અવતારી પુરુષનાં જન્મ, જીવન અને કાર્યો દિવ્યભાવવાળાં હોય છે. એમનો પ્રભાવ સામાન્ય માનવના મન પર ગહન અને રહસ્યમય બની રહે છે. વળી અવતારો લોકખ્યાતિ મેળવવા કે આત્મકથા લખવા ઇચ્છતા નથી. પોતાના જીવનકાર્યને કોઈનું ધ્યાન ન પડે તે રીતે પૂરું કરવા તેઓ સુગુપ્ત રહેવાનું ઇચ્છે છે. પરંતુ સમયે સમયે તેઓ નિકટના શિષ્યોને પોતાનાં પ્રારંભિક મથામણો અને અનુભૂતિઓ વિશે કહેતા હોય છે. અને આ એક જ રીતે લોકો એમના દિવ્યજીવન વિશે જાણી શકે છે. અવતારના વ્યક્તિગત જીવનની વિગતો – અનંત માટેની એમની ઝંખના, એમની આધ્યાત્મિક મથામણો અને આધ્યાત્મિક પ્રાપ્તિની સંતુષ્ટિ – વિશે ઈશ્વરની શોધના કરનારા માટે જાણવું ઘણું મહત્ત્વનું છે. આપણા કમનસીબે ભગવાન શ્રીકૃષ્ણ, શ્રી બુદ્ધ, ઈશુખ્રિસ્ત કે ચૈતન્ય મહાપ્રભુની આધ્યાત્મિક ઝંખના અને મથામણ વિશે આપણને બહુ અલ્પ પ્રમાણમાં જાણવા મળે છે.

આમ હોવા છતાં પણ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની નોંધ કરનાર શ્રી મ.એ એમની આધ્યાત્મિક યાત્રા વિશે શ્રીઠાકુર પાસેથી પ્રત્યક્ષ રૂપે સાંભળ્યું હતું. એમણે જે સાંભળ્યું હતું તે બધું ‘કથામૃત’માં યથાર્થ અક્ષરશ: પ્રસિદ્ધ કર્યું છે. શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી સારદાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ નામે શ્રીઠાકુરની શ્રદ્ધેય અને પ્રમાણભૂત જીવનકથા લખી છે. સ્વામી સારદાનંદજીએ શ્રીઠાકુર પાસેથી પ્રત્યક્ષ રીતે એમના પ્રારંભિક જીવનની આધ્યાત્મિક અનુભૂતિઓ અને ઘણા ઘટનાપ્રસંગો સાંભળ્યા હતા. એમણે એ બધું નજરે જોનાર પાસેથી પણ આવા ઘટનાપ્રસંગો અને અનુભૂતિઓ એકઠાં કર્યાં હતાં. ‘શ્રીરામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’નો બીજો ભાગ (આધ્યાત્મિક પથને ઝંખનારા શ્રીરામકૃષ્ણ) લખતાં પહેલાં સ્વામી સારદાનંદજીને હૃદયરામ મુખોપાધ્યાયે ઘણી સહાય કરી હતી. હૃદયરામ મુખોપાધ્યાય શ્રીઠાકુર સાથે (૧૮૫૫-૧૮૮૧) ૨૫ વર્ષ સુધી રહ્યા હતા.

હૃદયરામ શ્રીરામકૃષ્ણના ફઈબાના પૌત્ર હતા. તેઓ શ્રીરામકૃષ્ણના ભાણેજ થતા હતા. તેઓ શ્રીરામકૃષ્ણ કરતાં ચાર વર્ષ નાના હતા. એમનો જન્મ ૧૮૪૦માં થયો હોય એવું લાગે છે. શ્રીરામકૃષ્ણની જન્મભૂમિ કામારપુકુરથી હૃદયરામનું જન્મ સ્થળ શિહડ માત્ર ચાર માઈલ દૂર હતું. બાલ્યાવસ્થામાં શ્રીરામકૃષ્ણ અવાર-નવાર શિહડ જતા અને આ રીતે શ્રીઠાકુર અને હૃદયરામ એકબીજાને બહુ સારી રીતે જાણતા. ૧૮૫૨માં શ્રીરામકૃષ્ણ કોલકાતા આવ્યા અને ત્યાર પછી ૧૮૫૫માં દક્ષિણેશ્વર ગયા. હૃદયરામ સોળ વર્ષના હતા ત્યારે તેમણે પોતાના ગામની નજીકના શહેર બર્દવાનમાં કામધંધો મેળવવા પ્રયત્ન કર્યો પણ એમાં સફળ ન થયા. જ્યારે એમને જાણવા મળ્યું કે એમના મામા રામકુમાર દક્ષિણેશ્વરના રાણી રાસમણિના નવા મંદિરમાં પુજારી તરીકે નિમાયા છે ત્યારે જરાય વિલંબ કર્યા વગર તેઓ ત્યાં ગયા. પોતાના બાળસખા હૃદયરામને જોઈને શ્રીરામકૃષ્ણ ખુશ થઈ ગયા.

હૃદયરામ ઊંચા, સુંદર, દેખાવડા અને મજબૂત બાંધાવાળા હતા. તેઓ નિર્ભિક, સારી વિનોદવૃત્તિવાળા અને અત્યંત કાર્યસ્ફૂર્તિવાળા હતા. ગમે તેવું કઠિન-મુશ્કેલ કાર્ય એમને મુંઝવી ન શકે. ઉચ્ચ આત્મસૂઝવાળા હોવાથી બદલતા સંજોગોમાં પોતે સરળતાથી ગોઠવાઈ જતા, અને જ્યારે જ્યારે સમસ્યાઓ ઉદ્‌ભવતી ત્યારે અનન્ય ઉકેલ પણ શોધી કાઢતા. આ બધી ગુણવત્તાઓ ઉપરાંત તેમને પોતાના નાનામામા શ્રીરામકૃષ્ણ પ્રત્યે સ્વભાવિક પ્રેમભાવ હતો અને પોતાના ભોગે પણ એમને ખુશ અને સુખી રાખવા તેઓ બધું કરી છૂટતા. આ બધા ગુણપાસાં હોવા છતાં પણ હૃદયરામ નોંધ લઈ શકાય તેવા આધ્યાત્મિક ભાવવાળા ન હતા. તક મળતા તેમણે આ સંસારને પૂરેપૂરો માણ્યો અને દુન્યવી સમૃદ્ધિ મેળવવા તેઓ ખૂબ ઝંખના સેવતા.

પ્રભુની કૃપાથી જ હૃદયરામ શ્રીરામકૃષ્ણના જીવનમાં એ કાળમાં આવ્યા કે જ્યારે શ્રીઠાકુરે પોતાનું દેહભાન, આજુબાજુનું સર્વ કંઈ વિસારે પાડીને પોતાની આધ્યાત્મિકયાત્રાનો પ્રારંભ કરવાનું આરંભ્યું હતું. શ્રીઠાકુરના આ સુદીર્ઘકાળના ઈશ્વરની ઉત્કટતા માટેના સમયગાળામાં હૃદયરામ એમની સારસંભાળ લેનારા અને અંગરક્ષક; રસોઈયા અને પરિચારક; સંગી-સાથી અને સલાહકાર બન્યા. શ્રીઠાકુર સાથેના પવિત્ર સંગાથથી હૃદયરામે ઘણી સારી ગુણસંપત્તિ પોતાના હૃદયમાં પ્રતિબિંબિત કરી દીધી હતી. શ્રીરામકૃષ્ણ અનેકવાર કહેતા કે, હૃદયરામ વિના આ કઠિન સાધનાકાળ દરમિયાન તેના દેહનું રક્ષણ કરવું એમને માટે મુશ્કેલ બની રહેત. હૃદયરામની આ અદ્‌ભુત અને નિ:સ્વાર્થ સેવાને શ્રીરામકૃષ્ણદેવના અનુયાયીઓ કૃતજ્ઞતાપૂર્વક હંમેશાં યાદ રાખશે.

પછીથી હૃદયરામે શ્રીરામકૃષ્ણદેવ માટેની પ્રેમલાગણી આ રીતે વર્ણવી હતી : ‘ઘણી વખત મને શ્રીઠાકુર પ્રત્યે અવર્ણનીય આકર્ષણ થતું અને હું હંમેશાં એમના પડછાયાની જેમ રહ્યો છું. એક પળ માટે પણ એમનાથી વિખૂટા પડવું મારા માટે દુ:ખ-દર્દમય બની જતું.’ (સ્વામી સારદાનંદ કૃત ‘રામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ વૉ. ૧, પૃ. ૧૪૭) પૂજારીપણું શ્રીરામકૃષ્ણે સ્વીકાર્યું તે પહેલાં તેઓ હૃદયરામની મદદથી પંચવટીમાં પોતાનું ભોજન રાંધી લેતા. પરંતુ હૃદયરામ મંદિરના રસોડામાં જ પોતાનું બપોરનું ભોજન લેતા. ત્યાર પછી રાતે તેઓ સાથે મા જગદંબાનો પ્રસાદ લેતા. હૃદયરામે એ બરાબર જોયું હતું કે, બપોરના ભોજન પછી શ્રીઠાકુર બે-એક કલાક સુધી ચોક્કસપણે આઘાપાછા થઈ જતા અને તેઓ પોતાના મામાની અહીંતહીં શોધખોળ પણ કરતા. પછીથી જ્યારે તેઓ ક્યાં ગયા હતા એ વિશે શ્રીઠાકુરને પૂછતા ત્યારે તેઓ આવો ઉત્તર આપતા : ‘આ જગ્યાની નજીકમાં જ હતો.’ એક વખત હૃદયરામે શ્રીઠાકુરને પંચવટીની ઝાડીની દિશામાંથી આવતા જોયા. હૃદયરામે માની લીધું કે તેઓ કુદરતી હાજતે ગયા હશે એટલે આ વિશે વધુ પૂછપરછ ન કરી. (સ્વામી સારદાનંદ કૃત ‘રામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ વૉ. ૧, પૃ. ૧૪૭-૪૮)

રાણી રાસમણિ અને મથુરબાબુ શ્રીરામકૃષ્ણને મંદિરની સેવા-પૂજાના કામમાં લેવા આતુર હતાં. અને જ્યારે એમના મોટાભાઈ રામકુમાર દ્વારા આવું સૂચન એમને કર્યું ત્યારે શ્રીઠાકુરે આમ કહીને ના પાડી : ‘હું પ્રભુ સિવાય બીજા કોઈની સેવા કરીશ નહીં.(સ્વામી સારદાનંદ કૃત ‘રામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ વૉ. ૧, પૃ. ૧૪૮)

શ્રીરામકૃષ્ણ કરતા શ્રીરામકુમાર ત્રીસ કરતાં વધુ વર્ષ મોટા હતા. ધીમે ધીમે હવે એમને માટે એકલા મા જગદંબાની સેવા-પૂજા કરવાનું મુશ્કેલ બનતું જતું હતું. આને લીધે મથુરબાબુએ શ્રીઠાકુરને પોતાના ભાઈને સેવા-પૂજામાં મદદ કરવાનું કહેવાનું બ્હાનું મળી ગયું. એક દિવસ શ્રીરામકૃષ્ણ મંદિરના ઉદ્યાનમાં ટહેલતા હતા ત્યારે એમને દૂરથી જોઈ લેતા મથુરબાબુએ પોતાના એક દૂતને શ્રીરામકૃષ્ણને પોતાની પાસે આવીને મળી જવા વિનંતી કરવા મોકલ્યો. મથુરબાબુના મનમાં શું હતું એ જાણી લઈને શ્રીઠાકુરે હૃદયરામને કહ્યું : ‘જેવો હું ત્યાં જઈશ કે તરત તેઓ મને અહીં રહેવાનું અને મને નોકરી કરવાનું કહેશે.’ હૃદયે પૂછ્યું : ‘તો પછી એમાં તમને શું નુકસાન છે? આવા પવિત્ર સ્થળે કોઈ મહાન માણસની હેઠળ કામ કરવા નિમણૂક મેળવવી એ પણ સદ્‌ભાગ્ય કહી શકાય. તમે શા માટે ખચકાઓ છો?’ શ્રીઠાકુરે હૃદયરામને ઉત્તર આપતા કહ્યું : ‘આવી નોકરીમાં મારી જાતને આખી જિંદગી હું બાંધી રાખવા માગતો નથી. ઉપરાંત જો અહીં આ સેવા-પૂજા કરવાનું કાર્ય સ્વીકારું તો મારે મા જગદંબાના દરદાગીનાની જવાબદારી પણ લેવી પડે. આ ખરેખર કઠિન કાર્ય છે અને તે મારા માટે શક્ય નથી. પણ જો તું અહીં રહે અને એ દરદાગીનાની જવાબદારી લે તો પછી સેવા-પૂજાની જવાબદારી સ્વીકારવામાં મારે કાંઈ હરકત નથી.’ હૃદયરામ મૂળ તો દક્ષિણેશ્વરમાં નોકરી-ધંધા માટે આવ્યા હતા એટલે એમણે આ સૂચન રાજીખુશીથી સ્વીકાર્યું. (સ્વામી સારદાનંદ કૃત ‘રામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ વૉ. ૧, પૃ. ૧૫૦)

પછી શ્રીરામકૃષ્ણ મથુરબાબુ પાસે ગયા અને મથુરબાબુએ એમને કાલીમંદિરમાં કામ સ્વીકારવા વિનંતી કરી. હૃદયરામ દરદાગીનાની સંભાળ લે એ શરતે તેઓ સહમત હતા. મથુરબાબુએ પણ એમની શરત સ્વીકારી. એ દિવસથી શ્રીરામકૃષ્ણે મા જગદંબાને પોશાક વગેરે પહેરાવવાનું કાર્ય શરૂ કર્યું અને હૃદયરામે મા જગદંબાના દાગીનાની જવાબદારી ઉપાડી લીધી. દક્ષિણેશ્વરના પ્રતિષ્ઠા મહોત્સવ પછીના ત્રણ મહિનામાં જ શ્રીરાધાકાંતના મંદિરમાં એક આકસ્મિક ઘટના બની. એ મંદિરનો પુજારી શ્રીકૃષ્ણની મૂર્તિને શયન આપવા માટે બાજુના શયનખંડમાં લઈ જતો હતો ત્યારે તે પડી ગયો અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિનો એક પગ ખંડિત થઈ ગયો. પેલા પૂજારીને તો તરત જ દૂર કર્યો અને શ્રીરામકૃષ્ણની રાધાકાંતના મંદિરની પૂજા કરવા માટે નિમણૂક થઈ, પછી હૃદયરામે પોતાની ફરજ ઉપરાંત શ્રીઠાકુરની કાલીમંદિરની જવાબદારી પણ માથે લીધી. એક વર્ષમાં શ્રીઠાકુર કાલીમંદિરના પૂજારી બન્યા અને હૃદયરામની શ્રીરાધાકાંતના મંદિરમાં બદલી થઈ.

હૃદયરામ કહેતા કે શ્રીઠાકુરની પૂજા એ અત્યંત જોવા જેવી ઘટના હતી. ખરેખર જે કોઈપણ એ સેવાપૂજા જોતા તે દંગ રહી જતા. શ્રીરામકૃષ્ણ મધુર અને ભક્તિસભર કંઠે પ્રબળ ભક્તિભાવથી ભજનગીત ગાતા ત્યારે એમની આંખોમાંથી આંસું વહેવા લાગતાં. જે કોઈ એમના આ ભજનગીતોને સાંભળતા તે ક્યારેય ભૂલતા નહીં. પૂજાના સમયે શ્રીઠાકુર એટલા બધા તો ભાવલીન થઈ જતા કે કોઈ એમની નજીક જતું કે એમને બોલાવતું, એનાથી તેઓ સાવ અજાણ રહેતા. (સ્વામી સારદાનંદ કૃત ‘રામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ વૉ. ૧, પૃ. ૧૫૨)

૧૮૫૬માં શ્રીરામકુમારનું એકાએક અવસાન થયું. શ્રીરામકૃષ્ણને મન તેઓ પિતા સમાન હતા અને એમનું મૃત્યુ એમને માટે એક કારમા ઘા સમું હતું. ત્યાગવૈરાગ્યનો અગ્નિ શ્રીઠાકુરના મનમાં પ્રદિપ્ત થયો અને આ સંસાર ક્ષણભંગુર છે એની અનુભૂતિ પણ થઈ. તેઓ ભોજન અને નિદ્રામાં સાવ વિલક્ષણ બની ગયાં. મધ્યાહ્‌ન સમયે કે રાત્રિ વેળાએ જ્યારે મંદિરનાં બારણાં બંધ થઈ જતાં ત્યારે તેઓ એકલા બહાર નીકળી પડતા અને પંચવટી અને આજુબાજુની ઝાડીમાં ચાલ્યા જતા. અહીં તેઓ સમગ્ર બ્રહ્માંડના મા જગદંબાના ધ્યાનમાં પોતાનો સમય વિતાવતા. આનાથી હૃદયરામને ચિંતા થતી. તેઓ પોતાના નાનામામા શ્રીરામકૃષ્ણને ખૂબ ચાહતા હતા અને એમણે વિચાર્યું કે જો શ્રીઠાકુર આવી રીતે નિદ્રાવિહોણી રાતો વિતાવશે તો શ્રીમા જગદંબાના મંદિરની સેવાપૂજાનું કઠિન કાર્ય કરવા તેઓ ઊભા પણ નહીં રહી શકે. એક રાત્રે હૃદયરામ શ્રીરામકૃષ્ણને ખબર ન પડે તેમ તેમની પાછળ પાછળ ગયા. એમને નજીકના પંચવટીની ઝાડીમાં પ્રવેશતા પણ જોયા. તેઓ જાણતા હતા કે જો તેઓ શ્રીઠાકુરની નજીક જશે તો તેઓ સંતાપ અનુભવશે એટલે તેમણે એમને બીવડાવવા દૂરથી ઝાડીમાં પથ્થરા ફેંક્યા. આને લીધે પણ શ્રીઠાકુર પાછા ન આવ્યા. એ જોઈને તેઓ પોતાના ઓરડામાં પાછા આવ્યા. બીજે દિવસે શ્રીઠાકુરને હૃદયરામે પૂછ્યું : ‘રાત્રિએ જંગલમાં જઈને તમે શું કરો છો?’ શ્રીરામકૃષ્ણે જવાબ આપતાં કહ્યું : ‘હું ત્યાં આમલિકાના વૃક્ષ નીચે ધ્યાન ધરું છું. શાસ્ત્રો કહે છે જે કોઈ આમલિકાના વૃક્ષ નીચે મનમાં પાકી ધારણા કરીને ધ્યાન ધરે તો તેની ધારણા ફળીભૂત થાય છે.’ હૃદયરામે પથરા ફેંકવાનું ચાલું રાખ્યું પણ પંચવટીની ઝાડીમાં રાત્રિઓ ધ્યાનમાં પસાર કરવાના શ્રીઠાકુરના દૃઢનિર્ણયમાંથી તેમને ચલિત ન કરી શક્યા. (સ્વામી સારદાનંદ કૃત ‘રામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ વૉ. ૧, પૃ. ૧૫૭)

એક રાત્રિએ હૃદયરામે હિંમત એકઠી કરીને જંગલમાં એ ઘોર અંધારી રાતે શું ચાલતું હતું એ જોવાનો પાક્કો નિર્ણય કર્યો. જનોઈ અને વસ્ત્રવિહીન અવસ્થામાં એના મામાને- શ્રીઠાકુરને ગહન સમાધિમાં વૃક્ષ તળે બેઠેલા જોઈને હૃદયરામ તો ચમકી ગયા. તેમણે મનમાં વિચાર્યું : ‘શું મામા ગાંડા થઈ ગયા છે?’ કોઈ ઉપાય ન રહેતા. હતાશ થઈને શ્રીઠાકુરને તેમણે કહ્યું : ‘મામા, આ શું છે? આમ તમે કપડાં અને જનોઈ કાં કાઢી નાખ્યાં?’ સૌ પ્રથમ તો એનો કોઈ પ્રત્યુત્તર ન મળ્યો. પછી ધીમે ધીમે શ્રીરામકૃષ્ણ બાહ્યભાનમાં આવ્યા અને કહ્યું : ‘કેમ ભાઈ, આવી રીતે બધાં બંધનોથી મુક્ત થઈને ઈશ્વર વિશે ચિંતન કરવું જોઈએ. એ રીત વિશે તું કંઈ જાણતો નથી શું? જન્મથી જ આપણે ઘૃણા, લજ્જા, માન, અપમાન, મોહ, દંભ, દ્વેષ, ક્રૂરતા જેવા અષ્ટપાશથી બંધાયેલા છીએ. આ જનોઈ એટલે કે હું બ્રાહ્મણ છું અને તેથી હું બધાથી ઉચ્ચ છું. જ્યારે મા જગદંબાને આપણે પોકારીએ ત્યારે આવા વિચારો એક બાજુએ મૂકી દેવા જોઈએ. એટલે જ આ જનોઈ ત્યજી દીધી અને હું ધ્યાન પૂરું કરી લીધા પછી વળી પાછી એ જનોઈ ધારણ કરીશ.’ હૃદયરામ તો આ સાંભળીને થઈ ગયા મૂંગામંતર. તેઓ ચૂપચાપ એ સ્થળ છોડીને ચાલ્યા ગયા. (લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ, અદ્વૈત આશ્રમ, પૃ. ૬૮)

(ક્રમશ:)

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.