવા માટે આપણને માર્ગદર્શનની જરૂર પડે છે. અને પરાવિદ્યા કે બ્રહ્મવિદ્યા બધાં વિજ્ઞાનોમાં શ્રેષ્ઠ છે; અને એટલે જ એ ક્ષેત્રમાં માર્ગદર્શન માટે કેટલી બધી આવશ્યકતા રહે છે એનો આપણે ખ્યાલ પણ ન કરી શકીએ. બધાં સદ્‌ગુણોનો આધાર – જ્યાં સુધી ઈશ્વર મને સહાય ન કરે ત્યાં સુધી હું કંઈ કરી શકું તેમ નથી- આ વાતની અનુભૂતિ પર છે. આપણને પોતાની અસારતાનું જ્ઞાન થવું જોઈએ અને પોતાનાં બધાં કાર્યોમાં પૂર્ણ વિનમ્ર્રતા સાથે ઈશ્વરની સહાયની નિરંતર કામના કરવી જોઈએ.

બીજું આપણે પોતાના અસંખ્ય શત્રુઓથી સાવધાન રહેવાનો અભ્યાસ કરવો જોઈએ. મહામાયા આપણને સરળતાથી ઈશ્વરાનુભૂતિ થવા દેતી નથી. માયા પોતાનાં અસંખ્યરૂપે આપણને ભ્રમણામાં નાખી દે છે. માયાની અગણિત જાળ છે. એટલે પરમલક્ષ્ય પ્રત્યે આપણા પથ પર માયા આપણને વિચલિત કરી શકે છે અને આપણે લક્ષ્યથી વંચિત રહી શકીએ એમ છીએ, એ વાતને અત્યંત ધ્યાનપૂર્વક યાદ રાખવી જોઈએ. એટલે આપણે સતર્ક રહેવું જોઈએ.

અને ત્રીજું જો આપણે આત્મોન્નતિ માટે કઠિન સંઘર્ષ કરી રહ્યા હોઈએ અને છતાં પણ કેટલીકવાર આપણા વારંવારના પ્રયાસો પછી પણ આપણને સફળતા મળતી નથી; આપણે શારીરિક વાસનાઓને વશ થઈ જઈએ છીએ. આવે વખતે આપણે શું કરવું જોઈએ? જો આપણે આપણા પથ પરથી ભ્રષ્ટ થઈ જઈએ તો તરત જ આપણે આપણી દુર્બળતાઓનું જ્ઞાન મેળવી લેવું જોઈએ. સંભવત: આપણને અભિમાન હતું; સંભવત: આપણે આવું વિચારતા હતા- ‘હવે જ્યારે આપણને મંત્રદીક્ષા મળી ગઈ છે અને આપણને એક આધ્યાત્મિક ગુરુ મળ્યા છે તેમજ તીર્થસ્થાનોની યાત્રાની સુવિધાઓ પણ મળી ગઈ છે, એટલે હવે આપણે કોઈ વાતની ચિંતા ન કરવી જોઈએ.’ આવી સ્થિતિમાં આપણે એક મોટી ભયંકર ભૂલ કરી રહ્યા છીએ. જો આપણે આ રીતે પથભ્રષ્ટ થઈએ છીએ અને કાલ્પનિક વિચારોમાં અટવાઈ જઈએ છીએ ત્યારે આપણે આટલું યાદ રાખવું જોઈએ કે ઈશ્વર જ આપણી પોતાની નિષ્ફળતાઓ તેમજ દુર્બળતાઓ પ્રત્યે જાગ્રત કરે છે. જો આપણે બીજાની નજરે નીચે ઊતરી જઈએ અથવા આપણે પોતે જ આપણી જાતને તુચ્છ સમજવા મંડીએ કે સંભવત: લોકો આપણા વિશે હીન ધારણાઓ બાંધવા માંડે ત્યારે આપણે આટલું અનુભવવું જોઈએ કે આ બધું આપણી ભલાઈ માટે થયું છે.’ આવું બધું આપણને વિનમ્ર્ર બનાવવા માટે તથા સર્વશક્તિમાન ઈશ્વર પાસે પ્રાર્થના કરવા માટે જ થયું છે. તેઓ આપણને એવી શક્તિ ફરીથી આપે કે જેથી આપણે પોતાના બધા પ્રયાસોને દ્વિગુણિત બનાવી શકીએ. ઈશ્વર આપણને ભિન્ન ભિન્ન પ્રકારનાં પ્રલોભનો અને દુર્બળતાઓમાં ડૂબાડી દે છે; એ આ જ ઉદ્દેશ્ય અને આ જ પરિણામ માટે છે.

અહીં એક મહત્ત્વની વાત છે. આપણે દરરોજ છ થી સાત કલાક ઊંઘીએ છીએ. એનો અર્થ એ થયો કે આપણે દરરોજ સત્તર થી અઢાર કલાક જાગ્રત અવસ્થામાં રહીએ છીએ. દિનભર આપણા મનમાં અસંખ્ય વિચારો આવતા રહે છે, આપણે ઘણી વાતચીત કરીએ છીએ અને નિર્ધારિત ફરજ અને કાર્ય પણ કરતા રહીએ છીએ. ચાલો, હવે આપણે એક વિશેષ દિવસને લઈએ. આપણે કાલે શું વિચાર્યું, શું કહ્યું અને શું કર્યું? મેં કાલે કેટલા બિનજરૂરી શબ્દો ઉચ્ચાર્યા, કેટલા અપશબ્દ અને કેટલા કુવિચાર મારા મનમાં આવ્યા; જો આપણે આનું વિશ્લેષણ કરીએ, જો આપણે આપણી ભીતર એક ડોકિયું કરીએ, થોડું ઘણું આત્મનિરીક્ષણ કરીએ તો આપણને એ બાબતનો ખ્યાલ આવશે કે મોટા ભાગના શબ્દો અને વિચાર દોષ ભરેલા, મૂર્ખતાપૂર્ણ અને ખામીયુક્ત હતા. આ તો કેવળ એક જ દિવસનું આત્મવિશ્લેષણ છે. જો આપણે એમ કરવા પૂરતા સજાગ રહીએ તો પ્રતિદિન, પ્રતિક્ષણ આપણે ઈશ્વરમાં પૂર્ણ વિશ્વાસ, પૂર્ણ શ્રદ્ધા રાખવાં જોઈએ. ‘અરે! મારા આ બહુમૂલ્ય માનવજીવનનો એક દિવસ નકામો વીતી ગયો. હું આટલા દોષપૂર્ણ વિચારો અને કુકર્મોમાં લીન રહ્યો. એટલે મારે ઈશ્વરની સહાયતા મેળવવી જોઈએ.’ એટલે ઈશ્વરે કહ્યું છે : ‘મારા વિના કંઈ ન કરી શકો.’ 

હવે કોઈના મનમાં આવો પ્રશ્ન ઊભો થાય : ‘આપણને એમ કહેવાયું છે કે સંઘર્ષ ન છોડવો. પરંતુ જો આપણા મન પર પાપોનો ભારે બોજો હોય, આપણું મન અનેક પ્રકારની ખરાબ કલ્પનાઓથી કલુષિત થઈ ચૂક્યું હોય છતાં પણ આપણે પોતાની પૂર્ણ શક્તિથી આવાં વિચારો અને કાર્યોથી બચવાનો પૂરો પ્રયાસ કર્યો હોય છતાં પણ આપણે પોતે પોતાની જાતને આવી દુર્દશામાં આવી પડેલી જોઈએ છીએ ત્યારે શું કરવું? આપણા બધાં દુર્ગુણોને દૂર કરવાનો વારંવાર પ્રયાસ કરવા છતાં આપણે પોતાની જાતને નિરંતર ડૂબતી જોઈએ એવી પરિસ્થિતિમાં આપણે શું કરવું જોઈએ?’ વિશ્વના બધા મહાપુરુષોએ આ જ ઉપદેશ આપ્યો છે : ‘ઈશ્વર પરની શ્રદ્ધાને છોડતા નહિ.’ આપણને આવો પણ અનુભવ થઈ શકે- ‘હે પ્રભુ! હું પ્રાર્થના કરું છું. સત્સંગની કામના કરું છું, ધર્મગ્રંથોનું અધ્યયન કરું છું. એમ છતાં પણ હું એવો ને એવો માનવ બની રહું છું. એટલે આધ્યાત્મિક જિજ્ઞાસુ માટે નિર્ધારિત અનુશાસનનું પાલન કરવાથી શો ફાયદો?’ આવી મનોવૃત્તિની પળ જ્યારે આવે ત્યારે કોઈપણ માનવે આધ્યાત્મિક સંઘર્ષને ન છોડવાનો નિર્ણય કરવો જોઈએ. આપણે એક પછી એક યુદ્ધ અને સંઘર્ષ ચાલુ જ રાખવાના છે. એવું કહેવામાં આવ્યું છે કે પરમલક્ષ્યની આ યાત્રામાં જે લોકો અંત સુધી સંઘર્ષ કરતા નથી તેઓ અસફળ નિવડે છે. એટલે આપણે ક્યારેય સંઘર્ષનો ત્યાગ ન કરવો જોઈએ. એકવાર સંઘર્ષને છોડી દઈએ પછી આપણા માટે મુક્તિની કોઈ આશા-અપેક્ષા રહેવાની નથી.

એમ કહેવાયું છે કે, જો આપણે નિમ્નકક્ષાની વાસનાઓનું દમન કરીને ઉચ્ચ ઇચ્છાઓ તરફ પ્રવૃત્ત બની જઈએ તો વિજય આપણો થશે. જો આપણે આ ઉચ્ચ ઇચ્છાઓને બદલે કે એમની ઉપેક્ષા કરીને નિમ્ન પ્રકારની વાસનાઓ પર પસંદગી ઉતારશું તો આપણો નાશ થવાનો. જે લોકો સ્વયંની ઉચ્ચતાને જ વધુ મહત્ત્વ આપે છે તેવા લોકો સંઘર્ષને ચાલુ રાખે છે. ઈશ્વરપ્રાપ્તિ કરનારા બધા મહાપુરુષોએ આપણને વારંવાર આવો ઉપદેશ આપ્યો છે : ‘તમે તમારા સર્વોચ્ચ સ્વયંના પોકારની અવગણના ન કરો.’ ભલે આપણે ઊંડી ખાઈમાં જઈ રહ્યા હોય, ભલે આપણું સતત પતન થતું હોય છતાં પણ ‘આપણે ફરીથી બેઠા થવા માટે પડીએ છીએ’ એ સત્યને હંમેશાં યાદ રાખો. વળી ફરી પાછું કોણ બેઠું થઈ શકે છે? એ જ માનવ બેઠો થઈ શકે કે જેને ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા છે અને જે અંતરાત્મામાં વિચરણ કરે છે. જે લોકો સંઘર્ષ કરવાનું છોડી દે છે અને ઇન્દ્રિય સુખોની કામના કરે છે તેનું પતન થવાનું જ. જે સંઘર્ષ ચાલુ રાખે છે તેઓ જ આત્માના સ્તરે જીવવાનો પ્રયાસ કરશે. આપણે ‘આપણી ભીતર ઉચ્ચ સ્વયં અને નિમ્ન સ્વયં બંને વિદ્યમાન છે’ એ મૌલિક સત્યને યાદ રાખવું જોઈએ. નિમ્ન સ્વયં આપણને હંમેશાં સંઘર્ષનો ત્યાગ કરવા માટે પ્રેરે છે અને ઉચ્ચ સ્વયં આપણને પરમલક્ષ્યની પ્રાપ્તિ માટે પ્રોત્સાહિત કરે છે. જો આપણે ઉચ્ચસ્વયંનો સાદ સાંભળીશું તો કોઈ પણ પ્રકારની વાસના આપણું કંઈ બગાડી શકવાની નથી.

કોઈ પણ સાધક જ્યારે આધ્યાત્મિક વાતાવરણમાં રહેશે ત્યારે તે પોતાની જાતને ચિંતનના ઉચ્ચસ્તરે રહેલો જોશે. પરંતુ જ્યારે તે સામાન્ય વાતાવરણમાં પાછો ફરે છે ત્યારે પોતાના મનને એ ઉચ્ચ સ્તર પર સ્થિર રાખવામાં મુશ્કેલી અનુભવે છે. તે મનમાં વસેલી વિષયવાસના રૂપી શત્રુ દ્વારા ફરી પાછો પથભ્રષ્ટ થઈ જાય છે. તે વિચારે છે: ‘જો હું એકાદ કલાક ઈંદ્રિય સુખમાં લીન રહું તો એમાં શું હાની થવાની છે?’ પરિણામે એ સમય દરમિયાન તે જીવનના દિવ્ય માર્ગને ત્યજીને સાંસારિક વિષયમાં લીન થઈ જાય છે. તે ઈશ્વરથી વિમુખ બની જાય છે. સ્વાભાવિક વાત એ છે કે એની પ્રવૃત્તિ આ વાસનાપૂર્ણ જીવનમાં કલાકોમાંથી દિવસો, દિવસોમાંથી મહિનાઓ અને મહિનાઓમાંથી વરસો સુધી વધવાની જ. અંતે એક દિવસે તેનું મૃત્યુ થવાનું અને એનું જીવન વ્યર્થ વીતી જશે. એટલે જ આપણે સદૈવ આ વાત યાદ રાખવી જોઈએ કે માનવ જીવન અત્યંત અચૌક્કસ છે. હવે પછીની પળે આપણું શું થવાનું છે એનું પુર્વાનુમાન કરી શકાતું નથી.

મહાત્મા બુદ્ધના ગૌરવપૂર્ણ જીવનમાં એક પ્રસંગ આવે છે જેનાથી આ વાત સ્પષ્ટ સમજાઈ જાય છે. બુદ્ધ ચાર વસ્તુઓના સંપર્કમાં આવ્યા અને એમણે એમના જીવનમાં મહાન પરિવર્તન લાવી દીધું. એક દિવસ એમને એક વૃદ્ધ વ્યક્તિ મળ્યો. જ્યારે એમણે પોતાના સારથિ છન્નને પૂછ્યું: ‘આ વ્યક્તિ કોણ છે?’ તેણે ઉત્તર આપ્યો: ‘અરે! આ તો એક વૃદ્ધ વ્યક્તિ છે.’ બુદ્ધને તરત જ એ અનુભૂતિ થઈ કે એક દિવસ તેઓ પણ વૃદ્ધ બની જશે અને પોતાની પત્ની યશોધરા પણ વૃદ્ધ થઈ જશે. પ્રત્યેક વ્યક્તિએ વૃદ્ધાવસ્થામાંથી પસાર થવું પડે છે કારણ કે એ શરીરની પ્રકૃતિ છે. એટલે બુદ્ધની જીવન પ્રત્યેની રુચિ અત્યંત ઓછી થઈ ગઈ અને તેઓ મહેલમાં પાછા ફર્યા. વળી એક દિવસ જ્યારે બુદ્ધ મહેલની બહાર નીકળ્યા તો એમને એક રોગી મળ્યો. એમણે આ પહેલાં કોઈ રોગીને જોયો ન હતો. એમને આ રોગીને જોઈને ખ્યાલ આવ્યો કે પ્રત્યેક દેહધારીએ ભિન્ન ભિન્ન પ્રકારના રોગોની પીડા અનુભવવી પડે છે. વળી એક દિવસ એમણે એક મૃતદેહને સ્મશાને લઈ જવાતા જોયો. વળી પાછું પોતાના સારથિ છન્નને એ વિશે પૂછતાં તેણે પ્રત્યુત્તર આપ્યો: ‘આ માણસ આપની જેમ જ જીવંત હતો. પરંતુ અત્યારે એ મરી ગયો છે.’ બુદ્ધે વિચાર્યું: ‘અરે! હું સદૈવ યુવાન રહેવાનો નથી! એક દિવસ મારીયે આ જ દશા થવાની છે. હું પણ વૃદ્ધ થઈ જઈશ અને અંતે મૃત્યુ પામીશ. એ વખતે મારી સુંદર ગુણવાન પત્ની અને યશોધરા અને મારા પુત્ર રાહુલથી મારે દુ:ખ વિયોગ થશે.’ બીજે દિવસે જ્યારે તેઓ મહેલની બહાર આવ્યા ત્યારે કોઈ શાંત મુખાકૃતિવાળા એક સંન્યાસીનાં દર્શન થયાં. એમની વિશે પૂછતાં છન્ને કહ્યું: ‘આ સંન્યાસી છે. એણે આ સંસાર દુ:ખથી ભર્યો છે અને સંસારમાં જન્મેલાએ વૃદ્ધિ-વિકાસ-ક્ષય કે મૃત્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે એનો પૂરેપૂરો અનુભવ કરી લીધો છે. એણે શ્રેયનો માર્ગ પસંદ કરીને પોતાના લક્ષ્યની અનુભૂતિ કરી લીધી છે. એટલે જ આપને એમનું મુખારવિંદ સૌમ્ય અને શાંત દેખાય છે.’ બુદ્ધ પોતાના મહેલમાં પાછા આવ્યા. એમણે સંસારત્યાગ કરવાનો નિર્ણય લીધો, કારણ કે એમણે એક દિવ્યવાણી સાંભળી : ‘હે દયાળુ ગૌત્તમ! તમે આ વિશ્વમાં માનવતાના ઉદ્ધાર માટે જન્મ લીધો છે. આ જ સુઅવસર છે, સમય ન ગુમાવતા; બહાર નીકળો, સંસારત્યાગ કરો; તમારા મૂળ સ્વરૂપની અનુભૂતિ કરો અને માનવ માત્રનો ઉદ્ધાર કરો. તમે માનવજાતની રક્ષા કરવા માટે જન્મ્યા છો.’ ગૌત્તમ બુદ્ધનું આ ઉદાહરણ આપણને એ શીખવે છે કે મૃત્યુના સત્ય માટે આપણે નિરંતર સચેત રહેવું જોઈએ.

કેટલાક સમય પહેલાં એક વિખ્યાત સ્વામીજી અહીં પ્રવચન આપતા હતા. ૩૩ વર્ષની એક યુવતીએ એ પ્રવચન પહેલાં એક ભજન ગાયું. અત્યારે એ યુવતી મરણ પામી છે. એ પહેલાં તે પૂર્ણ રૂપે સ્વસ્થ હતી. એને કોઈપણ પ્રકારનો રોગ ન હતો. પરંતુ અચાનક લૂ લાગવાથી તેનું મરણ થયું. કોઈપણ સમયે કોઈપણ આરોગ્યવાળા વ્યક્તિની સાથે આવું થઈ શકે છે. એટલે આપણે હંમેશાં એને માટે તૈયાર રહેવું જોઈએ. આપણે એમ વિચારીએ છે કે આપણે સાંસારિક સુખો મેળવવાં જોઈએ. એક દિવસ વળી પાછા અચાનક મોતના મોંમાં ચાલ્યા જઈશું. આપણે ભલે વિષયભોગમાં લીન ઉન્મત્ત બની જઈએ, પરંતુ જ્યારે મૃત્યુનો કાળ આવે છે ત્યારે તેના ક્રૂર હાથ આપણને આ દુનિયામાંથી ગમે ત્યારે ખેંચી જાય છે. 

એટલે આપણે જાગ્રત રહેવું જોઈએ કે ક્યાંક આ મૃત્યુરૂપી શત્રુ આપણને અધોગતિની ગર્તાઓમાં વધુ દૂર ન ખેંચી જાય અને આપણને ‘અરે! મને થોડો ઘણો નૈતિક અવકાશ Moral Holiday તો લેવા દો.’ -એમ કહેવા કે વિચારવા આપણને તે બાધ્ય ન કરે. પરંતુ આપણે હંમેશાં એ યાદ રાખવું જોઈએ કે ક્યારેય નૈતિક અવકાશ હોઈ શક્તો નથી. આપણે પોતાના બહુમૂલ્ય જીવનની પ્રત્યેક ક્ષણનો સદુપયોગ કરવો જોઈએ. સ્વામી વિરજાનંદજીએ પોતાના ‘પરમાર્થ પ્રસંગ’ નામના પુસ્તકમાં આમ કહ્યું છે : ‘જીવન અનમોલ છે, એટલે એની એક મિનિટ પણ નિરર્થક ન વેડફી દો.’ આપણે વિચારવું જોઈએ કે જે દિવસે આપણે પોતાની દુષ્પ્રવૃત્તિઓને નિર્મૂળ કરવા સંઘર્ષ નથી કર્યો, તે દિવસ વ્યર્થ ગુમાવી દીધો છે. આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે જે પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છે છે તેમણે પાંચ ઇન્દ્રિયોઓનો સમુચિત ઉપયોગ કરવો જોઈએ. આ પાંચ ઇન્દ્રિયોઓ છે – રૂપ, રસ, શબ્દ, ગંધ અને સ્પર્શ એટલે કે દૃષ્ટિ, સ્વાદ, શ્રવણ, ગંધ અને સ્પર્શ. આ બધી ઈંદ્રિયો સદૈવ બાહ્ય જગતના સુખોપભોગ માટે પ્રેરે છે. ઈશ્વરમાં જ આપણે આનંદના ઉદ્‌ગમના સ્રોતનો અનુભવ કરી શકીએ છીએ, આ વાત યાદ રાખવી જોઈએ. ઈંદ્રિયસુખના પ્રમાદમાં આપણે ઈશ્વરથી દૂર ચાલ્યા જઈએ છીએ.

(ક્રમશ:)

Total Views: 72

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.