તમારા બાળકની સરખામણી બીજા સાથે ન કરો : તમારા બાળકને તેના મિત્ર કે ભાઈબહેન સાથે સરખાવવાનું બંધ કરવું. દરેક બાળક પોતાના વલણ રુચિ અને સામર્થ્યમાં અનન્ય હોય છે. બાળકની એ શક્તિઓને ઓળખો અને ભાવાત્મક પ્રેરણાથી એને સુયોગ્ય વહેણ તરફ વાળો.

બાળકને જવાબદારી લેતાં કરો : કોઈ પણ પ્રકારની જવાબદારી બાળકમાં આત્મવિશ્વાસ અને પુખ્તતાનો વિકાસ કરે છે. પૂજા માટે ફૂલ ચૂંટવા, ભોજનનું ટેબલ મૂકવું, ઘરની સફાઈ કરવી અને કૂડો-કચરો બહાર યોગ્ય સ્થળે ફેંકી દેવા જેવી દૈનંદિન જવાબદારીઓ નાની ઉંમરથી જ તમારા બાળકના ખભે નાખો. તમારું બાળક પોતાની દૈનંદિન સમસ્યાઓનો ઉકેલ પોતે શોધે અને તમારી વધુ સહાય વિના એ સમસ્યામાંથી બહાર આવે તેવું કરવા દો. જો તમે પોતે એ સમસ્યાઓનું સમાધાન કરતા રહેશો કે બધી બાબતમાં તમે જ નિર્ણય લેતા રહેશો તો તમારું બાળક આવી વિષમ પરિસ્થિતિઓ સામે લડવાની પોતાની શક્તિને કામે લગાડવામાં નિષ્ફળ જશે. સ્વતંત્રતા એ આપણો ‘ગુરુચાવી’ જેવો શબ્દ બનવો જોઈએ.

તમારા બાળકને શિસ્તબદ્ધ રહેતાં શીખવો : તમારા બાળકને શિસ્તપરાયણ બનાવવો એ ખરેખર બાળક પ્રત્યેના પ્રેમનું સાચું કાર્ય ગણાય. તમારા બાળકોને એમાંય વિશેષ કરીને તરુણોને એમની લક્ષ્મણરેખાને સમજવા પ્રયત્ન કરતાં કરશો તો તેમનું વર્તન પણ લક્ષ્મણરેખાની બહાર ન જાય એવું રહેશે. આવાં બાળકો પર જ્યારે અભાવાત્મક અને ન દેખાતા બાહ્ય દબાણો આવે ત્યારે તેઓ તમારાં સલાહ-સૂચનો કે તર્કને ટાંકીને એ બધાંથી સાવધાન રહી શકે છે. સિદ્ધાંતની બાબતોમાં જ્યારે તમને ખાતરી થાય કે તમારો પુત્ર-પુત્રી જે કંઈ કરવા ઇચ્છે છે તે ખરેખર એને માટે નુકશાનરૂપ છે; એ વખતે તમે એને ઠંડે કલેજે અને વિનમ્રતા સાથે તેમજ મક્કમતાથી ‘ના’ કહેવાનું શીખો. આમ છતાં પણ તમે તમારાં ટીકાટીપ્પણ રચનાત્મક રીતે કરજો અને દોષમાંથી કેવી રીતે બહાર આવવું કે કેવી રીતે સુધરવું એ પણ બતાવજો. આ ઉપરાંત તમારા બાળકે કરેલી ભૂલનો બચાવ ન કરતા. એનું કારણ એ છે કે દરેકેદરેક ભૂલ પણ એને માટે એક કીમતી બોધપાઠ બની જવાનો છે. આ બોધપાઠ એમના પ્રબળ અને ઉમદા વ્યક્તિત્વને ખીલવા માટે અત્યંત આવશ્યક છે.

તમારા બાળકને સંબંધોની જાળવણીની કેળવણી આપો : તમારું બાળક ઘરે મૂળભૂત સામાજિક સંબંધો અને વ્યવહારોની કેળવણી મેળવે છે. બીજાની સાથે કેવી રીતે વર્તવું, પરસ્પરના સંબંધો કેવી રીતે જાળવવા, કેવી રીતે પોતાની લાગણીઓ વ્યક્ત કરવી કે ન કરવી, પોતાના મતાભિપ્રાય કે અસંમતિને કેવી રીતે વ્યક્ત કરવાં – આવું બધું તે ઘરમાં શીખે છે. એટલે જ માતપિતા તરીકે તમારે પોતાએ અને તમારા કુટુંબના બીજા સભ્યોએ પરસ્પરના સંબંધોમાં માનસન્માનની ભાવના રાખવી જોઈએ, વિનમ્રતા અને આજ્ઞાંકિતતા દાખવવી જોઈએ, માયાળુ અને એકબીજા પ્રત્યે સુસંવાદી પણ બનવું જોઈએ. વિશેષ કરીને તમારા બાળકને ઘરની અને સમાજની તંદુરસ્તી જળવાય તે રીતે સંઘર્ષોનું સમાધાન કરતાં કરો.

તમારા બાળકની પ્રવૃત્તિઓ અને એના મિત્રવર્તુળનું નિરીક્ષણ કરતા કરો : તમારું બાળક પોતાનો ફાજલ સમય ક્યાં અને કેવી રીતે, કોની સાથે અને કઈ રીતે ગાળે છે, એના પર નજર રાખો. એમના તરુણ મિત્રોને મળવા દો પણ એના પર થોડી નજર તો રાખો જ. ટીવી, ચલચિત્ર જુએ તેના પર પણ ધ્યાન રાખવું અને તેઓ કોઈ સિરિયલ, કાર્ટૂન કે રમતગમતના આદિ ન થાય એ જોવું અને એની એવી ટેવને દૂર કરવી.

બાળકને સમયપાલનની કેળવણી આપો : માનસિક તણાવ, ભય કે ઉત્પાત એ વિદ્યાર્થીઓ માટે સામાન્ય બાબત છે. એમાંયે વિશેષ કરીને પરીક્ષાના સમયે આ બધું વધારે જોવા મળે છે. એટલા માટે કેટલાંક પુસ્તકો વાંચો, કોઈ નિષ્ણાતની સલાહ લો અને તમારા બાળકને સમયનો કેવી રીતે સદુપયોગ કરવો એના પાયાના સિદ્ધાંતો શીખવો. તમારા બાળકને પ્રવૃત્તિઓમાં કોને વત્તાઓછા પ્રમાણમાં મહત્ત્વ આપવું, કઈ પ્રવૃત્તિને પહેલી કે છેલ્લી લેવી; એ માટે સપ્તાહનું-મહિનાનું ચોક્કસ સમયપત્રક ઘડવામાં મદદ કરો અને દરેક પ્રવૃત્તિ માટે ચોક્કસ સમય નક્કી કરી દો. આવા સમય પાલનના વિજ્ઞાનને ન જાણનાર બુદ્ધિશાળી વિદ્યાર્થી પણ પોતાની શક્તિઓને બહાર લાવવામાં નિષ્ફળ જાય છે.

બાળકને સામાજિક સેવા કરવા પ્રેરો : કર્મયોગ કે નિ:સ્વાર્થ ભાવે સેવા એ મનને પવિત્ર અને શુદ્ધ કરવાનો તેમજ ઇચ્છાશક્તિ અને એકાગ્રતામાં વૃદ્ધિ કરવાનો માર્ગ છે. પોતાના કુટુંબના સભ્યોની, પડોશીઓની સેવા કરવી અને સેવાભાવી સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં એમને ભાગ લેતા કરવાથી તમારા બાળકમાં નૈતિક મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા જગાડશે અને વધારશે. એના દ્વારા બીજા સાથેના પોતાના સંબંધો અને વ્યવહારોને જાળવવાની ભાવનાનો પણ વિકાસ થશે.

ચારિત્ર્ય ઘડતરની સુટેવો કેળવો

વાસ્તવિક રીતે તો સંસ્કાર જ મોટો ભાગે બાળકના ચારિત્ર્ય ઘડતરને સુનિશ્ચિત કરે છે. આમ હોવા છતાં પણ એ દૈવવાદ તરફ દોરી ન જાય એ જોવું જોઈએ. એ પણ એટલી જ સાચી વાત છે કે જાગ્રત પ્રયાસોથી સંસ્કારને પણ કાયમને માટે પરિવર્તિત કરી શકાય છે.

ચારિત્ર્ય એટલે સુટેવોનો જથ્થો : આપણા દરેક વિચાર, શબ્દ અને કાર્ય મનમાં એક છાપ છોડી જાય છે. આવી છાપો એટલે સંસ્કાર અને આવા સંસ્કારોનો કુલ સરવાળો આપણાં વર્તન, જીવનવલણ, મૂલ્યોની પસંદગી અને એવી રીતે આપણા ચારિત્ર્યને સુનિશ્ચિત કરે છે. રાજયોગ પરના પોતાના એક વ્યાખ્યાનમાં સ્વામી વિવેકાનંદ આ વાત સમજાવે છે :

‘આપણે સરોવરની ઉપમા વાપરીએ. મન એ સરોવર જેવું છે; મનમાં ઉદ્‌ભવતાં દરેક મોજાં કે તરંગ શાંત થાય ત્યારે તદ્દન શમતા નથી. પણ ભવિષ્યમાં પાછાં ઉદ્‌ભવવાની શક્યતાની નિશાની મૂકતાં જાય છે. મોજાં કે તરંગ ફરી ઉદ્‌ભવવાની શક્યતાવાળી આ નિશાની જેને આપણે સંસ્કાર કહીએ છીએ.’ (સ્વા.વિ.ગ્રં.મા., ભા.૩, પૃ.૪૩)

‘જ્યારે ઘણી મોટી સંખ્યામાં આ સંસ્કારો મન પર પડેલા હોય છે ત્યારે તે બધા જોડાઈને ટેવનું રૂપ લે છે. કહેવાય છે કે ‘ટેવ એ બીજો સ્વભાવ છે’ પણ એ પ્રથમ સ્વભાવ પણ છે, અને માણસનો સંપૂર્ણ સ્વભાવ પણ છે; અરે! આપણે જે કંઈ છીએ તે ટેવનું જ પરિણામ છે. એથી જ તો આપણને આશ્વાસન મળે છે, કારણ કે આપણો સ્વભાવ એ જો માત્ર ટેવ જ હોય તો તો આપણે ગમે ત્યારે નવી ટેવ પાડી શકીએ અને જૂની ટેવને છોડી શકીએ.’ (સ્વા.વિ.ગ્રં.મા., ભા.૩, પૃ.૧૬૯)

‘ખરાબ ટેવો છોડવાનો એક માત્ર ઉપાય છે તેનાથી ઊલટી સારી ટેવો પાડવી; જે જે ખરાબ ટેવોના સંસ્કાર પડેલા છે તેમને સારી ટેવોથી કાબૂમાં લેવાના છે. સત્કર્મ કર્યે જ જાઓ, નિરંતર પવિત્ર વિચાર કર્યે રાખો, હલકટ સંસ્કારોને દબાવવાનો એકમાત્ર ઉપાય એ જ છે. કદી પણ એમ નહિ કહેતા કે અમુક માણસ સુધરી નહિ જ શકે; કારણ કે એ વ્યક્તિ એટલે અમુક પ્રકારનું ચારિત્ર્ય, એક ટેવોનું પોટલું કે જે ટેવો નવી અને વધુ સારી ટેવો વડે કાબૂમાં લાવી શકાય. ચારિત્ર્ય એટલે પુનરાવર્તન પામેલી ટેવ, એટલે કેવળ પુનરાવર્તન પામેલી ટેવ જ ચારિત્ર્યને સુધારી શકે. (સ્વા.વિ.ગ્રં.મા., ભા.૩, પૃ.૧૬૯-૭૦)

તમારા બાળકના ચારિત્ર્ય ઘડતરનાં મૂળભૂત સાધનો આ સત્યમાં રહેલાં છે : ‘ચારિત્ર્ય એટલે પુનરાવર્તન પામેલી ટેવ, એટલે કેવળ પુનરાવર્તન પામેલી ટેવ જ ચારિત્ર્યને સુધારી શકે.’ કેટલીક ભાવાત્મક સુટેવો જે તમારા બાળકોએ જીવનમાં ઝીલવી જોઈએ, એની યાદી હવે પછીના મુદ્દામાં આપીશું. આ બધી ટેવો કેટલા અંશે ભીતર ઝીલી અને ઝીરવી શકાય એનો આધાર તમારા સતત પ્રેરણ અને કેટલે અંશે તમે પોતે આ ટેવોને વિકસાવી શકો છો તેના પર છે.

સત્યનિષ્ઠ બનવું : સતતપણે સત્યનિષ્ઠ રહેવાથી સત્ય બોલવા માટે અને સત્યપૂર્ણ કાર્ય કરવા માટે આવશ્યક નૈતિક બળ પ્રચૂર માત્રામાં મળે છે. એટલે જ તમારા બાળકને આવાં કાર્યો કરવા માટે પ્રેરો : (૧) એવું કરવાની પ્રતિબદ્ધતા હોય તો કોઈ પણ સ્થળ કે વ્યક્તિની મુલાકાત લેવી. (૨) પોતાને સોંપાયેલ કોઈ પણ કાર્ય ન કરવાનું સાચું કારણ આપવું. (૩) દંભ વિના તેના દોષોને સ્વીકારો. (૪) કોઈ પણ બાબતની વાત કરવામાં કે એને રજૂ કરવામાં વાસ્તવિક બનો. (૫) જાહેર વાહનવ્યવહારનો ઉપયોગ કરવા માટે ટિકિટ લેવી, વગેરે.

દૈનંદિન નિત્યક્રમ : સમયને બચાવે છે, શક્તિના દુર્વ્યયને રોકે છે અને કાર્યક્ષમતા માટે ખાતરી આપે છે. તમારા બાળકને સક્રિય રીતે સામેલ કરીને નિત્યક્રમ નક્કી કરો. પછી એને અહીં દર્શાવેલી પ્રવૃત્તિઓ દરરોજ સુનિશ્ચિત સમયે કરવા માટે વિનમ્રતાથી પ્રેરો : (૧) સૂર્યોદય પહેલાં ઊઠી જવું. (૨) પ્રાર્થના કરવી. (૩) વ્યાયામ આસન કરવાં. (૪) ભોજન લેવું. (૫) અભ્યાસ કરવો. (૬) રાત્રે સમયસર સુઈ જવું.

જો બાળક સુનિશ્ચત કરેલ નિત્યક્રમને મનથી અનુસરી ન શકે તો પછી શું કરવું અને ક્યારે કરવું એનો નિર્ણય કરવામાં જ તે પોતાનો કીમતી સમય વેડફી નાખશે અને એનો નિત્યક્રમ અનિયમિત અને અચોક્કસ બની જશે.

ખાવામાં વિવેક : જીભની સ્વાદવૃત્તિ પર અંકુશ મેળવવો એ સ્વનિયમનનું અગત્યનું કાર્ય છે. હાલનાં બાળકોમાં ઠંડાપીણા અને તૈયાર કોળિયા જેવા ખોરાક ખૂબ ખાવાની જાણે કે એક ફેશન બની ગઈ છે. આવાં પીણાં અને ભોજન અકરાંતિયાની જેમ લેવાં એ તંદુરસ્તી માટે ગંભીર અવ્યવસ્થા ઊભી કરવાનું આમંત્રણ આપવા જેવું છે. અને આવી લતનાં ઘણાં ઉદાહરણો જોવા મળશે. એટલે જ તમારા બાળકની સ્વાભાવિક ખોરાક માટેની સ્વાદવૃત્તિ વિકસાવવા પ્રેરો. ‘અમે જીવવા માટે ખાઈએ છીએ, નહિ કે ખાવા માટે જીવીએ છીએ’ આ મહત્ત્વના કથનને એણે શીખવું જ રહ્યું. અઠવાડિયામાં કે પખવાડિયામાં એક વખત આખા કુટુંબે માત્ર બાફેલું-શેકેલું ખાવું કે હળવો નાસ્તો કે એકટાણું કરવું. સાથે ને સાથે તમારા બાળકમાં માનવની ચયાપચયની પ્રક્રિયા વિશે જાગૃતિ ઊભી કરો.

પ્રસંગોપાત ઉપવાસ કરવા : અવારનવાર ઉપવાસ કરવાથી મન અને દેહને ઘણો ફાયદો થાય છે. ઉપવાસથી ઇચ્છાશક્તિમાં વૃદ્ધિ થાય છે અને મનની શક્તિ ઉદ્‌ભવે છે. તે આપણી ચયાપચયની પ્રક્રિયાને ખરેખર જોઈતો આરામ આપીને આપણા શરીરને સારી પરિસ્થિતિમાં રાખે છે. અલબત્ત ઉપવાસ સુયોગ્ય માર્ગદર્શન સાથે કરવા જોઈએ. ઉપવાસમાં ભારે ભોજન પદાર્થો ખાતાં અટકવું, પાણી પીવાનું પ્રમાણ વધારવું અને હળવા ખોરાકથી ઉપવાસ છોડવો, વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

નિયમિત વ્યાયામ : તંદુરસ્ત અને આનંદમય જીવન માટે નિયમિત વ્યાયામ આવશ્યક છે. પણ એ બધું બાળકો પર છોડી દો તો કદાચ વ્યાયામની ખોટી પદ્ધતિ પકડી લેશે. એટલે જ તમારા બાળકની ઉંમરને યોગ્ય રહે તેવો વ્યાયામનો કાર્યક્રમ નક્કી કરવો અને એ માટે નિષ્ણાતોનું માર્ગદર્શન લેવું. દેહમન બંનેનો સુસંવાદી વિકાસ કરવા માટે વ્યાયામનું આદર્શરૂપ છે યોગાસન. સાથે ને સાથે તમારા બાળકને ઉઠતી વખતે તેમજ બેસતી વખતે કેવા અંગવિન્યાસ સાથે બેસવું તે પણ શીખવો. આને લીધે તંદુરસ્ત દેહની જાગૃતિ વિકસાવવામાં બાળકને સહાય મળે છે અને તેમાં તે પોતાના દેહની ભાષાને સમજી શકે છે.

ધ્યેય સુનિશ્ચિત કરો : જીવનમાં ચોક્કસ ધ્યેય હોવાથી હેતુ, પ્રેરણ અને દિશા મળી રહે છે. આવનારી પરીક્ષામાં વધુ સારા ગુણ મેળવીને સુધારો કરવાના કે રમતગમતની કોઈ પણ ટુકડીમાં સામેલ થવા માટે ગુણવત્તા કેળવવાની ચર્ચા તમે તમારા બાળક સાથે કરતા રહો. સાથે ને સાથે દૃઢ ચારિત્ર્યગઠન કરવું; તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા ધરાવવી અને તંદુરસ્ત દેહાકૃતિ જેવાં જીવનભરના હેતુઓ અને ધ્યેયની પણ ચર્ચા કરો. પોતાના સુનિશ્ચિત ધ્યેયની પ્રાપ્તિ માટે કઈ વસ્તુ કરવી આવશ્યક છે અને કેને છોડી દેવી જોઈએ તે નક્કી કરી લેવું. આવાં ધ્યેય બાળકનું મન કેન્દ્રિત કરે છે અને એને જવાબદારીની ભાવના પણ અર્પે છે.

આત્મનિરીક્ષણ : જીવન એટલે પૂર્ણતા પ્રત્યેની સતત પ્રગતિ. આપણી પૂર્ણતા પ્રત્યેની સતત પ્રગતિયાત્રાનું ગુરુચાવી જેવું પાસું એટલે અવિરત આત્મનિરીક્ષણ. આ આત્મનિરીક્ષણ વગર પ્રગતિનું સાચું માપન થતું નથી. દરરોજ સૂતા પહેલાં તમારા બાળકને ફક્ત પાંચ મિનિટ માટે જ પોતે શું વિચાર્યું, શું બોલ્યો અને આખા દિવસમાં શું કર્યું એને પુન: યાદ કરે એવું કરો અને બીજે દિવસે વધારે સારું કેમ કરવું એનો નિર્ણય એને કરવા દો.

સ્મૃતિ : કેટલીક વૈશ્વિક પ્રાર્થનાઓ, સુભાષિતો, સાહિત્યકૃતિના શ્રેષ્ઠ પરિચ્છેદો કે કાવ્યખંડો અને પ્રેરણાદાયી ઉદ્ધરણો તમારું બાળક યાદ કરતું રહે તેવો વિવેકપૂર્વક આગ્રહ રાખવો. આને લીધે બાળકની સ્મૃતિશક્તિમાં વધારો થશે અને તેના મનની એકાગ્રતા પણ વધશે. પછીથી પોતાની મોટી ઉંમરે તમારો પુત્ર કે પુત્રી આવા પ્રેરણાદાયી વિચારો ઉદ્ધૃત કરીને પોતાના જીવનને વધુ સમૃદ્ધ બનાવશે.

શિષ્ટાચારપૂર્વકની સામાજિક ઢબછબ : ખુશદાયી રીતભાત, પ્રભાવક અંગવિન્યાસ, સૌને ખુશ રાખતું સસ્મિતવદન, લાલિત્યપૂર્ણ હલનચલન, વગેરે આકર્ષક અને મૈત્રીપૂર્ણ વ્યક્તિત્વને વિકસાવવા તમારા બાળક માટે આવશ્યક છે. આ ઉપરાંત તમારા બાળકને બહુ મોટેથી ન બોલવા, અત્યંત મૃદુ અવાજે ન બોલવા, વાતચીતમાં પોતે જ અગ્રભાગ ભજવે એવું ન કરવા, બીજાઓ પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કરતા હોય ત્યારે શાંત રહીને સાંભળવા અને વિરોધી મતાભિપ્રાય રજૂ કરતી વખતે વિનમ્ર અને મૃદુ રહેવા જેવી વાતચીત કે પરિસંવાદની કળા શીખવજો.

સૌને સન્માન આપતાં શીખવો : વડિલોને ચરણસ્પર્શ કરીને પ્રણામ કરવા અને એમનું સન્માન જાળવવું એ આપણા સમાજની અદ્‌ભુત અને પ્રાચીન રીતિ છે. આ પ્રાચીન પ્રણાલીનું અનુસરણ કરવાથી તમારા બાળકમાં વિવેક અને વિનમ્રતાની ભાવના જાગશે અને તેને વડિલોના આશીર્વાદ પણ સાંપડશે.

શ્રમને સન્માન : શ્રમના ગૌરવને સમજવાથી બાળકો લોકશાહીની સમાનતાની ભાવનાને વિકસાવવા સક્ષમ બને છે. તમારા બાળકને એનો પોતાનો ઓરડો, સ્નાનઘર સાફ કરવા માટે પ્રેરતા રહો. તે કૂડોકચરો યોગ્ય સ્થળે નાખી આવે તેમજ પોતાના કપડાં પોતાની મેળે ધૂએ તે માટે પણ પ્રેરતા રહો. સાથે ને સાથે તમારું બાળક બધા સાથે માન-આદરનો ભાવ રાખે અને નોકર-ચાકર કે મજૂર સાથે પણ માયાળુ રહે તેવું શીખવજો.

સામાન્ય ચીજવસ્તુઓને પણ સારી રીતે રાખો : તમારું બાળક દરરોજે દરરોજ ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ જેવી કે સાવરણી, જોડાં, મોજાં, વગેરેને પણ સુચારુ રીતે રાખતાં શીખે એ જુઓ. આ બધી ચીજવસ્તુઓ હંમેશાં એનો ઉપયોગ કરી લીધા પછી એના યોગ્ય સ્થળે જ મૂકવી જોઈએ. આને લીધે તમારા બાળકમાં સામાન્ય વસ્તુઓ પ્રત્યે પણ સુચારુ રીત અને સ્વચ્છતા સુઘડતાની ભાવના જાગશે.

વિચાર-વિનિમયની કળા : બાળકો સ્વાભાવિક રીતે જ પોતાનાં અનુભવો, લાગણીઓ, વિચારોમાં કુટુંબીજનો અને મિત્રોને સહભાગી બનાવવા આતુર હોય છે. આ મહત્ત્વની પ્રક્રિયા એમની વિચાર-વિનિમયની કળામાં સુધારો લાવે છે. આ કળા વિકસાવવા તમારાં બાળકોને પ્રેરો અને કોઈ પણ એક વિચાર કે ઘટનાનું ચિંતનમનન કરવા, મિત્રો અને કુટુંબીજનોના વર્તુળ સામે એ વિશે બોલવા માર્ગદર્શન આપો. વિચાર-વિનિમયની આ કળા એમના વિચારવાણીની સ્પષ્ટતા વિકસાવશે, તેમનામાં આત્મશ્રદ્ધા ઊભી કરશે અને એને લીધે એને જાહેરમાં બોલવાના ભય અને શરમને દૂર કરવામાં સહાય મળશે.

રચનાત્મક ટેવો પાડો : બાળકની ઊછળતી શક્તિને બહાર લાવવા ઉમદા અને ઉપયોગી અભિવ્યક્તિની કળા શીખવો. જો આ ઊછળતી શક્તિને સુયોગ્ય માર્ગદર્શન આપવામાં ન આવે તો પોતાની જાતને ભાંડવો, હિંસા કે ગુન્હાખોરી જેવી માનવવિરોધી પ્રવૃત્તિઓ તરફ વાળશે. એટલે જ તમારું બાળક રમતગમત, સંગીત, ચિત્ર, રાંધણકળા, બગીચાની જાળવણી જેવી કેટલીક રચનાત્મક અને ભાવાત્મક સુટેવો વિકસાવે તે માટે પ્રેરતા રહો.

તમારા બાળકને મહાન પ્રતિભાઓ સમક્ષ મૂકો : જીવન જીવનને પ્રેરે છે. આત્મકથા, જીવનકથા, અમરચિત્ર કથા જેવી સાંસ્કારિક વાતો, વાર્તાકથન, પુરાણ અને રામાયણ મહાભારતનાં મહાન પાત્રો, ભારતીય સંતો, ઐતિહાસિક ચરિત્રો, સ્વાતંત્ર્યવીરો, સામાજિક કાર્યકરો, વૈજ્ઞાનિકો વગેરેની વાતો બાળકને પીરસતા રહો. આને લીધે બાળકમાં પોતિકાપણું જાગશે અને રાષ્ટ્ર અને સંસ્કૃતિ પ્રત્યેનો આપ્તભાવ જાગશે. જો આવો સંબંધભાવ બાળપણમાંથી જ રેડવામાં ન આવે તો તમારું બાળક પોતાના વિશેની સ્પષ્ટ ઓળખાણ વિનાનું બની રહેશે. સાથે ને સાથે મહાન રાષ્ટ્રનાયકોના વિશે વાંચવાથી કે શીખવાથી બાળકમાં એમના ઉમદા ગુણોને ઉતારવાથી પ્રેરણા પણ મળે છે.

(ક્રમશ:)

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.