આદર્શ ગૃહિણી કોણ?

એક વખત ગૌતમ બુદ્ધ અનાથ પીંડક નામના એક શેઠજીને ઘરે ગયા. એમની સાથે વાતચીત કરતા હતા ત્યારે ઘરની અંદર કલહકંકાસનો અવાજ આવ્યો. તથાગતે એમને પૂછતાં શેઠજીએ જણાવ્યું કે તેઓ અતિ અભિમાની, પતિનો અનાદર કરતી અને અમારુંયે ન માનતી પુત્રવધુ સુજાતાને લીધે ઘણા હેરાન પરેશાન છે. એને લીધે ઘરમાં હંમેશ કજિયાકંકાસ થતા રહે છે.

એ સાંભળીને તથાગતે શેઠને એ વહુને મોકલવા કહ્યું. પુત્રવધુ આવ્યાં અને તથાગતે એમને પ્રશ્ન પૂછ્યો:

‘બહેન, વધિકસમા, ચોરસમા, આર્યસમા, માતૃસમા, ભગિનીસમા, સખીસમા ને દાસીસમા એવી સાત પ્રકારની ગૃહિણીઓમાંથી તું કયા પ્રકારની ગૃહિણી છો?’

સુજાતાએ કહ્યું: ‘મહારાજ, હું આમાં કંઈ સમજી નથી. મને સ્પષ્ટતાથી વાત કરો.’ એ સાંભળીને ભગવાન તથાગતે કહ્યું:

‘જે ગૃહિણી હંમેશાં ક્રોધ કરે છે, જેને પતિ પર જરાય પ્રેમ નથી હોતો અને તેનું અપમાન જ કરતી રહે છે તેમજ પરપુરુષ પર મોહી પડે છે તે સ્ત્રી બરાબર હત્યારિણી જેવી હોય છે એટલે એને વધિકસમા કહે છે.

જે પત્ની પતિની સંપત્તિનો દુરુપયોગ કરે, એમાંથી ચોરી કરીને તેનો ઉપભોગ કરે છે એને ચોરસમા કહે છે.

જે આળસુ હોય, કામ ન કરતી હોય, કર્કશા હોય અને પતિની સામે પોતાની મોટાઈ દેખાડતી હોય તેને આર્યસમા કહેવાય છે.

હંમેશાં પતિનું ચિંતન કરનારી, પોતાના પ્રાણથી પણ અધિક પતિને ચાહનારી અને એની રક્ષા કરનારી સ્ત્રીને માતૃસમા કહે છે.

જે બહેનની જેમ પોતાના પતિ પર સ્નેહ કરે છે અને લજ્જાપૂર્વક તેને અનુસરે છે તેવી ભગિનીસમા કહે છે.

જે સ્ત્રી પતિને સખીની જેમ માન આપે છે, એને જોઈને ચિર વિરહથી પીડાતી સખીની જેમ પ્રસન્ન થાય છે તેને સખીસમા કહે છે.

જે સ્ત્રીને એનો પતિ હંમેશાં દુ:ખક્લેશ આપતો રહે છે, તેનો અનાદર કરતો રહે છતાં પણ ચૂપચાપ રહીને ધીરતા અને સ્થિરતાથી બધું સહન કરતી રહે અને પતિની આજ્ઞાનું સદૈવ પાલન કરતી રહે એવી પત્નીને દાસીસમા કહે છે.

હવે તું બતાવ કે તું આમાંથી કેવા પ્રકારની પત્ની છો?’

તથાગતની આ વાણી સાંભળતાં જ સુજાતાની આંખમાં આંસું વહેવાં લાગ્યાં. ભગવાન તથાગતનાં ચરણોમાં પડીને તે બોલી ઊઠી: ‘ભગવાન મને ક્ષમા કરો. ઉપર્યુક્ત સ્ત્રીઓમાંથી હું કોણ છું એ બતાવવા મારી વાણી સમર્થ નથી. એમ છતાં પણ હું આપને ખાતરીપૂર્વક કહું છું કે આજથી હું મારા પતિ અને વડીલોનો આદર કરીશ અને એમના જીવને ક્યારેય નહિ દુભાવું. આજથી હું મારી જાતને ઘરની દાસી માનીને મારું જીવન જીવીશ.’

Total Views: 40

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.