શ્રીરામકૃષ્ણની વિલક્ષણ સત્યનિષ્ઠા પિતા પાસેથી વારસા રૂપે મળી હતી : અત્યારે સમગ્ર વિશ્વમાં લાખો લોકો જેને પૂજે છે એવા શ્રીરામકૃષ્ણદેવ બધા સદ્‌ગુણોના આદર્શ રૂપ છે. બીજી બધી બાબતો કરતાં એમણે આ સત્યનિષ્ઠાના સદ્‌ગુણને સૌથી વધારે મહત્ત્વનો ગણ્યો હતો. ખરેખર એમનો સત્ય પ્રત્યેનો આગ્રહ વિલક્ષણ હતો. અને શા માટે એમ ન હોવું જોઈએ? શું તેઓ ખુદીરામ ચટ્ટોપાધ્યાયના પુત્ર ન હતા!

૧૯મી સદીના પ્રથમ પચ્ચીસીમાં શ્રીખુદીરામ ચટ્ટોપાધ્યાય નામના એક પવિત્ર બ્રાહ્મણ બંગાળના દેરેપુર ગામમાં રહેતા હતા. તેમણે એક મહત્ત્વનો નિર્ણય લીધો. એમના આ નિર્ણય અને પસંદગીએ પોતાનાં પત્ની, ત્રણ સંતાનો અને પોતાના બે ભાઈઓનાં કુટુંબોનું ભવિષ્ય બદલી નાખ્યું. દેરેપુરના જમીનદાર રામાનંદ રોય પોતાની દુર્વૃત્તિઓથી સર્વત્ર ભય ફેલાવતો. તેણે દેરેપુરના એક નિવાસીની વિરુદ્ધમાં એક ખોટો કોર્ટ કેસ કર્યો. આ કોર્ટકેસમાં જીતવા માટે એને વિશ્વાસુ સાક્ષીની જરૂર હતી. આખા ગામમાં ખુદીરામને તેની પ્રામાણિકતા અને પ્રભુભક્તિભાવ માટે લોકો માન-આદર કરતા. એટલે રામાનંદ રાયે ખુદીરામને કોર્ટમાં ખોટી સાક્ષી આપવા માટે કહ્યું.

આ દુષ્ટ જમીનદારને ના પાડવાના પરિણામથી ખુદીરામ પૂરેપૂરા માહિતગાર હતા. આ જ રામાનંદે આવા ખોટા કોર્ટકેસ કરીને, અયોગ્ય વ્યવહારથી, કેટલાકની સંપત્તિ હડપી લીધી હતી. આ બાજુ સત્યનિષ્ઠ ખુદીરામ માટે સત્યના પથેથી અવળો પગ મૂકવો અશક્ય અને વિચારી ન શકાય તેવું કાર્ય હતું. એમણે આ રીતે ખોટી જુબાની આપવા ના પાડી. સત્યપાલન કરવા માટે એમણે પોતાનું સર્વ કંઈ હોડમાં મૂકી દીધું. ત્યાર પછી તરત જ પેલા દુષ્ટ જમીનદારે ખુદીરામ વિરુદ્ધ એક કોર્ટકેસ કર્યો. ખોટા સાક્ષીઓ ઊભા કરીને તે કોર્ટમાં કેસ જીતી પણ ગયો. હરાજીમાં એણે ખુદીરામની બધી મિલકત હડપી લીધી અને કુટુંબને ગામની બહાર કાઢી મૂક્યું. ગામમાં ખુદીરામને રહેવાની જગ્યા ન હતી. ફક્ત પોતાના કુળદેવતાને લઈને ખુદીરામે અંતે સત્યપાલન માટે દેરેપુર છોડ્યું. પણ દૈવે એને સહાય કરી. એમના મિત્ર શ્રીસુખલાલ ગોસ્વામીએ એમને કામારપુકુરમાં આશરો આપ્યો. આ જ કામારપુકુરમાં યુગાવતાર શ્રીરામકૃષ્ણના પિતા બનીને ખુદીરામ સદ્‌ભાગી બન્યા.

શ્રીમા શારદાદેવી દુ:ખી જનો પ્રત્યે હૃદયની સમસંવેદનાના બોધપાઠ પિતાજી પાસેથી શીખ્યાં હતાં: ૧૮૬૪માં બંગાળમાં પડેલા ભીષણ દુષ્કાળે લોકોને બેહાલ બનાવી દીધા. હજારો હજારો લોકો ભૂખના દુ:ખથી કંપતા હતા. જયરામવાટી નામના નાનકડા ગામડાના શ્રીરામચંદ્ર મુખોપાધ્યાયથી લોકોનું આ મહાન દુ:ખ અને ભૂખની પીડા જોવાયાં નહિ. તેમનામાં ઘણી સહાનુભૂતિ અને દુ:ખીઓના દુ:ખને દૂર કરવાની ભાવના હતી. પોતાના નાનકડા ઘરે હોકો ગગડાવતા હોય ત્યારે ધોમ ધખતા તાપમાં રસ્તે ચાલ્યા જતા અજાણ્યા વ્યક્તિને પણ તેઓ હોકો પીવા બોલાવતા. આ ભીષણ દુષ્કાળમાં પીડાતા લોકોને દુ:ખમાંથી ઉગારવાની તમન્ના તેમના મનમાં જાગી.

તેઓ કંઈ તવંગર ન હતા. આમ છતાં પણ એમણે ગયા વર્ષનું અનાજ સંઘરી રાખ્યું હતું. ભૂખે મરતા લોકોમાં આ અનાજને વહેંચવાની એમના મનમાં પ્રબળ ઇચ્છા જાગી. પણ એમના મનમાં આ એક ચિંતા પણ હતી કે જો આવતા વર્ષેય દુકાળ પડે તો આવડા મોટા સંયુક્ત કુટુંબનું ભરણપોષણ કરવું કેવી રીતે? એમણે પોતાના મનની આ શંકાકુશંકાઓને એકબાજુ ધકેલીને પોતાના અનાજનો ભંડાર લોકો માટે ખુલ્લો મૂક્યો અને સામાન્ય જનો માટે રાહતરસોડું શરૂ કર્યું. શાકભાજીવાળી ખીચડી રાંધવાનું શરૂ કર્યું. રામચંદ્રે પોતાના કુટુંબીજનોને કહ્યું: ‘આજથી ઘરના બધાએ આ ખીચડી ખાવી અને જે કોઈ આવે એને ખવડાવવી.’ લોકો તો મોટી સંખ્યામાં આવવા માંડ્યા. કોઈક કોઈક દિવસે તો રાંધેલું અનાજ ખૂટી જવાથી બીજી વખત પણ રાંધવું પડતું. ક્યારેક તો ભૂખના દુ:ખથી પીડાતા લોકો એ ગરમાગરમ ખીચડી ઠરે એ પહેલાં જ મોઢામાં મૂકી દેતા. એને લીધે એમનાં જીભ અને ગળું દાઝી જતાં. લોકોની આ પીડા જોઈને રામચંદ્ર મુખોપાધ્યાયની નાની દીકરી સારદા આ ભૂખ્યા દુ:ખ્યા લોકોની પાસે બેસતી અને બે હાથે વીંઝણાથી પવન નાખીને ગરમાગરમ ખીચડીને ટાઢી પાડતી. પછી એ દુ:ખી લોકો શાંતિ અને સ્વસ્થતાથી ખાઈ શકતા.

આવી રીતે નાનકડી સારદા પોતાના પિતાની ભૂખ્યા દુ:ખ્યા લોકો પ્રત્યેની પ્રબળ સહાનુભૂતિના પ્રેરણાભર્યા વાતાવરણમાં ઊછરવા લાગી. પાછળથી શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાના સહચરી રૂપે તેઓ જાણે કે મા અન્નપૂર્ણા બની ગયાં અને ભક્તોના ભોજન માટે ખૂબ કાળજી રાખતાં. શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યોના ભોજન અને રહેઠાણ માટેના મઠની એમની અશ્રુભીની પ્રાર્થનાએ શ્રીરામકૃષ્ણ સંઘને જન્મ આપ્યો.

પોતાના પિતાના યશોજ્જ્વળ ચારિત્ર્યબળ સિવાય વધુ પ્રેરક બળ ઊછરતાં બાળકો માટે બીજું કંઈ હોઈ શકે ખરું?

નરેન્દ્રની કોલેજના પ્રાચાર્યે તેને પોતાની શંકાના સમાધાન માટે શ્રીરામકૃષ્ણને મળવા સૂચન કર્યું : ૧૮૮૧માં જનરલ એસેમ્બ્લીઝ ઇન્સ્ટિટ્યૂશનના પ્રાચાર્ય વિલિયમ હેસ્ટી એફ.એ.ના બીજા વર્ષના વિદ્યાર્થીઓને અંગ્રેજી સાહિત્ય શીખવતા. તેઓ વિલિયમ વર્ડઝ્‌વર્થના કાવ્ય ‘એક્સકર્સન’ વિદ્યાર્થીઓને સમજાવતા હતા. એ કાવ્યમાં સમાધિભાવનો ઉલ્લેખ આવે છે. પરંતુ વિદ્યાર્થીઓ આ સમાધિભાવને સમજી ન શક્યા. પછી તેમણે એ વિશેના અનુભવની સમજણ આપીને કહ્યું: 

‘મેં એક જ એવી વ્યક્તિને જોઈ છે કે જેમણે મનના આ દિવ્ય આનંદના ભાવને અનુભવ્યો છે અને તે છે દક્ષિણેશ્વરના શ્રીરામકૃષ્ણ પરમહંસ. તમે ત્યાં જાઓ અને તમે તમારી આંખે નીહાળો તો તમે એ ભાવાવસ્થાને સમજી શકો.’ (લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ, ૧.૪૮) 

સંસ્થાનવાદી વિચારવાળો એક અંગ્રેજ અને એણે અહીંના મૂળ ભારતવાસીના આધ્યાત્મિક અનુભવને જોયો, જાણ્યો અને ખુલ્લા મને જાહેરમાં એ અનુભૂતિની વાત પણ કરી!

સમય જતાં આ જ સામાન્ય શબ્દોએ ભારત અને ભારતના ઇતિહાસને બદલી નાખ્યો. આ મહા પરિવર્તનનું નિમિત્ત બન્યો નરેન્દ્રનાથ દત્ત નામનો વિલિયમ હેસ્ટીના વર્ગનો એક વિદ્યાર્થી. થોડા દિવસો પછી પોતાના મિત્રો સાથે નરેન્દ્રનાથે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણની મુલાકાત લીધી. આ એમના જીવનના પરિવર્તનની મહાપળ હતી. તેઓ શ્રીરામકૃષ્ણના શિષ્ય બન્યા. આ દિવ્ય આધ્યાત્મિક ગુરુની નિશ્રા હેઠળ થોડાં જ વર્ષોમાં તેઓ સ્વામી વિવેકાનંદના નામે અને સ્વદેશભક્ત સંન્યાસીના રૂપે પરિવર્તિત થયા. આપણી આઝાદીની ચળવળના સમયે કેટલાય સ્વાતંત્ર્ય વીરોનું તેઓ પ્રેરણાસ્રોત બની રહ્યા. અને આજે પણ તેઓ સમગ્ર વિશ્વમાં લાખો અધ્યાત્મ પિપાસુઓને અક્ષરદેહે પ્રેરી રહ્યા છે. 

અવકાશ ઉડ્ડયનના ડોક્ટર અબ્દુલ કલામની વૈજ્ઞાનિક પ્રતિભાને ખીલવનાર ધો. ૮ના એક શિક્ષક હતા : શ્રી શિવસુબ્રમણ્ય ઐયર પચાસેક વર્ષ પહેલાં ધો. ૮ના વિદ્યાર્થીઓને દક્ષિણભારતના એક ગામમાં શીખવતા હતા. આજે આ શિક્ષકનું નામ સમગ્ર દેશમાં સુપ્રસિદ્ધ બની ગયું છે, કારણ કે તેમણે પોતાના વિદ્યાર્થીઓને અવિરત પ્રેરણા આપી છે. આ શિક્ષક પક્ષીઓના ઉડ્ડયન વિશે શીખવતા હતા. વિદ્યાર્થીઓ એ કંઈ સમજી ન શક્યા તેથી તે શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને એ જ સાંજે રામેશ્વરમ્‌ના દરિયા કિનારે લઈ ગયા. તેમણે ત્યાં પક્ષીઓને ઊડતાં બતાવ્યા અને ઊડાણના સિદ્ઘાંતો વિશે પૂરતી સમજણ આપી. આનાથી તેમણે પોતાના વિદ્યાર્થીઓમાંના એક અવુલ પકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ – ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામના મનમાં ચમકારો કરી દીધો. પોતાના શિક્ષક પાસેથી ડૉ. કલામે પ્રેરણા તો મેળવી. હવે ઉડ્ડયન વિજ્ઞાનમાં રસરુચિ કેળવવાં તેમજ એમાં તલ્લીન થવા શું કરવું તે વાત પોતાના શિક્ષક પાસેથી જાણવા ઇચ્છતા હતા. શિક્ષકે કાર્યયોજના તૈયાર કરી દીધી. ડૉ. કલામ એ શિક્ષક વિશે કહે છે: 

‘મારા શિક્ષકે મને વાસ્તવિક રીતે મારા જીવનને ધ્યેય અને મિશન આપ્યાં… મારા એ શિક્ષકનો એ ઘડીએ પક્ષીઓના ઉડ્ડયનનો પાઠ એક જીવંત ઉદાહરણ બતાવીને શીખવવાના કાર્યે મારા જીવનમાં પરિવર્તનની પળ લાવી દીધી. આને લીધે હું મારી કારર્કિર્દીને આકાર આપી શક્યો.’

શ્રી શિવ સુબ્રહ્મણ્યમ્‌ ઐયરની આ પ્રેરણા આપવાની શક્તિએ રાષ્ટ્રને એક રોકેટ અવકાશયાન નિષ્ણાત વૈજ્ઞાનિક આપ્યો. કાર્યનિષ્ઠાની પૂર્ણતાના આ સાધક માનવ ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા.

સમાજમાં એવી કોઈ વ્યક્તિ છે કે જે એક શિક્ષકની જેમ વિદ્યાર્થીની મનોજાગૃતિનો આદર્શ બની શકે? 

તમે માતપિતા કે શિક્ષક તરીકે અનિવાર્ય આદર્શ છો: તમારાં ઊગતાં પુત્રપુત્રી કે વિદ્યાર્થી માટે પ્રેરણાદાયી આદર્શ રૂપે કર્તવ્ય નિભાવનારા એક માત્ર વ્યક્તિ તમે જ છો. તમે એક માતા કે પિતા તેમજ શિક્ષક રૂપે ઉપર્યુક્ત કાર્ય માટે આદર્શ રૂપ છો. તમારાં બાળકો કે વિદ્યાર્થીઓના સતત અને સૌથી વધારે પ્રભાવક સાથીદાર તમે જ છો. એટલે જ તમારાં રીતભાત, ટેવો, મિજાજ, વૃત્તિવલણ, વગેરેને પોતાના જીવનમાં પ્રતિબિંબિત કરીને એ બાળક કે વિદ્યાર્થી મૂલ્યો દૃઢ કરે છે. જાણ્યેઅજાણ્યે દરરોજ તમે તમારા બાળકનું ચારિત્ર્ય ઘડતર કરીને ભાવિને યોગ્ય દિશા આપો છો. આ બધું તમે તમારાં મનવાણી, વિચારો અને કર્મની પ્રભાવક અસર દ્વારા કરો છો. પોતાનાં બાળક કે વિદ્યાર્થીનાં ચારિત્ર્ય કે વ્યક્તિત્વને સુયોગ્ય રીતે ઢાળવાનો તમને મળેલો આ વિશેષાધિકાર ખરેખર એક મહાન તક પણ છે અને સાથે ને સાથે એક પવિત્ર કર્તવ્ય પણ છે.

આજે આપણાં પુત્ર-પુત્રી કે વિદ્યાર્થીની ખાસ આવશ્યકતા એમનું ભોજન કે પૈસો નથી પણ એ છે સતતપણે પ્રેરતો આદર્શ. સ્વામી વિવેકાનંદ એટલા જ માટે કહે છે :

માણસે પોતાના નાનપણથી જ જેનું ચારિત્ર્ય જ્વલંત અગ્નિ સમાન હોય એવી વ્યક્તિ સાથે રહેવું જોઈએ; એની સામે સર્વોચ્ચ શિક્ષણનો જીવંત દાખલો રહેવો જોઈએ. (સ્વા.વિ.ગ્રં.મા.૧૧/૧૮૩)

તમારા બાળક કે વિદ્યાર્થીની ભીતરની શક્તિનાં આવરણો દૂર કરો : પ્રેરણા આપવી એટલે તમારા બાળકો કે વિદ્યાર્થીઓમાં જે શ્રેષ્ઠતા રહી છે તેને બહાર લાવવી. એનો અર્થ એ થાય છે કે એમને પોતાના જીવનની અનન્યતાને જોવા માટે આપણે સહાય કરવી જોઈએ. જો આપણે આમ કરીશું તો જ એ બધાં સર્જનાત્મકતાવાળું જીવન જીવશે અને આ જીવનમાં માનમોભા અને સ્પષ્ટ લક્ષ્ય સાથે પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. દરેકેદરેક બાળકમાં આંતરિક શક્તિના નામે એક અદ્‌ભુત તાકાત રહેલી હોય છે. આ ભીતરી શક્તિ ત્રણ સ્વરૂપની હોય છે – જ્ઞાનશક્તિ, ઇચ્છાશક્તિ અને કાર્યશક્તિ. આ ત્રણેય શક્તિઓ કાળજીપૂર્વકના અને શાંત મને કરેલા માનસિક શિલ્પકામથી જાગ્રત કરી શકાય છે. આને પરિણામે એ બાળક કે વિદ્યાર્થી એક પૂર્ણ વ્યક્તિ રૂપે સમાજમાં ચમકી ઊઠશે. એક માતપિતા રૂપે અને એક શિક્ષક રૂપે તમારી પ્રથમ ફરજ તો તમારાં પુત્રપુત્રી કે વિદ્યાર્થીની ભીતરી શક્તિના બારણાં ખોલવાની છે. 

દેશની પરિસ્થિતિ કે ઉન્નતિનો આધાર તેની પ્રજામાં ગુણવત્તાવાળા મા-બાપ, ગુણી અને પ્રેરક શિક્ષકો ઉપર છે. તમે માતા-પિતા કે શિક્ષક રૂપે કેવી પસંદગી કરો છો તે જ આવતા બે દસકામાં ભાવિ ભારત કેવું હશે તે નક્કી કરશે. તમે જો માત-પિતા અને શિક્ષક બંને હો તો, સમાજમાં તમારી સૌથી મોટી કર્તવ્યનિષ્ઠા આ છે, એને પૂરેપૂરી જાણી લો, એના પરથી આવતા બે દસકાના ભાવિ ભારતનો ખ્યાલ આવી શકે. એનો અર્થ એ થયો કે રાષ્ટ્રની ઉન્નતિ કે ભવિષ્ય સરકારના હાથમાં નથી અને સૈનિકોના હાથમાં પણ એ નથી. પરંતુ આ બધું છે શિક્ષકો અને મા-બાપના હાથમાં.

શિક્ષણની વધતી જતી તકો તમારા હાથમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓને મૂકશે. એ બધા વિદ્યાર્થીઓને પ્રેરણા આપો અને પોતાનું તેમજ દેશનું ઉજ્જ્વળ ભાવિ ઘડવા માટે તેઓ કર્તવ્યનિષ્ઠ બને એ રીતે તેમને કેળવો.

વિદ્યાર્થીઓ કે સંતાનોને પ્રેરવાની શક્તિ તમારા પોતાના જીવનમાંથી જ આવે છે : પરંતુ તમારાં વિદ્યાર્થી કે સંતાનો અવારનવાર તમને અવગણે છે કે તમારી સાચી સલાહનો અનાદર પણ કરે છે અને નફામાં તમને ક્રોધ અને માનહાની આપે છે, શું તમે આવી ફરિયાદો કરતા રહો છો ખરા? તમે ‘અરે ભાઈ! મેં તો તને કેટલીયે વાર કહ્યું હતું’ દુ:ખપીડા સાથે આવા બૂમબરાડા પાડો છો ખરા? શું આ અવગણના એ આજના અધ:પતનની આધુનિક નિપજ છે ખરી? તમે એ વિશે શું કરી શકો?

સાચી વાત તો એ છે કે માત્ર કોરા શબ્દો અને વિચારો આવી આજ્ઞાંકિતતા માટે વિદ્યાર્થીઓને પ્રેરવા કે એમના હૃદયને સ્પર્શવા બહુ ઓછી શક્તિ ધરાવે છે. પ્રેરણા આપવાની આ તાકાત તો આ વિચાર અને વાણીની પાછળના વ્યક્તિના આચરણમાં કે એના વાસ્તવિક જીવનમાં રહેલી છે. જ્યારે તમારી સલાહની પાછળ એ પ્રમાણેના સંપૂર્ણ સદાચરણમાંથી જન્મેલી સંકલ્પના અને શક્તિ હોય તો એ વાત કે સલાહ બાળકના ગળે એની મેળે ઊતરી જશે. બીજા પર પોતાનો પ્રભાવ પાડવા વિશે સ્વામી વિવેકાનંદ આમ કહે છે : 

આ દુનિયામાં એકબીજાની અસર એકબીજા ઉપર થયા જ કરે છે. આપણા પોતાનાં શરીરોની જાળવણીમાં આપણી શક્તિનો અમુક ભાગ ખર્ચાઈ જાય છે. તે ઉપરાંતનું આપણી શક્તિનું દરેક અણુ રાત ને દિવસ બીજાઓ ઉપર અસર કરવામાં વપરાય છે. આપણાં શરીરો, આપણા સદ્‌ગુણો, આપણી બુદ્ધિ, આપણી આધ્યાત્મિકતા, આ બધાં સતતપણે બીજા ઉપર અસર કર્યા જ કરતાં હોય છે; તેથી ઊલટી રીતે બધાની અસરો આપણા ઉપર થયા કરતી હોય છે. આ પ્રમાણે આપણી આજુબાજુ ચાલતું જ હોય છે. હવે આપણે એક નક્કર દાખલો લઈએ. એક માણસ આવે છે. તમે જાણો છો કે તે વિદ્વાન છે, તેની ભાષા સુંદર છે; કલાકો સુધી તે તમારી સમક્ષ બોલે છે પણ તેની અસર કંઈ થતી નથી. ત્યાર પછી એક બીજો માણસ આવે છે, તે સારી રીતે ગોઠવ્યા વગરના થોડાક જ શબ્દો બોલે છે; કદાચ તેની ભાષામાં વ્યાકરણના નિયમો પણ જળવાયા હોતા નથી. છતાં પણ તે આપણા ઉપર ઊંડી અસર કરી જાય છે. તમારામાંના ઘણાંએ તે અનુભવ્યું હશે. તેથી એ વાત સ્પષ્ટ છે કે માત્ર શબ્દો જ હંમેશાં છાપ પાડી શકતા નથી. છાપ પાડવા માટે શબ્દો અથવા વિચારોનો માત્ર ત્રીજો હિસ્સો છે, અને બે હિસ્સા માણસના પોતાના હોય છે. જેને તમે વ્યક્તિત્વનું આકર્ષણ કહો છો, તે જ બહાર નીકળીને તમારા ઉપર છાપ પાડે છે.

અમારાં કુટુંબોમાં વડીલો હોય છે; તેમાનાં કેટલાક સફળ નીવડે છે, કેટલાક નિષ્ફળ જાય છે. આમ કેમ બને છે? આપણી નિષ્ફળતા માટે આપણે બીજાને દોષ દઈએ છીએ. જે ઘડીએ હું નિષ્ફળ જાઉં છું એ વખતે હું કહું છું કે અમુક માણસ મારી નિષ્ફળતાનું કારણ છે. નિષ્ફળતાને વખતે માણસને પોતાના દોષ અને નબળાઈઓ કબૂલ કરવી ગમતી નથી. દરેક માણસ પોતાની જાતને નિર્દોષ માને છે, અને દોષનો ટોપલો કોઈ અન્ય વ્યક્તિ ઉપર અથવા કોઈ વસ્તુ ઉપર અથવા છેવટે દુર્ભાગ્ય ઉપર ઢોળે છે. જ્યારે કુટુંબના વડીલો નિષ્ફળ જાય ત્યારે તેમણે પોતાની જાતને પૂછવું જોઈએ કે કેટલાક લોકો કુટુંબની વ્યવસ્થા વધુ સારી રીતે કેમ રાખી શકે છે અને બીજા કેમ નથી રાખી શકતા? તે વેળા તમે જોશો કે તે તફાવતનું કારણ માણસનું વ્યક્તિત્વ છે. (સ્વા. વિ.ગ્રં.મા.૭/૫૫)

માત્ર ઉપદેશથી કંઈ થવાનું નથી. જે મૂલ્યોની તમે કેળવણી આપો છો એ મૂલ્યોની વિરુદ્ધનું તમારું જીવન-આચરણ હશે તો તમે આ યુવાનોના મનને દંભની કળા માત્ર જ શીખવશો. તેમના હૃદયમાંથી તમારા પ્રત્યેનાં માન-આદર પણ ચાલ્યાં જશે અને રાલ્ફ વાલ્ડો એમર્સનનું આ કથન ટાંકશે: ‘ભાઈ, તમારા હાવભાવથી ઘણી પરખ થઈ ગઈ, જે તમારા જોરશોરના બોલવાથી ન થઈ!’ તમારી પોતાની જાત પરના સંયમના પ્રમાણમાં જ તમે બીજા પર પ્રભાવ પાડી શકો અને નિયમમાં રાખી શકો. 

(ક્રમશ:)

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.