(શિખરિણી સૉનેટ)

મને તું ખેંચી લે કિસન! કરષી લે જ તું મને,
ધીમે ધીમે તારા તરફ તવ તે વાંસળી સૂરે,
હું તુંથી વીંધયો મૃગ છું, સ્વર તે ક્યાંય સુદૂરે;
સુણ્યો છે મેં તારા નિકટ રમતા વેણુસ્વરને;

મને તું ખેંચી લે ભૂખરવરણા માછી! દિન આ
યથા કો માછી શો રવિ કર વણી જાળ ખીંચતો
પ્રતીચીને આરે, -રવિ પણ સ્વયં આંખ મીંચતો.
તું ખેંચી લે જાળે તવ, ગણી લઈ ક્ષુબ્ધ મીન આ.

મને તું ખેંચી લે તવ તરફ, તારા ચરણમાં,
હું તારી જાળે છું પૃથુલતમ ફેલાવી ફરતી,
ભવાબ્ધિની માછી! જલદી કર, રાત્રિ ઊતરતી;
ઝલાયો સ્વેચ્છાથી હું ય ખસું છું મેળે મરણમાં;

હશે બાકી કૈં કૈં હુંય હઈશ વીંટાયલ મલે
ચહે કોરો મોરો ફકત તું મને, તો વીંધ ગલે.

– ઉશનસ્

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.