શબરી

ગુરુ પ્રત્યેની અચળ ભક્તિથી પૂર્ણતાને પામી શકાય, તેનું ઉદાહરણ શબરીના જીવનમાંથી જોવા મળે છે.

તેઓ જંગલમાં વસતી આદિવાસી જાતિનાં નારી હતાં. તેઓ પંપા નદીના કિનારે આવેલ દંડકારણ્યમાં મહાન અને વૃદ્ધ સંત માતંગ ઋષિ અને એમના શિષ્યની ભક્તિભાવપૂર્વક સેવા કરતાં. એમની સેવાભક્તિથી પ્રસન્ન થઈને માતંગ ઋષિએ એમને વરદાન આપ્યું હતું: ‘એક દિવસ શ્રીરામ અહીં આવશે. એમનાં દર્શન કરીને તમે મુક્તિ મળશે, તમને મોક્ષ મળશે.’

એ જ દિવસથી શબરી તો પવિત્ર અને તપોમય જીવન જીવવા લાગ્યાં. તેઓ રામના આગમનની વર્ષાની જેમ રાહ જોતાં હતાં. આમ વર્ષો વીત્યાં. અંતે એ પાવનકારી દિવસ આવી ગયો. રામ અને લક્ષ્મણ સીતાને શોધતાં શોધતાં શબરીની ઝૂંપડીએ આવી ચડ્યા. શબરીના મનહૃદયમાં આનંદનાં મોજાં ઉછળવા લાગ્યાં. બે હાથ જોડીને રામ અને લક્ષ્મણનું એમણે સ્વાગત કર્યું, આરામથી પોતાની ઝૂંપડીમાં બેસાડ્યા અને ભક્તિવિનમ્રભાવે એમનાં ચરણોમાં પડી ગયાં. રામના પ્રશ્નના ઉત્તરમાં શબરીએ કહ્યું: ‘હે પ્રભુ! આજે આપનાં દર્શનથી મને મારા તપનું ફળ મળી ગયું, મારું તપ પૂર્ણ થયું. મારો જન્મ અને મારું જીવન ધન્ય ધન્ય બની ગયું!’

પછી શબરીએ શ્રીરામ અને લક્ષ્મણને જંગલી બોરડીના બોર ધર્યાં. શબરીએ ચાખી ચાખીને આ મીઠાં મધુરાં બોર એકઠાં કરી રાખ્યાં હતાં અને એ જ બોર એમણે શ્રીરામને ધર્યાં. શ્રીરામ શબરીના ભક્તિભાવથી પ્રસન્ન થયા અને એમને આશીર્વાદ આપ્યા. રામની સેવા કરવાની શબરીની ઇચ્છા પૂર્ણ થઈ. રામની અમીકૃપાથી આ વૃદ્ધ શબરી મૃત્યુ પછી મોક્ષને પામ્યાં. પોતાના ઋષિ જેવા ગુરુઓની સેવા કરીને શબરી એક તપોમય જીવન જીવ્યાં.

પૂર્વજોના વારસા, વિદ્વત્તા, જ્ઞાતિજાતિ કે ક્રિયાકાંડ વિના પણ નિષ્ઠાપૂર્વકના ભક્તિભાવથી કોઈ પણ ભક્તને પરમ સત્યની પ્રાપ્તિ થાય છે.

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.