ન (અમેરિકાનું) સ્ત્રીપૂજન, સ્ત્રીસન્માન! એ શક્તિપૂજા કેવળ કામવાસના નથી, પરંતુ શક્તિપૂજા, કુમારીપૂજા ને સૌભાગ્યવતીપૂજા છે; આપણા દેશમાં કાશીમાં, કલકત્તાના કાલીઘાટે તથા તીર્થસ્થાનોમાં જે થાય છે; કલ્પના કે કાવ્યકથામાં નહીં પણ જે પ્રત્યક્ષ રીતે કરવામાં આવે છે એ શક્તિપૂજા. માત્ર આપણી શક્તિપૂજા રહી ગઈ તીર્થોમાં, એ પ્રસંગ પૂરતી જ; એ લોકોમાં એ સતત ચાલે છે. દિવસરાત અને બારે માસ ત્યાં પ્રથમ આસન અપાય છે. સ્ત્રીઓને, પ્રથમ વસ્ત્રાભૂષણ તેમને, પ્રથમ ભોજન તેમને, પ્રથમ માન સન્માન તેમને, પ્રથમ ઉચ્ચસ્થાન તેમને. ત્યાંની સ્ત્રીસન્માનની આ ભાવના કેવળ ઉચ્ચ ખાનદાન કે યુવતીની કે રૂપસુંદરી પ્રત્યે જ છે, એવુંનથી; પરિચિત, અપરિચિત સર્વ સ્ત્રીઓ પ્રત્યે હોય છે.

ન જેમ પુરુષો માટે કેન્દ્રો શરૂ કરવાં પડશે, તેમ સ્ત્રીઓને ભણાવવા માટે પણ કેન્દ્રો શરૂ કરવાં પડશે. શિક્ષિત અને ચારિત્ર્યવાન બ્રહ્મચારિણીઓએ જુદાં જુદાં કેન્દ્રોમાં શિક્ષણ આપવાનું કાર્ય ઉપાડી લેવું જોઈએ. અદ્યતન વિજ્ઞાનની સહાય લઈને ઇતિહાસ અને પુરાણો, ગૃહવ્યવસ્થા અને લલિત કળાઓ, ગૃહજીવનની ફરજો તથા આદર્શ ચારિત્ર્યઘડતર માટેના સિદ્ધાંતો, વગેરે બધું શીખવવું; એ જ રીતે નીતિમાન અને આધ્યાત્મિક જીવન માટે કન્યાઓને તૈયાર કરવી. સમય આવ્યે તેઓ આદર્શ ગૃહિણી બની જાય એવું આપણે શીખવવાનું છે. જે ગુણો માતામાં વિશિષ્ટ રૂપે દેખાશે તે દ્વારા તેનાં બાળકો વધુ પ્રગતિ કરશે. શિક્ષિત અને પવિત્ર માતાઓના ઘરમાં જ મહાન પુરુષો જન્મે છે. જ્યારે આપણે તો આપણી સ્ત્રીઓને કેવળ પ્રજાત્પત્તિનું સાધન બનવી દીધી છે. અરે ભગવાન! આપણી કેળવણીનું શું આ પરિણામ? સ્ત્રીઓની ઉન્નતિ અને જનતાની જાગૃતિ પહેલાં થવી જોઈએ; ત્યાર પછી જ આ દેશનું- ભારતનું કંઈક સાચું કલ્યાણ થઈ શકશે.

ન પત્ની એ સહધર્મિણી છે. હિંદુઓએ સેંકડો ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે. પત્ની ન હોય તો એમની એક પણ વિધિ થઈ ન શકે. બ્રાહ્મણ તેમની છેડાછેડી બાંધે છે; અને આમ સાથે બંધાયેલાં જ તેઓ મંદિરોની પ્રદક્ષિણા ફરે છે અને મોટી મોટી યાત્રાઓ કરે છે… સીતા એ સ્ત્રીઓનો આદર્શ છે.

સીતા એટલે પવિત્ર, અતિ પવિત્ર, અને સર્વ સહન કરનારી સ્ત્રી! જે જે બધું સારું, પવિત્ર અને સુંદર છે, સ્ત્રીમાં સ્ત્રી કહેવા જેવું જે બધું છે, તેને ભારતમાં ‘સીતા’નું વિશેષણ અપાય છે. સીતા એટલે ધૈર્યશીલ, અતિ સહનશીલ, સદા પતિપરાયણ અને સર્વદા પવિત્ર નારી! પોતાને સહન કરવાં પડેલાં તમામ સંકટોમાં, રામ વિરુદ્ધ એક પણ કઠોર શબ્દ તેણે કાઢયો નથી. સીતાએ કદી દુષ્કર્મનો સામો બદલો વાળ્યો નથી. ‘સીતા બનો!’

ન વિકાસની પહેલી શરત છે સ્વાતંત્ર્ય. જો તમારામાંથી કોઈ એમ કહેવાની હિંમત કરતું હોય કે, ‘આ સ્ત્રીનો કે આ બાળકનો ઉદ્ધાર હું કરીશ.’ તો એ જુઠ્ઠો છે. હજારવાર જુઠ્ઠો છે. મને વારંવાર સવાલ પૂછાય છે કે તમે વિધવાઓના પ્રશ્ન વિશે શું ધારો છો? સ્ત્રીઓના પ્રશ્ન અંગે તમારો શો મત છે? આનો હું હંમેશને માટે સ્પષ્ટ જવાબ આજે આપી દઉં છું : શું હું વિધવા છું તે તમે મને એવી બેઅક્કલ બાબત પૂછી રહ્યા છો? શું હું સ્ત્રી છું કે તમે મને એ પ્રશ્ન વારંવાર પૂછી રહ્યા છો? સ્ત્રીઓના પ્રશ્નોના ઉકેલ આણનારા તમે કોણ? શું તમે સર્વશક્તિમાન ઈશ્વર છોકે તમે દરેકેદરેક વિધવા ને દરેકેદરેક સ્ત્રી પર હકૂમત ચલાવો? દૂર હઠો! સ્ત્રીઓ પોતે જ પોતાના પ્રશ્નો ઉકેલશે.

ન સ્ત્રીઓને એવી કક્ષાએ લાવી મૂકવી જોઈએ કે તેઓ પોતાના પ્રશ્નો પોતે જાતે ઉકેલી શકે. તેમને માટેનો આ ઉકેલ બીજો કોઈ લાવી શકે નહિ કે લાવવો જોઈએ નહિ. આપણી ભારતીય સ્ત્રીઓ પણ એ ઉકેલ લાવવાની શક્તિ દુનિયાની બીજી કોઈપણ સ્ત્રીઓ જેટલી જ ધરાવે છે.

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.