મનને કાબૂમાં રાખવાની વિવિધ પદ્ધતિઓ છે. પણ સૌથી મૂળભૂત આ છે. આપણી પાસે ઇન્દ્રિયો અથવા કરણો (જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયો) છે અને આપણી પાસે બુદ્ધિ અથવા વિવેકશક્તિ પણ છે. જ્યારે આપણે આપણા મનનો સંગમ વિવેકશક્તિ સાથે કરીએ છીએ અને ઇન્દ્રિયોની ઇચ્છા પ્રમાણે કાર્ય કરવાની ના પાડી દઈએ છીએ ત્યારે મન કાબૂમાં આવી જાય છે. આ કંઈ એક દિવસમાં ન બની શકે, પણ એ થઈ શકે ખરું.

હવે જે મનનો વેડફાટ અટકાવી દેવામાં આવ્યો હોય, જેને શુદ્ધ કરી દેવામાં આવ્યું હોય અને સંયમમાં રાખવામાં આવ્યું હોય, તેને પૌષ્ટિક ખોરાક ખવડાવવો જોઈએ. ખરેખર મનના ખેડાણની આ વિવિધ પ્રક્રિયા એક સાથે ચાલુ રહેવી જોઈએ એમાં એક પ્રક્રિયા બીજીને મદદરૂપ બની રહેવી જોઈએ. મન માટેનો પૌષ્ટિક આહાર દુનિયાની ગમે તે દિશામાંથી કે સ્રોતમાંથી આવતા સૌથી ઉમદા, ઉચ્ચતમ અને વિશુદ્ધ વિચારો સિવાય બીજું કશું જ નથી. સ્વામી વિવેકાનંદ કહે છે તે રીતે ‘જીવનનું ઘડતર કરતા.. માણસનું નિર્માણ કરતા, ચારિત્ર્યનું ઘડતર કરતા વિચારોનું સંકલન કરવું જોઈએ.’ આપણે આવા પાંચ વિચારોને આત્મસાત્‌ કરી લઈએ અને તેમને જીવન અને ચારિત્ર્યનો ભાગ બનાવી દઈએ તો આપણાં મન સશક્ત બનશે.

મહાત્મા ગાંધીની આત્મકથામાં આપણે વાંચીએ છીએ કે તેમના જીવનની શરૂઆતમાં તેઓ સામાન્ય માનવ જેવા જ નબળા મનના હતા. પરંતુ પછી તેમણે ભગવાન પરની શ્રદ્ધા પર અધિષ્ઠિત સત્ય, અહિંસા, અભય, નિ:સ્વાર્થતા જેવો કેટલોક મહાન વિચારોનો પૌષ્ટિક ખોરાક પોતાના મનને પૂરો પાડવા માંડ્યો અને અંતે આપણા યુગના સૌથી સશક્ત મનમાંના એકમાં તેમણે વિકાસ સાધ્યો.

એક સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ મહાન જીવનપ્રદ વિચારોથી મનને ભોજન પૂરું પાડવાની રીતના સંદર્ભમાં નિર્દેશ કરે છે. તેઓ કહે છે :

માણસોને બાળપણથી જ શિક્ષણ આપવામાં આવે છે કે તેઓ નિર્બળ અને પાપી છે. તેમને શિક્ષણ આપો કે તેઓ ગૌરવયુક્ત અમૃતત્વનાં સંતાનો છે. આમાં નિર્બળ જન્મેલા લોકોનો પણ સમાવેશ થઈ જાય છે કે બાળપણથી જ તેમના મગજમાં હકારાત્મક, શક્તિશાળી, સહાયક વિચારોને પ્રવેશ કરવા દો. તમારી જાતને આ પ્રકારના વિચારો સમક્ષ ખુલ્લી મૂકી દો, નહીં કે નિર્બળતા પ્રેરે તેવા અને વિકલાંગ કરી દે તેવા વિચારો સમક્ષ. તમે તમારા મનને કહો : ‘सोऽहम् सोऽहम्’ હું તે છું, હું તે છું.’ એ વિચારોને મનમાં અહર્નિશ ગીતની જેમ ગુંજવા દો અને મૃત્યુની પળે ઘોષણા કરો ‘सोऽहम्’ – હું તે છું, હું પરબ્રહમ છું.’ સત્ય આ છે. જગતનું અનંત સામર્થ્ય તમારું જ છે.

સ્વામી વિવેકાનંદે કેલિફોર્નિયામાં આપેલાં પ્રવચનોમાંના એકમાં પોતે ભારતનું પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે ઘણા પ્રસંગોમાં પોતાની માનસિક શક્તિએ તેમના જીવનને કઇ રીતે બચાવી લીધું હતું, તેની વાત કરી છે :

‘ઘણી વખત હું મોતના મોઢામાં મુકાઈ ગયો છું, ભૂખ્યા રહેવું પડે, પગમાં છાલાં પડી જાય અને થાક-કંટાળો આવી જાય; દિવસો સુધી મને ખાવાનું મળ્યું ન હતું, અને હું એક ડગલું પણ આગળ ન ચાલી શકું; હું વૃક્ષ નીચે જઈ પડ્યો હોઉં અને મારો જીવ જાણે કે ઊંડો ને ઊંડો ઊતરતો હોય એમ લાગવા માંડે. હું બોલી શકતો ન હતો, મને ભાગ્યે જ કશો વિચાર આવતો હતો, પરંતુ અંતે મારું મન આ વિચાર તરફ પાછું વળ્યું. ‘મને ભીતિ નથી, મૃત્યુ નથી. મને ભૂખ નથી કે તરસ નથી. હું તે છું! હું તે છું! આખી પ્રકૃતિ મને કચડી શકે નહીં; તે મારી દાસી છે. હે દેવના દેવ અને ભગવાનના ભગવાન મને તમારું બળ આપો. તમારું ગુમાવેલું સામ્રાજ્ય તમને ફરીથી પ્રાપ્ત થાઓ, ઊભા થાઓ અને ચાલવા માંડો અટકો નહીં!’ અને હું ઊભો થઈ જાઉં, તાજો-માજો; અને આજે આ રહ્યો હું, જીવતો-જાગતો. આ રીતે જ્યારે જ્યારે અંધકાર આવે ત્યારે ત્યારે તમે વાસ્તવને આગળ ધરો અને તમારી દરેક વિરોધી વસ્તુ અદ્રશ્ય થઇ જશે. કેમકે અંતે તો એ એક સ્વપ્ન જ છે. મુશ્કેલીઓ ભલે પર્વત જેટલી ઊંચી દેખાતી હોય અને બધી વસ્તુ શોકમગ્ન કરી દે તેવી ભયંકર ભલે દેખાય, તે બધું માયા જ છે. ડરો નહીં, એને હાંકી કાઢો જ છે. તેને કચડી નાખો એ અદ્રશ્ય થઈ જશે તમે તેના પર પગ મૂકો અને તે નાશ પામે છે.

કેળવેલી બૌદ્ધિક શક્તિઓમાં મનને મજબૂત કરનારાં તત્વોમાંથી એકાદ ભલે અંતર્ગત ભાગરૂપે હોય. જ્યારે તેની કાળજી જુદી રીતે લેવામાં આવતી હોય, તેના કરતાં આ જુદી સ્થિતિ છે. એકાગ્રતાપૂર્વક કાર્ય કરવું એ બૌદ્ધિક શક્તિને કેળવવાની એક ચાવી છે. જે લોકો ઇતિહાસ પર છાપ છોડી જાય છે, જે લોકો માનવજાતિના મહાન ઉપદેશકો અથવા ઉપકાર કરનારા થયા છે, તેઓ બધા એકાગ્રતાથી કામ કરનારા હતા.

સત્યનું પાલન અને મન, વચન તથા કર્મથી ચારિત્ર્યની શુદ્ધિ મનની શક્તિમાં ખૂબ વધારો કરે છે. સાચા અને શુદ્ધ-ચારિત્ર્યવાળા માણસોને ઘણી બધી ભૌતિક સંપત્તિની ભેટો ભલે ન મળે, પરંતુ તેઓ માનવ જાતિના સમૃદ્ધ ખજાના તરીકે પ્રકાશી ઊઠશે. તેમના શબ્દો ભલે મોટેથી ઉચ્ચારવામાં ન આવ્યા હોય, પણ તેમની ગુસપુસ પણ અસત્યના પર્વતોને ઉખેડીને ફેંકી દેશે. તેમના વિરોધીઓ પણ તેમનામાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરશે.

અન્તે, મનની શક્તિ મેળવવા માટે એકમાત્ર રીત છે, તે ન માની શકાય તેવી સાદીસીધી છે, એટલી બધી સાદીસીધી કે કોઇને પણ એ કહેતાં સંકોચ થાય. એ રીત છે ભગવાનના નામનો જપ કરવાની. ભગવાન બધી શક્તિઓનો સ્રોત છે અને ભગવાન અને તેનું નામ એકબીજાથી અલગ નથી. આથી ભગવાનનું નામ પણ બધી શક્તિનો સ્રોત છે. જે માણસ નિત્ય, નિયમિત રીતે શ્રદ્ધા અને પ્રેમપૂર્વક ભગવાનના નામના જપ કરે છે, તેનું મન કદાપિ શક્તિથી વંચિત રહેતું નથી, એટલું જ નહીં એમાં હંમેશા વધારો થતો રહે છે. આનું કારણ એ છે કે દુનિયામાં આધ્યાત્મિક રીતે તે બધી શક્તિ અને તાકાતના સ્રોતની સાથે જોડાયેલ રહે છે.

આ રીત એટલી બધી સાદી છે અને આપણે એટલા બધા સુધરેલા છીએ કે આપણે તેમાં માનીએ પણ નહીં. પરંતુ ખાતરી રાખો કે જીવનની સૌથી મોટી હકીકતોમાંની આ એક છે. પ્રયત્ન કરી છૂટવા માટે અને તેનું પરિણામ જોવા માટે તે બધાને માટે ખુલ્લી છે.

પોતાના એક અતિ નમ્ર ઉપદેશમાં શ્રીરામકૃષ્ણ કહે છે : સવારે અને સાંજે તાળી પાડો અને બોલો ‘હરિ બોલ, હરિ બોલ.’ આ શબ્દોનો અર્થ થાય છે ભગવાનના નામનું ગાન કરો, ભગવાનનું નામ ગાઓ : અને વળી (એમ પણ કહો કે) ભગવાન મારી શક્તિ છે, ભગવાન મારી શક્તિ છે.

શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એમ બધી કક્ષાએ શક્તિ કેળવવા માટે બધા ધર્મોના અનુયાયીઓ માટે નિમ્નલિખિત વૈદિક પ્રાર્થના ખૂબ મદદરૂપ થઇ શકે તેવી છે :

હે ભગવાન, તું અનન્ત શક્તિનું મૂર્તિમાન સ્વરૂપ છે; તું મને શક્તિથી ભરપૂર બનાવે છે. હે ભગવાન, તું અનંત વીરતાનું મૂર્તિમાન સ્વરૂપ છે; તું અનન્ત શક્તિનું મૂર્તિમાન સ્વરૂપ છે; તું મને બળ આપ. હે ભગવાન, તું અનન્ત સામર્થ્યનું મૂર્તિમાન સ્વરૂપ છે; તું મને સામર્થ્યનું પ્રદાન કર.

तेजोऽसि तेजोमयि धेहि!
वीर्यमसि वीर्यं मयि धेहि!
बलंमसि बलं मयि धेहि!
ओजोऽसि ओजोमयि धेहि!
मन्युरसि मन्युं मयि धेहि!
सहोऽसि सहो मयि धेहि!

(શુક્લ યજુર્વેદ સંહિતા – ૧૯.૯)

તું અનન્ત હિંમતનું મૂર્તિમાન સ્વરૂપ છે : તું મને હિંમત ને પ્રેરણા આપ. તું અનન્ત ધૈર્યનું મૂર્તિમાન સ્વરૂપ છે; મને ધૈર્ય પ્રદાન કર. ઘરનાં બાળકોને ખાસ કરીને આ પ્રાર્થનાનું શિક્ષણ આપવું જોઈએ, જેથી તેઓ શક્તિ અને અભય માટેની રુચિ સાથે મોટાં થાય એટલું જ નહીં, પોતાની સાચા હૃદયની પ્રાર્થનાના દિવ્ય પ્રતિભાવ માટે શ્રદ્ધાવાળાં બને.

આધ્યાત્મિક શક્તિ કેળવવાની રીતો

જ્યારે શારીરિક શક્તિ કરતાં માનસિક શક્તિ વધારે ચડિયાતી છે, ત્યારે માનસિક શક્તિ કરતાંય ચડિયાતી એક શક્તિ છે, એ શક્તિ આધ્યાત્મિક શક્તિ છે. આધ્યાત્મિક શક્તિ કરતાં વધારે મોટી કે વધારે ઊંચી અન્ય કોઈ શક્તિ નથી આથી આધ્યાત્મિક શક્તિને અંતિમ શક્તિ કહી શકાય.

માણસમાં અવિનાશી અને વાસ્તવિક તત્ત્વ આત્મા છે. બધી શક્તિ અને તેજસ્વિતાનો એ નિધિ છે. આથી આત્મસાક્ષાત્કારથી અથવા ભગવાન સાથેના નાતાની અનુભૂતિથી જે શક્તિ ઉદ્‌ભવે છે, એ સૌથી મોટી અને ટકાઉ શક્તિ બની રહે છે. એ શક્તિ એક વખત હાથ લાગી જાય, તો તે કદાપિ ચાલી જતી નથી. એ માત્ર વધતી જ જાય છે. આત્મસાક્ષાત્કાર અથવા ભગવાન સાથેના સંબંધના ભાનની તુલનામાં શરીરની કે મનની શક્તિ લગભગ નહિવત્‌ છે. આવી શક્તિની સંપ્રાપ્તિએ શીખ ગુરુ તેજ બહાદુરને આવી ઘોષણા કરવાની શક્તિ પૂરી પાડી હતી : ‘‘મે મારું મસ્તક આપી દીધું છે, પણ મારો અમૂલ્ય ખજાનો ધર્મ નહીં.

આધ્યાત્મિક જીવન પરમ સત્યના પોતાના સામર્થ્યને વ્યક્ત કરવા માટેનું વાહક બની જાય છે. ઉપનિષદ કહે છે કે શક્તિહીન માણસ આત્માનો સાક્ષાત્કાર કરી શકતો નથી. नायमात्मा बलहीनेनलभ्यः। (મુંડકોપનિષદ ૩.૨.૪) અને વળી અન્યત્ર ઉપનિષદ્‌ કહે છે. આત્માના સાક્ષાત્કાર દ્વારા માણસને શક્તિ પ્રાપ્ત થાય છે. आत्मनो विदन्ते वीर्यम्। (કેનોપનિષદ ૨.૪) ઉપનિષદનાં આવાં વચનોને આધારે સ્વામી વિવેકાનંદ એક સમીકરણ આપે છે. સાચી આધ્યાત્મિકતા એ શક્તિ છે અને સાચી શક્તિ એ આધ્યાત્મિકતા છે. જે શક્તિ આપણને પ્રસંગવશાત્‌ બોધ તરફ દોરી જતી નથી, તે સાચી શક્તિ નથી, પરંતુ તેની માયાજાળ છે. પગલે પગલે જો આપણે પરમ સત્ય તરફ આગળ ન વધી શકીએ તો એમ કહેવાય કે આપણી પાસે સાચી શક્તિ નથી. જે લોકો ઇશ્વરની ખોજ કરી રહ્યા હોય છે, તેઓ ભલે નિર્દોષ લોકો જેવા લાગે. વાસ્તવમાં તેઓ જ સમાજનું ટકાઉ બળ છે.

આધ્યાત્મિક શક્તિ કેળવવા માટેનું પાયાનું એક પરિબળ છે સંયમપૂર્વકનું વર્તન. સંપૂર્ણ સંયમ વિના મહત્તમ આધ્યાત્મિક શક્તિનો વિકાસ કદાપિ સાધી ન શકાય. સંયમની ખામીનું પ્રતિબિંબ આધ્યાત્મિક શક્તિની ખામીમાં પડશે. આથી મહાન સાધુઓ અને સાધ્વીઓમાં સર્વોચ્ચ પ્રકારની આધ્યાત્મિક શક્તિ જોવામાં આવે છે.

પરિણીત સ્ત્રી પુરુષો જ્યારે સંપૂર્ણ રીતે પવિત્ર જીવન જીવતાં હોય છે અને યથાર્થ રીતે સચ્ચાઇના માર્ગે જીવન પસાર કરતાં હોય છે ત્યારે તેઓ વિરાટ આધ્યાત્મિક શક્તિનો વિકાસ સાધી શકે છે. આવા પ્રકારના કિસ્સાઓ હિન્દુ દંતકથા તથા ઇતિહાસમાં બહુ મોટી સંખ્યામાં મળી આવે છે. વીર કાવ્ય રામાયણની સુપ્રસિદ્ધ નાયિકા સીતાના પાત્રનું એક માત્ર માનવીય પાસું લો. રાવણે તેવું અપહરણ કર્યું પછી તે દુષ્ટ પરિબળોથી ઘેરાયેલી હતી. છતાં તે એકલે પંડે એ બધાંની સામે માત્ર પોતાની પવિત્રતાના બળે જ ખડી રહી શકી હતી. ભારતમાં પવિત્રતા ગૃહસ્થના આધ્યાત્મિક જીવનનું બહુ મૂલ્યવાન વિચાર છે. એક ઠેકાણે સ્વામી વિવેકાનંદ કહે છે કે જ્યાં સુધી સમાજમાં પરિણીત લોકો ઘણી બધી પેઢી સુધી પવિત્ર જીવન ન જીવે ત્યાં સુધી તે સમાજ મહાન સંતો અને સાધ્વીઓને ઉત્પન્ન કરી શકતો નથી.

ઇશ્વરના દર્શન પછી કે આત્માના સાક્ષાત્કારની સંપ્રાપ્તિ પછી જ્યારે માણસમાં આધ્યાત્મિક શક્તિ આવે છે, ત્યારે તેનું સંપૂર્ણ રૂપાન્તર થઈ જાય છે. તેના દ્વારા અતિમાનવીય શક્તિ દોડવા માંડે છે અને આ ક્ષુબ્ધ દુનિયા નવી શક્તિથી ધબકવા માંડે છે. આવો માણસ શારીરિક રીતે ભલે માંદો હોય, દુનિયામાં તેનું સ્થાન સાવ મહત્વનું ન લેખાય તેવું ભલે હોય, તે ભલે વિદ્વાન હોય, પરંતુ આધ્યાત્મિક શક્તિના આગમન પછી તે – હટ્ટા કટ્ટા માણસો, સેનાપતિઓ, સરમુખત્યારો અથવા બૌદ્ધિકો માટે અશક્ય હોય એવા કામ કરવા માંડશે.

આ રીતે જગતના કેટલાક ઓલિયા પુરુષોમાં આપણને આશ્ચર્યકારક સુવિશાલ જીવનશક્તિ વિજયી બનતી રહેતી તાકાત પ્રકટ થતી જોવામાં આવે છે. એના પર સંજોગોનો કોઈ કાબૂ હોતો નથી. આત્મસાક્ષાત્કારના કોઈક કીમિયાને લીધે તેમની બાબતમાં આમ બનતું હોય છે. તેમની જૂની નિષ્ક્રિયતા ખરી પડે છે અને તેઓ શક્તિની સરિતાની જેમ ઇતિહાસમાં દાખલ થઈ જાય છે અને મનુષ્યના ભાવિમાં પરિવર્તન લાવી દે છે. સંત પોલ, સંત જોન ઓફ આર્ક, સંત તેરેસા, સંત કેથરીન ઓફ સિએના, શંકરાચાર્ય, વિવેકાનંદનાં તથા અન્ય ઘણા બધા લોકોનાં જીવન આ વિધાનનાં પુરાવારૂપ બની રહેશે.

સુવિશાલ જીવનશક્તિ, અદમ્ય ઉત્સાહ, અજેય મનોબળ – આ બધું જ આધ્યાત્મિક બળમાંથી પ્રકટ થાય છે. માત્ર માનસિક અથવા શારીરિક શક્તિની પહોંચની બહાર આ બધું છે. જ્યારે નદી મહાસાગરમાં વહી જાય છે ત્યારે જ તેને પરિપૂર્ણતા મળે છે, તે જ રીતે શારીરિક અને માનસિક શક્તિનાં ઝરણાને તેમની સમુદ્ર સમાન સંપૂર્ણતા હાંસલ થાય છે, જ્યારે તેઓ આધ્યાત્મિક શક્તિની સાથે એકરૂપ બની જાય છે.

સંત પોલ – તેઓ શું હતા? એક અનજાન રોમન નાગરિક, પૈસા, લાગવગ કે સારું સ્વાસ્થ્ય પણ તેમની પાસે ન હતું પરંતુ આધ્યાત્મિક અનુભૂતિ દ્વારા તેમને પ્રતીતિ થઈ ગઈ કે ‘‘હું નહીં પણ, મારી અંદર રહેલ ઇસુ ખ્રિસ્ત’’નો કિસ્સો ઊભો થયો અને તેઓ મહાન રોમન કેથોલિક ચર્ચનો એકલે હાથે પાયો નાખવા માટે દુનિયામાં પ્રવેશ્યા.

સંત જોન ઓફ આર્ક કિસાન વર્ગની એક બાલિકા હતી પરંતુ એકાએક આપણે તેને ઘેટાંનો વાડો છોડીને ફ્રાંસના સૈન્યનું નેતૃત્વ કરવા જતી જોઈએ છીએ. આપણને એમ કહેવામાં આવે છે કે આકાશી વાણીનો સાદ પ્રેરી રહ્યો હતો. કોઈક અતિમાનવીય શક્તિનો તેનામાં સંચાર થઈ રહ્યો છે એવું તેને પોતાને લાગતું હતું. અનંત જીવન – દિવ્યતા – ની સાથે જોડાઈ જઈને તે તેની જોરદાર અભિવ્યક્તિનું માધ્યમ બની ગઇ.

પચાસથી વધારે વરસની ઉંમર સુધી સંત તેરેસા અસાધ્ય રીતે અશક્તિમાન હતાં. પરંતુ જ્યારે અંત:કરણના અવાજે તેમને નિયતિને માર્ગે આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડી, ત્યારે તેમણે અચાનક સાધ્વી મઠનો ત્યાગ કરી દીધો અને અચંબામાં નાખી દે તેવા નવા જીવનનો રાહ અપનાવ્યો. સ્પેનમાં થઈને પાદરીઓના સખત વિરોધની સામે મહાન ધાર્મિક સંસ્થામાં સુધારો કરતાં કરતાં તેઓ આગળ વધ્યાં.

સિએનાનાં સંત કેથેરિનનું જીવન વધારે આશ્ચર્ય ઉપજાવે તેવું હતું. તેઓ એક સામાન્ય કુટુંબનાં અભણ પુત્ર હતાં. તેમણે થોડાંક વરસ એકાન્તમાં ગાળ્યાં અને રહસ્યાત્મક લગ્નનો અનુભવ લીધો અને પછી ઇટાલીના રાજકારણ પર વર્ચસ્વ જમાવવા માટે આત્મજ્ઞાનની ગુફામાંથી બહાર આવ્યાં.

આવા દાખલા તો ઘણા આપી શકાય. ચાલો, હું તમને ભારતમાંથી બે દાખલા આપું. ભારતના અદ્વૈતવાદી મહાન તત્વજ્ઞાની શંકરાચાર્ય બત્રીસ વર્ષની ઉંમરે અવસાન પામ્યા પરંતુ તે ઉંમરમાં પણ તેમણે કરેલું કામ અદ્‌ભુત હતું. આત્મા અને બ્રહ્મની એકતાની ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિ મેળવ્યા પછી તેમણે ઉપનિષદો, ગીતા અને બ્રહ્મસૂત્રો પર ભાષ્યની રચના કરી હતી. તદુપરાંત તેમણે સ્તુતિઓ અને અદ્વૈત તત્વજ્ઞાનના મૌલિક ગ્રંથોની રચના કરી હતી. સામાન્ય માણસને માટે આટલું કામ કરતાં કેટલીક જિંદગીઓ પસાર થઇ ગઇ હોત. પરંતુ શંકરાચાર્યે હિન્દુ ધર્મના ઇતિહાસ પર અમીટ છાપ મૂકી જાય એવી પણ ઘણી બધી વસ્તુઓ કરી હતી. તેમણે બે વખત ભારતની પગપાળા યાત્રા કરી અને વેદાન્તના સંદેશનો પ્રચાર કર્યો. આ માટે તેમને અન્ય વિરોધી વિચારધારાઓ સામે તુમુલ સંઘર્ષ ઘણીવાર કરવો પડ્યો હતો. તેમણે ઉપાસનાની વિધિની સાચી રીતો બતાવી, હિન્દુ ધર્મના સંઘ (મઠ) પરંપરાનું સંગઠન સાધ્યું, પોતાનું કાર્ય આગળ વધારે તેવા શિષ્યોને પ્રશિક્ષિત કર્યા અને એક રીતે કહીએ તો તેવા પૂરા યુવાન પણ બને એ પહેલાં તો તેઓ ચાલ્યા ગયા. 

આધ્યાત્મિક શક્તિ શું શું સિદ્ધ કરી શકે છે તેનો બીજો પદાર્થપાઠ સ્વામી વિવેકાનંદનું જીવન છે. તેઓ માત્ર ઓગણચાલીસ વર્ષ જીવ્યા. તેમના ઉપદેશની સામર્થ્ય-ક્ષમતાએ જગતના આધ્યાત્મિક વિચારપ્રવાહના ઊંડાણ પર અસર પહોંચાડી છે, એટલું જ નહીં, તેમનું વૈશ્વિક જીવનકાર્ય માનવ જાતિની એક બીજાને સમજી શકે તે માટેની શાંતિ-સહયાત્રા માટેનો રાહ કંડારવામાં શાન્ત રીતે સહાયક બની રહ્યું છે. પોતાની આધ્યાત્મિકતાની શક્તિ દ્વારા તેમણે વેદાન્તરૂપી ઉદ્ધારક શક્તિનો પ્રવેશ પશ્ચિમના જીવન-ઝરણામાં કરાવ્યો. ભારતમાં તેમણે સમગ્ર રાષ્ટ્રમાં વીજળીનો સંચાર કર્યો અને તેને નવાં નવાં સાહસો તથા સિદ્ધિઓને માર્ગે ચડાવી દીધું. તેમના જીવનકાર્યનાં ફળ આવવાનાં હજી શરૂ થયાં છે.

અભય કેળવવાની રીતો

શક્તિની વિભાવના અભયના વિચારની સાથે નજીકથી સંકળાયેલી છે. ભય શક્તિનો આંતરિક અને બાહ્ય આવનજાવનમાં અવરોધ ઊભા કરે છે. વળી શક્તિનો અભાવ ભયને જન્મ આપે છે. માણસને નીચો લાવવામાં ભય જેવી ભૂમિકા બીજી કોઈ વસ્તુ ન ભજવી શકે. ભયને લીધે ન કરી શકાય તેવું એકપણ પાપ કે અપરાધ નથી. ભયને લીધે સુધરેલા માણસો પણ સાવ જંગલી જેવા બની શકે છે અને ખરાબમાં ખરાબ અપરાધો કરે છે. જ્યારે સામૂહિક રીતે આમ કરવામાં આવે છે, ત્યારે આપણે ભલે તેમને વિશ્વયુદ્ધ કહીએ. આવાં કાર્યોને રાષ્ટ્રભક્તિ પ્રેરિત અથવા વીરતાપૂર્ણ પણ કહી શકાય. પરંતુ મૂલગત રીતે ભયનું કાર્ય માનવજાતિની ગરિમાથી નીચેનું છે.

આજની દુનિયામાં ભયનું પારસ્પરિક વિચિત્ર બંધન જોવામાં આવે છે. અમેરિકાને રશિયાનો ભય લાગે છે : રશિયાને અમેરિકાનો ભય લાગે છે. આરબોને યહૂદીઓનો ભય લાગે છે અને યહૂદીઓને આરબોનો ભય લાગે છે. મજૂરોને સંચાલકોનો ભય લાગે છે અને સંચાલકોને શ્રમજીવીઓનો ભય લાગે છે. કાળા લોકો ધોળા લોકોથી ડરે છે અને ધોળા લોકો કાળા લોકોથી ભય અનુભવે છે. આમ, આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય, સામાજિક, વૈયક્તિક, પ્રજાતિવિષયક અથવા ધાર્મિક કક્ષાએ ભય ઊભો કરવામાં આવી રહ્યો છે. કમસેકમ માનવજાતિની અડધો અડધ તકલીફો અને સમસ્યાઓ ભયને લીધે જન્મેલી હોય છે.

ભય શંકા તરફ લઈ જાય છે, શંકા ગુસ્સા તરફ લઈ જાય છે, ગુસ્સો હિંસક બની રહે છે, હિંસા આફતને નોતરે છે. ભય આપણા દિલ અને દિમાગના સર્વશ્રેષ્ઠ ગુણોથી વંચિત કરી શકે છે. એ પરિસ્થિતિ આપણાં શાણપણ, સારા વિચારો અને કાર્યો માટેની ક્ષમતાઓ નાશ કરી શકે છે અને આપણને જંગલી બનાવી દે છે. આપણે જેને પ્રબુદ્ધ સ્વાર્થ કહીએ છીએ અને જેને માટે આપણે કોઈપણ કાર્યને ન્યાયી માનીએ છીએ, એ બીજું કશું જ નહીં, પણ ઓપ ચડાવેલ ભય જ હોય છે. આપણી વૈયક્તિક કક્ષાએ પણ આપણને કેટલા બધા ભયો સતાવતા હોય છે.

જ્ઞાતનો ભય, અજ્ઞાતનો ભય, મૃત્યુનો, ભૂતનો, રોગનો ભય, ગરીબીનો અથવા પૈસાનો ભય, દુશ્મન અથવા મિત્રનો ભય, અંધકારનો ભય, પ્રકાશનો ભય, વૃદ્ધાવસ્થાનો, ભૂતકાળનો, વર્તમાનનો અથવા ભવિષ્યનો ભય, કરવેરા, પરીક્ષાનો ભય, આપણી પાસે જે વસ્તુ છે, તે ગુમાવી બેસવાનો ભય, આપણે જે વસ્તુ ઇચ્છતા હોઈએ તે ન મળવાનો ભય.

આ વાતાવરણ એવું ખતરનાક હોય છે કે આપણું જીવન જાણે કે વ્યાખ્યાત અથવા અવ્યાખ્યાત, વાસ્તવિક અથવા કાલ્પનિક ભયોની રીલે-રેસ હોય એવું લાગે છે.

આથી એમ પ્રતીત થાય છે કે સાચી રીતે શક્તિ કેળવવા માટેની પૂર્વશરત એ છે કે આપણે આપણા માનસમાંથી ભયને નાબૂદ કરવા માટે ખાસ કાળજી લઈએ અને ભયને દૂર કરવાનો છે વ્યક્તિગત માનસમાંથી કેમકે તેનાં મૂળ ત્યાં જ રહેલાં હોય છે. આકાશમાં ક્યાંક ભય લટકતો હોતો નથી કે ક્યાંય અંધારા ખૂણામાં ઊભો હોતો નથી. અરે આકાશમાંથી પણ જે બોંબ પડતો હોય છે, તે વ્યક્તિગત માનસોમાંથી જન્મતા ભયનું પરિણામ હોય છે. રાષ્ટ્રીય ભયો એ સામૂહિક બનાવવામાં આવેલાં વૈયક્તિક માનસોના જ ભયો હોય છે. કોઇ રાષ્ટ્રમાં જો અભય પુરુષ ઊભો થાય તો તે પોતાના વ્યક્તિગત ઉદાહરણથી રાષ્ટ્રના સામૂહિક ભયોને ભગાડી મૂકતો હોય છે. આપણે આ વાત ભારતમાં સ્વામી વિવેકાનંદના ઉદાહરણમાં જોઈ છે. પછીથી ગાંધીજીએ તેમનું અનુસરણ કર્યું હતું. જ્યારે ભારતના લોકોએ અંગ્રેજોની ગોળીઓની બીક ગુમાવી દીધી ત્યારે અંગ્રેજોને ભારત છોડવું પડ્યું હતું.

(ક્રમશ:)

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.