★ હે મહાત્મન્‌! હું જાણું છું કે તમારું હૃદય મારું નિરન્તર ચિંતન કરવાને લીધે અત્યંત વિશુદ્ધ થઈ ગયું છે. એટલા માટે હું તમારાં દર્શને આવ્યો છું. મને પ્રસન્ન કરવા માટે તમારે હવે કોઈ બીજી સાધનાની આવશ્યકતા નથી.

★ આ સંસારમાં જે કોઈ મારા શરણે આવે છે, મારું ધ્યાન કરે છે અને મારા પવિત્ર નામના મંત્રનો જાપ કરે છે તે વણમાગ્યે નિશ્ચિતરૂપે મારું દર્શન કરશે; કારણ કે હું જાણું છું કે એમને માટે કોઈ બીજી ગતિ નથી.

★ તમે જે આધ્યાત્મિક સાધનાઓ મેળવી છે એનાં ફળ રૂપે તમે અત્યારે જ બધી લૌકિક કામનાઓથી મુક્ત થઈ ગયા છો. તમારા મૃત્યુ પછી તમે મને-મારામાં મળીને એક થઈ જશો.

★ જે યોગીઓની સેવા કરે છે, જે મારા પરમભક્ત છે કે જે વિશુદ્ધ જ્ઞાન અને પરમાનંદથી યુક્ત છે, તેની હથેળીમાં મુક્તિ રાખવામાં આવી છે.

★ તમે પુરુષ છો કે સ્ત્રી એ મહત્ત્વનું નથી; તમારાં જાતિ, નામ અને યશ પર ધ્યાન નથી અપાતું. તમે જીવનના કોઈ પણ આશ્રમમાં રહી શકો છો. મારી પૂજા કરવા માટે ભક્તિ જ આવશ્યક છે. જો કોઈ વ્યક્તિમાં મારા પ્રત્યે ભક્તિ ન હોય તો તેને માટે ત્યાગ, તપસ્યા, પરોપકાર, વેદપાઠ કે યજ્ઞ કર્મોના બળે મારાં દર્શનનો લાભ મેળવવો અસંભવ છે.

★ એટલે જ હે દેવી! હું તમને સંક્ષેપમાં ભક્તિસાધના વિશે સમજણ આપીશ. એટલું યાદ રહે કે આ પદ્ધતિમાં સૌથી પહેલો અને પાળવાનો નિયમ છે – પવિત્ર અને સાધુ જનોના સત્સંગની શોધના કરવી.

★ જેવી રીતે છતી આંખે રાત્રિમાં લોકો સ્પષ્ટ રૂપે વસ્તુઓને જોઈ શકતા નથી, પરંતુ દીવો લાવવાથી તેઓ વસ્તુઓ અને પોતાના રસ્તાને સ્પષ્ટ રૂપે જોઈ લે છે; તેવી રીતે જે લોકો મારા પર ભક્તિ રાખે છે એમનો આત્મા સ્વત: જ્યોતિર્મય બની જાય છે.

★ ભક્તિવિકાસ કરવાનો માર્ગ આ પ્રમાણે છે : મારા ભક્તોનો સંગ અને મારા ભક્તોની સદા સેવા, એકાદશીનું વ્રત, મારી સાથે સંકળાયેલાં પર્વોની ઉજવણી, મારી ગાથાનું શ્રવણ-અધ્યયન-પ્રવચન, એક નિષ્ઠ ભક્તિથી મારી સતત પૂજા તથા મારી લીલાનું ગાન – જો કોઈ પ્રતિદિન આ નિયમનું પાલન કરે તો તેને શુદ્ધાભક્તિ મળશે.

★ જે મારી ભક્તિ કરે છે તેઓને જ્ઞાન-વૈરાગ્ય સાંપડશે અને તેઓ જન્મમૃત્યુના ચક્રમાંથી મુક્ત થશે.

★ જેને મારામાં ભક્તિભાવ નથી અને જેઓ સત્યપ્રાપ્તિ માટે એક શાસ્ત્રથી બીજા શાસ્ત્રમાં ભટક્યા કરે છે તે અધિકાધિક ભ્રમમાં પડશે. આવા લોકો ક્યારેય સાચું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે અને હજારો હજારો જન્મ લેવા છતાં તેમને માટે મુક્તિપ્રાપ્તિની કોઈ સંભાવના નથી.

★ પરંતુ તમને જ્યારે ભક્તિપ્રાપ્તિ થશે ત્યારે તમને મોક્ષ મેળવવામાં કોઈ મુશ્કેલી નહિ પડે. તમે મારી અત્યધિક ભક્તિ કરો છો એટલે મારા સમાદેશથી તમે અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જશો.

★ બીજું, તમારે મારી વૈશ્વિક લીલાનું વર્ણન કરવું જોઈએ અને ત્રીજું, મારા વિભિન્ન ઉત્તમોત્તમ ગુણોનું કીર્તન કરવું જોઈએ. ચોથી છે સાધના-મારાં વચનો અને ઉપદેશોનું સવિસ્તર મનન, ચિંતન અને વિવેચન. સદ્‌ગુરુની શોધ અને આત્મનિયંત્રણ દ્વારા સદ્‌વ્યવહારનો અભ્યાસ તેમજ ધર્માચરણ એ પાળવાનો પાંચમો નિયમ છે.

★ છઠ્ઠી સાધના : તમારે અત્યંત નિયમિત રૂપે મારી પૂજા કરવી. સાતમી સાધના : પોતાના ગુરુ દ્વારા પવિત્ર મંત્ર મેળવવો. પૂરી શક્તિ સાથે મારા ભક્તોની પૂજા કરવી તથા બધાને મારી જેમ જ જોવા એ આઠમી સાધના છે. બધી વસ્તુઓ પ્રત્યે અનાસક્તિભાવ એ નવમી સાધના છે. આ ભક્તિનો નવધા માર્ગ છે.

★ ભક્તિના આ માર્ગનું અનુસરણ કરીને કોઈ પણ ભક્ત-ભલે એ પુરુષ હોય કે સ્ત્રી, ઉચ્ચ જાતિનો હોય તે નિમ્ન જાતિનો હોય-મુક્તિ મેળવી શકે છે. ભક્તિનો અર્થ છે સાર્વભૌમિક પ્રેમ. જ્યારે તમને ભક્તિ સાંપડશે ત્યારે મારાં તત્ત્વો તમને સ્પષ્ટ રીતે જણાશે-દેખાશે. જે મારી અનુભૂતિ કરે છે તે આ જન્મમાં જ મુક્ત થઈ જાય છે.

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.