(ગતાંકથી ચાલું)

गुणरहितं कामनारहितं प्रतिक्षणवर्धमानं अविच्छिन्नं सूक्ष्मतरं अनुभवरूपम् ॥ ५४ ॥

गुणरहितम्, ગુણવગરનું; कामनारहितम्, કોઈ પણ ઇચ્છા વગરનું; प्रतिक्षणवर्धमानम्, ક્ષણે ક્ષણે વધતું રહેતું; अविच्छिन्नम्, સાતત્યવાળું-ધારાવાહી; सूक्ष्मतरम्, ઘણું સૂક્ષ્મ; अनुभवरूपम्, અંતરતમ અનુભવરૂપ.

૫૪. આ પ્રેમ કશા ગુણ વગરનો, કશી જ કામના વગરનો, દરેક ક્ષણે વધતો જ રહેતો, અવ્યવહિત ધારાવાહી (સાતત્યપૂર્ણ) તેમજ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ અનુભવ સ્વરૂપ છે.

એ પ્રેમનું આગળ પછીનું વર્ણન એવું છે કે તે બધા ગુણોથી મુક્ત હોય છે, બધી એષણાઓથી મુક્ત હોય છે, ક્ષણે ક્ષણે એ વધતો જ રહે છે; એ કોઈક એવા પ્રકારનો અનુભવ છે કે જેને કંઈક આવી રીતે વર્ણવી શકાય કે, એ સાક્ષાત્કારથી પ્રાપ્ત થતું સ્વરૂપ છે; અનુભવગમ્ય એનું લક્ષણ છે અને આ અનુભવ સહજ પ્રેરણાજન્ય છે – એને કોઈ ગુણ નથી – સત્ત્વ, રજસ્‌ કે તમસ્‌ કોઈ ગુણની- એને અસર નથી. એને કશી કામના નથી, એ ક્ષણે ક્ષણે પ્રવર્ધમાન અને અનવરુદ્ધ રીતે પ્રવાહિત રહે છે, એ સૂક્ષ્મ કરતાં વધારે સૂક્ષ્મ છે.

આ પ્રેમનું વર્ણન કરવા માટે આવી પૂર્વોક્ત અભિવ્યક્તિઓ કરવામાં આવે છે. આ વર્ણનનો એકેએક શબ્દ, એ આ ભગવત્પ્રેમની કોઈ ને કોઈ ખાસ વિશેષતા બતાવે છે. આપણે જેમ કોઈ જ્ઞાની મનુષ્ય વિશે કહીએ છીએ કે એ ત્રણે ગુણોથી પર હોય છે, તેવી જ રીતે જેનામાં ભગવાન પ્રત્યેનો પ્રેમ ખુલી ગયો હોય, તેવા ભક્તમાં પણ આપણે એવું જ ભાળીએ છીએ, એ પણ ત્રણ ગુણોની પેલી પાર પહોંચી ચૂક્યો હોય છે.

ત્રણ ગુણોને પોતાની લાક્ષણિકતાઓ હોય છે. પ્રથમ, સત્ત્વગુણ આપણને સુખ તરફ દોરી જાય છે. આ સુખ એક ક્ષણે આવતા અને બીજી ક્ષણે જતા રહેતા વિષયમાંથી જન્મતું હોય છે તો પહેલા જ સત્ત્વગુણમાંથી નીપજતું સુખ આવું ક્ષણજીવી છે.

બીજો ગુણ રજસ્‌ છે. આ રજોગુણ માણસને પ્રવૃત્તિઓમાં જોડી દે છે, એને હંમેશાં સતત કાર્ય કરતો જ રાખે છે. પણ જ્યારે કોઈ એક વેળાએ મનુષ્યને ભગવાનનો પ્રેમ લાધી જાય છે, ત્યાર પછી એ ભક્ત પેલા ગુણયુક્ત સામાન્ય માણસ જેવો રહેતો નથી, એનો સ્વભાવ પ્રવૃત્તિશીલ રહેતો નથી. કારણ કે ત્યાર પછી તો એ ભગવત્પ્રેમમાં જ નિમગ્ન રહેતો હોય છે. ભગવાનમાં તેની આ નિમગ્નતા એને બહારની દુનિયાની પ્રવૃત્તિઓમાં વારંવાર રચ્યાપચ્યા રહેવાનું અશક્ય જ બનાવી મૂકે છે.

ત્રીજો જડતાનો ગુણ ‘તમસ્‌’ છે. ભક્તમાં તો એવી જડતા હોતી જ નથી, એ કંઈ મૂઢ તો નથી જ! જડતા બધાને ગળી જનારો અનુભવ છે, જડતા એટલે બધા જ અનુભવોનો અભાવ! એ મનની સુષુપ્તિની અવસ્થા છે, જ્યારે મન નિદ્રાવસ્થામાં જાય છે, ત્યારે એ તમોગુણ કહેવાય છે.

તો આ ભગવદ્‌ભક્ત એ ત્રણેય ગુણોથી મુક્ત છે. અને બધી જ કામનાઓથી પણ મુક્ત જ છે. કોઈ પણ વસ્તુની એને કશી જ કામના હોતી નથી. કારણ કે બીજી બધી જ વસ્તુઓ એને મન તુચ્છ જ હોય છે. એનું મન ભગવાનમાં એટલું તો તલ્લીન થઈ ગયું હોય છે કે એને કશી જ વસ્તુની ઊણપનો અનુભવ થતો જ નથી. એટલે એ બાહ્ય વસ્તુઓની ઇચ્છાઓથી મુક્ત થયેલો હોય છે. અરે, કોઈ માનસિક-કામના પણ એનામાં હોતી નથી. આપણને માનસિક કામનાઓ હોઈ શકે છે. દાખલા તરીકે મનમાં આનંદનો ઊભરો આવી જવો વગેરે. તો એની પણ અહીં જરૂર લાગતી નથી કારણ કે મન તો ભગવાનના વિચારથી જ ભરપૂર ભર્યું છે. એટલે એ વખતે એ બીજા કશા માટે તલસતું નથી. અને બીજી ખાસિયત – એક વિશિષ્ટ લાક્ષણિકતા – આ અનુભવની એ છે કે એ વધતો જ રહે છે; અને જેમ જેમ વધે છે તેમ તેમ જાણે કે વધુ તીવ્ર બનતો જાય છે. પૂર્વે કહ્યા પ્રમાણે એ અને એની કાળ મર્યાદા અનંત છે. એ સતત અને અવિચ્છિન્ન વહેતો પ્રવાહ છે. એટલું જ નહિ પણ એ સતત વર્ધમાન પ્રવાહ છે.

આમ આપણે એ અવર્ણનીય પ્રેમનું પણ વર્ણન કર્યું. એ પ્રેમના અનુભવના સ્વરૂપનું વર્ણન છે. જગતનાં સ્વાર્થી કાર્યો પ્રત્યેનાં વલણો અને લક્ષણોથી એ હંમેશાં મુક્ત રહે છે. એ પ્રેમ સમાનધર્મી આત્મલક્ષી અનુભૂતિના સ્વરૂપવાળો છે; એ સૂક્ષ્મ કરતાં પણ વધુ સૂક્ષ્મ છે. એ કોઈ ખાસ પરિસ્થિતિની પરિપૂર્ણતાના પરિણામ રૂપે એની મેળે જ સ્વયં જ આવિર્ભૂત થઈ જાય છે અને ક્ષણે ક્ષણે વિસ્તરતો અને પરિવર્ધિત થતો રહે છે. જ્યારે એ આવિષ્કાર પામે છે ત્યારે ત્યાં જ સ્થગિત થઈ જતો નથી. એ અત્યંત ગતિશીલ છે, તે એ અર્થમાં કે તે એકધારો વધતો જ રહે છે, સતત વિસ્તરતો જ રહે છે. એટલે જ તો એનું વર્ણન થઈ શકતું નથી! અથવા તો કોઈ એનો અર્થવિસ્તાર કરી શકતું નથી. ભગવાનના ભક્તને એની હરક્ષણની હાજરીની તીવ્ર ઝંખના રહે છે. એ કંઈ કટકે કટકે આવતી કોઈ વસ્તુ નથી, એ તો શાશ્વતી અને સંવર્ધનશીલ જ રહે છે.

મનુષ્યનો મનુષ્ય તરફનો પ્રેમ કોઈને કોઈ કામના સાથે સંકળાયેલો હોય છે. પણ આ પ્રેમમાં કોઈ કામનાનું લટકણ નથી. જ્યારે આ ભગવત્પ્રેમ પ્રકટે છે, ત્યારે એ એકમાર્ગી રસ્તો જ હોય છે. ભગવાનનો ભક્ત જ પોતાનો પ્રેમ ભગવાનને સમર્પવા ઇચ્છે છે અને એનું કશું જ વળતર માગતો નથી, એવું અહીં અભિપ્રેત છે. આ પ્રેમની આ વિલક્ષણતા છે. જેણે આવો પ્રેમ પ્રાપ્ત કર્યો હોય, તે મનુષ્ય ભગવાન પાસેથી કશો બદલો માગતો નથી. એ તો સુખી જ છે; એ પ્રેમનું પ્રદાન કરે છે, બદલામાં કશું જ ‘આદાન’ કરતો નથી. ભગવાન પાસેથી પ્રેમનો બદલો લેવાનો એને વિચાર સરખો પણ આવતો નથી. એટલે ભગવાનનો એ પ્રેમી કેવળ ‘આપનાર’ જ છે; અને ‘લેનાર’ નથી. ભગવાનનો ભક્ત ભિખારી નથી; એ ભીખ નથી માગતો, એ તો ફક્ત પોતાના હૈયાને ભગવાન તરફ સતત અને એકધારું વહેતું મૂકી દે છે. જાણે કે કોઈ અવિરત વહેતું ઝરણું જ જોઈ લો! અને એ ઝરણું ઉત્તરોત્તર વધતું-વિસ્તરતું જ રહે છે. એ પ્રેમ જેટલો વધારે પ્રમાણમાં પ્રવાહિત થાય છે તેટલો વધારે મોટો, વધારે વેગીલો અને વધારે પહોળો-વિસ્તૃત થાય છે અને ભક્ત એ પ્રેમમાં ડૂબેલો રહે છે.

तत्प्राप्य तदेवावलोकयति तदेव शृणोति तदेव भाषयति तदेव चिन्तयति ॥ ५५ ॥

तत्, તે (પ્રેમ); प्राप्य, પ્રાપ્ત કરીને; तत् एव, ફક્ત તે જ; अवलोकयति, જુએ છે; तत् एव, કેવળ તે જ; शृणोति, સાંભળે છે; तत् एव, ફક્ત તે જ; भाषयति, બોલે છે; तत् एव, કેવળ તે જ; चिन्तयति, વિચારે છે. 

૫૫. આ પ્રેમ અથવા પરાભક્તિને પ્રાપ્ત કરીને ભક્ત ફક્ત તેને જ જુએ છે, તેને વિશે જ સાંભળે છે, તેને વિશે જ બોલે છે અને તેનું જ ચિંતન કરે છે.

સૂક્ષ્મ કરતાં પણ વધુ સૂક્ષ્મ હોવાને કારણે આપણે એ પ્રેમને વર્ણવી તો શકતા જ નથી, આમ છતાં પણ એ એક હકારાત્મક અનુભૂતિ છે, એટલે જ એને અનુભૂતિરૂપ કહેવામાં આવે છે અને એથી જ એને ઉવેખી શકાય તેમ પણ નથી; કે એની હસ્તીને નકારી શકાય તેમ નથી. સાવ સાચી વાત તો એ છે કે ભક્તના હૃદયમાં રહેલ ભગવત્પ્રેમની આ વિધાનાત્મક અનુભૂતિ જ આપણને એની હસ્તીને નકારી કાઢવામાંથી રોકે છે. બીજાઓને ભલે એવો પ્રેમ લાધ્યો ન હોય, પણ અપેક્ષિત યોગ્યતા પ્રાપ્ત કરનાર ભક્તને એટલે કે પોતાના હૃદયમાં પ્રેમની પધરામણી કરવાનો અધિકાર જેને સાંપડી ચૂક્યો છે એને તો, એ અઢળક પ્રમાણમાં પ્રાપ્ત થાય જ છે. આ વાત આ સૂત્રમાં કરી છે. અને એ અઢળક પ્રમાણ પણ વધતું જ રહે છે.

એની સાથે આ સૂત્રમાં એવું ઉમેરાયું છે કે આ પ્રેમાભક્તિની પ્રાપ્તિ ભક્તને અન્ય કોઈ વાતમાં પરોવાયેલો રહેવા દેતી નથી. એટલે વળી આગળ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે આવો પ્રેમ મેળવનાર ભક્ત કેવળ પ્રેમને જ જુએ છે. અહીં ‘જુએ છે’ નો અર્થ, આપણી જોવાની સાંભળવાની વગેરે બધી જ ક્રિયાઓ કેવળ એ પ્રેમમાં જ તરબતર થઈ રહે છે. એટલે ભક્ત એને જ બધે જુએ છે, એના વિશે જ બધું સાંભળે છે. એના વિશે જ બધું બોલે છે અને એને વિશે જ બધા વિચારો કરે છે. બીજું કશું વિચારવાનો એને અવસર જ હોતો નથી. એ પ્રેમમાં જ એનું હૃદય તરબોળ થઈ ગયેલું હોય છે.

આ પરમોચ્ચ પ્રેમનું અહીં બયાન કરવામાં આવ્યું છે. એટલે ટૂંકામાં એ પ્રેમ વર્ણનાતીત તો છે જ, આમ છતાં એ એક વાસ્તવિક અનુભૂતિ છે. અને એ અનુભૂતિ પણ એવી છે કે મનુષ્યના મનને અન્ય વિચારોથી મુક્ત કરી દે. મનુષ્યનું મન એ એક જ વિચારમાં તલ્લીન થઈ રહે છે. આ જ વાત સૂત્રોમાંના આ શબ્દોમાં અભિવ્યક્ત થઈ છે કે ‘તે તે જ સાંભળે છે, તે જ બોલે છે, તે જ વિચારે છે.’ આ પ્રેમમાં થતું સંપૂર્ણ વિલીનીકરણ છે કે જે પ્રતિક્ષણે ગુણાત્મક રીતે વૃદ્ધિ પામતું રહે છે, એનો પ્રવાહ અવિચ્છિન્ન રહે છે, વળી એ સૂક્ષ્મ કરતાં પણ વધુ સૂક્ષ્મ છે એટલા માટે વર્ણનાતીત પણ છે. આ રીતે અહીં પરમોચ્ચ પ્રેમની લાક્ષણિકતા દર્શાવાઈ છે.

गौणी त्रिधा गुणभेदाद्‌ आर्तादिभेदाद्‌ वा ॥ ५६ ॥

गौणी, શરૂઆતના ભક્તની ભક્તિ; त्रिधा, ત્રણ પ્રકારની; गुणभेदात्, ગુણોની વિભિન્નતાને કારણે; आर्तादि, સાંસારિક તૃષ્ણાવાળા વગેરે; भेदात्, વિભિન્નતાને કારણે. 

૫૬. ભક્તિની શરૂઆત જ કરતા ભક્તની ભક્તિ સાધકના સ્વભાવમાં રહેલા ત્રણ ગુણોની પ્રધાનતા પ્રમાણે ત્રણ કક્ષાની હોય છે. અથવા તો દુ:ખમાંથી છૂટકારો મેળવવા ઇચ્છતા વગેરે સાધકની મનોદશા પ્રમાણે જુદી જુદી કક્ષાની હોય છે.

उत्तरस्मादुत्तरस्मात्‌ पूर्वपूर्वा श्रेयाय भवति ॥ ५७ ॥

उत्तरस्मात्, પછીથી કરેલી કક્ષા કરતાં; पूर्वपूर्वा, પહેલાં બતાવેલી કક્ષા; श्रेयाय, વધારે કલ્યાણકારી; भवति, બને છે.

૫૭. આ કક્ષાઓ પૈકી પહેલાં દર્શાવાયેલી કક્ષાઓ, પછીથી દર્શાવાયેલી કક્ષાઓ કરતાં વધારે કલ્યાણકારી છે.

ભક્તિને ખાસ કરીને બે કક્ષાઓમાં વહેંચવામાં આવી છે. એક છે પરાભક્તિ અને એનાથી ઊતરતી કક્ષાની ગૌણી ભક્તિ એટલે કે સામાન્ય ભક્તિ. હવે આ ગૌણી અથવા સાધારણ ભક્તિને પણ સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌ એ ત્રણ ગુણોના ભેદથી ત્રણ પ્રકારમાં વહેંચી શકાય તેમ છે. એમાં જે સાત્ત્વિક ભક્તિ છે, તે તદ્દન નિ:સ્વાર્થ હોય છે. એ સંપૂર્ણ રીતે ભગવન્મય બની જવાની ભક્તિ છે. આ ભક્તિમાં ભક્તના મનમાં પોતાને માટે કશી જ ઇચ્છા રહેતી નથી. એટલા માટે એને ‘સાત્ત્વિક’ કહેવામાં આવી છે. રાજસ્‌ ભક્તિ કે સામાન્ય ભક્તિનો અર્થ એમાં કંઈક લેવડદેવડનો સંબંધ દર્શાવે છે. ‘હું ઈશ્વરને ચાહું છું, તો ઈશ્વરે મને ચાહવો જોઈએ’ – આ રીતે એ આદાનપ્રદાનની બાબત છે. ‘તામસિક’ ભક્તિનો અર્થ જડતા છે. એટલે કે એમાં પ્રેમનો કોઈ ઊભરો હોતો નથી. એમાં તો માણસ જેમ સ્વપ્નમાં હલનચલન કરતો હોય એ રીતે મનુષ્યનું મન ભગવાન તરફ જાણે કે સરકી રહ્યું હોય એવી સ્થિતિ હોય છે. ભક્તિના વિચારથી હંમેશાં સભર હોવાના અર્થમાં એવા ભક્તને જાગ્રત ભક્ત ન કહેવાય. એટલે એ ‘તામસિક’ કહેવાય છે. આવા પ્રકારની ભક્તિનો અર્થ કેટલીક વખત એવો કરવામાં આવે છે કે એવો સાધક પોતાના જ આનંદ અને પોતાનું સુખ જ ઝંખતો હોય છે. પોતાના પ્રેમના પાત્રની એને કશી પડી હોતી નથી. આ રીતે ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં સ્વાર્થીપણું હોય ત્યારે એ ‘તામસિક’ ભક્તિ કહેવાય છે. શ્રીરામકૃષ્ણ કહે છે: ‘ભક્તિ પણ સત્ત્વ, રજસ્‌ અને તમસ્‌ એમ ત્રણ પાસાંવાળી હોય છે.’ (ગોસ્પેલ, પૃ.૨૫૦) વળી, તામસિક ભક્તિ ધરાવનારમાં એક જબરદસ્ત શ્રદ્ધા હોય છે. આવો ભક્ત ભગવાન પાસેથી વરદાન અક્ષરશ: ‘ધરાર ઝૂંટવી’ લે છે. જાણે કે કોઈ લૂંટારો કોઈ માણસ ઉપર ત્રાટકીને એનું ધન આંચકી લેતો હોય. (ગોસ્પેલ, પૃ.૧૪૯) એટલે એક ભક્ત તદ્દન નિ:સ્વાર્થી છે, બીજો લેવડદેવડીયો છે અને ત્રીજો આંચકવાનું જ જાણે છે, આપવાનું જાણતો નથી. ત્રણ ગુણો પ્રમાણેના આવા ત્રણ પ્રકારના ભક્તો હોય છે. આપણને ભક્તોનું આ પ્રકારનું વર્ગીકરણ ભાગવતમાં કપિલે દેવહૂતિને આપેલા ઉપદેશમાંથી મળે છે.

આ સૂત્રમાં એક બીજું વર્ગીકરણ પણ બતાવ્યું છે. તે એ છે કે ભક્તો ચાર પ્રકારના હોય છે: આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આ ચારમાંનો છેલ્લો ભક્ત, જ્યારે ગૌણી ભક્તિની વાત કરીએ ત્યારે અલગ તરી જાય છે. સૂત્ર કહે છે કે બાકીના ત્રણ છે, તેમાં પહેલાં ગણાવેલો ભક્ત પછીથી ગણાવેલા ભક્ત કરતાં ઊંચો છે. આ રીતે ‘આર્ત’ ભક્ત ‘અર્થાર્થી’ ભક્ત કરતાં ઊંચો છે. ગીતાએ ચાર પ્રકારના ભક્ત ગણાવ્યા છે. (ગીતા, ૭.૧૬) પણ નારદ ત્રણ પ્રકાર જ ગણાવે છે. નારદ પ્રમાણે ‘આર્ત’નો અર્થ એવો ભક્ત કે જે લાચાર હોવાને કારણે ભગવાનની ઝંખના કરતો હોય. જે દુનિયાનાં દુ:ખોથી ખૂબ પરેશાન થઈ ગયો હોય અને એથી એ ભગવાનને ભજતો હોય. ભક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરવાની આ રીત પેલા કૌતૂકથી જાણવા ઇચ્છનારા ‘જિજ્ઞાસુ’ ભક્ત કરતાં ઊંચી છે. જિજ્ઞાસુને પેલા જેવી લાગણી હોતી નથી અને આ જિજ્ઞાસુ કરતાં પણ નીચી કક્ષા ‘અર્થાર્થી’ ભક્તની છે. એ તો ભગવાનને ફક્ત પોતાની ઇચ્છાઓ પૂરી કરવા માટે જ ઇચ્છે છે.

अन्यस्मात् सौलभ्यं भक्तौ ॥ ५८ ॥

अन्यस्मात्, બીજા કરતાં; भक्तौ, ભક્તિના માર્ગ દ્વારા; सौलभ्यम्, પ્રાપ્તિની સરળતા.

૫૮. બીજા માર્ગો કરતાં ભક્તિમાર્ગ દ્વારા લક્ષ્યની પ્રાપ્તિ સરળ છે. 

આ સૂત્ર ખૂબ મહત્ત્વનું છે. એ કહે છે કે ભક્તિ બીજા માર્ગો કરતાં એટલે કે જ્ઞાનમાર્ગ અને કર્મમાર્ગ વગેરે કરતાં વધારે સહેલી છે. અથવા તો પરમ લક્ષ્ય ભક્તિમાર્ગ દ્વારા સહેલાઈથી સિદ્ધ થઈ શકે છે. આ સરલસાધ્યતાનું કારણ હવે પછીના સૂત્રમાં બતાવવામાં આવ્યું છે.

प्रमाणान्तरस्यानपेक्षत्वात् स्वयंप्रमाणत्वात् (च)॥ ५९॥

प्रमाणान्तरस्य, બીજા કોઈ પ્રમાણની; अनपेक्षत्वात्, જરૂર ન હોવાથી; स्वयं प्रमाणत्वात्, પોતે જ પોતાનું પ્રમાણ હોવાથી. 

૫૯. એ કોઈ બીજા પ્રમાણ ઉપર આધાર રાખતી નથી કારણ કે એ પોતે જ પોતાનું પ્રમાણ છે.

પહેલાં એમ કહેવામાં આવ્યું છે કે ભક્તિ દ્વારા અન્ય માર્ગો કરતાં વધુ સરળતાથી ભગવાન પ્રાપ્ત કરી શકાય છે. આમ ભારપૂર્વક કહેવાનું કારણ હવે આ સૂત્રમાં બતાવ્યું છે. એ કહે છે કે ભક્તિ કોઈ અન્ય પ્રમાણ કે તર્ક ઉપર આધાર રાખતી નથી. એ પોતે જ પોતાનો પુરાવો છે. એ સ્વત: પ્રમાણ છે. જ્યારે ભક્તિ કોઈને પ્રાપ્ત થાય છે, ત્યારે એના મનમાં કોઈ પ્રશ્ન નથી ઊઠતો કે એની પ્રાપ્તિ સાચી છે કે ખોટી! પોતાને પ્રાપ્ત થયેલ વસ્તુની ખરાઈ-ખોટાઈ વિશે ભક્તના મનમાં સહેજ પણ પ્રશ્ન થતો નથી. અન્ય માર્ગોમાં સવાલો ઊભા થઈ શકે છે. અન્ય માર્ગોમાં સાધક જે કંઈ અનુભવે છે, તેમાં એ વિશે શંકા હોવાને કારણે પ્રશ્નો થઈ શકે છે.

કર્મમાર્ગ દ્વારા મનુષ્ય કેટલીક વસ્તુઓ મેળવી શકે છે. પણ એમાં સંદેહ હોય છે. કારણ કે આપણી પાસે એનો કોઈ પ્રતીતિજનક પુરાવો નથી. જ્ઞાનમાર્ગમાં મનુષ્યે સતત દલીલો કરતા રહેવું પડે છે. એટલે એ તર્કની તાકાત પર આધાર રાખે છે. માણસનું જ્ઞાન, એનું ચિંતનમનન, અને એની બૌદ્ધિકતા એને સત્ય તરફ જ દોરી રહ્યાં છે, એની ખાતરી શી છે? જો એમાં કોઈક કારણ જણાય, તો જ મનુષ્ય એનો સ્વીકાર કરે છે, એ સિવાય તો નથી સ્વીકારતો. પરંતુ ભક્તિમાર્ગમાં આવા કોઈ પ્રશ્નો નડતા નથી. જે માણસને ભક્તિલાભ થયો છે, તેને ભક્તિની વાસ્તવિકતાની પ્રતીતિ થઈ ગઈ હોય છે. એથી એના મનમાં ભક્તિની વાસ્તવિકતા સંબંધે કોઈ જ સંદેહ થશે નહિ. એની નિ:સંદિગ્ધતાનું કારણ ભક્તિનું સ્વત: પ્રામાણ્ય જ છે. આત્માનો અંતરતમ અનુભવ હોવાનો લીધે એ સ્વયં પ્રમાણિત છે. બીજી વસ્તુઓ પ્રમાણ પર આધારિત છે.

હવે, અહીં ભક્તિ સિવાયના બીજા માર્ગો પર કંઈક આરોપ મૂકવામાં આવ્યો છે. આ આક્ષેપ કદાચ જ્ઞાનમાર્ગીઓ ઉપર છે. જ્યારે આ પરમતત્ત્વનું જ્ઞાનનું પ્રભાત મનુષ્યમાં ઊગે છે, ત્યારે એને પણ એમાં કશો સંદેહ રહેતો નથી. બીજાઓને એમાં પ્રશ્નો ઊભા થાય છે ખરા, પણ એનો કોઈ પ્રશ્ન હોતો નથી. પ્રશ્નો તો બીજાઓને જ થાય!

તો આ વાત તો ભક્તિમાર્ગને પણ લાગુ પડે છે. કોઈ બીજાને એવો પ્રશ્ન થઈ શકે ખરો કે ઈશ્વરપ્રેમની ગહનતમ અનુભૂતિ પ્રાપ્ત કરનાર ભક્તે ઉચ્ચતમ આદર્શ સિદ્ધ કર્યો છે કે? આવા પ્રશ્નો તો ભક્તને નહિ, બીજાઓને જ થાય. પણ ભક્તને પોતાને તો એ બાબતમાં જરા પણ સંદેહ હોતો નથી. એને તો પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધાની પૂરી ખાતરી થઈ ચૂકી હોય છે.

હવે ધારો કે એને પ્રતીતિ થઈ ચૂકી છે એમ આપણે તો કહીએ, પણ એ આપણે માનેલી ખાતરી આત્મસંમોહ પણ હોઈ શકે. એવો મનુષ્ય પોતાની જ પ્રતારણા કરે એવું બની શકે. મુદ્દો એ છે કે જો એ કહેવાતો મોહ ક્યારેય ભગ્ન ન થતો હોય – એ સતતપણે જ રહેતો હોય, તો તમે એને મોહ કહી શકો નહિ. કોઈ પણ મોહને મોહ તો ત્યારે જ કહી શકાય કે જે અમુક વખતે દૂર થઈ શકે એવી સ્થિતિવાળો હોય! ધારો કે હું એક દોરડીમાં સાપ જોઈ રહ્યો છું. એ એક મોહ કે ભ્રમ છે, પણ આપણે એને મોહ કે ભ્રમ એટલા માટે કહીએ છીએ કે અમુક સમય પછી હું એમાં દોરડી જ જોઉં છું અને સાપને જોતો નથી. એટલે કે મોહની પકડ કોઈક વખત ઊતરી તો જાય જ છે. પરંતુ ભગવાનના પ્રેમમાં ભક્તની આવી જે નિમગ્નતા, આવી ગહન ભક્તિને તો આપણે લાગણી-ભાવના કહીએ છીએ, એનો કદીયે ભંગ થતો નથી. એટલે આવી શાશ્વત પકડને મોહ કે ભ્રમ કહી શકાય જ નહિ.

એટલા જ માટે એને પોતાની સાબિતી માટે બીજા કોઈ પુરાવાની જરૂર પડતી નથી. ભક્તને પ્રતીતિ થઈ ચૂકી જ હોય છે કે તે અનુભૂતિના પરમોચ્ચ શિખરે પહોંચી ચૂક્યો જ છે. એટલે એની પરિસ્થિતિની સચ્ચાઈ માટે કોઈ પ્રમાણ કે પરીક્ષણની આવશ્યકતા રહેતી નથી. જ્ઞાનનાં બીજાં કોઈ ઉપકરણો ઉપર એનો આધાર નથી. એ સ્વત: પ્રમાણિત અને સ્વયંસ્ફુરિત છે. આ એક વાત થઈ.

शान्तिरूपात् परमानन्दरूपाच्च ॥ ६० ॥

शान्तिरूपात्, શાંતિના સ્વરૂપયુક્ત હોવાથી; परमानन्दरूपात् च, અને પરમ આનંદ સ્વરૂપ હોવાને કારણે.

૬૦. (આ ભક્તિમાર્ગ અન્ય માર્ગો કરતાં સહેલો છે કારણે કે) એનું સ્વરૂપ શાંતિનું છે અને પરમોચ્ચ આનંદનું છે.

ભક્તિમાર્ગ અન્ય માર્ગો કરતાં સહેલો છે એનું પહેલું કારણ તો આગળ એ બતાવી દીધું કે એની સચ્ચાઈને બીજા પુરાવાઓની જરૂર નથી. હવે, આ સૂત્રમાં એવું બતાવ્યું છે કે ભક્તિ એ સર્વોચ્ચ શાંતિ અને શાશ્વત પરમાનંદનું સ્વરૂપ છે.

અહીં ‘પરમોચ્ચ’ શબ્દ મહત્ત્વનો છે. આપણી ભૌતિક સફળતાઓ અને કોઈક ઇન્દ્રિયવિષયોની ઉપલબ્ધિમાં આપણને થોડોક આનંદ મળે ખરો, પણ એ કંઈ પરમોચ્ચ આનંદ નથી. પરમોચ્ચ આનંદની સરખામણીમાં તો આ કંઈ જ મોટો નથી, કંઈ જ વધારે ટકાઉ નથી. પરમાનંદ તો એટલો બધો પરમ-ઊંચો-હોય છે કે એને કોઈ અન્ય માનદંડથી માપવાની કશી આવશ્યકતા જ રહેતી નથી.

(ક્રમશ:)

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.