‘માયાવતી’, નામ સાંભળતાં જ કોઈ અલૌક્કિ, રહસ્યમયી માયાથી ભરેલી સૃષ્ટિ કલ્પનામાં ખડી થઈ જાય છે! અને ખરેખર આ માયાવતી છે જ એવી! લોહાઘાટથી મોટર રસ્તે માયવતીના ઊંચા શૃંગ તરફ જેમ જેમ આગળ વધતાં જઈએ છીએ, તેમ તેમ માયાવતીનું અદ્‌ભુત સૌંદર્ય, તેની મનમોહક રમણીયતા, તેની દિવ્યતા સભર અનુપમ શાંતિ તન, મન અને આત્મન્‌ પર છવાવા લાગે છે. પર્વત પર જતો એ નવ કિલોમીટરનો વાંકોચૂંકો માર્ગ જાણે કોઈ દિવ્ય રહસ્યમય લોકમાં લઈ જતો હોય એવી પ્રગાઢ શાંતિની અનુભૂતિ કરાવે છે. જ્યારે એની ટોચ પર પહોંચી છીએ ત્યારે તો અંતરના ઊંડાણમાંથી સહજ શબ્દો સરી પડે છે, અલૌક્કિ, અદ્‌ભુત, અવર્ણનીય. પૃથ્વી ઉપર જો સ્વર્ગ હોય તો તે અહીં જ છે. અહીં જ છે!

ત્રણેય દિશાઓના પર્વતથી ઘેરાયેલો અને સમુદ્રની સપાટીથી ૬૫૦૦ ફૂટ ઊંચે આવેલો અદ્વૈત આશ્રમ, ત્યાંથી નીચે નજર કરીએ તો ઊંચા ઊંચા દેવદાર અને પાઈનના વૃક્ષોની લીલીછમ હારમાળાઓ, દૂર દૂર નજર કરીએ તો હિમાલયના ધવલ ગિરિશૃંગોની ભવ્ય હારમાળા, જરા નીચે નજર કરીએ તો જાણે રંગબેરંગી ફૂલોના બિછાવેલા અદ્‌ભુત ગાલીચાઓ, અને પક્ષીઓનું વૃંદગાન તો અતિ મધુર, પ્રકૃતિની સંવાદિતા અને પરમશાંતિમાંથી સર્જાતી દિવ્યતાની સાક્ષાત્‌ અનુભૂતિ કરાવતો માયાવતીનો અદ્વૈત આશ્રમ તો ઐહિક માયામાંથી મુક્ત કરનારો સૃષ્ટિના સર્જકની અપૂર્વ કુશળતાનું દર્શન કરાવનાર અને એ દ્વારા એ પરમ સર્જકનો સાક્ષાત્કાર કરાવનારો સાચે જ રહસ્યમય માયાવતી છે. જીવનમાં એકવાર તો એની મુલાકાતે જવું જ જોઈએ, તો જ એની અલૌક્કિતાનો આસ્વાદ લઈ શકાય.

આમ તો મારે ઘણી વખત માયાવતી જવાનું થયું છે, પણ વ્યાખ્યાનો, આધ્યાત્મિક શિબિરો, વગેરે કાર્યક્રમોની વ્યસ્તતાને લઈને માયાવતીના દિવ્ય વાતાવરણમાં તદ્રુપ બની તેની નીરવતાની અનુભૂતિ કરવાની તક ભાગ્યે જ મળતી. પરંતુ આ વખતે બે સપ્તાહનો સમય હતો અને યાત્રાનો હેતુ માયાવતીની ગોદમાં પથરાયેલી પરમ શાંતિમાં નિરાંતે રહી આધ્યાત્મિક ભાથું મેળવવાનો હતો. બંગાળીમાં કહેવત છે, ‘ઢેકી સ્વર્ગે ગેલે ધાન કોટે’ (ચોખા) એટલે કે સાંબેલું સ્વર્ગમાં ગયું, તો ત્યાંય તેને કામ તો ધાન છડવાનું જ મળતું હોય છે. એમ માયાવતી જતી વખતે બરેલીમાં જ ત્રણ વ્યાખ્યાનો ગોઠવાયાં પછી પીલીભીતમાં પણ યુવાનો માટેની વ્યક્તિત્વ વિકાસની શિબિર ગોઠવાઈ. પછી માયાવતીમાં પણ ત્રણચાર દિવસ વ્યસ્તતામાં ગયા! તો પણ માયાવતીની નીરવતામાં, તેના દિવ્ય વાતાવરણમાં રહેવાનો થોડો સમય મને આ વખતે મળી શક્યો.

હિમાલયમાં – કુમાઉમાં ૬૫૦૦ ફૂટની ઊંચાઈ પર રામકૃષ્ણ મઠ-મિશનનું આ એક એવું કેન્દ્ર છે કે જ્યાં કોઈ પ્રકારની મૂર્તિપૂજા નથી. બાહ્ય ક્રિયાવિધિઓ પણ નથી, પણ જ્યાં અંતરમાં રહેલા અને બહાર સમસ્ત સમષ્ટિમાં વ્યાપ્ત એવા પરમતત્ત્વની જ આરાધના કરવાની છે, અને એ પરમતત્ત્વ સાથે એકરૂપ બની સાચા અદ્વૈતની અનુભૂતિ કરવાની છે. આટલી ઊંચાઈએ આવું કેન્દ્ર કઈ રીતે સર્જાર્યું? આવો પ્રશ્ન સહેજે બધાંને થાય એ સ્વાભાવિક છે. આ દૈવીસ્થળના સર્જનની પાછળ સ્વામી વિવેકાનંદની પ્રેરણા રહેલી છે. જ્યારે તેમણે સ્વીત્ઝરલેન્ડમાં હિમાચ્છાદિત આલ્પ્સ પર્વતની ગિરિમાળા જોઈ ત્યારે તેમને આપણા પવિત્ર નગાધિરાજ હિમાલયની યાદ આવી, અને તેમના મનમાં એવી ઇચ્છા જાગી કે હિમાલયમાં એક સ્થળ એવું હોવું જોઈએ કે જ્યાં મનુષ્ય કોઈપણ જાતનાં બાહ્ય પ્રતીકોનો આધાર લીધા સિવાય સીધો પોતાના આત્મા સાથે એકરૂપ થઈ શકે. દુનિયાની તમામ આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થઈ પરમતત્ત્વ સાથે અદ્વૈતની અનુભૂતિ કરી શકે. એમની આ ઇચ્છાને સાકાર કરી તેમના યુરોપિયન શિષ્ય દંપતિ સેવિયરે ૧૮૯૯માં આ આખો પહાડ કે જ્યાં પહેલાં ચાના બગીચા હતા, તે ખરીદી લીધો. તે સમયે આ સ્થળ માયપીસ નામથી ઓળખાતું હતું. એટલે કે માનું સ્થળ – અહીંના લોકો ચાર-પાંચ પથ્થરોની વચ્ચે એક પથ્થરને મૂકીને તેને માની મૂર્તિ માનીને પૂજતા હતા. અગાઉ જાણે આ સ્થળ શક્તિપીઠ સમું હશે, એવું અનુમાન કરી શકાય છે. ૧૮૯૯ ૧૯મી માર્ચે સેવિયર દંપતિ અને સ્વામી સ્વરૂપાનંદજીએ આ આશ્રમની સ્થાપના કરી. આ આશ્રમનું નામ જ છે, અદ્વૈત આશ્રમ. અહીં કોઈ મૂર્તિ, છબી કે પ્રતીકોની બાહ્ય પૂજા, ધૂપ-દીપ આરતી, નૈવેદ્ય, ભોગ એવું કશું જ થતું નથી. અહીં તો છે પરમતત્ત્વ સાથેનું સીધું અનુસંધાન, એકમાત્ર એની જ ઉપાસના, એનું જ ચિંતન, મનન, ધ્યાન. આથી જે સઘન શાંતિ માયાવતીની સમગ્ર પ્રકૃતિમાં વ્યાપ્ત છે, એ જ સઘન શાંતિ આશ્રમમાં પણ વ્યાપ્ત છે અને અહીં આવનારાઓ પોતાના હૃદયમાં પણ એ જ શાંતિનો અનુભવ કરી શકે છે.

આ પવિત્ર સ્થળે સ્વામી વિવેકાનંદ ઈ.સ. ૧૯૦૧માં ૩જી જાન્યુઆરીથી ૧૮મી જાન્યુઆરી સુધી પંદર દિવસ રહ્યા હતા. જ્યારે તેઓ વિદેશમાં હતા. ત્યારે અચાનક એમને અનુભૂતિ થઈ કે કદાચ કેપ્ટન સેવિયરની તબિયત સારી નથી એટલે તેમણે તાત્કાલિક ભારત જવાનું નક્કી કર્યું. ભારત પાછા ફરીને તેમણે જાણ્યું કે કેપ્ટન સેવિયરનું ખરેખર મૃત્યુ થયેલ છે. પ્રતિકૂળ આબોહવા અને સંજોગો પ્રતિકૂળ હોવા છતાં મિસિસ સેવિયરને આશ્વાસન દેવા તેમણે માયાવતી જવાનો તત્કાળ નિર્ણય કર્યો. એ સમયે તેમના શિષ્ય સ્વામી વિરજાનંદજી માયાવતીમાં હતા. તેમને ખબર મળ્યા કે સ્વામીજી આવી રહ્યા છે, ત્યારે તૈયારી માટે એમની પાસે ફક્ત બે જ દિવસ હતા! એ સમયે માયાવતી માટેનો કંઈ સીધો મોટર રસ્તો નહોતો. એક નાની એવી પગદંડી પર પગપાળા જવું પડતું. એટલું જ નહીં પણ કાઠ ગોદામથી અલ્મોડાનો ૧૧૬ માઈલનો ખરાબ રસ્તો પણ પગે ચાલીને જ કાપવાનો રહેતો! તેમાં ય જાન્યુઆરી મહિનો, બરફનો વરસાદ, તોફાની હવામાન અને ખરાબ રસ્તો. સ્વામીજીને માયાવતી સુધી કેવી રીતે લાવવા? પણ સ્વામી વિરજાનંદજીએ ખૂબ દોડાદોડી કરી ડોળીની વ્યવસ્થા કરીને સ્વામી વિવેકાનંદને માયાવતી લઈ આવ્યા!

તે વખતે આશ્રમ એટલે ટી એસ્ટેટનું નાનકડું લાકડાનું મકાન! એના ઉપરના ઓરડામાં સ્વામીજી રહ્યા હતા. પણ ત્યાં ભારે ઠંડી લાગતી હતી. એટલે પછી નીચેના ખંડમાં રહ્યા, જ્યાં આજે પુસ્તકાલય છે. અહીં ફાયરપ્લેસ હોવાથી ઓરડો ગરમ રહેતો. આજે જ્યાં વોલીબોલનું મેદાન છે, ત્યાં તે વખતે લેક ગાર્ડન હતું. સ્વામીજી આ તળાવના કિનારે લટાર મારવા જતા, તેમણે આ તળાવમાં બોટિંગ પણ કર્યું હતું. એમણે એવી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી કે જ્યારે હું રીટાયર્ડ થઈશ, ત્યારે અહીં રહીશ અને સિસોટીઓ વગાડતો તળાવને કિનારે ઘૂમીશ. પરંતુ એ પછીથી તો તેઓ ફરી ક્યારેય માયાવતી આવી શક્યા નહીં. પરંતુ અદ્વૈતની સાક્ષાત્‌ અનુભૂતિ કરાવનાર આ દિવ્ય સ્થળની અદ્‌ભુત ભેટ તેઓ આપણને સહુને આપી ગયા છે.

આજે તો આશ્રમને પોતાનું મુખ્ય મકાન છે. ત્યાંથી દશ મિનિટ ચાલતાં થાય તેટલા અંતરે નાનકડું ગેસ્ટ હાઉસ પણ આવેલું છે. ૧૯૧૪માં પ્રબુદ્ધ ભારતની ઓફિસ બની અને હવે તો તેનું પોતાનું પણ સ્વતંત્ર મકાન છે. એ પછી ગૌશાળા અને ડેરીની પણ સ્થાપના થઈ. ૧૯૦૪માં સ્થાનિક લોકોને માટે એક નાનું દવાખાનું શરૂ કરવામાં આવ્યું હતું જે આજે તો પચ્ચીસ પથારીવાળી હોસ્પિટલમાં ફેરવાઈ ગયું છે. આજુબાજુના ગ્રામ્ય લોકોને નિ:શુલ્ક સારવાર મળતી હોવાથી તેઓને ખૂબ રાહત મળે છે.

માયાવતી જવું હોય તો દિલ્હીથી અને લખનૌથી એમ બે રીતે જઈ શકાય. ઉપરાંત બસમાં અને ટ્રેઈનમાં પણ જઈ શકાય. દિલ્હીથી બસ ઉપડે છે, અને બીજે દિવસે બપોરે લોહાઘાટ પહોંચાડે છે. લોહાઘાટથી માયાવતી માત્ર નવ કિલોમીટર જ દૂર છે, અને ત્યાં જવા માટે જીપ કે ટેકસી મળે છે. બીજો ટ્રેઈન રસ્તો છે. તેમાં ટ્રેઈનમાં દિલ્હીથી બરેલી, કાઠગોદામ સુધી જવાય અને ત્યાંથી પછી બસ મળે છે. લખનૌથી ટનકપુર થઈને સુખીડાંગ શ્યામલાતાલ થઈને માયાવતી જઈ શકાય છે. શ્યામલાતાલ પણ ઉત્તમ સાધનાભૂમિ છે. સ્વામી વિરજાનંદજીએ ત્યાં ખૂબ તપશ્ચર્યા કરી છે અને તેમણે આ આશ્રમની સ્થાપના કરી છે. આપોઆપ ધ્યાનમગ્ન બની જવાય તેવું, શ્યામલાતાલ પણ પ્રકૃતિ સૌંદર્યથી ભરપૂર એકાંત સ્થળ છે. શ્યામલાતાલમાં બે દિવસ ગાળીને ત્યાંથી સુખીડાંગ થઈને માયાવતી જઈ શકાય છે. આ રીતે જતાં હિમાલયના ઉત્તુંગ શિખરો પર આવેલાં બંને આશ્રમોનો લાભ મેળવી શકાય છે.

માયાવતી જતાં પહેલાં આશ્રમના અધ્યક્ષશ્રીની પરવાનગી મેળવવી પડે છે. ૧૫ માર્ચથી ૧૫ જૂન અને  ૧૫ સપ્ટેમ્બરથી ૧૫ નવેમ્બર સુધીના સમયમાં ત્યાં અગાઉથી મંજૂરી લઈને જઈ શકાય છે. ઉનાળામાં જવું હોય તો જાન્યુઆરીમાં અને શરદઋતુમાં જવું હોય તો જુલાઈમાં મંજુરી મેળવી લેવી પડે છે. કેમકે હવે ત્યાં મુલાકાતીઓની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ જાય છે. અગાઉ લોકોને માયાવતી વિશે કંઈ જાણકારી નહોતી, તેથી ત્યાં ખૂબ જ મર્યાદિત સંખ્યા રહેતી. નવા ચહેરા તો ભાગ્યે જ જોવા મળતા. પણ કોલકાતાથી એક પત્રકાર ત્યાં ગયો અને માયાવતીના પ્રાકૃતિક સૌંદર્યથી તે મુગ્ધ બની ગયો. તેણે કોલકાતા જઈને બંગાળીમાં એક લેખ લખ્યો ‘પૃથ્વીર સ્વર્ગ માયાવતી’ અને તે પછીથી પૃથ્વી પરના આ સ્વર્ગમાં જવા માટે ભીડ થવા માંડી! ત્યાંના નિયમ પ્રમાણે મુલાકાતીઓ ત્યાં ત્રણ દિવસથી વધારે રહી શકતા નથી, જેથી મોટેભાગે અરજી કરનારાઓ દરેકને વહેલી કે મોડી માયાવતી જવાની તક તો મળી રહે.

ઉનાળામાં આશ્રમમાં મુલાકાતીઓની અવરજવર વિશેષ રહે છે. પણ એ સિવાય તો માયાવતીમાં મનુષ્યોનો પદસંચાર બહુ જ ઓછો રહે છે. અગાઉ તો માયાવતીમાં કેવી નિર્જનતા હતી, તેની વાત ભરત મહારાજે (સ્વામી અભયાનંદજી) શ્રીમા શારદાદેવીને કરી હતી: ‘કેટલાય દિવસો સુધી અમને બીજા કોઈ મનુષ્યનો ચહેરો જોવા ન મળતો અને તેથી ઘણી વખત તો અમે માણસોના મોઢા જોવા માટે પગે ચાલીને લોહાઘાટ જતા. માત્ર હિંસક પ્રાણીઓની ત્રાડો અને પક્ષીઓનો કલરવ જ સાંભળવા મળતો, તે કેવી ભીષણ નિર્જનતા હશે! આજે પણ મુલાકાતીઓના ચાર મહિના બાદ કરતાં પછી બહારના મનુષ્યોના ચહેરા જોવા મળતા નથી. અને એથી જ માયાવતી માનવ મનની વિકૃતિઓનાં સૂક્ષ્મ આંદોલનોથી મુક્ત રહી, પ્રકૃતિની પરમ દિવ્યતાને આજે પણ અભિવ્યક્ત કરી રહી છે.

હવે તો આજુબાજુના પર્વતો પરનાં જંગલો કપાઈ જવાથી પર્વતો ખુલ્લા થઈ ગયા છે. જાણે કે પર્વતોનાં લીલાછમ્મ વસ્ત્રોનું કોઈ હરણ કરી ગયું ન હોય! પણ આ બધાંની વચ્ચે માયાવતીનાં શૃંગો પ્રકૃતિની પરમ સૌંદર્યશ્રીથી મંડિત – લીલાછમ્મ બની ચમકી રહ્યાં છે. કારણ કે લગભગ ૩૦૦ એકરની ભૂમિનું સંચાલન રામકૃષ્ણ મઠ મિશનના સંન્યાસીઓ પાસે છે. ત્યાં વૃક્ષો કાપવાની મનાઈ છે. દેવદાર, ચીડ પાઈનનાં સેંકડો વર્ષ જૂનાં વૃક્ષો જાણે તપસ્યા કરતા ઋષિઓ સમા ઊભાં છે અને પોતાની દિવ્ય ઊર્જાને સર્વત્ર પ્રસરાવી રહ્યાં છે. ૧૫ માઈલ દૂર આવેલાં ગામડાંમાં વસ્તી છે. ત્યાંના રહેવાસીઓ આશ્રમના સ્વામીજીઓની આમન્યા જાળવતા હોવાથી તેઓ પણ વૃક્ષો કાપતા નથી અને કોઈને કાપવા દેતા પણ નથી. એટલે આજુબાજુનો વિસ્તાર પણ લીલીછમ હરિયાળીથી છવાયેલો છે. લગભગ ત્રણસો એકર જમીનમાં ગાઢ જંગલ છવાયેલું છે. ક્યાંક ક્યાંક તો એવું ગીચ જંગલ છે કે ધોળે દિવસે પણ અંધારું જોવા મળે છે. કેપ્ટન સેવિયરનું સમાધિ સ્થળ આવા ગીચ જંગલમાં છે.

આ જંગલમાં વાઘ, ચિત્તા અને રીંછ જેવાં હિંસક પ્રાણીઓ પણ રહે છે. માણસખાઉ વાઘ પણ જોવા મળે છે. ચિત્તાઓ ઓચિંતો છાપો મારીને ગાય-વાછરડાંને મારી નાખે છે. શિયાળામાં રીંછનો ઉપદ્રવ પણ રહે છે. રીંછ તો પાછળથી છાપો મારીને શિકારને એવી રીતે પકડે છે કે પછી તે છૂટી ન શકે. આથી જ આવા ગાઢ જંગલમાં એકલાં ફરવા જઈ શકાતું નથી. અહીં વાંદરાઓ પણ પુષ્કળ પ્રમાણમાં છે. બે જાતનાં વાંદરાઓ જોવા મળે છે. એક છે, કાળાં મોઢાંવાળા વાંદરાઓ, જેને સ્થાનિક લોકો હનુમાન કહે છે અને બીજા નાની જાતના વાંદરાઓ જે ભારે તોફાની હોય છે. વાંદરાઓ માણસોથી ડરે છે. એક રાત્રે વાંદરાઓ વિચિત્ર પ્રકારની કિકિયારીઓ કરવા લાગ્યા, આથી મને ભારે આશ્ચર્ય થયું. આ વિષે પૂછતાં મને જાણવા મળ્યું કે અત્યારે વાઘ આવ્યો છે, વાઘ જો જોરથી ત્રાડ પાડે તો વાંદરાઓ થથરી જાય છે ને ડરના માર્યા નીચે પડી જાય છે એટલે વાઘ એમાંના એકને પકડીને ચાલતો થઈ જાય છે! પણ તે દિવસે વાઘનું પેટ ભરેલું હશે એટલે જોરથી ત્રાડ ન પાડી અને વાંદરાઓ બચી ગયા પણ ખોરાક મેળવવાની વાઘની રીત જોઈ ભારે આશ્ચર્ય થયું. ઉપરાંત આ જંગલમાં કૂદાકૂદ કરતાં અસંખ્ય હરણાંઓ પણ જોવા મળે છે. ભોળા ને નિર્દોષ જણાતાં હરણાંઓ રાત્રે ગુપચુપ ખેતરમાં પેસીને બધો પાક ખાઈ જાય છે, ત્યારે ખેડૂતોની મહિનાઓની મહેનત નષ્ટ થઈ જાય છે!

આ ઉપરાંત આ જંગલ જીવજંતુઓ માટે પણ મુક્તવિહારનું સ્થળ છે. મધમાખીઓનાં તો ઝૂંડ ના ઝૂંડ જોવા મળે છે. જો કોઈ મધમાખીઓને છંછેડે તો આવી જ બન્યું! વળી મુક્ત વિહાર કરતા જાત જાતના સાપો પણ અહીં જોવા મળે છે. પણ સહુથી ખતરનાક હોય તો તે છે જળો (લીચ) જંગલમાં ફરતી વખતે ચંપલ કે ગનબૂટ પહેરીને ફરવા જઈ શકાય જ નહીં. તેના વિશેષ પ્રકારના બૂટ આવે છે, તે જ પહેરવા પડે. કેમકે આપણને ખબર પણ ન પડે તેમ જળો પગ ઉપર ચડીને બેઠી બેઠી આરામથી આપણું લોહી ચૂસતી હોય છે અને પછી જ્યારે બરાબર ધરાઈ જાય ત્યારે પટ કરતી નીચે પડે, ત્યારે આપણને ખબર પડે કે આપણું કેટલુંય લોહી પીવાઈ ગયું છે! આથી જંગલમાં ફરવા જનારે જળોથી ભારે સાવધાની રાખવી પડે છે.

ત્યાંનાં પક્ષીઓ અદ્‌ભુત છે. વહેલી સવારે તો દિવ્ય ઓરકેસ્ટ્રાના વિવિધ સૂરોથી આખું માયાવતી ગૂંજી ઊઠે છે. કોયલનો મીઠો ટહુકાર, બુલબુલનું મધુર સંગીત, બેલબર્ડનું એકધારું ગુંજન અને તેમાં અન્ય પક્ષીવૃંદોના આલાપ તાન, આ પક્ષીઓના નિનાદથી સમગ્ર વાતાવરણ ચેતનવંતુ બની જાય છે. રાત્રિની નીરવ શાંતિમાં બેલબર્ડનું એકધારું ગુંજન તો દરેકને જાણે કંઈક સંદેશ આપતું હોય એવું જણાય છે. સાધુઓને બેલબર્ડના એકધારા અવાજમાં સંભળાય છે; ‘જોગી જાગો, જોગી જાગો, ત્યાંના સ્થાનિક લોકોને સંભળાય છે; કાફલ પાકો, કાફલ પાકો’ એટલે કે ત્યાંનું ફળ જેનું નામ છે, કાફલ તે હવે પાકી ગયું છે, એમ જાણે આ પક્ષી તેમને કહે છે. તો ભક્તોને સંભળાય છે, માકે ડાકો, માકે ડાકો. એટલે કે માને પુકારો, માને પુકારો. આમ બેલબર્ડ સતત બોલતું જ રહે છે અને દરેકને તેમાંથી સંદેશ મળતો રહે છે. વહેલી સવારે જાતજાતનાં રંગબેરંગી પક્ષી અને તેમની મધુર સુરાવલિઓ, તેમજ અદ્‌ભુત રંગો અને સુગંધોથી મધમધતાં ફૂલોની બિછાતથી માયાવતી સાચ્ચે જ સ્વર્ગની અનુભૂતિ કરાવે છે. વળી રાત્રે તો તેનાં અનોખા સૌંદર્યનાં દર્શન થાય છે. તેમાંય જો અમાસની રાત્રિ હોય, ચોતરફ અંધકાર છવાયેલો હોય, એવી નિ:સ્તબ્ધતામાં સ્થિર ઊભેલાં વૃક્ષો અને મસ્તક પર ઝળુંબી રહેલા અસંખ્ય તારાઓ! જાણે હાથ ઊંચા કરીને આપણે એક પછી એક તોડીને છાબ ભરી લઈએ એટલા નજીક અને છતાં કેટલા દૂર!! એ જ તો છે કુદરતની કરામત! ત્યાં આકાશ તો દેખાતું જ નથી, બસ તારાઓનાં ઝૂંડના ઝૂંડ જોવા મળે છે. જાણે કરોડો તારલાઓને ટાંકીને પ્રકૃતિ માતાએ પોતાની વિરાટ ચુંદડીની ભાત સર્જી ન હોય! પરમતત્ત્વની વ્યાપકતા, ગહનતા અને વિરાટતાના દર્શન કરાવનાર એ તારાઓ માયાવતી પર રાતભર ઝળુંબીને તેજકિરણો પાથરીને વહેલી સવારે ક્યાંય અદૃશ્ય થઈ જાય છે. એ રહસ્ય જ માનવને પરમ રહસ્યની શોધ માટે પ્રેરે છે.

માયાવતીમાંથી ક્યારેક ક્યારેક હિમાલયની બરફાચ્છાદિત ગિરિમાળાઓનું દર્શન પણ થાય છે. ૩૫૦ કિલોમીટરની લાંબી ગિરિમાળાના દૂરથી દેખાતાં હિમમય ધવલ શૃંગોનું અદ્‌ભુત દર્શન ખરેખર વર્ણનાતીત છે! કેદાર શૃંગ, બદરીનાથ, નંદકોટ, નંદાદેવી, ચોખંબા, વગેરે શૃંગોનાં દર્શન ફક્ત ધન્યતાનો જ નહીં પણ પરમાત્માની દિવ્ય હાજરીના આનંદનો અનુભવ કરાવી જાય છે. તેમાં પણ જ્યારે સવારે સૂર્યનાં કિરણોથી આ શ્વેતશૃંગો સુવર્ણમય બની સ્વયં પ્રકાશી ઊઠે છે, ત્યારે તો પરમાત્માની આ અનુપમ કલાકારીગરી જોઈને સમગ્ર અસ્તિત્વ આ દિવ્યકલાકાર પ્રત્યે અહોભાવથી ઝૂકી જાય છે! મારી આ યાત્રામાં મને આ અદ્‌ભુત દર્શનનો લાભ બે વખત મળ્યો હતો. આવાં અલૌક્કિ દૃશ્યો આપણને એના સર્જકની હાજરીની અનુભૂતિ કરાવી જાય છે. ત્યારે મન શાંત અને વાણી મૂક બની જાય છે. માયાવતીના સમગ્ર વાતાવરણમાં એ જાદુ રહેલો છે કે તે મનુષ્યને સામાન્ય ચેતનામાંથી દિવ્યચેતનામાં આરોહિત કરાવી દે છે!

માયાવતીની પરમ શાંતિ તો એવી છે કે મનુષ્ય પોતે પોતાના હૃદયના ધબકારા સાંભળી શકે. એક સાધકને તો ધ્યાનમાં એવો અનુભવ થયો કે નીરવતાનો પણ એક ધીમો મધુર ગુંજારવ હોય છે! ધ્યાનમાં, સમગ્ર વાતાવરણમાં છવાયેલી એ સઘન નીરવતામાં એમને એક જુદા જ પ્રકારના વિદ્યુત તરંગનાં મોજાં જાણે ગતિમાન હોય એવી અનુભૂતિ થઈ. પછી જાણે મધુર ઘંટડી વાગી રહી હોય એવો અવાજ સંભળાવા લાગ્યો.  જાણે કે માની અનવરત આરતી થઈ રહી હોય અને તેની મધુર ઘંટડી રણઝણતી હોય એવું લાગ્યું. આ અવાજ ક્યાંથી આવે છે, તેની તપાસ કરવા ઊભા થઈને લાઈટ કરીને ચારે બાજુ જોયું, પણ એ અવાજ બહારનો નહોતો. એ અવાજ તો અંતરનો હતો. અંતરમાં છવાયેલી નીરવતામાંથી ઉદ્‌ભવેલો અવાજ હતો! પોતાના હૃદયના ધબકારામાંથી આવતો અવાજ હતો! આથી એ સાધક એ નીરવતામાં ફરી ધ્યાનમાં લીન થઈ ગયા! ત્યાંના વાતાવરણમાં એવી શાંતિ પથરાયેલી છે કે મન આપોઆપ શાંત થઈ જાય છે. મનની એ શાંતિમાં પછી આત્માનાં રહસ્યો પ્રગટ થવા લાગે છે! એ જ તો છે માયાવતીના વાતાવરણનો પ્રભાવ!

આ વખતે મને માયાવતીમાં સમસ્ત બેલુડ મઠના ઉપાધ્યક્ષ સ્વામી સ્મરણાનંદજીના સાંનિધ્યમાં થોડા દિવસો રહેવાનું મળ્યું. લગભગ દરરોજ સાંજે આશ્રમથી ૩ કિલોમીટર દૂર આવેલા ધરમપુર પોઈન્ટ સુધી તેમની સાથે સત્સંગ કરતાં કરતાં ફરવા જવાનું થતું.

એમના જ્ઞાન, અનુભવોનું જે આધ્યાત્મિક પાથેય મને મારી આ યાત્રામાં મળ્યું, તે પણ મારી આ યાત્રાની એક મોટી ઉપલબ્ધિ છે. તેમની નિશ્રામાં એક દિવસ ભંડારાનું આયોજન થયું હતું. એમાં ભક્તો, મુલાકાતીઓ, આસપાસના ગામના લોકો બધા મળીને લગભગ ૮૦૦ જેટલા માણસોએ સાથે મળીને પ્રસાદ લીધો. આ ઉપરાંત આધ્યાત્મિક શિબિર – પ્રવચનો વગેરેનું પણ આયોજન થયું હતું. એ બધામાં ત્રણ-ચાર દિવસ પસાર થઈ ગયા પણ એમ છતાં આ વખતે એકાંતમાં રહેવા માટે મને થોડો ઘણો સમય મળ્યો. આશ્રમથી થોડે દૂર સાધુઓને જપ-ધ્યાન કરવા માટે, સંપૂર્ણ એકાંતમાં રહેવું હોય તો તે માટે એક નાની કુટિયા બનાવવામાં આવેલી છે. આ કુટિર સંપૂર્ણ એકાંતમાં છે. આ કુટિરમાં સામાનમાં માત્ર એક ખુરશી ટેબલ ને એક પલંગ. થોડાં પુસ્તકો આ સિવાય બીજું કંઈ જ નહીં. ત્યાં ચિત્તા, વાઘનો ઉપદ્રવ હોઈને રાત્રે રોકાવાતું નથી. પણ દિવસમાં જઈ શકાય છે. આ દિવસોમાં આ કુટિર એ મારું એકાંતનું સ્થળ હતી. આમ માયાવતીની મારી આ વિશ્રાંતિયાત્રા જાણે કોઈ અલૌકિક દેવભૂમિમાં ગયો હોઉં, એવી પ્રસન્નતા, તાજગી અને ચૈતન્યસભરતા આપનારી બની રહી.

Total Views: 45

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.