★ જ્ઞાની હોવાનો સારાર્થ છે કે તે કોઈપણ પ્રાણીની હિંસા ન કરે. એટલું જાણવું જ પર્યાપ્ત છે કે અહિંસા મૂલક સમતા જ ધર્મ છે અથવા અહિંસાનું વિજ્ઞાન છે.

★ બધા જીવ જીવવા ઇચ્છે છે, મરવા નહિ. એટલા માટે પ્રાણવધને ભયંકર માનીને નિગર્રન્થ ત્યાજ્ય ગણે છે.

★ જેમ તમને દુ:ખ ગમતું નથી એમ બીજા બધા જીવોને પણ દુ:ખ પ્રિય નથી, એમ માનીને પૂર્ણ આદર અને સાવધાનીપૂર્વક આત્મૌપમ્ય (પોતાની જેમ) દૃષ્ટિએ બધા પર દયા રાખો.

★ જીવનો વધ એ આપણો પોતાનો વધ છે અને જીવ પરની દયા એ આપણી જ દયા છે એટલે આત્મહિતૈષી (આત્મકામ) પુરુષોએ બધા પ્રકારની જીવહિંસાનો પરિત્યાગ કર્યો છે. 

★ જેને તું હણવા જેવો ગણે છે, તે તું જ છે. જેને તું તારી આજ્ઞામાં રાખવા યોગ્ય માને છે, તે તું જ છે. 

★ જિનેશ્વરદેવે કહ્યું છે : રાગ આદિની અનુત્પત્તિ અહિંસા છે અને તેમની ઉત્પત્તિ હિંસા છે.

★ હિંસા કરવાના ઇરાદાથી જ કર્મબંધ જન્મે છે, પછી કોઈ જીવ મરે કે ન મરે.

★ આત્મા જ અહિંસા છે અને આત્મા જ હિંસા છે – આ સિદ્ધાંતનો નિશ્ચય છે. જે અપ્રમત્ત છે તે અહિંસક છે જે પ્રમત્ત છે તે હિંસક છે.

★ મુનિઓએ કહ્યું : હે પાર્થિવ! તને અભય છે અને તું પણ અભયદાતા બન. આ અનિત્ય જીવલોકમાં તું શા માટે હિંસામાં આસક્ત રહે છે?

★ જીવ – આત્માના ત્રણ પ્રકાર છે : બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. પરમાત્માના બે પ્રકાર છે : અર્હત્‌ અને સિદ્ધ.

★ ઇન્દ્રિયસમૂહને આત્મા રૂપે સ્વીકાર કરનાર બહિરાત્મા છે. આત્મસંકલ્પ-દેહથી ભિન્ના આત્માનો સ્વીકાર કરનાર અંતરાત્મા છે. કર્મકલંકથી વિમુક્ત આત્મા પરમાત્મા છે.

★ કેવળ જ્ઞાનથી સમસ્ત પદાર્થોને જાણવાવાળા સશરીરી જીવ અર્હત્‌ છે અને સર્વોત્તમ સુખ- મોક્ષને મેળવનાર જ્ઞાનશરીરી જીવ સિદ્ધ કહેવાય છે.

★ જિનેશ્વરદેવનું કથન છે કે : તમે મન,વચન અને કાયાથી બહિરાત્માને છોડીને અંતરાત્મામાં આરોહણ કરીને પરમાત્માનું ધ્યાન કરો.

★ શુદ્ધ આત્મા વાસ્તવમાં અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, અશબ્દ, અલિંગગ્રાહ્ય – અનુમાનનો અવિષય, ચૈતન્યગુણવાળો અને સંસ્થાનરહિત છે.

★ આત્મા મન, વચન અને કાર્યના ત્રિદંડ વિનાનો, નિર્દ્વન્દ્વ- એકલો, નિર્મમ – મમત્વ વિનાનો, નિષ્કલ- શરીરરહિત, નિરાલંબ – પરદ્રવ્યાલંબન વિનાનો, વીતરાગ, નિર્દોષ, મોહરહિત અને નિર્ભય છે.

★ તે આત્મા નિગર્રન્થ – ગ્રંથિરહિત છે, નિરાગ છે, નિ:શલ્ય (નિદાન, માયા અને મિથ્યાદર્શનશલ્ય વિનાનો) છે, સર્વ દોષોથી નિર્મુક્ત છે, નિષ્કામ છે અને નિષ્ક્રોધ, નિર્માન તથા નિર્મદ છે.

★ હું – આત્મા ન તો શરીર છું, ન તો મન છું કે વાણી છું કે તેમનું કારણ છું, હું કર્તા નથી, હું કરાવવાવાળો પણ નથી અને કર્તાને અનુમોદન આપનારો પણ નથી.

★ હું એક છું, શુદ્ધ છું, મમતારહિત છું તથા જ્ઞાનદર્શનથી પરિપૂર્ણ છું પોતાના આ શુદ્ધ સ્વભાવમાં સ્થિત અને તન્મય બનીને હું આ બધા – પરકીય ભાવોનો ક્ષય કરું છું.

★ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોનો સ્વીકાર કરીને વિદ્વાન મુનિ જિનોપદિષ્ટ-જિનોએ ઉપદેશેલા ધર્મનું આચરણ કરે.

★ અહિંસા બધા આશ્રમોનું હૃદય છે, બધાં શાસ્ત્રોનું રહસ્ય તથા બધાં વ્રતો અને ગુણોનો પિંડભૂત-સાર છે.

★ સ્વયં પોતાના માટે તથા બીજા માટે ક્રોધ કે ભયાદિને વશ થઈને હિંસાત્મક અસત્ય વચન પોતે બોલવું ન જોઈએ અને બીજાની પાસે બોલાવવું પણ ન જોઈએ. આ બીજું સત્યવ્રત છે.

★ ગ્રામ, નગર કે અરણ્યમાં બીજાની વસ્તુ જોઈને એને લઈ લેવાનો ભાવ ત્યજી દેનારા સાધુનું ત્રીજું અચૌર્યવ્રત છે.

★ સચેતન કે અચેતન, અલ્પ કે બહુ, ત્યાં સુધી કે દાંતખોતરણી પણ સાધુએ દીધા વિના લેવી નહીં.

Total Views: 202

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.