(ગતાંકથી આગળ)

યાત્રામાં વિઘ્ન – આદેશની પ્રતીક્ષા રામનદના નરેશે પોતાનો વિચાર બદલ્યો

સ્વામીજીએ ૧૫ ફેબ્રુઆરી (૧૮૯૩)ના પત્રમાં રાજા અજિતસિંહને લખ્યું કે તેઓ આગામી બે-ત્રણ સપ્તાહમાં જ યુરોપ માટે રવાના થઈ રહ્યા છે. ત્યાર પછી એક સપ્તાહમાં જ મદ્રાસમાં એક એવી મહત્ત્વપૂર્ણ ઘટના ઘટી કે જેનાથી સ્વામીજીએ પોતાની આખી યોજના બદલી નાખવી પડી. રામનદના રાજા ભાસ્કર સેતુપતિએ પ્રસ્તુત યાત્રાના ખર્ચ આપવાની બાબતમાંથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો. આ પ્રસંગનું સવિસ્તાર વર્ણન સ્વામી શિવાનંદજીના એક વાર્તાલાપમાં જોવા મળે છે:

‘ત્યાં (મદ્રાસમાં) તેઓ આસિસ્ટંટ એકાઉન્ટન્ટ જનરલ મન્મથ ભટ્ટાચાર્યના ઘરે ઉતર્યા હતા. એ દિવસોમાં સુબ્રહ્મમણ્ય અય્યર ત્યાંના એક વિખ્યાત વકીલ હતા. તેઓ તથા અન્ય સારા સારા વિદ્વાનો સ્વામીજીને મળવા આવતા. મેં પછીથી તે લોકોના મુખેથી સાંભળ્યું હતું કે ત્યાં આવી રીતે ક્યારેય કોઈ પણ વ્યક્તિ પાસે આટલી મોટી સંખ્યામાં ભદ્ર લોકો ગયા ન હતા. એ ભદ્રજનો પણ સ્વામીજીને અમેરિકા મોકલવા ઇચ્છુક હતા. સ્વામીજીએ પૈસાની વાત ઉપાડી.

એ લોકોએ જ્યારે આ યાત્રા પ્રવાસના ખર્ચના રૂપિયા વિશે રામનદના રાજાનો પત્રથી સંપર્ક કર્યો તો ઉત્તરમાં રાજાએ આવું લખાણ મોકલ્યું:

‘સ્વામીજી, હું રૂપિયા મોકલવા અસમર્થ છું. આ સમયે હું રૂપિયા મોકલી નહિ શકું.’ એક વર્તમાન પત્રના આપણા દેશના જ સંપાદકે એમને કહી દીધું હતું: ‘મહારાજ, આપશ્રી રૂપિયા આપીને સ્વામીજીને અમેરિકા મોકલશો! તેઓ તો એક બંગાળી વિદ્વાન છે. વિદેશમાં જઈને જો તેઓ રાજનૈતિક વિચારોનો પ્રચાર કરવા માંડે તો પછી તેને રાજાનો જ દોષ માનવામાં આવશે.’ .. એટલે રામનદના રાજાએ ડરીને આવું લખ્યું હતું… જો કે આનાથી સારું જ થયું. એક વ્યક્તિના નામે તેઓ ભલા કેમ જાય! શ્રીઠાકુરની ઇચ્છા એવી હતી કે અનેક દેશવાસીઓ એમના (અમેરિકા) જવાની વ્યવસ્થા કરે.’ (‘સ્વામી શિવાનંદજી સે વાર્તાલાપ’, વિવેકજ્યોતિ, જાન્યુ.૧૯૯૪, પૃ.૧૧૫-૧૭; બંગાળી માસિક ‘ઉદ્‌બોધન’, વર્ષ ૩૬, પોષ માસનો અંક)

રામનદ નરેશે સ્વામીજીની યાત્રા માટે દસ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. એટલું ન મળે તો પણ અમેરિકા જવા અને ત્યાં થોડો સમય રહેવા માટે ઓછામાં ઓછા ત્રણ-ચાર હજાર રૂપિયાની આવશ્યકતા હતી. સાથે ને સાથે પૂર્વનિર્ધારિત યોજના (માર્ચ-એપ્રિલમાં ઈંગ્લેન્ડ જવા રવાના થવું)ની દૃષ્ટિએ સમય ઘણો ઓછો હતો. સ્વામીજી તથા એમના સ્થાનિક મિત્રો ચિંતિત બન્યા. તેઓ અરસપરસ મળીને ફંડ એકઠું કરીને તેમજ ઘરે ઘરે જઈને ધન ભેગું કરવા લાગ્યા. બધા લોકો એ માટે પોતાના તથા સ્વામીજીના પરિચિત લોકોને મળવા લાગ્યા.

ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ દરમિયાન જાણવા મળ્યું કે રામનદના રાજાએ સ્વામીજીની સમગ્ર વિદેશયાત્રાનો ખર્ચ ભોગવવા માટે જે વચન આપ્યું હતું તેમાંથી તેઓ ખસી ગયા છે. એટલે આલાસિંગાના નેતૃત્વ હેઠળ એમનું મદ્રાસી ભક્તવૃંદ ધનસંગ્રહના કાર્યમાં તત્કાળ લાગી ગયું. તેઓ મદ્રાસ નગરના જ પોતાના મિત્રો તથા પરિચિતોના ઘરે જઈને સ્વામીજીના હિંદુધર્મના પ્રચારાર્થે તથા વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવાના હેતુ અર્થે એમને યુરોપ-અમેરિકા મોકલવા લોકો પાસેથી ફંડ એકઠું કરવા લાગ્યા. મન્મથનાથ ભટ્ટાચાર્યના એક મિત્ર મધુસૂદન ચેટર્જી હૈદરાબાદ રાજ્યમાં અધીક્ષક ઈજનેર હતા. એમના અનુરોધથી સ્વામીજી પોતે પણ ૧૯ કે ૨૦ ફેબ્રુઆરીએ હૈદરાબાદ ગયા. ત્યાં પહોંચીને ૨૧ ફેબ્રુઆરીએ એમણે આલાસિંગાના નામે એક પત્ર લખ્યો:

‘દ્વારા બાબુ મધુસૂદન ચેટર્જી
સુપ્રિટેન્ડીંગ એન્જિનિયર, ખૈરતાબાદ,
હૈદરાબાદ – ૨૧ ફેબ્રુઆરી, ૧૮૯૩

પ્રિય આલાસિંગા,

સ્ટેશન પર મને લેવા માટે તમારો એક યુવક ગ્રેજ્યુએટ મિત્ર તથા એક બંગાળી સદ્‌ગૃહસ્થ આવ્યા હતા. અત્યારે હું એ બંગાળી સજ્જનની પાસે છું – કાલે તમારા એ યુવાન મિત્રને ત્યાં જઈને હું થોડા દિવસ રહીશ – ત્યાર પછી અહીંનાં જોવા લાયક સ્થળો જોયા બાદ થોડા દિવસમાં જ હું મદ્રાસ પાછો ફરીશ.

અત્યંત ખેદ સાથે હું તમને જણાવું છું કે આ સમયે મારા માટે વળી પાછા રાજપૂતાના જવું સંભવ નથી. અત્યારથી જ અહીં અત્યંત ગરમી પડે છે અને રાજપૂતાનામાં કોણ જાણે આનાથીયે વધારે ભીષણ ગરમી હશે. તેમજ હું ગરમી જરાય સહન કરી શકતો નથી, એટલે અહીંથી મારે બેંગલોર જવું પડશે. ત્યારબાદ ઉટાકામંડ જઈને મારે ઉનાળો વિતાવવો પડશે. ગરમી તો જાણે મારું માથું ખોલી નાખે છે.

એટલે મારી બધી યોજના ધૂળમાં મળી ગઈ. અને તેથી જ હું પહેલેથી મદ્રાસમાંથી જેમ બને તેમ જલદી નીકળી જવા વ્યગ્ર હતો. તો જ અમેરિકા મોકલવા માટે કોઈ ઉત્તરભારતના રાજાનો સહયોગ પ્રાપ્ત કરવા માટે મને યથેષ્ટ સમય મળી રહેત. પરંતુ શું કરું, હવે તો ઘણું મોડું થઈ ચૂક્યું છે. સૌથી પહેલાં તો આવી ગરમીમાં ક્યાંય જઈને કોઈ રાજા-મહારાજાનો સહયોગ મેળવવા માટે હું કોઈ પ્રયાસ નહિ કરી શકું – એમ કરવાથી મારે મારા પોતાના આ જીવનને ગુમાવવું પડે તેમ છે. અને બીજું – રાજપૂતાનાનો મારો ઘનિષ્ટ મિત્રવર્ગ મને ત્યાં આવેલો જોઈને પોતાની પાસે જ બાંધી રાખશે તથા તેઓ મને પાશ્ચાત્ય દેશમાં જવા નહિ દે. અત: પોતાના મિત્ર વર્ગને મળવાને બદલે કોઈ નવી જ વ્યક્તિની સહાયતા લેવાનો વિચાર હતો, પણ મદ્રાસમાં વિલંબ થઈ જવાને લીધે મારી બધી આશાઓ ધૂળમાં મળી ગઈ – મારે ઘણા ખેદ સાથે હવે એ પ્રયાસને છોડી દેવો પડ્યો – જેવી ઈશ્વરની ઇચ્છા, એ જ પૂર્ણ થાઓ! આ મારા પ્રારબ્ધનું ફળ છે, કોઈ બીજાનો દોષ નથી. પરંતુ તમે એટલું નિશ્ચિત માનજો કે હું બે-એક દિવસ માટે તરત જ મદ્રાસ જઈને તમને બધાને મળ્યા પછી બેંગલોર જઈશ અને ત્યાંથી ઉટાકામંડ ચાલી નીકળીશ.

જોઉં છું કે કદાચ મ. (મૈસૂર) મહારાજા મને મોકલી દે. ‘કદાચ’ એટલે કહું છું કે હું કોઈ દ. (દક્ષિણી) રાજાનાં વચન પર પૂરો ભરોસો નથી રાખતો. તેઓ રાજપૂત નથી – રાજપૂત પોતાનો પ્રાણ દઈ શકે છે, પરંતુ પોતાનાં વચનથી તેઓ ચલિત થતા નથી. અસ્તુ, ‘જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું’ – જગતમાં અનુભવ જ સર્વશ્રેષ્ઠ શિક્ષક છે…

તમારો, સચ્ચિદાનંદ
(વિવેકાનંદ સાહિત્ય, ખંડ-૧, પૃ.૩૮૬-૮૭, એ દિવસોમાં એમણે સચ્ચિદાનંદ નામ ધારણ કર્યું હતું.)

મુનશીજીનું મદ્રાસ પહોંચવું

ખેતડીના રાજા અજિતસિંહ તથા મુનશી જગમોહનલાલ ઘણી ઉત્સુકતાપૂર્વક સ્વામીજીની શોધ કરી રહ્યા હતા. સ્વામીજીના ૧૫ ફેબ્રુઆરીના એ પત્રમાંથી એમને સરનામું મળ્યું. રાજાએ તત્કાળ સ્વામીજીને લાવવાના ઉદ્દેશ્યથી મુનશીજીને મદ્રાસ રવાના કરી દીધા. સ્વામીજીનો એ પત્ર રાજાજીને ૨૦-૨૧ સુધીમાં મળી ગયો હશે અને ૨૨મીએ રવાના થઈને મુનશી જગમોહનલાલ સંભવત: ૨૪ ફેબ્રુઆરીના રોજ મદ્રાસ પહોંચી ગયા.

ખેતડીના સ્ટેટ મેનેજર જનાબ અબ્દુલ હકીમની ફાઈલમાં એક પત્રની પ્રતિલિપિ મળી આવી છે. (આ પ્રતિલિપિ અબ્દુલ હકીમના સુપુત્ર શ્રી અબ્દુલ હાદી ખાન પાસેથી પ્રાપ્ત થઈ છે.) એ પત્રથી મુનશી જગમોહનલાલની મદ્રાસ યાત્રા પર થોડો નવો પ્રકાશ પડે છે. રાજા અજિતસિંહે ખેતડીથી ૮ માર્ચ, ૧૮૯૩ના રોજ લખેલ એ પત્ર દ્વારા એવું જાણવા મળે છે કે મુનશીજી ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં જ મદ્રાસ પહોંચી ગયા હતા; કેટલાક લેખકોએ અનુમાન કર્યું છે તે મુજબ એપ્રિલમાં નહિ. જો કે આ મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજ કે પુરાવો અત્યાર સુધી અપ્રકાશિત રહ્યો છે એટલે અમે એના મૂળ અંગ્રેજી પત્રનો ગુજરાતી અનુવાદ આપીએ છીએ.

ખેતડી, ૮ માર્ચ, ૧૮૯૩

મારા વ્હાલા જગમોહનલાલ,

મને તમારા પત્રો ટૂંક સમયાંતરે મળતા રહ્યા છે અને એ દ્વારા સ્વામીજી મારા પ્રત્યે ઘણા માયાળુ છે એ જાણીને મને આનંદ થાય છે. પ્રભુની કૃપાથી અમે બધા અહીં ૨૬મીએ જ (ફેબ્રુઆરી) સલામત આવી ગયા છીએ. વારુ, અમારા આગ્રા છોડવાના દિવસે જ તમારો તાર મને મળ્યો. જો કે એનો પ્રત્યુત્તર થોડા દિવસો પછી હું રેવાડીથી આપી શક્યો હતો. ઘણા સમય પહેલાં તમારા મદ્રાસ પહોંચવાનું મેં સાંભળ્યું હતું. ત્યાર બાદ હું તમને (પત્ર) લખવાનું વિચારતો હતો, પરંતુ તમે કદાચ ખેતડી માટે રવાના થઈ ગયા હશો એમ ધારીને ન લખ્યો. આજે તમે જણાવો છો કે સ્વામીજીએ હજી જવાની કોઈ ચોક્કસ તારીખ નક્કી કરી નથી, એટલે આ પત્ર હું એવું વિચારીને અને આશા રાખીને લખું છું કે તમે ત્યાંથી રવાના થાઓ તે પહેલાં કદાચ તમને મળી રહે. વાત એમ છે અને તમે બધું જાણો છો તેમ સ્વામીજી અહીં આવે અને ૫ એપ્રિલથી શરૂ થનારા આનંદ ઉત્સવમાં ભાગ લે એવી મારી ઇચ્છા છે. ગરમી વધી જવાને કારણે આ આયોજનમાં થોડો ફેરફાર થયો છે. હવે અમને એવું ઉચિત લાગે છે કે એક જ નિર્ધારિત તિથિએ અહીં આટલા લોકો એકત્ર ન થાય અને ન તો એનો મુલતવી રાખી શકાય, (કારણ કે) હવે આ બાબતની આપણા બધા સગાંસંબંધીઓને પૂરતી જાણ થઈ ગઈ છે, એટલે આવી વિતરણ વ્યવસ્થા પસંદ કરી છે. મિજબાનીઓમાં આપણા મિત્રો અને સગાંવહાલાંને આમંત્રવા અને (તે પણ) જુદા જુદા દિવસે. એ પ્રમાણે આપણા મહોત્સવ કે જલસાનો પ્રારંભ ૪થી તારીખથી થશે અને લગભગ ૨૫ એપ્રિલ સુધી ચાલતો રહેશે. (સિકરના) રાવ રાજાસાહેબ અહીં ૪થી તારીખે આવે એવી અપેક્ષા છે. તમે રામેશ્વરના દર્શને ગયા તે સારું થયું. સ્વામીજી અને તમે અહીં ઓચિંતાના કોઈક દિવસે અને સમયસર આવી પહોંચો તેવી હું આશા રાખું છું. વેલિંગ્ટનની જેમ હું તમારા પત્રની કે તમારી હંમેશાં અપેક્ષા રાખું છું. સ્વામીજીને મારા પ્રેમપૂર્વકના દંડવત્‌ પ્રણામ પાઠવશો અને પોતાનાં દર્શન આપીને મારા પર કૃપા કરે એવું એમને કહેશો. બરફ અને પુસ્તકો આવ્યા પછી ઉપયોગમાં લેવાશે. આપની રાહ જોઉં છું. મદ્રાસના ભણેલાગણેલા લોકોને અહીં જે મળશે તેનાથી આટલી લાંબી યાત્રા પછી તેઓ નિરાશ નહિ થાય એમ હું વિનમ્રપણે માનું છું. હવે લખવા માટે આટલી જ જગ્યા છે.

આપનો વિશ્વાસુ,
અજિતસિંહ

પ્રતિ, મુનશી જગમોહનલાલ
કે.ઓ. એમ. ભટ્ટાચાર્ય મહાશય
આસિ. એકાઉન્ટંટ જનરલ,
સેંટ થોમ, મદ્રાસ

ઉપર્યુક્ત પત્રથી એટલું જાણવા મળે છે : (૧) મુનશીજી સંભવત: ૨૪ ફેબ્રુઆરીના રોજ મદ્રાસ પહોંચી ગયા હતા. અને ત્યાં પહોંચ્યાની સૂચના તારથી આપી દીધી હતી. ૮ માર્ચ સુધી તેઓ રાજાને કેટલાય પત્ર લખી ચૂક્યા હતા. રાજા માર્ચના પ્રારંભથી જ સ્વામીજીની ખેતડી આવવાની અપેક્ષા સેવતા હતા. (૨) મદ્રાસ પહોંચીને મુનશીજી તત્કાળ રામેશ્વર દર્શને ગયા હતા. અમારું અનુમાન એવું છે કે સ્વામીજી હજી હૈદરાબાદથી મદ્રાસ પાછા ફર્યા ન હતા એટલે મુનશીજીએ આ સમયગાળાનો તીર્થયાત્રામાં સદુપયોગ કરી લીધો હતો. (૩) સ્વામીજી મદ્રાસના કેટલાક પ્રેમીઓ પણ (ખેતડી રાજાના) પુત્રોત્સવ જોવા માટે ખેતડી આવવા ઉત્સુક હતા. સંભવત: તેઓ સ્વામીજીનો સાથ છોડવા માગતા ન હતા અને (સ્વામીજી) ભારતમાંથી પ્રસ્થાન કરે ત્યાં સુધી એમની સાથે જ રહેવા ઇચ્છતા હતા.

૨૮ ફેબ્રુઆરીના રોજ સ્વામીજી હૈદરાબાદથી પાછા ફર્યા. ત્યારબાદ મુનશીજીને બધી વસ્તુ સ્થિતિનો વિગતવાર ખ્યાલ આવી ગયો. વસ્તુ સ્થિતિ આમ હતી કે સ્વામીજીની યાત્રા માટે ઓછામાં ઓછા રૂપિયા ૩૦૦૦ની આવશ્યકતા હતી. અને આપણે આગળ ઉદ્ધૃત થનારા રાજા અજિતસિંહના ૧૧ એપ્રિલના પત્રમાંથી આપણને જાણવા મળે છે કે ખેતડીના રાજદરબારમાં સ્વામીજીની યાત્રાની સહાય અર્થે આટલા રૂપિયા માટે અનુમોદન કરાવવું સંભવ બને તેમ ન હતું. સ્વામીજી તથા એમના અનુરાગીઓ આ ભંડોળ એકઠું કરવાના પ્રયાસમાં લાગી ગયા હતા. એટલે મુનશીજી પૂરેપૂરો માર્ચ (૧૮૯૩) મહિનો ત્યાં જ રોકાઈને સ્વામીજીના શિષ્યો દ્વારા ધન એકઠું કરવાની પ્રવૃત્તિ અને પ્રગતિ પર ધ્યાન રાખતા રહ્યા અને સાથે ને સાથે સ્વામીજીની સ્વીકૃતિની રાહ પણ જોતા રહ્યા. એપ્રિલના પ્રારંભ સુધી યથેચ્છ ધન એકઠું થઈ ગયા પછી તેઓ સ્વામીજીને સાથે લઈને મુંબઈના માર્ગે ખેતડી જવા રવાના થયા. (મુનશીજી મદ્રાસ પહોંચ્યા તેમજ સ્વામીજી સાથેની એમની મુલાકાતનું વિવરણ પ્રિયનાથ સિંહાએ લખેલ અને બંગાળી માસિક ‘ઉદ્‌બોધન’ના વર્ષ ૭ – અંક ૧૪, બંગબ્દના ભાદ્ર ૧૩૧૨, તદનુસાર ઈ.સ. ૧૯૦૫માં પ્રકાશિત થયું હતું. બંગાળી ‘સ્મૃતિર આલોય સ્વામીજી’ પૃ.૨૯૪, પ્રથમ સંસ્કરણ પ્રમાણે ઘટના કંઈક આવી રીતે ઘટી હશે. મુનશીજી સ્વામીજીને મળવા મન્મથનાથના બંગલે જાય છે. સેવક એમને બેઠકખંડમાં બેસાડે છે. મન્મથનાથ ઘરમાં નથી. મુનશીજી નોકરને કહે છે, ‘સ્વામીજીને સૂચના આપો કે ખેતડીના મુનશીજી આવ્યા છે.’ નોકર : ‘સ્વામીજી તો બહાર ગયા છે.’ મુનશીજી : ‘તો પછી શું તેઓ યુરોપ જવા રવાના થઈ ગયા!!’ એ જ સમયે એમની દૃષ્ટિ ભીતર લટકતા એક ગેરુઆ વસ્ત્ર પ્રત્યે મંડાય છે અને પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે તેઓ (સ્વામીજી) હૈદરાબાદ ગયા છે. ત્યારબાદ હૈદરાબાદથી પાછા ફર્યા પછી સ્વામીજીએ પણ એમને જણાવ્યું હશે કે એમનો તત્કાળ યુરોપ રવાના થવાનો વિચાર છે. (ગયા અંકમાં પ્રકાશિત સ્વામીજીનો ૧૪ ફેબ્રુઆરીનો પત્ર જુઓ) અત: એમને માટે ખેતડી જવાનું હવે કેવી રીતે સંભવ બની શકે! પરંતુ પછીથી યાત્રા માટે અપેક્ષિત ખર્ચની રકમ એકઠી ન થવાને કારણે એમણે પોતાની યાત્રાને લગભગ દોઢ માસ સુધી સ્થગિત કરી દેવી પડી હતી.)

આ ઉપર્યુક્ત ધન કેવી રીતે એકઠું થયું?

કેટલાક લેખકોએ માહિતી કે જાણકારીના અભાવને લીધે કે ભ્રમવશ એવું બતાવ્યું કે સ્વામીજીની અમેરિકા યાત્રાનો પૂરેપૂરો ખર્ચ ખેતડીના રાજાએ ઉપાડી લીધો હતો. પરંતુ વાસ્તવિકતા તો એ છે કે મુખ્યત્વે આલાસિંગા પેરુમલના નેતૃત્વ હેઠળ કેટલાક યુવકો દ્વારા એકત્ર કરેલા ફંડનું જ મુખ્ય યોગદાન હતું. સ્વામીજીએ પોતે પણ આ વિશે આલાસિંગાના યોગદાનનો ઉલ્લેખ કર્યો છે. સ્વામીજીના એક અમેરિકન મિત્ર મિસ. મેક્લાઉડે પોતાનાં સંસ્મરણોમાં વર્ણવ્યું છે કે જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે મુંબઈમાં આલાસિંગા એમનું સ્વાગત કરવા આવ્યા હતા. એમણે પોતાના કપાળ પર વૈષ્ણવ સંપ્રદાયનું તિલક કર્યું હતું. જ્યારે એમણે સ્વામીજીને કહ્યું: ‘કેટલા દુ:ખની વાત છે કે આલાસિંગા પોતાના મસ્તક પર વૈષ્ણવનું ચિહ્‌ન લગાવે છે.’ સ્વામીજી આ સહન ન કરી શક્યા. પછીથી એમને જાણવા મળ્યું કે આલાસિંગા પેરુમલ એક યુવાન બ્રાહ્મણ છે. તેઓ મદ્રાસની એક કોલેજમાં દર્શનશાસ્ત્રનું અધ્યાપક તરીકે મહિને ૧૦૦ રૂપિયા મેળવે છે અને તેનાથી પોતાનાં માતપિતા, પત્ની તથા ચાર બાળકોનું પાલનપોષણ કરે છે અને સ્વામી વિવેકાનંદને અમેરિકા મોકલવા માટે ધન એકઠું કરવાના હેતુથી એમણે ઘરે ઘરે જઈને ભીખ માગી હતી. જો એમણે એવું ન કર્યું હોત તો કદાચ અમે ક્યારેય સ્વામીજીને મળી ન શકત. આલાસિંગા પરની આવી થોડીઘણી નિંદાભરી ટિપ્પણી સ્વામીજી માટે કેમ અસહ્ય બની જતી એ વખતે અમારી સમજણમાં આવી ગયું. (‘રેમિનન્સીસ ઓફ સ્વામી વિવેકાનંદ- હીઝ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન એડમાયરર્સ’, માયાવતી, ૧૯૯૪, પૃ.૨૩૨)

(ક્રમશઃ)

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.