(ગતાંકથી આગળ)

એક દિવસ સાંજે શ્રીઠાકુર મથુરબાબુના નારીનિવાસમાં ઊંડી સમાધિમાં આવી ગયા. એ વખતે એમણે સ્ત્રીઓનાં કપડાં પહેર્યાં હતાં. જગદંબા (મથુરના પત્ની) સંધ્યા આરતીમાં હાજર રહેવા માગતાં હતાં. પરંતુ તેઓ શ્રીઠાકુરને એકલા છોડવા ઇચ્છુક ન હતા. એક વખત આ પહેલાં તેઓ જ્યારે સમાધિમાં હતા ત્યારે સળગતા કોલસાના તવા પર પડી ગયા હતા અને ખૂબ દાઝી ગયા હતા. પોતાના પતિની જેમ તેમને શ્રીરામકૃષ્ણ પ્રત્યે અનન્ય પ્રેમ સન્માન હતાં. એકાએક કોઈ અંત:પ્રેરણાથી શ્રીઠાકુરને બાહ્યભાવમાં લાવવા માટેનો માર્ગ વિચારી કાઢ્યો. એમણે પોતાના કિંમતી દાગીનામાંથી કેટલાક એમના ઉપર મૂક્યા અને વારંવાર કહેવા લાગ્યા : ‘બાબા, હવે દીવા કરવાનો સમય થઈ ગયો છે. તમે આવીને મા દુર્ગાને પંખો નહીં નાખો?’ ધીમે ધીમે શ્રીઠાકુર સામાન્ય બાહ્યભાનમાં આવ્યા અને જગદંબા સાથે મંદિરમાં ગયા. દૂરથી મથુરના ધ્યાનમાં આવ્યું કે કોઈ એક ભદ્ર અજાણી નારી પોતાના પત્ની પાસે નજીક ઊભી હતી અને શ્રીમા કાલીની મૂર્તિને પંખો નાખતી હતી. જ્યારે સંધ્યાપૂજા પૂરી થઈ ત્યારે મથુરબાબુએ તેની પત્નીને પેલી સ્ત્રી વિશે પૂછ્યું. જગદંબાએ સ્મિત સાથે કહ્યું : ‘અરે, તમને ખબર નથી? એ તો બાબા (શ્રીઠાકુર) હતા!’ આ સાંભળીને મથુરબાબુએ કહ્યું : ‘જો તેઓ પોતે પોતાની જાતને જાણવા દેવા માગતા ન હોય તો કોઈ બાબાને જાણી શકે નહીં.’ (સ્વામી સારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૫૧૨-૧૩)

મથુરબાબુ અને એના કુટુંબીઓએ આ પાંચ દિવસની દુર્ગાપૂજાનું સતત આનંદપર્વ ઉજવ્યું. તે હવે પૂર્ણ થવાને આરે હતું ત્યારે પૂજારીએ મથુરબાબુ પાસે એક દૂતને મોકલ્યો. શ્રીમાની મૂર્તિનું વિસર્જન થાય તે પહેલાં શ્રીમાની અંતિમ પ્રાર્થના કરવા તેમણે વિનંતી કરી હતી. મથુરબાબુ માટે આ એક આઘાત જેવું હતું. આવા દિવ્ય આનંદ ભર્યા ઉત્સવને આવી રીતે ખલેલ પહોંચાડવાનું વિચારવું એ એમને માટે અસહ્ય બની ગયું. તેઓ બોલી ઊઠ્યા : ‘હું કોઈને મા જગદંબાની મૂર્તિનું વિસર્જન કરવા નહીં દઉં. એમની પૂજા ભલે એમને એમ થતી રહે. જો કોઈ પણ આ મૂર્તિને મારી ઇચ્છા વિરુદ્ધ વિસર્જિત કરશે તો ભયંકર આપત્તિ આવશે, અને લોહી પણ રેડાશે.’

મથુરબાબુને કંઈ પણ વધારે કહેવા માટે દરેકે દરેક વ્યક્તિ ગભરાતી હતી એટલે જગદંબા (મથુરબાબુનાં પત્ની) એ શ્રીઠાકુરને આ પરિસ્થિતિમાંથી ઉગારવા વિનંતી કરી. શ્રીરામકૃષ્ણ મથુરબાબુના ઓરડામાં ગયા અને જોયું તો મથુરબાબુ આમતેમ ફરી રહ્યા છે અને એનો ચહેરો વિષાદ અને ક્રોધથી લાલ છે, અને આંખોમાં આંસું છે. શ્રીઠાકુરને જોઈને મથુરબાબુએ કહ્યું : ‘બાબા, બીજા ભલે ગમે તે કહે પણ હું શ્રીમાને ગંગામાં પધરાવવાનો નથી. મેં તો એમની દરરોજ સેવાપૂજા કરવાનો આદેશ આપ્યો છે. મા જગદંબા વિના હું આ જગતમાં કેવી રીતે જીવી શકું?’ શ્રીરામકૃષ્ણે મથુરની છાતી પર હાથ ઠપકારી કહ્યું : ‘અરે, આનાથી તું ગભરાય છે? તને કોણે કહ્યું છે કે તારે શ્રીમા જગદંબા વિના જીવવાનું છે? અને જો તું એમની પ્રતિમાને ગંગામાં પધરાવી દે તો તે ક્યાં જવાની છે? શું આ મા જગદંબા પોતાના પુત્રથી દૂર રહી શકે ખરી? છેલ્લા ત્રણ દિવસથી મા જગદંબાએ આ પૂજા મંડપમાં તારી પૂજા સ્વીકારી, પણ આજથી તેઓ તારી પૂજા સતતપણે તારા હૃદયમાં વિરાજીને સ્વીકારશે.’ શ્રીઠાકુરના અધ્યાત્મ સ્પર્શથી મથુરબાબુના મનમાં પરિવર્તન આવ્યું અને તેને ખાતરી થઈ કે એનાં એ આંસું નિરર્થક હતાં. તેઓ ફરીથી પ્રસન્ન થયા અને દુર્ગામાતાની મૂર્તિના વિસર્જનનો પ્રસંગ પૂર્ણ થયો. (સ્વામી સારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૫૧૪-૧૬)

શ્રીરામકૃષ્ણને અનેકવાર સમાધિભાવમાં આવતા જોઈને મથુરબાબુ આ રહસ્યમય ભાવાવસ્થા વિશે વધુ જાણવા આતુર બન્યા. તેઓ બરાબર જાણતા હતા કે શ્રીઠાકુર આ સમાધિભાવને બીજામાં સંક્રમિત કરવાની શક્તિ ધરાવતા હતા. એટલે એક દિવસ એમને પોતાને આવી અનુભૂતિ થાય એવી વિનંતી કરી. સૌ પ્રથમ તો શ્રીઠાકુરે એની આ ઇચ્છાથી દૂર રાખવા પ્રયત્ન કર્યો. પરંતુ મથુરબાબુની વારંવાર વિનંતી પછી તેમણે કહ્યું : ‘સારું, હું એ વિશે શ્રીમાને પૂછી જોઈશ. તેઓ તેને યોગ્ય લાગશે તેમ કરશે.’

થોડા દિવસો પછી જ્યારે મથુરબાબુ કોલકાતામાં પોતાના ઘરે હતા ત્યારે તેમને આવી ભાવસમાધિની અનુભૂતિ થઈ. પછી શું બન્યું તેની વાત શ્રીરામકૃષ્ણે આ શબ્દોમાં વર્ણવી. તેણે મને બોલાવ્યો; અને જ્યારે હું ત્યાં ગયો ત્યારે મેં જોયું તો તેનામાં ઘણું પરિવર્તન આવી ગયું હતું, જાણે કે આ એ જ મથુર નથી. જ્યારે જ્યારે તે ઈશ્વર વિશે વાત કરતો ત્યારે એની આંખોમાંથી આંસું વહેવા લાગતાં. તેની આંખો રડી રડીને લાલઘૂમ થઈ જતી હતી, અને હૃદય તો શીર્ણવિશીર્ણ થઈ જતું હતું. જ્યારે તેણે મને જોયો ત્યારે તે નીચે પડીને મારા ચરણ પકડીને કહેવા લાગ્યો: ‘બાબા, હું કબૂલ કરું છું – હું હાર્યો! છેલ્લા ત્રણ દિવસથી હું આ ભાવાવસ્થામાં છું. હું મારું મન સંસારની બાબતોમાં લગાડી શકતો નથી, પછી ભલેને એ માટે હું ગમે તેટલો મથ્યા કરું! બધું ખોટું પડે છે. તમે આપેલી આ ભાવાવસ્થા મહેરબાની કરીને પાછી લઈ લો. એ મારે જોઈતી નથી.’ આ સાંભળીને મેં કહ્યું : ‘પણ તે જ મારી પાસે આ સમાધિભાવની માગણી કરી હતી?’ મથુરબાબુએ કહ્યું : ‘હા, હું જાણું છું કે મેં એવી માગણી કરી હતી. ખરેખર એ એક દિવ્ય આનંદની અવસ્થા છે. પરંતુ મારી સંસારી દુનિયાની બાબતો સાવ વેરવિખેર થઈ જાય તો પછી એ દિવ્ય આનંદની અવસ્થાનો મારે શો ખપ? બાબા, આ ભાવાવસ્થા તો તમારી જ છે અને એ તમને જ જચે. અમારા જેવા બાકીના ખરેખર એ ઇચ્છી ન શકે. મહેરબાની કરીને એને પાછી લઈ લો!’ ત્યાર પછી હું હસ્યો અને મારા હાથે મથુરબાબુની છાતીને સ્હેજ ઘસી અને તે વળી પાછો બાહ્યભાનમાં આવી ગયો. (સ્વામી સારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૫૧૮-૨૦)

મથુરબાબુને પોતાના ચંદ્ર હલદાર નામના કુળગુરુ હતા. તેઓ શ્રીરામકૃષ્ણની ખૂબ ઈર્ષ્યા કરતા. કારણ કે મથુરબાબુને શ્રીઠાકુર પ્રત્યે ઘણો પ્રેમભક્તિભાવ હતો. તેને પાકી ખાતરી થઈ ગઈ હતી કે શ્રીરામકૃષ્ણે શ્રીમથુરબાબુ ઉપર કંઈક શક્તિ ત્રાટક કર્યું છે અને એ એનું રહસ્ય જાણવા ઇચ્છતો હતો. એક દિવસ સાંજે કોલકાતાના મથુરબાબુના નિવાસસ્થાનમાં શ્રીરામકૃષ્ણ ભાવાવસ્થામાં લીન હતા. એ ઓરડામાં બીજું કોઈ હતું નહીં એટલે પેલા ચંદ્ર હલદારને જોઈતી તક મળી ગઈ. શ્રીઠાકુરને વારંવાર હલાવીને એણે માગણી કરતાં કહ્યું: ‘એય, મને કહે કે તે મથુરબાબુ પર કેવી રીતે અંકુશ જમાવ્યો છે? તે એને કેવી રીતે સંમોહિત કર્યો છે?’ શ્રીઠાકુર કશુંય બોલ્યા નહીં કારણ કે એનું મન બાહ્ય દેહભાનમાં હતું જ નહીં. આને લીધે ચંદ્ર હલદાર ખૂબ ગુસ્સે થયો અને બરાડી ઊઠ્યો : ‘અરે, દુષ્ટ તો શું મને નહીં કહે એમ!’ શ્રીઠાકુરને ત્રણ વખત લાત મારી અને પછી અત્યંત હતાશ થઈને ઓરડામાંથી બહાર નીકળી ગયો.

શ્રીરામકૃષ્ણે આ ઘટના વિશે મથુરબાબુને એ સમયે કંઈ ન કહ્યું. પછીથી ચંદ્ર હલદારને કોઈ બીજા કારણોસર દૂર કરવામાં આવ્યો. ત્યારે એક દિવસે વાતચીતમાં શ્રીરામકૃષ્ણે ચંદ્ર હલદારે એમના પર શું શું કર્યું હતું તે એમને કહ્યું. મથુરબાબુ તો આગથી લાલપીળા થઈ ગયા અને કહ્યું: ‘બાબા, જો મને એ વખતે આ બાબતની ખબર પડી હોત તો એને મારી જ નાખ્યો હોત.’’ (સ્વામી સારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૫૦૦-૨-૩)

૧૮૬૮ની ૨૭મી જાન્યુઆરીએ મથુરબાબુ અને જગદંબા શ્રીઠાકુર અને હૃદયનાથ સાથે ૧૨૫ લોકોનો કાફલો લઈને ઉત્તર-પશ્ચિમ ભારતનાં મુખ્ય યાત્રા સ્થળોની યાત્રાએ નીકળ્યા. એક બીજા વર્ગ અને ત્રીજા વર્ગના રેલડબ્બા રેલવે કંપની સાથે પહેલેથી રિઝર્વ કરાવી લીધા અને એવી વ્યવસ્થા કરી કે કોઈપણ સ્ટેશને એને અલગ પણ પાડી શકાય. આ યાત્રા પાછળ મથુરબાબુએ રૂપિયા એક લાખ વાપર્યા હતા.

સૌ પ્રથમ આ યાત્રા સમૂહ થોડા દિવસ દેવઘરમાં સુખ્યાત શિવમંદિરનાં દર્શનાર્થે રોકાયો હતો. અહીં એક નજીકના ગામડાના લોકોની અત્યંત દયનીય દશા જોઈને શ્રીરામકૃષ્ણનું હૃદય કરુણાભાવથી ભરાઈ ગયું. તેણે મથુરબાબુને કહ્યું : ‘તમે મા કાલીના મંદિરના રખેવાળ છો. આ ગરીબ અને દુ:ખી લોકોને એક પહેરવાનું વસ્ત્ર, ખાવા માટે ભોજન અને માથામાં નાખવા માટે થોડું તેલ આપો.’ પરંતુ મથુરબાબુએ આની આનાકાની કરી. તેણે કહ્યું : ‘બાબા, આ યાત્રામાં ઘણો મોટો ખર્ચ થવાનો છે, અને અહીં તો ઘણા લોકો છે જો તમે કહો છો તેમ એવું બધું હું આપવા બેસું તો પછી પાછળથી મારા પૈસાય ખૂટી જશે.’ શ્રીરામકૃષ્ણે વ્યગ્રતા અને કટુતા સાથે કહ્યું : ‘અરે દુષ્ટ! મારે વારાણસી જવું નથી. હું તો આ લોકો સાથે જ અહીં રહેવાનો છું. એમની સંભાળ લેનાર અહીં કોઈ નથી. હું એમને આમ છોડી શકું નહિ.’ અલબત્ત મથુરબાબુએ શરણે થવું પડ્યું. કોલકાતાથી કાપડ મગાવ્યું અને શ્રીઠાકુરની બીજી વિનંતીઓ પણ ગ્રાહ્ય રાખીને એ પ્રમાણે બધું થયું. પછી તેઓ વારાણસીની યાત્રાએ નીકળ્યા. (ઈશરવુડ કૃત રામકૃષ્ણ પૃ. ૧૩૨)

રસ્તામાં વળી પાછી એક બીજી નાની દુર્ઘટના બની. વારાણસીની નજીકના સ્ટેશને શ્રીરામકૃષ્ણ અને હૃદયનાથ થોડી મિનિટ સુધી ગાડીમાંથી નીચે ઊતરી ગયા અને ગાડી એમને ત્યાં છોડીને ચાલી નીકળી. મથુરબાબુ વ્યગ્ર બની ગયા. એ બંનેને બીજી ગાડીમાં રવાના કરવા એવો તાર તેમણે વારાણસીથી કર્યો. પણ ત્યાર પછી તરત જ રેલવે કંપનીના એક અધિકારી ત્યાંથી વિશેષ ટ્રેનમાં પસાર થયા અને તેઓ બંનેને એની સાથે વારાણસી સુધી આવવા માટે વિનંતીપૂર્વક કહ્યું.

મથુરબાબુએ બનારસના કેદારનાથ મંદિરની નજીક કેદાર ઘાટ પર બે મકાન ભાડે રાખ્યાં હતાં અને તેઓ ત્યાં શાહી ઠાઠ-માઠથી રહેતા હતા. જ્યારે જ્યારે તે મંદિરોનાં દર્શને જતા ત્યારે એક નોકર તેના માથે રૂપેરી છત્રી ધરી રાખતો. તેઓ જાણતા હતા કે શ્રીરામકૃષ્ણ સમાધિ અવસ્થામાં આવીને પડી જાય છે. એટલે મથુરબાબુએ એમને માટે પાલખીની વ્યવસ્થા કરી આપી હતી. જેથી કરીને શ્રીઠાકુર સરળતાથી મંદિરોમાં દર્શને જઈ શકે. એક દિવસ મથુરબાબુએ સ્થાનિક બ્રાહ્મણોને જમાડ્યા અને એમને ભેટ સોગાદ પણ આપી. નાની નાની બાબતોમાં આ પંડિતો અંદરો અંદર એવા ઝઘડ્યા હતા એ શ્રીઠાકુરે જોયું હતું. મથુરબાબુ પણ એક બીજા જમીનદાર સાથે આ દુનિયાની વાતોમાં મગ્ન બન્યા. આવી બધી સાંસારિક બાબતોએ શ્રીઠાકુરને ઉદ્વિગ્ન કરી મૂક્યા અને તેઓ પાછા દક્ષિણેશ્વર ચાલ્યા જાય એવી એમની ઇચ્છા થઈ ગઈ. 

એક બીજા દિવસે ગંગામાંથી વારાણસી શહેરનું દર્શન કરવા મથુરબાબુએ શ્રીરામકૃષ્ણને હોડીમાં સાથે લીધા. જેવા તેઓ મણિકર્ણિકાના સ્મશાનઘાટની નજીક પહોંચ્યા કે શ્રીરામકૃષ્ણને એક દર્શન થયું. તેઓ તો હોડીના એક છેડે ધસી ગયા અને પછી સમાધિભાવમાં સરી પડ્યા. હોડીવાળા તો ગભરાઈ ગયા અને શ્રીઠાકુર પડી ન જાય એટલે એને પકડવા દોડી ગયા. પરંતુ શ્રીઠાકુર તો હલ્યાચલ્યા વિના સ્થિર ઊભા રહ્યા. મથુરબાબુ અને હૃદયનાથ એમને સ્પર્શ કર્યા વિના એમની પાસે જ ઊભા રહ્યા. પછીથી શ્રીરામકૃષ્ણે પોતાનાં આ દિવ્યદર્શન વિશે વર્ણવતાં કહ્યું હતું: ‘સ્મશાન ઘાટની નજીક મા જગદંબા બેઠાં હતાં, તેઓ જીવનાં સાંસારિક બંધનોની ગ્રંથિઓને છોડતાં હતાં. એ જ વખતે શિવજી મૃત વ્યક્તિના કાનમાં તત્કાળ મુક્તિ આપતો મંત્ર રટતા હતા. આ દૃશ્ય વિશે જ્યારે પંડિતોએ સાંભળ્યું ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા. આવું તો ક્યાંય શાસ્ત્રમાંયે વર્ણવ્યું નથી. (સ્વામી સારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૬૫૧)

વારાણસીમાં અઠવાડિયું રહ્યા પછી થોડા દિવસ માટે આ યાત્રામંડળી પ્રયાગ પહોંચી. અહીં ગંગા યમુનાના પવિત્ર સંગમમાં સ્નાન કર્યું અને પાછા વારાણસી આવી ગઈ. ત્યાર પછી તેઓ ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિ વૃંદાવન ગયા. અહીં પણ મથુરબાબુએ શ્રીરામકૃષ્ણને પવિત્ર સ્થળોનાં દર્શન માટે પાલખીની વ્યવસ્થા કરી આપી. એમણે ઘણી મોટી રકમ દાન-ધર્માદામાં આપી. પરમ વૈષ્ણવ ભક્તનારી ગંગામાતા વૃંદાવનમાં રહેતાં હતાં. તેઓ માનતા હતાં કે શ્રીરામકૃષ્ણ રાધાના અવતાર છે. શ્રીઠાકુર ત્યાં રહે તેમ તેઓ ઇચ્છતા હતા અને એમને રહેવા માટે મનાવી પણ લીધા હતા. મથુરબાબુ હૃદયની માંદગીવાળા હતા અને શ્રીરામકૃષ્ણ વિના તેઓ કોલકાતા પાછા કેમ ફરવું એ જાણતા ન હતા. જો કે અંતે જ્યારે શ્રીઠાકુરને યાદ આવ્યું કે એમનાં વૃદ્ધ માતા ચંદ્રામણિદેવી દક્ષિણેશ્વરમાં છે એટલે એમણે પોતાનો વિચાર બદલ્યો.

બે સપ્તાહની વૃંદાવન યાત્રા પછી વળી પાછા તેઓ વારાણસી પાછા આવ્યા અને ત્યાં તેઓ મે મહિનાના અંત સુધી રહ્યા. પાછા ફરતી વખતે મથુરબાબુની ઇચ્છા ગયામાં દર્શન કરવાની હતી પણ શ્રીઠાકુરે ત્યાં જવાનો ઇન્કાર કર્યો. તેમને પોતાના પિતાના ગયાનાં દર્શન અને પોતાના જન્મના રહસ્ય વિશે ખ્યાલ હતો. અને એમને પાકી ખાતરી હતી કે જો તેઓ ત્યાં જશે તો તરત જ તેઓ પોતાના મૂળ દિવ્ય રૂપમાં ભળી જશે અને પોતાનું જીવન કાર્ય પૂરું થાય તે પહેલાં આ નશ્વર દેહને છોડી દેશે. એટલે યાત્રામંડળી આ યાત્રામાં ચાર માસ ગાળીને કોલકાતા પાછી ફરી.

શ્રીરામકૃષ્ણના પવિત્ર સંગાથ વિના જીવવું મથુરબાબુ માટે અત્યંત કઠિન હતું. એટલે જ જ્યાં જ્યાં તેઓ જતા ત્યાં શ્રીઠાકુરને પોતાની સાથે લઈ જતા. એક વખત પશ્ચિમ બંગાળના રાણાઘાટની નજીકની મથુરબાબુની જાગીર પર ગંગા નદીમાં હોડીમાં બેસીને શ્રીઠાકુર સાથે ગયા. રાણાઘાટમાં શ્રીઠાકુરે ગ્રામ્યજનોની અત્યંત દયનીય દશા જોઈ અને એમનું હૃદય પીગળી ગયું. તેમણે મથુરબાબુને એ બધા લોકોને ભોજન અને વસ્ત્ર આપવા કહ્યું. શરૂઆતમાં તો મથુરબાબુ થોડા અચકાયા પણ પછીથી એમણે શ્રીઠાકુરની ઇચ્છા પૂરી કરી. આ પ્રવાસ દરમિયાન તેમણે મથુરબાબુની જન્મભૂમિ ખુલના (હાલ બાંગ્લાદેશ) પણ ગયા. ત્યાં તેઓ થોડા સપ્તાહ રોકાયા પછી ત્યાંથી તેઓ કોલકાતા પાછા ફર્યા.

૧૮૭૦માં મથુરબાબુ શ્રીઠાકુરને ચૈતન્ય મહાપ્રભુની જન્મભૂમિ નવદ્વીપની મુલાકાતે હોડીમાં લઈ ગયા. રસ્તામાં બર્દવાન જિલ્લાના કાલનામાં તેઓ રોકાયા. અહીં વૈષ્ણવ સંત ભગવાનદાસને તેઓ મળ્યા. પવિત્ર દિવસે વિશેષ મહોત્સવ માટે મથુરબાબુએ ભગવાનદાસના આશ્રમને કેટલીક રકમ દાનમાં આપી.

૧૪ વર્ષ સુધી મથુરબાબુ શ્રીરામકૃષ્ણ સાથે એક છાયાની જેમ ફરતા રહ્યા, પરિણામે એમના જીવનમાં એક મહાન પરિવર્તન આવી ગયું. એમની ગર્વિષ્ઠતા અને સંપત્તિનું તેમજ જ્ઞાનનું અભિમાન ધીમે ધીમે શ્રીઠાકુરના આધ્યાત્મિક પ્રભાવથી ચાલ્યાં ગયાં. શ્રીરામકૃષ્ણ માટેના એમના ગહન પ્રેમ અને આદરથી એમનું મન ધીમે ધીમે ઉચ્ચતર કક્ષાએ પહોંચ્યું. 

એક વખત મથુરબાબુને શરીરમાં રસી થઈ ગઈ અને કોલકાતાના પોતાના નિવાસસ્થાને લાંબા સમય સુધી પથારીવશ રહેવું પડ્યું. તેઓ શ્રીઠાકુરનાં દર્શન કરવા ઝંખતા હતા પણ તેઓ આવે તેમ ન હતા. શ્રીઠાકુરે મથુરબાબુના સંદેશવાહકને કહ્યું કે તેમની પાસે એમના આ રસીના રોગને મટાડવા કોઈ શક્તિ નથી. એટલે એમના આવવાનો કોઈ અર્થ નથી. અંતે મથુરબાબુની વારંવારની વિનંતી પછી તેઓ આવ્યા. જ્યારે મથુરબાબુએ એમને જોયા ત્યારે એમણે કહ્યું: ‘બાબા, આપની થોડી ચરણરજ આપો.

શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘ભાઈ, એનાથી શું વળવાનું છે? શું એનાથી આ તારો રસીનો રોગ જશે ખરો?’ મથુરબાબુએ કહ્યું: ‘બાબા, શું મારા કહેવાનો એવો અર્થ છે? મારા આ રસીના રોગને દૂર કરવા હું આપની ચરણરજ માગું છું, શું તમે એમ ધારો છો? એ માટે તો ડૉક્ટરો છે જ. હું તો આ માયાના સાગરને પાર કરવા તમારી ચરણરજ ઝંખું છું.’ 

આ સાંભળીને શ્રીઠાકુર સમાધિભાવમાં આવી ગયા. એ સમયે મથુરબાબુએ પોતાનું મસ્તક શ્રીઠાકુરનાં ચરણોમાં મૂક્યું અને એમના આશીર્વાદ મેળવ્યા. થોડા વખત પછી તેઓ સાજા-સારા થઈ ગયા. (સ્વામી સારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૩૨૪)

એક વખત સમાધિભાવમાં શ્રીઠાકુરે મથુરને કહ્યું: ‘જ્યાં સુધી તમે જીવતા છો ત્યાં સુધી હું દક્ષિણેશ્વરમાં રહીશ.’ મથુરબાબુ તો આ સાંભળીને ચમકી ગયા કારણ કે તેઓ જાણતા હતા કે બાબા દ્વારા મા જગદંબા પોતે જ તેમનું અને તેમના પરિવારનું રક્ષણ કરતાં હતાં. તેમણે વિનમ્રભાવે કહ્યું: ‘બાબા, તમે આવું કેમ કહો છો? મારાં પત્ની અને પુત્ર દ્વારકા તમારા પરમભક્ત છે.’ શ્રીઠાકુરે કહ્યું: ‘સારું, જ્યાં સુધી તમારાં પત્ની અને દ્વારકા જીવશે ત્યાં સુધી હું રહીશ.’ (સ્વામી સારદાનંદ કૃત શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર પૃ. ૫૨૫) વાસ્તવિક રીતે શ્રીરામકૃષ્ણે ૧૮૮૫માં દક્ષિણેશ્વર છોડ્યું એ સમય દરમિયાન એ બધાં આ જગત છોડીને ચાલ્યાં ગયાં. 

શ્રીરામકૃષ્ણની દિવ્યલીલામાં મથુરબાબુનું સહભાગીપણું થોડા જ સમયમાં પૂર્ણ થયું. ૧૪મી જુલાઈ ૧૮૭૧ના રોજ થોડા સમયની ટાઈફોઈડની બીમારીથી તેમનું અવસાન થયું. મથુરબાબુ બીમાર હતા ત્યારે શ્રીરામકૃષ્ણ એમને મળવા જઈ ન શક્યા, પરંતુ અંતિમ દિવસ સિવાય દરરોજ શ્રીઠાકુર હૃદયનાથને મોકલતા. દક્ષિણ કોલકાતાના પવિત્ર સ્થળ કાલીઘાટ પર એ દિવસે મથુરબાબુને લઈ જવામાં આવ્યા. એ સમય દરમિયાન શ્રીરામકૃષ્ણદેવ થોડા કલાક સુધી પોતાના ખંડમાં ગહનસમાધિભાવમાં સરી પડ્યા. એ વખતે એમનો આત્મા મથુરબાબુના અંતિમધ્યેયની પ્રાપ્તિ માટે સહાય કરવા ગયો. સાંજના પાંચ વાગ્યે શ્રીરામકૃષ્ણદેવ બાહ્યભાનમાં આવ્યા અને એમણે હૃદયનાથને કહ્યું: ‘શ્રીમા જગદંબાના સખા મથુરબાબુને મા પોતે પ્રેમથી પોતાના રથમાં લઈ ગયાં છે ને એમનો આત્મા દેવીલોકમાં પહોંચી ગયો છે.’ ત્યાર પછી રાતના દક્ષિણેશ્વરમાં સમાચાર પહોંચ્યા કે મથુરબાબુ બરાબર સાંજના પાંચ વાગ્યે મૃત્યુ પામ્યા હતા. (લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ, અદ્વૈત આશ્રમ, પૃ. ૨૪૫)

શ્રીઠાકુરની મથુરબાબુની સેવા એક પુરાણ કથા જેવી છે. પછીનાં વર્ષોમાં શ્રીરામકૃષ્ણદેવે એમના વિશે ક્યારેય કંઈ કહેવાનો પ્રયત્ન કર્યો નથી. પરંતુ એક વખત શ્રીઠાકુરને એક ભક્તે પૂછ્યું: ‘હે ઠાકુર, મથુરબાબુના મૃત્યુ પછી તેમનું શું થયું? ખરેખર તેમણે ફરીથી જન્મ નહિ લીધો હોય, ખરું ને?’ શ્રીઠાકુરે જવાબ આપ્યો: ‘તેઓ ક્યાંક એક રાજા તરીકે અવતર્યા છે. એમને હજુયે ભોગવિલાસ ભોગવવાની ઇચ્છા હતી.’ ત્યાર પછી તરત જ એમણે વિષયાંતર કરી નાખ્યું. (લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ પૃ. ૨૪૫)

મથુરબાબુનું મૃત્યુ પછી શું થયું, એ વિશે ચર્ચા કરવાની જરૂર નથી. પરંતુ તેમણે શ્રીઠાકુરને હૃદયપૂર્વક ચાહ્યા હતા અને એમની સેવા કરી હતી. એનાથીયે વધારે અગત્યની વાત એ છે કે શ્રીઠાકુર કોણ હતા તેની તેમને અનુભૂતિ થઈ ગઈ હતી. એક વખત તેમણે શ્રીરામકૃષ્ણને કહ્યું: ‘બાબા, આપની ભીતર પ્રભુ સિવાય બીજું કશું નથી.’ (શ્રીરામકૃષ્ણ કથામૃત પૃ. ૩૫૯)

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.