(ગતાંકથી આગળ)

હવે, ભયનાં મૂળિયાં કયાં હોય છે? વેદાન્તના મત અનુસાર આત્માની સાચી ઓળખનું અજ્ઞાન ભયનું મૂળ છે. આપણને મરણનો ભય લાગે છે કેમકે આપણે આપણા અસ્તિત્વ અથવા આત્મતત્વનું જ્ઞાન ધરાવતા નથી કે આપણે અનંત, અમર્ત્ય અને અવિનાશી છે. આત્મતત્ત્વ એક, અવિભાજ્ય એકરૂપ ચૈતન્યવાળું છે એ વાતના આપણા અજ્ઞાનમાંથી બીજાપણાની વિભાવના ઊભી થાય છે, એ જ વિભાજનનો અર્થ છે. આ વિભાજનની વિભાવનામાંથી સ્પર્ધાત્મક નિજી સ્વાર્થના વિવિધ પ્રકારના ભયો ઊભા થાય છે.

ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે : ‘જો સાધક આ અભેદની ભાવનામાં જરાક ફેરફાર કરે તો તેના માટે ભય ખડો થાય છે.’૧ વળી તે જ વિચાર પર ભાર મૂકતાં ઉપનિષદ બીજી રીતે કહે છે : ‘બીજા કોઈકનું અસ્તિત્વ છે, તે વિચારથી જ ભય ઊભો થાય છે.’૨

ભયનું કારણ આ પ્રમાણે હોઈ, તેનું છેલ્લું નિરાકરણ આત્માના સાચા સ્વરૂપનો સાક્ષાત્કાર કરી લેવામાં જ શકય છે. તેનો અર્થ પણ એ જ છે કે સમગ્ર અસ્તિત્વની એકતાની હકીકતની સીધી સમજ મેળવી લેવી. (સાક્ષાત્કાર કરી લેવો). જ્યારે આપણને અનુભૂતિ થાય કે ‘सर्वं खल्विदं ब्रह्म’ ‘આ બધું જ બ્રહ્મ છે’ અને अयमात्मा ब्रह्म – આ વ્યક્તિગત આત્મા બ્રહ્મ છે’ – તો ડરવું પડે એવી કોઇ ચીજ આત્માની બહાર રહેતી નથી. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાનની સંપ્રાપ્તિ વિના અભયની સિદ્ધિ હાંસલ કરી શકાતી નથી.

સિકંદર અને હિન્દુ સંતની જૂની વાત તો તમે જાણો છો. સ્વામી વિવેકાનંદ પોતાના એક પ્રવચનમાં આ વાર્તા આ રીતે કહે છે :

વિદેશના એક બાદશાહે ભારત પર આક્રમણ કર્યું હતું. તેને તેના ગુરુએ સલાહ આપી હતી કે તું ત્યાં જઇને કોઇક સંન્યાસીને મળજે. લાંબા સમય સુધી ખોજ કર્યા પછી, તેના જોવામાં એક અત્યંત વૃદ્ધ સંન્યાસી આવ્યા. તેઓ એક શિલા પર બેઠા હતા. બાદશાહે તેમની સાથે થોડીક વાતચીત કરી અને તેના પર તેમના શાણપણની ઊંડી અસર પડી. બાદશાહે તેમને પોતાને દેશ આવવા માટે નિમંત્રણ આપ્યું. સંતે કહ્યું : ‘ના, મને મારા, જંગલથી અહીં સંતોષ છે.’ બાદશાહે કહ્યું : ‘હું તમને પૈસા, પદ અને મિલ્કત આપીશ. હું દુનિયાનો સમ્રાટ છું.’ પેલા સંન્યાસીએ ના જ પાડી અને ઉમેર્યું, ‘હું એ બધી વસ્તુઓની દરકાર કરતો નથી.’ બાદશાહે જવાબ આપ્યો: ‘જો તમે મારી સાથે નહીં આવો, તો હું તમને મારી નાખીશ.’ સંતે કહ્યું : ‘બાદશાહ, તમે કહેલી આ વાત સાવ મૂર્ખાઇ ભરેલી છે. તમે મને મારી શકતા નથી. મને સૂરજ સૂકવી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, તલવાર મારી હત્યા કરી શકતી નથી, કેમકે હું જન્મ-મરણ-રહિત, સત્‌, સર્વ શક્તિમાન, સર્વવ્યાપી આત્મા છું.’૩

જ્યારે માણસને સાક્ષાત્‌ દર્શન થાય છે કે તેનું ચૈતન્ય વિશ્વવ્યાપી છે અને તેની પાછળ અનંત શક્તિ અને સામર્થ્ય રહેલાં છે, ત્યારે જ આવો અભય પ્રબુદ્ધ વ્યક્તિમાંથી પ્રકટ થાય છે. આપણને ભલે ખબર ન હોય પણ આપણામાંના પ્રત્યેકની પાછળ ભગવાનનું અનન્ત સામર્થ્ય રહેલું હોય છે. આપણે તેના સામર્થ્યની નહેરો છીએ. બંદૂકને ગોળીનો ભય કેવી રીતે હોઈ શકે? તે છતાં આપણે ભય સેવતા હોઈએ છીએ, એ માયા છે. એ જ કરુણાંતિકા છે.

અભય થવા માટે આપણે આ માયાને દૂર કરવી પડશે. આપણે સાચા જ્ઞાન વિનાનાં મનુષ્યો છીએ તેથી આપણી પાસે જ્ઞાની મહાત્માઓ જેવો અભય ન હોઈ શકે. પણ આપણે આ વાત ચોક્કસ કરી શકીએ : સમગ્ર અસ્તિત્વની એકતા અને આત્માની અમરતાના વિચારોને બૌદ્ધિક રીતે તથા ભાવનાત્મક રીતે સેવીને આપણે તેમનાથી વિરોધી બધા વિચારોને આપણા મનમાંથી હાંકી કાઢી શકીએ. જ્યારે આ વિચારો આપણા અભાન મનમાં ડૂબી જશે ત્યારે આપણી વૃત્તિઓ ક્રમશ: સાકાર સ્વરૂપ ધારણ કરશે અને જ્યારે હિંમત સર્વોપરિ બની રહેશે, ત્યારે ક્રમશ: ભીતિ મેદાન છોડી જશે. સ્વામી વિવેકાનંદ કહે છે કે હિંમતના બે પ્રકારો છે : તોપનો સામનો કરવાની હિંમત અને બીજી આધ્યાત્મિક દ્રઢ પ્રતીતિની હિંમત. એક શારીરિક હિંમત છે અને બીજી છે આધ્યાત્મિક હિંમત.

આધ્યાત્મિક હિંમત કેવી રીતે મેળવી શકાય છે, તેની ચર્ચા આપણે કરી છે. ચાલો આપણે આત્મા પર કેન્દ્રિત થઇએ અને તેના મર્મને જાણવાની હિંમત કેળવીએ અને ક્રમશ: આધ્યાત્મિક હિંમત આપણામાં વહી આવશે.

આ દરમિયાન આપણે ખરેખર શારીરિક હિંમત કેળવવાની વધારે જરૂર છે, તેની સાથે વધારે સંબંધ છે. ભૌતિક કક્ષાએ કોઈક એક કે બીજી વસ્તુથી સતત ડરીને જીવવું એ શરમજનક છે, અધ:પતન કરે તેવું છે, મૂર્ખતા ભરેલું છે. ‘પશુવૃત્તિનો સામનો કરવો’ એ અભય કેળવવા માટેની સૌથી અસરકારક રીત છે. સ્વામી વિવેકાનંદના જીવનમાંથી આપણને આ બોધ મળે છે.

તેઓ જુવાન હતા ત્યારે એક વખત એવું બન્યું કે તેઓ કાશીમાં માતાજીના મંદિરેથી પાછા ફરી રહ્યા હતા, ત્યારે વાનરાઓનું એક ટોળું તેમની પાછળ પાછળ આવવા લાગ્યું. એનાથી ડરીને તેઓ દોડવાની તૈયારીમાં હતા.

એકાએક કોઈક વૃદ્ધ સંન્યાસીનો તેમને બોલાવતો અવાજ સાંભળવામાં આવ્યો. અને વૃદ્ધ મહાત્માએ જે કહ્યું તે તેમના સમગ્ર જીવન માટે પદાર્થપાઠ બની ગયું. જો આપણે હિંમતવાળા અને અભય બનવા માગતા હોઈએ તો આપણા માટે પણ એ પદાર્થપાઠ અત્યંત મહત્ત્વનો બની રહે છે.

તે વૃદ્ઘ સંન્યાસીએ કહ્યું: ‘ઊભા રહો; પશુવૃત્તિનો સદાય સામનો કરો!’ વિવેકાનંદ પાછા વળ્યા, તેમની બીક ચાલી ગઈ. તેમને સામનો કરવા તત્પર થયેલા જોઈને પશુઓ પલાયન કરી ગયાં. ન્યૂયોર્ક શહેરમાં પછીથી આપેલા એક પ્રવચનમાં તેમણે આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને વાર્તાનો બોધ તારવતાં કહેલું: ‘આથી અસદ્‌ભાવનો સામનો કરો! અજ્ઞાનનો સામનો કરો! માયાનો સામનો કરો! કદી પલાયન ન કરો!’ (હિઝ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાયપલ્સ : ધ લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ, પૃ.૧૭૨)

બીકને લીધે જ્યાં સુધી આપણે બીકનાં કારણોને પાછળ છોડી દેતાં નથી, ત્યાં સુધી આપણે તેનો શિકાર બની રહીએ છીએ. પછી તેનાં ઝેરપાયેલાં બાણ આપણને પાછળથી ઘાયલ કર્યા કરશે અને આપણે ક્યારે ઢળી પડીશું અને ફેંકાઈ જઈશું, તેની આપણને ખબર પડતી નથી. પરંતુ જ્યારે આપણે પછવાડું ફરીને જોઈશું ત્યારે ભય આપણી હિંમતનો શિકાર બની જાય છે અને આપણને તે કરી શકતો હોય તેટલા પ્રમાણમાં ભયભીત કરી શકતો નથી.

ભયના દરેક કિસ્સામાં આપણે વિચાર કર્યા વિના જ, પાછા ફરીને જોવું જોઈએ અને તેની સામે લાલ આંખ કરવી જોઈએ અને તેની સામે ટગર ટગર જોયા કરવું જોઈએ. ભલે એ ચહેરો કદરૂપો લાગે, ભયંકર લાગે. અરે ચહેરો છે, એવું પણ ભલેને ન લાગે! જ્યારે આપણે પાછળ ફરીને જોઈએ ત્યારે આપણને કદાચ દેખાઈ આવશે કે આપણા ગભરાયેલા દિમાગની ફળદ્રુપ કલ્પના સિવાય ત્યાં બીજું કશું જ હોતું નથી.

ભયના સાચા કારણને શોધી કાઢવાની બાબતમાં પણ આ સમસ્યાને હાથ ધરવાની એક જ રીત છે અને તે એક આપણે હિંમત અને શક્તિને નોતરીએ અને દક્ષતાથી ભયને દબાવી દઈએ.

શ્રીરામકૃષ્ણનાં અર્ધાંગિની શ્રીશ્રીમાના જીવનની બે ઘટનાઓ છે. તેમણે દક્ષતા અને નિર્ભયતાથી બન્નેનો સામનો કર્યો હતો અને તેના પર વિજય મેળવ્યો હતો. 

એક વખત એવું બન્યું કે તેઓ પગે ચાલીને જયરામવાટીથી કોલકતા જઈ રહ્યાં હતાં. ત્યારે તેમને લાગ્યું કે પોતે એકલા પડી ગયાં છે કેમકે તેમનાં સાથીદારો તેમને છોડીને ચાલ્યાં ગયાં હતાં. અંધકાર ગાઢ થતો જતો હતો. વગડાનો પ્રદેશ ખૂન અને લૂંટના બનાવો માટે નામચીન હતો. અચાનક એક બિહામણા દેખાવનો અને હાથમાં મોટી લાકડીવાળો એક માણસ દેખાયો અને તેણે ઘૂરકીને હાક મારી : ‘કોણ છે ત્યાં?’

માએ કહ્યું : ‘હું તમારી દીકરી સારદા છું,’ અને તેમનો કોમળ અવાજ સાંભળીને લૂંટી લેવા ઇચ્છતો માણસ વાત્સલ્યમાં પીગળી ગયો. પરિણામ એ આવ્યું કે તેણે માનું આખી રાત રક્ષણ કર્યું. સાથે તેની પત્ની પણ આવી પહોંચી અને માએ રાત્રિભોજન કર્યું ત્યાં સુધી સાથેને સાથે રહ્યાં.૪

બીજી એક ઘટના એવી બની કે તેઓ જ્યારે જયરામવાટીમાં હતાં ત્યારે એક વિચિત્ર માણસ તેમની પાછળ પડી ગયો. મા ઘાસની ગંજીની આસપાસ કેટલીક વાર આંટા મારતાં રહ્યાં. પછી તેમને વિચાર આવ્યો : ‘હું શા માટે દોડી રહી છું? શું હું પોતે જ શક્તિ નથી?’ તેઓ આમ તેમ ફર્યાં અને એ માણસને જમીન પર પછાડી દીધા અને તે માણસની છાતી પર પોતાનો ગોઠણ મૂકીને એવા તમાચા માર્યા કે એટલા વખત પૂરતી તો તેની વિચિત્રતા હવામાં ઓગળી ગઈ.૫

જ્યારે ભયના કારણનો સામનો કરવામાં નથી આવતો, ત્યારે ભયનું જરાય સાચું કારણ ન હોય, તે છતાં માણસે પોતાની જિંદગી ગુમાવવી પડે એવું પણ બને. એને લગતી આ એક વાત છે :

એક માણસે હિંમતપૂર્વક ઘોષણા કરી કે હું ભૂતપ્રેતથી ડરતો નથી, અને તેણે પોતાના મિત્રનો પડકાર ઝીલી લીધો કે હું શિયાળાની અંધારી રાતે નિર્જન સ્મશાનમાં જઈને ખીલો ખોડી આવીશ. અને એ માણસ તો શાલ ઓઢીને બહાદુરીપૂર્વક ત્યાં ગયો. તેના મિત્રો બહાર રાહ જોતા જ રહ્યા. એમ કરતાં કરતાં સવાર પડી ગયું. પછી કંઈક અશુભ બન્યું હશે એવી દહેશતથી તેઓ સ્મશાનમાં ગયા અને દિલગીરી સાથે તેમણે જોયું કે પેલો માણસ જમીન પર પડ્યો હતો, ઠંડોગાર, હલતોચલતો ન હોય તેવો મૃત. શું થયું હતું?

આ મરણના કારણની ખોજ કરતાં તેઓ જોઈ શક્યા કે તેના શરીર પર કોઈ ઈજા થયાનાં નિશાન ન હતાં. એનું કારણ માત્ર તેની બીક જ હતી. અને એને લીધે જ તેનું મરણ થયું હતું. તે લોકોએ જોયું કે જ્યારે તે જમીનમાં ખીલો ધરબી રહ્યો હતો, ત્યારે તેને અંધારામાં ખ્યાલ ન રહ્યો હતો કે તેણે જે શાલ ઓઢી હતી, તેનો એક છેડો પણ સાથે ધરબાઈ ગયો હતો. હવે ખીલો ખોડીને તે ઉતાવળે ઉતાવળે ઊભો થવા જતો હતો ત્યાં પેલો છેડો ખેંચાયો. આ ખેંચવાનું કામ ભૂતપ્રેત સિવાય અન્ય કોણ કરે? અને એ માણસ ભયભીત અવસ્થામાં મરણ પામ્યો.

આ રીતે આપણે જો ભયના કારણનો સામનો ન કરીએ તો તે આપણને મારી નાખે.

આથી આપણી આંતરિક સહજ શક્તિમાં શ્રદ્ધા રાખીને, ગમે તે પરિણામ આવે સામી છાતીએ હિંમતથી તેનો સામનો કરવો જોઈએ . આમ થવાથી આપણને હિંમત અને અભય અવશ્યમેવ મળશે. 

જીવન એક જબરદસ્ત પડકાર છે. અને તેને સંપૂર્ણપણે સ્વીકારવાની આપણા બધા પાસે શક્તિ છે.

આપણે આપણા શરીર-મનરૂપી ઈશ્વરના મંદિરને ભય અને નબળાઈ જેવા વિરૂપ વિચારોથી ઝાંખુ ન બનાવી મૂકીએ. આપણે એને શક્તિ અને નિર્ભીક્તાથી પ્રકાશિત કરી દઈએ.

આ જગત વિવિધ નબળાઈઓ, વિવશતાઓ અને ભયોથી વીંઝાયેલું છે. વેદાંતીઓ ખડા થઈ જાય અને એ ઉદ્‌ઘોષણા કરી દે કે ‘અનંત શક્તિ જ ધર્મ અને ઈશ્વર છે.’ આજે દુનિયાને એ જ સંભળાવવાની જરૂર છે.

શક્તિદાયી અભય જન્માવનાર શક્તિરૂપી ધર્મનો જ આપણે નિશ્ચય કરીએ અને એનો જ પ્રચાર કરીએ. કોઈ પૂર્વગ્રહોના પોટલાંનો નહિ જ. અને ત્યારે જ આ જગતમાં નવા પ્રકારનો માનવસંચાર થઈ શકશે.

સત્યની કસોટીએ પાર ન ઊતરે એવા આ નકામા પૂર્વગ્રહો જો ઊખડી જાય તો તે માટે આંસુંનું એક ટીપું પણ પાડીશું નહિ. પણ આપણને નબળા બનાવી દેતી કે ભયભીત કરી દે તેવી કોઈ વસ્તુ આપણાથી થઈ ગઈ હોય, તો તેને માટે આપણે સહન કરીશું.

આપણે આત્માનું ધ્યાન ધરીએ; એ આપણું મૂળ સ્વરૂપ છે. એનાથી આપણે શક્તિમાન નહિ પણ શક્તિસ્વરૂપ જ બની જઈશું. ભયરહિત નહિ પણ અભયરૂપ જ બની જઈશું આપણું જીવન લોકોત્તર બની જશે. આપણો આનંદ આકાશગામી થઈ જશે અને આપણો પ્રેમ સાગરસમો થઈ જશે. આ જ વેદાંતનો ઉપદેશ છે.

૧. यदा ह्यवैष एतस्मिन्नुदरमन्तरं कुरुतैऽथ तस्य भयं भवति। – તૈત્તિરીય ઉપનિષદ ૨.૭ 

૨. द्वितीपाद्वै भयंभवति। – બૃહદારણ્યક ઉપનિષદ ૧.૪.૨

૩. એજન વૉ. ૨ (૧૯૬૩), પૃ. ૮૪-૮૫.

૪. શ્રી સારદાદેવી, ધ હોલી મધર, શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ, ૧૯૪૯

૫. એજન પૃ. ૯૬-૯૭, ૨૧૦-૧૧

*******

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.