(ગતાંકથી આગળ)

વેદ

આગળ દર્શાવ્યા પ્રમાણે વિશ્વના સૌથી પ્રાચીન વાઙ્‌મય એક વેદનું બાદરાયણ વ્યાસે જુદા જુદા ચાર વેદોમાં વિભાજન કર્યા પછી એ વેદસંહિતાઓમાં સમય જતાં પાઠભેદો ઉત્પન્ન થયા, એને ‘શાખાઓ’ કહેવામાં આવે છે. આ પાઠભેદો -શાખાઓ ઉત્પન્ન થવાનું કારણ એ લાગે છે કે મહર્ષિ વ્યાસે સૌ પ્રથમ વેદવિભાજન કરીને પૈલ, વૈશમ્પાયન વગેરેને સોંપણી કરી, એ મુખ્ય પૈલ, વૈશમ્પાયન વગેરેને ઘણા ઘણા શિષ્યો હતા. એ બધા શિષ્યો અને એના અનુગામીઓ મૂળ સંહિતાઓમાં થોડો ફેરફાર-ક્રમમાં, મંત્રોના શબ્દોમાં કે એવો બીજો કોઈ પરિષ્કાર કર્યો હશે. એવા ફેરફાર કરવાનું કારણ એ લાગે છે કે તે લોકો જે યજ્ઞ કરાવતા હશે, એને અનુકૂળ મંત્રોની ગોઠવણી જુદી રીતે કરવી પડી હશે અથવા તો સ્થાનીય સંસ્કૃતિ-રીતરિવાજોની અસર પણ એના ઉપર પડી હશે.

પરંપરા પ્રમાણે આ સંહિતાઓને જ ‘વેદ’ કહેવામાં આવે છે. આ ચાર સંહિતાઓ જ મુખ્ય ચાર વેદો ગણાય છે. પછીથી થયેલાં બ્રાહ્મણો અને એના પેટાભાગ સ્વરૂપ આરણ્યકો અને ઉપનિષદો તો મૂળ સંહિતાના પરિશિષ્ટ – પુરવણીરૂપે એની સાથે જોડી દેવાયાં છે. એનું સ્થાન સંહિતાથી સ્વતંત્ર જ છે.

આપણે એ ચારેય સંહિતાઓનાં બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદોની વાત ઉપર કરી ગયા છીએ. હવે એ ચારેય સંહિતાઓ – ચારેય વેદોનો સામાન્ય ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરીશું.

ઋગ્વેદ સંહિતા

ચારેય વેદસંહિતાઓમાં ઋગ્વેદ સંહિતા સૌથી પ્રાચીન છે. સમગ્ર વૈદિક વાઙ્‌મયમાં એ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. જુદા જુદા સમયે, જુદા જુદા મંત્રદૃષ્ટાઓને – ઋષિઓને – થયેલી વિવિધ અનુભૂતિઓને ઉદ્‌ઘાટિત કરતાં સૂક્તો (મંત્રસંગ્રહો) એમાં સંગ્રહાયાં છે. પરિણામે આપણે એમાં શૈલીની, ભાષાની અને વ્યાકરણની વિવિધતા નિહાળીએ છીએ. એટલું જ નહિ પણ ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક વિચારોની વિશેષતા પણ એમાં પરખાય છે.

આ ઋગ્વેદને ૨૧ શાખાઓ હતી એમ કહેવાય છે પણ આજે તો માત્ર પાંચ જ જાણીતી છે : શાકલ, બાષ્કલ, આશ્વલાયન, શાંખાયન અને માંડૂકેય. આ શાખાઓમાં સૂક્તોના ક્રમમાં અહીં-તહીં ફેરફાર સિવાય બીજી કશી વિવિધતા દેખાતી નથી.

આ ઋગ્વેદનાં પ્રકરણ વિભાજનમાં પ્રાચીન કાળથી જ બે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. પહેલી પદ્ધતિ પ્રમાણે આખી ઋગ્વેદ સંહિતા આઠ અષ્ટકોમાં વહેંચી દેવાઈ છે અને એ દરેક અષ્ટક પોતામાં અમુક સંખ્યાવાળા ‘વર્ગ’ નામના ઉપવિભાગો ધરાવે છે. દરેક વર્ગ અમુક મંત્રોનો બનેલો હોય છે. આ પ્રકારનું વિભાગીકરણ કરવાનું ચોખ્ખું કારણ મંત્રોને યાદ કરવાની સરળતા જણાય છે. કારણ કે દરેક અષ્ટકમાં વર્ગની સંખ્યા તેમજ દરેક વર્ગમાં મંત્રોની સંખ્યા લગભગ સરખેસરખી છે. આ રીતે ઋગ્વેદમાં કુલ ૨૦૨૪ વર્ગોમાં ૧૦૫૫૨ મંત્રો સંગ્રહિત છે અને આઠ અષ્ટકોના ૬૪ અધ્યાયોમાં એ પથરાયેલાં છે.

બીજી પદ્ધતિ પ્રમાણે આખી ઋગ્વેદસંહિતા દસ મંડળોમાં વિભાજિત કરવામાં આવી છે. દરેક મંડળ અમુક ‘અનુવાક્‌’ નામના ઉપવિભાગો ધરાવે છે. અને દરેક અનુવાક્‌ અમુક મંત્રોવાળાં સૂક્તોમાં વહેંચાયેલું છે. આ રીતે જોઈએ તો ઋગ્વેદમાં અનુવાક્‌ની સંખ્યા ૮૫ અને સૂક્તોની સંખ્યા ૧૦૨૮ છે અને મંત્રો તો પ્રથમ પદ્ધતિવાળી સંખ્યા જ ધરાવે છે.

આ બન્ને પદ્ધતિઓમાંથી આ બીજી પદ્ધતિ વધારે પ્રાચીન, વધારે વ્યાપક અને વધારે પ્રચલિત છે. અત્યારના વિદ્વાનો લગભગ એ પદ્ધતિને જ આવકારે છે. આ દસ મંડળોવાળી વ્યવસ્થામાં સૂક્તોનો અમુક ક્રમ ગોઠવાયો હોવાનું જણાય છે. એમાં બીજાથી સાતમા મંડળ – કુલ છ મંડળોમાં પ્રત્યેક મંડળનો સંબંધ કોઈ ને કોઈ ખાસ દૃષ્ટા – ઋષિ કે એના વંશજો સાથે છે એ છ મંડળોના ઋષિઓ અનુક્રમે ગૃત્સમદ, વિશ્વામિત્ર, વામદેવ, અત્રિ, ભારદ્વાજ અને વસિષ્ઠ છે. આ છ મંડળો ઋગ્વેદનો કેન્દ્રીય અને પ્રાચીનતમ અંશ છે. આઠમા મંડલના ઋષિ કણ્વ અને અંગિરા છે. નવમા મંડળના બધા જ મંત્રો ‘સોમ’ – વિષયક છે. હિમાલયમાં થતી સોમલતાનો રસ દેવને ધરી લોકો પીતા અને આનંદનો નશો અનુભવતા. આ સોમલતાને ‘પવમાન’ કહી છે. પ્રથમ મંડલમાં ‘શતર્ચિન્‌’નાં સૂક્તો છે. દશમા મંડલનાં સૂક્તો પ્રકીર્ણ વિષયોનાં છે એમાં આધ્યાત્મિકતાની છાયા જણાય છે.

ઋગ્વેદસંહિતા વિષયોના સામાન્ય રીતે ત્રણ ભાગ પાડી શકાય : (૧) દેવતાવિષયક (અગ્નિ, ઈંદ્ર, વરુણ વગેરે), (૨) તત્ત્વજ્ઞાન વિષયક (જગતની ઉત્પત્તિ, એના મૂળ, મનુષ્યના મૂળ સ્વરૂપ વગેરે વિશે અનુમાનો તર્કો વગેરે), (૩) ભૌતિક (વિવાહ, યુદ્ધો, દાનમહિમા વગેરે)

વૈદિક દેવો સામાન્ય રીતે તેત્રીસ ગણાય છે. (૮ વસુઓ, ૧૧ રુદ્રો, ૧૨ આદિત્યો, ૧ ઈંદ્ર અને ૧ પ્રજાપતિ). આ દેવતાઓ પૃથિવી, સ્વર્ગ (દ્યૌ:) અને અંતરિક્ષમાં રહે છે. આ બધા દેવો પ્રકૃતિનાં બળોનું માનવીકરણ છે એટલે ભલે એ માનવરૂપે વર્ણવેલા દેખાતા હોય છતાં ખરી રીતે તો એ બધા પરમતત્ત્વ પરબ્રહ્મનાં જ જુદાં જુદાં સ્વરૂપો છે એમ, ધુ઼પ ‘એકં સત્‌ વિપ્રા બહુધા વદન્તિ’- ‘એક જ સત્યને જ્ઞાનીઓ તરેહ તરેહ રીતે વર્ણવે છે’ – આ વેદમંત્ર સ્પષ્ટ કહે છે. (ઋગ્વેદ ૧/૧૬૪/૪૬) આમ છતાં ગમે તે રીતે આ તેત્રીસ દેવોમાંથી ઋગ્વેદમાં ઈંદ્ર, અગ્નિ, વરુણ અને મિત્રને પ્રાધાન્ય અપાયું છે, એ ધ્યાનાર્હ છે.

ઋગ્વેદના બીજા તત્ત્વજ્ઞાન વિષયક તર્કોનો વિચાર કરીએ તો એવું જણાય છે કે ત્યાર પછી વિકાસ પામેલા બધા જ વેદાન્ત વિચારોનો આ મૂળ સ્રોત અને મહાનિધિ છે. ભલે બીજરૂપે હોય, પણ એમાં જ્ઞાન અને ભક્તિ બન્ને ભર્યાં છે. એ સૂક્તો આપણને એવું માનવા પ્રેરે છે કે આ સંહિતા ફક્ત કેટલાક માને છે તેવી દેવોનાં વખાણ કરનાર તો નથી જ.

આ ઋગ્વેદ ૭/૫૮/૨, ૧૦/૧૪/૫ અને એવા બીજાં મંત્રો જોતાં સ્પષ્ટ જણાય છે કે એ એકેશ્વરવાદને પુરસ્કારે છે અને બહુ દેવતાવાદને નકારે છે. આપણે પહેલાં પણ આ વાત કહી ગયા છીએ. છતાં ઘણા કહેવાતા વિદ્વાનો ઊલટું જ ધારી બેઠા છે! છતાં પણ પુરુષવિધ ઈશ્વરની – સગુણ ઈશ્વરની ઉપાસના અહીં પ્રાધાન્ય ભોગવે છે.

ઈશ્વર પોતાનામાંથી જ આ જગત સર્જે છે. (૧૦-૮૧-૨,૪) અને એના પર શાસન કરે છે. (૧૦-૮૨-૧૮; ૬-૧૯-૧૦; ૬-૪૫-૨૦); એ સર્વવ્યાપક છે; (૧-૩-૧૦); એ સર્વજ્ઞ છે (૬-૭-૬); એ સર્વશક્તિમાન છે (૬-૩૦-૧); એ સ્વયંપૂર્ણ છે (૬-૨૪-૭); તે ખૂબ દયાળુ છે (૨-૩૪-૯); ભક્તો અને સરળતાથી મેળવી શકે છે (૮-૩૨-૧૫) એ આપણો પ્રિયતમ મિત્ર છે (૧૦-૮૦-૨); એ આપણને અમરતા બક્ષે છે (૬-૪૫-૬) વગેરે અસંખ્ય ઉદાહરણો એકેશ્વરવાદની અને પુરુષવિધ ઈશ્વરની આ વૈદિક વિભાવનાની પ્રતીતિ કરાવી જાય છે.

સૃષ્ટિ પ્રક્રિયાની બાબતમાં આપણને અહીં બે વિચારપ્રવાહો મળે છે. એક ઉત્પત્તિનો અને બીજો વિકાસનો. આ બંને વિચારપ્રવાહોનો જ વિકાસ વિસ્તાર પાછળના વેદાંત-સાહિત્યના વિકાસમાં થયેલો જણાય છે.

આત્માનું જ શાશ્વત અમરત્વ સ્વીકાર્યા છતાં અને પોતાને ‘અમૃતસ્ય પુત્રાઃ’ કહ્યા છતાં પણ ઐહિક જીવન- ભૌતિક જીવનની ઉપેક્ષા કરાઈ નથી. અહીં ઐહિક અને આમુષ્મિક – બન્ને જીવનની સંવાદિતા સાધવામાં આવી છે.

ભૌતિક વિષયનાં સૂક્તોમાંથી આપણને ઋગ્વેદકાલીન સામાજિક સ્થિતિનો અણસાર આવે છે. તે વખતનું સમાજજીવન આધ્યાત્મિક સભાનતાથી વ્યાપ્ત હતું. પણ લોકો જાગતિક જીવન અને આધ્યાત્મિક જીવન વચ્ચે સંવાદિતા સાધીને રહેતા હતા. સત્ય અને ધર્મ પુરસ્કારાતાં હતાં અને ‘અમૃતત્વ’ ને જીવનનું ધ્યેય માનવામાં આવતું. આ જમાનામાં વર્ણવ્યવસ્થાનાં બીજ રોપાયાં. એક વિવાહ, અનેક વિવાહ અને સ્વયંવરની પ્રથાઓ આ સમયે સમાન્તરે ચાલતી હતી. ખેતી અને પશુપાલન આજીવિકાના મુખ્ય વ્યવસાયો હતા. સંપત્તિની ન્યાયી વહેંચણી વિકસી હતી. સભ્યતાનો સારો વિકાસ થયો હતો; લલિતકળાઓને ઉત્તેજન અપાતું. પુરોહિતો અને રાજાઓ વિશેષાધિકાર ભોગવતા. યજ્ઞસંસ્કૃતિ ફૂલીફાલી રહી હતી અને વિધિનાં જાળાં એની પાછળ રચાવાં શરૂ થયાં હતાં. ધાર્મિક વિધિમાં મંત્રનો ઉપયોગ કરતી વખતે સૌ પહેલાં એ મંત્રોના ઋષિ, દેવતા અને છન્દનું કથન કરવાની પરંપરા હિન્દુઓમાં ચુસ્ત રીતે પળાય છે. ત્યારે જ એ મંત્ર પ્રભાવક નીવડી શકે. જેને મંત્રનું પ્રથમ ‘દર્શન’ થયું તે દૃષ્ટા મંત્રના ‘ઋષિ’ કહેવાય. જે દેવતાને સંબોધીને મંત્ર કહેવાયો હોય તે મંત્રના ‘દેવતા’ કહેવાય. અને જે છંદમાં મંત્ર રચાયો હોય તે એનો છંદ કહેવાય. એક ગણતરી પ્રમાણે આવા ઋષિઓની સંખ્યા ૮૦૦ કરતાંયે વધારે છે. ઓછાવત્તા ફેરફારો સાથેના છંદોની કુલ સંખ્યા ૧૯ની છે.

આપણે એ તો જાણી ચૂક્યા છીએ કે આ ‘ઋગ્વેદસંહિતા’નાં પરિશિષ્ટ તરીકે ઐતરેય અને કૌષીતિકી નામના બ્રાહ્મણગ્રંથો અને એ ગ્રંથોના પેટા વિભાગ જેવાં ઐતરેય અને શાંખાયન નામનાં આરણ્યકો અને ઐતરેય અને કૌષીતકી નામનાં ઉપનિષદો અત્યારે ઉપલબ્ધ છે.

આ સંહિતા ભારતીય પ્રાચીન સંસ્કૃતિના એક દસ્તાવેજ સમો હોઈને એનું બીજી સંહિતાઓ કરતાં વધુ મહત્ત્વ છે. હવે યજુર્વેદ સંહિતા વિશે થોડું જાણીએ.

યજુર્વેદ સંહિતા

‘યજુસ્‌’નો અર્થ ‘યજ્ઞ’ સાથે સંકળાયેલ એવો થાય છે એટલે યજ્ઞના ચાર પુરોહિતો પૈકી અધ્વર્યુ પુરોહિતને યજ્ઞ સમ્પાદન કરવામાં કામ લાગે એવા મંત્રો આ સંહિતામાં સંગ્રહાયા છે. આ બધા મંત્રો ગદ્યાત્મક છે.

આ યજુર્વેદ સંહિતા કૃષ્ણયજુર્વેદ અને શુક્લ યજુર્વેદ એવાં બે મુખ્ય સ્વરૂપોમાં મળે છે. કૃષ્ણ એટલે કાળો અને શુક્લ એટલે શ્વેત. આ બે સ્વરૂપોનાં આવાં નામો કેમ થયાં, તે કહેવું મુશ્કેલ છે. જો કે ‘સંહિતા’ કહીએ એટલે એ તો મંત્રાત્મક જ હોવી જોઈએ. છતાં કૃષ્ણયજુર્વેદ મંત્ર-બ્રાહ્મણ મિશ્રણવાળો હોવાથી ‘શુદ્ધ’ ન કહેવાય એટલે એને ‘કૃષ્ણ’ કહ્યો હશે. અને શુક્લ યજુર્વેદ આખો મંત્રમાં (ગદ્યાત્મક મંત્રમાં) જ લખાયેલો છે એટલે એવાં બે સ્વરૂપો થયાં લાગે છે. અથવા તો એક બીજી સમજૂતી પ્રમાણે કૃષ્ણ યજુર્વેદ અતિપ્રાચીન હોવાથી સમજવામાં મુશ્કેલ છે એટલે એ કૃષ્ણ-કાળો-કહેવાયો અને શુક્લ યજુર્વેદ સમજવામાં સહેલો હોવાથી એ શુક્લ-સફેદ કહેવામાં આવ્યો હશે.

કૃષ્ણ યજુર્વેદની શાખાઓ – પાઠભેદો (વાચનાઓ) ૮૫ કહેવામાં આવી હોવા છતાં આજે તો માત્ર ચાર જ જાણીતી છે તે છે; તૈત્તિરીય, મૈત્રાયણીય, કઠ અને કપિશલ. એમાંની તૈત્તિરીય સંહિતા (શાખા) દક્ષિણમાં વધુ પ્રચલિત છે. એ તે સાત કાંડ, ૪૪ પ્રવાહકો અને ૬૫૧ અનુવાકો (મંત્રો) ધરાવે છે. એમાં પુરોકાશ, યજમાન, વાજપેય, રાજસૂય, દર્શપૂર્ણ માસ અને સોમયાગ જેવા યજ્ઞોનું ખૂબ વિસ્તારથી વર્ણન આપવામાં આવ્યું છે. બાકીની ત્રણ શાખાઓ – વાચનાઓ બહુ જાણીતી નથી. એ બધી પણ એ જ વિષયો ચર્ચે છે. એમાંની છેલ્લી કપિશલ શાખા તો અત્યારે અપૂર્ણ રૂપમાં જ મળે છે.

કૃષ્ણ યજુર્વેદની આ મુખ્ય (તૈત્તિરીય) વાચનાની પુુરવણી રૂપે તૈત્તિરીય બ્રાહ્મણ જોડાયેલું છે અને એના આરણ્યક ફાંટામાં તૈત્તિરીય આરણ્યક છે, તેમજ ઉપનિષદના ફાંટામાં તૈત્તિરીય ઉપનિષદ આવે છે. સુવિખ્યાત કઠ ઉપનિષદ પણ કૃષ્ણ યજુર્વેદનું જ છે પણ એની શાખા કઠ છે.

શુક્લ યજુર્વેદસંહિતાને વાજસમેયી સંહિતા પણ કહેવામાં આવે છે; એનો સંગ્રહ અને એનું સંપાદન સુવિખ્યાત ઋષિ યાજ્ઞવલ્ક્યે કર્યું હોવાનું મનાય છે. આ આખીય સંહિતા પદ્યાત્મક મંત્રોમાં છે અને સ્વરૂપમાં આ સંહિતા ઋગ્વેદસંહિતાને મળતી આવે છે, છતાં પણ આમાં સૂક્તો નથી. આ શુક્લ યજુર્વેદની સત્તર વાચનાઓ (શાખાઓ) પહેલાં હતી પણ આજે તો માત્ર એમાંથી કાણ્વ અને માધ્યન્દિન એ બે જ ઉપલબ્ધ છે. પહેલી શાખા દક્ષિણમાં પ્રચલિત છે. એમાં ૪૦ અધ્યાયો, ૩૨૮ અનુવાદો અને ૨૦૮૬ મંત્રો છે. એની બીજી માધ્યન્દિન શાખા ઉત્તરમાં પ્રચલિત છે. એમાં ૪૦ અધ્યાયો, ૩૨૮ અનુવાદો અને ૧૯૭૫ મંત્રો સંગ્રહાયેલ છે.

કૃષ્ણ યજુર્વેદીય તૈત્તિરીય શાખા સંહિતાની પેઠે જ અહીં પણ મુખ્યત્વે અગ્નિષ્ટોમ, વાજપેય અને રાજસૂય યજ્ઞોની વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. શુક્લ યજુર્વેદનાં પરિશિષ્ટ રૂપે શત પથ બ્રાહ્મણ જોડાયેલું છે. અત્યારે મળતા બ્રાહ્મણ ગ્રંથોમાં આ બ્રાહ્મણગ્રંથ સૌથી મોટો છે. આ વેદમાં બૃહદારણ્યક નામે આરણ્યક ગ્રંથ બ્રાહ્મણ ગ્રંથના પૂરક તરીકે છે અને બીજા પૂરક ફાંટા તરીકે ઈશોપનિષદ અને બૃહદારણ્યક ઉપનિષદ – એમ બે ઉપનિષદો આવે છે.

સામવેદ સંહિતા

આપણાં શાસ્ત્રોમાં સામવેદને ઘણું ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે. છતાં એ કોઈ સ્વતંત્ર – મૌલિક રચના છે, એમ સ્વીકારાયું નથી. ‘સા’ એટલે ‘ઋક્‌’. (ઋગ્વેદનો મંત્ર અને ‘આપ’ એટલે વિવિધ પ્રકારના સંગીતના સ્વરો. આમ ‘સામ’ શબ્દનો અર્થ ‘સંગીતના સ્વરોમાં બેસાડેલા ઋગ્વેદના મંત્રો’ એવો થાય છે, અર્થાત્‌ ઋગ્વેદના જે મંત્રો ઉદ્‌ગાતા પુરોહિતને માટે ઉપયોગી હોય, તેવા મંત્રોનો આ સંગ્રહ છે. કહેવાય છે સામવેદની એક હજાર શાખાઓ હતી. પણ અત્યારે તો એમાંથી ફક્ત ત્રણ જ જાણીતી છે : ફૌથુમ, રામાયણીય અને જૈમિનીય. એમાં રામાયણીય તો અનુપલબ્ધ જ છે.

આ વેદ અર્ચિક અને ઉત્તરાર્ચિક એમ બે ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. ચાર્ચિક વિભાગમાં ૫૮૫ મંત્રો અને ઉત્તરાર્ચિકમાં ૯૬૪ મંત્રો છે – બધા મળીને કુલ ૧૫૪૯ મંત્રો છે. એમાંના ૭૫ મંત્રો સિવાયના બાકી બધા જ મંત્રો ઋગ્વેદમાંથી જ લેવામાં આવ્યા છે અને ૨૭૨ મંત્રો તો પુનરાવર્તિત થયા છે. આ પુનરાવર્તિત મંત્રોને પણ ગણતરીમાં લઈએ તો મંત્રોની કુલ સંખ્યા ૧૮૨૧ થાય છે. એની બીજી વાચના-શાખા, આ સંખ્યા ૧૮૭૫ બતાવે છે.

સામવેદના આ મંત્રો ‘સામન્‌’ નામે ઓળખાય છે અને એને સાત સ્વરો હોય છે. અન્ય વેદમંત્રોમાં આવું શાસ્ત્રીય સ્વરવિભાજન નથી. ભારતીય શાસ્ત્રીય સંગીતનું આ બીજ સામવેદમાં છે, એવું અનુમાન કરી શકાય.

સામગાનના અનેકાનેક પ્રકારો છે અને એને (૧) ગ્રામગાન (ગેયગાન, વેધગાન, પ્રકૃતિગાન પણ કહેવાય છે) (૨) આરણ્યકગાન, (૩) ઊહગાન, (૪) ઊહ્યગાન વગેરે નામો આપવામાં આવ્યાં છે. આ સામગાન કઠિન કળા છે અને નિષ્ણાતની સહાય એ માટે અનિવાર્ય છે.

આ વેદને નવ બ્રાહ્મણો છે. એમાં તાંડ્ય બ્રાહ્મણ સૌથી મોટું અને મહત્ત્વનું છે. આ વેદનું ફક્ત એક જ આરણ્યક ઉપલબ્ધ છે, એ છે તલ્વકાર અથવા જૈમિનીય આરણ્યક. તેમજ છાંદોગ્ય અને કેન નામે સુપ્રસિદ્ધ ઉપનિષદો છે. કેનોપનિષદને જ તલ્વકારોપનિષદ કહેવાય છે.

અથર્વવેદ સંહિતા

અથર્વવેદની સોંપણી યજ્ઞમાંના બ્રહ્માપુરોહિતને થઈ હોવાથી એનું બીજું નામ બ્રહ્મવેદ પણ પડી ગયું છે. અથર્વવેદ સંહિતાનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો છે, એને લીધે બીજી સંહિતાઓ  કરતાં અથર્વવેદ સંહિતા અલગ પડી જાય છે. ખાસ કરીને ઋગ્વેદ સંહિતા કરતાં તો ઘણી જુદી પડે છે. આ સંહિતા ઇહલૌકિક-જાગતિક બાબતોની જ ચર્ચા કરે છે. આમુષ્કિની-સ્વર્ગાદિકની કે પરલોકની કશી ચર્ચા કરતી નથી. પરલોકપ્રાપ્તિના સાધનરૂપ યજ્ઞોની પણ એમાં કશી વાત નથી. આ વેદનો ઘણોખરો ભાગ રોગો અને એના પ્રતિકાર વિશેનો છે. કામનાપૂર્તિ, દીર્ઘ આવરદા, ભવનનિર્માણ, વણજ વ્યાપાર, કળાકારીગરી, જાદુમંત્ર, વગેરેનાં વિધિઓ, ઉપાયો, તપ, ઉપાસના વગેરે દર્શાવ્યાં છે. તો વળી ઉપનિષદોની નજીકમાં બેસી શકે એવા તાત્ત્વિક વિચારો અને સાહિત્યિક શૈલીનું ઘણી શિષ્ટતાથી બયાન પણ કરવામાં આવ્યું છે. આમ હોવાથી કેટલાક વિદ્વાનો એમ માને છે કે સમયાનુક્રમમાં આ રચના મોડી રચાયેલી છે. પ્રાચીન કાળથી આ વેદની નવ શાખાઓ હતી એવું માનવામાં આવ્યું છે. પણ અત્યારે તો ‘પિપ્પલાદ’ અને ‘શૌનક’ એમ બે જ શાખાઓ ઉપલબ્ધ છે. એમાંયે ‘પિપ્પલાદ’ શાખા તો પૂરી મળતી પણ નથી કેવળ ‘શૌનક’ જ પ્રાપ્ય થાય છે.

આ અથર્વવેદ ચાર પ્રવાક્કોમાં – ભાગોમાં વહેંચાયેલ છે. એના કુલ ૨૧ કાંડો (પ્રકરણો) છે. દરેક કાંડમાં કેટલાંક સૂક્તો (મંત્રસમૂહ) છે. કુલ ૭૩૬ સૂક્તોમાં અમુક મંત્રો છે. મંત્રોની સંખ્યા ૬૦૭૭ છે. આમ ૪ ખંડ (પ્રવાક્કો), ૨૦ કાંડ, ૭૩૬ સૂક્તો અને ૬૦૭૭ મંત્રોમાં આ વેદ પથરાયેલો છે. એમાંનો છેલ્લો વીસમો કાંડ તો લગભગ પૂરેપૂરો ઋગ્વેદમાંથી જ લઈ લેવામાં આવ્યો છે.

આ વેદ અનંત અને પૂર્ણ પરમાત્માને કેવળ ‘બ્રહ્મ’ એવું જ નામ આપતો નથી પણ ‘સ્કમ્ભ’, ‘વ્રાત્ય’, ‘ઉચ્છિષ્ટ’ વગેરે અનોખાં નામ પણ આપે છે! આખું વિશ્વ એમાંથી જ એની ઇચ્છાથી જ ઉત્પન્ન થઈને એમાં જ વસી રહ્યું છે. એ જ સમગ્ર સૃષ્ટિના અધિનાયક છે. ‘રોહિત’ – સૂર્ય એની સત્તાનું પ્રતીક છે અને માનવોનું અંત:સત્ત્વ પણ એ જ છે; એનો સાક્ષાત્કાર કરનાર નિર્ભય બને છે. આ વેદમાં સ્વર્ગ-નરકનું પણ વર્ણન છે અને પુણ્ય-પાપની પણ વાત છે. દીક્ષા, દાન, તપ વગેરે ગુણો, પૂર્ણતાની પ્રાપ્તિ માટેનાં સહાયક તત્ત્વો રૂપે ઉલ્લેખાયેલા છે.

આ વેદ તત્કાલીન સામાજિક પરિસ્થિતિનો પણ રસપ્રદ ખ્યાલ આપી જાય છે. આ વેદ પોતાની સર્જકભૂમિનું સીમાંકન પણ કરે છે. એ ભૂમિ ગાંધારદેશ (અફઘાનિસ્તાન)થી માંડીને મગધદેશ (બિહાર) તેમજ વંગ (બંગાળ) સુધી વિસ્તરેલી હતી. તે ભૂમિવાસીઓનું તાત્કાલીન જીવન એમાં દેખાય છે. એ વખતે વર્ણવ્યવસ્થા સુસ્થાપિત હતી; એના પહેલા ત્રણ વર્ણો વિશેષાધિકાર ભોગવતા; ખેતીની પ્રધાનતા હોવા છતાં અન્ય વેપારવણજની પણ ઘણી સારી સ્થિતિ હતી. કેટલીક વાર સત્તાધારી ક્ષત્રિય રાજાઓ દ્વારા બ્રાહ્મણોને પરેશાન પણ કરવામાં આવતા. ગાયને ઘણું મહત્ત્વ અપાતું અને ‘ગોદાન’ને પુણ્યકાર્ય ગણવામાં આવતું. વિવાહસંસ્થા ઋગ્વેદના કાળ જેવી જ હતી.

અથર્વવેદનું માત્ર એક ‘ગોપથ’ બ્રાહ્મણ હજુ સુધી મળ્યું છે અને ‘આરણ્યક’ તો એક પણ શોધાયું નથી. પ્રશ્ન, મુંડક અને માંડૂક્ય – આ ત્રણ વિખ્યાત ઉપનિષદો આ વેદનાં છે.

આ ચારેય વેદો પેઢી દર પેઢી કંઠોપકંઠ જ ઊતરી આવ્યા છે. છાપખાના વગરના એ જમાનામાં (કદાચ લિપિ વગરના પણ) એને સાચવવાનો કોઈ ઉપાય ન હતો. પદપાઠ, ક્રમપાઠ, જટાપાઠ, ધનપાઠ વગેરે પદ્ધતિઓ દ્વારા એના મંત્રો ઉચ્ચારણો વગેરેનું હજારો વર્ષથી આજ સુધી અકબંધ જતન કરવામાં આવ્યું છે. એ ઇતિહાસની અદ્‌ભુત ઘટના છે. છાપખાનાની સુવિધા હોવા છતાં આજે પણ મુખોપમુખે સાંભળીને જ બહુધા એનાં શુદ્ધ અને વિશિષ્ટ ઉચ્ચારણો અને પદ્ધતિ સાચવી રાખવામાં આવી રહી છે. સાંસ્કૃતિક સંચિત નિધિને સાચવવાનો પ્રશસ્ય ધર્મ જળવાઈ રહ્યો છે. એ ખૂબ આનંદની વાત છે.

આ વેદો ‘અપૌરુષેય’ કહેવાય છે. એટલે કોઈ પુરુષે એને રચ્યા નથી પણ ઋષિઓને એનું દર્શન થયું છે. એમને એ દેખાયા છે. આમ હોવાથી વેદમંત્રોને સમજવા, અર્થ ઉકેલવા વગેરે ઘણું કઠિન કામ છે. એની આદિમ યુગની કાલગ્રસ્ત ભાષા અને એવી પારિભાસિકતા ઉકેલવી ભારે કઠણ છે. એથી જ આ વેદ સાહિત્ય (શ્રુતિ સાહિત્ય) પછી એ અર્થો શોધવા વેદનાં છ અંગોનું સાહિત્ય રચાયું. તે સમય સુધી જળવાઈ રહેલા વેદરાશિના જ્ઞાન અને મંત્રોના અર્થો ઉકેલવામાં મદદ કરનારા સહાયક વિજ્ઞાનની ગરજ સારતાં આ છ અંગો શિક્ષા, વ્યાકરણ, છંદ, નિરુક્ત, જ્યોતિષ અને કલ્પ નામનાં છે. એમાં શિક્ષા – યોગ્ય મંત્રોચ્ચારણ શીખવે છે, વ્યાકરણ – વૈદિક વ્યાકરણ છે, છંદ – વૈદિક કાવ્યનું છંદ-માપ વગેરે બતાવે છે. નિરુક્ત – વ્યુત્પત્તિશાસ્ત્ર છે. એ વૈદિક શબ્દોના અર્થની સમજૂતી આપે છે; જ્યોતિષ- આમ તો ખગોળશાસ્ત્ર છે, છતાં વૈદિક યજ્ઞાનુષ્ઠાન માટે યોગ્ય મુહૂર્ત શોધવામાં એનો ઉપયોગ થાય છે. કલ્પ -એ બધા યજ્ઞવિધિઓ અને કર્મકાંડની પદ્ધતિઓનું વર્ણન કરતા ગ્રંથો છે. આ ‘કલ્પ’ ગ્રંથો સૂત્રોમાં રચાયેલ છે. નાના શબ્દસમૂહો રૂપ આ ‘કલ્પ’ગ્રંથો વળી ચાર શાખાઓમાં વિભાજિત છે. (૧) શ્રોત, (૨) ગૃહ્ય, (૩) ધર્મ અને (૪) શુલ્વ. આમ આ વેદાંગો વેદનું પરવર્તી વાઙ્‌મય છે.

વેદમંત્રોના અર્થો ઉકેલવા આટલું પરવર્તી સાહિત્ય રચાયા છતાં પણ વધુ સ્પષ્ટ રીતે સર્વાંગીણ ખ્યાલ આવે તે માટે પછી થયેલા વેદોના ભાષ્યકારોએ જબરી સેવા કરી છે. વેદોના ભાષ્યકારોની તો સદીઓથી એક નક્ષત્રમાળા જ સર્જાઈ ગઈ છે. એમાં ચૌદમી સદીના સાયણાચાર્યનું સ્થાન મોખરે છે. એમનું કામ તો ભગીરથ છે જ. સાથો સાથ એમના ભાષ્યની કક્ષા પણ ઘણી ઊંચી છે. ‘સાયણને કાઢો જ’ – એવી બૂમો પાડતા વિઘ્નસંતોષીઓ હવે તો પાછા પડી ગયા જ છે! સાયણા ઉપરાંત સાતમી સદીના સ્કંદસ્વામી, અગિયારમી સદીના ભટ્ટ ભાસ્કર અને તેરમી સદીના મધ્વાચાર્ય (આનંદતીર્થ)નાં નામો પણ ઉલ્લેખનીય છે. જો કે આ બધાં ભાષ્યો હાલમાં તો અપૂર્ણ અવસ્થામાં જ મળે છે. આ સિવાય ઘણા ઘણા ભાષ્યકારો થઈ ગયા છે. અને હજુ પણ એ પરંપરા ચાલુ છે. સ્વામી દયાનંદ સરસ્વતી, શ્રીરામશર્મા, સ્વામી ગંગેશ્વરાનંદ, પંડિત સાતવલેકર, પશ્ચિમના મેક્સમૂલર વગેરે વિદ્વાનોએ પોતપોતાની રીતે વેદના અર્થો સમજાવ્યા છે.

ખરેખર ભારતીય ઇતિહાસ, વૈદિક સમાજજીવન સભ્યતા-સંસ્કૃતિ, ભાષાવિજ્ઞાન, વગેરે સમજવા માટે આવો વેદાભ્યાસ એક અનિવાર્ય આવશ્યકતા ધરાવતું આકર્ષક ઉપકરણ છે.

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.