(ગતાંકથી આગળ)

આધ્યાત્મિક ઉન્નતિ એ જ બધાં અનિષ્ટનો રામબાણ ઈલાજ છે : ભારતનું કેન્દ્રવર્તી જીવનબળ હંમેશાં ધર્મ જ રહ્યું છે. કોઈ પણ પ્રકારના સામાજિક પરિવર્તન માટે એ જ સ્વાભાવિક અને સૌથી વધારે શક્તિશાળી માધ્યમ છે. આ વાત પર પુન: પુન: ભાર મૂકતાં સ્વામી વિવેકાનંદ કહે છે : 

‘સાહજિક રીતે જ દરેક પ્રજાને પોતાની વિશિષ્ટતા અને પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ હોય છે; એ સાથે જ એ જન્મી હોય છે… આપણી આ પુણ્યભૂમિમાં આવો પાયો, આવો મેરુદંડ, જીવનની આવી આધારશિલા ધર્મ અને કેવળ ધર્મ જ છે… આ પ્રજા ટકી રહી છે, હજી સુધી અસ્તિત્વ ધરાવી રહી છે; તેનું કારણ એ છે કે એ હજી સુધી ઈશ્વરને વળગી રહી છે, ધર્મ અને આધ્યાત્મિકતાના ભંડારને પકડી રહી છે.’ (૪.૩૯)

એટલે જ આપણા રાષ્ટ્રના ક્ષેમકલ્યાણ માટે આપણે આપણા આ જીવનકેન્દ્રમાંથી જ પુષ્ટિ મેળવવી જોઈએ, એ આદેશાત્મક છે. જો આપણું જીવન આધ્યાત્મિકતાના પથથી ચ્યૂત થાય તો એ વિકાસ કે ઉન્નતિ અસ્વાભાવિક જ બની રહેશે અને સ્વામીજીએ ચેતવણી ઉચ્ચારી છે તે પ્રમાણે સમાજના પતન માટેનું એક નોતરું બની રહેશે. 

‘જો તમે એ આધ્યાત્મિકતાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી દેશો, તો પરિણામ એ આવશે કે ત્રણ પેઢીની અંદર, તમે એક પ્રજા તરીકે પૃથ્વીના પટ પરથી ભૂંસાઈ જશો; કારણ કે જે પ્રજાનો મેરુદંડ ભાંગી ગયો હોય, જે પાયા ઉપર રાષ્ટ્રિય ઈમારતનું ચણતર થયેલું હોય છે તે પાયા જો મૂળમાંથી ખોરાઈને પોલા પડી ગયા હોય, તો પરિણામે એ પ્રજાનો સાર્વત્રિક વિનાશ થાય છે.’ (૪.૪૩)

આધ્યાત્મિકતાની ઝંકૃતિવાળું જીવન એ જ આપણી સામાજિક સમસ્યાના ઉકેલનો રામબાણ ઈલાજ છે :

‘આપણું જીવનરક્ત છે આધ્યાત્મિકતા. એ જો સાફ હોય, જો એ સશક્ત, શુદ્ધ અને જોમવાળું હોય તો સારું; રાજદ્વારી, સામાજિક કે બીજી ભૌતિક ખામીઓ દેશની ગરીબાઈ સુધ્ધાં, જો રક્ત શુદ્ધ હશે તો એ બધાંને હઠાવી શકાશે.’ (૪.૧૬૧)

એટલે જ આપણી સામે રહેલું તત્કાળ કરવાનું ભગીરથકાર્ય આપણી આધ્યાત્મિક જડોને વધુ મજબૂત બનાવવાનું છે. ભલે આપણે આધ્યાત્મિકતામાં માનતા હોઈએ કે ન માનતા હોઈએ પરંતુ આપણા રાષ્ટ્ર જીવન ખાતર આપણે આધ્યાત્મિકતા પર વર્ચસ્વ મેળવવું જ રહ્યું. રાષ્ટ્રના આ આદર્શ પાસે જીવનના કોઈ પણ ખૂણેથી આવતો વિચાર પણ ગૌણ ગણાવો જોઈએ.

આધ્યાત્મિકતા કેન્દ્રિત નાગરિકોમાં વૃદ્ધિ કરવી એ આજની તાતી આવશ્યકતા : આપણા જીવનના રક્તપ્રવાહ સમી આ આધ્યાત્મિકતાને વધુ પ્રબળ બનાવવી ત્યારે જ શક્ય બને કે જ્યારે આપણે નૈતિક પાલનની પ્રબળ આધારશિલા રચીએ. આપણા સમાજનું પુનર્નિર્માણનો આધાર આવા આધ્યાત્મિકતા કેન્દ્રી નાગરિકોમાં વૃદ્ધિ કરવા પર રહેલો છે. આવા જ સ્ત્રીપુરુષો પોતાના દૈનંદિન જીવનમાં આધ્યાત્મિકતાને વાસ્તવિક રૂપ અર્પી શકે છે અને સામાજિક મહાકાર્યને પૂર્ણ પણ કરી શકે છે.

‘જે સમાજમાં સર્વોચ્ચ સત્ય વ્યવહારુ બને, તે જ સમાજ સૌથી મહાન છે. આ મારો મત છે. અને જો સર્વોચ્ચ સત્યો અપનાવવા માટે સમાજ તૈયાર ન હોય, તો તેને તેવો બનાવો; જેમ જલદી એવું થાય તેમ વધુ સારું.’ (૭.૧૦૪)

આદર્શ અનુકરણીય વ્યક્તિ કેવી રીતે બનવું?

આદર્શ અનુકરણીય વ્યક્તિ બનવા માટેની બે આવશ્યકતાઓ : તમારાં બાળકો માટે તમારું જીવન પ્રેરક અનુકરણીય આદર્શ બને એ માટે આ બે વસ્તુ કરવી આવશ્યક છે. પહેલું, તમારે પોતે ઉમદા આદર્શ જીવનમાં સેવવો જોઈએ. બીજું, એ ઉમદા આદર્શની અનુભૂતિ કરવા માટેની પદ્ધતિને પણ તમારે સમજવી જોઈએ.

આદર્શ નહિ તો પ્રગતિ નહિ : જીવનમાં આદર્શના મહત્ત્વ વિશે સ્વામી વિવેકાનંદે ભારપૂર્વક આ શબ્દોમાં પોતાના વિચાર વ્યક્ત કર્યાં છે :

‘આદર્શવાળો માનવી કદાચ હજારો ભૂલો કરતો હશે, તો મારી ખાતરી છે કે આદર્શ વિહોણો માનવી તો પચાસ હજાર ભૂલો કરતો હશે. માટે આદર્શ રાખવો વધુ સારું છે. એટલું જ નહિ પણ જ્યાં સુધી આ આદર્શ આપણા હૃદયમાં, આપણા મગજમાં, આપણી નસોમાં ન પ્રવેશે, જ્યાં સુધી આપણા લોહીના પ્રત્યેક બિન્દુમાં તે ન ઝણઝણે અને શરીરનાં રોમેરોમમાં ન પ્રસરે, ત્યાં સુધી તે આદર્શ વિશે બને તેટલું સાંભળવું અને તેનું મનન કરવું જોઈએ.’ (૭.૧૬૧)

સીધીસાદી ભાષામાં કહીએ તો જીવનમાં આદર્શ ન હોય તો સાચી પ્રગતિ શક્ય નથી. એટલે જ તમારી જીવન યાત્રામાં સદૈવ માર્ગદર્શક ધ્રુવ તારાની જેમ ઉમદા આદર્શ હોવો અત્યંત આવશ્યક છે. 

પ્રાચીન સમયથી ભારતનો આદર્શ : હજારો વર્ષથી આધ્યાત્મિક તપસ્યા અને નિ:સ્વાર્થ સેવાભાવના આપણા સમાજના આદર્શો રહ્યા છે. આપણો સાંસ્કૃતિક અધિનાયક કોઈ શક્તિશાળી સમ્રાટ કે રાજા નથી. પરંતુ આપણો સાંસ્કૃતિક આદર્શ તો છે, ઉપર્યુક્ત બે આદર્શોને પોતાના જીવનમાં મૂર્તિમંત કરનાર સર્વત્યાગી સંન્યાસી. એટલે આપણા પૂર્વજોમાંના મહાનતમ રાજાઓથી માંડીને અદના આદમીએ આધ્યાત્મિક સંસ્કૃતિભર્યા ત્યાગમૂર્તિ બ્રાહ્મણમાં એ આદર્શને જોયો છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો:

‘ભારતમાં મહાનમાં મહાન સમ્રાટ પણ ચાહશે કે પોતાના કુળનો આદિ પુરુષ કોઈ કેવળ કૌપિન ધારણ કરનારો અને વનમાં રહીને કંદમૂળાદિથી નિર્વાહ કરનારો વેદવેત્તા પ્રાચીન ઋષિ હોય.’ (૪.૮૧)

સમગ્ર જનસમુહને હચમચાવી મૂકતાં સ્વામી વિવેકાનંદે આપેલા આહ્‌વાનમાં આપણા આ રાષ્ટ્રિય આદર્શનું આબેહૂબ ચિત્ર જોવા મળે છે. આ આહ્‌વાનમાં એક મંત્રસમા શક્તિ અને આકર્ષણ છે. એટલે જ એ આદર્શને સ્વદેશમંત્ર એવું લોકપ્રિય નામ મળ્યું છે.

‘ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહિ કે તારો ઉપાસ્યદેવ મહાન, તપસ્વીઓનો તપસ્વી, સર્વસ્વ ત્યાગી ઉમાપતિ શંકર છે; તું ભૂલતો નહિ કે તારું લગ્ન, તારી સંપત્તિ, તારું જીવન ઈંદ્રિયોના ભોગવિલાસને માટે નથી, તારા વ્યક્તિગત અંગત સુખને માટે નથી; તું ભૂલતો નહિ કે તારો જન્મ, જગદંબાની વેદી પર બલિદાન થવા માટે થયો છે; તું ભૂલતો નહિ કે તારી સમાજવ્યવસ્થા, અનંત વિશ્વવ્યાપી માતૃત્વનું પ્રતિબિંબ માત્ર છે; તું ભૂલતો નહિ કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, અભણ ભારતવાસી, ભારતનો ચમાર, ભારતનો ઝાડુ મારનારો ભંગી સુદ્ધાં તારા રક્તમાંસનાં સગાંઓ છે, તારા ભાઈઓ છે. હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા, અને અભિમાન લે કે તું ભારતવાસી છે, અને ગર્વપૂર્વક ગર્જના કર, કે હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે.’ તું પોકારી ઊઠ કે, ‘અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાલ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી, દરકેદરેક ભારતવાસી મારો ભાઈ છે!’ તારી કમ્મર પર પહેરવા ભલે માત્ર એક લંગોટી જ રહી હોય, તોપણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કર કે, ‘ભારતવાસી મારો ભાઈ છે, ભારતવાસી મારું જીવન છે, ભારતનાં દેવદેવીઓ મારા ઈશ્વર છે; ભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છે, મારા યૌવનનું આનંદવન છે, મારી વૃદ્ધાવસ્થાની મુક્તિદાયિની વારાણસી છે.’ ભાઈ! પોકારી ઊઠ કે ‘ભારતની ધરતી એ મારું સર્વોચ્ચ સ્વર્ગ છે. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે.’ અને અહોરાત્ર પ્રાર્થના કર કે, ‘હે ગૌરીપતે, હે જગજ્જનની અંબે! તું મને મનુષ્યત્વ આપ! હે સામર્થ્યદાયિની માતા! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હટાવ! મને મર્દ બનાવ!’ (૬.૧૪૧-૧૪૨)

ભારતના પુનરુત્થાન માટે સ્વામી વિવેકાનંદ આ પ્રાચીન આદર્શને આ શબ્દોમાં વ્યક્ત કરે છે :

‘ભારતના આપણા રાષ્ટ્રિય આદર્શો ત્યાગ અને સેવા છે. એ બે આદર્શોને ભારતની નસેનસમાં સક્રિય અને દૃઢમૂળ બનાવો એટલે બાકીનું બીજું બધું તો એની મેળે થઈ રહેશે.’

ત્યાગ અને સેવા – આ બે રાષ્ટ્રિય આદર્શો આપણી મુખ્ય આધારશિલા છે અને એના પર તમારે તમારું ઉમદા જીવન ઘડવાનું છે. આ બંને આદર્શો તમારાં ઉદ્દેશ્યો અને કાર્યો માટે પારસમણિ જેવું કાર્ય કરે છે. તેઓ એક આદર્શ માતપિતા અને શિક્ષક રૂપે ઉત્ક્રાંત થવા માટે આવશ્યક શક્તિથી તમને ભરી દેશે. 

ત્યાગ એક આદર્શ : ત્યાગને એક આદર્શરૂપ ગણવો એટલે શું? ત્યાગ એટલે ત્યજી દેવું, સમર્પિત કરી દેવું. સર્વકલ્યાણ માટે આપણા અહં, આપણી સ્વાર્થભાવના, આપણી વ્યક્તિગત આવશ્યકતાઓ, આપણા ગમા-અણગમાનો ત્યાગ. આ ત્યાગ કે સમર્પણ એ નૈતિકતાનો નિચોડ છે. ત્યાગ અને સમર્પણના આ ભાવનાની ઉદ્‌ઘોષણા કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે:

‘દુનિયાને પ્રકાશ કોણ આપશે? ભૂતકાળમાં આત્મભોગ તે ‘કાયદો’ હતો; અને અફસોસ કે યુગો સુધી તે રહેવાનો જ. ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ દુનિયાના વીર અને શ્રેષ્ઠ લોકોએ પોતાનું બલિદાન આપવું પડશે. અનંત પ્રેમ અને અમાપ દયાવાળા સેંકડો બુદ્ધોની (દુનિયા માટે) જરૂર છે.’ (૧૨.૫૯)

‘શા માટે આપણે આવાં ત્યાગ કે સમર્પણ કરવાં જોઈએ?’ જો એવો પ્રશ્ન તમે પૂછશો તો તેનો ઉત્તર આ છે. પહેલું, આવો ત્યાગ આપણને ઈર્ષ્યા, ભય, સંદેહ અને સદૈવ પિંજરામાં પૂરી દેતી ચિંતાઓથી મુક્ત કરવા શક્તિમાન બનાવે છે. બીજું, એનાથી આપણું મન પવિત્ર નિર્મળ બને છે અને તેનાથી મનમાં શાંતિ અને આનંદ ભરપૂર ભરાઈ જાય છે. ત્રીજું, આવા ત્યાગને લીધે બીજાઓ સાથે ના સુખદ, ઉમદા અને સંતોષજનક સંબંધો બાંધવામાં સહાય મળે છે. ચોથું, ત્યાગ અને સમર્પણને લીધે સમાજનું ક્ષેમકલ્યાણ થાય છે.

જે કુટુંબમાં મોટા ભાગના સભ્યો આ ત્યાગના આદર્શને સેવે છે તે કુટુંબ સુખીકુટુંબ બને છે. જે માનવ શ્રેષ્ઠ ત્યાગ અને સમર્પણભાવનું જીવન જીવે છે એને જ સમાજમાં આદર-માન મળે છે.

ત્યાગ એ કોઈ વૈરાગીએ કરેલા સંસારી આનંદ સુખનો ઈન્કાર નથી. આનંદ અને સુખ મેળવવા એ સ્વાભાવિક રીતે માનવની અત્યંત આવશ્યકતા છે. માત્ર આનંદને આપણે સાચી અને આદર્શ રીતે મેળવવો કે સંતોષવો જોઈએ. 

સ્વાર્થ ભાવનાને સમૂળ ત્યજી દેવી એ ત્યાગનું મુખ્ય પાસું છે. જ્યારે તમે તમારાં પુત્રપુત્રીના લાભાર્થે તમારી વ્યક્તિગત ઇચ્છાઓ અને રસના વિષયોનો ત્યાગ કરો ત્યારે તમે ત્યાગના ભાવને આવિર્ભૂત કરી શકો છો. એક શિક્ષક તરીકે તમે તમારો વ્યક્તિગત સમય અને સંસાધનોનો તમારા માનીતા વિદ્યાર્થીના કલ્યાણ માટે અવારનવાર ભોગ આપો છો. આવું બલિદાન કે આવો ત્યાગ ઐક્યની ભાવનાને કારણે શક્ય બને છે. સમગ્ર સમાજને આ ઐક્યમાં સમાવવા સુધીનો વિસ્તૃત વિકાસ કરવો એક પડકાર છે. એટલે આપણા માનવ બંધુઓની સમસ્યાઓ અને આવશ્યકતાઓ માટે ઉત્સુક બનવું કે સંવેદના અનુભવવી એ ત્યાગ છે. ‘તારા પાડોશીને તું તારી જેમ જ ચાહજે’ ઈશુની આ અમરવાણીમાં હૃદયમનની વિસ્તૃતિનું પ્રથમ પગલું જોવા મળે છે. ‘હું એકલો જ’માંથી ‘મારું કુટુંબ’, ‘મારો સમાજ’, ‘મારો દેશ’ અને અંતે ‘મારું વિશ્વ’ એવી ક્રમશ: અને સતત વિકાસશિલ વિસ્તૃતિ એટલે ત્યાગ. જેમ જેમ તમે લોકોના સમુદાય સાથે વિસ્તૃતિપૂર્વકની એકતા અનુભવો તેમ તેમ તમે વ્યક્તિગત રીતે વધુ ને વધુ મહાન સમર્પણભાવ કેળવી શકો. આ રીતે આપણા પ્રાચીન આદર્શ ‘વસુધૈવ કુટુંબકમ્‌’ને પ્રાપ્ત કરવામાં તમારું પ્રદાન આપી શકો.

નિ:સ્વાર્થભાવનાને કેળવવી એટલે ધર્મ કે આધ્યાત્મિક સાધના કરવી, કે જે આપણને પૂર્ણતા તરફ દોરી જાય છે. એટલે જ સ્વામી વિવેકાનંદે ત્યાગ અને નિ:સ્વાર્થ ભાવના વિશે આ વિચારો વ્યક્ત કર્યા છે :

‘નિ:સ્વાર્થવૃત્તિ હંમેશાં વિશેષ લાભ આપે છે; માત્ર માણસમાં કેવળ એવી વૃત્તિનો અમલ કરવાની ધીરજ હોતી નથી. આરોગ્યની દૃષ્ટિએ પણ નિ:સ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક છે. પ્રેમ, સત્ય અને નિ:સ્વાર્થવૃત્તિ એ નીતિ વિશેના માત્ર શાબ્દિક અલંકારો નથી, પણ એ આપણા ઊંચામાં ઊંચા આદર્શના ઘડવૈયા છે, આનાથી જ શક્તિ પ્રગટ થાય છે. દાખલા તરીકે જે માણસ પાંચ દિવસ, અરે પાંચ મિનિટ પણ નિ:સ્વાર્થપણે કશું કામ કરે, અને એ વખતે ભાવિનો, સ્વર્ગપ્રાપ્તિનો, સજાનો કે એવા કોઈ પ્રકારનો વિચાર ન કરે, તો એ માણસમાં શક્તિશાળી, નીતિમાન મહાપુરુષ થવાની તાકાત રહેલી છે… આ પ્રબળ અંકુશ એ આપણામાં રહેલી મહાન શક્તિનું આવિષ્કરણ છે; કોઈ પણ બાહ્ય કાર્ય કરતાં આ પ્રકારનો અંકુશ એક મહાન શક્તિનું દર્શન છે… આ રીતે બહાર જતી શક્તિઓ જો સ્વાર્થી હેતુથી વપરાતી હોય તો નિરર્થક જાય છે. એના પરિણામે કોઈ શક્તિ તમે પ્રાપ્ત કરી નહિ શકો; પણ જો એ અંકુશસહિત હોય તો એનું પરિણામ શક્તિના વિકાસમાં આવશે. આ અંકુશ, આ સંયમ એક પ્રબળ ઇચ્છાશક્તિ પેદા કરશે, અને ઈશુખ્રિસ્ત કે બુદ્ધ જેવા પાત્રને જન્મ આપશે.’ (૩.૨૬-૨૭)

સેવા એક આદર્શ રૂપે : ત્યાગ અને સેવાના આ બંને આદર્શ એક સાથે જીવવા જોઈએ. ત્યાગ અને સમર્પણ વિના સેવા શક્ય નથી અને સેવા વિનાનો ત્યાગ અપૂર્ણ છે. ભગવાન બુદ્ધે કહ્યું છે તેમ પૂર્ણ ધર્મ તો ‘ભલા થવું અને ભલું કરવું’માં છે. ત્યાગ અને સમર્પણભાવનો આદર્શ ત્યારે જ પૂર્ણ બને છે કે જ્યારે તે આપણામાં સક્રિય પ્રેમ, બીજા માટેની ચિંતા કે કાળજી અને આપણા માનવબંધુઓની સેવા કરવાની શક્તિ આપણામાં નીપજાવે. આ સેવાનો ભાવ માત્ર દાનશીલતા કે સ્થૂળ સેવાને મહત્ત્વ આપતો નથી, પરંતુ માનવને પ્રભુ માનીને સેવા કરવી જોઈએ. શ્રીરામકૃષ્ણદેવે એટલે જ ‘શિવજ્ઞાને જીવસેવા’નો આદર્શ આપ્યો હતો. એનો અર્થ માનવમાં રહેલા પ્રભુની માનવરૂપે સેવા કરવી. એમાં દયામાયા દાખવવાની વાત નથી પરંતુ, વિનમ્રભાવે દેવપૂજાના ભાવે માનવની સેવા કરવાની છે. શ્રીરામકૃષ્ણદેવના ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને ચરિતાર્થ કરવા સ્વામી વિવેકાનંદે જવાબદારી લીધી હતી અને એમણે પછીથી કહ્યું હતું: 

‘આટલી બધી આધ્યાત્મિક સાધના અને તપશ્ચર્યા પછી હું આટલું સાચું સત્ય સમજી શક્યો છું – દરેક જીવમાં ઈશ્વર રહેલો છે. એ સિવાય બીજો કોઈ ઈશ્વર નથી. જે જીવની સેવા કરે છે તે જ પ્રભુસેવા કરે છે.’ 

બીજાની કરેલી અલ્પમાત્ર સેવા પણ આપણી ભીતરની દિવ્યતાને જગાડવા સહાયરૂપ બને છે. પરંતુ આવો ઊંડો સહભાવ અને ફળની અનાસક્તિથી આવી સેવા થવી જોઈએ. સ્વામી વિવેકાનંદ આ વિશે કહે છે:

‘બાળકોને તમે જે કંઈ આપો તેના બદલામાં તમે એમની પાસેથી કંઈ માગો છો? બાળકો માટે કામ કરવું એ તમારું કર્તવ્ય છે, અને એમાં એ વાતનો છેડો આવી જાય છે. કોઈ વિશિષ્ટ વ્યક્તિ માટે શહેર માટે કે રાજ્ય માટે તમે જે કંઈ કરો ત્યારે તમારાં બાળકો અંગે જેવી વૃત્તિ રાખો એવી વૃત્તિ તમે ધારણ કરો, બદલામાં કશાની આશા ન રાખો.’ (૩.૪૭)

આવાં કાર્યને નિષ્કામ કર્મયોગ કહેવાય છે.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જે લોકોને સેવા મળે છે એના સંદર્ભમાં સેવાનું અંતિમ ધ્યેય શું છે? એનો ઉદ્દેશ્ય ‘હું આપું છું અને તમે લો છો’ એવા સંબંધનો નથી. એનો હેતુ ‘ચાલો આપણે સાથે ઉન્નતિ સાધીએ’ ના સંબંધનો છે. સેવા એટલે પ્રકૃતિદત્ત નૈતિક અને આધ્યાત્મિક શક્તિને જાગ્રત કરવી. એટલે કે એવા લોકો પોતાની મેળે ભૌતિક, નૈતિક અને આધ્યાત્મિક રીતે સહાય કરતા થાય એવી રીતે મદદ કરવાની છે. વાસ્તવિક રીતે તો જ્યારે તેઓ પોતાની ભીતરની શક્તિથી સચેત જાગ્રત થશે ત્યારે તેઓ સ્વાભાવિક રીતે ઉચ્ચતર જીવનની આકાંક્ષા કરતા થશે.

પાંચ મહાન ઋણ : સેવાની સંકલ્પનામાં માત્ર આપણા માનવબંધુઓનો જ સમાવેશ થતો નથી, પરંતુ તેમાં તો સમગ્ર બ્રહ્માંડ કે વિશ્વ સમાયેલું છે. આપણાં શાસ્ત્રોએ પાંચ મહાન ઋણ ગૃહસ્થો માટે નક્કી કર્યાં છે. આ પાંચ મહાઋણમાં – દેવઋણ, ઋષિઋણ, પિતૃઋણ, નૃઋણ અને ભૂતઋણનો સમાવેશ થાય છે. દેવઋણ : સૂર્ય, હવા, જળ, ભૂમિ, દૃષ્ટિ, શ્રવણશક્તિ અને વાણી વગેરે આપનાર દેવો પ્રત્યેનું ઋણ. ઋષિઋણ : ઋષિઓ કે સંતો જેમણે પોતાના સ્વપ્રયાસથી સર્વોત્કૃષ્ટ સત્યોની અનુભૂતિ કરી હતી અને એ પરમસત્યોને પામવા માટે આપણને સિદ્ધાંતો અને પથદર્શન કરાવ્યું છે. પિતૃઋણ : આપણે આજે જે છીએ એમાં આપણને આપણાં મા-બાપ તેમજ પૂર્વજો તરફથી મળેલા અમૂલ્ય પ્રદાનનું ઋણ. નૃઋણ : આપણા દૈનંદિન જીવનમાં માનવજાતે આપણને વિવિધ રીતે જે કંઈ પ્રદાન કર્યું છે તેનું ઋણ. ભૂતઋણ : માનવેતર પ્રજાતિઓ જેવાં કે વૃક્ષો, જંતુ, પશુપક્ષીઓ વગેરે દ્વારા પણ આપણને આપણા જીવનમાં કંઈક ને કંઈક સાંપડતું રહે છે એનું ઋણ.

આપણા સ્વાતંત્ર્ય આંદોલનની પાછળનું પ્રેરક બળ – ત્યાગ અને સેવાના આદર્શો : આ વાતની નોંધ લેવી પ્રાસંગિક છે કે આપણા આ સેવા અને ત્યાગના બે પ્રાચીન આદર્શોના પુનર્જાગરણને કારણે આપણો દેશ અંગ્રેજ સામ્રાજ્ય જેવી મહાન શક્તિશાળી તાકાત સામે સ્વાતંત્ર્ય આંદોલન સફળતાપૂર્વક ચલાવી શક્યો છે. અવિચળ સત્યનિષ્ઠા, સિંહમર્દની હિંમત, નિતાંત નિ:સ્વાર્થભાવના, તપસ્વી જેવું અતિ કઠિન જીવન અને રાષ્ટ્રની સેવા માટેનો ઉત્કટ પ્રેમ આ બધાં આપણા દેશના હજારો સ્વાતંત્ર્ય આંદોલનકારીઓ માટે ચારિત્ર્ય ઘડતર કરનારું બળ બન્યાં છે. પોતાના દેશબંધુઓને રાજનૈતિક અને સામાજિક મુક્તિના આંદોલનમાં દોરવણી આપવા માટે મોહનદાસ કરમચંદ ગાંધી નામના એક સફળ કાયદા નિષ્ણાતે પોતાના ધીકતા ધંધાને ત્યજી દીધો અને પોતાના કુટુંબની સુખસમૃદ્ધિની ચિંતા પણ છોડી દીધી; આમ કરીને તેઓ મહાત્મા ગાંધીના નામે એક મહાન ઉત્ક્રાંત માનવી બન્યા. બ્રિટિશ સરકારની સામે લડવા અને અંતે પોતાના જીવનનું બલિદાન આપી દેનારા સુભાષચંદ્ર બોઝે (આઈ.સી.એસ.) બ્રિટિશ રાજ્યની મોટા હોદ્દાની અમલદારી અને પોતાનું સર્વકંઈ ત્યજી દીધું. તેઓ નેતાજી સુભાષચંદ્ર બોઝના નામે અમર થઈ ગયા. આઝાદીના લડવૈયાનો બચાવ કરવા સુખ્યાત અને મેધાવી કાયદાશાસ્ત્રી શ્રી ચિત્તરંજન દાસે પોતાની સંપત્તિ અને સમયને સમર્પિત કરી દીધાં. એને લીધે તેઓ દેશબંધુ ચિત્તરંજન દાસના નામે સુખ્યાત બની ગયા. સુયોગ્ય રીતે જ આપણા બંધારણે આપણને આપણી મૂળભૂત ફરજોમાંની એક આ ફરજ સોંપી છે : ‘આપણા રાષ્ટ્રના સ્વાતંત્ર્ય આંદોલનમાં જે ઉમદા આદર્શોએ સ્વાતંત્ર્યવીરોને પ્રેર્યા છે તેનું હું જતન કરીશ અને એનું અનુસરણ કરીશ.’

(ક્રમશ:)

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.