સત્ય એ છે કે લોકોને ઈશ્વરની જરાય પડી નથી. ધર્મ માત્ર ફેશન છે. એક બાજુ, પાસે સુંદર દીવાનખાનું છે, સરસ ફર્નિચર છે, પિયાનો છે, રૂપાળુ ઝવેરાત છે, બરાબર બેસતા મોંઘાદાટ પોશાક છે અને છેલ્લામાં છેલ્લી ઢબની હેર છે. આ સર્વની સાથે બંધ બેસે તેવી થોડી ધર્મની લકીર વિના એ બાજુને ચાલતું નથી. આવો જ ધર્મ ખૂબ જોવા મળે છે પણ, એ દંભ છે અને, દંભ બધાં અનિષ્ટનું મૂળ છે. આ પ્રકારનો ધર્મ ઈશ્વરનો ધર્મ નથી. એ માત્ર પડઘાઓ છે. આવા ધર્મવાળા લોકો કોઈક વાર ખૂબ ગંભીર બની જઈ, પોતાને સત્ય સાંપડયું હોય તે રીતે વાતો કરે છે. એટલે, ધર્મને પ્રાપ્ત કર્યા વિના એને વિશે વાત કરવા આ લોકો લડવા, ઝઘડવા માંડે છે. ‘મારો, મારો ધર્મ’, એ સૂર ઊઠે છે, કદી, ‘તારો ધર્મ’ નહીં. ‘મારો ધર્મ ઉત્તમ છે’, ‘ના, મારો ઉત્તમ છે’, અને જંગલી લોકો પોતાના દેવો ‘મંબો’ અને ‘જંબો’ માટે લડતા તે રીતે આ લોકો લડે છે. ધંધામાં તેમ ધર્મમાં હરીફાઈ અનર્થકારક છે.

‘..તમને શ્વાસ જોઈએ છે, એના વિના તમે જીવી શકતા નથી; તમને રોટી જોઈએ છે, એના વિના તમે જીવી શકતા નથી; તમારે ઘર જોઈએ છે, એના વિના તમે જીવી શકતા નથી. આ વસ્તુઓ તમને જોઈએ છે એમ તમને ઈશ્વરની ઇચ્છા થશે ત્યારે એ તમારી પાસે પ્રગટ થશે. ઈશ્વરને ઝંખવો મોટી વાત છે.

‘આ જગતના મોટાભાગના લોકને ઈંદ્રિયભોગો જોઈએ છે. એમને કહેવામાં આવ્યું છે કે, ‘ઈશ્વર દૂરસુદૂર છે અને તમે એમને ગાડું ભરી શબ્દો મોકલશો તો, આ જગતની બધી સારી વસ્તુઓ તેમને ત્યાં મેળવવામાં એ સહાય કરશે. પરંતુ દરેક દેશમાં એવા થોડાક લોકો છે જેમને ઈશ્વર જ જોઈએ છે. સત્ય અને શિવના તત્ત્વ સાથે તેઓ એકરૂપ થઈ જશે. ધર્મ દુકાનદારી નથી. પ્રેમ કશો બદલો માગતો નથી; પ્રેમ કશું માગતો નથી; પ્રેમ આપે છે.

‘ધર્મ ભયની નીપજ નથી; ધર્મ આનંદમય છે. પંખીઓનાં સ્વયં સ્ફૂર્ત ગીતો અને પ્રભાતનું સુંદર દૃશ્ય એ છે. એ આત્માની અભિવ્યક્તિ છે; મુક્ત અને ઉદાત્ત આત્માની અંતરની અભિવ્યક્તિ એ છે.

‘યાતના ધર્મ હોય તો, નરક શું છે? પોતાની જાતને દુ:ખી કરવાનો કોઈને અધિકાર નથી. એમ કરવું એ ખોટું છે: એ પાપ છે. દરેક મુક્ત હાસ્ય ઈશ્વરને અર્પિત પ્રાર્થના છે.

‘પુનરાવલોકન કરતાં, હું શીખ્યો છું તે આ : ધર્મ પુસ્તકોમાં નથી, રૂપોમાં નથી, સંપ્રદાયોમાં નથી, રાષ્ટ્રોમાં નથી; ધર્મ માનવદેહમાં છે. ત્યાં એ કોતરાયેલો છે. એનો પુરાવો આપણી અંદર જ છે.

‘મારે કહેવાના મુદ્દા બે છે. સંપ્રદાયો છે. દરેક વ્યક્તિ એક સંપ્રદાય બને ત્યાં સુધી એ ભલે વધે. કોઈ માણસ બીજાની જેમ ભગવાનને જોઈ જ શકે નહીં; દરેકે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ અને પોતાના દર્શન અનુસાર તેની સેવા કરવી જોઈએ. પછી હું માગું છું સંપ્રદાયોની સંવાદિતા. વ્યક્તિત્વ એટલે વિશ્વત્વ સાથે સંઘર્ષ નહીં.

‘દરેકે પોતાની રીતે અને સૌએ સાથે રહીને અનિષ્ટો સામે લડવાનું છે. તમારી પાસે આઠની શક્તિ છે અને મારી પાસે ચારની છે અને, તમે આવીને ચારને નાશ કરો તો તમે ઓછામાં ઓછા ચારને ગુમાવો છો, દ્વેષ પર વિજય મેળવવા માટે તમારી પાસે માત્ર ચાર જ બાકી રહેશે. દ્વેષ પર વિજય મેળવા માટે પ્રેમ જ જોઈએ. દ્વેષમાં શક્તિ છે તો, પ્રેમમાં અનંત શક્તિ છે.

(ધ કંપ્લીટ વર્ક્સ ઑફ સ્વામી વિવેકાનંદ, વૉ. ૯, પૃ.૪૭૮-૭૯)

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.