(ડિસે.૦૭ થી આગળ)

ઘેલા સોમનાથથી ચાલીને એક કાઠી દરબારના ગામમાં (તેઓ એક જ ગામના રાજા હતા) રાત વિતાવી પછીના દિવસે ભોજપુરા પહોંચ્યો. આ ગામ ચારણોની વસતી હતી. એ નાના કાઠી-રાજાના રાજ્યમાં હતું. રાજકોટથી ચૌદેક માઈલ દૂર હશે. રસ્તામાં એક ગોસાંઈ સાધુ પણ સાથે હતા. તેઓ જ વ્યવસ્થા કરતા રહેતા હતા. ગામના વૃદ્ધ ચારણ પટેલ (મુખ્ય માણસ) ઘણા ભલા માણસ હતા. એમને ઘણો જૂનો ઇતિહાસ કંઠસ્થ હતો. આમ તો મોટા ભાગની કથાઓ એ જ વિસ્તારની હતી. વાતવાતમાં એમણે કહ્યું: ‘સ્વામીજી, અમારા ઠાકુર સાહેબના મૃત્યુ પછી મારા મનને ક્યાંય ચેન પડતું નથી. અરે, તેઓ તો એક દેવતા હતા, દેવતા.’ કાઠિયાવાડમાં રાજાઓને ‘દરબાર’થી સંબોધે છે અને રાજપૂત નાના રાજા હોય તો તેને ‘ઠાકુર-ઠાકોર’ કહે છે. બધા લોકો રાજમહેલને ‘દરબાર ગઢ’ કહે છે. એટલે વિસ્મિતભાવે હું મનમાં વિચારતો હતો – આ ભાઈ કોની વાત કરતા હશે, કારણ કે એ લોકો તો કાઠી રાજાની પ્રજા છે. તેમણે મારા મનની શંકા જાણીને કહ્યું, ‘કેમ, રાજકોટના ઠાકોર સાહેબ શ્રીલાખાજીરાજ છે ને?’ મેં કહ્યું: ‘પણ તેઓ તમારા રાજા નથી.’ એમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું: ‘વસ્તુત: તેઓ જ અમારા રાજા છે. એમની દયાભાવનાની શી વાત કરું! બીજા રાજ્યના રાજા હોવા છતાં પણ એમનું અમારા પ્રત્યેનું વર્તન-આચરણ પોતાની પ્રજા જેવાં જ રહ્યાં છે. જાણે કે પ્રજાને પોતાની બનાવી લેનારા રાજા હતા. ગયે વખતે જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે અમે ઘી-મગફળી વેચવા ત્યાં ગયા હતા. પોલિસે અમને ત્યાં પ્રવેશવા ન દીધા. અમે તો મુશ્કેલીમાં પડી ગયા. ઠાકોર સાહેબને આ વાતનો ખ્યાલ આવતાં જ તેઓ પોતે જ આવ્યા અને મોંમાગી કીમતે અમારો માલ લઈ ગયા. સ્વામીજી, આવું કામ કયો રાજા કરે છે? – એમણે કહ્યું હતું: ‘એમના ઘરબારનો વ્યવહાર રાજકોટને લીધે થાય છે. હવે એ લોકો ક્યાં જાય?’ – વાતને આગળ ધપાવતાં એ વૃદ્ધ ચારણે કહ્યું: ‘તેઓ જીવતા રહ્યા ત્યાં સુધી અમારું ઘી અને બીજી નીપજ ખરીદી લેતા અને અમારું રક્ષણ પણ કરતા. તેઓ પોતે જ ઘરે ઘરે જઈને માંદાના ખબર-અંતર પૂછતા. દવા અને પથ્યાદિની વ્યવસ્થા પણ કરતા. એક વૃદ્ધ સ્ત્રી પ્લેગના રોગમાં પટકાણી હતી. બિચારી દુ:ખની મારી કણસતી હતી. પોતાને ચેપ લાગવાની અને પોતાના જીવની પરવા કર્યા વિના તેઓ પોતે જ એમને જોવા ગયા. એમને કઈ કઈ ચીજ વસ્તુની જરૂર છે, એ પણ જાણી લીધું. એમણે જોયું માજીને માખીઓ બહુ સતાવતી હતી. બજારમાં મચ્છરદાની ન મળતાં એમણે પોતાની જ મચ્છરદાની મહેલમાંથી લાવીને વૃદ્ધાના ખાટલા પર પોતાની હાથે જ બાંધી દીધી. સ્વામીજી, અમારે માટે તો તેઓ એક દેવ સમાન હતા!’ વાત કરતાં કરતાં વૃદ્ધ ચારણની આંખોમાં આંસું આવી ગયાં. મારા મુખેથી શબ્દો સરી પડ્યા: ‘ધન્ય છે લાખાજીરાજ! વાસ્તવિક રીતે તેઓ નરદેહે દેવ જ હતા!’

અહીં મેં એક આંબાનું વૃક્ષ જોયું. મારા જીવનમાં આવું વૃક્ષ ક્યારેય જોયું નથી. એ આંબો સૂકી પહાડી નદીની વચ્ચે જ હતો. આંબાનું થડ એટલું વિશાળ હતું કે પાંચ માણસો સાથે મળીને પણ તેના થડને ચોતરફે પકડી ન શકતા. ભૂમિથી તે ત્રીસ ફૂટ જેટલો ઊંચો હતો. એના પર વિશાળ ડાળો હતી. આટલા ઊંચા આંબાની ટોંચને જોવા ડોકને સહેજ ઊંચી કરવી જ પડે. નવાઈની વાત તો એ હતી કે નીચેથી જ એની છાલ નાના છોડ જેવી નરમ હતી. સામાન્ય આંબો થોડો મોટો થાય એટલે એની છાલ એટલી નરમ અને લીલી નથી રહેતી.

લોકોને એવી દૃઢ શ્રદ્ધા છે કે એ વૃક્ષમાં કોઈ દેવતાનો વાસ છે. એટલે જ કોઈ વ્યક્તિ એ આંબા પર ચડતો નથી અને આંબે કેરીઓ આવે ત્યારે પોતાની મેળે નીચે ખરેલી કેરીઓ પર બધાનો અધિકાર રહે છે. પેલા વૃદ્ધ ચારણે કહ્યું કે પોતાની ઉંમર ૭૧-૭૨ વર્ષની થઈ છે. તેઓ આ આંબાને એવો ને એવો જ જોતા આવ્યા છે. દર વર્ષે એના પર મધ જેવી સેંકડો કેરીઓ આવે છે.

પેલા ગોસાંઈ સાધુ મને રસ્તો બતાવીને લઈ જતા હતા. ભૂલથી અમે એક મોટા ઘાસના મેદાનમાં પહોંચ્યા. સંધ્યા થવા આવી હતી. એ જોઈને મેં રાત્રી નિવાસ કરવા માટે કોઈ યોગ્ય સ્થળ જોવા એમને કહ્યું. દૂરથી એક મોટું વડલાનું ઝાળ નજરે પડ્યું. પાસે જઈને જોયું તો એ વડલાના થડની આજુબાજુ એક સિમેન્ટનો મોટો ચબૂતરો હતો. ઘાસની કાપણી થઈ ગયા પછી ગામના લોકો પોતાના ગાયભેંસ સાથે ત્યાં જ રહે છે. નજીકમાં એક કૂવો પણ છે.

આવું વાતાવરણ જોઈને ત્યાં રાત રોકાવાનો નિશ્ચય કર્યો. પેલા ગોસાંઈ બાવાજીએ એક મોટી ધુણી પેટાવી. મેં તો પેલા ચબૂતરા પર આસન જમાવ્યું અને એમણે ધુણીની આગની પાસે જ પોતાનું આસન જમાવ્યું. આખી રાત આમ આગને પ્રગટાવેલી રાખવી પડે; એનું કારણ એ હતું કે અહીં હિંસક પશુઓનો ભય રહેતો હતો. થોડીવાર પછી જોયું તો ચબૂતરાની ચારેબાજુએથી કીડીઓ લાઈન બંધ આવી રહી હતી. મેં કહ્યું: ‘હવે શું કરવું?’ પેલા ગોસાંઈ સાધુએ જોઈને કહ્યું: ‘મહારાજ, સર્વનાશ! આ કીડીઓ નથી આ તો જૂ છે.’ હવે કરવું શું? એમણે ગરમ રાખ લાવીને એની એક ઊંચી ઢગલી આસનની આસપાસ કરી દીધી. પછી કહ્યું: ‘હવે કાંઈ ડરવાની જરૂર નથી. એ રાખની આ બાજુ આવી નહિ શકે.’ આમ છતાં પણ ભયને લીધે રાતે ઊંઘ ન આવી. રાતે વળી પાછી બેત્રણવાર રાખ પાથરી. સવારે સ્નાન વગેરે જવા માટે તૈયાર થયો અને જોયું તો જે સ્થાને પેલા ગોસ્વામીની ધુણી હતી ત્યાં અસંખ્ય જૂ હતી. જમીન જાણે કે જૂથી જ ઢંકાઈ ગઈ હતી. મેં કહ્યું: ‘તમે અહીં રહી કેવી રીતે શક્યા?’ એમણે કહ્યું: ‘સ્વામીજી, મારા લોહીમાં ખારાશ વધારે છે અને તમારું લોહી મીઠું છે. એટલે આ જૂ મને કાંઈ ન કરી શકે, પણ તમને ન છોડત.’

ત્યાંથી ડુંગરા-ટેકરા અને જંગલોની વચ્ચે જૂના કિલ્લા વગેરે જોતાં જોતાં અને કાઠીઓની રણભૂમિ – કાઠીઓના ઇતિહાસની અત્યંત પવિત્ર ઘટનાઓનાં સ્થળને જોતાં જોતાં અમે ચોટીલા પહોંચ્યા. આ પણ એક પ્રાચીન ઐતિહાસિક સ્થાન છે. સ્થળ ઘણું સારું લાગ્યું અને ત્યાંના લોકોની વીરતાની કથા સાંભળીને વધુ સારું લાગ્યું. ત્રણ રાત ત્યાં રહ્યો પછી ભાણ ગયો. અને ત્યાંથી વાંકાનેર થઈને રવ દરબારના ગામમાં ગયો. આ દરબારના કારભારી ઘણા ઘનિષ્ઠ મિત્ર હતા. ત્યાં ચૂપચાપ જઈને શાળાના શિક્ષકના હાથે કારભારીને પત્ર મોકલ્યો : ‘તમારા દરબાર ગઢમાં દખલ કરવા આવ્યો છું. સેના વગેરે લઈને તૈયાર થઈ જાઓ. બગીચામાં ઊતર્યો છું ત્યાં આવીને મળી શકો છો.’ હસ્તાક્ષર કર્યા નહિ અને જો કારભારી પૂછે તો એક સંન્યાસી બાબાએ દીધી છે એમ કહેવાનું કહ્યું. ત્રણ-ચાર ગામના નાના એવા રાજા હતા. સીપાઈઓના નામે ત્યાં ઉભેલ એક ચોકીદાર સિવાય બીજું કોઈ હતું નહિ. પત્ર વાંચીને કારભારી ગભરાઈ ગયો અને પૂછ્યું: ‘આ ચિઠ્ઠી ક્યાંથી મળી?’ શિક્ષકે મારી વાત દોહરાવીને કીધી. એમણે કહ્યું: ‘તે ક્યાંના છે? જરા જલદી બતાવો.’ તલવાર વગેરે સાથે બેચાર માણસોને લઈને બગીચામાં હાજર થયા. એ વખતે હું સ્નાન કરીને કપડાં પહેરતો હતો. મને જોઈને એને શાંતિ થઈ. હું હસવા લાગ્યો. એમણે કહ્યું: ‘સ્વામીજી હું તો ડરી ગયો હતો. પરંતુ…’ મેં કહ્યું: ‘જો એ પણ એક બંદૂકધારી હોત તો તમે જે લોકોને સાથે લાવ્યા છો એ ખરેખર ભાગી જ જાત.’ અમે બંને મળીને ખૂબ હસ્યા. આ સાંભળીને રાજા પણ ખડખડાટ હસ્યા.

એક રાત ત્યાં રહીને પછીના દિવસે હું રાજકોટ પાછો ફર્યો. ત્યાંથી રાજકોટ કેવળ સાત માઈલ જ દૂર થાય. તે રાજાના ખાસ મહેલમાં ભૂતોના ઉપદ્રવને કારણે તેઓ મહેલ છોડીને એક બંગલામાં રહેતા હતા. શું હું ત્યાં જઈને ભૂતોને ભગાડી શકું ખરો, એ વિશે કારભારી દ્વારા મને પૂછાવ્યું અને એને માટે તેઓ મને ખુશ કરશે એમ પણ કહ્યું. રાજાની વાત સાંભળીને મેં કહ્યું: ‘ભૂતોને તો હું ભગાડી શકું, પણ ત્યાં મારા જ જેવા બે-ચાર જણાએ રહેવું પડે. જો એમ ન થાય તો અમે આ સ્થળ છોડીએ કે તરત જ ભૂત પાછા આવી જશે. જો દરબાર રાજી થાય તો અમે આવીને એ મકાનમાં રહીએ. તેઓ અમારા ભોજન વગેરેનો ખર્ચ આપતા રહે અને પોતે જ્યાં રહે છે ત્યાં જ રહે. એનું કારણ એ છે કે અમે જેવો મહેલ છોડીએ કે ભૂત પાછા આવી શકે છે. એટલે એ મહેલ અમે છોડવાના નથી.’ દરબારે સાંભળીને કહ્યું: ‘અરે બાપરે! એક ભૂત જાય અને બીજા ભૂતો અડ્ડો જમાવી દે! અને ઉપરથી ખર્ચ પણ વધે! મારે એવી કંઈ જરૂર નથી.’ રાજકોટ પાછો ફર્યો અને ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’નો ગુજરાતી અનુવાદ કરવામાં સહાય કરવા લાગ્યો. એક બાજુએ હરિશંકરભાઈ સાથે ‘લીલાપ્રસંગ’નો અનુવાદ અને બીજી બાજુએ જયંતીલાલ ભાઈ ઓઝાને ‘ભક્તિતત્ત્વ’ એ ગ્રંથ લખાવવાનું કાર્ય. દરરોજ બપોરે, રાતે અને સવારે ઊઠીને એમની સાથે કામ કરવું પડતું. એ વખતે તેઓ એક મહિનો આશ્રમમાં જ રહ્યા હતા. હું બધું ક્રમબદ્ધ ગોઠવીને રાખતો અને તેઓ આવે એટલે બોલ્યે જાતો અને તેઓ શુદ્ધ ભાષામાં લખી લેતા. એ સમયે મારું ગુજરાતીનું જ્ઞાન ઘણું અલ્પ હતું. આ રીતે સારો એવો પરિશ્રમ કરીને ‘ભક્તિતત્ત્વ’ તો લખાઈ ગયું અને આશ્રમમાંથી છપાવવાની વાત થવાને લીધે એ પુસ્તકની મૂળ પ્રત આશ્રમને આપી દીધી. પરંતુ અંતે જયંતીલાલભાઈના પ્રયત્નોને લીધે જ એ પુસ્તક પ્રકાશિત થયું. એમણે તે પુસ્તક છપાવવા માટે ધન વગેરે પણ એકઠું કરી દીધું.

‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ના ‘બાલ્યજીવન’ના પ્રથમ ભાગનો અનુવાદ પૂરો થતાં ભક્તદર્શન માટે એકવાર રાજકોટથી પંદર-સોળ કી.મી. દૂર પડધરી ગયો. ત્યાંથી વાતચીત પાકી કરવા ડિસેમ્બરમાં હું બિલખા ગયો. વાત પાકી થઈ અને ૧૯૩૦ની જાન્યુઆરીમાં ત્યાં સેવાશ્રમનું ઉદ્‌ઘાટન થયું. વળી બિલખાના રાજાએ ‘લીલાપ્રસંગ’નો પ્રથમ ભાગ છપાવવા અને રાજકોટના નવા આશ્રમમાં એક નવો ઓરડો બનાવવાનો ખર્ચ પણ આપ્યો. બિલખા જતાં પહેલાં રાજકોટ આશ્રમને એક વર્ષનું અનાજ અને એને રાખવા માટે લોખંડની કોઠી વગેરે પણ અપાવી દીધી.

૧૯૩૦ના ઉનાળામાં બાલાચડીમાં આવેલ જામસાહેબના ગ્રીષ્માવાસમાં હું ગયો. પરશુરામ જુન્નારકરે એની વ્યવસ્થા કરી દીધી હતી અને હડિયાણા ગામના શેઠની દુકાનમાંથી ખર્ચ વગેરે આપવામાં આવતો હતો.

આતંક નિગ્રહ કંપનીના સુવર્ણજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રી શંકરલાલભાઈ મને જામનગર લઈ ગયા. કાર્યક્રમ પૂરો થયા પછી બે-ત્રણ દિવસ બાદ તેમણે મને પોતાની કારમાં હડિયાણા પહોંચાડી દીધો. હડિયાણા પહોંચીને સવારે શેઠજી સાથે શંકરભાઈ ચા-નાસ્તો કરીને ધ્રોલ થઈને રાજકોટ જશે, એવી વાતચીત થતી હતી. વાત સાંભળતાં જ શેઠજીએ કહ્યું: ‘સવારના પહોરમાં જ નામ લઈ લીધું! કાંઈ ન થાય તો જીવ બચે.’ અમે હસ્યા એટલે એમણે કેટલીયે ઘટનાઓનો ઉલ્લેખ કરીને કહ્યું કે ધ્રોલનું નામ લેતાં વેંત જ આવી બધી દુર્ઘટનાઓ થઈ હતી. એટલામાં છનનન્‌ એવો અવાજ આવ્યો. બધા શાંત થઈ ગયા. તેઓ ત્યાંથી ઊઠીને ગયા અને લગભગ ૨૦ મિનિટ પછી નોકરની સાથે ચા-નાસ્તો લઈને આવ્યા. ચા પીધા પછી શંકરભાઈ ચાલ્યા ગયા – સાંજે જોયું તો એક નોકર પોતાના ઓરડામાં સૂતો હતો અને એના હાથ પગમાં પટ્ટીઓ બાંધી હતી. શું થયું એમ પૂછતાં એણે કહ્યું કે સવારે અમે લોકો ચા લાવતા હતા ત્યારે ઠેસ લાગી અને ગરમ ચાથી ધગી ગયો અને થોડા ઘા પણ લાગ્યાં છે. કાચનાં બધાંય વાસણ ભાંગીને ભુક્કો થઈ ગયાં. ત્યાર પછી શંકરભાઈનો પત્ર આવ્યો. તેમાં લખ્યું હતું કે રસ્તામાં બે વાર પંચર પડવાથી ઘણી મુશ્કેલી વેઠવી પડી. આખો દિવસ કંઈ ખાવાનુંયે ન મળ્યું. સાંજે વાળુ મળ્યું. વગેરે. કોઈ માને કે ન માને આવી જ ઘટના ઘટી હતી. એટલે લોકો ધ્રોલને અપશુકનિયાળ ગામ કહે છે અને એનું નામ પણ લેતા નથી.

(ક્રમશ:)

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.