(માર્ચ ૨૦૦૮થી આગળ)

સત્યનિષ્ઠ બનવું : આપણા શાસ્ત્રો દૃઢપણે ઉચ્ચારે છે કે અંતે સત્યનો જ જય થાય છે. આપણો રાષ્ટ્રિય આદર્શ ‘સત્યમેવજયતે’ આ સત્યની આપણને યાદ અપાવે છે. શ્રીમા કાલીનો વિશુદ્ધ પ્રેમ મેળવવા શ્રીરામકૃષ્ણે શ્રીજગદંબાનાં ચરણોમાં – જ્ઞાન-અજ્ઞાન, પવિત્રતા-અપવિત્રતા, ઈષ્ટ-અનિષ્ટ, ધર્મ-અધર્મ – જીવનના આ દ્વન્દ્વો ધરી દીધાં. પરંતુ તેઓ સત્ય અને અસત્યની દ્વૈતતાને અર્પણ કરી દીધી ન હતી. એનું કારણ એ હતું કે જો તે સત્યને જ શ્રીમાનાં ચરણે ધરી દે તો તેમનો ત્યાગ અસત્ય જ બની રહે.

સત્ય અને પ્રમાણિકતા બીજા બધાં મૂલ્યો કે સદ્‌ગુણોની આધારશિલા છે. એટલું જ નહિ તે કોઈ પણ પ્રકારના સામાજિક અસ્તિત્વની આધારભૂમિ બનવી જોઈએ. શ્રીરામકૃષ્ણદેવે પુન: પુન: આ વસ્તુ પર ભાર દઈને કહ્યું છે: ‘જે લોકો કચેરીનું કામકાજ, વેપારધંધા જેવી દુનિયાદારીની પ્રવૃત્તિમાં જોડાયેલા છે તેમણે સત્યને તો પકડી જ રાખવું જોઈએ. સત્ય જ એકમાત્ર કળિયુગનું તપ છે.’ (‘શ્રીરામકૃષ્ણ કથામૃત’)

જો કોઈ પણ વ્યક્તિ બીજાની સાથેના વ્યવહારમાં અસત્યનો આશરો લે તો તે સત્યને ગુમાવવાના માર્ગે દોરી જશે. વળી સત્યને ગુમાવવું એટલે સર્વ કંઈ ગુમાવવા જેવું છે. એટલું જ નહિ અસત્યનો આશરો લેવો એટલે સ્વમાનને ગુમાવવું અને સ્વમાન વિના કોઈ પણ વ્યક્તિ સમાજમાંથી તત્કાળ પોતાનો માનમરતબો ગુમાવે છે. સત્યનિષ્ઠામાંથી ઉદ્‌ભવેલ શક્તિ જ આપણને ભય, દોષદૃષ્ટિ અને દંભથી દૂર કરે છે અને એ બધાંથી બચાવે છે. આ શક્તિ આપણને સ્વાર્થભાવના અને વિષયવાસનાઓ જેવી વૃત્તિઓને ત્યજવાની તેમજ લાલચુપણાની સામે ઊભા રહેવા મનને બળ આપે છે. આવા સદ્‌ગુણવાળો માણસ સત્યવાદીના નામે ઓળખાય છે.

આત્મસંયમનો અભ્યાસ : પોતાનાં નિ:સ્વાર્થતા, અહં અને સુખસુવિધાઓનો બીજાઓનાં સેવાકલ્યાણ માટે ભોગ આપવો એ ભાવના પુષ્કળ પ્રમાણમાં માનસિક અને શારીરિક શક્તિ માગી લે છે. વાણીવિલાસ, ખાઉધરાપણા અને વિષયવાસનામાં રતિ જેવા માર્ગે નિરર્થક વેડફાઈ જતી શક્તિને કે ઊર્જાને સંગ્રહીને કે જાળવી રાખીને આત્મસંયમ દ્વારા ઉપર્યુક્ત શક્તિનાં સર્જન-વૃદ્ધિ થઈ શકે છે. તદુપરાંત આત્મસંયમ માનવને બીજા બધા સદ્‌ગુણોને આચરણમાં મૂકવા શક્તિમાન બનાવે છે અને પોતાનાં જીવનધ્યેયો પ્રત્યે મન કેન્દ્રિત કરવા શક્તિ આપે છે. આવા આત્મસંયમવાળા વ્યક્તિને જિતેન્દ્રિય કહેવાય છે.

પ્રાર્થના

વૈશ્વિક પ્રાર્થનાઓ : બીજા બધા પ્રત્યે પ્રેમ અને એમના ભલાની ચિંતાનો ભાવ વિકસાવવા માટે સૌનાં ક્ષેમકલ્યાણની પ્રાર્થના કરવી એ એક માર્ગ છે. આવી વૈશ્વિક ભાવની પ્રાર્થનાઓ સર્વનાં કલ્યાણ માટે – એમાંય વિશેષ કરીને તમારે જેમની સાથે સારા સંબંધો નથી તેમના કલ્યાણ માટે – દરરોજ કરવી જોઈએ.

સર્વસ્તરતુ દુર્ગાણિ સર્વો ભદ્રાણિ પશ્યતુ ।
સર્વ: સદ્‌બુદ્ધિમાપ્નોતુ સર્વ: સર્વત્ર નન્દતુ ॥

સર્વ ભયમુક્ત બનો, બધા સારાપણાનો અનુભવ કરો, સૌ ઉમદા વિચારોથી પ્રેરાતા રહો, સૌ સર્વત્ર આનંદે રહે.

સર્વે ભવન્તુ સુખિન: સર્વે સન્તુ નિરામયા: ।
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત્‌ દુ:ખભાગ્‌ ભવેત્‌ ॥

બધા સુખી થાઓ, સર્વને નિરામય પ્રાપ્તિ થાઓ, સૌને સારાપણાનો અનુભવ થાઓ, કોઈ પણ દુ:ખભાગી ન બનો.

દુર્જન: સજ્જનો ભૂયાત્‌ સજ્જન: શાન્તિમાપ્નુયાત્‌ ।
શાન્તો મુચ્યેત બન્ધેભ્યો મુક્તાશ્ચાન્યાન્‌ વિમોચયેત્‌॥

દુર્જન સજ્જન બને, સદ્‌ગુણી સજ્જન શાંતિ પામે, પરમશાંત થયેલો બંધનોથી સૌને મુક્ત કરે, મુક્તિ પામેલાં બીજાંને મુક્તિ અપાવે.

આવી પ્રાર્થનાઓથી બીજામાં દોષ ન જોવાના ઉદાત્ત મનના અભ્યાસથી પ્રેરણા મળે છે. શ્રીશ્રીમા સારદાદેવીનો અંતિમ ઉપદેશ આવો હતો: ‘બેટા, જો શાંતિ ચાહતો હો, તો અન્યના દોષ ન જોતો; દોષ જોવા હોય તો જોજે પોતાના. બેટા, આ દુનિયાને તારી બનાવતાં શીખજે. અહીં કોઈ પારકું પરાયું નથી.’

કર્મયોગને જાણો

નિષ્કામ કર્મભાવનાની જીવનકલા : શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં નિષ્કામ કર્મયોગની ઘણી પદ્ધતિઓ વર્ણવી છે. એમાંની એક સલાહ આવી છે – પોતાના કાર્યની સર્વોત્કૃષ્ટતા માટે સતત મથતા રહેવાની. હાથમાં લીધેલ કાર્યમાં પોતાનાં દેહમનપ્રાણ રેડી દો. આ કાર્યલક્ષી સમર્પણભાવ તમને કાર્યમાંથી વિચલિત કે વિક્ષુબ્ધ થવાના ભાવને દૂર કરવા સ્વત: શક્તિમાન બનાવે છે. સાથે ને સાથે તમારી ઇચ્છાઓ અને કર્મફળને વધારે ને વધારે પરિશુદ્ધ બનાવે છે. આ રીતે આવી પ્રક્રિયામાં મળેલી કાર્યસિદ્ધિ સમાજ માટે એક મોટી સેવા બની રહે છે. આવાં કાર્યો પણ ઉદાત્ત આનંદનું સ્રોત છે.

જેઓ ઈશ્વરમાં શ્રદ્ધા રાખે છે તેમને માટે આસક્તિ છોડવી એ સરળ વાત છે. આ આસક્તિ કે કામના છોડવી એટલે કોઈ પણ કર્મના ફળને ઈશ્વરને સમર્પિત કરી દેવું. તમે તમારી જાતને ઈશ્વરના સેવક ગણો અને તમે એમને ખુશ કરવા કાર્ય કરો છો એમ મનથી માનો. તમારું કુટુંબ, તમારા મિત્રો અને તમારો સમાજ પણ એ ઈશ્વરે તમને સોંપેલી એક પવિત્ર જવાબદારી છે એમ માનો. આવી રીતે કરેલું કાર્ય ત્યાગ અને સમર્પણ બની જાય છે.

જો તમે ઈશ્વરમાં ન માનતા હો કે બીજી કોઈ બાહ્ય સહાયમાં વિશ્વાસ ન રાખતા હો તો તમારે તમારા મનની શક્તિઓ અને ‘હું અનાસક્ત બનીશ જ’ એવી વિવેકબુદ્ધિથી આ અનાસક્તિભાવ કેળવવો પડે.

સિદ્ધાંતનિષ્ઠ સામાજિક સંબંધો 

સિદ્ધાંત નિષ્ઠા સાથે સામાજિક સંબંધો જાળવવાની કળા : જ્યારે તમે લોકો સાથેના સંબંધો કેળવવામાં પોતાના સિદ્ધાંતોનું સમાધાન ન કરો એવું જાણી લો ત્યારે આદર્શ સેવા વ્યવહારુ બને છે.

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ શિષ્ય શ્રીમત્‌ સ્વામી તુરીયાનંદજી મહારાજે પોતાના શિષ્યોને સલાહ આપતાં કહ્યું: ‘મતની બાબતમાં તમે તત્કાલીન વિચારપ્રવાહમાં તરતા રહો અને સિદ્ધાંતની બાબતમાં તો તમે એક અડગ શિલાની જેમ દૃઢ બની રહો.’ આ સિદ્ધાંતનિષ્ઠાની વાતો જીવનનું સારભૂત તત્ત્વ છે. આવાં સારભૂત તત્ત્વો એટલે સત્યનિષ્ઠા, પવિત્રતા, ઉદાત્તતા, નિ:સ્વાર્થભાવના, સહિષ્ણુતા અને આત્મસંયમ જેવા સદ્‌ગુણો. કયો રાજકીય પક્ષ સુશાસન માટે વધારે શક્તિમાન છે, કયો સીનેમાનો કલાકાર શ્રેષ્ઠ છે, આ મિજબાનીમાં તમારાં પુત્ર-પુત્રીએ કયો પોશાક પહેરવો જોઈએ, જેવી બાબતો મતાભિપ્રાયની વાતો છે. આ બાબતો જીવનની સારભૂત બાબતો નથી.

પરંતુ આપણા દૈનંદિન જીવનમાં ભિન્ન ભિન્ન પ્રકારના લોકો સાથે આંતર સંબંધો કેળવવા કે હળવા-મળવા આપણે આપણા મનના સંતુલનને કેવી રીતે જાળવવું? આવા આંતરસંબંધો કેળવવા માટે માનવીએ કેવું મનોવલણ કેળવવું જોઈએ તેની વાત પતંજલિના એક યોગસૂત્રમાં આ રીતે કરી છે.

મૈત્રી-કરુણા-સુદિતોપેક્ષાણાં સુખ-દુ:ખ-પુણ્યાપુણ્ય-વિષયાણાં ભાવનાતશ્ચિત્તપ્રસાદનમ્‌ ॥

સુખ, દુ:ખ, પુણ્ય અને પાપમય વિષયો પ્રત્યે અનુક્રમે મૈત્રી, કરુણા, પ્રીતિ, અને ઉપેક્ષાની ભાવના કેળવવાથી ચિત્તની સ્થિરતા આવે છે. (પતંજલિ યોગસૂત્ર, પ્રથમ અધ્યાય, ૩૩)

આ અંગે સમજાવતા સ્વામી વિવેકાનંદ કહે છે :

આ ચાર પ્રકારની ભાવનાઓ આપણામાં હોવી જ જોઈએ. આપણે સૌની સાથે મિત્રતા કેળવવી જોઈએ; જેઓ દુ:ખી હોય તેમના પ્રત્યે દયા દાખવવી જોઈએ; જેઓ સુખી હોય તેમનું સુખ જોઈને આપણે સુખી થવું જોઈએ; અને દુષ્ટો પ્રત્યે આપણે ઉપેક્ષા રાખવી જોઈએ. આપણી સામે આવતા સર્વ વિષયોની બાબતમાં એ પ્રમાણે વર્તવું. જો એ પદાર્થ સારો હોય, તો તેના પ્રત્યે આપણે મિત્રતા રાખવી; જો વિચારનો વિષય દુ:ખપૂર્ણ હોય, તો આપણે તેના પ્રત્યે કરુણા રાખવી. જો તે સારો હોય તો આપણે રાજી થવું; જો તે ખરાબ હોય તો તેની ઉપેક્ષા કરવી. મનની સામે આવતા જુદા જુદા વિષયો પ્રત્યેનું આ પ્રમાણેનું જુદી જુદી રીતનું વલણ મનને શાંત બનાવશે. (સ્વા.વિ.ગ્રં.મા., ૩.૧૮૧)

મનની પ્રકૃતિ અને તેનાં કાર્યોની ચર્ચા કરતા રાજયોગના અભ્યાસ દ્વારા નૈતિકતાનું આચરણ કે તેનો અભ્યાસ ખરેખર સરળ બની જાય છે. ઉદાહરણ તરીકે વિષેધાત્મક ઊર્મિઓને વ્યવહારુ રીતે કેવી રીતે જીતી શકાય, એ યોગસૂત્રમાં બતાવવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદ આ વાતને આ શબ્દોમાં રજૂ કરે છે : વિતર્કબાધને પ્રતિપક્ષભાવનમ્‌ ॥ યોગમાં પ્રતિબંધક વિચારોને અટકાવવા માટે તેમના વિરોધી વિચારોનું ચિંતન કરવું. સ્વામી વિવેકાનંદ વર્ણવે છે:

દાખલા તરીકે, મનમાં જ્યારે ક્રોધનો મોટો આવેશ આવ્યો હોય ત્યારે તેને રોકવો કઈ રીતે? તેનાથી વિરોધી પ્રકારનો વિચારતરંગ મનમાં ઊભો કરીને. એ વખતે પ્રેમની ભાવના મનમાં લાવો. કોઈ વાર કોઈ સ્ત્રીને પોતાના પતિ પર ખૂબ ક્રોધ આવ્યો હોય અને એ અવસ્થામાં તેનું બાળક આવી ચડે અને તેને તે વહાલથી બચ્ચી ભરે; તે વખતે પેલું ક્રોધનું મોજું પહેલાને દબાવે છે. એક નવું મોજું ઊઠે છે, બાળક પ્રત્યેના પ્રેમનું એ મોજું પહેલાંને દબાવે છે. ક્રોધનો વિરોધી ભાવ છે પ્રેમ. તે જ પ્રમાણે, જ્યારે ચોરી કરવાનો વિચાર મનમાં આવે, ત્યારે અસ્તેયનો વિચાર મનમાં લાવવો જોઈએ; તથા જ્યારે દાન લેવાનો વિચાર મનમાં આવે, ત્યારે તેને અપરિગ્રહની ભાવનાથી દાબી દેવો જોઈએ. (સ્વા.વિ.ગ્રં.મા., ૩.૨૧૫)

સદાચાર દ્વારા મળેલ પાવનકારી સમૃદ્ધિ : આજના આપણા સમાજમાં ત્યાગ અને સેવાના બે જોડિયા આદર્શને આચરણમાં મૂકવાનું આહ્‌વાન ખયાલી આદર્શવાદી કે અવ્યવહારુ લાગે છે. પરંતુ મહર્ષિ વ્યાસના આ શબ્દો ધ્યાનમાં રાખવાથી બધું સારું થઈ જાય ખરું. ‘ધર્મના પથે ચાલીને કોઈ પણ વ્યક્તિ અર્થ રળી શકે અને કામને પણ સંતોષી શકે.’ (મહાભારત, ૧૮/૫/૪૯) અહીં ધર્મ એટલે સદાચાર કે વૈશ્વિક નૈતિક નિયમ-કાયદો.

માતાપિતા, વાલી કે શિક્ષક રૂપે તમારે આ ત્યાગ અને સેવાના જોડિયા આદર્શને આચરણમાં મૂકવો પડે. તો જ તમે મૂક ભાવે અને ચોક્કસ રીતે તમારાં બાળકો કે વિદ્યાર્થીઓ પર ચારિત્ર્ય ઘડતરનો પ્રભાવ પાડી શકો.

ચારિત્ર્યઘડતર

ચારિત્ર્ય ઘડતરનું મહત્ત્વનું કાર્ય ઘરેથી શરૂ થાય છે. આ પ્રક્રિયામાં પાયાના કેટલાક મૂળભૂત પ્રશ્નો માતપિતા તરીકે તમારી સામે આવીને ઊભા રહે છે :

(અ)આપણા બાળકના ચારિત્ર્ય ઘડતરનું કાર્ય ક્યારે શરૂ કરવું?

(બ)આપણા બાળકોના વાસ્તવિક બાળઉછેર માટે આદર્શવલણ કયું છે?

(ક)મૂલ્યોને એમના જીવનમાં કેવી રીતે ઉતારવાં?

(ડ)આપણા પોતાના ઘરે જ બાળકો પોતાનું ચારિત્ર્ય ઘડતર થાય એ માટે કેવી સુટેવો એણે કેળવવી જોઈએ?

ચારિત્ર્ય ઘડતરનું સુકાર્ય ક્યારે શરૂ કરવું?

જીવન પરિવર્તનના છ તબક્કા અને વયજૂથો : બાળકના ઉછેરના વયજૂથના તબક્કાઓની સમજણથી ચારિત્ર્ય ઘડતરની પ્રક્રિયા વધુ સરળ બને છે. સામાન્ય રીતે માનવજીવન ગર્ભાવસ્થાથી માંડીને મૃત્યુપર્યંતની અવસ્થામાં આવતાં પહેલાં છ તબક્કાઓમાંથી પસાર થાય છે :

ગર્ભમાં રહેવું; ગર્ભમાંથી બાહ્ય સૃષ્ટિમાં અવતરવું; સૃષ્ટિનાં હવા-પાણી અને અનાજ સાથે વિકસવું; શિશુ, કિશોર, તરુણ, યુવા, પ્રૌઢ, વગેરે એક પછી એક તબક્કાઓમાંથી પસાર થવું; વૃદ્ધાવસ્થામાં પ્રવેશવું અને અંતે દેહવિનાશ કે મૃત્યુ.

ઉપર્યુક્ત જીવનપરિવર્તનની શૃંખલાઓમાંથી પસાર થતાં દેહમનસંકુલ પર ૧૮ વર્ષની ઉંમર સુધી ઘણો મોટો પ્રભાવ પાડી શકાય છે.

પ્રથમ પાંચ વર્ષ એટલે કે શિશુ અવસ્થામાં આ દુનિયા એક ખેલાઘર છે. સમાજની કોઈ પણ મંજૂરીની મહોર વિના શિશુ પોતાની ઇન્દ્રિયોના અનુભવમાં આવતા આનંદને કોઈ પણ જાતની રોકટોક વિના વ્યક્ત કરવામાં પ્રસન્નતા અનુભવે છે. ઉદાહરણ તરીકે એવું બાળક જે જુએ, સાંભળે, સુંઘે તેની તે તરત જ બધાની સમક્ષ આનંદ સાથે અભિવ્યક્તિ કરવાનું જ.

પાંચથી બાર વર્ષની કિશોરાવસ્થામાં બાળકને ધીમે ધીમે આ જગત-સંસારની વાસ્તવિકતાનો ખ્યાલ આવવા મંડી જાય છે અને એમાં ઘર ઘણો મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉંમરમાં જેમ બ્લોટિંગ પેપર શાહીને ચૂસી લે છે તેમ બાળકના કોમળ મનમાં વધુમાં વધુ સંસ્કારોની ઊંડી અને કાયમી છાપ પાડી શકાય છે.

કિશોરાવસ્થામાંથી તરુણાવસ્થા એટલે ૧૨ થી ૧૮ વર્ષની ઉંમરના આ મહત્ત્વના તબક્કામાં તરુણતરુણીમાં નોંધનીય વર્તનપરિવર્તનો આવે છે. આ અવસ્થામાં આત્મસંયમ, મનની લાગણીઓ કે ઊર્મિઓની અભિવ્યક્તિ પરનો અંકુશ, ક્ષમાશીલતા કે સહિષ્ણુતાની ભાવના અને આપલેની ભાવના જેવા ગુણોનો વિકાસ થાય છે. વિશ્વની વાસ્તવિકતાની સાપેક્ષતામાં તરુણતરુણીઓમાં એક અહંભાવ પણ જાગ્રત થાય છે.

પોતાની આત્મઓળખ અને આ જગત વિશેના ચોક્કસ વિચારો અને ખ્યાલો સાથે ૧૮ વર્ષ અને તેથી મોટાં યુવક-યુવતીઓ પ્રવેશે છે. તમારા બાળકનાં ઉછેર અને ચારિત્ર્ય ઘડતરની આ પ્રક્રિયાઓ તેના જન્મ પહેલાંથી જ આરંભાવી જોઈએ.

જન્મ પહેલાં જ ચારિત્ર્ય ઘડતરની પ્રક્રિયા શરૂ થાય છે : આપણાં શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે કે બાળક જ્યારે  પોતાની માતાના ગર્ભમાં હોય છે ત્યારથી જ્ઞાન અને સંસ્કાર મેળવવા માંડે છે. આનું સુખ્યાત ઉદાહરણ છે મહાભારતના અર્જુન-સુભદ્રાના વીરપુત્ર અભિમન્યુનું. એક વખત ભગવાન શ્રીકૃષ્ણે સુભદ્રાની હાજરીમાં અર્જુનને સાત કોઠા યુદ્ધનાં રહસ્યો કહેવા લાગ્યા. સુભદ્રાના ગર્ભમાં વિકસતા અભિમન્યુએ આ વિદ્યાને ગ્રહણ કરી લીધી. અભિમન્યુના આ જ્ઞાને પછીના સમયે મહાભારતના મહાન યુદ્ધમાં લડતા પાંડવોની કીર્તિને બચાવવા સહાય કરી હતી. માતાના ગર્ભમાં રહીને મેળવેલ જ્ઞાનસંસ્કારનાં બીજાં બે ઉદાહરણો મહર્ષિ અષ્ટાવક્ર અને ભક્ત પ્રહ્‌લાદના છે.

સાઉન્ડ થેરપિ પરના આધુનિક પ્રયોગોએ એ સિદ્ધ કર્યું છે કે ગર્ભમાં રહેલ બાળક પર સંગીત એક જબરો પ્રભાવ પાડે છે અને પછીની ઉંમરમાં તેમના સાંવેગિક ઘડતરમાં પણ મોટી અસર કરે છે.  જ્યારે ગર્ભવતી માતાઓ શાસ્ત્રીય સંગીત સાંભળતી ત્યારે ગર્ભમાં રહેલ બાળક સ્વસ્થતા અનુભવતું. આમ છતાં પણ જ્યારે આ માતા સંગીતની કોમળ મધુર સુરાવલિઓને બદલે રોક-મ્યુઝિક જેવા કાન ફાડી નાખતા સૂરો સાંભળતી ત્યારે ગર્ભમાંના બાળકને ખલેલ પહોંચતી અને તે હિંસક બનીને લાત પણ મારી દેતું. જન્મ પહેલાં બાળક પર માતાના પડતા પ્રભાવની વાત કરતાં સ્વામી વિવેકાનંદ કહે છે :

‘હું જાણું છું કે મારો જન્મ થયો તે પહેલાં મારી માતા ઉપવાસ કરતી, પ્રભુને પ્રાર્થના કરતી અને આવાં અનેક વ્રત-તપ કરતી. આવાં તપ તો હું પાંચ મિનિટ માટે પણ કરી શકતો ન હતો. એમણે આવું બધું બબ્બે વર્ષ સુધી કર્યું. હું એટલું દૃઢપણે માનું છું કે મારામાં જે કંઈ પણ ધર્મના સંસ્કાર છે તેને માટે હું તેમનો ઋણી છું. હું જે છું એ થવા જ મને મારી માતાએ જાગ્રતપણે આ જગતમાં ઉછેર્યો છે. મારામાં જે સદ્‌ભાવનાઓ છે એ બધું મારી માતાએ મને જાણ્યે અજાણ્યે આપ્યું છે.’ (કં.વ.૯.૨૦૩)

એટલે ખ્યાલ કે વિચાર આવો છે: ‘બાળકને ધર્મમય જીવન અને પ્રાર્થનાઓ દ્વારા જન્મ મળવો જોઈએ.’ સુખી જીવનના દસ સંસ્કારોની વાત હિંદુશાસ્ત્રો કરે છે. એમાંના ત્રણ આદેશો તો માતપિતા માટે જ છે. એટલે જ માતૃત્વ અને પિતૃત્વની તૈયારીમાં માત્ર બાળકોની આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા જેવી ભૌતિક પ્રવૃત્તિઓનો સમાવેશ થતો નથી પણ એની સાથે સૌથી વધારે અગત્યની પ્રવૃત્તિઓ એટલે પવિત્રતાનો અભ્યાસ અને વિચાર તેમજ સદ્‌વર્તણૂક કેળવવાં જરૂરી છે. એને લીધે બાળકને સત્સંસ્કારો મળી રહેશે. સમગ્ર કુટુંબની આ નૈતિક જવાબદારી છે અને એમાંય વિશેષ કરીને માતાની.

પોતાના બાળકમાં સારી અપેક્ષા સેવતી માતાઓએ આટલું કરવું જોઈએ: હંમેશાં આનંદ અને શાંતિના ભાવમાં રહેવું; પોષક અને સમતોલ આહાર સાથે પૂરતો આરામ કરવો; પ્રાર્થના, પ્રભુસેવાપૂજા અને સદ્‌ગ્રંથોના વાચન દ્વારા ભાવાત્મક વિચારોમાં પોતાના મનને પરોવી રાખવું; માતાએ મૂલ્યલક્ષી કેળવણી દ્વારા પોતાના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ.

(ક્રમશઃ)

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.