શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો

૨૪ ડિસેમ્બર, ૨૦૦૭ના રોજ ક્રિસમસ ઈવની ઉજવણી શ્રીરામકૃષ્ણ મંદિરમાં સંધ્યા આરતી પછી ૭ વાગ્યે થઈ હતી. એમાં ભગવાન ઈશુની પૂજા, વિશેષ નૈવેદ્ય, બાઈબલમાંથી વાંચન, ઈમેક્યુલેટ કંસેપ્શન ચર્ચના ફાધર ઝેવિયરે ભગવાન ઈસુના જીવન અને સંદેશ પર પ્રવચન તથા તે જ સંસ્થાના ભાઈઓ અને બહેનોએ સુંદર કેરોલ્સ રજૂ કર્યાં હતાં. ત્યાર બાદ આશ્રમના સાધુ અને બ્રહ્મચારીઓએ કેરોલ્સ કર્યાં હતાં. મોટી સંખ્યામાં ભક્તજનોએ ભગવાન ઈશુની પૂજામાં ભાગ લીધો હતો.

૩૦ ડિસેમ્બર, ૦૭ ને રવિવારના રોજ શ્રી શ્રીમા સારદામણિ દેવીની ૧૫૫મી પાવનકારી જન્મજયંતીનો મહોત્સવ યોજાયો હતો. તે દિવસે સવારના ૫.૧૫ કલાકે મંગલ આરતી, સ્તોત્રપાઠ, ધ્યાન; ત્યાર પછી વિશેષ પૂજા, સપ્તશતી પાઠ, શ્રીમા સારદાદેવીના ગ્રંથોમાંથી વાચન, વિશેષ ભજનકીર્તન અને અંધવિકાસગૃહનાં બહેનોનાં ભજનો ભાવિકજનોએ માણ્યાં હતાં. હવન બાદ ૧૫૦૦ જેટલા ભક્તજનોએ પ્રસાદ લીધો હતો. સાંજના ૫.૧૫ કલાકે શ્રીમાનામ સંકીર્તન અને આરતી પછી સાંજના ૭ વાગ્યે રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ દ્વારા શ્રીમા સારદાદેવી વિશે પ્રવચનો યોજાયાં હતાં.

આ પાવનકારી પ્રસંગે ૨૯ ડિસેમ્બર, ૦૭ સવારના ૫.૧૫ કલાકથી માંડીને ૩૦ ડિસેમ્બરે સવારે ૭ કલાક સુધી જપયજ્ઞ યોજાયો હતો. આ જપયજ્ઞમાં અનેક ભક્તોએ ભાગ લીધો હતો.

૧ જાન્યુઆરી, ૦૮ ને મંગળવારે કલ્પતરુદિનની ઉજવણી થઈ હતી. શ્રી મંદિરમાં બપોરે ૩.૩૦ કલાકે સ્વામી સર્વસ્થાનંદજીએ ‘ભગવાન શ્રીરામકૃષ્ણદેવ – કલ્પતરુ’ એ વિષય પર વિશેષ પ્રવચન આપ્યું હતું.

૫ જાન્યુઆરી, ૦૮ ને શનિવારે સાંજે ૭.૧૫ કલાકે વિવેક હોલમાં એસ.એન. કણસાગરા સ્કૂલ, રાજકોટના શિક્ષકો દ્વારા એક ભવ્ય અને મધુર ભજનસંધ્યાનું આયોજન થયું હતું. આ સુમધુર અમૃતમય ભજનોને ભક્તજનોએ મનપૂર્વક માણ્યાં હતાં.

૬ જાન્યુઆરી, ૦૮ ને રવિવારે સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી વિશેષ નારાયણ સેવા યોજાઈ હતી. આ નારાયણ સેવામાં કાઠિયાવાડ બાલાશ્રમનાં ભાઈ-બહેનો, અપંગ આશ્રમ, મૂંગા-બહેરા શાળા, અંધમહિલા વિકાસગૃહ, દીકરાનું ઘર, મહેશ્વરી માતા વૃદ્ધાશ્રમ, બજરંગવાડી સ્લમ વિસ્તાર, સ્નેહનિર્ઝર વગેરેના ૧૧૫૦ જેટલાં અંતેવાસીઓએ નારાયણ-સેવાનો લાભ લીધો હતો.

તે જ દિવસે સાંજે ૭.૧૫ કલાકે વિવેક હોલમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓએ શ્રીરામકૃષ્ણ-સારદા લીલાગીતિની રજૂઆત કરી હતી. ભાવુકભક્તોએ આ લીલાગીતિને મનભરીને માણી હતી.

૧૨મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જન્મજયંતી અને રાષ્ટ્રિય યુવદિનના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમો

આશ્રમના વિવેક હોલમાં એક યુવાસંમેલન યોજાયું હતું. જેમાં સ્વામી સર્વસ્થાનંદજી, સ્વામી વિનિર્મુક્તાનંદજી તથા ડૉ. રાજેન્દ્ર ચોટલિયાએ આશરે ૫૫૦ વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું.

આશ્રમની તથા શહેરમાં આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાઓને ફૂલ-માળા અર્પણ કરવામાં આવ્યાં હતાં. વિ.વિ.પી. એન્જિનિયરિંગ કોલેજના છાત્રોને સ્વામી સર્વસ્થાનંદજી મહારાજે પોતાનું અત્યંત પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. કાલાવાડ રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં સિસ્ટર નિવેદિતા શાળાના છાત્રવૃંદે ભાગ લીધો હતો. ત્યાં સ્વામીજીના સ્વદેશ મંત્રનું પણ ઉચ્ચારણ થયું હતું. શ્રી સત્યપ્રકાશ સ્કૂલમાં ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓને સ્વામી માયાતીતાનંદ અને સ્વામી બુધાનંદ મહારાજે ‘સ્વામી વિવેકાનંદ – જીવન અને સંદેશ’ પર પોતાનાં પ્રેરણાદાયી પ્રવચનો આપ્યાં હતાં. સરસ્વતી વિદ્યામંદિર એરોડ્રામની શાળાએ આ ઉપલક્ષ્યમાં એક વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી તેમની શાળાએથી વિવિધ સોસાયટીઓમાં ફરી રામેશ્વર ચોકમાં પૂર્ણ થઈ હતી. આ રેલીને સ્વામી મંત્રેશાનંદ તથા બ્રહ્મ. દુર્ગાચૈતન્ય મહારાજે આશીર્વચન આપ્યાં હતાં. ઠક્કર કોલેજમાં સ્વામી વિવેકાનંદનું પ્રદર્શન તથા પુસ્તક વેંચાણનું આયોજન થયું હતું. દિવ્ય કોચિંગ ક્લાસમાં આશરે ૨૫૦ વિદ્યાર્થીઓને સ્વામીજીનાં જીવન અને સંદેશ પર આશ્રમના સ્વામીજીએ પ્રવચન આપ્યું હતું. 

ઉપલેટા કેન્દ્ર દ્વારા ઉપલેટા તથા આસપાસની ગામડાંની શાળાઓમાં સ્વામી વિવેકાનંદનું જીવન અને ઉપદેશ ઉપરનું પ્રદર્શન તથા પુસ્તક વેંચાણ થયું હતું. આશરે ૮૭૦૦ વિદ્યાર્થીઓએ આનો લાભ લીધો હતો. 

શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિર, ભૂજદ્વારા ૬ શાળાઓમાં સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ પર પ્રવચનો થયાં હતાં. જેમાં ૩૮૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તથા ૯ જેટલી શાળાઓમાં સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ પરનું પ્રદર્શન તથા પુસ્તક વેંચાણનું આયોજન થયું હતું. જેમાં ૮૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં યોજાયેલ ભૂજની વિવિધ શાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ૧૮ જાન્યુઆરીના રોજ એક વિશેષ કાર્યક્રમમાં સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજ, સ્વામી ઈષ્ટમયાનંદજી મહારાજ તથા ભૂજ શહેરના શિક્ષણાધિકારીના હસ્તે પારિતોષિકોનું વિતરણ થયું હતું તથા પોતાનાં પ્રેરણાદાયી પ્રવચનો આપ્યાં હતાં. ૮ જાન્યુઆરીના રોજ યોજાયેલ વિશાળ શોભાયાત્રામાં આશરે ૧૪૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

શ્રીરામકૃષ્ણ સેવાકેન્દ્ર આદીપુર દ્વારા સ્વામીજીની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં વિવિધ શાળાઓમાં સ્વામીજીનાં જીવન અને સંદેશ પરનું પ્રદર્શન તથા પુસ્તક વેંચાણનું આયોજન થયું હતું. જેમાં ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં યોજાયેલ આદિપુરની વિવિધ શાળાઓનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. ૧૨ જાન્યુઆરીના રોજ યોજાયેલ શોભાયાત્રામાં આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૦૮ શનિવારે મંદિર નીચેના હોલમાં સવારના ૯ થી ૧૨ આચાર્યો અને શિક્ષકો માટે મૂલ્યનિષ્ઠ કેળવણીની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સ્વામી ધ્રુવેશાનંદજી, સ્વામી વિનિર્મુક્તાનંદજી, સ્વામી સર્વસ્થાનંદજી, સ્વામી બુધાનંદજીએ પોતાનાં મનનીય પ્રવચનો આપ્યાં હતાં.

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં પ્રાથમિક, માધ્યમિક અને કોલેજનાં વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે યોજાયેલી વિવિધ સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોનો પારિતોષિક સન્માન સમારંભ ૨૦ જાન્યુઆરીના રોજ સાંજે ૪.૩૦ વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના કુલપતિ ડૉ. કમલેશભાઈ જોશીપુરા અને રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીની નિશ્રામાં યોજાયો હતો. આ સમારંભમાં વિવિધ સ્પર્ધાના વિજેતા ૫૦૦ જેટલાં વિદ્યાર્થી ભાઈ-બહેનોને પ્રમાણપત્ર તથા ઈનામો અપાયાં હતાં. પ્રસંગના બંને મુખ્ય મહેમાનોએ ઉપસ્થિત ભાઈ-બહેનો અને વાલીઓને સ્વામી વિવેકાનંદના વિચારો આજના યુવાનો અને શિક્ષકો માટે કેટલા પ્રાસંગિક છે એ વાત કરી હતી અને સ્વામીજીના જીવન-સંદેશને ઝીલવા અને ઝીરવવા તેમણે હાકલ કરી હતી. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થી-વાલી-શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભૂજ, ઉપલેટા અને આદિપુરના ગરીબ ૨૮ કુટુંબોમાં ફેમિલિ કિટનું વિતરણ કર્યું હતું. ફેમિલિ-કિટની વસ્તુઓ (૫ કિ. લોટ, ૪ કિ. ખીચડી, ૧ કિ.ખાંડ,  ૧૦૦ ગ્રામ ચા, ૧ કિ.મીઠું, મીણબત્તી-બાકસ, ૫૦૦ ગ્રામ તેલ, હળદર-મરચું-ધાણાજીરૂ-સો-સો ગ્રામ)

Total Views: 40

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.