નામજપની પદ્ધતિ

મંત્રદીક્ષા વખતે ગુરુ શિષ્યને નામજપની પદ્ધતિ વિશે સૂચન-માર્ગદર્શન આપે છે. જો શિષ્ય એમાં શ્રદ્ધા ધરાવતો ન હોય અને ગુરુની સૂચનાનું પાલન ન કરતો હોય તો તે આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ સાધશે નહિ. ધ્યાન એટલું બધું સરળ નથી. સંસારના વિવિધ વિચારો મનમાં અશાંતિ ઊભી કરે છે અને મનને ઈશ્વર પર એકાગ્ર થવા દેતા નથી. એટલે જ કોઈ પણ ભક્તે શરૂઆતમાં થોડા સમય માટે નામજપનો અભ્યાસ કરવો જોઈએ. પ્રભુને ચિત્તમાં રાખીને ઈશ્વરનું નામ કે મંત્રનું પુન: પુન: રટણ એટલે જપ. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે કે યજ્ઞોમાં હું જપયજ્ઞ છું.

મોટા ભાગના લોકો આવી ફરિયાદ કરે છે : ‘અમારાં મન સ્થિર નથી. અમારે શું કરવું?’ શાસ્ત્રો આનો જવાબ આવી રીતે આપે છે: ‘અનાસક્તિ અને અભ્યાસની પુનરાવૃત્તિ દ્વારા મનને અંકુશમાં રાખો.’ શ્રી શ્રીમા શારદાદેવીએ કહ્યું છે કે કોઈ સાધક દરરોજ પોતાના મંત્રના પંદરથી વીસ હજાર જેટલા જપ કરે તો મનને કાબૂમાં રાખી શકાય. સ્વામી શિવાનંદજીએ ૧૬ જૂન, ૧૯૨૨ના પત્રમાં લખ્યું છે: ‘મનને એકાગ્ર બનાવવાનો સરળ અને અગત્યનો માર્ગ આ છે: શ્રીરામકૃષ્ણની છબિ સામે બેસો. એના પર જ તમારી આંખ માંડીને એમના નામનો જપ કરવાનું શરૂ કરો. તમે જ્યારે આમ કરતા હો ત્યારે એવી ઊંડી ધારણા કરો કે શ્રીરામકૃષ્ણ તમને જોઈ રહ્યા છે અને તમે એમના નામની રટણા કરો છો તે સાંભળી રહ્યા છે અને એમનું ત્યાં બેસી રહેવું એ તમને મદદ કરવા માટે છે. તમે આટલું કરો અને તમારું મન શાંત થતું જશે; એવો તમને અનુભવ થશે. એમનામાં તમારી શ્રદ્ધા વધતી જશે અને તમને મનની શાંતિ પણ મળી રહેશે.’ (સ્વામી લોકેશ્વરાનંદ કૃત ‘લેટર્સ ફોર સ્પિરિચ્યુઅલ સિકર્સ’, પૃ.૧૯૬)

કોઈ પણ સાધક અનેક રીતે જપનો અભ્યાસ કરી શકે છે. ઉદાહરણ તરીકે કોઈ પણ સાંભળી શકે તેવા અવાજે (વાચિક) મંત્ર ઉચ્ચારી શકાય; મંત્ર જપનાર જ સાંભળી શકે તેવા ધીમા અવાજે (ઉપાંશુ) મંત્ર ઉચ્ચારી શકાય; મનમાં ને મનમાં જપ કરવો (માનસિક). કેટલાક સાધકો માળાના મણકા કે આંગળીના વેઢાથી ગણતરી કરીને મંત્રજપ કરે છે. કેટલાક સાધકો કુંડલિનીના દરેક કેન્દ્ર પર ચિત્તને એકાગ્ર કરીને મંત્રજાપ કરે છે. કેટલાક સાધકો પોતાના શ્વાસોચ્છ્‌વાસ સાથે મંત્રજાપને જોડી દે છે; જ્યારે આવા સાધક અંદર શ્વાસ લે છે ત્યારે તે ‘સો’ એવો ધ્વનિ કાઢે છે અને જ્યારે ઉચ્છ્‌વાસ છોડે છે ત્યારે ‘હમ્‌’ જેવો ધ્વનિ નીકળે છે. આ બંને શબ્દો સાથે મળીને ‘સોઽહમ્‌’ – ‘તે હું છું’ એવા અર્થવાળો શબ્દ બને છે. બધા માનવીઓ જાણ્યે અજાણ્યે ‘સોઽહમ્‌’ અને ‘હમ્‌-સો’નું હંમેશાં રટણ કરે છે. એને હંસોમંત્ર કહે છે. આને અજપા ગાયત્રી પણ કહે છે.

ભિન્ન ભિન્ન આધ્યાત્મિક સાધકોએ ઈશ્વર પર એક ચિત્ત બનવાની પદ્ધતિઓથી (મંત્રજાપના) પ્રયોગો કર્યા છે. આવા આધ્યાત્મિક પુરુષોએ પોતાની સાધનાઓના પરિણામ શાસ્ત્રમાં નોંધ્યા છે. ઉદાહરણ તરીકે કુંડલિનીના છ કેન્દ્રો પર એક ચિત્ત થતી વખતે મંત્રજાપ કરીને પોતાના મનને ઝડપથી ભીતર વાળી શકે છે. સાધકે કુંડલિનીના આધાર મૂલાધારથી માંડીને સહસ્રાર સુધીના દરેક કેન્દ્ર પર રહીને ચોક્કસ ક્રમસંખ્યામાં મંત્રજાપ કરવા જોઈએ. અને વળી સહસ્રારથી નીચે પાછા ફરતા અનાહત (હૃદય) સુધી પણ આવી જ રીતે મંત્રજાપ કરવા જોઈએ. આવી રીતે પોતાના ઇષ્ટદેવતા પર મનને લગાડતી વખતે મંત્રજાપ થતા રહેવા જોઈએ. મૂલાધારમાં શક્તિ વસે છે અને સહસ્રારમાં શિવ રહે છે; એટલે જપની આ પદ્ધતિ શિવ અને શક્તિને જોડે છે. એને બ્રહ્મતત્ત્વ કે સાચો યોગ કહે છે. (જિતેન્દ્રસેન કૃત ‘આત્મસમર્પણ યોગ’ પૃ.૯૦-૧)

તંત્રશાસ્ત્રો વળી બીજી પદ્ધતિ વર્ણવે છે. શ્વાસને રોકી રાખો અને કલ્પના કરો કે તમારી કુંડલિની મૂલાધારમાંથી સહસ્રાર સુધી સુષુમ્ણા નાડી દ્વારા ઉપર જાય છે અને વળી પાછી તરત જ મૂલાધાર સુધી નીચે આવે છે. થોડા વખત સુધી આ પ્રયુક્તિનો અભ્યાસ કર્યા પછી કોઈ પણ સાધકને સુષુમ્ણા નાડીમાં વીજળીના ચમકારા, જ્વાલા કે ઝબકારા મારતી ટ્યૂબ જેવો પ્રકાશ દેખાશે. આ દિવ્ય જ્વાલા પર મનને એકાગ્ર કરવાની પ્રયુક્તિને મંત્રશીખા પરનું ધ્યાન કહે છે. સુખ્યાત તાંત્રિક આચાર્ય પંડિત જગમોહન તારકાલંકાર આમ લખે છે : ‘સાધકે સહસ્રારમાં ગુરુની, જીહ્‌વામૂલે મંત્રની અને હૃદયમાં ઈષ્ટદેવતાની ધારણા કરીને ધ્યાન ધરવું જોઈએ અને પછી ગુરુ મંત્ર અને ઈષ્ટદેવતા તેજપુંજમય છે એવું ધારો અને એમના પ્રકાશ તમને પણ પ્રકાશિત કરી દેશે. હવે તમારું મન હૃદયમાંના તમારા ઈષ્ટદેવતાના તેજપુંજવાળા આકાર પર એકાગ્ર કરતાં કરતાં મંત્રજપ કરો. (જગમોહન તારકાલંકાર કૃત ‘નિત્યપૂજા પદ્ધતિ’ પૃ.૨૬૪)

જ્યારે આપણે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ અને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું અધ્યયન કરીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે શ્રીઠાકુરે જુદાં જુદાં શાસ્ત્રોમાં વર્ણવેલ ભિન્ન ભિન્ન સાધનાઓ કરી હતી. વળી, તેમણે પોતે શોધી કાઢેલી નવી સાધનાઓનો પણ અભ્યાસ કર્યો હતો. દાખલા તરીકે તેમણે કેટલાક શિષ્યોને કહ્યું: ‘ધ્યાન દરમિયાન એવી ધારણા કરો કે તમારા મનને તમારા ઈષ્ટદેવતાના ચરણ સાથે રેશમની દોરીએ બાંધી દીધું છે કે જેથી તમે નાસભાગ ન કરી શકો. હું શા માટે રેશમની દોરી કહું છું? કારણ કે પેલા ચરણ અત્યંત કોમળ અને નાજુક છે. જો બીજા પ્રકારની દોરીનો ઉપયોગ થાય તો ઈષ્ટદેવને ઇજા થઈ જાય.’ વળી પાછા તેઓ ઉમેરે છે: ‘શું કોઈ સાધકે પોતાના ઈષ્ટદેવનું ધ્યાન ધરતી વખતે જ ધારણા કરવી અને પછી એમને ભૂલી જવા એમ?’ તમારા મનનો અંશ હંમેશાં ઈષ્ટદેવતા પર રાખવા પ્રયત્ન કરો. દુર્ગાપૂજા દરમિયાન કેવી રીતે અખંડ દીપ જલતો રહે છે એ તમે જોયો છે. સાધકે ઈષ્ટદેવતા સમીપ હંમેશાં દીપ રાખવો જોઈએ; અને તે હોલવાઈ ન જાય એ જોવું જોઈએ. જો કોઈ સદ્‌ગૃહસ્થનો દીપ હોલવાઈ જાય તો તે અશુભ ગણાય છે. એવી જ રીતે પોતાના ઈષ્ટદેવતાને હૃદયકમળમાં રાખીને સાધકનું ધ્યાન પેલા અખંડ દીવાની જ્યોત જેવું બનવું જોઈએ. ઘરની બીજી ફરજો બજાવતી વખતે સાધકે સમયે સમયે પેલો દીવડો હજુ જલે છે કે કેમ એ વારંવાર ભીતર ડોકીયું કરીને જોઈ લેવું જોઈએ. 

શ્રીરામકૃષ્ણે એક વખત કહ્યું: ‘મારી સાધના દરમિયાન મારા ઇષ્ટદેવતા પર ધ્યાનની શરૂઆત કરતાં પહેલાં હું મારા મનને સંપૂર્ણપણે ધોઈ રહ્યો હોઉં એવી કલ્પના કરતો. જુઓ ભાઈ, મનમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં ગંદી વસ્તુઓ અને કચરા (ખરાબ વિચારો અને આસક્તિઓ) હોય છે. હું એવી કલ્પના કરતો કે આ બધી અપવિત્રતાઓ કે ગંદકીઓને ધોઈ ધફોઈને ચોખ્ખી થયેલી જગ્યા એ મારા ઈષ્ટદેવતાને મૂકું છું. આ પદ્ધતિ અપનાવો.’ (સ્વામી શારદાનંદ કૃત ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’, અનુ. સ્વામી ચેતનાનંદ, પૃ.૪૩૫-૩૬)

ચંચળ મન ખેલમાં રાચે છે. સાધક મનોરંજન માટે જપનો ઉપયોગ કરી શકે. દા.ત. શ્રીરામકૃષ્ણ અને શ્રીમા શારદાદેવીની પદરજથી પાવન થયેલ સ્થળોની મુલાકાત રામકૃષ્ણના ભક્તો લે છે. ત્યારે અહીં જણાવેલાં સ્થળો પર પોતાનું મન એકાગ્ર કરીને સો મંત્રજાપ કરી શકે : કામારપુકુરની શ્રીરામકૃષ્ણની મૂર્તિ, જયરામવાટીની શ્રીમાની મૂર્તિ; કાલી-કૃષ્ણ-શિવ, શ્રીઠાકુરનો ઓરડો, નોબતખાનું અને દક્ષિણેશ્વરની પંચવટી; કાશીપુરનો શ્રીઠાકુરનો ખંડ અને બેલૂર મઠની શ્રીઠાકુરની આરસ પ્રતિમા. આવી રીતે ભક્ત એકાસને હજાર મંત્રજાપ કરી શકે.

મંત્રદીક્ષા વખતે શિષ્યને ગુરુજી સવાર-સાંજે જપ અને ધ્યાન કરવાનું કહે છે. એનું કારણ એ છે કે દિવસ અને રાત્રીના કે રાત્રી અને દિવસના સંધિકાળે પ્રકૃતિ શાંત હોય છે. એનાથી અસરકારક રીતે જપધ્યાન કરવા દૃઢ શ્રદ્ધાભક્તિ અને નિયમિતતા મળી રહે છે. એકાસને બેસવાની ટેવ પાડવી એ ઘણી અગત્યની છે. ધારો કે કોઈ વ્યક્તિ સવારે આઠ વાગે નાસ્તો લે છે. બપોરે એક વાગે ભોજન કરે છે અને રાતના આઠ વાગે વાળું કરે છે. એણે આ દૈનંદિન ક્રિયાનું ચાલીસ વર્ષથી અનુસરણ કર્યું છે. આ નિયમિતતાને કારણે જે તે સમયે એની હોજરી ભોજન લેવા તૈયાર હોય છે. એવી જ રીતે કોઈ નિશ્ચિત સમયે દરરોજ કોઈ સાધક ધ્યાન ધરે તો તેનું મન ઈશ્વરની ઉપસ્થિતિ માટે તત્પર બની જશે. વિદ્વાન કવિરાજ ગોપીનાથ કહે છે: ‘ધ્યાન માટે ચોક્કસ સમયગાળો જાળવી રાખવો. જો તમે વહેલી સવારે ૪ વાગે ધ્યાન માટે બેસવાનું નક્કી કર્યું હોય તો તમારે એ સમયે બેસી જવું જોઈએ. એમાં પૈસા ખરચવા કે ગુમાવવા પડે તોયે વાંધો નહિ. કોઈ આપત્તિ વખતે નિશ્ચિત સમયે બેસવામાં બાધા આવે તો તમે તે સમયે આંખો બંધ કરીને આટલી પ્રાર્થના કરો: ‘હે પ્રભુ, આ પળે હું તમારું ધ્યાન ધરી શકું તેમ નથી.’ આવી એક મિનિટનું સ્મરણ પણ પૂરતું છે. ચોક્કસ સમયને જાળવી રાખવો એ ઘણું મુશ્કેલ કાર્ય છે; પરંતુ આ ટેવ ઈશ્વરને આપણી નજીક લાવી દે છે. તમે બીજા કોઈ સમયે ઘણા લાંબા કલાકો સુધી બેસી શકો તેમ છો, પણ તમારા ચોક્કસ સમયગાળાને ક્યારેય ભૂલતા નહિ. મુસલમાનો દિવસમાં પાંચ વખત તેમની પ્રાર્થના-નમાજ કેવી રીતે પઢે છે તે તમે જોયું છે; તેઓ પોતાના આ નિયત સમયને દરરોજ જાળવી રાખે છે. અરે! મુસાફરી દરમિયાન પણ રસ્તાની એક બાજુએ ઊભા રહીને ચોક્કસ સમયે પોતાની નમાજ કે પ્રાર્થના કરે છે, એમને મસ્જિદની જરૂર રહેતી નથી. કોઈ સાધકની આધ્યાત્મિક યાત્રામાં અનેકાનેક વિઘ્નો આવે છે. ધ્યાન માટેના યોગ્ય સમયને ચુસ્તપણે વળગી રહો. (ગોપીનાથ કવિરાજ કૃત ‘પરમાર્થ પ્રસંગ’ ૩.૫૨-૫૩)

પતંજલિ કહે છે : ‘એક સુનિશ્ચિત સમય અને એમની સમયમાં સુનિશ્ચિત ધારાસાતત્યથી (એકાગ્રતા, ધ્યાન અને તલ્લીનતા દ્વારા) સંયમ કેળવીને સાધકને જ્ઞાન-વિવેક સાંપડે છે.’ (યોગસૂત્ર – ૩.૫૩) મોટા ભાગના લોકો સમયનું મહત્ત્વ કે રહસ્ય જાણતા નથી. સમયથી સુનિશ્ચિત જીવન જીવનારો વ્યક્તિ આવી રીતે ન કરનાર વ્યક્તિ કરતાં વધારે સારી રીતે પોતાના કાર્યને પાર પાડે છે.

જ્યારે સ્વામી બ્રહ્માનંદજી વૃંદાવનમાં હતા ત્યારે તેણે મધ્યરાત્રિએ મંત્રજપ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. એક પવિત્ર આત્મા તેમને એ સમયે ઊંઘમાંથી કેવી રીતે જગાડતા એની વાત એમણે પાછળથી વર્ણવી હતી : ‘એ સમયે તુરીયાનંદ અને હું બંને સાથે રહેતા અને જપ તેમજ ધ્યાનનો અભ્યાસ નિયમિત અને ચુસ્તપણે કરતા. અમારે બંનેને જરૂર ન પડે ત્યાં સુધી એક બીજા સાથે અમે વાતો પણ ન કરતા. રાતના ૮ વાગે અમે ભિક્ષા દ્વારા મેળવેલ થોડી રોટલી ખાતા અને પછી સૂઈ જતા. બરાબર મધરાતે અમે જાગી જતા. હાથ મોં ધોઈને અમે ધ્યાનમાં બેસી જતા. એક રાત્રે જ્યારે હું સૂતો હતો ત્યારે કોઈકે મને હડસેલીને કહ્યું: ‘બાર વાગી ગયા છે. તું ધ્યાનમાં નથી બેસવાનો?’ હું તરત જ ઊભો થઈ ગયો. હું ત્યારે અર્ધનિદ્રામાં હતો. મેં ધાર્યું કે તુરીયાનંદે મને ઊંઘમાંથી ઉઠાડ્યો હશે, પરંતુ તેણે મને કહ્યું કે મેં એવું કર્યું નથી. મેં તરત જ હાથ-મોં ધોઈ લીધાં અને ધ્યાનમાં બેસી ગયો. મેં જોયું તો બાબાજી (એક વૈષ્ણવ સંત) મારી સામે જ શાંતિથી મંત્રજાપ કરતા હતા. મેં એને જોયા ત્યારે હું તો થોડો ડરી પણ ગયો. મેં મારો મંત્રજાપ શરૂ કર્યો, સમયે સમયે હું એમના તરફ જોઈ પણ લેતો. જ્યાં સુધી મારા આસન પર બેઠો હતો ત્યાં સુધી મેં એમને ઊભેલા અને મંત્રજાપ કરતા જોયા. પછીથી આવી જ રીતે હું દરરોજ એમને મંત્રજાપ કરતી વખતે પ્રત્યક્ષ જોતો.’ (સ્વામી ચેતનાનંદ કૃત ‘ગોડ લિવ્ડ વિથ ધેમ’, પૃ.૯૮-૯૯)

જપની રુચિ કેવી રીતે કેળવવી?

આપણે ઈશ્વરનું નામ રટીએ છીએ, પણ આપણને એના રસાસ્વાદ આવતો નથી, અને તે આપણને ભાવાવસ્થાનો નશો લગાડતું નથી. આપણે માળા પર આપણા મંત્રની યાંત્રિક રીતે રટણા કરતાં કરતાં સવાર-સાંજ શ્રીમંદિરમાં બેસીએ છીએ, પણ આપણને એમાંથી આનંદ મળતો નથી. એટલે આપણે તરત જ મંદિરમાંથી બહાર નીકળીએ છીએ અને આપણી બીજી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થઈ જઈએ છીએ. પતંજલિ કહે છે: ‘જ્યારે ધ્યાનનો અભ્યાસ લાંબા સમય સુધી, નિર્વિઘ્ને અને દૃઢ શ્રદ્ધા-ભક્તિથી થાય છે ત્યારે સાધક ઈશ્વરચૈતન્યમાં સ્થિત થાય છે.’ (યોગસૂત્ર : ૧.૧૪)

મનોનિગ્રહ એક દિવસમાં સાધી ન શકાય. પણ એ તો લાંબા અને સતત અભ્યાસથી જ સાધી શકાય. જપ દ્વારા ભીતરની આધ્યાત્મિક દુનિયામાં પ્રવેશવા માટે સાધકમાં શાંતિ અને ધૈર્ય હોવાં જોઈએ. ધારો કે એક માણસ બપોર પછી થિયેટરમાં ફિલ્મ શરૂ થઈ ગયા પછી પ્રવેશે છે. બહાર નીકળવાના સંકેતવાળી લાલ લાઈટ અને પડદા પરના પ્રકાશ સિવાય તેને ચારે બાજુ અંધારું જ દેખાય છે. ત્યાં થોડીવાર સ્થિર થયા પછી ધીમે ધીમે તે ખુરશીઓની હરોળ જોઈ શકે અને પોતાની સીટ પણ શોધી શકે છે. એવી જ રીતે જપ અને ધ્યાન દ્વારા હૃદયના અંધકારમાં અજવાળું પાથરી શકાય છે. ત્યારે જ કોઈ સાધકને આનંદ ઉપજે છે. સંત તુલસીદાસે કહ્યું છે : ‘જેમ ઘરના ઉંબરે મૂકેલો દીવડો ઓરડાની અંદર અને બહાર પ્રકાશ પાથરે છે, તેવી જ રીતે રામનામનું રટણ આપણી ભીતર અને બહાર પ્રકાશ પાથરી દે છે.’

આધ્યાત્મિક શિસ્ત વિનાનો જુસ્સો મીઠા વગરની કઢી જેવો સ્વાદ-સુગંધ વિનાનો છે. જેમ ગાયને ખોળ સાથે ખાણ ભાવે છે તેમ જો સાધકો પ્રભુનું નામ ભક્તિભાવથી રટે તો તેમને પોતાના આધ્યાત્મિક જીવનમાં આનંદ આવે છે. ઋષિ વ્યાસ કહે છે : ‘જ્યારે આપણી પિત્તપ્રકૃતિ બગડી હોય ત્યારે ખાંડનોય સ્વાદ આવતો નથી. પણ જો કોઈ માણસ ધૈર્યથી દરરોજ થોડી ખાંડ લે તો ધીમે ધીમે એને ખાંડનો રસાસ્વાદ આવવા માંડે છે અને પેલો પિત્તનો રોગ પણ ચાલ્યો જાય છે. એવી જ રીતે જેઓ અજ્ઞાનમાં રહે છે તેમને ઈશ્વરનું નામ કોઈ અસર નહિ કરે. પણ જો તેઓ નિયમિત રીતે આધ્યાત્મિક શિસ્તનું પાલન કરે તો અજ્ઞાન દૂર થઈ જાય અને દિવ્યનામનો રસાસ્વાદ મળે.’ ક્યારેક ઇન્ફ્‌લૂએન્ઝા દર્દીની સ્વાદવૃત્તિને નિર્બળ બનાવી દે છે. પરંતુ એના ભોજનમાં થોડું અથાણું કે એનો રસ ઉમેરાય તો એની જીભને સ્વાદ લાગે છે. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ પેલા અથાણાના રસ જેવો છે. દારુડિયો દારૂની વાત સાંભળવા ઝંખે છે. તેનું મન વિસ્કી કે વોડકાની બોટલ જોઈને રાજી રાજી થઈ જાય છે. દારુની બોટલ ઉપરનું ઢાકણું ખૂલે કે તરત જ તે નશાના ભાવથી ગુલાબી-ગુલાબી થઈ જાય છે. પછી તે આનંદ સાથે આખી બોટલ પીઈ જાય છે. અંતે તે દુનિયાનું ભાન ભૂલી જાય છે અને તે બેભાન બનીને રસ્તામાં પડી જાય છે. વાસ્તવિક રીતે આવી જ રીતે ઈશ્વરનામસ્મરણના નશાથી કોઈ સાધક દિવ્ય આનંદનો અનુભવ કરી શકે છે. શ્રીરામકૃષ્ણ કહેતા: ‘સિદ્ધિ-ભાંગ એ શબ્દનું રટણ કરવાથી નશો નહિ આવે. વાસ્તવિક રીતે તમારે ભાંગ લાવવી પડે, એને પાણીમાં રગળવી પડે અને પછી એ પ્રવાહી પીવાય… તમે ગૃહસ્થ જીવન જીવો છો તેથી ઈશ્વરના ચિંતનથી મનને નશામાં લાવવાની ઉત્તેજના ઊભી કરો. તમે તમારી ફરજો બજાવતા હશો. પણ પેલો ઈશ્વરપ્રેમનો નશો તમારામાં રહેવા દેજો.’ (‘ગોસ્પેલ’, પૃ.૧૦૨૪-૨૫)

આપણે જેને ધિક્કારતા હોઈએ એવા લોકોનાં નામ સાંભળવા આપણને ગમતાં નથી. પણ આપણે જેમને ચાહતા હોઈએ છીએ એમનાં નામ સાંભળવા ગમે છે. આ પ્રેમનો નાતો આપણે આનંદનો ભાવ ચખાડે છે. ‘વિદગ્ધ માધવ’માં રૂપ ગોસ્વામી આમ લખે છે : ‘કૃષ્ણ નામના બે અક્ષરમાં કેટલું અમૃતભર્યું છે એ હું જાણતો નથી. આ એક મુખે એનું નામ રટણ કરતાં કરતાં હું ધરાતો નથી; મને એવું થાય છે કે મને લાખો લાખો મુખ હોત તો, કેવું સારું થાત. અરે! એમનું નામ સાંભળવા માટે મારે લાખો કાન હોય એમ ઇચ્છું છું. જ્યારે મારા મનમાં એના નામનું કંપન જાગે છે ત્યારે મારી બધી ઈંદ્રિયો જિતાઈ જાય છે.’

વૈષ્ણવનાં શાસ્ત્રો ઈશ્વરના નામની રટણા પ્રેમભક્તિ સાથે કરવી એ બાબત પર ભાર મૂકે છે. વૈષ્ણવોની આ મુખ્ય ભક્તિશિસ્ત છે. દિવ્ય પ્રેમની પ્રાપ્તિ કરતાં પહેલાં ભક્ત અનેક તબક્કામાંથી પસાર થાય છે. પહેલાં શ્રદ્ધા હોવી; પછી પવિત્ર અને સાધુપુરુષોનો સંગાથ શોધવો-સત્સંગ કરવો; બધાં વિઘ્નોને દૂર કરનાર ઈશ્વરના નામનું સતત રટણ કરવું; અને પછી દૃઢ શ્રદ્ધાભક્તિ કેળવીને મધુરભાવનો અનુભવ કે રસાસ્વાદ કરવો; ભગવાનમાં જ રત રહીને આધ્યાત્મિક ભાવમાં જ સ્થિત બનીને અંતે દિવ્ય પ્રેમભાવ પ્રાપ્ત થાય છે. ચૈતન્યદેવે કહ્યું છે: ‘જીવદયા, નામે રુચિ, વૈષ્ણવ સેવા; ઇહ બિના ધર્મ નાઈ, સુનો સનાતન.’ – ‘હે સનાતન તું સાંભળ, બધા જીવ પ્રત્યે દયાભાવ કે કરુણાભાવ; પ્રભુનામસ્મરણ પ્રત્યે પ્રેમ અને ભક્તોની સેવા જેવો બીજો કોઈ ધર્મ નથી.’

શ્રીરામકૃષ્ણ અને દિવ્યનામ

પાંચસો વર્ષ પહેલાં મહાપ્રભુ ચૈતન્યે ઈશ્વરનામનો જપ કેવી રીતે કરવો તે શીખવ્યું હતું. દરેકે દરેક માનવને પ્રભુનું નામ જપવાનો અધિકાર છે. એમના ભક્તોમાં ગરીબ કે તવંગર, ભણેલ કે અભણ, બ્રાહ્મણ કે હરિજન, જેવા ભેદભાવ ન હતા. ચૈતન્યદેવ જે મંત્રજપ કરતા તે આ હતો :

‘રામ-રાઘવ રામ-રાઘવ, રામ રાઘવ પાહિમામ્‌;
કૃષ્ણ કેશવ કૃષ્ણ કેશવ, કૃષ્ણ કેશવ રક્ષમામ્‌.’ 

આ ઉપરાંત બત્રિસ અક્ષરનો સુખ્યાત વૈષ્ણવમંત્ર પણ છે : ‘હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે; હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.’

અક્ષયસેને દિવ્યનામ વિશેની શ્રીરામકૃષ્ણની સૂચના વિશે આમ લખ્યું છે: ‘માણસના મનમાં એક દુષ્ટ શક્તિની જેમ અપવિત્ર વિચારોએ ઘર કર્યું છે. મનને નિર્મળ, પવિત્ર બનાવવા માનવીએ સહજ-સરળ શ્રદ્ધા સાથે પ્રભુના નામનો સતત જપ કરવો જોઈએ. આ સૌથી સરળ સાધન છે. શ્રીરામકૃષ્ણે વારંવાર કહ્યું છે: ‘પ્રભુના નામમાં અનંત મહિમા છે. પ્રભુનું નામ બીજ છે; એ નામ વૃક્ષ છે; અને એ નામ ફળ પણ છે. પ્રભુ એના નામમાં વસે છે.’ લોકો આવી મૌખિક સૂચના કે આદેશોની સામાન્ય રીતે કાળજી લેતા નથી. એટલે શ્રીરામકૃષ્ણદેવ લોકોને શીખવવા માટે તાલબદ્ધ નૃત્ય સાથે હાથની તાળીઓ વગાડતાં વગાડતાં સવાર-સાંજ હરિનામનો જપ કરતા. તેઓ એવી ભાવાવસ્થામાં આવી જતા કે એમનું આ નૃત્યગાન એમને સમાધિભાવમાં લઈ જતું. જો કે કોઈ પણ સાધકને આવી સમાધિ અવસ્થા અનેક જન્મોની આકરી તપશ્ચર્યા પછી મળે છે. પણ શ્રીરામકૃષ્ણે પ્રભુના નામના જપથી આ અવસ્થાને પ્રાપ્ત કરી શકાય તે સિદ્ધ કર્યું. શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ પ્રભુના નામનું શ્રવણ, રટણ, ગાન-કીર્તન નારદની ભક્તિનો માર્ગ છે. આ કળિયુગમાં નારદનો ભક્તિમાર્ગ જ ઈશ્વરની અનુભૂતિનું શ્રેષ્ઠ સાધન છે. (શ્રી અક્ષયકુમાર સેન કૃત ‘શ્રી શ્રીરામકૃષ્ણ મહિમા’ પૃ.૧૩૨-૩૩)

મોટા અવાજવાળું સંગીત આપણને એક બીજાની વાત સંભળાવા દેતું નથી. એટલે મોટા અવાજવાળું કીર્તન કે ગાન સંસારની આસક્તિઓને જીતી લે છે, દૂર કરે છે. કહેવાય છે કે દિવ્યનામ આસક્તિ અને વાસનાઓનો નાશ કરે છે. શ્રીરામકૃષ્ણે એમના સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદને વાસનાના વિરોધીના રૂપે ઈશ્વરના નામનો જપ કરવાની સલાહ આપી હતી.

રામલાલે કહ્યું છે કે શ્રીરામકૃષ્ણદેવ ‘જય ગોવિંદ, જયગોપાલ; કેશવ માધવ દીનદયાળ; હરે મુરારે ગોવિંદ, વાસુદેવ દેવકીનંદન ગોવિંદ, હરે નારાયણ ગોવિંદ હે; હરે કૃષ્ણ વાસુદેવ’ આવો હરિનામનો જપ કે એમનું કીર્તન નૃત્ય સાથે સવાર સાંજ કરતા. (સ્વામી ચેતનાનંદ સંપાદિત ‘રામકૃષ્ણ એઝ વી સો હિમ’ પૃ.૪૧)

શ્રી મ. કહે છે : ‘મોડી સાંજે શ્રીઠાકુર ‘બ્રહ્મ-માયા-જીવ-જગત’ એ મંત્ર રટતા. આ મંત્રના જપથી કોઈ પણ સાધક પૂર્ણતા પ્રાપ્ત કરે છે કે ઈશ્વરનાં દર્શન કરી શકે છે. શ્રીઠાકુરે કહ્યું છે: ‘આ મારો રહસ્યમય મંત્ર છે.’ (સ્વામી નિત્યાત્માનંદ કૃત ‘શ્રીમા દર્શન’ ૨.૧૫૧)

જ્યારે શ્રીરામકૃષ્ણ બલરામના ઘરે કે બીજા કોઈ ભક્તના ઘરે જતા ત્યારે તે પ્રભુનામ રટણ કરતા. મુલાકાતીઓએ આ વિશે પાછળથી આવી નોંધ કરી છે: ‘આ પરમહંસ જગન્માતાના નામનું રટણ કેવું કરે છે! એ આપણા હૃદયને વીંધી નાખે છે.’ (સ્વામી અખંડાનંદ કૃત ‘સ્મૃતિકથા’ પૃ. ૪૧)

શ્રીઠાકુરે દેવદેવીઓનાં નામનાં રટણ કે જપ કર્યાં હતાં તેની ઘણી રીતો ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં નોંધાયેલ છે:

‘કૃષ્ણ હે દીનબંધુ! પ્રાણવલ્લભ! ગોવિંદ!
હા કૃષ્ણ! હે કૃષ્ણ! જ્ઞાન કૃષ્ણ! પ્રાણકૃષ્ણ!
બુદ્ધિકૃષ્ણ! મનકૃષ્ણ! દેહકૃષ્ણ!
પ્રાણ હે ગોવિંદ! મમ જીવન.
સચ્ચિદાનંદ! સચ્ચિદાનંદ! સચ્ચિદાનંદ!
કરુણાનંદ – દાયિની! કરુણાનંદમયી!
હરિ બોલ, હરિ બોલ, હરિમય, હરિ બોલ,
હરિ હરિ હરિ બોલ.
રામ, રામ, રામ, રામ, રામ, રામ, રામ, રામ.
જય જય દુર્ગે, જય જય દુર્ગે.
સહજાનંદ, સહજાનંદ. ૐ કાલી, ૐ કાલી.
કાલી બ્રહ્મ, કાલી બ્રહ્મ, મહાકાલી, નિત્યકાલી,
શ્મશાનકાલી, રક્ષાકાલી, શ્યામાકાલી.
બ્રહ્મ – આત્મા – ભગવાન.
ભાગવત – ભક્ત – ભગવાન
ગુરુ – કૃષ્ણ – વૈષ્ણવ
બ્રહ્મ – શક્તિ, શક્તિ – બ્રહ્મ.
વેદ, પુરાણ, તંત્ર, ગીતા, ગાયત્રી.
શરણાગત, શરણાગત.
નાહં, નાહં, તૂહું, તૂહું.
આમી યંત્ર, તુમી યંત્રી.
હરિ ૐ, હરિ ૐ!
ૐ, ૐ, ૐ, ૐ, ૐ, ૐ, ૐ, ૐ કાલી!
કૃષ્ણ, કૃષ્ણ, કૃષ્ણ! કૃષ્ણ સચ્ચિદાનંદ.
ૐ સચ્ચિદાનંદ!
ગોવિંદ, ગોવિંદ, ગોવિંદ!
યોગમાયા!
કૃષ્ણ કૃષ્ણ! ગોપીકૃષ્ણ, ગોપી, ગોપી!
રાખાલજીવન કૃષ્ણ.
નંદનંદન કૃષ્ણ, ગોવિંદ, ગોવિંદ!
શ્રીમત્‌ નારાયણ, શ્રીમત્‌ નારાયણ,
નારાયણ, નારાયણ!
જગન્નાથ, દીનબંધુ, જગબંધુ.
ઓ મા, ઓ મા, બ્રહ્મમયી.
મા, મા રાજેશ્વરી.

શ્રીરામકૃષ્ણદેવે એકાંગી યંત્ર જેવું જીવન જીવવાની જરાય દરકાર કરી ન હતી. એમનો વ્યક્તિગત અનુભવ એમને એ શીખવી ગયો કે પ્રભુનાં નામ ઘણાં છે. એ નામમાંથી કોઈ પણ એકનું અનુસરણ કરીને કોઈ પણ માનવ પ્રભુને પામી શકે છે. એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુર ‘ગૌર, ગૌર’ ગૌરાંગના નામનું રટણ કરતા હતા. કોઈકે પૂછ્યું: ‘મહાશય, આપ તો શ્રીમા શ્યામાનું નામ રટો છો. શા માટે ગૌરનું નામ જપી રહ્યા છો?’ શ્રીઠાકુરે જવાબ આપ્યો: ‘ભાઈ હું શું કરી શકું? તમારે લોકોને પત્ની, પુત્ર, પુત્રી, ધન, હોય છે, પણ મારે તો માત્ર ઈશ્વર જ છે. એટલે ક્યારેક હું ‘ગૌર’ કહું છું, વળી ક્યારેક ‘મા’ અને વળી ક્યારેક તો ‘રામ, કૃષ્ણ, કાલી અને શિવ’ પણ કહું છું. આવી રીતે હું મારો સમય વીતાવું છું. (સ્વામી નિત્યાત્માનંદ કૃત ‘શ્રીમા દર્શન’ ૭.૧૭૮)

(ક્રમશ:)

Total Views: 71

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.