પ્રબુદ્ધ ભારત ૧૯૭૨ના ઑક્ટોબરના અંકમાં સ્વામી બુધાનંદજી મહારાજે મૂળ અંગ્રેજીમાં લખેલ ‘Cultivation of Strength and Fearlessness’ લેખનો શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. સં.

જીવનના પડકારને શી રીતે ઝીલવો

જીવન એ પડકાર છે. આપણે વ્યક્તિગત રીતે તથા આંતરિક રીતે આ પડકારને કઈ રીતે ઝીલીએ છીએ તેની ગુણવત્તા પર આપણે જીવન પાસેથી શું મેળવવા માગીએ છીએ તેનો મોટો આધાર રહે છે. માણસ શું બની શકે છે, તેની કોઈ સીમા નક્કી કરવામાં આવી નથી. તમે સંજોગોની વાત કરો છો? વારુ, હિન્દુધર્મના એક પ્રાચીન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે : ‘માણસ પોતે નિર્માણ કરેલા જગતમાં જન્મ લે છે. (कृतं लौके पुरषोऽभिजायते।) અને આપણે આપણા દરરોજના જીવનમાં જે કાંઈ વિચારીએ છીએ કે કરીએ છીએ તેના દ્વારા આપણા જગતનું પુન:નિર્માણ કરતા હોઈએ છીએ.

આથી આપણે સંજોગોમાં બદલાવ લાવી શકીએ છીએ; આપણી વિવિધ પ્રકારની મર્યાદાઓ હોવા છતાં આપણે સાચા અર્થમાં આપણા ભાગ્યના વિધાતા કે વિનાશક છીએ. આપણે જીવનમાં શું થવાના છીએ તેનો આધાર આપણી શક્તિ પર રહેશે. આમ વ્યક્તિગત રીતે વાત કરીએ તો કહી શકાય, જેમ જેમ આપણી પાસે વધારે ને વધારે શક્તિ હશે, તેમ તેમ આપણે જીવન પાસેથી લાભ ઉઠાવી શકીશું. દુન્યવી ઉપલબ્ધિઓની બાબતમાં શક્તિ એક રહસ્ય છે એટલું જ નહીં, આધ્યાત્મિક સિદ્ધિઓની બાબતમાં પણ એમ જ છે.

હવે ધર્મની બાબતમાં વાત કરીએ તો ધર્મનો અર્થ ઉદાસ થઈને બેઠા રહેવું અને રોતલ બની રહેવું, ખુશામત કર્યા કરવી અને ઘૂંટણિયા ભેર બેસી રહી દુનિયાનાં પરિબળો સમક્ષ પતાવટ કરી લેવી એવો નથી. એનો અર્થ છે આપણા આંતરિક અને બાહ્ય સત્ત્વને આગળ કરી પરિસ્થિતિઓનો સામનો કરવાનો સંકલ્પ કરવો અને કદાપિ ન હારી જાય તેવો વિજય પ્રાપ્ત કરવો.

શું તમે એમ કહો છો કે હું સમસ્યાઓથી ઘેરાયેલો છું? કોઈ તમને દબાવી રહ્યું છે, કે તમારા પર જુલમ ગુજારી રહ્યું છે; શું એવી તમારી ફરિયાદ છે? શું તમને એમ લાગે છે કે તમે દુ:ખી દુ:ખી છો? શું તમને એમ લાગે છે કે તમે પાપી છો? તો પછી તમારી પરિસ્થિતિ ગમે તેવી આશાહીન દેખાતી હોય તો ત્યાંથી પાછા વળીને એના પર હુમલો કરો. માત્ર સંકલ્પના આ વિચારથી જ તમારી નાડીઓમાં શક્તિનો સંચાર થશે અને તમારી સમસ્યાઓ કેવી ફટાફટ ઊકલવા માંડે છે, તે જોઈને તમે પણ વિસ્મય પામશો. સ્વામી વિવેકાનંદ ઘોષણા કરે છે :

‘વેદાંત કહે છે કે નિર્બળતા જ આ દુનિયામાં બધાં દુ:ખોનું મૂળ કારણ છે. યાતનાઓનું નિર્બળતા જ એકમાત્ર કારણ છે. આપણે નિર્બળ છીએ તેથી જ દુ:ખી થઈએ છીએ. આપણે નિર્બળ છીએ, તેથી જ ખોટું બોલીએ છીએ, ચોરીચપાટી કરીએ છીએ, કોઈની હત્યા કરી નાખીએ છીએ અને બીજા અપરાધો કરીએ છીએ. આપણે નિર્બળ છીએ તેથી જ આપણે સહન કરવું પડે છે. માયાની ઈંદ્રજાળને લીધે આપણે દુ:ખી છીએ. માયાનો ત્યાગ કરી દો અને તમે જોશો કે દરેક વસ્તુ અદૃશ્ય થઈ જશે. (C.W. : 2.198)

આથી, નિર્બળતાની આ ઈંદ્રજાલ જવી જ જોઈએ. એનો ડાળીઓ તથા મૂળિયાં સહિત નાશ કરી દેવો જોઈએ. જો જુલમગાર શક્તિશાળી હોય તો તે જુલમ કરે જ નહીં. તેની નિર્બળતા જ તેને જુલમ કરવા ધકેલે છે. જો જુલમ સહન કરનારો શક્તિશાળી હોય તો તે જુલમને સહન જ ન કરી લે. જો ભૂખે મરતો માણસ શક્તિશાળી હોય તો તે ભૂખે મરવાની ના જ પાડી દે. એ ભગવાનની મબલખ સૃષ્ટિમાંથી ખોરાક મેળવી લે અને જીવે. તેનાં દુ:ખને કાયમી બનાવવાનો સ્વભાવ ધરાવતી રાજકીય અને આર્થિક પરિસ્થિતિને એ બદલી નાખે. જો લાલચમાં ફસાયેલા માણસ પાસે સાચી શક્તિ હોય તો તે લાલચને તાબે જ ન થાય.

નબળું શરીર જ કોઈપણ અને બધા પ્રકારની ધસમસતી ઉધઈનો ભોગ બની જાય છે. નબળું મન જ બધા પ્રકારના રોગનું ઘર બની જાય છે. જો આપણી નબળાઈઓ શક્તિના ધસમસતા પ્રવાહમાં તણાઈ જાય તો આપણે ખોટું બોલીશું નહીં, ચોરી કરીશું નહીં, કોઈની હત્યા કરીશું નહીં, બીજા ગુના અને પાપ કરીશું નહીં. એ પછી આપણને ખબર પડશે કે જીવન કેટલું સુંદર બની શકે છે. આ વાત કોઈ છીછરા અર્થને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી નથી. વરસો સુધી અંધારી કોટડીમાં કેદમાં રહેલા કેદીને છૂટ્યા પછી મુક્ત આકાશ જેવું સુંદર દેખાય તેવા ગંભીર અર્થના પ્રકાશમાં આ વાતને લેવાની છે.

જીવનનો ઉત્તમોત્તમ લાભ ઉઠાવવા માટે ગમે તે માણસ માટે, ગમે તે સમયે, ગમે તે સ્થળે બીજી કોઈપણ વસ્તુ કરતાં વધારે જરૂરી છે શક્તિ અને વધારે ને વધારે શક્તિ. આ પળે, હવે પછીની પળે પણ વધારે શક્તિને લીધે માણસ વધારે સારો, વધારે શુદ્ધ અને વધારે સુખી બની જાય છે. એનો અર્થ એવો નથી કે આપણે વધારે શક્તિશાળી માણસો બનીશું એટલે જીવનની કસોટીઓ અને વિટંબણાઓ આપણી મુલાકાત લેતી બંધ થઈ જશે. વધારે શક્તિશાળી માણસો તરીકે કદાચ આપણે વધારે સમસ્યાઓ તથા તકલીફોનું આકર્ષણ કેન્દ્ર બની રહીએ. પરંતુ આપણા સ્નાયુઓમાં વિલસતી શક્તિને, મનમાં રહેલા શૌર્યને આપણી અદમ્ય ઇચ્છાઓ દ્વારા પ્રકટ કરીને આપણે તેમની સાથેની મલ્લકુસ્તીનો આનંદ માણી શકીશું અને આનાકાની કરતા હાથોમાંથી જીવનનાં વધારેમાં વધારે પારિતોષિકો મેળવી શકીશું. કાયર અને નબળા લોકો પડછાયાથી અને પાંદડાંના અવાજથી પણ ડરે છે. આથી વિવેકાનંદ કહે છે :

‘જીવનમાં સૌથી શ્રેષ્ઠ માર્ગદર્શક શક્તિ છે. બીજી બધી બાબતોની જેમ ધર્મમાં પણ જે કોઈ વસ્તુ તમને નબળા બનાવે તેવી હોય, તેનો ત્યાગ કરી દો. એની સાથે કોઈ સંબંધ ન રાખો.’ (C.W. : 1.134)

‘અનંત શક્તિ એટલે જ ધર્મ અને ભગવાન. નિર્બળતા અને ગુલામીને ફેંકી દો.’ (C.W. : 7.13)

દરિયાઈ તોફાનને લીધે અહીંતહીં ફેંકાતા જહાજને માટે હોકાયંત્ર ઉપયોગી બની રહે છે, તે રીતે સ્વામી વિવેકાનંદના આ શબ્દો માનવના જીવન માટે દિશાસૂચક બની રહે તેવા છે. એ શબ્દોને તમે તમારી સમજમાં દૃઢતાથી સંઘરી રાખો અને તમે સાચી દિશામાં તરવા માંડશો. આજે આપણે બહુ સારી રીતે સમજી શકીએ છીએ કે આપણને શક્તિની અને વધારે ને વધારે શક્તિની જરૂર છે. પણ આપણને આ શક્તિ મળે છે ક્યાંથી? આ પ્રશ્નનો જવાબ મળી રહે છે વીજળીની ગર્જના જેવા સ્વામી વિવેકાનંદના ઉપદેશમાંથી :

‘જે કંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો. ‘ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી.’ તમારી સામે અનંત ભાવિ પડેલું છે; હંમેશાં યાદ રાખજો કે જે દરેક શબ્દ તમે ઉચ્ચારો, જે દરેક વિચાર તમે સેવો અને જે દરેક કાર્ય તમે કરો તે તમારે માટે સંસ્કારનું ભંડોળ ભેગું કરે છે; અને જેમ ખોટા વિચારો અને ખોટાં કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર થાય છે, તેમ જ બીજે પક્ષે પ્રેરક આશાનાં કિરણો પણ છે કે સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહસ્ર દેવતાઓની શક્તિથી સર્વદા અને સદાને માટે તૈયાર હોય છે.’ (સ્વા. વિ. ગ્ર. મા. : ૭.૨૨૫-૨૨૬)

કેવો જીવનપ્રદ અને પ્રેરક સંદેશ : બધી જ શક્તિ અને સહાય તમારી જાતમાં જ રહેલ હોય છે. ભગવાને આપણને ક્ષમતા તરીકે ન આપી હોય એવી કોઈપણ વસ્તુ નથી. સોનાની ખાણ પાછળના ભાગમાં રહેલી છે ખાણ ખોદો અને સોનું લઈ લો. જીવનનું ક્ષેત્ર વણ ખેડાયેલું પડ્યું છે. એને કેળવો, સોનેરી પાક તમારો જ છે.

કેટલાયે વખતથી જે શક્તિ અંદર રહેલી છે, તેને પ્રકટ કરવાની છે. આધ્યાત્મિક જીવન દ્વારા એ ખરેખર કરવા જેવું કાર્ય છે. બીજી વસ્તુઓ સામાન્ય રીતે તેની પાછળ પાછળ આવી મળશે. આથી તે પ્રશ્ન કેળવવાની બાબતનો છે. આથી કહેવાનો ભાવાર્થ એ છે કે : જે માણસ પોતાની શક્તિને વધારે ને વધારે પ્રકટ કરવા માગે છે, તેણે પોતાની જાત સાથે જ હિસાબ પતાવી લેવો પડશે. એના માર્ગમાં અવરોધરૂપ ખડાં રહે છે માત્ર તેની પોતાની અનિર્ણયાત્મક્તા અને પોતાની જાતને જોતરી દેવાની વૃત્તિનો અભાવ; બીજું કશું જ નહીં.

પહેલો પ્રશ્ન છે : આપણે વધારે શક્તિ મેળવવાનો સંકલ્પ કર્યો છે ખરો? જો આપણે એ સંકલ્પ કર્યો હોય તો આપણને તે મળવાની જ છે. પરંતુ માત્ર શાબ્દિક ઘોષણા પર્યાપ્ત નથી. નિશ્ચયબળવાળો સંકલ્પ જરૂરી છે. જ્યારે દિલ અને દિમાગને સરખી રીતે સમજી લેવામાં આવશે, ત્યારે નિશ્ચય થઈ શકશે. એ પ્રકારનો સંકલ્પ પોતે જ સાધિત શક્તિનો એક અંશ બની રહે છે.

શારીરિક શક્તિની સાધના કરવાની રીતો

જ્યારે આપણે શક્તિ કેળવવાની જ વાત કરતા હોઈએ ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે માણસનું વ્યક્તિત્વ- સંકુલ ગૂંચવાડાભર્યું છે. માણસ પાસે શરીર, મન અને આત્મા છે. માણસના અસ્તિત્વનો માર્મિક ભાગ તેનો આત્મા છે, અને એક રીતે કહીએ તો તેના પર શરીરનું અને મનનું આવરણ આવેલું છે. માણસના સમગ્ર વ્યક્તિત્વના સંદર્ભમાં શક્તિ કેળવવાની બાબત યોગ્ય રીતે વિચારવી જોઈએ. જ્યારે આપણે શક્તિની સાધના કરવામાં નિષ્ફળ નીવડીએ, એ સાધના માત્ર આંશિક જ બની રહે, ત્યારે તે સમસ્યાત્મક પરિણામો તરફ પણ દોરી જઈ શકે. જ્યારે શક્તિની કેળવણી કરવાનો ખરેખર પ્રયત્ન કરતા હોઈએ ત્યારે સૌથી પ્રથમ પ્રશ્ન ઊભો થાય છે શારીરિક શક્તિનો.

શારીરિક રીતે નિર્બળ પુરુષ કે સ્ત્રી એ કરુણતાની મૂર્તિ બની રહે છે. અહીં આપણે અનિવાર્ય રીતે, કુદરતી ક્રમમાં માંદગી અથવા વધી ગયેલી ઉંમરને લીધે નિર્બળ બની ગયેલા લોકોની વાત કરતા નથી. અહીં આપણે વાત કરી રહ્યા છીએ હાનિકારક રીતે પોતાની જાતની ઉપેક્ષા કરીને અકાળે અને બિનજરૂરી રીતે નિર્બળ બની ગયા હોય એવા લોકોની. શક્તિશાળી અને તંદુરસ્ત પુરુષ કે સ્ત્રી એ એક સૌંદર્યપૂર્ણ વસ્તુ છે અને જાણે કે તેના દ્વારા ભગવાનની વિશેષ કૃપા વ્યક્ત થઈ રહી હોય છે. તેમની સાથે સંપર્કમાં આવતાં નિર્બળ લોકોને પણ એમ લાગે છે કે અમે સશક્ત છીએ.

જો કે એવાં કોઈ અફર નિયમ નથી કે શારીરિક રીતે નબળો માણસ સામાન્ય રીતે જીવનનાં બધાં જ ક્ષેત્રોમાં નિર્બળ હોવાની વૃત્તિ ધરાવે છે.

જો આપણી પાસે એક નિર્બળતા હોય તો બીજીને હસ્તગત કરવાનું કામ સહેલું બની જાય છે. અને જ્યારે આપણી પાસે બે નિર્બળતાઓ હોય, ત્યારે ત્રીજીને જાકારો દેવો એ કેવું અવિનયી કૃત્ય લાગે છે! હિન્દુ ઋષિ કાલીદાસે (કુમારસંભવ ૫.૩૩)માં પાયાના આ પરિબળનું ઘણું સ્પષ્ટ રીતે દર્શન કર્યું હતું. તેઓ એમ કહેવાની હદ સુધી પહોંચ્યા હતા કે ‘शरीरमाद्यं खलु धर्मसाधनम्।’ ધર્મના આચરણ માટે શરીર એ સૌથી પહેલું સાધન છે.

યોગ્ય કાળજીનો અર્થ એ નથી કે શરીરને પંપાળતા રહેવું, પરંતુ તેનો અર્થ છે તેની ગુરુત્તમ આંતરિક-ક્ષમતાને બહાર લાવવા માટે તેને વિવેકપૂર્વક કામમાં જોતરવું. જ્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું કે, ગીતાના અભ્યાસ કરતાં ફૂટબોલ દ્વારા તમે સ્વર્ગની વધારે નજીક પહોંચી શકશો; ત્યારે તેમના ભારતીય શ્રોતાઓને કેવો આઘાત લાગ્યો હશે એ આપણે સારી રીતે કલ્પી શકીએ છીએ. પોતાનો કહેવાનો ભાવાર્થ શો હતો તેની સમજણ આપતાં તેમણે કહેલું : 

‘તમારા બાહુબળ, તમારી સ્નાયુશક્તિને તમે જરાક વધારે સારી રીતે સમજી શકશો. જો તમારામાં જરાક વધારે સશક્ત લોહી વહેતું હશે તો તેના વડે તમે કૃષ્ણની સશક્ત પ્રતિભા અને વિરાટ શક્તિને વધારે સારી રીતે સમજી શકશો. જ્યારે તમારું શરીર તમારા પગ પર સ્થિર ઊભું હશે અને તમારી જાતને મર્દ તરીકે અનુભવતા હશો ત્યારે તમે ઉપનિષદોને તથા આત્માના ગૌરવને વધારે સારી રીતે સમજી શકશો.’ (C.W. : 3.242)

આ સત્ય સ્ત્રીઓની બાબતમાં પણ સમાન અને અસરકારક રીતે લાગુ પડે છે. આત્માના દૃષ્ટિકોણથી જોતાં પુરુષ અને સ્ત્રીની વચ્ચે કોઈ ભેદ નથી. સ્વામી વિવેકાનંદના ભારતમાં ઘણીવાર ઉદ્ધત કરવામાં આવતા આ શબ્દો છે. આંતરિક શક્તિના અર્થમાં કહીએ તો તેમણે સમગ્ર રાષ્ટ્રને જોમ પૂરું પાડ્યું છે અને અંતે તેમના દ્વારા જ દેશને સ્વાતંત્ર્ય મળ્યું હતું :

‘અત્યારે આપણા દેશને લોખંડી સ્નાયુઓની અને પોલાદી જ્ઞાનતંતુઓની જરૂર છે. જેનો કોઈ સામનો કરી ન શકે, વિશ્વનાં રહસ્યો અને કોયડાઓમાં પ્રવેશ કરી શકે અને સમુદ્રને તળિયે પહોંચીને મોતનો સામનો કરવો પડે તો તેમ કરીને પણ પોતાનો હેતુ પાર પાડી શકે તેવી જબરજસ્ત ઇચ્છાશક્તિની આપણને જરૂર છે.’ (સ્વા. વિ. ગ્ર. મા. : ૪.૭૫) 

જ્યારે શ્રીરામકૃષ્ણે પોતાના કેટલાક શિષ્યોનો સ્વીકાર કર્યો હતો ત્યારે તેઓ તેમની શારીરિક શક્તિ પર પણ નજર રાખતા. નરેન, રાખાલ અને નિરંજન તો કુસ્તીબાજ હતા. શશી અને શરત પણ એવા જ હતા. દુનિયાનું વિસ્મરણ કરી ચૂકેલા શ્રીરામકૃષ્ણે શારીરિક શક્તિને આટલું મહત્ત્વ આપ્યું હતું.

શારીરિક શક્તિની સાધનાનાં બે પાસાં છે : નકારાત્મક અને હકારાત્મક. નકારાત્મક રીતે વાત કરીએ તો શારીરિક શક્તિની સાધનાનો અર્થ છે શારીરિક શક્તિનો નિવારી શકાય તેવો બગાડ અટકાવવો. શારીરિક શક્તિનો બગાડ વિવિધ રીતે થતો હોય છે : 

૧. જીવનની અનિયમિત અને અતંત્રયુક્ત રીતો. ૨. પૂરતા પૌષ્ટિક ખોરાકનો અભાવ. ૩. ઉપયોગી વ્યવસાય વિષે પ્રમાદ અને તેનો અભાવ. ૪. માંદગી અને યોગ્ય આરામનો અભાવ. ૫. અનૈતિક આદતો ૬. નશીલાં પીણાં, ડ્રગ અથવા નશીલા પદાર્થોનું સેવન ૭. બિનતંદુરસ્ત પરિવેશમાં રહેવું. ૮. માનસિક અશાંતિ અને વિટંબણાઓ ૯. વધારે પડતું અને બિનઉપયોગી કામ ૧૦. બિનજરૂરી વાતો કરવાની આદત.

શારીરિક શક્તિની સાધના કરવા માટે પહેલાં તો આપણે સાચાં સાધનો દ્વારા શારીરિક શક્તિને વેડફાતી અટકાવવા માટેની રીતો શોધી કાઢવી જોઈએ. ભલે એમ દેખાય કે શારીરિક શક્તિના વેડફાટના કારણરૂપ જીવનના કેટલાક સંજોગો આપણા કાબૂ બહાર છે. સૌથી પહેલો મુદ્દો એ યાદ રાખવાનો છે કે જે માણસને પોતાની જાત પર કાબૂ નથી, આખી દુનિયા તેના કાબૂ બહારની બની રહે છે. જ્યારે આપણે પોતાની જાત પર કાબૂ મેળવવાનો વ્યાયામ શરૂ કરીએ છીએ, ત્યારે પરીક્ષા કરતાં લાગે છે કે જેને સંજોગો કહેવામાં આવે છે, તેમાં કશું જ અચલ હોતું નથી; સાચું કહીએ તો તેઓ પોતાની જાતને બદલતા જ રહેતા હોય છે. કાયમ એવું બનતું નથી કે સંજોલોને બદલવા પડે છે; મોટે ભાગે તેમને સમજી લેવાના હોય છે અને તેમની સાથે કામ પાડવાનું હોય છે. હકારાત્મક રીતે કહીએ તો શારીરિક શક્તિ કેળવવાનો આધાર આ બાબતો પર રહે છે :

૧. જીવવાની નિયમિત રીતો ૨. પોષણક્ષમ અને સુયોગ્ય ખોરાક ૩. નિયમિત કામકાજ, આરામ અને મનોરંજન ૪. યોગ્ય માત્રામાં શારીરિક વ્યાયામ ૫. નૈતિક સુટેવો ૬. માનસિક શાંતિ.

જો કે આપણે આપણા શરીર વિષે ખૂબ જ સભાન હોઈએ છીએ, છતાં વિચિત્ર વાત એ છે કે આપણામાંના ઘણા આપણા પોતાના જ શરીરની ખૂબ ખૂબ ઉપેક્ષા કરીએ છીએ. આપણામાંના કેટલાકનો ખ્યાલ એવો છે કે સારો ખોરાક ખાવાથી શરીર માટે જરૂરી એવું બધું જ આપણે કરી છૂટ્યા છીએ. અને પરિણામ એ આવે છે કે તેઓ એવા મેદસ્વી થઈ જાય છે કે તેથી જેમને હૃદયની બિમારી ન હોય તેવા લોકોના સદા ઉદાર હૃદયોમાં તરખાટ ઊભો થાય છે. વળી બીજા કેટલાક લોકો પ્રેરણા પૂરી પાડવાને માટે પોતાની જાત અશક્તિમાન દેખાઈ જશે એવી બીકથી, જરૂરી પ્રમાણમાં પણ ખોરાક લેતા નથી. પાતળા દેખાવા માટે તેઓ મરણિયા થાય છે જેથી તેઓ જેની ખૂબ શોધખોળ કરવામાં આવે છે, તેવા અભિનેતા બની શકે. આવા અભિનેતાઓની જરૂર નિરાશા અને તેજસ્વિતાની કેળવાયેલી દુનિયાંના એબ્સર્ડ થિયેટરમાં પડે છે. પરંતુ અકવિત્વમય જંતુઓને નબળી જીવનશક્તિવાળા લોકો માટે વધારે પડતો શોખ હોય છે. આથી જરૂરી ખોરાક લેવામાં શાણપણ રહેલું છે.

વધારે પડતું ખાવું એ મૂર્ખાઈ છે. ઓછું ખાવું એ મૂર્ખતા છે. ઘણા ઊંચા આશયનું સાધન બની રહે એવું શરીરને ચપળ બનાવો એવો ભાવાર્થ છે. વધારેમાં વધારે શક્તિની ક્ષમતા પ્રકટ કરવા માટે શરીરને વિવેકપૂર્ણ અને સમતોલ ભોજન પૂરું પાડવું એ આપણું યોગ્ય કર્તવ્ય છે.

આપણા નહીં કેળવાયેલા સ્નાયુઓમાં કેટલી બધી શક્તિ સુષુપ્ત રહેલી છે, તેનો આપણામાંના ઘણાને ખ્યાલ નથી. પુરાણકથાના પાત્ર હર્ક્યુલસ વિષે આપણે સાંભળ્યું છે. આપણી કલ્પનાને સ્તબ્ધ કરી દે તેવાં એ કાર્યો ભલે હોય. આપણા સમયમાં પણ શારીરિક શક્તિનાં વિલક્ષણ પરાક્રમો કરી બતાવ્યાં છે; દા.ત. પોતાની છાતી પર હાથીને ઊભો રાખવો, પૂરપાટ દોડી જતી મોટરને રોકી દેવી વગેરે.

માણસની છાતી ઉપર હાથીનું વજન ધારણ કરવાની કોઈ ખાસ જરૂર નથી. અને વળી ભગવાને માણસની છાતીનું સર્જન કંઈ એ હેતુ માટે કર્યું હોય, એવો સંભવ નથી. પરંતુ આવાં શારીરિક કસરતનાં કાર્યો દ્વારા પોતાની શક્તિને કેટલી હદ સુધી માણસ વધારી શકે છે, તેનું એક નિદર્શન છે.

હવે ઉંમર તથા અન્ય શારીરિક પરિબળોને લક્ષમાં રાખીને સાવધાનીપૂર્વક શારીરિક કસરતની પસંદગી કરવી જોઈએ. વૃદ્ધાવસ્થામાં સંધિવાનો ભોગ બનેલા માણસ પોતાની દૈનંદિન કસરત તરીકે ફૂટબોલની રમત રમવાની કોઈ જરૂર નથી. શક્તિથી ઊભરાતો જુવાન માણસે કલાકના સીત્તેર માઈલની ઝડપે ગાડી ચલાવીને પોતે કસરત કરી લીધી છે, એવો સંતોષ માની લેવાની જરૂર નથી. જે બધી કસરતો પુરુષને અનુકૂલ હોય તે સ્ત્રીઓને અનુકૂલ ન પણ હોઈ શકે. આ બાબતમાં પુરુષની સાથે સ્પર્ધામાં ન ઊતરતાં તેઓ પોતાની અનુકૂળ શારીરિક કસરત પસંદ કરી શકે અને પોતાની શારીરિક શક્તિમાં અદ્‌ભુત વધારો કરી શકે.

આ બાબતમાં યાદ રાખવાનો મુખ્ય મુદ્દો એ છે કે જીવનના જુદા જુદા તબક્કે રહેલાં સ્ત્રીપુરુષોએ પોતાની સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે અને પ્રકટ થયેલી શક્તિને જાળવી રાખવા માટે પોતાને અનુકૂળ હોય એવી કસરતો અપનાવવી જોઈએ. અલબત્ત, જે લોકો લાંબું જીવે છે, તેમને વૃદ્ધાવસ્થા ચોક્કસ આવે છે; અને આ અવસ્થા કદાચ ચાલવા સિવાયની બીજી શારીરિક કસરતો કરવાનું ઝડપથી અઘરું બનાવતી જાય છે.

સમૃદ્ધ સમાજમાં સુંવાળું જીવન, જિંદગીની એક તરાહ બની રહે છે. અમેરિકાના જુવાન લોકોની શારીરિક શક્તિ ક્ષીણ થતી જાય છે, તે જોતાં પ્રમુખ કેનેડીને ખરેખર આઘાત લાગ્યો હતો. આથી તેમણે પરિસ્થિતિમાં સુધાર લાવવા માટે એક કાર્યક્રમ દાખલ કર્યો. પોતાનાં બાળકો પોચાં પોચાં માખણનાં પૂતળાં તરીકે ન વિકસે, પણ સ્વામી વિવેકાનંદ ઇચ્છતા હતા એમ તેમના સ્નાયુઓ લોખંડ જેવા વિકસે અને તેમની શિરાઓ ગજવેલની બની રહે.

માનસિક શક્તિ કેળવવાની રીતો

પણ જ્યારે માણસ એમ જ સમજી બેસે છે કે શક્તિ એટલે શારીરિક બળ, ત્યારે તે પોતાને માટે તથા અન્ય લોકોને માટે સમસ્યાઓ ઉત્પન્ન કરે છે. કમભાગ્યે લોકોનો મોટો ભાગ હંમેશા એમ જ માની બેઠો છે કે ‘શક્તિ’ શબ્દનો અર્થ માત્ર શારીરિક શક્તિ અથવા પાશવી બળ છે. ભૂલ ભરેલા આ ખ્યાલે ઇતિહાસમાં ઘણી બધી કરુણાન્તિકાઓને જન્મ આપ્યો છે. જે લોકો પોતાની જાતને બળવાન માનતા હતા તે લોકોએ બીજા લોકોને અને પ્રસંગવશાત્‌ પોતાનો પણ નાશ કરી નાખ્યો છે. આપણા સમયમાં આપણે જેને ‘સશસ્ત્રી-કરણની સ્પર્ધા’ કહીએ છીએ તે માનવ સંસ્કૃતિને માટે ધમકી રૂપ બની ગઈ છે. તે આ શક્તિની વિભાવનાનો મોટો સમસ્યારૂપ વિકાસ છે. જો શક્તિનો અર્થ માત્ર શારીરિક બળ એવો જ થતો હોય તો માણસ તે વૈશ્વિક રીતે કેળવવાની વાત ન કરી શકે. આથી આપણે એ વિભાવનાને સર્વતોગ્રાહી અર્થમાં સમજવાની છે.

તમારી પાસે ગેંડા જેવું શક્તિશાળી શરીર ભલે હોય. પણ તેથી શું? તે વધારે જોરદાર પશુબળ માત્ર છે. પરંતુ જ્યારે તે બળને શક્તિશાળી મન દ્વારા માર્ગદર્શન આપવામાં આવે, સંયમમાં રાખવામાં આવે અને દિશાસૂચન કરવામાં આવે ત્યારે તેનો અર્થ નવો જ બની રહે છે. કોઈપણ સમયે માનસિક શક્તિ શારીરિક શક્તિ કરતાં ચડિયાતી છે. માનસિક શક્તિ ધરાવતો માણસ શારીરિક શક્તિવાળો હોય અને ન પણ હોય. પરંતુ માણસ તરીકે તે માત્ર શારીરિક શક્તિનું પ્રતિનિધિત્વ ધરાવતા માણસ કરતાં હંમેશા વધારે અસરકારક બની રહેશે. શાકાહારી અને નિ:શસ્ત્ર ગાંધીજીએ બળવાન સામ્ર્રાજ્યવાદી બ્રિટીશ રાજને પડકાર ફેંક્યો અને બ્રિટીશોને ભારત છોડવું પડ્યું હતું. ઇતિહાસના રાહને બદલવા માટે માનસિક શક્તિ કેવી અસરકારક બની રહે છે, તેનો આ એક પ્રશિષ્ટ દાખલો છે.

જીવનમાં પણ એમ જોવામાં આવશે કે જે માણસ માનસિક શક્તિ કેળવવામાં નિષ્ફળ નીવડે છે, તેને ગમે ત્યાં મૂકવામાં આવ્યો હોય ત્યાં તે એક પ્રકારનું નિષ્ક્રિય જીવન જીવે છે, પરંતુ જે માણસે કાળજીપૂર્વક માનસિક શક્તિનો વિકાસ સાધ્યો હોય તે દરેક વસ્તુનો- સારો લાભ ઉઠાવી શકે છે. તે સામી છાતીએ જીવનનો સામનો કરે છે, વિટંબણાઓ સામે મર્દાનગીથી લડી લે છે અને કદાપિ ગભરાતો નથી. તેને સફળતા મળે તો તે નમ્ર્ર અને ઉદાર બની રહે છે. જો તેને નિષ્ફળતા મળે તો તે અંતર્મુખી અને આશાવાદી બની રહે છે. કસોટીઓ દરમ્યાન તે સાવધાન અને દક્ષ બની રહે છે. તેનું જીવન વિજિગીષાના નૂતન ગુણને પ્રકટ કરે છે. જે માણસમાં માનસિક તાકાત નથી હોતી તેં તો તેનાથી સર્વથા વંચિત જ હોય છે. જ્યાં સુધી માણસ માનસિક શક્તિનો વિકાસ સાધતો નથી, ત્યાં સુધી તેને પશુથી જુદો પાડી શકાતો નથી. અને માત્ર શારીરિક તાકાતની કક્ષાએ પશુ કરતાં પોતાની જાતને વધારે તેજસ્વી સાબિત કરવાની કેટલી તક હોય છે? આથી જે કોઈ માણસ માનવને લાયક જીવન જીવવા માગતો હોય, તેણે શારીરિક શક્તિની સાધના કરતી વખતે માનસિક શક્તિ પણ કેળવાય તેની કાળજી વધારે લેવી જોઈએ.

માનસિક શક્તિ સાધવાના પણ બે પ્રકારો છે : નકારાત્મક અને હકારાત્મક. નકારાત્મક રીતે વાત કરીએ તો માનસિક શક્તિ કેળવવી એટલે મનની શક્તિઓને વેડફાઈ જતી બચાવી લેવી. દેખીતું જ છે કે આ કામ કર્યા વિના માનસિક શક્તિને સબળ બનાવી ન શકાય. હકારાત્મક રીતે વાત કરીએ તો એનો અર્થ થાય છે મનને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવો.

આપણે પૈસા ખર્ચવાની બાબતમાં સાવધાન હોઈએ છીએ પરંતુ આપણી અમૂલ્ય સંપત્તિ-મન-ની શક્તિનો વ્યય કરવાની બાબતમાં વિચારહીન હોઈએ છીએ. જો માણસ પોતાનું મન ગુમાવી બેસે તો તેને માટે આખી દુનિયાની સંપત્તિનો શો અર્થ છે? એનાં પ્રિય જનો પણ તેને ગાંડાના દવાખાનામાં દાખલ કરાવી દેવા તત્પર થઈ જશે. માનસિક શક્તિનો વ્યય જુદી જુદી રીતે થાય છે : 

૧. સારાસારના જ્ઞાન વિનાનું વાચન ૨. ફલદાયી હેતુ વિનાની ચર્ચા ૩. ખોટી વાચાળતા ૪. અન્ય લોકોની બાબતોની અયોગ્ય તલાસી ૫. અન્ય લોકોના દોષો શોધી કાઢવાની વૃત્તિ ૬. વધારે પડતી મહત્ત્વાકાંક્ષા ૭. અન્ય લોકો પૂર્ણ હોવા જોઈએ એવી અહંપૂર્ણ પ્રકૃતિ ૮. કામ, ક્રોધ, અદેખાઈ, નફરત, લોભ અને મદ ૯. અન્ય લોકો વિષે નાખુશ રહેવાની કુટેવ પાડવી ૧૦. દિવાસ્વાપ્નો અને રાતઉજાગરા ૧૧. ઉટપટાંગ લાગણીઓને ચગાવવાની કુટેવમાં સંડોવાવું ૧૨. ‘આ વાત હું તમને જ કહું છું’ એમ કહેવાની કુટેવ.

માનસિક શક્તિને વહી જતી અટકાવવા માટે આ ટેવો છોડવી પડશે. આ ટેવોમાં સંડોવાયેલા માણસનું મન સશક્ત હોઈ ન શકે અને નિર્બળ મનવાળો માણસ લાંબા સમય સુધી તંદુરસ્ત ન હોઈ શકે. આજના બધા મનોવિજ્ઞાનીઓ એક વાતમાં સંમત છે કે માનવજીવનમાં મનોદૈહિક સંબંધ બહુ ગાઢ હોય છે. ‘સાયકોસોમેટિક’ અહીં ‘સાયક’ એટલે મન, ‘સોમ’ એટલે દેહ. આ સંબંધો કેટલા ગાઢ હોય છે, તે આપણે સમજીએ :

ત્રીસ વર્ષની ઉંમરની એક જુવાન સ્ત્રીએ પોતાનું દાંપત્યજીવન ઠીક ઠીક સારી રીતે પસાર કર્યું હતું. બાકીની ત્રીસીમાં અનુત્સાહની શરૂઆત થાય ત્યાં સુધી આ ચાલ્યું. એ વખતે તેના પતિની આર્થિક સલામતી બગડવા માંડી હતી. પછી તેના સફળ સસરાનું અવસાન થઈ ગયું. આ બહેનને બીક લાગી કે કદાચ સાસુજી મારા પતિને સહાય માટે વિનંતી કરશે. સાસુજી ચિત્રમાં આવ્યાં અને આ યુવતીના મનમાં તેણે ગંભીર તણાવ ઊભો કરી દીધો. તે માનસિક રીતે ભાંગી પડી અને માનસિક ગરબડનાં ચિહ્‌નો જણાવાં લાગ્યાં. પરંતુ જીવનના ઉચ્ચતર તત્ત્વજ્ઞાનના સહારાથી તે સ્થિરતા પ્રાપ્ત કરી શકી. તેને પ્રતીતિ થઈ ગઈ કે ખરાબમાં ખરાબ સ્થિતિ ઊભી થાય તો પણ સાસુજી મારા પર ભારરૂપ નહીં બને. તેને એ ખાતરી થઈ ગઈ કે સમર્પણનું જીવન જ તેના સ્વકેન્દ્રીય વલણને દૂર કરી શકે છે. ચિંતનના આ નવા માર્ગમાં સ્થિર થતાં તેને કેટલાક મહિના લાગી ગયા. તે દરમ્યાન તેણે રીતસરની આધ્યાત્મિક સાધના-મનનું કેન્દ્રીકરણ (-એકાગ્રતા), ધ્યાન વગેરે કરી અને ક્રમશ: મનોબળ કેળવી લીધું. (સ્વામી અખિલાનંદ : મેન્ટલ હેલ્થ એન્ડ હિન્દુ સાયકોલોજી, પૃ. ૯૧)

આપણે એ કેવી રીતે કરી શકીએ? કેટલીક ચોક્કસ સાદી સીધી અને સલામત રીતો છે. તેના દ્વારા આપણે મનનું ખેડાણ આપણા માટે તથા આપણા કુટુંબનાં સભ્યો માટે કરી શકીએ. અને તેમાં હાંફળાં ફાંફળા થઈને વિશ્લેષણ માટે ધસી જવાની જરૂર ન રહે.

અમેરિકામાં સુધરેલા લખપતિ લોકોમાં ઉચ્ચ કક્ષાના જીવન માટે એક ફેશનનું ધોરણ થઈ ગયું છે કે તે લોકો પોતાની તબીબી તપાસ નિયમિત રીતે કરાવતા રહે છે. પણ જુદાં જુદાં કારણોને લીધે આ ફેશન ખર્ચાળ અને સમસ્યાજનક બની ગઈ છે. તમે એક વખત તમારી તબીબી તપાસ કરાવો એટલે તમે કદાપિ એ ચક્કરમાંથી બહાર ન આવી શકો. જ્યાં સુધી તમે કફનમાં ન પુરાઓ અને બધાનો જે અંત આવે છે, તે દિશામાં તમે ઠીક ઠીક આગળ ન વધો ત્યાં સુધી એનો અંત ક્યાંથી આવે? આથી પોતાના માનસિક સ્વાસ્થ્યની કાળજી માટે કેટલીક અધિકૃત સાદી સીધી રીતો શીખી લેવામાં સમજદારી રહેલી છે. આ શીખી લેવાથી તમારી જાતને નુકસાન પહોંચવાની જરાય ભીતિ રહેતી નથી.

આપણી જીવનયાત્રામાં આપણી અંદર તથા બહારના પરિવેશ સાથે આપણે ઘણીવાર સંઘર્ષમાં ઊતરવું પડે છે. તે સંઘર્ષ તિરસ્કાર, ઈર્ષ્યા, કામવાસના, ક્રોધ, લોભ, અભિમાન વગેરે જેવા ખોટા મનોભાવોને ઉત્પન્ન કરે છે. આપણે જેને મનની અશુદ્ધિઓ કહીએ છીએ તે આપણા મનની ખોટી હિલચાલ સિવાય બીજું કશું નથી. આ ખોટા મનોભાવો એ મનના કચરા જેવા છે. આપણે બધા જાણીએ છીએ કે જો આપણે એક અઠવાડિયા સુધી આપણા રસોડાનો કચરો બહાર ન ફેંકી દઈએ તો આપણા પરિવારની શી દશા થાય. પણ આપણામાંના ઘણાને ખબર ન હોય એમ જણાય છે કે આપણે આપણા મનનો કચરો મહિનાઓ અને વરસો સુધી બહાર ન ફેંકી દઈએ તો આપણા મનનું શું થાય. એની ખબર આપણને ત્યારે જ પડે છે, જ્યારે આપણામાં બધા માટે ચિંતાજનક બની રહે તેવી અસાધ્ય માનસિક તકલીફો ઊભી થાય છે : પણ શું આપણી એ પ્રકારની પરિસ્થિતિને એવી અંધારી ગલીમાં ધકેલી દેવાની જરાય જરૂર છે ખરી? જરૂર છે આંતરનિરીક્ષણની ટેવ વિકસાવવાની અને મનની ખોટી હિલચાલોને શોધી કાઢવાની પદ્ધતિ શીખી લેવાની સાથે સાથે તે વિકૃતિઓને દૂર કરવાની રીત પણ શીખી લેવી જરૂરી છે. હિન્દુ માનસશાસ્ત્રના પિતા પતજંલિ સૂચવે છે કે આપણી શક્તિને ઢસડી જતી, વિવિધ પ્રકારની મનોવિકૃતિઓના કારણરૂપ બની રહેતી મનની આ અશુદ્ધિઓ આ ચાર નિયમોના પાલનથી દૂર થાય છે :

૧. સુખી લોકો પ્રત્યે મૈત્રી ૨. દુ:ખી લોકો પ્રત્યે કરુણા ૩. સારા (લોકો)માં આનંદ લેવો (મુદિતા) ૪. દુષ્ટ તત્ત્વ તરફ ઉપેક્ષા.

જો આપણે સુખી લોકો પ્રત્યે મૈત્રીનું આચરણ કરીએ તો આપણે આપણી ઈર્ષ્યા અને નફરતની આપણા આંતરિક સત્ત્વનો નાશ કરતી સહજ વૃત્તિઓના મૂળમાં ઘા કરી શકીશું. દુ:ખી લોકો પ્રત્યેની કરુણાનો અમલ નમ્ર્રતા અને સમર્પણની ભાવનાથી જ્યારે કરવામાં આવે ત્યારે તે આપણા હૃદયને વિશાળ બનાવશે અને મનને શુદ્ધ બનાવશે. કલ્યાણ (કે ભલાઈ)માં લીધેલો આનંદ આપણા ભલા (કે કલ્યાણ)ને વધારશે અને આપણી સૂક્ષ્મ દુષ્ટ વૃત્તિઓનો નાશ કરશે. દુષ્ટ તત્ત્વ પ્રત્યેની ઉપેક્ષા આપણને બહારના ચેપથી બચાવી લેશે. આનો સામનો કરવાની શક્તિ આપણે આપણી અંદર હજી સુધી કેળવેલી હોતી નથી. આ બધાની સાથે સાથે જો આપણે ભક્તિનાં કાર્યો કરતી વેળાએ આપણાં વિચારો તથા કાર્યોનાં ફળો જો ભગવાનને અર્પણ કરી દઈએ, તો આપણને મનના વેડફાટને રોકવાના તથા સંભવિત માનસિક ઉપદ્રવોને નિર્મૂલ કરવાની તક ઠીક ઠીક મળી રહે છે.

જ્યારે આપણે આ સાદાસીધા શિસ્તના નિયમોનો અમલ કરીએ છીએ, ત્યારે મનને વશમાં લાવવાનું કામ વધારે સહેલું બની જાય છે. જ્યારે મન આપણે વશ વર્તતું હોય ત્યારે જ માનસિક તાકાતની સાધના સંભવે છે.

(ક્રમશ:)

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.