પ્રાચીન ભારતીય સમાજરચનાનો ઇતિહાસ તપાસતાં, ઋગ્વેદમાં આર્ય અને દસ્યુ – એવા બે વર્ગો જોવા મળે છે. પાશ્ચાત્ય વિદ્વાનોને મતે બહારના આર્યલોકો આક્રમણ કરીને ભારતમાં સ્થાયી થયા અને મૂળ વસતી જાતિને ‘દાસ’ બનાવી હતી. આ વાત હવે નવાં સંશોધનોને પરિણામે ઘણા વિદ્વાનો માનતા નથી. એમને મતે ‘આર્ય’ અને ‘દાસ’ (દસ્યુ) શબ્દો કોઈ વંશવાચક શબ્દો જ નથી. અમરકોશ જેવા જૂના કે મોનિયેર વિલિયમ્સ વગેરેના નવા એવા કોઈપણ શબ્દકોશમાં ‘આર્ય’ શબ્દ વંશવાચી શબ્દ તરીકે ઉલ્લેખાયેલો નથી. આ બન્ને શબ્દો ભારતના મૂળ નિવાસીઓ માટે તેમનાં ગુણ અને કર્મને આધારે યોજવામાં આવતા. ‘આર્ય’ શબ્દનો અર્થ ઉદાત્ત, શિષ્ટ અને ઉમદા માનવ માટે વપરાતો અને ‘दसु उपक्षये’ – ધાતુ ઉપરથી નિષ્પન્ન થયેલ ‘દાસ’ કે દસ્યુ શબ્દ સમાજવ્યવસ્થા ન માનનારા સ્વેચ્છાચારી વ્યક્તિ માટે વપરાતો. ઋગ્વેદમાં મનને ‘આર્ય’ બનાવવાનું લખ્યું છે. જો લોહીના સંબંધમાં આ શબ્દો હોત. તો ઋગ્વેદ આવું ન લખત ગમે તેમ પણ વૈદિકકાળમાં આજના જેવી જ્ઞાતિ વ્યવસ્થા સમાજમાં ન હતી. રોટી-બેટી કે વિવાહાદિ પરસ્પર વ્યવહાર કરવાની કોઈ રોકટોક ન હતી. આજની પેઠે જ્ઞાતિ-પેટાજ્ઞાતિઓનાં ઝૂંડ ત્યારે ન હતાં. એ સમયે તો ત્યાર પછી જન્મેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર જેવા ચાર વર્ણો પણ ન હતા! એ વખતે બધા એક જેવા હતા. એ બધાંને ઋગ્વેદમાં ‘विशः’ કહેવામાં આવતા. ‘विशः’ શબ્દનો અર્થ ‘પ્રજા’, ‘જનતા’ કે ‘લોકો’ એવો થાય છે. આનો અર્થ એવો નથી કે ઋગ્વેદકાલીન પ્રજામાં કોઈ ભેદો કે વર્ગો હતા જ નહિ. એ વખતની ‘આર્ય કે વિશ:’ કહેવાતી પ્રજામાં પણ પોતાના પાંચ પારિવારિક ભેદો જરૂર હતા. ઋગ્વેદમાં એને ‘पंचजनाः’ અથવા ‘पंचकृष्टयः’ કહેવામાં આવ્યા છે. એ પાંચ- અણું, દ્રુહ્યુ, યદુ, તુર્વસુ અને પુરુ હતા. આમ એક જ વર્ગના સદાચારીઓને આર્ય કે ‘विशः’ અને સ્વેચ્છાચારીઓને ‘દસ્યુ’ કહેવામાં આવતા. ઋગ્વેદમાં કહે છે : ‘उभौ वर्णो ऋषिरुग्रः पुपोष (१.१७.९.६)– ‘ઋષિએ બન્ને વર્ણોને પોષ્યા.’ અને વળી ‘अज्येष्ठासो अकनिष्ठासः एते सं भ्रातरो बभुवू सौमनाय’ – ‘તમારામાંથી કોઈ ઊંચ-નીચ નથી, તમે ભાઈ-ભાઈ છો એટલે સૌભાગ્ય પ્રાપ્ત કરવા ભાઈચારો રાખો.’ એવું લખ્યું છે. એના સમર્થનમાં વળી જણાવ્યું છે કે ‘હું સુતાર છું, મારા પિતા વૈદ્ય છે, મારી માતા દળણાં દળે છે.’ આ પ્રમાણે ઋગ્વેદનો સમાજ એક જ વર્ણ – દસ્યુને અલગ ગણીએ તો બે વર્ણો – વર્ગોમાં વહેંચાયેલો હતો.

વૈદિકકાળ પછી બ્રાહ્મણગ્રંથો અને ઉપનિષદોના કાળમાં પૂર્વ વૈદિકકાળના સમાજનો ચાર વર્ણો રૂપે વિકાસ થયો. એનાં વિચારાત્મક બીજ ઋગ્વેદના દસમા મંડળમાં છે : ‘ब्राह्मणोऽस्‍य मुखमासीद्‌ बाहू राजन्‍यः कृतः। ऊरु तदस्‍य यदृैश्यः पद्‌भ्यां शुद्रोऽजायत’ અર્થાત્‌ ‘આ સમાજનું (વિરાટ પુરુષનું) મુખ બ્રાહ્મણ, હાથ ક્ષત્રિય, સાથળ વૈશ્ય અને પગ શૂદ્ર કહેવાય છે.’ ઋગ્વેદની આ કલ્પના વૈદિકકાળમાં તો કેવળ કલ્પના જ હતી. આ વિચારને ઉત્તરવૈદિકકાળમાં ક્રિયાત્મક રૂપ મળ્યું; સમાજમાં ચાર વર્ણો અમલી બન્યા. વૈદિકકાળના આચારપરક સમાજ વિભાગને બદલે ઉત્તરકાલીન સમાજ શ્રમ વિભાજન પર આધારિત બન્યો – સમાજ ‘કર્મપરક’ થઈ ગયો. પણ એ વ્યવસ્થા વ્યક્તિના મનોવલણ પર આધાર રાખતી હતી – એમાં કોઈપણ વર્ણની વ્યક્તિ પોતાનું વર્ણપરિવર્તન કરી શકતી. શૂદ્રવર્ણી બ્રાહ્મણ પણ થઈ શકે અને બ્રાહ્મણ શૂદ્ર પણ થઈ શકે. એનો આધાર જન્મ નહિ, પણ ગુણ-કર્મ જ હતો. અધ્યાપનાદિ કરનાર બ્રાહ્મણ, રક્ષાદિ કરનાર ક્ષત્રિય, વેપારવણજ કૃષિ વગેરે કરનાર વૈશ્ય અને શારીરિક શ્રમ કરનાર શૂદ્ર કહેવાતા, પણ એ સ્થિતિસ્થાપક સમાજ વ્યવસ્થા હતી એ ગુણકર્મપરક વર્ણ વ્યવસ્થા હતી. વ્યક્તિને પોતાનો વર્ણ બદલવાની છૂટ હતી. ‘ब्राह्मणतामेति ब्राह्मणश्चापि शुद्रताम्‌’ ‘શૂદ્ર પણ બ્રાહ્મણ અને બ્રાહ્મણ પણ સ્વેચ્છાએ શૂદ્ર બની શકે છે.’ – વગેરે પુરાણ અને સ્મૃતિનાં વાક્યોનાં પ્રમાણો દ્વારા આ ગુણકર્મ પ્રધાન અને મુક્ત વર્ણવ્યવસ્થા પુરાણ અને સ્મૃતિઓના કાળ સુધી ચાલુ રહી હતી એમ જણાય છે. ધાર્મિક વિધિવિધાનોનું કામ બ્રાહ્મણોને સોંપાયું હોવાથી તેમણે જટિલપણે અને આંટીઘૂંટીવાળી વિધિઓ દર્શાવતા બ્રાહ્મણ ગ્રંથો રચ્યા. તો સામે કેટલાક ક્ષત્રિયોએ યજ્ઞનાં જાળાં નકારીને એની સામે ચિંતનાત્મક ઉપનિષદો રચ્યાં જનક, અશ્વપતિ કેકય વગેરેએ ઉપનિષદોમાં બ્રહ્મ, જીવ, જગત, પુનર્જન્મ, આત્મા વગેરેનું ચિંતન રજૂ કર્યું : રાજા જનક પાસે શ્વેતકેતુ, યાજ્ઞવલ્કય વગેરે અધ્યાત્મવિદ્યા લેવા ગયા હતા. રાજા કેકય અશ્વપતિ પાસે પ્રાચીનશાલ, સત્યયજ્ઞ ઈંદ્રદ્યુમ્ન વગેરે બ્રાહ્મણો ગયા હતા. ઉપનિષદોએ યજ્ઞ જાળાઓને ભવસાગરમાં ડુબાડી દેનારી ભાંગેલી નાવ સાથે સરખાવેલ છે. તાત્પર્ય એ છે કે એ કાળમાં બ્રાહ્મણો અને ક્ષત્રિયો વચ્ચે સમાજમાં વર્ચસ્‌ સ્થાપવાની મનીષા હતી અને એમાં આ બન્ને વર્ણો પરિશ્રમપૂર્વક યત્ન કરવા લાગ્યા. આ હરિફાઈ બૌદ્ધકાળ સુધી ચાલી. સમાજમાં યજ્ઞ સંસ્કૃતિ અસ્ત થવાને આરે આવી, ઉપનિષદોનું વર્ચસ્‌ વધ્યું, અને બૌદ્ધ કાળ આવ્યો. આ બધા સમયગાળામાં બ્રાહ્મણવર્ણનું વર્ચસ્‌ ઘટ્યું અને ક્ષત્રિયવર્ણનું વર્ચસ્‌ વધ્યું હતું.

પરંતુ, પછી સ્મૃતિ અને ધર્મશાસ્ત્રોના કાળમાં ફરીથી બ્રાહ્મણોનું વર્ચસ્‌ સમાજમાં ઊભર્યું એનાં કારણોમાં ભારતની ધર્મપ્રાણતાને લીધે પૌરોહિત્ય કરનાર વર્ગ પ્રત્યેનો વધુ લોકાદર અને અનેક ક્ષત્રિયોનું બૌધધર્મમાં ધર્માન્તરણ ગણાવી શકાય. એટલે સ્મૃતિકાળ સુધીમાં તો બ્રાહ્મણ – ક્ષત્રિયો વચ્ચેનો એ સંઘર્ષ શમી ગયો.

હવે આ બ્રાહ્મણોએ પોતાનું પાછું મળેલું એ વર્ચસ્‌ અખંડ સ્થાપવા માટે અધિકારનો ઉપયોગ કરીને ગુણકર્મમૂલક મુક્ત વર્ણવ્યવસ્થાને જન્મ મૂલક, બંધિયાર જાતિવ્યવસ્થાના વિકૃત રૂપમાં પલટી નાખી. એમાં ગમે તે રુચિ કે વ્યવસાય કરતો હોય તો પણ બ્રાહ્મણથી જન્મેલો બ્રાહ્મણ જ ગણાવા લાગ્યો! એથી સમાજનો ઊર્ધ્વગામી વિકાસ બંધ પડ્યો, ઉચ્ચનીચના ભેદો જન્મ્યા, અહંકાર પેદા થયો – આ બધું સ્મૃતિકાળનું સર્જન છે. વેદકાળને એની સાથે કશી લેવાદેવા નથી.

આમ બ્રાહ્મણોએ સ્થાપિત હિતવાળી વંશીય જાતિવ્યવસ્થા સ્થાપ્યા છતાં પેલી ગુણકર્મ પ્રધાનતાવાળી પુરોવર્તી વર્ણવ્યવસ્થાના સમર્થકો એ કાળમાં પણ ઓછા ન હતા. એમ બન્ને વિચારધારાઓ સમાન્તરે ચાલી અને પરિણામે મનુ આદિ સ્મૃતિઓએ ‘અનુલોમ વિવાહને સંમતિ આપી (ઉચ્ચવર્ણના પુરુષનું એનાથી નીચી જાતિની સ્ત્રી સાથેનું લગ્ન) એનાથી ઊલટું પ્રતિલોમ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો અને છતાંય બન્ને પ્રકારનાં લગ્નો સમાજમાં થતાં જ રહ્યાં. બ્રાહ્મણોમાં પણ એ બન્ને વિચારધારાઓનાં ક્રિયાત્મક પરિણામો જોવા મળે છે. પરંતુ ધીરે ધીરે આ જાતિ પ્રથાએ સમાજમાં એટલી પકડ જમાવી કે જાતિમાંથી અનેક ઉપજાતિઓના ભેદોની ભીંતો ખડી થઈ, રોટી-બેટી અને અન્ય વહેવારો એકદમ સંકુચિત અને કડક બની ગયા, અનુલોમ – પ્રતિલોમ લગ્નો પણ બંધ થઈ ગયાં. ભારતના મધ્યકાલીન સમાજની આ સ્થિતિ હતી – અસ્પૃશ્યતાનું કલંક પણ એમાંથી જ જન્મ્યું છે. ચાર વર્ણોની વિકૃત નકલ રૂપે સમાજમાં પહેલાં ચાર અને પછી અનેકાનેક જાતિ-ઉપજાતિઓ ફૂલીફાલી અને એ કૂપમંડૂકતામાં ફસાઈ ગઈ. નાત બહાર મૂકવાના નિયમથી એને વધુ બળ મળ્યું હતું. જ્ઞાતિઓના અવાન્તર ભેદનો આધાર ક્યાંક ભૂગોળ તો ક્યાંક બીજો કોઈ હતો.

આમ આ વર્ણવ્યવસ્થા કે જાતિવ્યવસ્થા ભારતમાં એક સરખા સ્વરૂપમાં કદીયે રહ્યા નથી. આજના સંદર્ભમાં એનો વિચાર કરીએ તો આજે ફેલાઈ રહેલી સમાજવાદી વિચારધારા, નગરીકરણ, ઔદ્યોગીકરણ, આર્થિક દૃષ્ટિકોણની પ્રધાનતા, આધુનિક શિક્ષણ, સમાજસુધારના આંદોલનો, રાજનૈતિક આંદોલનો, સરકારી હસ્તક્ષેપ આદિ અનેક કારણોને લીધે આ જ્ઞાતિવ્યવસ્થા લગભગ પડી ભાંગવાને આરે આવીને ઊભી છે.

વેદમંત્રમાં અને ગીતામાં કહેલ ગુણ-કર્મ વિભાગ પ્રમાણેની મનોવૈજ્ઞાનિક અને સ્થિતિસ્થાપક વર્ણવ્યવસ્થા તો મધ્યકાળમાં જાણે કે એક સ્વપ્નું જ બની ગઈ હતી. એ વખતે તો માછણથી જન્મેલ વ્યાસ, ભંગીથી જન્મેલ પરાશર, વેશ્યાથી જન્મેલ વસિષ્ઠ જેવા હીનજાતિમાં જન્મેલ સેંકડો લોકોએ બ્રાહ્મણવર્ણમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું. વેદકાલીન એવી વર્ણવ્યવસ્થા ઠેઠ સ્મૃતિકાળ સુધી ગમે તે રીતે જીવતી તો રહી, એણે જાતિવ્યવસ્થાની સમાન્તરે પણ કેટલોક વખત જીવવું પડ્યું. પણ છેવટે કોણ જાણે કેમ જાતિવાદ સમાજમાં ઘર કરી બેઠો એ સંશોધનનો વિષય છે. ચાર વર્ણોમાંથી ચાર જાતિઓ અને એમાંથી અનેક જાતિ-ઉપજાતિઓ બનવાનું કારણ લોહીની શુદ્ધિનો ખ્યાલ લાગે છે. સારી ઓલાદ જાળવવા અંતર્વિવાહનું બંધન લદાયું, પણ લોહીનું સંમિશ્રણ એમ કંઈ રોક્યું રોકાતું નથી. લોહીનાં સંમિશ્રણો – બહિર્વિવાહો- થતા જ રહ્યા. એને પરિણામે જુદી જુદી જાતિઓ રચાતી ગઈ કારણ કે અનુલોમ વિવાહ તો ઠીક, પ્રતિલોમ લગ્નો પણ કશી પરવા વગર થવા લાગ્યાં હતાં. ઉપજાતિઓ બનવાનાં અન્ય કારણોમાં ભૂગોળ, વ્યવસાય વગેરેનો પણ ફાળો છે. આ ઉપજાતિઓની સંખ્યા ખૂબ વધી પડી એટલે પછી પિતાની જ જાતિ સન્તાનની જાતિ ગણવા લાગી. આવી વ્યવસ્થા ઘણી પાછળથી જ આવી. કેટલીક ઉપજાતિઓ મનુએ દસમા અધ્યાયમાં પોતાની સ્મૃતિમાં જણાવી છે. એવું લાગે છે કે પહેલાં પ્રતિલોમ વિવાહથી ઉત્પન્ન સન્તાનોની જાતિ-અસ્પૃશ્ય ગણાઈ હશે.

ખાસ ખ્યાલ રાખવાની જરૂર છે કે જે વૈદિક વર્ણવ્યવસ્થા ભારતીય સામાજિક રચના અને સંસ્કૃતિના પ્રાણસ્વરૂપ હતી, તે આજની જાતિવ્યવસ્થાથી એકદમ જુદી છે. વૈદિકવર્ણ વ્યવસ્થા તો સામાજિક સંવાદિતા, પારસ્પરિક સહયોગ પર ચણાયેલી હતી.

કેટલાક લોકો એ વેદકાલીન વર્ણવ્યવસ્થાને શ્રમવિભાજનની વ્યવસ્થા કહે છે. શ્રમ વિભાજનની વ્યવસ્થા વર્ણવ્યવસ્થામાં નહિ, પણ આશ્રમવ્યવસ્થામાં (બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ) કરવામાં આવી છે. વર્ણવ્યવસ્થાનું મૂળ તો મનોવૈજ્ઞાનિક છે. ચારે બાજુ શ્રમ – આ શ્રમ – એવું નામ જ શ્રમવિભાજન સૂચવે છે. અને ‘वुञ्‌ वरणे’ – પસંદ કરવું – એ ધાતુ પરથી નીકળેલો ‘વર્ણ’ શબ્દ જ મનુષ્યને પોતાની પ્રવૃત્તિની પસંદગીનું સ્વાતંત્ર્ય સૂચવે છે. એ સ્વાતંત્ર્ય વ્યક્તિના માનસિક વલણ ઉપર આધાર રાખે છે. એ વલણ ભૌતિક અને આધ્યાત્મિક – બન્ને આવશ્યકતાઓને પોતાનામાં સમાવે છે. એટલે આ વર્ણવ્યવસ્થા વ્યવસાયલક્ષી નહિ પણ ત્રિગુણયુક્ત મનોવલણલક્ષી છે અને ત્રિવિધ મનોવલણનો વિકાસ આધ્યાત્મિક અભિમુખતાને પ્રેરી શકે છે.

ચાર વર્ણો એ કેવળ ચાર વ્યવસાયો જ ન હતા. એ ચાર પ્રવૃત્તિઓ-મનોવલણો હતાં. વ્યવસાયલક્ષિતા તો ફક્ત વૈશ્યોની એક વિશિષ્ટ પ્રવૃત્તિ (વલણ, પ્રકૃતિ) છે. ચાર વર્ણો દ્વારા માનવના મનનાં ચાર વલણો – મનની વૃત્તિઓની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે માનવમનની આ વૈશ્યની મનોવૃત્તિમાં જ શ્રમવિભાજનનો ખ્યાલ પડેલો છે. વસ્તુવિનિયમ,શ્રમવિનિયમ – વગેરે આમાં સમાય છે. આ ગણાવેલાં વલણો એટલાં તો વૈશ્વિક છે કે ગમે તે દેશકાળમાં તે દરેક મનુષ્યમાં રહેવાનાં જ. એટલે શ્રમવિભાજનને વર્ણવ્યવસ્થા સાથે સાંકળવી હોય તો પણ તે એક ચતુર્થાંશ ભાગને જ લાગુ પડે છે અને એ પણ એક વલણ તરીકે જ. બાકી વર્ણવ્યવસ્થામાં શ્રમવિભાજન નથી જ. ‘વર્ણ’એ ‘વૃત્તિ’ નથી પણ મનોવલણ છે. શ્રમવિભાજન તો મનુષ્યની આર્થિક આવશ્યકતાઓ પર જ આધારિત છે, જ્યારે વૈદિક વર્ણવ્યવસ્થા તો મનુષ્યની ભૌતિક, માનસિક અને આત્મિક આવશ્યકતાઓ પર આધારિત છે. માણસ વ્યવસાય બદલી શકે, પણ મનોવૃત્તિ ન બદલાય. એ તો પ્રત્યેક મનની વિશિષ્ટ ધાતુ – ઉપાદાન – હોય છે એટલે વર્ણવ્યવસ્થા એ મનુષ્યની આગવી રુચિ, વિશિષ્ટ બુદ્ધિશક્તિ પર આધારિત સ્વપસંદગીની મનોવૈજ્ઞાનિક વ્યવસ્થા છે. એને એમાંથી જ વિકૃતિ કરેલી જ્ઞાતિ-જાત-પાત સાથે કોઈ સંબંધ નથી. અદ્યતન મોટા મોટા શિક્ષણશાસ્ત્રીઓ અને મનોવૈજ્ઞાનિકોને પણ આવી સમાજવ્યવસ્થા આદર્શ લાગે તેમાં નવાઈ નથી. જે ગરબડ થઈ છે તે પાછળથી થયેલ અર્થવિકૃતિ અને પરિણામે સમાજવ્યવસ્થાની વિકૃતિને લીધે જ થઈ છે. ‘વર્ણવ્યવસ્થા’નો ‘શ્રમવિભાજન’ તરીકે થયેલી અર્થભ્રષ્ટતાનું એ દુષ્પરિણામ છે. ‘વર્ણ’ શબ્દનું પાછળથી થયેલું ‘અર્થ-પરિવર્તન’ પણ એ માટે જવાબદાર છે. એટલે ‘વર્ણ’નો મનોવલણ અર્થ કરીએ, તો વર્ણ બદલી શકાતો નથી. અને ‘વર્ણ’નો ‘વ્યવસાય’ એવો અર્થ કરીએ તો એ અવશ્ય યથારુચિ બદલી શકાય છે એવું તારણ નીકળે છે.

આજે તો સમાજ અર્થકેન્દ્રી બન્યો છે. મનોવલણો ‘સાધ્ય’ હોવાને બદલે દ્રવ્યોપાર્જનનું સાધન બની ગયું છે. એનું કારણ એ છે કે આપણે સમાજનું સુકાન આંધળી જડ શક્તિઓના હાથમાં સોંપી દીધું છે. એમાં ચેતના રેડી નથી. ચેતના રેડાય તો માનવીય મૂલ્યોનો ખ્યાલ આવે. પણ આપણે ચેતના ખોઈ બેઠા છીએ. ભોગો પ્રત્યેની લાલસાને ધન સંતોષી શકે એટલે આપણે વાણિયાવૃત્તિ-વૈશ્યવૃત્તિ તરફ ઢસડાયા છીએ. આ મૂલ્યનિષ્ઠાનો ઉપાય પણ વૈદિક વર્ણવ્યવસ્થામાં ભારતીય સંસ્કૃતિએ પ્રયોજ્યો છે. જૂના જમાનાના વસ્તુ વિનિમયના સમય પછી જ્યારે પૈસા-ધનનું સર્જન થયું અને એ ધનની કિંમત ઉત્તરોત્તર એટલી બધી વધી ગઈ કે એનાથી માણસોની – એના વલણ સહિત – ખરીદી થવાની નોબત આવી ગઈ! એનું જ પરિણામ આજનો વિષમ અર્થકેન્દ્રી સમાજ છે. આને માટે ભારતીય સંસ્કૃતિની વર્ણવ્યવસ્થામાં એ સમાધાન છે કે માનવનાં ચાર કુદરતે આપેલ અધિકાર જેવાં મુખ્ય વલણો પર પણ એણે નિયમન મૂક્યું હતું. માનવીય-બુદ્ધિનાં ચાર જન્મસિદ્ધ હક્ક જેવાં મુખ્ય વલણો આ છે : ઈજ્જત, શાસન, ધન અને ખેલકૂદ. ઈજ્જતનો અધિકારી બ્રાહ્મણ મોભાથી છકી ન જાય એટલે એને માનસન્માનથી દૂર રહેવાનું ફરમાવાયું, શાસનને અધિકારી ઉદ્ધત ન બને એટલા માટે તેને પણ દંડ દેવાનું ઠરાવાયું, સમાજમાં જ ધનપતિની સંભવિત સંઘરાખોરી અને અભિમાનને ડામવા માટે દાનની અનિવાર્યતા એના ઉપર રાખવામાં આવી અને અને રમતગમતના અધિકાર પ્રાપ્ત શૂદ્રને બ્રાહ્મણત્વ પ્રાપ્ત કરવાની છૂટ આપી. આમ કરવાથી પૈસાની ખરીદશક્તિમાં ઘટાડો થયો, જીવનમૂલ્યો પોષાયાં, સમાજની ઊર્ધ્વગામી અને ક્ષિતિજગામી – બન્ને પ્રકારની ઉન્નતિને સુયોગ્ય અવસરો મળવા શક્ય બન્યા, રોટી-કપડા-મકાનનાં ભૌતિક ભોગવિલાસી મૂલ્યો કરતાં વધુ ઉચ્ચતમ આધ્યાત્મિક મૂલ્યો ચીંધવામાં આવ્યા હતાં. જીવનનું લક્ષ્ય અર્થકેન્દ્રીને બદલે ધર્મકેન્દ્રી – મૂલ્યકેન્દ્રી ઠરાવવામાં આવ્યું હતું. અહીં અધિકાર અને સત્તાની સ્વતંત્રતા સાથે નિયમનનો (બંધનનો) સુંદર સમન્વય થયો છે. આજે બધાને બધા જ અધિકારો જોઈએ છે. પણ કશું નિયમન જોઈતું નથી. વર્તમાન સમાજમાં વૈશ્યોનું પલ્લું ભારે છે. અન્ય વર્ણોના અધિકારો ઉપરાંત એમણે શૂદ્રો પાસેથી ખેલકૂદનો અધિકાર પણ છીનવી લીધો છે. પરિણામે, આગલાં ત્રણ વર્ણોનો આદર્શ તો ક્યાંય ખોવાઈ ગયો છે! વૈશ્યત્વનો ભારે સમાજ આજે કણસી રહ્યો છે. રૂપિયાની (ધનની) ખરીદ શક્તિ ઘટાડવાની વૈદિક વર્ણવ્યવસ્થાની ચાર પ્રકારની પૂર્વોક્ત સ્વાર્થપરાર્થસાધક અધિકાર અને નિયમનની વ્યવસ્થા આજે સાવ પડી ભાંગી છે.

વૈદિક વર્ણવ્યવસ્થા તો માનવની ભીતરનાં વલણો, એની આકાંક્ષાઓની મનોવૈજ્ઞાનિક વહેંચણી છે. પણ બધી જ વસ્તુઓ વહેંચવાને બદલે એકી સાથે એક સ્થળે ભેગી થાય – સત્તા, ધન, ઈજ્જત – બધું એક સ્થળે ભેગું પરાણે કરાય કે હડપ કરાય તો સમાજમાં અરાજકતા જાગે છે, એ જ અત્યારે છે. આજે ધનથી આબરુ, સત્તા, ખેલકૂદ બધું ખરીદાય છે. ધનની ખરીદશક્તિ બેસૂમાર વધી ગઈ છે. એટલે બધા જ વૈશ્યો થવા ઇચ્છે છે. જીવનમાં ધનની એટલી આવશ્યકતા ન હોવા છતાં ધનસંચય લોકો કર્યે જ રાખે છે.

વિશિષ્ટ મનોવૃત્તિઓવાળી વ્યક્તિઓને-વર્ણને-તેના પોતપોતાનાં પૂર્વોક્તિ અધિકારો અને કર્તવ્યો સોંપી દેવાય તો જ સમાજની અરાજકતા મટે. આજે એવું નથી, આજે ધનસંગ્રહનું વલણ અને કૌશલ ન હોય એવી વ્યક્તિ પણ ધન માટે ખૂબ દોડાદોડી કરે છે. કારણ કે આજે ધનકેન્દ્રી સમાજમાં ધનથી ગમે તેના અધિકારો ખરીદી શકાય છે. અને અધિકારો જ ખરીદવાની મનોવૃત્તિ સાહજિક છે એને કોઈ કર્તવ્યની ખરીદી તો કરવી નથી! માણસને ધન કરતાં આબરુ અને સત્તા વધારે ગમે છે પણ આજે એના સાધન તરીકે ધન જ હોવાથી મરજી ન હોય તોય એ ધન પાછળ દોડે છે. આમ આપણા યુવાધનની વિવિધ શક્તિઓ ધન પાછળની દોડમાં જ વેડફાઈ જાય છે. વર્ણવ્યવસ્થાની મૂલગત વિચારધારાને સમજીએ તો આપણા યુવાધનની કેટલીય વિશિષ્ટ શક્તિઓ વેડફાતી બચી જાય! આજે વ્યક્તિના મનોવલણની-પસંદગીની-પરવા થતી નથી અને એને અનિચ્છનીય અને અકૌશલવાળા વ્યવસાયમાં કેવળ ધનોપાર્જન માટે જવું પડે એનું નામ જ ‘વર્ણસંકરતા’ કહેવાય.

(ક્રમશ:)

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.