(ગતાંકથી આગળ)

૩. માનસિક બેચેની પહોંચાડતું મૂલ્ય : વિચાર-વિનિમય – એનાં કારણો અને ઈલાજો

આપણે ગુલામ છીએ. જ્યાં આપણાં બાળકો સ્વાભાવિક રીતે મૂલ્યોને આત્મસાત્‌ કરી શકે એવું વાતાવરણ આપણે શા માટે ઊભું કરી શકતા નથી? પાયાનું કારણ એ છે કે આપણને એમ કરવાની સ્વતંત્રતા નથી! આપણે હજુયે ગુલામીની શૃંખલાથી બંધાયેલા છીએ! હા, એટલું ખરું કે આપણે બ્રિટિશ સામ્રાજ્ય પાસેથી સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે અને અત્યારે સમૃદ્ધિ અને સત્તા તરફ મોટી હરણફાળ સાથે આગેકૂચ કરી રહ્યા છીએ. આપણે અનાજની પૂર્તિ મેળવી લીધી છે. આપણા ઉદ્યોગો પણ હવે પોતાના પગે ઊભા રહેવાનું શીખી રહ્યા છે. માહિતીજ્ઞાનપ્રૌદ્યોગિકીના ક્ષેત્રે આપણે વિશ્વના બીજા દેશોની સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ. અર્થકારણ અને રાજનીતિને સમગ્ર વિશ્વમાં આપણે ઊગતી તાકાત રૂપે ઊભરતાં જોઈએ છીએ.

આમ હોવા છતાં પણ ગરીબ અને અમીર, ભણેલ અને અભણ, યુવાન અને વૃદ્ધ – આ બધાં બંધનમાં જ છે; એક અજ્ઞાત બંધનથી બંધાયેલા છે. સ્વામી વિવેકાનંદ આ ગુલામીના સ્વરૂપને આ શબ્દોમાં સમજાવે છે: ‘આપણે સૌ આપણી ઇન્દ્રિયોના ગુલામ છીએ, આપણા જ્ઞાત તેમજ અજ્ઞાત મનના ગુલામ છીએ… આપણે હંમેશાં આપણા સ્વભાવની સારી બાજુની વિરુદ્ધ જઈને કામ કરતા હોઈએ છીએ; તેવું વર્તન કરવા માટે પાછળથી આપણી જાતને આપણે ઠપકો આપીએ છીએ; આપણને નવાઈ લાગે છે કે આપણે તે કેવો ખરાબ વિચાર કરતા હતા અને આવું ખરાબ કામ કેમ કરી શક્યા! છતાં ફરી ફરીને આપણે તેમ કરીએ છીએ અને ફરી ફરીને આપણે તે માટે સહન કરવું પડે છે… આપણા અજ્ઞાત મનમાં ઊંડે ઊંડે, કેવળ આ જન્મના જ નહિ પરંતુ આપણા બધા ગત જન્મોનાં સુધ્ધાં તમામ વિચારો તથા કર્મો સંઘરાઈ રહેલાં હોય છે… તેમાંનો એકેએક પોતાને ગણતરીમાં લેવાવા માટે પ્રયત્ન કરતો હોય છે, વ્યક્ત થવા બહાર ધસતો હોય છે અને એક પાછળ એક એવા ધસ્યે આવતા મોજાંની પેઠે જ્ઞાત મન કે બાહ્ય મન પર અફળાતો હોય છે. આ વિચારોને, આ સંઘરાયેલી શક્તિને આપણે સ્વાભાવિક ઇચ્છા, પ્રતિભા વગેરે કહીએ છીએ. એનું કારણ એ છે કે આપણે તેમનું સાચું ઉદ્‌ભવ સ્થાન જાણતા નથી. આપણે અંધ બનીને, સામો હરફ પણ ઉચ્ચાર્યા સિવાય તેમને તાબે થઈએ છીએ; અને એનું પરિણામ ગુલામી, અતિ અસહાય સ્થિતિની ગુલામી આવે છે. છતાં આપણે આપણી જાતને સ્વતંત્ર માનીએ છીએ. સ્વતંત્ર! આપણે એક ક્ષણને માટે પણ આપણા પોતાના મન પર સત્તા ચલાવી શકતા નથી, એક વિષય પર મનને કેન્દ્રિત કરી શકતા નથી, બીજી બધી બાબતોને છોડી દઈને મનને એક જ મુદ્દા પર એકાગ્ર કરી શકતા નથી! છતાં આપણે પોતાને સ્વતંત્ર માનીએ છીએ! જરા વિચાર તો કરો! આપણે શું કરવું જોઈએ એ જાણ્યા છતાં બહુ થોડા સમય માટે પણ આપણે તે પ્રમાણે કરી શકતા નથી. કોઈ ઇન્દ્રિય સુખનો વિચાર જાગે છે અને તરત જ આપણે તેને તાબે થઈ જઈએ છીએ. આપણી વિવેકબુદ્ધિ આવી નિર્બળતા માટે આપણને થપ્પડ મારે છે, છતાં ફરી ફરીને એમ કરીએ છીએ, રોજરોજ એમ કરીએ છીએ. ગમે તેટલો યત્ન કરીએ તો પણ આપણે ઉચ્ચ પ્રકારનું જીવન જીવી શકતા નથી. ભૂતકાળના વિચારોનાં અને ગત જન્મોનાં ભૂતડાં આપણને નીચે દબાવી રાખે છે. ઈંદ્રિયોની ગુલામીમાંથી દુનિયાનું સઘળું દુ:ખ પેદા થયું છે. ઈંદ્રિય પરાયણ જીવનથી ઊંચે જવાની આપણી અશક્તિ, શારીરિક ભોગો માટેનાં વલખાં જ જગતની બધી ભયંકરતા અને દુ:ખોનું કારણ છે.’ (સ્વા. વિ. ગ્રં. મા. ૮.૬૭-૬૮-૬૯)

એક અત્યંત પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વકનું અંતર્નિરીક્ષણ આપણી વ્યક્તિગત પરિસ્થિતિના આ વર્ણનને અભિવ્યક્ત કરે છે કે કેમ એ જણાવશે. સાચી વાત તો એ છે કે આપણી સ્વાતંત્ર્ય માટેની રાષ્ટ્રિય ચળવળ હજુ પૂરી નથી થઈ. કારણ કે ‘માણસ રાજકીય અને સામાજિક સ્વાતંત્ર્ય ભલે મેળવે, પરંતુ જો તે પોતાની વાસનાઓ અને ઇચ્છાઓનો ગુલામ હોય તો સાચી સ્વતંત્રતાનો વિશુદ્ધ આનંદ અનુભવી શકે નહિ.’ (સ્વા. વિ. ગ્રં. મા. ૧૦.૧૮૬)

લોભ અને લાલસા. વિષયાસક્તિની ગુલામી ઈર્ષ્યા, રોષ, નિષ્ઠુરતા, ભય, અજ્ઞાન, અહંભાવ અને કદીય તૃપ્ત ન થનારી મનની શારીરિક એષણાઓ, અસંતોષ અને સ્વાર્થને જગાડે છે. આ દુર્ગુણો જીવનનો અતિસંકુચિત દૃષ્ટિકોણ ઊભો કરે છે અને એમાં વ્યક્તિના પોતાનાં સુખાનંદ સફળતા અને સલામતી સિવાય બીજા કોઈને મહત્ત્વ અપાતું નથી. આવી સ્વાર્થવૃત્તિ લાંચરુશ્વત, ગુન્હાખોરી, શોષણ, શિથિલતા, અસહિષ્ણુતા અને આંતરકલહ જેવા દુર્ગુણોથી નિશ્ચિત થતી સામાજિક પરિસ્થિતિમાં લઈ જાય છે. શ્રીરામકૃષ્ણદેવ માનવની આ પરિસ્થિતિ વિશે ‘લોભ અને લાલસામાં કેદ થયેલ’ ગણે છે. વાસ્તવિક રીતે આજે આ લોભ અને લાલસા પ્રભાવક બળો બની ગયાં છે અને એ જ આપણી સામુહિક, શારીરિક અને માનસિક શક્તિને ચલાવી રહ્યાં છે.

ખરીદ-વેચાણની આપણી બજારમાં ગમે તે વસ્તુ વેચાતી મળે છે અને દરેકેદરેક વ્યક્તિ કંઈકને કંઈક ખરીદવા આતુર રહે છે. અર્થકારણીઓ ખુશખુશાલ છે કારણ કે લોકો પાસે વધુ પૈસા આવી ગયા છે. એવી દલીલ કરવામાં આવે છે કે ખરીદશક્તિની વૃદ્ધિ એટલે સુખાકારીની વૃદ્ધિ. પણ આવા લોકોને એ નથી સમજાતું કે પૈસો માનવના હાથને તો ફેરવી નાખે છે પણ સાથે ને સાથે માનવનેય બદલી નાખે છે. અને એમાંય જ્યારે નૈતિક બંધારણ નબળું હોય ત્યારે આવું વધારે બને છે. આજે ‘વ્યક્તિ પોતે શું છે’ એનાથી એનું મૂલ્ય અંકાતું નથી પરંતુ એનું મૂલ્ય અંકાય છે ‘એની પાસે શું છે’ એના પરથી. પરિણામે વિવેક વિહોણા સાધનોથી સત્તા અને અધિકાર માટે સદાય લાલસા રાખીને લટકતા રહેવાની વૃત્તિ અને બેચેની જન્મે છે. 

પવિત્રતા એ સમાજની આધારશિલા છે અને એ જ નૈતિકતાનો મૂલાધાર છે. સ્વામી વિવેકાનંદ આ પવિત્રતાની વાત પ્રબળ ભાષામાં આ રીતે કરે છે : ‘પવિત્રતા એ જ પ્રજાનું જીવન છે. તમે ઇતિહાસમાં જોતા નથી કે પ્રજાના મૃત્યુની પહેલી નિશાની તે પ્રજાની નીતિહીનતા છે? જ્યારે પ્રજામાં નીતિહીનતા દાખલ થાય ત્યારે પ્રજાનો અંત નજીક આવે છે. (સ્વા. વિ. ગ્રં. મા. ૭.૧૧૭)

આજે છપાતાં વર્તમાન પત્રો, સામયિકો, ટેલીવિઝન, ચલચિત્રો, મજૂરવર્ગના યુવાનો અને કોલેજ અને શાળાના યુવાવિદ્યાર્થીઓમાં અનિચ્છનીય અને અવિચારી સોબત-સંગત વધતી જતી આપણને જોવા મળે છે. સામાજિક ભેદભાવ અને નીતિહીનતાના આ સૂચક સંકેતો પ્રત્યેની ઢાલ-કાચબા જેવી વૃત્તિ અજંપો અને બેચેની ઊભી કરે છે.

આગેકદમ. શ્રીરામકૃષ્ણદેવ પોતાના ભક્તોને કઠિયારા અને બ્રહ્મચારીની સુંદર અને બોધક વાર્તા કરતા :

એક વખત એક કઠિયારો જંગલમાં લાકડા કાપવા ગયો. એકાએક એની મુલાકાત એક બ્રહ્મચારી સાથે થઈ. પેલા પવિત્ર પુરુષે એ કઠિયારાને કહ્યું: ‘ભલા માણસ, આગળ ધપતો રહેજે.’ ઘરે પાછા ફરતી વખતે કઠિયારાએ મનોમન પૂછ્યું: ‘પેલા બ્રહ્મચારીએ મને આગળ વધતો રહેજે એમ શા માટે કહ્યું?’ થોડો સમય પસાર થયો. એક દિવસે એને વળી પાછા બ્રહ્મચારીના શબ્દો યાદ આવ્યા અને મનમાં વિચાર કર્યો: ‘આજે તો હું જંગલમાં ઊંડે ઊંડે જઈશ.’ જંગલમાં ઊંડે જતાં જતાં એને કેટલાંય ચંદનનાં વૃક્ષો મળી આવ્યાં. એ તો રાજીના રેડ થઈ ગયો અને એક ગાડું ભરાય એટલાં ચંદનનાં લાકડાં કાપીને પાછો ફર્યો, એને બજારમાં વેંચ્યા અને પૈસાદાર બની ગયો.

થોડા દિવસો પછી વળી પાછો એને પેલા બ્રહ્મચારીનો ‘આગળ ધપતા રહેવાનો’ ઉદ્‌ગાર યાદ આવ્યો. એ તો વધારે ને વધારે ઊંડાણમાં અને ગાઢ જંગલમાં પ્રવેશ્યો. એની નવાઈ સાથે એને નદીને કિનારે એક ચાંદીની ખાણ મળી આવી. એણે તો એ ખાણમાંથી ચાંદી ખોદી અને એને વેંચીને એ પુષ્કળ ધન રળ્યો. હવે તો એની પાસે કેટલું ધન છે એનો એને ખ્યાલ ન હતો.

વળી પાછા થોડા દિવસો પસાર થયા અને પેલા કઠિયારાએ મનમાં વિચાર કર્યો: ‘પેલા બ્રહ્મચારીએ મને ચાંદીની ખાણ સુધી જઈને રોકાઈ જવાનું કહ્યું ન હતું. એણે તો મને આગળ ધપતો રહેજે એમ જ કહ્યું છે.’ આ વખતે તો એ કઠિયારો નદીની પેલી બાજુએ ગયો અને સોનાની ખાણ મળી ગઈ. આનંદ આશ્ચર્ય સાથે એ બોલી ઊઠ્યો: ‘અહા, જરા જુઓ તો ખરા! એટલે જ મને એ બ્રહ્મચારીએ આગળ ધપતો રહેજે એમ કહ્યું છે.’ 

વળી પાછા થોડા દિવસો પછી એ કઠિયારો જંગલના વધુ ઊંડાં ને ગાઢ પ્રદેશમાં પ્રવેશ્યો. એમાં પ્રવેશતાં જ એને ઢગલાબંધ હીરામાણેક અને કિંમતી રત્નો જોવા મળ્યા. એણે તો એ બધા લઈ લીધા અને એનાથી એ ધનકુબેર થઈ ગયો.

અધ્યાત્મ જ્ઞાને ભૌતિક જ્ઞાનને દોરવવું જોઈએ. ઉપરછલ્લી રીતે કઠિયારાની આ બોધકથા પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટેના ખંતની આવશ્યકતાને વાચા આપે છે. આનાથી પણ વધારે આ બોધકથા સંકેત રૂપે આપણી મૂલ્યપ્રણાલીના પાયાનાં તત્ત્વોની વાત કરે છે. વૈશ્વિક કે ભૌતિક જ્ઞાનને હંમેશાં આધ્યાત્મિક જ્ઞાન દ્વારા માર્ગદર્શન મળવું જોઈએ અને એને કેળવવું પણ જોઈએ. આપણી આ પ્રાચીન ભૂમિમાં પવિત્ર અને તપોનિધિની સત્તાએ હંમેશાં શારીરિક કે ભૌતિક શક્તિઓમાંથી મુક્તિ અપાવવાનું કાર્ય કર્યું છે. મહાન શક્તિશાળી રાજાઓ પણ પોતાના અધ્યાત્મ ગુરુઓની આજ્ઞા પ્રમાણે રાજ્ય ચલાવતા.

પેલા કઠિયારાની સુખ સમૃદ્ધિમાં થયેલી વૃદ્ધિ પાછળની પ્રેરણાશક્તિ તો તેની પેલા બ્રહ્મચારી પ્રત્યેની શ્રદ્ધાપૂર્વકની પૂજ્યભાવના છે. એમનાં કાર્યો તેની બ્રહ્મચારીના શબ્દોમાંની શ્રદ્ધાથી માર્ગદર્શન પામતાં હતાં. એના પરિણામે એને અકથ્ય સમૃદ્ધિ પ્રાપ્ત થઈ. આપણી ઉપર્યુક્ત વાર્તામાંના બ્રહ્મચારી માનવની આધ્યાત્મિક દિશાના સંકેત રૂપે આવે છે. એ એવી પવિત્ર હસ્તી છે કે જે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોને અભિવ્યક્ત કરે છે. તેનું નૈતિકતા કેન્દ્રી જીવન એ પરમસત્યની શોધના માટે છે. એ એક એવી વ્યક્તિ છે કે સમાજને આગે કદમ કરવા માટે માર્ગદર્શન આપી શકે.

બે દિશાઓમાં આગેકૂચ કરવી. આગળ વધવા માટે બે પથ છે. એક છે બહારના જગતમાં અને બીજો છે આપણા પોતાના અંતરના વ્યક્તિત્વ તરફ દોરી જતો પથ. આપણે આ બંને પથની દિશામાં પ્રગતિ સાધવી જોઈએ અને ભૌતિક સુખસમૃદ્ધિની સાથે ચારિત્ર્યનો વિકાસ અને આધ્યાત્મિક વિકાસ પણ સાધવો જોઈએ.

આપણી ભૌતિક સુખસમૃદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેની યાત્રાની દોરવણી અને એનું નિયમન આપણા ઉચ્ચતર સત્ત્વ કે આધ્યાત્મિકતા પ્રણિત અંતર્દૃષ્ટિ દ્વારા થવું જોઈએ. આ આધ્યાત્મિક દિશાનો ઉઘાડ કરવા માટે આપણે ભીતરની દુનિયામાં આગળ વધવું જોઈએ અને આ આંતરજગતની યાત્રા કે પ્રગતિના સાધન છે નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનો સતત અભ્યાસ.

આ અંતરના વિકાસની યાત્રાની અવગણના આપણી બાહ્ય પથની યાત્રાને જોખમમાં મૂકી દે છે. આપણું ગુરુત્વકેન્દ્ર આપણી બહાર જ ચાલ્યું જશે અને પરિણામે આપણે ચીજવસ્તુઓને ધારણ કરનારા નહિ પણ ચીજવસ્તુઓ, લોકો અને સંજોગોની કુલસત્તા નીચે આવી જશું. આ આંતરજગતના સમતુલનના અભાવે આપણા પર વિપરીત પરિસ્થિતિઓ સરળતાથી ખાબકવાની.

સંસ્કૃતિ-સંસ્કારિતા વિના સાચો સામાજિક વિકાસ શક્ય નથી. આપણે એટલું સમજી લેવું જોઈએ કે આધ્યાત્મિક સંસ્કૃતિ કે સંસ્કારને કોરાણે મૂકીને કૃષિ, ઉદ્યોગ, પ્રૌદ્યોગિકી, આરોગ્ય, માળખાંગત સુવિધા અને સંદેશ-વ્યવહાર કે વિચારવિનિમય જેવાં સામાજિક વિકાસનાં ક્ષેત્રો માનવ સમાજનાં દુ:ખપીડાને દૂર કરવામાં નિષ્ફળ જવાનાં જ. સ્વામી વિવેકાનંદે આ વાત પોતાના શબ્દોમાં આ રીતે કરી છે: ‘જગતનાં દુ:ખ માત્ર શારીરિક મદદથી દૂર થઈ શકતાં નથી. માણસનો સ્વભાવ જ્યાં સુધી બદલાય નહિ ત્યાં સુધી આ શારીરિક જરૂરિયાતો હંમેશાં પેદા થવાની અને દુ:ખની પીડા રહેવાની. ગમે તેટલી શારીરિક સહાય કરવામાં આવે તો પણ એ પૂરેપૂરી મટવાની નથી. માનવજાતને પવિત્ર બનાવવી એ એકમાત્ર ઉપાય છે. અજ્ઞાન એ સર્વ અનિષ્ટનું અને આપણે જોઈએ છીએ તે સર્વ દુ:ખોનું મૂળ છે. માનવીને જ્ઞાનનો પ્રકાશ, પવિત્રતા, આધ્યાત્મિક શક્તિ અને સાચી કેળવણી મળે તો જ જગતની પીડા શમશે. આપણે ગરીબો માટે દરેક ઘરને આશ્રયસ્થાન બનાવીએ અને ઠેકાણે ઠેકાણે હોસ્પિટલો ઊભી કરીએ તો પણ માણસનું જીવન પરિવર્તન ન પામે, તેને સારી ટેવો ન પડે ત્યાં સુધી દુ:ખ દૂર કેમ થાય?’ (સ્વા. વિ. ગ્રં. મા. ૩.૪૨-૪૩)

માણસનું ચારિત્ર્ય સંસ્કારિતાથી જ ઘડાય છે

જ્યારે આપણે ‘જ્ઞાન સાથેના સમાજ’નું નિર્માણ કરવાની વાતો કરીએ છીએ ત્યારે આપણે રાજીખુશીથી આપણા વિદ્યાર્થીઓને વિશિષ્ટતાવાળા આધુનિક શિક્ષણમાં ધકેલી રહ્યા છીએ. એ વખતે સ્વામીજીના આ શબ્દોની આપણે ગંભીર નોંધ લેવી જોઈએ :

‘આઘાતો સામે ટક્કર ઝીલનારી તો છે સંસ્કારિતા, કેવળ જ્ઞાનનો જથ્થો નહિ. જગતમાં તમે જ્ઞાનનો જથ્થો આપી શકો પણ તેથી એનું બહુ ભલું થવાનું નથી. લોહીમાં સંસ્કારિતા આવવી જ જોઈએ. જેમની પાસે અત્યારે જ્ઞાનના ભંડારો ભર્યા છે એવી પ્રજાઓને આપણે જાણીએ છીએ. પણ એમની શી સ્થિતિ છે? એ લોકો વાઘ જેવા છે, એ લોકો જંગલી પશુ જેવા છે, કારણ કે ત્યાં સંસ્કારિતા નથી. ત્યાં જ્ઞાન માત્ર ઉપરછલ્લું છે, સંસ્કૃતિ પણ ઉપરછલ્લી છે; સહેજ ઉઝરડો કરો એટલે પુરાણું જંગલીપણું બહાર આવશે.’ (સ્વા. વિ. ગ્રં. મા. ૪.૧૬૪)

આ વિશે વધુમાં સ્વામીજી કહે છે : ‘પવિત્રતા અને નિર્મળતા વિહોણી જ્ઞાન અને સત્તાની અતિવૃદ્ધિ માણસને રાક્ષસ બનાવી દે છે.’

દરરોજે દરરોજ આકાર લેતી સંગ્રથિત સંસ્કારિતા પર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ તે અત્યંત મહત્ત્વનું છે. ભવિષ્યના યોગક્ષેમ માટે આપણે આ ઊભરતી સર્વગ્રાહી સંસ્કારિતાનાં નૈતિક સદાચાર તેમજ આધ્યાત્મિક મૂલ્યોમાં મજબૂત મૂળિયાં સ્થાપી દેવાં જોઈએ. આપણા દેશભાંડુઓમાંથી મોટી સંખ્યામાં લોકોએ વિષયાસક્તિની ગુલામીમાંથી કેટલેક અંશે મુક્તિ મેળવવી જોઈએ. ત્યારે જ આપણે આનંદ, શાંતિ અને આપણા રાષ્ટ્રિય જીવનમાં સંતોષનો અનુભવ કરી શકીશું. ભીતરની આ સ્વતંત્રતાવિહોણી ભૌતિક સંપત્તિ મહાભારતના કૌરવોની અગણ્ય સંપત્તિ જેવી બની જશે, એટલે કે ભીતરની દરિદ્રતાવાળી જિંદગી અંતે તો સ્વવિનાશ તરફ દોરી જાય છે. 

ભીતરની સતત વધતી જતી ગુલામી-ગરીબી બાહ્ય સ્વતંત્રતા છીનવી લે છે. આપણી વિષયાનંદ પ્રત્યેની ગુલામી આપણા માટે એક દિવસ બાહ્ય સ્વાતંત્ર્ય કે રાષ્ટ્રિય સ્વતંત્રતાને ગુમાવી બેસશે! સ્વામી વિવેકાનંદ પશ્ચિમની પોતાની પહેલી મુલાકાત પછી ભારતમાં પાછા ફર્યા ત્યારે મદ્રાસમાં કેટલાક યુવાનોએ તેમને આવા પ્રશ્નો પૂછ્યા: ‘સ્વામીજી, તમે શા માટે રાજકારણમાં જોડાતા નથી? રાજકારણમાં પ્રવેશીને તમે શા માટે ભારતને સ્વતંત્ર કરવા પ્રયત્ન કરતા નથી?’ એના પ્રત્યુત્તરમાં સ્વામીજીએ કહ્યું: ‘હું તો તમને આવતીકાલે જ આઝાદી અપાવી શકું તેમ છું. પરંતુ શું તમે એને જાળવી શકશો ખરા? એવા માણસો ક્યાં છે? પહેલાં મનુષ્યોને તૈયાર થવા દો. પછી સ્વતંત્રતા તો એની મેળે જ આવી જશે.’ (રામકૃષ્ણ મઠના દસમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે આ શબ્દો ઉચ્ચાર્યા હતા) 

સ્પષ્ટપણે ભીતરી જગતનું સ્વાતંત્ર્ય મેળવવાની બાબત પર ભાર મૂકવામાં આવે છે. જે માનવ પોતાના વિચારો, લાગણીઓ અને કાર્યો પર સ્વામિત્વ ધરાવે છે, તેને કોઈ પણ શક્તિ ગુલામ બનાવી નહિ શકે. અને વળી જે માણસ લાંબા સમય સુધી પોતાની ઇન્દ્રિયોનો ગુલામ રહે છે તેને કોઈ શક્તિ બચાવી પણ ન શકે. આપણા દેશનું સ્વાતંત્ર્ય લશ્કરી તાકાત કે આર્થિક સમૃદ્ધિમાં નથી, પરંતુ એ તો છે આપણા પોતાના વ્યક્તિગત ચારિત્ર્યની શક્તિમાં જ.

ચારિત્ર્ય ઘડતર એ જ રાષ્ટ્રિય મિશન. એટલે જ આપણા સમાજમાં ચારિત્ર્ય ઘડતર માટેના સઘન પ્રયાસોની અતિમહત્ત્વની પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ. આ એક માત્ર એવું સાધન છે કે જે આપણા યુવાનોમાં મૂલ્ય માટેની ગેરસમજણભરી મુંઝવણ છે તેને દૂર કરી શકે અને એમને એક પ્રબુદ્ધ નાગરિક તરીકે ઉત્ક્રાંત થવા શક્તિશાળી બનાવી શકે. 

આઝાદી મળ્યા પછીથી હરિયાળી ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ જેવી ઉત્ક્રાંતિઓ દ્વારા મહાન સામાજિક પરિવર્તનોનો પ્રભાવ આપણા રાષ્ટ્ર પર પડ્યો. આજે નૈતિક સદાચાર અને આધ્યાત્મિક મૂલ્યોના અપૂરતા, અનારોગ્યકારક પોષણને દૂર કરવા ચાલો આપણે ચારિત્ર્ય ઘડતરની ઉત્ક્રાંતિ માટેનું આહ્‌વાન કરીએ. સ્વામી વિવેકાનંદના આ શબ્દો ફરી પાછા આપણા કાનમાં ગૂંજી ઊઠે એવું વાતાવરણ રચીએ : ‘મારા ભાઈઓ, ચાલો આપણે કઠોર પરિશ્રમ કરવા મંડી પડીએ; આ સમય સૂઈ રહેવાનો નથી. આપણાં કાર્ય પર જ ભાવિ ભારતના આગમનનો આધાર છે. જુઓ, આપણી ભારત માતા પ્રતીક્ષા કરી રહી છે…. ઊઠો, જાગો અને આપણી ભારત માતાને પુનરુત્થાન પામેલી, પૂર્વે કદીયે ન હતી એટલી ગૌરવવંતી પોતાના સનાતન સિંહાસન પર બિરાજમાન થયેલી નિહાળો.’ (‘જાગો હે ભારત’, પૃ.૧૦)

(ક્રમશ:)

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.