(ઓક્ટોબર-૦૭થી આગળ)

૧૮૯૧ના ઓગસ્ટ કે સપ્ટેમ્બરમાં ખેતડીમાં રહેતા હતા ત્યારે એક દિવસ મહારાજા અજિતસિંહે સ્વામીજી પાસે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપવાની કહ્યું હતું, એ વાત આપણે આગળ જોઈ ગયા છીએ. લગભગ સવા વર્ષ પછી ૨૭ જાન્યુઆરી, ૧૮૯૩ના રોજ પુત્રરત્નની પ્રાપ્તિથી મહારાજાની મનોકામના પૂર્ણ થઈ. (આદર્શ નરેશ, પંડિત જાબરમલ શર્મા, પૃ.૩૩૫) ખેતડી રાજ્ય માટે એક ઉત્તરાધિકારી મળી જાય એ બાબત સમગ્ર રાજ્ય અને તેની પ્રજા માટે એક મોટી ખુશખબર હતી. જો કે રાજકુમારનો જન્મ આગ્રામાં થયો હતો એટલે રાજાજીએ પુત્ર જન્મની ખુશાલીમાં આગ્રામાં સિકંદરાની પાસેથી યમુનાના તટવર્તી કૈલાસ દેવાલય સુધીનો બે માઈલનો લાંબો માર્ગ ‘કૈલાસ માર્ગ’ના નામે બંધાવી આપ્યો હતો.

રાજકુમારના જન્મના સમાચાર આગ્રાથી તાર દ્વારા ખેતડી પહોંચ્યા. ખેતડીમાં ઉત્સવનો માહોલ હતો. માત્ર ખેતડીમાં જ નહિ, જ્યાં ક્યાંય પ્રતિષ્ઠિત પ્રજાજન કે અનુરાગી મિત્ર અને પુરસ્કૃત ગુણીજન હતા ત્યાં એમણે પણ ઉત્સવ રચીને પોતપોતાનો આનંદ પ્રગટ કર્યો હતો. સાથે ને સાથે રાજકુમાર દીર્ઘજીવી બને તેવી કામના પણ કરી હતી. પંડિત લક્ષ્મીનારાયણ લખે છે: ‘હું કોઈ કામ માટે મુંબઈ ગયો હતો. અચાનક તાર દ્વારા રાજકુમારના જન્મના સમાચાર મળ્યા. મુંબઈમાં જ મેં હર્ષ મનાવ્યો… બીજે દિવસે સાંજની ટ્રેનમાં જ્યારે હું આગ્રા જવા રવાના થયો ત્યારે રસ્તામાં મેં અમદાવાદ, ખૈરાડી, ખારચી અને અજમેર વગેરે સ્ટેશને લોકોને ઉત્સવ મનાવતા જોઈને આશ્ચર્યપૂર્વક મેં નોંધ્યું કે ખેતડી નરેશને ત્યાં રાજકુમારના જન્મને લીધે લોકો ખુશાલી મનાવી રહ્યા છે.’ (આદર્શ નરેશ, પંડિત જાબરમલ શર્મા, પૃ.૩૦૧-૩૦૩)

જન્મોત્સવ અને સ્વામીજીની શોધ

સવિશેષ ધૂમધામ સાથે આ પુત્રજન્મોત્સવ મનાવવાનો નિર્ણય લેવાયો. પરંતુ જેમના આશીર્વાદથી આ પુત્રનો જન્મ થયો હતો, એવા પોતાના ગુરુદેવ સ્વામી વિવેકાનંદ એ સમયે ક્યાં છે એ વિશે ખેતડીમાં કોઈને ખ્યાલ ન હતો. ખેતડીથી સ્વામીજી ચાલ્યા ગયાને સવા વર્ષ થયું હતું. જો કે વચ્ચે વચ્ચે એમના પત્રો આવતા રહેતા. સંભવત: એમનો અંતિમ પત્ર મુંબઈથી ચાર મહિના પહેલાં આવ્યો હતો. એ પછી તેઓ ક્યાં છે એ વિશે કોઈ જાણકારી કે માહિતી રાજા સાહેબ પાસે ન હતી.

રાજા સાહેબે સ્વામીજીની શોધ શરૂ કરી. એ માટે સ્વામીજીના નામે એક પત્ર મુંબઈના સરનામે રવાના કર્યો. ખેતડીમાં એમનો અંતિમ પત્ર લગભગ ચાર મહિના પહેલાં સંભવત: મુંબઈથી જ આવ્યો હતો. એટલે પુત્ર જન્મના સમાચાર, તેમજ પુત્ર જન્મોત્સવનું નિમંત્રણ એમને મુંબઈના જ બેરિસ્ટર રામદાસ છબિલદાસના નામે મોકલવામાં આવ્યાં. ૧૯૯૯માં ખેતડીમાં મળેલા પત્રોમાંનો એક પત્ર રામદાસનો પણ છે. એ અંગ્રેજી પત્રનો ગુજરાતી અનુવાદ આવો છે:

‘કંબાલા હિલ, મુંબઈ, ૯ માર્ચ, ૧૮૯૩

મહોદય,

આપનો પત્ર મળ્યા પછી મને સ્વામી સચ્ચિદાનંદ તરફથી કોઈ પત્ર મળ્યો નથી. તમારી સૂચના પ્રમાણે એ પત્ર મેં મારી પાસે રાખ્યો છે. જો આપ કહો તો હું એ પત્ર આપને પાછો મોકલી દઉં અને જો એમ ન ઇચ્છતા હો તો એ પત્ર હું મારી પાસે રાખીશ અને જ્યારે તેઓ અહીં આવશે ત્યારે એમને આપી દઈશ. મને શ્રદ્ધા છે કે એમને અહીં આવવામાં હવે બહુ વાર નહિ લાગે. રામેશ્વરથી પાછા ફરતી વખતે એમણે મારી પાસે રહેવાનું વચન આપ્યું છે. તેઓ ક્યાં છે અને કેવી હાલતમાં છે એ બધું જાણવા માટે તમારી જેમ હું પણ ચિંતિત છું. ઉત્તર સત્ત્વરે લખશો, કારણ કે મારે થોડા જ સમયમાં મુંબઈની બહાર જવાનો વિચાર છે.

સેવામાં, મુનશી જગમોહનલાલ

આપનો વિશ્વાસુ,
રામદાસ છબીલદાસ

મહેન્દ્રનાથ દત્તને લખે છે:

‘રાજા સાહેબે પોતાના પુત્રના જન્મોત્સવના ઉપલક્ષ્યમાં સ્વામીજીના માતાને પ્રણામી રૂપે ૧૦૦ રૂપિયા મોકલ્યા હતા.’ (સ્વામીજીર્‌ જીવનેર ઘટનાવલિ, ભાગ-૨, પૃ.૧૮૧) મહેન્દ્રનાથે એ મળ્યાના સમાચાર તથા પત્રનો ઉત્તર લખ્યો હતો. આ પત્ર અત્યાર સુધી અપ્રકાશિત હતો અને અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો:

૨-૨-૧૮૯૩,
૭ રામતનુબોઝ લેઈન,
સિમલા, કોલકાતા

પ્રતિ,
મહામહીમ
ખેતડીના મહારાજા,
રાજપુતાના

આપના આ પહેલાંના પત્રથી એ વાત જાણીને અત્યંત આનંદ થયો કે ઈશ્વરકૃપાથી મહારાજને એક સંતાન થયું છે. એ જાણીને વધુ આનંદ થયો કે એ સંતાન પુત્ર છે. આવું સદ્‌ભાગ્ય તો મહાન ભાગ્યશાળી લોકોને સાંપડે છે. મહારાજે મને આ વિશે જણાવ્યું એ સૌભાગ્યજનિત સદ્‌-આશયનું દ્યોતક છે. એને લીધે અમે હૃદયના ભાવ બીજા સમક્ષ વ્યક્ત કરીએ છીએ અને પોતાના આનંદમાં બીજાને સહભાગી બનાવીએ છીએ.

મેં (વરાહનગર મઠના) સંન્યાસી વૃંદને પણ આ સમાચારની જાણ આપી છે અને એ લોકોએ પણ આ પુત્ર જન્મના પ્રસંગ પર પોતાની હાર્દિક પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સ્વામી રામકૃષ્ણાનંદજીએ વિશેષ રૂપે આનંદ પ્રગટ કર્યો અને શિશુ માટે હર પ્રકારે આશિષ પ્રદાન કર્યા. એ લોકોના આશિષમાં જોડવા યોગ્ય મારી પાસે કંઈ નથી. હું ઈશ્વર પાસે એટલી જ પ્રાર્થના કરું છું કે શિશુને ડગલે ને પગલે અને દરેક પ્રકારની શાંતિ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાઓ. સંક્ષેપમાં તે ભારતનો એક ઉજ્જવળ આલોક બને એવી કામના. આ સમયે હું મારા હૃદયમાં જે આનંદ અનુભવું છું તેને વ્યક્ત કરવાની મારામાં ક્ષમતા નથી.

મેં આપના કેટલાય પત્રો પર આગ્રાનું સરનામું જોયું. મહારાજા ત્યાં કોઈ કાર્યવશાત્‌ ગયા છે કે હવાફેર કરવા ગયા છે એ વિશે હું જાણતો નથી. (ત્યાં કેમ ગયા છે) એ વિશે જાણવા હું વ્યગ્ર છું.

મારું સ્વાસ્થ્ય (પહેલાં કરતાં) થોડું વધારે સારું છે અને હું લગભગ ઠીક ઠીક આરામ કરી શકું છું. સ્વામી રામકૃષ્ણાનંદજી પણ કુશળ છે. હું મારી જાતને સમ્માનિત અનુભવું છું. કારણ કે હું તો છું મહારાજનો પરમ આજ્ઞાકારી સેવક,

મહેન્દ્રનાથ દત્ત

વરાહનગર મઠના સંન્યાસીઓ તથા સ્વામીજીના ભાઈ મહેન્દ્રનાથ દત્તનો ખેતડીનરેશ સાથે થયેલ દીર્ઘકાલીન પત્રવ્યવહારમાંથી અમને મળેલો આ પ્રથમ પત્ર છે. એ સમયના મોટા ભાગના પત્રો ખોવાઈ ગયા છે. આ પત્રમાં મહેન્દ્રનાથ રાજાજીને પૂછે છે કે એમને મળેલા કેટલાય પત્રો પર આગ્રાનું સરનામું કેમ લખ્યું છે! એટલે કે એ પહેલાંના અધિકાંશ પત્રો પર ખેતડીનું સરનામું હતું. આના ઉપરથી આપણે એ તારણ પર આવી શકીએ કે કેટલાક ગતકાળથી અને સંભવત: ૧૮૯૧ના અંતિમ મહિનાથી (એટલે કે ગયા સવા વર્ષથી) રાજાજીનો વરાહનગર મઠના સંન્યાસીઓ તેમજ સ્વામીજીના ભાઈ મહેન્દ્રનાથ સાથે પત્ર વ્યવહાર થતો રહેતો.

એક પત્ર બીજો પણ છે જે અહીં ઉદ્ધૃત કરવા જેવો છે. ગુજરાતના ભાવનગરથી ૩૧ માર્ચ, ૧૮૯૩ના રોજ શ્રી વજેશંકર ગૌરીશંકર રાજા અજિતસિંહને આ નિમિત્તે વધાઈ આપતાં લખે છે :

ભાવનગર, ૩૧ માર્ચ, ૧૮૯૩

મહારાજા,

હમણાં જ પંડિત ગોપીનાથજીના એક પત્ર દ્વારા આપને ત્યાં ઉત્તરાધિકારી રૂપે એક પુત્રના જન્મ થયાના પરમ આહ્‌લાદક અને આવકાર્ય સમાચાર મેળવીને હું અત્યંત હર્ષિત થયો.

આ આનંદદાયી સમાચારને વાંચીને મને જે અપાર આનંદ થયો એને હું શબ્દોમાં વ્યક્ત કરવા અસમર્થ છું. મારું હૃદય આનંદના અતિરેકથી છલકાઈ રહ્યું છે.

જો કે મને વ્યક્તિગત રૂપે આપની સમક્ષ સન્માન વ્યક્ત કરવાનું સૌભાગ્ય મળી શક્યું નથી. એમ છતાં પણ મારા પૂજનીય બાબા, આદરણીય સ્વામીજીશ્રી સચ્ચિદાનંદજીને લખેલા આપના ધીરગંભીર અને વિદ્વત્તાપૂર્ણ પત્રોને વાંચીને હું અત્યંત આનંદ અનુભવતો હતો. રાજ્યની વિકટ સમસ્યાઓ અને દેખરેખની વચ્ચે મહારાજ (આપશ્રી) વેદાંત દર્શનના અધ્યયન માટે જે પરિશ્રમ કરો છો અને સમય કાઢો છો, તે પ્રશંસનીય છે.

પરમશક્તિમાન પરમાત્મા બાલરાજકુમારને અત્યંત સુદીર્ઘ આયુ તથા મહામહિમામય એવં સમૃદ્ધ જીવન પ્રદાન કરે અને તેઓ પોતાના મહાન રાજવંશનું એક આભૂષણ બને (એવી કામના). હું છું મહારાજનો પરમ આજ્ઞાકારી સેવક,

વજેશંકર ગૌરીશંકર

પુત્રજન્મની વધામણીના ઉપર્યુક્ત પત્ર પરથી જાણવા મળે છે કે સ્વામીજી ખેતડીમાંથી વિદાય લઈને પોતાના ગુજરાત પરિભ્રમણ દરમિયાન પત્રો દ્વારા રાજા અજિતસિંહના નિરંતર સંપર્કમાં હતા, કારણ કે સ્વામીજી ભાવનગર પહોંચ્યા ત્યાં સુધીમાં જ એમની પાસે રાજાના કેટલાય પત્રો આવી ચૂક્યા હતા.

મહેન્દ્રનાથ દત્તનો પત્ર

આગળ દર્શાવ્યું છે કે રાજા અજિતસિંહ પ્રાય: પત્ર લખીને સ્વામીજીના પરિવારના ખબર પૂછતા રહેતા. આ રીતે એક પત્રના ઉત્તરમાં એ દિવસોમાં સ્વામીજીના ભાઈ મહેન્દ્રનાથનો એક પત્ર મળી આવે છે. એ પત્ર આ છે :

૨૮-૨-૧૮૯૩,
૭ રામતનુબોઝ લેઈન,
સિમલા, કોલકાતા

પ્રતિ,
ખેતડીના મહારાજા,
રાજપુતાના

સારા એવા સમયથી મહારાજનો કોઈ પત્ર ન મળતાં હું ચિંતિત છું. એમાંય નવજાત શિશુના સ્વાસ્થ્ય વિશે હું વધારે ચિંતિત છું. એના જન્મે જ અમને આટલા બધા હર્ષિત કરી દીધા છે. મેં એક પખવાડિયા પહેલાં જ પત્ર લખ્યો હોત. પરંતુ આલમબજાર મઠના મહોત્સવને લીધે હું થોડો વ્યસ્ત હતો, એટલે એ સમયે પત્ર લખી ન શક્યો. મહોત્સવ કોલકાતાની પાસે ગંગા તટે આવેલા દક્ષિણેશ્વરમાં રાણી રાસમણિના ઉદ્યાનગૃહમાં આ મહિનાની ૨૬મી તારીખે સંપન્ન થયો. લગભગ ૧૫ દિવસ પહેલાં મને મારા ભાઈના સમાચાર મળ્યા હતા. તેઓ અત્યારે મદ્રાસમાં છે. અમે પણ કુશળ છીએ.

નવજાત શિશુના, આપના અને પરિવારના અન્ય લોકોના સ્વાસ્થ્ય વિશે સમાચાર આપીને અમને આનંદિત કરવાની કૃપા કરશોજી. આ પત્ર દ્વારા હું બધાને મારા દંડવત્‌ પ્રણામ તથા નવજાત શિશુને મારી શુભકામનાઓ પાઠવું છું.

આપનો પરમ આજ્ઞાકારી,
મહેન્દ્રનાથ દત્ત

(રાજસ્થાનમાં સ્વામી વિવેકાનંદ, ખંડ-૨, પંડિત જાબરમલ શર્મા તથા પંડિત શ્યામસુંદર શર્મા, દિલ્હી, ૧૯૯૧, પૃ.૧૧૯)

૨૮ ફેબ્રુઆરીના રોજ સ્વામીજીના ગુરુભાઈ સારદાનંદજીએ પણ લખ્યું છે:

‘ઘણા દિવસોથી નરેન્દ્રનાથના હાથે લખેલો પત્ર કે કંઈ મળ્યું નથી. પરંતુ લોકોના મુખે સાંભળ્યું છે કે તેઓ રામેશ્વર ધામની યાત્રા કર્યા પછી અત્યારે મદ્રાસમાં રહે છે. (બંગાળી ગ્રંથ, સ્વામી સારદાનંદ-જીવનકથા, બ્ર.પ્રકાશચંદ્ર, વસુમતિ સાહિત્યમંદિર, કોલકાતા, ૧૯૩૬, પૃ.૯૧) એટલે સ્વામીજીના પરિવાર તથા વરાહનગર મઠના ગુરુભાઈઓને ત્યાં સુધી સ્વામીજીનો કોઈ પત્ર મળ્યો ન હતો. લગભગ ૧૫ દિવસ પહેલાં સ્વામીજી મદ્રાસમાં રોકાયા છે, એવી સૂચના મળી હતી.

આ સૂચના એમને કોના દ્વારા મળી? હવે પછીના સ્વામીજીના ૧૫ ફેબ્રુઆરીના પત્રમાંથી જાણવા મળે છે કે એના બે મહિના પહેલાં (ત્રિવેન્દ્રમ નિવાસના સમયે) સ્વામીજીએ એક સ્વપ્નમાં જોયું કે એમની માતાનો દેહાંત થઈ ગયો છે. મદ્રાસના એમના મિત્ર મન્મથનાથ ભટ્ટાચાર્યે કોલકાતામાં પોતાના ભાઈ મણીન્દ્રનાથને તેઓ સ્વામીજીના ઘરે જઈને એમની માતાની અવસ્થા વિશે જાણી આવે, એવો તાર કર્યો. (વિવેકાનંદ સાહિત્ય, ખંડ-૬, પૃ.૭૦) આ ઘટના સંભવત: ફેબ્રુઆરીના પ્રારંભમાં ઘટી હતી. એવું જણાય છે કે એમના ભાઈ મણીન્દ્રનાથે તાર કરીને મોટા ભાઈને સ્વામીજીના માતુશ્રીના કુશળ સમાચાર મોકલ્યા હતા. સંભવત: સ્વામીજીના પરિવારના અનુરોધથી ખેતડીમાં રાજકુમારના જન્મની સૂચના પણ મોકલી હતી. પરિણામે થોડા દિવસો પછી જ સ્વામીજીએ પોતે રાજાજીને પોતાની મદ્રાસની ઉપસ્થિતિ વિશે જણાવતાં અને એમને પુત્રપ્રાપ્તિ માટે વધામણીનો સંદેશ દેતો પત્ર લખ્યો અને હવે પછીની યુરોપ-અમેરિકાના પ્રવાસ વિશે સૂચના પણ આપી. આ પત્રનો અનુવાદ અહીં આપીએ છીએ. (સ્વામીજીનો મૂળ અંગ્રેજી પત્ર અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી, ૧૯૯૮ના અંકમાં પ્રકાશિત થયો હતો. ત્યાં સુધી આ પત્ર અપ્રકાશિત હતો.)

(ક્રમશ:)

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.