(ગતાંકથી આગળ)

આ રીતે ભજનાનંદ આધ્યાત્મિક બળ અને પ્રેરણાનો જોરદાર સ્રોત બની રહે છે અને તેથી ઘણા વૃદ્ધજનોને સ્પર્શી જતી વ્યગ્રતા અને હતાશાનું અસ્તિત્વ નહીં રહે. તમે હંમેશા આનંદી અને વિચાર કરતા બની જશો કે મારું શરીર નબળું છે, પરંતુ મારામાં મને આનંદથી ભરી દે તેવી કોઈક વસ્તુ રહેલી છે. ‘પાયોજી મૈંને રામરતન ધન પાયો – હિન્દીમાં આ એક મહાન ભજન આપણે ગાતા હોઈએ છીએ. તેનો અર્થ છે ‘મેં રામરૂપી રત્ન મેળવી લીધું છે, હું કશું ગુમાવતો નથી.’ આ શબ્દો આપણે આપણી જાતને કહેવા સમર્થ હોવા જોઈએ, ‘હા, આ એક જબરદસ્ત સત્ય લાધ્યું છે, આ જીવન ખરેખર આશ્ચર્યકારક છે. જ્યારે આપણે બીજું કશું જ કરવાનું હોતું નથી, ત્યારે આપણે એક બહુ મોટું કામ કરવાનું હોય છે; કમભાગ્યે હું મુશ્કેલીના દિવસો દરમ્યાન કરી શક્યો ન હતો. હવે હું મુક્ત થઈ ગયો છું.’ આ રીતે નિવૃત્તિ પછીનું આખું જીવન જુદા જ પ્રકારના આનંદથી ભરેલું જીવન બની રહે છે. એ જીવન વધારે વિશુદ્ધ અને ઉમદા બની રહે છે અને ઘરનાં બધાં સભ્યોની શુભેચ્છાઓ મળી રહે છે. તમે પણ સ્મિતપૂર્વક બધાંને આશીર્વાદ આપી શકો છો. તમે કોઈની પાસેથી અપેક્ષા ન રાખો; કેમકે આપણને આનંદ અંદરથી મળી રહે છે અને આપણે એ આનંદ આપણે બીજાને આપી રહ્યા હોઈએ છીએ. સામાન્ય રીતે એમ થતું નથી હોતું. જીવનની પશ્ચાદ્‌ ભૂમિકામાં આધ્યાત્મિકતા ન હોય તો આપણે બીજા લોકોને આનંદ આપી શકતા નથી. પણ થાય છે એવું કે આપણે આપણી ચિંતાઓ અને મુશ્કેલીઓ બીજાને આપી બેસતા હોઈએ છીએ. અહીં તમે એક વસ્તુની નોંધ લો કે આમ આપણે આપણી ઘણી મુશ્કેલીઓને ઓહિયાં કરી ગયા હોઈએ છીએ. છતાં આખરે બધી જ શારીરિક તકલીફો તો રહેવાની જ છે. ‘તમે કહો છો એ બધું બરાબર છે, પણ આપણી ર્જીણશીર્ણ મોટર કાર (આપણું ભૌતિક શરીર) વધારે ર્જીણ બને છે, પરંતુ મન જુદા પ્રકારનું છે. મેં હવે એ મનને તાલીમ આપી દીધી છે.’ આપણે આ રીતે આપણા જીવનમાં આધ્યાત્મિક ગુણવત્તા આપી શકીએ.

પશ્ચિમના ઘણા દેશો ભારત પાસેથી પોતાના જીવનમાં આ બાબતમાં પ્રેરણા લે છે. આ જ કારણે મોટી ઉંમરના લોકો આજે ધ્યાનમાં બેસે છે, પ્રાર્થનાના આ સમયગાળા (Sessions)નો આનંદ માણે છે; આમાં અપવાદરૂપે હોય છે અતિશય દુનિયાદારીવાળા અને જે લોકોને ઉચ્ચતર આકાંક્ષા નથી હોતી તેવા લોકો પરંતુ પોતાના જીવનને વધારે સમૃદ્ધ અને વિશુદ્ધ બનાવવા માગતા ઘણા લોકો આ દિશામાં વળી રહ્યા છે. દુનિયાને ભારતનું આ નજરાણું છે. પણ ચાલો આપણે જ તેનો ઉપયોગ આપણા જ જીવનમાં સીધો કરીએ આ જ કારણે એમ વિચારવું ખૂબ વ્યવહારુ છે કે જો કે શરીર ર્જીણ અને નિર્બળ થઈ ગયું છે, એમ થવું જ જોઈતું હતું, પણ તે છતાં ય આપણામાં કોઈક એવું વસ્તુ છે, જે ર્જીણ થતી નથી અને નબળી પડતી નથી. જ્યારે ભગવાન બુદ્ધ આ દેશમાં ૨૫૦૦ વરસ અગાઉ હતા, ત્યારે તેમની અવસાન સમયે ઉંમર આશરે ૮૦ વરસની હતી. ૮૦મા વરસે તેમણે પોતાના સેવક આનંદને કહેલું : ‘આનંદ, મારા શરીર તરફ જો – તે કેટલા પર્વતો પર ચડ્યું છે, તે કેટલા માઈલ ચાલ્યું છે. હવે તે પોતાની મેળે ઊભું રહી શકતું નથી. એ જૂના બળદગાડા જેવું બની ગયું છે; એને ચલાવવા માટે દોરડું બાંધવાની જરૂર પડે છે. એક વખત એણે કેટલું બધું કામ કર્યું છે? પણ આજે તે પેલા બળદગાડા જેવું બની ગયું છે. હવે શરીર તરફ જુઓ. ‘બળદગાડા જેવું બની ગયું છે એ શરીર હું નથી.’ – શરીર પ્રત્યેનો આ અભિગમ ભારતીય છે. આપણે શરીર કરતાંય વધારે ઊંડાણમાં રહેલી કોઈક વસ્તુને જોવાની છે. આપણા શરીરમાં કંઈક રહેલું છે, તે આપણો સાચો આત્મા છે.

‘આપણું શરીર એ બાહ્ય આવરણ છે,’ – આ પ્રકારનું જ્ઞાન આપણી સંસ્કૃતિએ આપણા પર ઉપસાવ્યું છે. આ જ કારણે આપણે આપણી ભાષામાં મૃત્યુ વિશે કહીએ છીએ : ‘હું મારા દેહનો ત્યાગ કરું છું’; ‘તેમણે  શરીર છોડી દીધું’. આપણે આ રીતે વાત કરીએ છીએ. પશ્ચિમમાં આ ભાવ જુદી રીતે પ્રકટ થાય છે. ‘હું મારા આત્માનો (Soul) ત્યાગ કરી દઉં છું – આ પશ્ચિમની ભાષા છે.’ હું દેહ છું અને મારા આત્માનો ત્યાગ કરી દઉં છું.’ આથી જ તેઓ શરીરને જાળવી રાખે છે, આપણે જાળવી રાખતા નથી; આપણે તેને બાળી દઈએ છીએ, કેમકે તેનું કામ પુરું થઈ ગયું છે. અગ્નિદાહનો વિચાર અદ્‌ભુત છે; વૈદિક સમયથી ચાલ્યો આવતો એ અસાધારણ વિચાર છે. જ્યારે શરીરે પોતાનું કામ પૂરું કરી લીધું હોય છે, આપણે તેનો અગ્નિસંસ્કાર કરી નાખીએ છીએ, હવે તેને કંઈ વધારે કરવાનું રહેતું નથી. આપણું એક સૂક્ષ્મ શરીર પણ હોય છે, અને તે નવા સ્થૂલ શરીરને ધારણ કરી શકે.

આ બધા વિચારો પશ્ચિમના લાખો લોકોને આકર્ષે છે. હજી હમણાં સુધી આ વિચારને સબળ (Valid) માનવામાં આવતો ન હતો. ચર્ચ આ સિદ્ધાંતનો નાશ કરવા પ્રયત્ન કરતું હતું. ઈસવી સનની ૬ઠ્ઠી સદી સુધી ખ્ર્રિસ્તી દુનિયામાં પુનરવતરણનો સિદ્ધાંત માન્યતા ધરાવતો હતો. પછી પાદરીઓની એક સભાએ બહુમતીથી ખ્ર્રિસ્તીધર્મમાંથી આ સત્યની હકાલપટ્ટી કરી દીધી. હવે તે પાછલે બારણેથી પ્રવેશ કરી રહ્યું છે. લોકો આ વિચારને સ્વીકારી રહ્યા છે કેમકે તે જ એકમાત્ર સત્ય છે. માણસની અંદર કોઈક ગહન વસ્તુ રહી છે, તે માત્ર શરીર જ નથી. શરીર એ તો માત્ર બહારનું આવરણ છે અને આપણે તેને સ્થૂલ શરીર કહીએ છીએ – ભૌતિક દેહ. આને ધારણ કરનાર આત્મા જીવંત રહે છે. આથી શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે : ‘જ્યારે આત્મા જન્મતી વખતે ભૌતિક દેહમાં પ્રવેશ કરે છે, અને જ્યારે આત્મા ભૌતિક દેહનો ત્યાગ કરે છે, ત્યારે શું થાય છે? તત્ત્વચિંતકો જાણે છે કે આ આંધળી આંખ – જેને ‘સ્થૂળ (અથવા ચર્મ) ચક્ષુ’ કહીએ છીએ તે પેલા સત્યનું દર્શન કરી શકતી નથી. ‘વિમૂઢા નાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષા:’ જે લોકો પાસે જ્ઞાનચક્ષુ (દિવ્ય આંખ અથવા સમજદારીની જ્ઞાનપૂર્ણ આંખ-નજર) હોય તેઓ જોઈ શકે છે કે જે ચાલ્યું જાય છે, તે માત્ર શરીર હોય છે, આત્મા તો અમર, અજન્મા, મરણરહિત છે, તે જ આત્મા છે. ભારતના લોકોના મનમાં આ વિચાર ઊંડે સુધી ઉતારી દેવામાં આવ્યો છે. દા.ત. તમને કોઈક પૂછે : ‘તમે અવતારમાં માનો છો?’ તમે કહેશો : ‘તે માનવાનો પ્રશ્ન જ નથી, એ તો મારા લોહીમાં છે, અમારા માટે એ સ્વાભાવિક છે.’ બાળપણથી માંડીને માણસને થતા અનુભવોનાં જુદાં જુદાં પાસાંઓ – મોજમજા, સુવિધાઓ, પછી પડકારો, યાતનાઓ વગેરે વગેરે – માંથી પસાર થઈએ છીએ. આપણે સક્રિય જીવનમાંથી નિવૃત્ત થઈએ ત્યાં સુધીમાં આપણામાં એક ચોક્કસ પ્રકારની પરિપકવતા (Maturity) આવી જાય છે; અને એને લીધે આપણે જગતને માટે કરુણાની લાગણી અનુભવવા માંડીએ છીએ. જો એ વલણ આવી જાય તો  ત્યારે ‘મેં મારા ભૂતકાળ સાથે સારી રીતે કામ પાડ્યું છે, જીવનનાં અગાઉનાં વરસો, બધી મથામણો, પરાજયો – એ બધાંયે મને પુનિત બનાવી દીધો છે.’ એમ જાણવું. પુનિત ‘બનાવવાની પ્રક્રિયા’ એ એક અજબ શબ્દ છે. યુવાનીમાં મન એટલું બધું શાન્ત નથી હોતું, પણ આપણે વૃદ્ધ થઈએ ત્યા સુધીમાં, એ પુનિત બની જાય છે. એ પછી શું થાય છે? આપણને દુનિયા પ્રત્યે કરુણાની લાગણીનો અનુભવ થાય છે – મથામણ કરતા યુવાન લોકો માટે કરુણા સેવીએ છીએ અને સ્મિત સાથે આપણે તેમને સહાય કરવાનો પ્રયત્ન કરીએ છીએ, તેમને આશીર્વાદ આપીએ છીએ કેમકે આપણું હૃદય લાગણીથી ભરપૂર હોય છે. આ ભરપૂર હોવું એ ખરેખરા અર્થમાં હોય છે; તેમાં ખાલીપણાની ગંધ પણ હોતી નથી. એમાં જ આધ્યાત્મિકતાનું આગમન થાય છે. કોઈ કર્મકાંડની ક્રિયા આપણને આ આપી શકે નહીં. આ આંતરિક સમૃદ્ધિ તો માત્ર ને માત્ર ધર્મની અનુભૂતિ જ આપી શકે. આથી જ દરરોજ કરવામાં આવતું ધ્યાન મનને આ બાહ્ય દુનિયામાંથી દૂર લઈ જશે અને ધીમે ધીમે તેને અંતર્મુખી બનાવશે. ચેતનાનાં ઊંડાણોમાં ક્યાંક ભગવાન છુપાઈને રહેલો છે; ચાલો આપણે તેને શોધી કાઢીએ; ચાલો આપણે તેની વધારે ને વધારે નજીક જઈએ. આને માટે ઉદાહરણ છે – જ્યારે કોઈક જંગલમાં સોનું શોધી કાઢે છે ત્યારે લોકો એ સોનું લેવા માટે ત્યાં ધસી જાય છે, માર્ગમાં મોતનો સામનો પણ તેઓ કરતા રહે છે. જો સોના માટે આમ બનતું હોય તો આ બાબતમાં પણ એ કેમ સાચું ન પડે? એ એક ગહન સત્ય છે – આપણા સૌની અંદર છુપાયેલો આત્મા. ‘અત્યાર સુધી એના તરફ હું ધ્યાન દઈ ન શક્યો, હું બહારની દુનિયા સાથે વ્યસ્ત રહ્યો. હવે આ મહાન હેતુ માટે મારી પાસે થોડાક સમય છે.’ આવી રીતે જુવાન લોકો માટે વૃદ્ધાવસ્થા ઈર્ષ્યાનો વિષય બની રહે છે. જુવાન લોકો સક્રિય હોય છે. આજકાલ કેટલાક વૃદ્ધ લોકો પણ સક્રિય હોય છે. તેઓ જુવાનિયાઓ સાથે સ્પર્ધા કરે છે, સ્વાભાવિક રીતે જ તેઓ હારી જાય છે; કેમકે જુવાન લોકો આમતેમ દોડવામાં અને કૂદકા લગાવવામાં વૃદ્ધો કરતાં વધારે સારા સાબિત થાય છે; વૃદ્ધો એમ કરી શકતા નથી. પરંતુ આંતરિક આનંદ અને શાંતિની આ લાગણીનો અનુભવ વૃદ્ધ લોકોને થતો હોય છે. એ બાબતમાં જુવાનિયા લોકો હરીફાઈમાં ઊતરી શકતા નથી. આથી જ તેઓ ઈર્ષ્યાળુ બને છે, અને એ સારું છે.

જુવાન પેઢી જૂની પેઢીની અદેખાઈ કરે છે કેમકે ‘જૂની પેઢીના લોકોને જે ખજાનો શોધી કાઢવાની તક મળી છે, તે જુવાન પેઢી પાસે કદાપિ ન હતી.’ જ્યારે તેઓ વૃદ્ધ થાય ત્યારે તેમણે તે ખજાનાની શોધ કરવી જોઈએ. આવનારી પેઢીના લોકો માટે તેઓ દાખલારૂપ બની રહે છે. આપણાં શાસ્ત્રોમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. આખા જીવન દરમ્યાન નિર્મળ મનથી આધ્યાત્મિક મથામણ કરતો હોય એવા સાધકની વાત ઈશ ઉપનિષદમાં મળી આવે છે. હવે તેના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે, તે કેવી રીતે મૃત્યુનો સામનો કરશે? એ એક અજબની વસ્તુ છે – ભવ્ય રીતે મૃત્યુનો સામનો કરવો? તે એકબાજુ પડ્યો છે અને વિચાર કરી રહ્યો

છે : ‘હા, શરીર શીર્ણવિશીર્ણ થઈ રહ્યું છે, એક ઠેકાણે ભેગાં કરવામાં આવેલાં રસાયણોની એ પ્રયોગશાળા છે. હવે તે પ્રયોગશાળાનું વિસર્જન કરવાનો વખત આવી પહોંચ્યો છે. શરીરને માટે આ સ્વાભાવિક પ્રક્રિયા છે.’ પછી એ કહે છે : ‘હે મન! પરમ તત્ત્વનો વિચાર કર. શરીર હવે ચાલ્યું જવાનું છે અને અગ્નિ તેને ભસ્મ કરી દેશે, તેનું કામ પૂરું થયું છે; પરંતુ હે મન! તેં જે સત્કાર્યો કર્યાં છે, તું જે સારું જીવન જીવ્યો છે, તેનો તથા ઉચ્ચ અને ઉચ્ચતર વસ્તુઓનો વિચાર કર.’ – આ રીતે મરણને ભેટવાની ભવ્ય રીતનું વર્ણન ત્યાં કરવામાં આવ્યું છે. મૃત્યુ વેળાએ જે સકારાત્મક વિચારો હોવા જોઈએ તે અહીં છલોછલ ભર્યા છે. માણસના જીવનની અને તે આ જગતમાં કઈ રીતે રહ્યો હતો, તેની આ કસોટી છે. જે લોકોએ મૃત્યુ વેળાએ અદ્‌ભુત હિંમત દાખવી હોય અને તેમને શાંતિનું બળ મળ્યું હોય, તેવા ઘણા લોકોના દાખલા મને મળતા રહે છે.

ગૃહસચિવ શ્રી બેહલ (આઈ.સી.એસ.) આપણા એક ભક્ત હતા. તેમનાં પત્ની શ્રીમતી ઉષા બેહલ બહુ સારાં ભક્ત હતાં. દરેક માણસ શ્રીમતી ઉષાને યાદ કરે છે; પંજાબના સુપ્રસિદ્ધ નેતા મહાત્મા હંસરાજ તેમના દાદા હતા. એક વખત એવું નિદાન કરવામાં આવ્યું કે આ બહેનને કેન્સર થયું છે. આપણા સંઘનું બહુ ગજબનું કામ કરતાં હતાં. સ્વિટ્‌ઝરલેન્ડ તથા મુંબઈમાં તેમની સારવાર કરવામાં આવી. પરંતુ આશા છોડી દેવામાં આવી હતી; કેન્સર તો વકરતું જ જતું હતું. એક દિવસ તેમના પતિ, સગાંઓ તથા અન્ય ઘણા લોકો મુંબઈ તેમની પાસે ગયાં અને તેમની સાથે એક રૂમમાં વાતો કરી થોડા સમય પછી બહેને કહ્યું : ‘કૃપયા પેલી દીવાલ પરથી શ્રીરામકૃષ્ણની તસવીર લાવો અને મારા હાથમાં આપો.’

પેલા લોકોએ તસવીર તેમને આપી. પછી બહેને કહ્યું : ‘કૃપયા તમે જરાકવાર બાજુના રૂમમાં ચાલ્યાં જશો? હું થોડાક વખત માટે એકલી રહેવા માગું છું.’ લોકો તેમના હાથમાં છબી આપીને બાજુના રૂમમાં ચાલ્યાં ગયાં. થોડા વખત પછી જ્યારે તે લોકોએ બારણું ખોલ્યું ત્યારે તેણે ચિરવિદાય લઈ લીધી હતી – હવે એ બહેન આ દુનિયામાં રહ્યાં ન હતાં. તેમના પતિને લાગ્યું કે હવે તે રૂમમાં રહેવું એ સમાધિ – સ્થાનમાં રહેવા જેવું લાગતું હતું. મૃત્યુનો કેવો અજબનો પ્રકાર! અન્ય ઘણા બધા લોકોને આવા અનુભવો થયા છે.

(ક્રમશ:)

Total Views: 41

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.