અહલ્યા

ગૌતમ ઋષિનાં અનુપમ સુંદર પત્નીનું નામ અહલ્યા હતું. તેઓ બંને ઊંડી તપોમય સાધના સાથે પવિત્ર જીવન જીવતાં હતાં.

અહલ્યાના સૌંદર્યથી ઈંદ્ર અંજાઈ ગયો. એને એમ લાગ્યું કે એ પોતે અહલ્યા માટે યોગ્ય પતિ છે. જ્યારે અહલ્યા ગૌતમ ઋષિને પરણ્યાં ત્યારે ઈંદ્રની ઈર્ષ્યાનો પાર ન રહ્યો.

એક દિવસ ગૌતમ ઋષિ આશ્રમની બહાર ગયા હતા. લાગ જોઈને ઈંદ્રે ગૌતમ ઋષિનું રૂપ ધારણ કર્યું અને એણે અહલ્યાને લલચાવ્યાં. અહલ્યાના દેહના સૌંદર્યથી ઈંદ્ર મોહિત થઈ ગયો, અહલ્યા પણ જાણે કે ભાન ભૂલી ગયાં અને પતિના રૂપે આવેલ ઈંદ્રની ઇચ્છાને અધીન થઈ ગયાં.

ઈંદ્રને પોતાના આ કુકર્મનું દુ:ખ થવા લાગ્યું. બરાબર એ જ સમયે ગૌતમ ઋષિ પોતાના આશ્રમે પાછા ફર્યા. ઈંદ્રના અપરાધને જાણીને સત્ય અને અધ્યાત્મને વરેલ ગૌતમ ઋષિએ ઈંદ્ર અને અહલ્યા બંનેને અભિશાપ આપ્યો: ‘અરે ઈંદ્ર! તું તારું નરત્વ ગુમાવીશ! અહલ્યા, તું એક પથ્થરની શિલા બનીને સુદીર્ઘકાળ સુધી અન્નપાણી વિના પશ્ચાત્તાપવાળું તપોમય જીવન જીવજે; તારા તરફ કોઈ નજરેય નહિ નાખે.’

આવા નબળા મનવાળા બનવાને લીધે અહલ્યાને શાપ તો આપ્યો પણ ગૌતમે એ શાપમાંથી મુક્તિનો ઈલાજ પણ આપ્યો : ‘જ્યારે ભગવાન શ્રીરામ આ આશ્રમમાં આવશે ત્યારે એમના પાવનકારી ચરણની રજથી તું શાપમુક્ત બનીશ. શાપ જતાં તેઓ પોતાનાં ગુણ અને સૌંદર્ય પાછાં મેળવશે. ગૌતમ ઋષિ તો તપોમય જીવન જીવવા માટે હિમાલયમાં ચાલ્યા ગયા.

શ્રીરામનાં દર્શન થતાં અને એમની ચરણરજથી અહલ્યાનો શાપ દૂર થયો. રામ અને લક્ષ્મણે પણ આ તપસ્વી નારીની ચરણરજ લીધી. હિમાલયમાંથી પાછા ફરીને ગૌતમ ઋષિએ અહલ્યાને સ્વીકારી લીધાં. ગહન તપસ્યા દ્વારા ગમે તેવા મહાન પાપને પણ દૂર કરી શકાય છે. આ બોધપાઠ અહલ્યાના જીવનમાંથી આપણને મળે છે. જે સાત સંન્નારીઓનું હિંદુઓ પ્રાત: સ્મરણ કરે છે તેમાં અહલ્યાનો પણ સમાવેશ થાય છે.

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.