વૈશાખી પૂર્ણિમા એટલે ભગવાન બુદ્ધની જન્મતિથિ અને બુદ્ધત્વપ્રાપ્તિની તિથિ છે. આ મહાન આત્માએ પ્રબોધેલ ધર્મની માર્ગોપદેશિકા એટલે ધમ્મપદ (ધર્મપદ). કર્યા હશે. ભારતીય વિદ્યામાં એનું આગવું સ્થાન છે. એને વિશે થોડુંક કહીશું.

બુદ્ધ તો પૂર્ણમાનવની આદર્શ મૂર્તિ હતા. એમણે પ્રવર્તાવેલો ધર્મ એટલે નિર્વાણપ્રાપ્તિનો માર્ગ અને એના વ્યાવહારિક ઉપાયો દર્શાવતો ધર્મ. બુદ્ધાનુયાયીઓનું સાધુ- સાધ્વીઓનું સંગઠન એટલે સંઘ. આમ બુદ્ધ, ધર્મ અને સંઘનું શરણું લેવાનાં ત્રણ સૂત્રો વિખ્યાત થયાં : – ‘બુદ્ધં સરણં ગચ્છામિ, ધમ્મં સરણં ગચ્છામિ, સંઘે સરણં ગચ્છામિ। ’

‘ધમ્મપદ’ ૪૨૩ શ્લોકોવાળો, બુદ્ધવચનોનો બૌદ્ધધર્મને પ્રબોધતો, સાધકને લક્ષ્યસ્થાને દોરી જતો એક માર્ગદર્શક ગ્રંથ છે. એમાં કેવળ બૌદ્ધધર્મ માટે જ નહીં, સર્વધર્મના અનુયાયીઓ માટે વૈશ્વિક સંદેશ પણ છે. નૈતિક- આધ્યાત્મિક જીવન જીવવા ઇચ્છતા સૌ કોઈ માટે એ પ્રેરક ગ્રંથ છે. એના ૪૨૩ શ્લોકો ૨૬ ભાગમાં વહેંચાયા છે. દરેક ભાગ ‘વગ્ગ’ કહેવાય છે દરેક ‘વગ્ગ’માં બૌદ્ધધર્મનો કોઈક સાબિત થયું છે. વિશેષ સિદ્ધાંત નિરૂપાયો છે.

ધમ્મપદ (ધર્મપદ)ના ઘણા અર્થો થાય છે. ધમ્મ (ધર્મ) એટલે કાનૂન, ધર્મ, જીવનરીતિ અનુશાસન વગેરે અને પદ એટલે માર્ગ, ઉપાય, રીત, પદ્યપંક્તિ વગેરે. આ રીતે ધમ્મપદનો અર્થ ‘સદ્ગુણોનો માર્ગ’ એવો કરવો ઘટે. ગ્રંથની વિગતો જોતાં બૌદ્ધધર્મને આત્મસાત્ કરવા માટેનાં બુદ્ધવચનો એમાં છે. દિવ્ય માર્ગે દોરી જતો શાસ્ત્રોનો એ સંગ્રહ છે. બૌદ્ધધર્મનો આ સારસંગ્રહ છે.

બૌદ્ધ સાહિત્ય ત્રણ ‘પિટકો’માં સંગ્રહાયેલું છે. આ ત્રણ ‘પિટકો’માંથી ‘સુત્તપિટક‘માંના ‘ખુદૃક નિકાય’ વિભાગમાં આ ગ્રંથ (ધમ્મપદ) સંપાદિત થયો છે. ધમ્મપદના શ્લોકોમાં ઉચ્ચારાયેલાં વચનો ભગવાન બુદ્ધનાં હશે, પણ આ આજે મળતી પદ્યરચનાના રૂપમાં નહિ હોય. વિવિધ પ્રસંગોએ બુદ્ધ દ્વારા ઉચ્ચારાયેલા ઉપદેશો આજે ઉપલબ્ધરૂપમાં સમ્પાદિત કર્યા હશે.

ધમ્મપદનો આ ગ્રંથ આજે આપણને સંસ્કૃત, મિશ્ર સંસ્કૃત, પ્રાકૃત અને પાલી – એમ ચાર ભાગમાં મળે છે. મૂળ ગ્રંથ ભાષાંતર સહિત ચીની, તિબેટી અને અન્ય ભાષાઓમાં મળે છે. આપણી ચર્ચામાં આપણે પાલી ભાષાવાળા ‘સુત્તપિટક’માં આવેલા ‘ધમ્મપદ’ને અનુસરીશું. ત્રિપિટકનાં ત્રણ પિટકોમાં આ ‘સુત્તપિટક’ અને બીજાં બે – વિનયપિટક અને અભિધર્મપિટક છે. એમાં વિનયપિટકમાં બુદ્ધાનુયાયીઓ માટેના નિયમો અને અભિધર્મપિટકમાં બૌદ્ધોનું તત્ત્વજ્ઞાનછે.

સુત્તપિટકમાં આવેલા ધમ્મપદમાંનાં પધો બુદ્ધોચ્ચારિત ધર્મનાં સિદ્ધાંતો અને સાધનાઓની મુખ્ય સંકલ્પનાઓ રજૂ કરે છે. સૌથી પ્રાચીન ગણાતા સિલોનના ત્રિપિટકમાં જે ધમ્મપદ સંગ્રહાયું છે, એના પર ઘણી ટીકાઓ છે અને એ પાલી ધમ્મપદ નિશ્ચિત રૂપે ઈસ્વી. પૂર્વે પહેલા શતકનું સાબિત થયું છે.

ટૂંકમાં, ધમ્મપદ બૌદ્ધધર્મનાં મુખ્ય સિદ્ધાંતો અને સાધનોની ચર્ચા કરે છે. આ મુખ્ય સિદ્ધાંતો આ છે

(૧) ચાર આર્ય સત્યો – દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનાશનો ઉપાય છે અને એ ઉપાય હાથવગો છે.

(૨) અષ્ટાંગ આર્યમાર્ગ -સમ્યક્ દૃષ્ટિ, સમ્યક્‌સંકલ્પ, સમ્યક્‌વાણી, સમ્યક્ ચારિત્ર્ય, સમ્યક્ આજીવ, સમ્યક્ વ્યાયામ, સમ્યક્‌સ્મૃતિ અને સમ્યક્ સમાધિ.

(૩) ધર્મ, બુદ્ધ અને સંઘનું શરણું લેવું – આ ત્રણ મુખ્ય ઉપદેશો આપવામાં આવ્યા છે.

આ સિવાય પણ કોઈપણ ધર્મના સંન્યાસી કે ગૃહસ્થ અનુયાયીને માટે નૈતિક અને ધાર્મિક જીવન જીવવાના સર્વસ્વીકૃત સદુપદેશો આમાં ભગવાન બુદ્ધે ઉચ્ચારેલી શાણપણભરી વાણી રૂપે સંગ્રહાયેલી છે. ગીતા, મહાભારત રામાયણ – ઉપનિષદો અને પુરાણોના કેટકેટલાયે ઉપદેશોનું સામ્ય અહીં નજરે પડે છે.

ધમ્મપદનો પ્રત્યેક શ્લોક કોઈ ને કોઈ ઘટના કે વ્યક્તિના સંદર્ભે જ લખાયેલો છે. કોઈ ઘટના કે વ્યક્તિએ બુદ્ધને બોલવા માટે પ્રેર્યા અને બુદ્ધે એના સંદર્ભે જ ઉપદેશ આપ્યો. ધમ્મપદનાં ૪૨૩ શ્લોકો ‘બુદ્ધવાણી’ કહેવાય છે. એના ૨૬ ‘વગ્ગો’ ને ચર્ચિત વિષયાનુસાર નામો અપાયાં છે. ધમ્મપદે બુદ્ધોપદિષ્ટ ધર્મના વિવિધ વિષયો ચર્ચ્યા છે.

ચાર આર્યસત્યો, કર્મસિદ્ધાંત, મનનું સ્વરૂપ, બુદ્ધો, ભિક્ષુકો, સુખ, દુઃખ, પાપ, પુણ્ય, ક્રોધ, તૃષ્ણા, બ્રાહ્મણનાં લક્ષણો – વગેરે ધમ્મપદના ચર્ચાના વિષયો છે, એને જુદા જુદા વગ્ગોમાં ચર્ચ્યા છે. કેટલાક વગ્ગોનાં નામ જ એમાંના વિષયને સૂચવે છે. ચિત્ત, અપ્પમાદ (અપ્રમાદ), બાલ, પંડિત, અર્હન્ત, પાપ, દંડ, જરા, આત્તા, લોક, બુદ્ધ, સુખી, પિય, ક્રોધ, મલ, ધમ્મત્ત, મુગ્ગ, નિરય, તન્હા, ભિખ્ખુ બ્રાહ્મણ – આ બધાં એવાં નામો છે, ધમ્મપદના આ ૪૨૩ શ્લોકો, લગભગ ૩૦૦ પ્રસંગો પર ભગવાન બુદ્ધ ઉચ્ચાર્યા હતા. ‘આત્તકથા’ નામની ટીકામાં ક્યે પ્રસંગે કે સંજોગોમાં બુદ્ધ દ્વારા ક્યો ઉપદેશ ઉચ્ચારાયો હતો, એની કથા આપી છે. જ્યારે કોઈ પ્રસંગ ઊભો થાય ત્યારે કે કોઈના વર્તન પર મુંઝવણ ઊભી થાય, ત્યારે બુદ્ધના ભિક્ષુ શિષ્યો કે ગૃહસ્થ અનુયાયીઓ એ વિષે ભગવાન બુદ્ધનો અભિપ્રાય પૂછતા ત્યારે ઘણું કરીને બુદ્ધદેવ જે વાણી ઉચ્ચારતા, તે આ ધમ્મપદમાં સંગ્રહાઈ છે. દાખલા તરીકે ૧૨૯ અને ૧૩૦મા શ્લોકમાં ભગવાન બુદ્ધે સાંભળ્યું કે જેતવનમાં તુચ્છ વાત માટે બે ભિખ્ખુઓ ઝઘડી રહ્યા છે, ત્યારે તેમણે ઉચ્ચાર્યું : ‘અન્તથી સૌ થરથરે છે, મૃત્યુથી સૌ ભય પામે છે અન્યને પણ પોતાના જેવું જ થાય, એમ જાણી કોઈએ કોઈને આઘાત પહોંચાડવો નહિ કે આઘાતનું કારણ બનવું નહિ.’

એ જ રીતે ૧૯૪મા શ્લોકમાં (બુદ્ધ વગ્ગમાં) જ્યારે જેતવનમાં અતિથિગૃહમાં શિષ્યો જીવનના પરમસુખ વિષે પરસ્પર ચર્ચા કરી રહ્યા હતા અને કશા જ નિર્ણય ૫ર ન આવી શક્યા, ત્યારે બુદ્ધે ઉચ્ચાર્યું હતું કે ‘બુદ્ધનો જન્મ ધન્ય છે, બુદ્ધના ઉપદેશો ધન્ય છે, જેઓ સંઘમાં રહે છે તેમની તપસ્વિતા ધન્ય છે.’

બુદ્ધના દરેક ઉચ્ચારણ પાછળ કોઈ કથા કે ઘટના કેવી હોય છે, તે હવે આપણે જોઈશું- બુદ્ધદેવે ઉચ્ચારેલાં કેટલાંક ધર્મ અને સંધ સંબંધી વચનો એમના અનુયાયીઓ માટે માર્ગદર્શક અને પ્રેરક હતાં. એમાંથી કેટલાંક અહીં ટાંકીએ-

‘આપણને સારાં-ખરાબ કર્મો કરવા પ્રેરનાર મુખ્ય આપણું મન છે. એટલે આપણે આપણા મન ઉપર સતત સાવધ રહેવું જોઈએ. મન કાર્યની આગળ દોડે છે. મન મુખ્ય છે, બધું મનનું જ સર્જન છે. જો કોઈ દુષ્ટ મનથી બોલે કે કશું કરે તો એનું પરિણામ દુષ્ટ જ આવે ગાડાંમાં પૈડાં તો જ્યાં બળદ હાંકે ત્યાં જ જાય છે. એ જ રીતે સારા મનથી બોલાતું કે કરવામાં આવતું કંઈપણ સારું જ ફળ આપે છે. ’ (૧)

બુદ્ધ ઉચ્ચારિત આ વાક્યો બુદ્ધની નૈતિક અને તાત્ત્વિક વિચારસરણીનું પ્રતિનિધિત્વ કરે છે- ક્રોધ અને ધિક્કારને – જીતવાનો માર્ગ બોલતાં બુદ્ધ કહે છે :

‘ન હિ વૈરેણ વૈરાણિ સામન્તીહ કદાચન ।
અવેરેણ ચ સામ્મન્તિ એસો ધમ્મો સનાતનો’

અર્થાત્, ‘વેર (ક્રોધ અને ધિક્કાર) વેરથી કદી શમતાં નથી, અવેરથી જ તે શમે છે અને એ જ તો સનાતન ધર્મ છે.’ (૫)

કુકર્મકારીના દુઃખ વિશે બુદ્ધ ઉચ્ચારે છે કે ‘તે અહીં દુઃખ ભોગવે છે, પરલોકમાંયે દુઃખ ભોગવે છે અને પોતાના મનની મલિનતા નિહાળીને પીડા ભોગવતો રહે છે.’ (૧૫)

તો વળી ૧૮મા શ્લોકમાં ધાર્મિક જનોના સુખનેય કહે છે : ‘એ ધાર્મિક જન આ લોકમાં સુખી હોય છે, પરલોકમાં ય સુખી હોય છે – બન્ને લોકમાં ધાર્મિક જન સુખી જ હોય છે.’

૫૦મા શ્લોકમાં બુદ્ધ બીજાના દોષો ન જોવાની અને પોતાના જ દોષી જોવાની સલાહ આપે છે. ‘કોઈએ અન્યના દોષો ન જોવા જોઈએ. પણ પોતાનાં જ કરેલાં કે નકરેલાં (મનોગત) કાર્યોનો જ વિચાર કરવી જોઈએ.’

૬૨મા શ્લોકમાં બુદ્ધ ઉદ્ઘોષણા કરે છે કે, ‘આપણે આપણાં પુત્ર, ધન અને માલમિલકતમાં આસક્તિ ન રાખવી જોઈએ. તો વળી ૬૭ અને ૬૮મા શ્લોકમાં, ‘કોઈ કામ આપણે કર્યું હોય, અને કર્યા પછી પસ્તાવું પડે. તો એ કામ ઠીક રીતે કર્યું ન ગણાય.’ – એવું કહે છે. તો ૮૧મા શ્લોકમાં કહે છે કે ‘નિંદા અને સ્તુતિમાં જ્ઞાની મનુષ્યે ખડકની પેઠે અડગ રહેવું જોઈએ; ૧૨૯-૧૩૦મા શ્લોકમાં બુદ્ધ કહે છે કે ‘કોઈને મારશે નહિ કારણ કે જીવન સહુને વહાલું છે.’ ૧૪૬માં બુદ્ધ જગતને કે પ્રજ્વલિત અગ્નિ સાથે સરખાવે છે ને કહે છે કે આપણે જાગતિક સુખો અને મોજમજામાં ડૂબ્યા ન રહેવું જોઈએ, પણ આપણે તો મોક્ષના માર્ગની ઝંખના કરવી જોઈએ અને દુનિયાની આગમાંથી છૂટવું જોઈએ.

૧૬૦મા શ્લોકની વાત બહુ મહત્ત્વની છે. બૌદ્ધધર્મને આત્મસાત્ કરવાની એ વાત છે. ‘આપણે પોતાનાં કર્મોથી જ આપણું જીવન ઘડીએ છીએ. બહારનો કોઈ સ્વામી નથી પોતે જ પોતાનો સ્વામી છે.’ બુદ્ધ બીજા કોઈ ઈશ્વરને માનતા નથી. પોતાના આત્મા સિવાયની બહારની કોઈ જ શક્તિને તેઓ સ્વીકારતા નથી. ભગવદ્ગીતામાં અને ઉપનિષદોમાં આ જ વિચાર આ જ શબ્દોમાં આપવામાં આવ્યો છે : ‘આત્મૈવ આત્મનો બન્ધુરામૈવ રિપુરાત્મનઃ’

૧૭૩મા શ્લોકમાં એવો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે કે ‘જેમ વાદળથી ઘેરાયેલો ચંદ્ર વાદળાંઓ દૂર થતાં ફરી પ્રકાશી ઊઠે છે, તેવી રીતે સારાં કાર્યોથી પાપરૂપી વાદળોને હટાવીને આપણે ફરી પ્રકાશી ઊઠીશું.’

૧૮૩મા શ્લોકમાં બુદ્ધનો સંપૂર્ણ સિદ્ધાંત સમાયેલો છે : બૌદ્ધ ધર્મના શિલાલેખો તેમજ બીજા કેટલાક ગ્રંથોમાં પણ આ શ્લોક ટાંકવામાં આવ્યો છે. એ કહે છે : ‘મનને નિર્મળ કરવા માટે સારાં કામો જ કરો, ખરાબ કામ ક્યારેય કરશો નહિ.’

૨૧૪ અને ૨૧૫ મા શ્લોકોમાં દુઃખ અને પીડાનું કારણ આપણી તૃષ્ણા જ છે એમ બતાવ્યું છે. તો ૨૫૮મા શ્લોકમાં પુસ્તકિયા જ્ઞાનની નિન્દા કરીને અનુભૂતિના જ્ઞાનવાળાને જ જ્ઞાની કહ્યો છે. બુદ્ધને મતે સચ્ચરિત્રશીલ જ ખરી પંડિત, ખરી જ્ઞાની છે.

બુદ્ધના બ્રાહ્મણ સંબંધી વિચારી શ્લોક ૩૯૧, ૩૯૩ અને ૩૯૭ શ્લોકોમાં ૨જૂ થયા છે. બુદ્ધ બ્રાહ્મણના વંશમાં જન્મેલાને બ્રાહ્મણ ગણતા નથી. બ્રાહ્મણ બનવા માટે માણસે કેટલાક આધ્યાત્મિક ગુણો કેળવવા જોઈએ. ઉપરના શ્લોકોમાં બ્રાહ્મણમાં ક્યા ક્યા ગુણો હોવા જોઈએ તે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. પવિત્રતા, શુચિતા, વગેરે યાદી આ શ્લોકોમાં છે.

આમ ધમ્મપદ ફક્ત બૌદ્ધધર્મનો જ ગ્રંથ નથી. પણ એ સર્વધર્મનો સંદેશ ગ્રંથ છે – સુસંસ્કૃત અને સભ્ય સમાજની નૈતિક જીવનરીતિ દર્શાવતો એ એક માર્ગોપદેશક ગ્રંથ છે; ઉચ્ચતર જીવનની પ્રેરણા આપનાર એ એક અનન્ય ગ્રંથ છે. પૂર્ણતાના પરમોચ્ચ શિખરે પહોચાડનાર પરમતત્ત્વનો સાક્ષાત્કાર કરાવનાર એક અનુપમ ગ્રંથ છે.

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.