કહે છે કે અન્ય અવતારો અંશાવતાર હતા, પણ કૃષ્ણ તો પૂર્ણાવતાર હતા. બધા અવતારોમાં તે સૌથી વિશેષ લોકપ્રિય છે. તેથી કોઈ હિન્દુ તેનું નામ ન જાણતો હોય તેવું નથી. શ્રીકૃષ્ણ વસુદેવ અને દેવકીના પુત્ર તરીકે ઉમદા એવા વૃષ્ણિ કુળમાં જન્મ્યા હતા. ક્રૂરતા અને પાપની મૂર્તિ સમા રાજા કંસની દેવકી બહેન હતી. પોતાની નવપરિણીત બહેનને તેના પતિ સાથે જ્યારે રથમાં એ રથ જાતે હાંકીને લઈ જતો હતો ત્યારે તેણે આકાશવાણી સાંભળી કે ‘આ દંપતીનું આઠમું સંતાન તારો કાળ બનશે.’ તરત જ તે બહેનને મારી નાખવા તત્પર થયો, પરંતુ વસુદેવે, તેઓ પોતાનાં બાળકોને જન્મતાંવેંત કંસને હવાલે કરશે તેવી ખાતરી આપતાં, તે રોકાઈ ગયો. અને શ્રીકૃષ્ણનાં જન્મ પહેલાં તો તેણે દેવકી-વસુદેવને કારાગૃહમાં બંદી બનાવી દીધાં. બીજાને બંધનોમાંથી મુક્ત કરનાર પ્રભુ પોતે મથુરામાં કારાગૃહના બંધનમાં જ અવતર્યા. પૃથ્વીને પાપીઓના પાપમાંથી ઉગારવા અને પુણ્યશાળીઓને રક્ષણ અને માર્ગદર્શન આપવા સાક્ષાત્‌ વિષ્ણુ જ પધાર્યા હતા. કારાગૃહના ચોકીદારો નિદ્રામાં પડી ગયા, વસુદેવનાં બંધનો તૂટી ગયાં, દરવાજા ખૂલી ગયા, અને બાળકને જમુનાની પેલે પાર ગોકુળમાં લઈ જવાયો. ત્યાં નંદને ઘેર, તાજી જન્મેલી બાળકીના સ્થાને તેને મૂકી દેવાયો. ને બાળકીને કારાગૃહમાં લઈ આવ્યા. કંસને ખબર પડી કે દેવકીને બાળક જન્મ્યું છે, એટલે તરત જ તે પોતાના કાળને સ્વહસ્તે ખતમ કરવા જાતે જ કારાગૃહમાં દોડી આવ્યો. તેણે સાશ્ચર્ય જોયું કે બાળક તો છોકરી છે છતાં આગાહી યાદ આવતાં તેણે બાળકીને મારી નાંખવા હાથમાં લીધી. પણ રહસ્યમય રીતે બાળકી હાથમાંથી સરકી ગઈ, અને આકાશમાં ઉડી ગઈ. અને કહેતી ગઈ કે તારો કાળ તો ગોકુળમાં સુરક્ષિત છે. આ સાંભળી કંસ વધુ ક્રોધિત થયો અને ગોકુળ-મથુરામાં બધાં જ બાળકોને મારી નાખવાનો હુકમ કર્યો. પરંતુ ધર્મસંસ્થાપનાર્થે જન્મેલા કૃષ્ણને કાંઈ ન થયું. કંસના બધા પ્રયત્નો વિફળ ગયા. અંતે દુષ્ટતાની મૂર્તિ સમો કંસ જાતે જ કૃષ્ણ વડે મરાયો, અને કૃષ્ણે રાજા ઉગ્રસેનને મથુરાની ગાદીએ બેસાડ્યા. કૃષ્ણનું બાળપણ ચમત્કારોથી ભરપૂર છે. સામાન્ય માનવી માટે તે રહસ્ય છે, જ્યારે ઈશ્વરને માટે તો તે ખેલ છે, લીલા છે. રમતાં રમતાં એક દિવસ કૃષ્ણ માટી ખાઈ ગયા. માટી દૂર કરવા માતા યશોદાએ કૃષ્ણને મોં ખોલાવ્યું, તો તેમને ત્યાં વિશ્વનાં દર્શન થયાં. હજી તેઓ આશ્ચર્યમાં હતાં ત્યાં કૃષ્ણે હસીને માયા સંકેલી લીધી. ગોકુળથી તેઓ વૃંદાવનમાં ગયા. ત્યાં ગોપ-ગોપીઓ જ તેમના સખા હતાં. ગોપીઓમાં મુખ્ય હતાં શ્રી રાધા. પ્રત્યેક હિન્દુને માટે તો રાધાનો પ્રેમ એ માનવી માત્રના ઈશ્વર પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. થોડાં વર્ષો બાદ કૃષ્ણે વૃંદાવનથી પ્રયાણ કર્યું. ને સૌરાષ્ટ્રમાં આવી દ્વારકા વસાવ્યું. દરિયાકિનારે દ્વારકાની રચના કરી અને વૃષ્ણિઓના, યાદવોના નવા રાજ્યની સ્થાપના કરી. પોતે જ કુશળ વહીવટકર્તા, મહામુત્સદ્દી, મહાન યૌદ્ધા, હોવા છતાં ગાદી ધારણ ન કરી. તેમણે ઘણાં રાજ્યો જીત્યાં, પણ તે બીજાને આપી દીધાં. ખૂબ જ પ્રવૃત્તિશીલ જણાતા છતાં અંતરથી શાંત અને સ્થિર જ રહેતા. સતત કાર્યશીલ રહેવા છતાં કાયમ અનાસક્ત રહેતા. યુદ્ધના મેદાનમાં પોતાનાં જ સ્વજનોને સામે જોઈને અર્જુનનાં ગાત્રો ગળી ગયાં, તે ઢીલો પડી ગયો, અને મોહથી આસક્ત થઈ હું યુદ્ધ નહીં કરું કહી બેસી ગયો. ત્યારે તેનો એ મોહ અને આસક્તિ દૂર કરવા માટે ભગવાને યુદ્ધના મેદાનમાં તેને જે ઉપદેશ આપ્યો, તે જ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા. પછીથી મહર્ષિ વેદ વ્યાસે શબ્દબદ્ધ કરેલી ગીતામાં અઢાર અધ્યાયમાં થઈને કુલ સાતસો શ્લોકો છે. યુધિષ્ઠિરને ગાદીએ બેસાડી શ્રી કૃષ્ણ દ્વારકા ગયા. ત્યાં પછીથી યાદવોમાં આંતરિક વિખવાદ થયો. અને અંદર અંદર જ કપાઈ મર્યા. કૃષ્ણે એ બધું નિયતિના એક ખેલ તરીકે અનાસક્ત થઈને જોયા કર્યું. ને પછીથી પોતાનો પણ અંત નજીક છે તેમ સમજાતાં, મન તથા ઈંદ્રિયોને યોગમાર્ગે પ્રવૃત્ત કરી, એક વૃક્ષ નીચે બેસી ગયા. તેમના ગુલાબી પદચિહ્‌નને દૂરથી હરણ જેવું સમજી પારધીએ બાણ માર્યું. નજીક આવીને જોતાં તેને ભૂલ સમજાઈ અને તે શોકમગ્ન થયો. પણ પ્રભુએ તો તેને આશીર્વાદ જ આપ્યા. અને પછી નશ્વર દેહ છોડી દીધો.

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.