શ્રીમા સારદાદેવીના મંત્રદીક્ષિત તેમજ સ્વામી બ્રહ્માનંદજી પાસેથી સંન્યાસ દીક્ષા પ્રાપ્ત કરેલ, રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી જપાનંદજીએ મૂળ બંગાળીમાં લખેલ સ્મૃતિકથાના આધારે ‘વિવેક જ્યોતિ’ નવેમ્બર ૨૦૦૭માં પ્રસિદ્ધ થયેલ હિંદી લેખ ‘આત્મારામ કી આત્મકથા’, ભાગ : ૪૩-૪૪ના અંશોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

આબૂમાં જ જામનગરની આતંકનિગ્રહ કંપનીના મેનેજિંગ પ્રોપરાઈટર શંકરલાલ મણિશંકર સાથે પરિચય થયો. એમના આમંત્રણથી હું કાઠિયાવાડ, રાજકોટ, જામનગર ગયો. પૂજ્ય ગંગાધર મહારાજ – સ્વામી અખંડાનંદજી થોડા દિવસ સુધી એમના પિતા મણિશંકર ગોવિંદજીને ત્યાં પણ રહ્યા હતા. તેઓ ઝંડુભટ્ટના પ્રતિસ્પર્ધી હતા.

રાજકોટ આશ્રમના શ્રીગણેશ

મોરબીના મહારાજાના જૂના મહેલમાં નવો આશ્રમ સ્થપાયો છે. કેવો વૈભવ હશે! હે ભગવાન! રાજકોટ જઈને જોયું તો એક ર્જીણશીર્ણ ભવન છે અને એના બીજા માળે આશ્રમ શરૂ થયો છે. આ મોરબીનો ઉતારો એટલે કે મોરબીના રાજાનું જૂનું નિવાસ સ્થાન હતું. સ્વામી વિવિદિશાનંદની તબિયત સારી ન હોવાથી માયાવતી ગયા હતા. ફણી મહારાજ અને વીરેશ ચૈતન્ય હાજર હતા. અવસ્થા વિચારવા યોગ્ય હતી – પૈસાની ખેંચને લીધે બાફેલા કાચા ટમેટા અને થોડા દાળભાત, બસ આટલું ખાઈને જ જેમ તેમ કરીને ગુજરાત ચાલતું. મેં પત્ર લખીને પૂછ્યું હતું: ‘રાજકોટમાં માધુકરી વગેરેની સુવિધા છે કે નહિ?’ જવાબ મળ્યો : ‘અહીં એવી કોઈ સુવિધા છે નહિ.’ શંકરભાઈનો મહેમાન હોવા છતાં પણ હું આશ્રમમાં રોકાયો અને આશ્વાસન આપતાં કહ્યું : ‘માધુકરીનો પ્રબંધ કરીને જ આવ્યો છું.’… ત્યાર પછી શંકરભાઈના પૂછવાથી એમણે પોતાના ભોજનની દશાની વાત કહી. આ સાંભળીને શંકરભાઈએ તત્કાળ સારા ચોખા, દાળ, ઘી વગેરે મોકલી દીધાં.

રાજકોટમાં ૧૫-૨૦ દિવસ રહીને હું જામનગર ગયો. ત્યાં મારો પરિચય શ્રી જુનારકર સાથે થયો. તેઓ પહેલેથી જ આશ્રમના સંપર્કમાં આવી ચૂક્યા હતા. ત્યાંની આવી હાલતની વાત સાંભળીને અને મારી વિનંતીથી એક વર્ષ માટે ઘઉં અને થોડા રૂપિયા એકઠા કરીને મોકલી દીધા. પેટમાં અન્ન હોય તો જ બીજી વાતો થાય. જો બધી શક્તિ ભોજન મેળવવામાં જ પૂરી થઈ જાય તો કામ કેવી રીતે કરીશું?..

જામનગરમાં દિવસો આનંદથી વીતતા હતા. એક મજાની ઘટના પણ થઈ હતી – હાથીભાઈ શાસ્ત્રીને મળવાનું થયું. શ્રી જુનારકરે બે વાર પત્ર લખીને સુચવ્યું હતું કે રાજપંડિત, પ્રખર વિદ્વાન, શ્રીમાન્‌ હાથીભાઈ શાસ્ત્રી આપને મળવા આવશે, આપ હાજર રહેજો. બે દિવસ બેઠા બેઠા રાહ જોયા પછી નિરાશ થઈને હું બહાર ફરવા ગયો. પછી એક દિવસ રામનામ-સંકીર્તનનું આયોજન થયું હતું. પોલિટિકલ દીવાન જુનારકર, રેવેન્યૂ દીવાન ગોકુલભાઈ પટેલ વગેરે ઉપસ્થિત હતા. બધું પૂરું થયા પછી જોયું તો મારાથી પણ નીચા, દુબળા-પાતળા એક ભાઈ ચાર-પાંચ લોકોની આગળ આગળ ચાલ્યા આવતા હતા. જૂનારકરે કહ્યું: ‘હાથીભાઈ શાસ્ત્રી આવે છે.’ પછી પરસ્પર પરિચય કરાવ્યો અને મને કહ્યું: ‘બે દિવસથી આમણે આપના આગમન વિશે સૂચના મોકલી હતી, પરંતુ રાહ જોતાં જોતાં છેવટે નિરાશ થઈને મેં મનમાં વિચાર્યું કે પોતાનું વિશાળ સાથે રાખીને ચાલવું અને અહીં આવવું એ થોડું કષ્ટદાયી હશે એટલે કદાચ આવી નહિ શક્યા હોય! પણ જોયું તો આપ તો મારાથીયે દુબળા-પાતળા છો, એટલે આ હાથી નામ ધારણ કરવાનું કંઈક મહત્ત્વ હશે ખરું!’ બધા લોકો આ સાંભળીને હસી પડ્યા અને એમણે પણ ‘હો-હો’ કરીને પોતાનો સાથ પૂર્યો. તેઓ કાઠિયાવાડના એક અનન્ય નૈયાયિક પંડિત હતા.

જામનગરથી વળી રાજકોટ પાછો ફર્યો. માધુકરીથી જ રહેતો હતો. એક દિવસ બપોરે ભિક્ષા ગ્રહણ કરીને આશ્રમમાં પાછો ફર્યો. જોયું તો એક પરિચિત મરાઠી યુવક કેટલાંક કીમતી પુસ્તકો લઈને થિયોસોફિકલ સોસાયટી તરફ જતો હતો. મેં પૂછ્યું: ‘આ પુસ્તકો લઈને ક્યાં જાય છે?’ એ યુવકે બતાવ્યું કે તેઓ થિયોસોફિકલ સોસાયટીને દેવા જાય છે અને ઉમેર્યું: ‘મારા પિતાનું અવસાન થયું છે એટલે વિચાર્યું કે આ પુસ્તકો આપી દઈશું. અમે તો અભણ હતા એમાં કંઈ સમજણ પડે તેમ ન હતું. પુસ્તકો પડ્યાં પડ્યાં સડી જશે.’ એ સાંભળીને મેં કહ્યું: ‘અમને જ આપી દેને! આ આશ્રમમાં એક પુસ્તકાલય બનશે.’ યુવાને કહ્યું: ‘સારું, તો ચાલો જે પુસ્તકો લેવા હોય એ તમે જ પોતે જ જોઈને લઈ લો.’ પાછા ફરતી વખતે તે મને આશ્રમમાંથી બોલાવીને લેતો જશે, આટલું કહીને એ યુવાન ચાલ્યો ગયો.

ફણિ મહારાજ ત્યારે આશ્રમના કાર્યકારી અધ્યક્ષ હતા. મેં કહ્યું: ‘થોડાં પુસ્તકો મળે છે તો પુસ્તકાલય માટે લઈ આવું? પુસ્તકો રાખવાની વ્યવસ્થા કરવી પડે.’ એમણે કહ્યું કે કેવળ ધ્યાનજપ સાથે રહીશું, એ શરત પર તેઓ ત્યાં છે; એટલે તેઓ આ બધી જવાબદારી ઉપાડી શકે તેમ નથી. પરંતુ મારા માટે પણ આટલાં સારાં સારાં પુસ્તકોનો મોહ છોડવો કઠિન હતો. વીરેશ ચૈતન્યે મને સાથ આપ્યો. એમને સાથે લઈને એ દિવસે તથા બીજા દિવસે બપોર પછી ત્રણ વાગ્યા સુધી પસંદગીના શાસ્ત્રીય, ઐતિહાસિક અને સાહિત્યિક વિષયોનાં હિંદી, મરાઠી, ગુજરાતી તથા અંગ્રેજી ભાષાના લગભગ ૩૦૦૦ ગ્રંથો લઈ આવ્યા. એક ઓરડામાં કાગળ રાખીને એમને જમીન પર જ ગોઠવી દીધા. એની વિષયસૂચિ બનાવીને પુસ્તકોનું દાન આપનારને પણ એક નકલ મોકલી દીધી. પુસ્તકોના દાતાની ઇચ્છા એવી હતી કે આ પુસ્તકો રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓની સંપત્તિ બને. આ શરતે એમણે પુસ્તકો દાનમાં આપ્યાં હતાં. કારણવશાત્‌ આ આશ્રમ બંધ થાય તો સંન્યાસીઓના ઉપયોગ માટે આ પુસ્તકોને કોઈ બીજા આશ્રમમાં પણ તેઓ લઈ શકે છે. ફણિ મહારાજને આ વાત ક્યાંક લખી રાખવા કહ્યું. દાતાને તો મેં એ જ સમયે બધું લખી આપ્યું… પુસ્તકો જોઈને ફણિ મહારાજ રાજી ન થયા. એમને એમ કે કામ વધશે. એ વખતે એમના મનની અવસ્થા એવી જ હતી. ઘણી મહેનત કરીને વીરેશ ચૈતન્યની મદદથી મેં એ પુસ્તકોની એક સૂચિ બનાવી અને રજિસ્ટરમાં એ પુસ્તકો ચડાવીને ક્રમાંક પણ આપી દીધા. બધું જોયું પણ ફણિ મહારાજે કોઈ મદદ ન કરી. પણ જ્યારે મિત્રોની મદદથી બે કબાટ મળ્યા ત્યારે બધા પ્રશંસા કરવા લાગ્યા. અને એમના મનમાં રુચિ પણ ઉત્પન્ન થવા લાગી. ધીમે ધીમે બીજા કેટલાક કબાટ મળ્યા. કેટલાક કબાટ મારા મિત્રો દ્વારા અને પ્રોફેસર જયંતીલાલ દ્વારા પણ એક કબાટ વીરેશ ચૈતન્ય લઈને આવ્યા. બધાં પુસ્તકો કબાટમાં રહેવાથી પુસ્તકાલયની શોભા વધી ગઈ. પહેલા કેવળ એક જ કબાટમાં માત્ર શ્રીરામકૃષ્ણ અને સ્વામીજીનાં પુસ્તકો તથા બે-ચાર ઉપનિષદો રહેતાં.

રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી વિવિદિશાનંદજીએ વચન આપ્યું હતું કે તેઓ અમદાવાદ જઈને ત્યાંના ઉત્સવમાં વ્યાખ્યાન આપશે. પરંતુ એ સમયે તેઓ પોતાની માંદગીને લીધે તબિયત સુધારવા હવા ફેર કરવા માટે માયાવતી ગયા હતા. અને ત્યાંથી સંભવત: પોતાની અમેરિકામાં જવાની વ્યવસ્થા કરતા હતા. ફણિ મહારાજ મને જવા માટે વિનંતી કરવા લાગ્યા. હું ગયો. ઉત્સવ પ્રેમાબાઈ હોલમાં થયો હતો. મારા જીવનમાં પહેલીવાર હિંદીમાં ભાષણ આપ્યું. ઘણા લોકો આવ્યા હતા. ગુજરાતી લોકોએ પ્રશંસા કરી. બીજે દિવસે સવારે છાપામાં જોયું – રાજકોટના અધ્યક્ષ સ્વામી વિવિદિશાનંદજીએ અદ્‌ભુત મર્મસ્પર્શી વ્યાખ્યાન આપ્યું હતું. આ વાંચીને હું તો ખૂબ હસી પડ્યો. વળી ખબરપત્રીઓ પોતે આવ્યા અને પોતાની ભૂલ સુધારવાની ઇચ્છા પણ વ્યક્ત કરી. મેં એમ કરવા ના પાડી. હું જ રાજકોટનો છાપેલો જૂનો રિપોર્ટ લઈ ગયો હતો અને એમાં પહેલેથી જ સ્વામી વિવિદિશાનંદજી આવશે એને કારણે આ બધા ખબરપત્રીઓથી ભૂલ થઈ ગઈ. પછી મેં ફણિ મહારાજને માયાવતી લખવા માટે કહ્યું: ‘બાબાજી, યોગબળથી આવીને અમદાવાદમાં વ્યાખ્યાન આપી ગયા છે. ખોટું બોલવાનો કોઈ અર્થ જ ન હતો. છાપું જ એનું સાક્ષી છે.’ ત્યારે હું પહેલીવાર અમદાવાદ ગયો હતો.

બિલખામાં શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ

એ દરમિયાન બિલખા રાજ્યના દીવાન ત્રિભુવનભાઈ સાથે પરિચય થયો. એમની સાથે બિલખા જઈને રાજ્યના ખર્ચે ધર્માદાનું એક આયુર્વેદિક દવાખાનું સ્થપાયું, એવી એમણે ઘણી વિનંતી કરી. બધો ખર્ચ રાજ્ય ઉપાડશે અને વર્ષમાં ૧૦૦૦ કે એનાથી વધારે રૂપિયા ખર્ચ થશે તો પણ આપશે. એક સ્થાનિક વૈદ્ય રહેશે અને મારી સૂચના પ્રમાણે કામકાજ કરે. મારે તો કેવળ સલાહ-સૂચન આપવાનું રહેશે અને બીજી કોઈ જવાબદારી નહિ. આ ઉપરાંત મારે બિલખા રાજ્યમાં એક શાળા સ્થાપવામાં પણ સહાય કરવી પડશે. એને માટે મકાન તથા કર્મચારીઓ રાજ્ય તરફથી મળી રહેશે. આ કાર્ય એક પ્રયોગ રૂપે થશે, પૂરેપૂરી જવાબદારી રાજ્યની રહેશે અને જો રાજ્ય નિયમિત રૂપે ખર્ચ નહિ આપે તો કામકાજ બંધ થઈ જશે, એ શરત પર હું રાજી થયો.

પૂજ્ય સુધીર મહારાજ (સ્વામી શુદ્ધાનંદજી)ને આ વિશે સૂચના મોકલી દીધી. એનું કારણ એ હતું કે લોકોની કદાચ એવી ધારણા થાય કે આ મિશનની જ એક શાખા છે. આમ તો ત્રિભુવનભાઈના આગ્રહથી એનું નામ ‘શ્રીરામકૃષ્ણ સેવાશ્રમ’ રાખવામાં આવ્યું. શુભ મુહૂર્ત જોઈને આશ્રમનો પ્રારંભ થયો. આશ્રમ શરૂ થતાં પહેલાં સ્વામી વિશ્વાનંદ મારી સાથે આવ્યા હતા. ફણિ મહારાજ પણ હતા. દરબાર રાવતવાળાને ત્યારે નવી નવી ગાદી મળી હતી. ખૂબ ધામધૂમ સાથે કાર્ય શરૂ થયું. ઘણા લોકો દવા લેવા આવતા. ગુજરાતી ભાષામાં તંદુરસ્તી વિશે બે ચાર્ટ છપાવીને લોકોમાં વહેંચ્યા. ક્ષય રોગના રોગીઓ માટે કેટલીક સૂચનાઓ પણ વહેંચી. હરિજન માટેની આઠ સ્કૂલોનો પણ પ્રારંભ થયો. કુલ ૨૪ ગામ હતાં. એમાંથી આઠ સ્કૂલ સારી ગણાય. ગામડામાં તેમજ મોટા ગામમાં સ્વાસ્થ્ય જાળવવા માટે સફાઈ અને દીવાબત્તીની વ્યવસ્થા કરવામાં આવી. એક ઝાડુવાળો બધા રસ્તાને સાફ કરીને ધૂળકચરો એક ખાતરના ખાડામાં ફેંકી આવતો. ઝાડુવાળાને કામને બદલે જમીન આપવામાં આવી. ખાતરને વેંચીને પણ પૈસા મળે. એમાંથી મુખ્ય રસ્તાના મુખ્ય મુખ્ય સ્થળે એમાંયે વિશેષ કરીને અંધારિયામાં દીવાબત્તીની વ્યવસ્થા થતી. એમાંથી જો પૈસા બચે તો રસ્તા કે ઘાટની મરામત વગેરે થતાં.

ત્રિભુવનભાઈ દ્વારા એક બીજું પણ કામ કરાયું. આ કાર્ય સર્વત્ર અનુકરણીય છે. કાર્ય આવું હતું, જે ખેડૂત વૃદ્ધાવસ્થા કે અપંગતાને લીધે કાર્ય ન કરી શકે અને જે ખેડૂતની પત્નીઓ વિધવા કે પુત્રહીન હોય અને વૃદ્ધ થઈ ગઈ હોય તો એમના ખેતરમાં જે કંઈ ઉપજ થાય તે એવા લોકોને મળતી રહે એ શર્ત સાથે રાજ્ય પોતે એમની ખેતીની વ્યવસ્થા કરે. જો અનાજ વર્ષભરનું પૂરતું ન પાકે તો બાકીનું અનાજ રાજ્ય આપે, એવી પણ શરત હતી. આ વ્યવસ્થા એટલા માટે થઈ હતી કે કોઈને અન્નના અભાવે ભીખ ન માગવી પડે અને કોઈની લાચારીભરી અધિનતા સ્વીકારવી ન પડે. આ એક ઘણું અગત્યનું કાર્ય થયું.

હરિજન કુટુંબના છોકરાઓ મેલાં કપડાં પહેરીને શાળાએ આવતા એટલે રાજ્ય તરફથી એમને વર્ષમાં બે જોડી કપડાં – બે લેંઘા, બે ટોપી અને બે ઝભ્ભા -ની વ્યવસ્થા કરાવી હતી. આ કપડાં ધોઈને સાફ કરવા માટે અઠવાડિયામાં એક વાર સોડા-સાબૂ કે અરીઠાં પણ અપાતાં.

૧૯૩૦ થી ૧૯૩૭ સુધી આ કામ થયું. ૧૯૩૭માં ત્રિભુવનભાઈનું અવસાન થયું. એ વખતે હું બેલૂર મઠ ગયો હતો. શ્રીરામકૃષ્ણ જન્મ શતાબ્દિના ઉપલક્ષ્યમાં ૧૯૩૬ના અંતે હું બેલૂર મઠ ગયો. ત્યાર પછી હું ક્યારેય બિલખા ગયો ન હતો. એમના દેહાવસાન પછી એમનો મોટો દીકરો દીવાન થયો. કરજ એટલું બધું વધી ગયું કે રાજ્યને વેંચી નાખવાની ઘડી આવી ગઈ છે. રાજકુળના છોકરાઓ યુરોપમાં હરીફરીને મોજમજા કરીને આટલું મોટું કરજ ચડાવી દીધું હતું. આમેય આ બધું રાજાના સહકારથી થયું હતું. ૨૦ લાખનું દેવું હતું અને આવક હતી ૪-૫ લાખની!.. જેમ બધે બને છે એવું અહીંયે થયું.

આ બધી માહિતી મળતાં મેં સેવાશ્રમ બંધ કરવા લખી નાખ્યું. આ બાજુએ લોકો બંધ કરવા ઇચ્છતા ન હતા. એમાં કંઈક ભાવ-લાગણીની વાત પણ હતી. જો કે જનરલ સેક્રેટરી પૂજ્ય સુધીર મહારાજ (સ્વામી શુદ્ધાનંદજી) કાઠિયાવાડમાં પરિભ્રમણ કરવા માટે આવીને આ સ્થળે સાત-આઠ દિવસ રહ્યા હતા અને એમને આ જગ્યા પસંદ પણ હતી. આમ હોવા છતાં પણ હું ક્યાંક આવા એક નાના એવા સ્થળે બંધાઈને ન રહી જઉં એટલે મઠના સંવાહકો વારંવાર આ કામમાંથી મુક્ત થવાનું જણાવતા હતા. આ વાત જ્યારે મેં ત્રિભુવનભાઈને જણાવી ત્યારે એમણે મારા બંને હાથ પકડીને કહ્યું: ‘સ્વામીજી જેટલા દિવસ હું છું, એટલા દિવસ અહીં રહો. પછી આપની ઇચ્છા.’ ફરી પાછો જ્યારે એમની પાસેથી વિદાય લેવા ગયો અને એમને જણાવ્યું કે શ્રીરામકૃષ્ણ શતાબ્દિ મહોત્સવમાં ભાગ લેવા માટે બેલૂર મઠમાંથી આમંત્રણ આવ્યું છે અને જનરલ સેક્રેટરી મહારાજે આવવા માટે તેડુ મોકલ્યું છે. એમણે સજલનયને વિદાય આપતાં કહ્યું: ‘એવું લાગે છે કે હવે પાછા મળીશું નહિ!’ અને ખરેખર એવું જ થયું. ૧૯૩૭માં એમનું દેહાવસાન થયું.

માંગરોળના દરિયા કિનારે

બિલખા નિવાસ દરમિયાન શ્રી ત્રિભુવનભાઈ સાથે કે આગળ પાછળ ત્રણવાર મુંબઈ-અમદાવાદ ગયો હતો. વર્ષમાં બે-ત્રણ મહિના રાજકોટ આશ્રમમાં રહેતો. આશ્રમનાં કાર્યોમાં યથાશક્ય સહાય કરતો. ઉનાળામાં આબૂ જતો, ૧૯૨૯ તથા ૧૯૩૦માં બે વર્ષ આબૂ ગયો ન હતો. ૧૯૨૯ના ઉનાળામાં નિમંત્રણ મળતાં જૂનાગઢની પાસે સમુદ્ર કિનારે આવેલ માંગરોળ ગયો. બિલખા જતાં પહેલાં જ ત્યાં ગયો હતો. ત્યાંથી પાછા ફરીને ૧૯૩૦માં હું બિલખા ગયો.

માંગરોળ એક સુંદર સ્થાન છે. શેખસાહેબ અહીંના દરબાર છે. તેઓ ઈરાનના કોઈ વિશેષ પીરના સંતાન છે અને જૂનાગઢમાં આવેલ પોતાનું રાજ્ય ભોગવે છે. એમને મહેસુલ-જકાત દ્વારા ૭-૮ લાખ અને બીજા ૭-૮ લાખ બંદરની આવક હતી. માંગરોળના નિવૃત્ત રેવન્યુ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી જયપ્રકાશ વસાવડા અને દીવાન શ્રી કાંતિલાલ વસાવડા ઉનાળામાં ગરમીના દિવસો વિતાવવા મને નિમંત્રણ આપીને લઈ ગયા હતા. આ વખતે મને અહીં ઘણો આનંદ થયો. સાથે ને સાથે એ પણ બોધ મળ્યો કે નાનાં નાનાં રાજ્યોમાં રહેવું સુરક્ષિત નથી. તેમજ જેટલા દિવસ ભારતમાં આવાં રાજ્યો રહેશે ત્યાં સુધી સામુહિક ઉન્નતિ થઈ શકવાની નથી.

સૌ પહેલાં જેમના મકાનમાં રહેવાની વ્યવસ્થા થઈ હતી તેઓ વાણિયા હતા અને ત્યાંના એક સુપ્રસિદ્ધ સાધુના શિષ્ય હતા. આ મકાનમાં એમણે બેવાર રુદ્ર યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. એકવાર એમણે મહારુદ્ર કરીને ૧ લાખ શિવલિંગોનો એક નાનો પર્વતાકાર સ્તૂપ બનાવ્યો હતો. તેઓ શ્રદ્ધાળુ સજ્જન હતા. પોતાના બગીચામાં પોતાના ગુરુ માટે અલગથી સુંદરમજાની પાકી કુટીર બાંધી હતી. ગુરુજી વર્ષમાં એક વાર અહીં આવતા. આ કુટીરમાં મને રહેવા દીધો પરંતુ બે દિવસ પસાર થયા અને ખ્યાલ આવ્યો કે એમની આર્થિક સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ હતી. રાજ્ય પાસેથી એમણે રૂપિયા ૭ હજાર કર્જે લીધા હતા અને ચૂકવી ન શક્યા. એક મહિનામાં મૂળ રકમ અને વ્યાજ જમા ન કરાવતા એમનું બધું લીલામ થઈ જશે એવી નોટિસ આવી. મૂળ અને વ્યાજની રકમ મળીને ૧૪ હજારનું લેણું થઈ ગયું. એમનાં બગીચા તથા મકાનની કુલ કિંમત ૫૦ હજાર હશે. તેઓ વૈષ્ણવ હતા, અને શૈવધર્મ સ્વીકાર કરવાને લીધે કુટુંબીઓ સાથે એમનો સંબંધ તૂટી ગયો હતો. આ સાંભળીને મને ઘણી ચિંતા થઈ. આવી મુસીબતમાં ફસાયેલ વ્યક્તિના મકાનમાં રહેવું યોગ્ય ન ગણાય. એટલે હું એક ધર્મશાળામાં ચાલ્યો ગયો. ત્યાં જઈને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે દરબારને એ મકાન લઈ લેવાની ઇચ્છા છે. એટલે જ કાયદાકીય સલાહ અનુસાર લીલામી કરવાનું નામ દીધું હતું. આ વાત બધા લોકો જાણતા હતા એટલે તેઓ લીલામ વખતે બોલી બોલવા જવાના ન હતા. એને બચાવવાનો એક જ ઉપાય હતો અને તે હતો જો રોકડા રૂપિયા આપી દેવાય તો. આ મકાનમાં એટલી બધી દેવપૂજા થઈ છે, એટલા યજ્ઞ થયા છે, શિવપ્રતિષ્ઠિત છે અને એને મુસલમાન દરબાર લઈ લેશે. આમ તો તેઓ સારા માણસ હતા અને એમ કહ્યું હતું કે એ સ્થાનને વાડીવંડો કરીને અલગ કરી દેશે. ઠીક ઠીક પ્રમાણમાં પ્રયત્નો કર્યા પણ આટલા રૂપિયા આપવા કોઈ રાજી ન થયું. અંતે ક્યારેક ક્યારેક મારી પાસે આવનાર એક લાખોપતિ વેપારી એ મકાન જ્યાં સુધી તેઓ વ્યાજ સાથે મૂળ ધન પાછું ન વાળી દે ત્યાં સુધી તેના જ કબજામાં રહે એવી શરતે પૈસા આપવા તૈયાર થયા. અલબત્ત, એ સમય દરમિયાન પૂજા વગેરે કરવાનો અધિકાર એમને રહેશે. આ બાબતમાં મારે અને જયશંકરભાઈએ સાક્ષી રહેવું પડ્યું. દીવાનના ભરોસે હું પણ તૈયાર થયો.

લીલામી થવાના ત્રણ ચાર દિવસ પહેલાં એક દિવસ તેઓ અને એ મકાનના માલિક ચૌદ હજાર રૂપિયા રોકડા અને થોડુંઘણું બીજું સાથે લઈને દરબારને મળવા ગયા. એમણે બધું રોકડું આપી દેશે એવો પ્રસ્તાવ કર્યો. પરંતુ એ વાત સિવાય બીજું જે કંઈ કહેવું હોય તે કહો એમ કહીને દરબારે રોકડું પરખાવ્યું. અંતે સાત હજારના બદલામાં એ મકાન એમણે પચાવી પાડ્યું.

આ બાજુએ પેલા સજ્જનને કોઈ આશરો દેવા તૈયાર ન હતું. ભયને લીધે ધર્મશાળાવાળાએ પણ ના કહી દીધી. એટલે બે ત્રણ સંતાનો તથા પત્ની સાથે એણે રસ્તા પર આવી જવું પડ્યું. દરબારે દયા કરીને શરીર ઉપર પહેરેલાં કપડાં અને દરેકને એક એક થાળી, વાટકો અને લોટો; રસોઈ કરવાની કડછી, કડાઈ, લોઢી; પાથરવા માટે બે ધાબળા અને એક શેતરંજી લઈ જવા દીધી. એનું કારણ એ હતું કે મકાન માલ સામાન સહિત પૂરેપૂરું લીલામ થયું હતું.

કોઈ આ સદ્‌ગૃહસ્થને આશ્રય નહોતું આપતું એ જોઈને મેં દીવાનજીને કહ્યું: ‘આ ઘણો અયોગ્ય આદેશ છે. તમે તમારા પોતાના બગીચાવાળા મકાનમાં એને થોડીક જગ્યા આપો અને ભોજન વગેરેની વ્યવસ્થા કરો. ડરો નહિ. આવા માણસની નોકરી ન કરવી એ જ સારું છે.’ આ વણિક સંપર્કસંબંધમાં દીવાનનો ગુરુભાઈ હતો એટલે જરા ભારપૂર્વક કહી શક્યો. એમણે સાહસ કરીને એ વણિકભાઈને જગ્યા પણ આપી અને જેટલા દિવસ રહ્યા ત્યાં સુધી ખાવાનું પણ આપ્યું. એ સમય દરમિયાન કોઈ હિતેચ્છુએ વર્તમાનપત્રમાં આ વાત લખી અને અહીં તો હિતને બદલે અહિત થયું. દીવાનજી તો આ વાંચતાં જ પોતાની ઓફિસમાંથી દોડીને મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા : ‘સ્વામીજી, સર્વનાશ! હવે જોજો એને તો જેલમાં મોકલશે પણ ભેગો હુંયે જવાનો. આવી દશામાં શું કરવું યોગ્ય ગણાય?’

પેલા વણિકભાઈને બોલાવીને બધી વાત સમજાવી અને તત્કાલ ત્યાંથી રવાના થઈ જવાની સલાહ આપી. પડોશી રાજ્યની સીમામાં ચારમાઈલ દૂર જવાથી બીજા રાજ્યની સીમા આવે છે, તેઓ આર્થિક સહાયતા લઈને ચાલ્યા ગયા. એના પછી એનું શું થયું એ ભગવાન જાણે! અહીં એક વાત દુ:ખ સાથે લખવી પડે છે; આ વિપત્તિમાં મદદ માગવા માટે એ વણિકભાઈને મેં એમના ગુરુ પાસે મોકલ્યા. તેઓ નજીકમાં જ હતા અને પોરબંદરમાં હતા. તેઓ દોઢલાખ રૂપિયા રોકડ અને ત્રણ-ચાર લાખ રૂપિયાની સંપત્તિના માલિક હતા. જો ઇચ્છા કરે તો આ વિપત્તિથી પોતાના શિષ્યને બચાવી શકત ખરા. શરત એવી હતી કે જ્યાં સુધી તે કરજ પાછું ન વાળે મકાન એમના જ અધિકારમાં રહે અનિચ્છાએ એ સજ્જન ત્યાં ગયા.

ગુરુજીને વિપત્તિની બધી વાતની ખબર હતી. સૌ પહેલાં તો એમણે મળવાનો જ ઇન્કાર કરી દીધો. ત્યાર પછી અહીં કેમ આવ્યા છો? એમ પુછાવી લીધા પછી કહેવડાવ્યું કે આ સંભવ નથી. દરબારને પત્ર લખીને છ મહિનાની મહેતલ આપે એટલું જ તે કરી શકે છે એમ કહેવડાવ્યું. વળી એ પત્ર પણ એમને હાથમાં નહીં આપે. યોગ્ય સમયે લખીને ટપાલથી મોકલશે. દરબારે એમના પર એકવાર શ્રદ્ધા રાખી હતી એ ભરોસે તે આ પત્ર લખવા તૈયાર હતા. શિષ્યે દર્શન માટે ઘણી વિનંતી કરી એટલે ગુરુજી એમની સાથે તેઓ વાતચીત નહીં કરે અને શિષ્ય કેવળ પ્રણામ કરીને ચાલ્યા જશે એ શરતે રાજી થયા. એમણે પણ એવું જ કર્યું અને પછી આવીને સજળ આંખે મને બધી વાત કરી. આ સાંભળીને મને ગુજરાતના અખા ભગતની વાત યાદ આવી. એમની સાથે પણ એમના ગુરુ વૈષ્ણવ ગોકુળનાથે આવું જ આચરણ કર્યું હતું. એટલે અખાએ પોતાના છપ્પામાં લખ્યું છે: ‘ગુરુ કિધા મેં ગોકુળનાથ, નુગરા મનને ઘાલી નાથ.’ આ બધા ધનહરણ કરે છે, પણ શંકાસંદેહ દૂર કરવા સમર્થ નથી. આવા ગુરુ શું કલ્યાણ કરી શકવાના?

માંગરોળથી રાજકોટ પાછા ફરતી વખતે રસ્તામાં મેં જૂનાગઢના ગિરનારનાં દર્શન કર્યા. વળી થોડા દિવસો માટે હું ફરી જામનગર ગયો. ત્યાંથી શિયાળા સુધી રાજકોટમાં જ રહ્યો. નદીમાં બરફ જામી ગયો હતો. ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. પરંતુ ઈશ્વરની ઇચ્છાથી જ આ ઠંડીના આરંભકાળમાં જ કાઠિયાવાડનું ભ્રમણ કરવા નીકળી પડ્યો. એક દિવસ સવારે ભોજન કરીને ખંભે ઝોળી અને ધાબળો લઈને રવાના થયો. આ ઝોળી મહાત્મા ગાંધીના એક ભક્ત અનુરાગી દંપતીએ પોતે જ હાથે કાંતીને, વણીને અને સિલાઈ કરીને દીધી હતી. એકદમ હાથ વણાંટની ઘરની ખાદી, પવિત્ર વસ્તુ! ગાડીમાં એક સ્ટેશન સુધી ગયા, સાથે ફણી મહારાજ હતા અને ઝોળી ખભા પર હતી.

ગોંડલના રસ્તે રીબડા જવાનું હતું. રસ્તો ભૂલી ગયા હતા અને બંનેને ઘણી મુશ્કેલી પડી. ત્યાર પછી અમે બંને ગંતવ્ય સ્થાન એટલે કે વૈરાગીઓના એક અખાડામાં પહોંચ્યા. અહીંથી પહેલાં એક બે વાર આશ્રમ દર્શન માટે નિમંત્રણ મળ્યું હતું. અને આજે યોગાનુયોગે બંનેનું કામ થયું. સવારે ઊઠીને ફણી મહારાજ રાજકોટ પાછા ફર્યા અને હું ત્યાં રહ્યો.

ભોજન પછી સાંજના ૩ માઈલ દૂર આવેલ દરબારના રાજમહેલમાં ગયો અને એમનું આતિથ્ય સ્વીકાર્યું. દરબારના કામદારે કહ્યું: ‘દરબાર, આપને પછીના દિવસે બપોર પછી અઢી-ત્રણ વાગ્યે મળશે, કારણ કે તેઓ લગભગ આખી રાત સુધી ભજન આદિ કરતાં હતાં એટલે એમને ઊઠવામાં મોડું થાય તેમ છે.’ મનમાં વિચાર્યું કે કેટલા મોટા ભક્ત હશે! પછીના દિવસે એમની સાથે મુલાકાત થઈ અને જોયું તો તેઓ એક નિશાચરની પ્રતિમૂર્તિ હતા. પછીથી જાણવા મળ્યું કે આખી રાત દારૂ અને કોઈ બાઈજી સાથે વીતાવીને સવારે સૂતા હતા એટલે જ ઊઠવામાં એટલીવાર લાગી. મારી સાથે સારું વર્તન કર્યું અને પૂછ્યું : ‘હું આપની શી સેવા કરી શકુ?’ મેં કહ્યું: ‘જો ઇચ્છા થાય તો રાજકોટના આશ્રમ માટે થોડું ઘણું કરજો.’ આને લીધે થોડાં વર્ષો સુધી એમણે દર વર્ષે પાંચ રૂપિયા મોકલ્યા. થોડા વધારે પણ દઈશું એમ પણ કહ્યું હતું, પરંતુ એ રકમ લેવા માટે કોઈ ન ગયું એ કારણે મળ્યા નહિ. દરબારની વાર્ષિક આવક લાખ-સવાલાખની હશે.

ગોંડલ રાજાનું આતિથ્ય

પછીના દિવસે સાંજે દરબારની વ્યવસ્થાથી ગોંડલ ગયો. આ શહેરનો બાહ્ય વિસ્તાર ઘણો સુંદર હતો. સડક તથા મકાન બધાં મહારાજાએ વિલાયતી ઢબે બનાવ્યાં હતાં. આમ છતાં પણ જૂનું શહેર સ્વચ્છ, સુંદર થઈ ન શક્યું. તેઓ પ્રયાસ કરી રહ્યા છે.

ગોંડલના મહારાજા એક અદ્‌ભુત વ્યક્તિ છે. એમની મહેસુલી આવક ૪૦ લાખ રૂપિયા છે. આ ઉપરાંત રેલવે છે, મુંબઈના શેર છે. બીબીસીઆઈ રેલવેના પણ શેર છે. એમની આવક ઓછામાં ઓછી ૧ કરોડ કે તેનાથી થોડી વધારે હશે. તેઓ સ્વતંત્ર મિજાજના વ્યક્તિ છે. રાજા હોવા છતાં પણ કોઈ મોટા સાહેબોને ચા પણ ન પાતા. રાજ્યમાં આમંત્રણ આપીને એમને બોલાવતા પણ નહીં. એટલું જ નહિ પણ આવા બાબુ સાહેબો આવીને હાજર થઈ જાય એ ભયે પોતાના પાટનગર ગોંડલમાં એકેય આધુનિક અતિથિગૃહ પણ નહોતું બનાવ્યું. સ્વદેશી સન્માનનીય વ્યક્તિઓને ઉતરવા માટે એમની એક સાધારણ જેવી ધર્મશાળા છે. એમના કાયદા-કાનૂન ઘણા કડક છે. કોઈ મહેમાન આવે તો એમની બધી આવશ્યકતાઓ પહેલેથી જ પૂછી લેવાતી. દા.ત. સવારે સાંજે કેટલા કપ ચા જોશે? વગેરે. અતિથિ જે કંઈ કહે એ જો વધારે પડતી આવશ્યકતા લાગે તો મેનેજર એની તત્કાલ ના પાડી દે. એમને ફરીથી આદેશ મેળવવો પડે. પણ ફોનની સુવિધા હતી, એટલે આ બધું શક્ય થતું.

રાજકુમારોને માસિક ખર્ચ બાંધી આપ્યો છે – દોઢ હજારથી વધારે કોઈનોય ખર્ચ નહીં. અને એ રકમનો આવશ્યકતા પ્રમાણે જ ખર્ચ કરી શકાતો. અને જો વધારે જરૂરત પડે તો એ મેળવવી એમને માટે અત્યંત કઠિન બની જતી. એમને ઉધાર દેવાવાળાએ પણ દંડ દેવો પડે એવો હુકમ હતો. એટલે એક રાજકુમાર શાકભાજીની ખેતી કરી અને ઉપરની કમાણી કરી લેતા.

અહીં હું એક નાની ઘટના વર્ણવું છું : એકવાર હું રાજકોટથી મોટરકારમાં એક ધનવાન મિત્ર સાથે ફૂલછોડ ખરીદવા ગોંડલ મહારાજાની નર્સરીમાં જતો હતો. નર્સરીમાં જઈને ફૂલછોડ પસંદ કર્યા અને પછી સુપ્રિટેન્ડન્ટને એ બતાવ્યા. તેઓ એ ફૂલછોડની કિંમત જાણવા માટે દરબાર પાસે ગયા. બગીચામાં ફરતાં ફરતાં પાકેલાં કેળાંની લૂમ જોઈને મારા મિત્રને એમાંથી થોડાં કેળાં લેવાની ઇચ્છા થઈ. એમણે માળીને વાત કરી. માળી તો પોતાની જીભ કાઢીને બોલી ઊઠ્યો: ‘બાપ રે, હું મરાઈ જઈશ. એમના હુકમ વિના કંઈ પણ ન થઈ શકે. જુઓ ને, કાલે એક રાજકુમાર બગીચામાં આવ્યા હતા અને પોતાના હાથે તોડીને કેળું ખાધું અને પોતાના મિત્રને પણ આપ્યું. એને પરિણામે એમને આવો દંડ મળ્યો – એક મહિના સુધી બગીચામાં પ્રવેશવું નહીં અને ત્યાર પછી પણ દરબારની અનુમતિ વિના જો ફળઝાડ કે ફૂલછોડ પરથી ફળફૂલ તોડ્યાં તો કુમારે તો દંડ દેવો પડે પણ માળીએય દંડ દેવો પડશે.’ એમનો સર્વત્ર આવો સખત હુકમ છે અને કડક કાયદા-કાનૂન છે.

તેઓ પોતે ઘણું સાદું જીવન જીવતા. પોતે દારૂ ન પીતા અને પોતાની જાતિના મહેમાનોને પણ પીવા ન દેતા. દાદાના જમાનાની ચાંદીની એક ઘોડાગાડી છે. રાજ્યનું કોઈ વિશેષ કામ હોય તો એમાં જાય છે. ટી-મોડેલની જૂની ફોર્ડકાર એમની પાસે હતી. એ ગાડી બગડી ગઈ એટલે હવે પાંચ સીટવાળી એક સાધારણ ગાડી લીધી છે. દૂર જવાનું હોય તો એ ગાડીમાં તેઓ જાય છે. ઘર તેમજ કચેરીમાં મોટા ભાગની ખુરશીઓ, ટેબલ જૂના જમાના છે. ખૂબ જરૂરી હોય ત્યારે પોતાની દેખરેખ હેઠળ યુરોપિયન પેટર્નની અદ્‌ભુત ચીજો પણ બનાવે છે – ડિઝાઈન, ફિનિશિંગ વગેરે બધું ઉચ્ચકોટિનું હોય છે. તેઓ પોતે સ્કોટલેન્ડની ગ્લાસ્ગો વિદ્યાલયના વિદ્યાર્થી હતા. ત્યાંથી એમણે ઓનરેરી ડોક્ટરેડની ડિગ્રી મેળવી છે. અંગ્રેજીમાં આયુર્વેદ ઔષધિઓનો ઇતિહાસ લખે છે. વિલાયતમાં ચિકિત્સા વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો અને એન્જિનિયરિંગ પણ શીખ્યા હતા. એટલે જ ભવન નિર્માણ, સડક નિર્માણ, પુલ બાંધવા એ બધાના નક્શા પોતે જ બનાવતા અને પોતાના નિર્દેશ પ્રમાણે જ એ બધાનું નિર્માણ કરાવે છે. બધું સુંદર સુનિયોજિત અને આંખને ગમે તેવું હોય છે. એમનો બોટનિકલ ગાર્ડન – વનસ્પતિ ઉદ્યાન પણ જોવા જેવો છે. જેટલા પ્રકારનાં ઔષધિ, છોડવૃક્ષ મેળવવા શક્ય હતાં એ બધાંનો સંગ્રહ કરીને આ બગીચામાં વાવ્યાં હતાં. દરેક ગામમાં મોટરગાડીઓ જઈ શકે એવા યોગ્ય ઉચ્ચ પ્રકારના પાકા રસ્તા છે, ટેલિફોન છે. ગામની શાળાઓનાં મકાન પણ સુંદર અને પાકાં છે. મોટા ગામમાં દવાખાનું પણ છે.

આખા ગુજરાત અને કાઠિયાવાડમાં ગોંડલની પ્રજા જ સર્વાધિક સુખી છે. બાપદાદાના સમયથી જ ઊપજનો પાંચમો ભાગ ટેક્સ રૂપે કે મહેસૂલ રૂપે દેવો પડે છે. બીજા કોઈ કરવેરા નથી. રાજ્યમાં મુક્ત વેપાર ચાલે છે. એનાથી ચાલીસ લાખની આવક થાય છે. જે કંઈ મળે છે એના મોટા ભાગનો હિસ્સો તેઓ શાળા, દવાખાના અને સડકો પર ખર્ચે છે.

ગોંડલના રસ્તા ભારતના સર્વશ્રેષ્ઠ રસ્તા છે. જે કોઈ ત્યાં જાય છે તે આ જ કહે છે અને એ જ સાચી વાત છે. ગોંડલનો ખેડૂત હળધારી ખેડૂત છે. પોતે લખપતિ હોય તોયે પોતે જ હળ ચલાવે છે. રાજ્યના એક નગરમાં ખેડૂતોની એક નવી વસતી જોઈને આશ્ચર્યમુગ્ધ બની જવાય છે. એનું કોઈ પણ મકાન પચાસ હજારથી ઓછા ખર્ચે બન્યું નથી. અરે! અહીંની પટલાણીઓના ચણિયાની કિનારી પર સોનાની ઝરીવાળા ગોટા હોય છે. એ બધી સ્ત્રીઓ બે ત્રણ હજારના દાગીના પહેરીને ખેતરમાં કામ કરે છે. શું આ એક અદ્‌ભુત દર્શનીય દૃશ્ય નથી! રાજા પોતે ખૂબ સાદો સીધો પોશાક પહેરે છે અને જોવામાં સામાન્ય કાઠિયાવાડી ગૃહસ્થ લાગે. શરીરે સાબુ ન લગાડે અરીઠાનો પ્રયોગ કરે છે. એમના કપડાંલત્તા પણ અરીઠાથી ધોવાય છે. છેલ્લાં પચાસ વર્ષ દરમિયાન એમના શરીર પર એક નાની ફોડલી પણ નથી થઈ. તેઓ કહે છે : ‘ભગવાને પોતે જ જો કુદરતી સાબુ બનાવી દીધો છે તો એ જ શરીર માટે ઉત્તમ છે.’ તેઓ લોભી નથી, એનું પ્રમાણ આના આધારે મળે છે. બિહાર અને ક્વેટાના ભૂકંપમાં એમણે જ સર્વપ્રથમ ૧ લાખ રૂપિયા અને એમની રાણીઓએ કુલ મળીને ૧.૫ લાખ રૂપિયા દાનમાં દીધા હતા. ક્વેટામાં ૧.૫ લાખ દીધા હતા. આ દાન કરીને એમણે બાકીના બીજા રાજા-મહારાજાઓને શરમાવી દીધા હતા. પોતાના રાજ્યમાં સત્કાર્યો માટે તેઓ સારું એવું દાન કરતા રહે છે.

પરંતુ તેઓ પણ દોષરહિત વ્યક્તિ નથી. લોકો કહે છે કે એમનામાં કેટલાક દોષ પણ છે. આમ હોવા છતાં પણ એમના જે ગુણ છે અને પોતાના રાજ્યની ઉન્નતિ માટે એમણે જે કંઈ કર્યું છે, એમનો નિડર અને સ્વતંત્ર મિજાજ દંભ અને આડંબર વિનાનું જીવન. રાજાઓમાં જે સામાન્ય દોષ હોય એવા દોષો વિહોણું જીવન, શિકાર અને મદિરાપાર્ટીથી દૂર રહેવું, વગેરે નિ:સંદેહ શ્રેષ્ઠ ગુણો છે. આ ગુણ મોટાભાગના રાજાઓમાં જોવા મળતા નથી. જો આવા ગુણ એ બધા રાજાઓમાં હોત તો ભારતની સિકલ જ બદલી જાત. એમનું અનુકરણ કરીને મોરબીના મહારાજા શ્રી લખધીરસિંહજીએ પોતાના રાજ્યમાં રસ્તા વગેરેની વ્યવસ્થા કરી છે.

જેતપુર, વડિયા અને લાઠી

ગોંડલમાં ત્રણ રાત રહીને જેતપુર ગયો. કાઠિયાવાડનું આ એક મોટું અને જૂનું શહેર છે. અહીં રાતભર રહ્યો અને એક વૃદ્ધ સંન્યાસી સ્વામી નિત્યાનંદજીનાં દર્શનાર્થે જેતપુરથી અઢી-ત્રણ માઈલ દૂર ત્યાંના દરબાર મૂળુવાળાના ગઢ એટલે કે પીઠડિયા ગયો. એમની ખ્યાતી મેં સાંભળી હતી. તેઓ તે વખતે અસ્વસ્થ હતા એટલે એમને માત્ર જોઈ શક્યો, એમની સાથે કોઈ વાર્તાલાપ કરી ન શક્યો. મૂળુવાળા એક ચતુર દરબાર છે કાઠીઓમાં શિરોમણિ ગણાય છે. રાજ્યના બધા જુગારીઓ અને પાકા ચોરોના અડ્ડા એમના ગઢની આસપાસ જ હતા. આવક તો કેવળ ચાર-પાંચ લાખની હતી પણ એમની પાસે મોંઘામાં મોંઘી પચાસ મોટરગાડીઓ હતી. સરકારી અધિકારીઓને ક્યારેક ભોજન પાર્ટી અપાય છે, ક્યારેક ઘોડા અને ક્યારેક મોટરકાર પણ અપાય છે. બધા એમ વિચારે છે કે આટલા પૈસા કેવી રીતે સંભવ બને! સરકારી (એજન્સીના) દફતરથી માંડીને બધા લોકો મૂળુવાળા બાપુનો જય જયકાર કરતા રહે છે.

ગૃહસ્થ ભક્ત જગજીવનરામ

જેતપુરથી હું વડિયા ગયો. આ પણ નાનાં નાનાં બાર ગામડાંના કાઠી રાજાની રાજધાની હતી. વડિયાની પાસે એનાથી લગભગ ૧ માઈલ દૂર એક ગામ છે. ત્યાં એક વિખ્યાત ગૃહસ્થ ભક્ત જગજીવનરામ રહે છે. એમને ત્યાં હું બે અઠવાડિયાથી વધારે સમય રહ્યો. તેઓ ખરેખર ઘણા મોટા ભક્ત છે. ઘણા સાધુફકીર એમને ત્યાં આવે છે, એમનું દેવાલય માત્ર એક છાપરું નાખીને બનાવેલું છે. અહીં સૌને માટે સ્થાન છે. તેઓ પોતે વિષ્ણુભક્ત વૈશ્ય હતા છતાં પણ બીજા સંપ્રદાયના લોકો માટે પણ ત્યાં સ્થાન મળી જતું અને કોઈ સંન્યાસી આવે તો એમને ખૂબ માનસન્માન સાથે રાખતા. કોઈ સારો સાધુ આવે તો એને જવા જ ન દેતા. કહેતા : ‘અરે! રહોને! અહીં રહીને ભજન કરજો.’ જમીનમાં અનાજ વગેરે મળે છે, આવક ઓછી છે એટલે દરરોજ ભોજનમાં બાજરાનો રોટલો, અડદની દાળ અને પાતળી ખાટી છાશ રહે છે. એની સાથે કેવળ લીલા મરચાનું અથાણું મળતું. પોતે પણ એ જ ખાય છે અને મહેમાનોને પણ ખવડાવે છે. સર્વદા ધર્મચર્ચા કરતા રહે છે. ક્યારેય વ્યર્થ વાતો થતી નથી. ખરેખર સદાનંદી પુરુષ છે. એમના ભાઈઓને અનાજનો વેપાર છે, એમની સાથે થોડા દિવસ ખૂબ આનંદપૂર્વક વીતાવ્યા. દૂર દૂરથી સાધુ સંન્યાસીઓ આવીને એમના નાના આશ્રમમાં આવે છે, રહે છે અને એમનાથી પ્રત્યેક સંતોષ લઈ જાય છે, એ બધું મેં જોયું. ધન્ય છે, ભક્ત જગજીવન. (ભક્ત જગજીવન વિશે બીજી સામગ્રી પણ છે – રામકૃષ્ણ મઠ, નાગપુરથી પ્રકાશિત ‘માનવતાની ઝાંખી,’ પૃ.૪૭-૫૨)

વડિયાથી લાઠી ગયો. ત્યાં બાર ગામના એક નાના રજપૂત રાજા છે. અહીંના એક રાજા કલાપી ઘણા ઉચ્ચકોટિના કવિ ગણાય છે. એમની કવિત્વ શક્તિ અદ્‌ભુત હતી. તેઓ ગુજરાતી ભાષાને નવું રૂપ આપી ગયા છે. તેઓ સૂફીભાવના રંગે રંગાયેલા હતા અને સૂફી કવિઓના ભાવ સાથે ફારસી મિશ્રિત ભાષામાં નવીન છંદોમાં એટલી મધુર શૈલીથી કાવ્ય રચના કરી છે કે એને વાંચીને મુગ્ધ થઈ જવાય.

લાઠીના દરબાર ઘરમાં બે અઠવાડિયા રહ્યો. ત્યાંથી રાજકોટના ઠાકોર સાહેબ શ્રી લાખાજીરાજના દેહાંતના સમાચાર મળ્યા. રાજકોટના હરિશંકર પંડ્યાએ કહેણ મોકલ્યું કે તેઓ ‘લીલાપ્રસંગ’નો ગુજરાતી અનુવાદ શરૂ કરવા તૈયાર છે અને તેઓ મને હું જલદી રાજકોટ પાછો ફરું અને એમને મદદ કરી શકું એ માટે ભાડું આપવા પણ તૈયાર હતા. મેં આ ગાડી ભાડું લીધું નહીં કારણ કે હજુ પણ થોડું વધારે પરિભ્રમણ કરવાની મારી ઇચ્છા હતી.

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.