સીતા એ આપણા મહાકાવ્ય રામાયણનું અનન્ય પાત્ર છે. રામ તો કદાચ ઘણા હોઈ શકે પણ સીતા માતા તો એક જ અને અનન્ય હતાં, એમ સ્વામી વિવેકાનંદે કહ્યું છે.

સીતા તો વિશુદ્ધિ, નિર્મળતા, પતિપરાયણતા અને ધૈર્યનાં પ્રતિમૂર્તિ હતાં. સીતાની સહનશીલતા એ કોઈ પત્થર જેવી કે દીવાલ જેવી ન હતી, એમાં તો ભીતરી પ્રવાહોનું બાહ્ય દર્શન જ ન હોય. સીતાજીમાં પોતાના વિલાપ અને ફરિયાદોની વચ્ચે રહેવાની એક અદ્‌ભુત શક્તિ હતી; તેઓ આવી પરિસ્થિતિમાં વિવેકબુદ્ધિ પૂર્વક પોતાની પવિત્રતા અને પતિપરાયણતાને જાળવી રાખતાં. સાથે ને સાથે પોતાનાં માતપિતા, પોતાના પતિ અને બીજાં સગાંસંબંધીઓનો માનમરતબો જળવાય એ રીતે વર્તતાં. સ્વામી વિવેકાનંદ સીતા માતાને ભારતીય નારીઓના આદર્શ રૂપ ગણે છે. સીતાજીના પથથી ભારતીય નારીઓને દૂર કરવાનો કોઈ પણ પ્રયાસ આપણા માટે વિનાશનો પથ બની રહેશે એવી ચેતવણી પણ સ્વામીજી આપે છે.

સીતાજી રાજા જનકનાં પુત્રી હતાં. તેમનાં લગ્ન અયોધ્યાના રાજકુમાર શ્રીરામ સાથે થયાં હતાં. જ્યારે શ્રીરામને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો ત્યારે સીતાજીની પ્રથમ અગ્નિપરીક્ષા થઈ. સીતાજીએ તરત જ શ્રીરામની સંગાથે જવા કહ્યું. શ્રીરામે પૂછ્યું: ‘અરે રાજકુમારી! અસંખ્ય અજાણ્યા ભયથી ભરપૂર એવા વનની મુશ્કેલીઓને તમે કેવી રીતે સહન કરી શકશો?’ સીતાજીએ કહ્યું: ‘જ્યાં જ્યાં રામ જાય તે તે સ્થળ મારા માટે અયોધ્યા છે. તો તમે મને ‘રાજકુમારી’ કહીને મારી સાથે કેમ વાત કરો છો? હું તો તમારી પાછળ પાછળ આવીશ!’ આમ સીતાજી પણ વનવાસ ગયાં અને શ્રીરામના નાના ભાઈ લક્ષ્મણજી પણ એમની સાથે ગયા.

વનની વિકટ પરિસ્થિતિઓ સીતાએ શાંતિ અને ધૈર્યથી વેઠી. નદી કિનારે એમણે એક પર્ણકુટિ બાંધી. શ્રીરામ અને લક્ષ્મણ હરણાનો શિકાર કરવા જતા અને ફળફૂલ લાવતા. એક દિવસ જ્યારે સીતાજી એક સુંદર મજાના સુવર્ણ મૃગ પ્રત્યે આકર્ષાયાં ત્યાં સુધી સીતાનું વનનું જીવન બહુ સહજસરળ રીતે ચાલતું રહ્યું. તેમણે રામને એ હરણ પકડી લાવવા કહ્યું. રામ અને લક્ષ્મણની ગેરહાજરીમાં લંકાના રાજા રાવણે સીતાનું હરણ કર્યું. અહીંથી સીતાજીની બીજી કસોટી શરૂ થઈ.

રાવણ સીતાને લંકા લઈ ગયો. તેણે સીતાને પોતાની પટરાણી બનવા અનેક લાલચો આપી. રાવણની આજીજીઓને ધુત્કારીને પતિવ્રતા સીતાજીએ એની સાથે પ્રત્યક્ષ રૂપે વાત કરવાનો પણ ઇન્કાર કર્યો. તેઓ હંમેશાં ઘાસની કૂણી કૂંપળ વીણતાં અને પોતાની સન્મુખ પાથરતાં. આ ઘાસની કૂંપળો સાથે જ એમનો વાણી વ્યવહાર રહેતો. રાવણ સીતાને મનાવી ન શક્યો. એની બધી વિનવણી નકામી નીવડી. અંતે સીતાને એક વૃક્ષ તળે બેસાડી દીધાં અને પોતાની વિનંતીને સીતાજી સ્વીકારે એ માટે કેટલીક સ્ત્રીઓને ચોકીદાર રૂપે રાખી.

આવી રીતે સીતાએ અશોકવનમાં મહિનાઓના મહિનાઓ વિતાવ્યા. અંતે રામદૂત હનુમાનજી રામની મુદ્રિકા લઈને અશોકવનમાં આવ્યા. હનુમાનજીએ સીતાજીને જણાવ્યું કે એમનાં દુ:ખના દિવસોનો હવે અંત આવશે. તેમણે રામની મુદ્રિકા આનંદ સાથે સ્વીકારી અને શ્રીહનુમાનજીને પોતાની ચૂડામણિ આપી. સીતાજીના આ દુ:ખદ જીવનનો અંત એક જ ઘાએ કરવા હનુમાનજીએ સીતાજીને કહ્યું: ‘તમે મારા ખભા પર બેસી જાઓ અને હું તમને અહીંથી સાગર પાર લઈ જઈશ.’ આ સાંભળીને સીતાજીએ કહ્યું: ‘વીર હનુમાનજી, હું પોતે મારી પતિવ્રતાપણાની શક્તિથી રાવણને બાળીને ભસ્મ કરી શકું એમ છું. પણ તો તો શ્રીરામજીના ધનુષ્યબાણની મર્યાદા લોપાય અને એમના ધર્મકાર્યનો મહિમા અને આનંદ પણ ઘટી જાય.’

સીતાએ આ અશોકવનની જેલ જેવી પીડાદાયક પરિસ્થિતિઓને સહન કરીને રહેવાનો નિર્ણય કરાવ્યો. શ્રીરામ અહીં આવીને પોતાને મુક્ત કરે અને દુષ્ટ રાવણને હણીને એમના કીર્તિકળશને વધુ ઉજ્જ્વળ બનાવે તેવી સીતાજીની ઇચ્છા હતી.

હવે પછી સીતામાતાની અત્યંત કપરી કસોટી થઈ. શ્રીરામ લંકામાં આવ્યા. રાવણને યુદ્ધમાં હરાવ્યો. સીતા તો રામની સાથે જોડાવા આતુર હતાં, પણ સૌને આઘાત લાગે એવું પણ રામને ન છાજે એવું વર્તન રામે દાખવ્યું. તેમણે તો સીતાજીના શીલ અને પતિવ્રતાપણા પ્રત્યે શંકા ઉઠાવી અને કહ્યું કે તેઓ તેમને પાછા ન લઈ જઈ શકે. રામે આવી કઠોર વાણી વાનરો, રાક્ષસોની સભામાં સીતાને સંભળાવી. સીતાજીએ ઉદ્વેગપૂર્ણ વાણીમાં કહ્યું કે એમણે કઠોર અને નિર્દય બનીને આવો વાણીપ્રયોગ કર્યો છે. તેમણે ખાતરીપૂર્વક કહ્યું કે તેઓ પવિત્ર અને નિર્મળ જ છે. જ્યારે રામે સીતાની વાણી સાંભળી ન સાંભળી કરી ત્યારે સીતાએ લક્ષ્મણ તરફ ફરીને કહ્યું: ‘ભાઈ લક્ષ્મણ, મારા માટે ચિત્તા તૈયાર કરો. હવે હું જીવવા માગતી નથી. બધું જ રાખ કરી નાખતો અગ્નિ જ મારા દુ:ખનો એક રામબાણ ઈલાજ છે.’ સીતાએ રામની પ્રદક્ષિણા કરી અને ચિત્તા પર જઈ ચડ્યાં. પણ જુઓ તો ખરા! પવિત્રતા અને શુદ્ધિના અગ્નિ સામે આ ભૌતિક અગ્નિ પણ વામણો બની ગયો અને સીતાને બાળી ન શક્યો. અગ્નિની આંચથી સંપૂર્ણપણે મુક્ત રહેનાર મા સીતા પવિત્રતા, નિર્મળતા અને પતિપરાયણતાની દેવી રૂપે ત્યાં હેમખેમ ઊભાં હતાં!

‘સૂર્યનાં કિરણોની જેમ દેવી સીતા તો મારો અંશ છે. સીતા પવિત્ર અને વિશુદ્ધ છે એવું મેં જગત સમક્ષ પૂરવાર કરી બતાવ્યું છે. મારી કઠોર વાણી પાછળનો મારો ઉદ્દેશ આ જ હતો.’ આ શબ્દો સાથે શ્રીરામે સીતાજીનો સ્વીકાર કર્યો.

સીતાના નસીબમાં રામની સાથે લાંબો સમય સુખદ જીવન જીવવાનું વિધિએ લખ્યું ન હતું. સીતાનો માતા બનવાનો સમય નજીક આવ્યો અને અંતિમ અને વધુ આકરી કસોટી એમના જીવન પર આવી પડી. બીજા રાજાના રાજ્યમાં એક દાસીની જેમ કેદીનું જીવન જીવનાર સીતાને રામ જ સ્વીકારી શકે, એવી અયોધ્યાના કેટલાક લોકોએ એવી અવળવાણી ભાખી. રામ તો મર્યાદાપુરુષોત્તમ જેવા શ્રેષ્ઠ રાજા હતા. એમને મન ન્યાય સર્વશ્રેષ્ઠ હતો. જો લોકો જ સીતા દોષી છે એમ માનતા હો તો તેમણે સીતાને સજા કરવી જ જોઈએ. રામે તો સીતાનો ત્યાગ કર્યો. લક્ષ્મણને વાલ્મીકિના આશ્રમની નજીક ગંગાના કિનારે સીતાને ત્યજી દેવા માટેનું કાર્ય સોંપ્યું. અહીં વાલ્મીકિના વનાશ્રમમાં મા સીતાએ લવ અને કુશ નામના બે જોડિયા બાળકોને જન્મ આપ્યો. લવ અને કુશના મુખે સીતાના ગુણગાનની કથા રામે સાંભળી. ત્યારે રામને ખ્યાલ આવ્યો કે સીતા તો હજી જીવે છે. ઋષિ વાલ્મીકિ સીતાજીને રામ સન્મુખ લાવ્યા. શ્રીરામે સીતા પોતાની પવિત્રતાની સોગંધ લે એ શરતે સ્વીકારવાનું કહ્યું. ધરતી પર આંખો સ્થિર કરીને દિવ્ય જ્યોતિર્મય મુખારવિંદવાળા સીતાના મુખેથી આ વાણી સરી પડી: ‘જો રામ સિવાય બીજા કોઈ પરપુરુષનો મેં મનથીયે વિચાર ન કર્યો હોય તો હે મા, ધરતી! તું મને માર્ગ આપ! આ ધરતી જાણે કે મારા માટે સર્જાણી નથી અને મારા પતિ શ્રીરામને અને મારા વિશેના આ વિવાદને સૌને ખાતરી થાય એવી રીતે ક્યારેય ઉકેલી શકાય એમ નથી.’ સીતાએ મા જગદંબાને પ્રાર્થના કરી, માતા ધરતીએ માર્ગ કરી દીધો અને સીતાજી તેમાં સમાઈ ગયાં.

ભાગ્યની કસોટીમાં અસીમ ધૈર્ય ધારણ કરનાર સીતાનું જીવન આવું હતું. પ્રાત: સમયે ભારતની સાત મહાન હિંદુનારીઓના સ્મરણ સાથે સીતાનું નામ પણ જોડાયેલ છે.

Total Views: 44

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.