(૧) વેદો :

કેવળ ભારતનું જ નહિ, પણ વિશ્વનું પ્રાચીનતમ સાહિત્ય ‘વેદ’ છે, એમ સૌ નિ:સંદેહપણે માને છે. આ ‘વેદ’ શબ્દ ‘વિદ્‌=જાણવું’ એ ધાતુ પરથી ઊતરી આવ્યો છે. ભારતના પ્રાચીન મહાન ઋષિમુનિઓને શાશ્વત આધ્યાત્મિક મૂલ્યોને પ્રકાશિત કરતું જે ગૂઢ અને દિવ્ય જ્ઞાન ઊંડા ધ્યાનથી લાધ્યું, એ જ્ઞાનનો મહાસાગર એ વેદમાં સંગ્રહાયેલો છે. હિંદુધર્મની પરંપરાએ તો આ વેદને પોતાના ધાર્મિક સાહિત્યમાં સર્વોત્તમ સ્થાન આપ્યું છે અને એ રીતે ‘વેદ’ એ હિંદુધર્મના પાયાનું સ્થાન પામેલ છે.

આ વેદ પહેલાં એક જ હતો. પરંપરા એવી છે કે બાદરાયણ વ્યાસે એ વેદનું વિભાજન કરીને એને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ – ચાર વિભાગમાં વહેંચી દીધો, એમ વેદો ચાર થયા. એ ભાગ પાડેલા વિભાગો તે તે વેદની ‘સંહિતા’ના નામે ઓળખવામાં આવ્યા. આમ એક મૂળ વેદમાંથી ચાર વેદની ચાર સંહિતાઓ બની.

આ વેદો ક્યારે રચાયા એનો નિર્ણય કરવો ઘણો કઠિન છે. જુદા જુદા વિદ્વાનોએ એનો રચનાકાળ ઈ.પૂ. ૨૫૦૦૦ વરસથી માંડીને ઈ.પૂ. ૧૫૦૦ સુધીનો ઠરાવ્યો છે. અલબત્ત આમાંથી સ્થાપિત હિતોવાળા વિદેશીઓએ દાખવેલા પૂર્વગ્રહી સમયને બાદ કરીએ તો પણ ભારતીય વિદ્વાનોમાં સામાન્ય રીતે મોહન જો દરોની સંસ્કૃતિ (સિંધુખીણની સંસ્કૃતિ) જ્યારે ઈ.પૂ. ૪૦૦૦માં અસ્તિત્વમાં હતી, તે કાળ વેદરચનાનો અંતિમ તબક્કો હતો, એ બાબતમાં એકમત છે. આ રીતે વિચાર કરીએ તો વેદરચનાનો કાળ મોડામાં મોડો ઈ.પૂ. ૧૦૦૦૦ વરસનો ફાળવી શકાય. આ રીતે ઋગ્વેદના મંત્રો વિશ્વનું સૌથી પ્રાચીન સાહિત્ય સિદ્ધ થાય છે.

આ વેદોનું અકબંધ રક્ષણ હજારો વરસથી પેઢી દર પેઢીની કંઠોપકંઠી પરંપરાથી જ થયા કર્યું છે. એટલે સાંભળીને સચવાયેલા આ વેદોનું ‘શ્રુતિ’ એવું નામકરણ થયું છે. આ વેદોના મંત્રોનો ઉપયોગ ‘યજ્ઞો’ – કે ‘યાગો’ની વિધિઓમાં કરવામાં આવતો, કારણ કે પ્રાચીન વૈદિક સંસ્કૃતિ અને ધર્મ યજ્ઞપ્રધાન હતાં. વેદમંત્રોનો યજ્ઞવિધિઓમાં કરાતા ઉપયોગને કારણે યજ્ઞસંચાલક મુખ્ય પુરોહિતોની સુવિધાને માટે સ્વાભાવિક રીતે જ પહેલાં બતાવ્યા પ્રમાણે ચાર વિભાગોમાં વહેંચવાની જરૂર પડી.

આ રીતે યજ્ઞનો હોતા-પુરોહિત યજ્ઞમાં જે જે મંત્રોથી વિવિધ દેવતાઓનું આવાહન કરે છે, તે બધા મંત્રોનો સમૂહ મળીને ઋગ્વેદ (સંહિતા)ની રચના કરાઈ.

યજ્ઞવિધિના મુખ્ય વ્યવસ્થાપક એવા અધ્વર્યુ પુરોહિતને ઉપયોગી એવા વેદોના સ્તુતિભાગનો સંગ્રહ કરીને એનો યજુર્વેદ (સંહિતા) બનાવવામાં આવ્યો.

ખાસ કરીને સોમજૂથના યજ્ઞોમાં સંગીતમય ગાન જે મંત્રો દ્વારા ઉદ્‌ગાતા પુરોહિતે કરવાનું હોય છે, તે મંત્રોનો સંગ્રહ કરીને સામવેદ (સંહિતા)ની રચના કરવામાં આવી. અને બાકીના પ્રકીર્ણ ફુટકળ મંત્રોનો પરિશિષ્ટ રૂપે જે સંગ્રહ થયો એને અથર્વવેદ (સંહિતા) નામ અપાયું. અને એનો હવાલો યજ્ઞના સામાન્ય નિરીક્ષક એવા બ્રહ્માપુરોહિતને આપવામાં આવ્યો. આ બ્રહ્મા પુરોહિત સમગ્ર યજ્ઞવિધિની સામાન્ય દેખભાળ કરનાર ગણાય છે.

પુરાણ કથા પ્રમાણે એક વેદના સૌ પ્રથમ ચાર ભાગ પાડનાર કૃષ્ણદ્વૈપાયન વ્યાસે ઋગ્વેદની સોંપણી પોતાના શિષ્ય પૈલને, યજુર્વેદની સોંપણી વૈશમ્પાયનને, સામવેદની જૈમિનિને અને અથર્વવેદની સોંપણી સુમંતુને કરી હતી.

(૨) બ્રાહ્મણ ગ્રંથો :

આમ વેદવિભાજન એક રીતે તો થયું. પણ એક બીજી રીતે પણ વેદોના વિભાગ પાડવામાં આવ્યા છે: (૧) મંત્ર અને (૨) બ્રાહ્મણ. એમાં મંત્રોના સમૂહને ‘સંહિતા’ એવું નામ અપાયું છે, પણ સમગ્ર વૈદિક સાહિત્ય એ સંહિતાઓમાં જ સમાઈ જતું નથી. હા, વેદોના મુખ્ય વિભાગીકરણમાં વેદમંત્રો જ છે, પણ તે પછીયે વૈદિક સાહિત્યનો વિકાસ તો થતો જ રહ્યો હતો. એ સંહિતાઓ પછી ‘બ્રાહ્મણગ્રંથો’ રચાયા. આ બ્રાહ્મણગ્રંથો યજ્ઞો કે વેદમંત્રો (=બ્રહ્મન્‌)ની વ્યાખ્યા કરે છે. તેથી એને ‘બ્રાહ્મણ’ કહેવામાં આવ્યા છે. સંહિતાઓ પછી જ્યારે યજ્ઞસંસ્કૃતિનો ભારતમાં વિસ્તાર અને વિકાસ થયો, ત્યારની આ રચનાઓ છે. આ બ્રાહ્મણગ્રંથોમાં વેદના મંત્રો, યજ્ઞો, એના વિધિ, ટૂંકમાં વેદના પૂરા કર્મકાંડ વિભાગની સમજૂતી છે. ધર્મના કર્મકાંડ વિભાગની આવી ઝીણવટ ભરેલી સમજૂતી વિશ્વના કોઈ ધર્મના આચારગ્રંથોમાં નથી.

દરેક વેદને (સંહિતાને) પોતપોતાના અનેક બ્રાહ્મણગ્રંથો હતા. બ્રાહ્મણગ્રંથોનું સાહિત્ય ઘણું જ વિશાળ હતું પણ આજે કેટલાય બ્રાહ્મણગ્રંથો નષ્ટ થઈ ગયા છે.

આજે તો માત્ર ઋગ્વેદના બે (ઐતરેય અને શાંખાયન), યજુર્વેદ (શુક્લ-કૃષ્ણ)નાં બે (શતપથ અને તૈતરીય), સામવેદનાં નવ (તાંડ્ય, ષડ્‌વિંશ, નામવિધાન, આર્ષેય, દૈવત, ઉપનિષદ્‌બ્રાહ્મણ, સંહિતોપનિષદ્‌, વંશ બ્રાહ્મણ અને જૈમિનિબ્રાહ્મણ) અને અથર્વવેદનું એક ગોપથ બ્રાહ્મણ મળીને કુલ ચૌદ બ્રાહ્મણો જ ઉપલબ્ધ છે. આ બ્રાહ્મણગ્રંથો ગદ્યમાં લખાયેલા છે, સંહિતાઓ છંદોબદ્ધ (પદ્યમાં) છે.

સંહિતાઓ રચાયા પછી હજારેક વરસે કુરુપાંચાલ પ્રદેશમાં સરસ્વતીને તીરે બ્રાહ્મણગ્રંથો રચાયા એમ વિદ્વાનોનું માનવું છે.

આ બ્રાહ્મણ ગ્રંથોના એક પેટા વિભાગરૂપે પછીનાં વરસોમાં આરણ્યકોની રચના થઈ. આ ‘આરણ્યક’ ગ્રંથો અરણ્યમાં લખાયા હતા તેથી એનું એવું નામ પડ્યું છે.

(૩) આરણ્યકો :

આ આરણ્યકો બ્રાહ્મણ ગ્રંથોનો જ એક પેટા વિભાગ છે.

બ્રાહ્મણગ્રંથોમાં યજ્ઞોનાં સંકુલ અને અનેકવિધ વિધિવિધાનોની બાહ્ય સમજૂતી છે, તો આ આરણ્યકોમાં એ યજ્ઞયાગોમાં રહેલાં આધ્યાત્મિક તથ્યોની મીમાંસા કરવામાં આવી છે.યજ્ઞોમાં રહેલ દાર્શનિક વિચારો આરણ્યકોનો વિષય છે. એમાં પ્રાણ વિદ્યાનો મહિમા ગવાયો છે. પ્રતીકાત્મક ઉપાસનાઓ એમાં વર્ણવાઈ છે. બાહ્ય વિધિવિધાનોનો મર્મ એમાં સ્પષ્ટ થયો છે. આરણ્યકો બાહ્મણગ્રંથોની શાખા સમાન જ છે. એમાં તત્કાલીન પ્રચલિત યજ્ઞોનાં પ્રતીકો સમજાવીને એને આધ્યાત્મિક રૂપ અપાયું છે. બહિર્મુખી વૃત્તિમાંથી અંતર્મુખ વૃત્તિ તરફ વળવાનું સ્પષ્ટ વલણ એમાં વરતાય છે.

દરેક વેદ (સંહિતા)ને જેમ પોતાના બ્રાહ્મણગ્રંથો હતા તેવી જ રીતે દરેક વેદને પોતાનાં આરણ્યકો પણ હતાં, એમાંથી કેટલાંક કાળ પ્રવાહમાં તણાઈ ગયાં, થોડાંક બચ્યાં છે. તેમાંનાં ઋગ્વેદનાં ઐતરેય અને શાંખાયન એમ બે, યજુર્વેદનું (કૃષ્ણના) તૈતરીય આરણ્યક એક, તેમજ શુકલ યજુર્વેદનું એક આરણ્યક બૃહદારણ્યક (શતપથ બ્રાહ્મણના કાંડ ૧૪ અને ૧૭ના રૂપમાં), એમ કુલ ચાર આરણ્યકો જ ઉપલબ્ધ છે.

(૪) ઉપનિષદો :

ઉપનિષદ એ વૈદિક સાહિત્યનો અંતિમ ભાગ છે. એનો સમાવેશ આમ તો આરણ્યકોમાં જ થયેલો છે, છતાં પ્રતિપાદ્ય વિષયની ભિન્નતાને કારણે એક અલગ વેદવિભાગ તરીકે એની ગણના થાય છે. વેદોના સારરૂપ હોવાથી એને ‘વેદાંત’ કહે છે, એ ભારતીય તત્ત્વજ્ઞાનનો મૂળ સ્રોત છે. ભારતનાં વિવિધ દર્શનોનાં બીજ એમાં પડેલાં છે. ઉપનિષદ શબ્દનો અર્થ ગુરુ પાસે બેસીને અધ્યયન કરવું, ‘અજ્ઞાનનું વિશરણ (નાશ) કરવું.’ અથવા ‘મુક્તિ પ્રાપ્ત કરવી’ એમ ત્રણ રીતે કરવામાં આવ્યા છે.

ઉપનિષદોની સંખ્યા પરત્વે મતભેદ છે મુક્તિકોપનિષદ પ્રમાણે ઉપનિષદો ૧૦૮ છે. ઋગ્વેદનાં૧૦, યજુર્વેદ (શુક્લ)નાં ૧૯, યજુર્વેદ (કૃષ્ણ)નાં ૧૨, સામવેદનાં ૧૬ અને અથર્વવેદનાં ૩૧નો સમાવેશ છે. બાકી વધેલાં પછીની રચનાઓ ગણાય છે. આમાંનાં ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, ઐતરીય, છાંદોગ્ય અને બૃહદારણ્યક – આ દસ ઉપનિષદો ઉપર શંકરે ભાષ્ય લખ્યાં છે એટલે એ પ્રાચીનતમ, પ્રામાણિક અને મહત્ત્વપૂર્ણ લેખાય છે.

આ રીતે વૈદિક સાહિત્યના મહાસાગરમાંથી આજે માત્ર ચાર સંહિતાઓ, ચૌદ બ્રાહ્મણો, ચાર આરણ્યકો અને એ બ્રાહ્મણો કે આરણ્યકોના ભાગરૂપે રહેલાં ૧૮ કે ૧૯ ઉપનિષદો – બસ, આટલું જ બચ્યું છે. બાકી બધું લુપ્ત થઈ ગયું છે. આટલા વાઙ્‌મયને ‘શ્રુતિ’ કહેવામાં આવે છે. ત્યાર પછી સર્જાયેલું વાઙ્‌મય એ શ્રુતિઓને સમજવા, એને વિસ્તારવા, એને ઉકેલવા એને પોષવા રચાયું છે અને તે છ વેદાંગો, પ્રતિશાખ્યો, કલ્પસૂત્રો, ગૃહ્યસૂત્રો, શુલ્વસૂત્રો, ધર્મસૂત્રો, વગેરે અનેકાનેક શાખાઓમાં પથરાયું છે. એમાંથી ઘણું બધું આજે લુપ્ત થયું છે અને થોડું ઘણું સંગ્રહસ્થાનોમાં સચવાઈ રહ્યું છે.

પ્રાચીન ભારતનું આ વિશાળ વાઙ્‌મય લુપ્ત થવાનું કારણ કાળબળ અને સાંસ્કૃતિક પ્રવાહની ગતિશીલતા અને પરિવર્તનશીલતા છે. વૈદિક સંસ્કૃતિ યજ્ઞપ્રધાન હતી. પહેલાંના ઘરગથ્થુ અગ્નિહોત્ર, વૈશ્વદેવ વગેરે યજ્ઞો હતા. તેનો વિસ્તાર થતાં થતાં અશ્વમેધ, રાજસૂય, સોમયાગ, વિષ્ણુયાગ વગેરે અનેક પ્રકારનાં સંકુલ, આંટીઘૂંટીવાળી વિધિનાં જાળાંવાળા, અનેક અંગોપાંગોવાળા, અંગાંગીભાવવાળા, અનેક ક્રમવાળા યજ્ઞોનું નિર્માણ થયું અને એને સમજાવવા ક્રમિકતા નક્કી કરવા, વિધિઓ બતાવવા બ્રાહ્મણગ્રંથોની રચના થઈ. આજે હવે એ યજ્ઞસંસ્કૃતિ ભારતમાં રહી નથી. એના રહ્યાસહ્યા અવશેષો જ માત્ર રહ્યા છે. એટલે આજે બ્રાહ્મણગ્રંથોની આવશ્યકતા રહી નથી. આજે આપણે પૌરાણિક સંસ્કૃતિના માહોલમાં જીવી રહ્યા છીએ. અને સાંસ્કૃતિક સાતત્ય જાળવવા માટે એક કડી રૂપે વૈદિક સંસ્કૃતિના આવશ્યક અંશોને એની સાથે જોડીને જીવીએ છીએ. એટલા જ અંશો બચ્યા છે. બાકીના સહેજે લુપ્ત થયા છે.

પરંતુ જેમ પ્રવહમાણ નદીના અધિષ્ઠાનરૂપે રહેલું, તળ તો વહેતા જળની નીચે અકબંધ, શાશ્વત અને સ્થાયી રહે છે, તેમ ભારતીય સંસ્કૃતિનું તળ વેદોમાં અને બ્રાહ્મણ-આરણ્યક ગ્રંથોના ભાગરૂપે રહેલાં ઉપનિષદોમાં સ્થાયી રૂપે રહેલું છે. ભારતીય સંસ્કૃતિની ગતિશીલતા એ સ્થાયી અધિષ્ઠાન પર અવલંબીને રહી છે તેથી વેદવિહિત કર્મકાંડનો અંશ પરિવર્તિત થાય છે અને થવો જોઈએ પણ ખરો. પરંતુ એ પરિવર્તનનું અધિષ્ઠાન, માનવીય મૂલ્યોનું મૂળ ભારતીય આધ્યાત્મિકતા ઉપનિષદનું તત્ત્વજ્ઞાન તો જ્યાં સુધી જગતનું અસ્તિત્વ છે, ત્યાં સુધી રહેવાનું જ. અને એ શાશ્વત તત્ત્વ વેદની સંહિતાઓમાં અને ઉપનિષદોમાં સચવાયેલું છે. એટલે બ્રાહ્મણગ્રંથસ્થ કર્મકાંડ વિભાગનું ઐતિહાસિક અથવા તો વર્તમાન જીવનમાં કશું આનુષંગિક મહત્ત્વ હોય તો પણ વ્યવહારમાં આજે એનું મહત્ત્વ ન રહ્યું હોવાથી તે સહજ રીતે કાલકવલિત થઈ ગયાં છે. પણ બીજભૂત સંહિતાઓ તેમજ જ્ઞાનકાંડ – ઉપનિષદોનું મહત્ત્વ અનુક્રમે ઐતિહાસિક સાતત્ય જાળવવા માટે અને માનવજીવનનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે હજુ પણ એવું જ છે.

વેદસંહિતાઓની વાત વળી જરા જુદી પણ છે. એ વેદસંહિતાઓમાં પાછળથી જન્મેલા બધા વાઙ્‌મયનાં બીજ પડેલાં છે. ભારતીય સંસ્કૃતિના ભાવિ સાહિત્યિક, સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજનૈતિક, આર્થિક વગેરે બધાં જીવનક્ષેત્રોના વિકાસનાં બીજો એમાં પડેલાં છે. એ વિકાસનું કાર્યકારણ સમજવા, એનું સાતત્ય જાળવવા, એમાંથી પ્રેરણા લેવા વગેરેનું પુરાતત્ત્વીય અને ઐતિહાસિક મહત્ત્વ વેદસંહિતાઓ ધરાવે છે. તદુપરાંત એનું ધાર્મિક મહત્ત્વ અને ભાષાવૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. આ કારણે વેદસંહિતાઓ વિશે થોડી વાત પહેલાં આપણે કરી છે. છતાં થોડી વધારે વાત એ વિશે હવે પછી કરીશું.

Total Views: 74

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.