વિશ્વના પ્રત્યેક મુખ્ય ધર્મોને પોતાનો કોઈ એક વિશિષ્ટ દૃષ્ટા કે પયગંબર જોવા મળે છે. દરેક ધર્મને પોતાનો એક ખાસ શાસ્ત્રગ્રંથ પણ જોવા મળે છે. તેમજ દરેકને પોતાનું એક વિશિષ્ટ ધાર્મિક સ્થાન – દેવળ, મસ્જિદ, વગેરે પણ જોવા મળે છે. પણ હિંદુધર્મ પોતાની એક નિરાળી ભાતથી આ બધાના અપવાદરૂપ રહેલો છે. એનો કોઈ એક જ માત્ર પયગંબરની, એનો કોઈ એક માત્ર ધર્મગ્રંથ નથી તેમજ એને પોતાનું ખાસ ભાતવાળું વિશિષ્ટ ધર્મસ્થાન-મંદિર પણ નથી. છતાંયે આ ધર્મમાં અસંખ્ય ધાર્મિક પયગંબરો – ઋષિઓ ઉત્પન્ન થયા છે, એમાં અસંખ્ય ઉત્તમ ધર્મગ્રંથો પણ સર્જાયા છે અને કેટલીય જાતની ભાતવાળાં મંદિરો એ ધરાવે છે, એનાં એવાં મંદિરો અને એ ધર્મને પુરસ્કારતી અનેક ભાતીગળ સંસ્થાઓ દેશવિદેશમાં પથરાયેલી નજરે પડે છે.

હિંદુધર્મના ઘણા સંપ્રદાયોએ વેદોને પાયાનું શાસ્ત્ર માન્યા છતાં હિંદુધર્મમાં હજારો વરસો પહેલાં એવી કેટલીક ધાર્મિક-તત્ત્વજ્ઞાનની કૃતિઓએ દેખા દીધી કે જેણે હિંદુધર્મના કેટલાક સંપ્રદાયોમાં અગત્યનું સ્થાન મળ્યું. આ સંપ્રદાયો એવી કૃતિઓને જ પ્રમાણગ્રંથ માનવા લાગ્યા અને વેદનું પ્રામાણ્ય એમને અસ્વીકૃત બન્યું. આ કૃતિઓ ‘આગમ’ કે ‘તંત્રો’ તરીકે ઓળખાઈ. આ રીતે હિંદુધર્મના વેદાનુસારી સંપ્રદાયોના સાહિત્ય ‘નિગમ’ તરીકે અને વેદપ્રામાણ્ય ન સ્વીકારનારા સંપ્રદાયોનાં શાસ્ત્રો ‘આગમ’ કે તંત્રો તરીકે પ્રસિદ્ધિ પામ્યાં.

આ ‘આગમો’ કે ‘તંત્રો’ શું છે? ‘તંત્ર’ શબ્દ તત્‌-ફેલાવવું, વિસ્તારવું – એ ધાતુ પરથી બન્યો છે. એનો અર્થ ‘ઐહિક અને પારમાર્થિક – બંને અર્થો જેનાથી વિસ્તારાય છે, તે તંત્ર’ – એવો કરાયો છે. અલબત્ત, કેટલાક ‘તંત્ર’નો અર્થ ‘આધાર’ એવો પણ કરે છે. અને એને સમાજના આધારરૂપ ગણાવે છે. ગમે તે હો, પણ તંત્રશાસ્ત્ર હિંદુધર્મમાં ઘણું લોકપ્રિય તો છે જ અને વિચારોની એક વ્યવસ્થિત પદ્ધતિ તરીકે એનો સ્વીકાર પણ થયો જ છે. આજના હિંદુસમાજમાં પુરાણો અને આગમો યા તંત્રોની સાધનાનો પ્રભાવ ઘણા વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ લેખમાં તંત્રસંબંધી આવશ્યક વાતોને સંક્ષેપમાં જ કહી દેવાનો એક પ્રયત્ન છે.

‘તંત્ર’ શબ્દનો ઉપરોક્ત વિશિષ્ટ, ‘આગમ’ કરતાં નોખો અર્થ તો પાછળથી થયો. પહેલાં તો એનો અર્થ ‘સામાન્ય શાસ્ત્ર’ એવો જ થતો, જેમાં ‘આગમો’ નો પણ સમાવેશ થતો. કુમારિલ ભટ્ટના ગ્રંથનું ‘તંત્રવાર્તિક’ જેવું નામ વગેરે એનાં પ્રમાણ છે. મૂળે ‘જ્ઞાનવિશેષ’નો અર્થ ધરાવતા આ શબ્દનો ‘અર્થસંકોચ’ થવાથી શરૂઆતમાં શાક્ત સંપ્રદાયના સાહિત્ય તરીકે એ રૂઢ થઈ ગયો. અને એમાં ધર્મનું સંયોજન, તત્ત્વજ્ઞાન, ગુપ્ત અને રહસ્યમય વિધિઓ, ખગોળવિદ્યા, જ્યોતિષશાસ્ત્ર, ઔષધવિજ્ઞાન અને ભાવિ બનાવોની આગાહી વગેરે ભળતાં ગયાં આ રીતે તંત્રોએ એક રીતે આપણા પુરાણ સાહિત્યનું રૂપ જ ધરી લીધું. આ રીતે ‘તત્‌-વિસ્તાર’ અને ‘ત્ર-રક્ષણ’ એવા અર્થથી આ તંત્રો એના અનુયાયીઓને રક્ષે છે. એમ કહેવાય.

આ તંત્રોએ વેદપ્રામાણ્ય સ્વીકાર્યું છે કે નહિ? અને એમણે વેદાધીનતા સ્વીકારી છે કે નહિ? પછી તેમણે પોતાનો સમાંતર સ્વતંત્ર ચીલો જ ચાલુ રાખ્યો છે? – આ પ્રશ્નો વિવાદાસ્પદ છે. જો તેઓ મોક્ષને જીવનધ્યેય ગણે અને વર્ણાશ્રમધર્મને સ્વીકારે તો ત્યાં સુધી તે વેદોનાં ઋણી લેખી શકાય. પણ પંચમકાર કે શબસાધના જેવી વિધિઓ (જેની આગળ સ્પષ્ટતા કરીશું) તો આ તંત્રોનો અવૈદિક અસંસ્કૃત સમાજ સાથેનો ગાઢ સંબંધ જ બતાવે છે. આપણે એમ માની શકીએ કે પહેલાં વેદપરંપરાની સમાંતર જ એક અવૈદિક પરંપરા શરૂ થઈ હશે અને પછીથી એ અવૈદિક પરંપરાના આચાર્યોએ વૈદિક પરંપરાની નજીકમાં આવવાનો પ્રયત્ન કર્યો હશે કે જેથી ભલે એની સાથે એકરૂપ ન થવાય, પણ મહત્ત્વ તો મળી જ શકે.

તંત્રો તો અસંખ્ય છે, છતાં એની સંખ્યા ૬૪ની ગણાવાય છે. એનું વર્ગીકરણ ઘણા પ્રકારે થયું છે. એક પ્રકારે સદા શિવે પાર્વતીને સંભળાવેલાં તંત્રો ‘આગમ’ કહેવાયાં અને પાર્વતીએ સદાશિવને સંભળાવેલાં તંત્રો ‘નિગમ’ કહેવાયાં. તે બીજે પ્રકારે તે દક્ષિણ, વામ અને મધ્યમના ત્રણ ભાગે વહેંચાયાં તો વળી ત્રીજા પ્રકારે એને દિવ્ય, કૌલ અને વામના ત્રણ વિભાગો મળ્યા.

આ તંત્રસાહિત્ય એટલું બધું વિશાળ છે કે એનો છપાયા વગરનો વિશાળ ખજાનો હસ્તલિખિત પ્રતો રૂપે પ્રાચીન પુસ્તકસંગ્રહાલયોમાં સુરક્ષિત રખાયો છે. કેટલીક વાર તંત્રોના યમલ અને ડામર એવા બે પ્રકારો પણ નિર્દેશાયા છે.

તંત્રોના વિષયો પુરાણવિષયો જેવા જ છે. તંત્રો, શૈવ, શાક્ત અને વૈષ્ણવ – એમ ત્રણ સંપ્રદાયોમાં પથરાયેલાં છે. તદુપરાંત જૈનતંત્રો – આગમો અને બૌદ્ધતંત્રો પણ છે. તંત્રસાહિત્ય તો સાગર સમું વિશાળ છે. આપણે આ નાનકડા લેખમાં છાપેલાં ઉપલભ્ય દેવીતંત્ર-શાક્તતંત્ર વિશે જ થોડી વાતો કરી શકીશું.

‘યમલ’ તંત્રપ્રકારમાં દેવી અને તેના સ્વામી (યુગલ-યમલ)ના સંવાદરૂપે તત્ત્વજ્ઞાન કહેવાયું છે અને ડામર એટલે ગણ. શિવજીએ પોતાના ગણને જે તત્ત્વજ્ઞાનનો મર્મ સમજાવ્યો, તેને કહેતું તંત્ર, ‘ડામરતંત્ર’ કહેવાયું. ‘ડામર’નો અર્થ ‘આશ્ચર્ય’ પણ થાય છે એટલે શિવજીએ જે આશ્ચર્યજનક તત્ત્વજ્ઞાન કહ્યું તે ‘ડામરતંત્ર’ કહેવાયું, એમ પણ કેટલાક કહે છે. આવાં આઠ યમલતંત્રો અને છ ડામરતંત્રો સુવિખ્યાત છે. બૌદ્ધપરંપરાનાં અને જૈન પરંપરાનાં બીજાં કેટલાંય તંત્રો પ્રસિદ્ધિમાં છે.

આ વૈવિધ્યસભર તંત્રસાહિત્યમાં કેટલાક વિષયો તો સર્વસામાન્ય છે કે જે તંત્રોનો વેદો સાથેનો સંબંધ બતાવે છે. એ તંત્ર વિષયો પ્રવર્તમાન યુગને અનુકૂળ પોતાની સમજૂતી કરે પણ કરે છે ગમે તેમ પણ એટલું તો ચોક્કસ છે કે એ વિષયોમાં જાતિપાંતિના કોઈપણ ભેદભાવ વગરનો સર્વ માટેનો પ્રવેશ આપવામાં આવેલ છે. જ્ઞાનપદ, યોગપદ, ક્રિયાપદ અને ચર્ચાપદ એ વિષયો છે.

‘જ્ઞાનપદ’માં તંત્રનું પાયાનું તત્ત્વજ્ઞાન છે, જેમાં સાંખ્ય અને વેદાંતનું મિશ્રણ જોવા મળે છે, તો ‘યોગપાદ’માં સાધના પ્રકૃતિ અપાઈ છે, કે જે વ્યક્તિને પરમતત્ત્વ સાથે જોડી આપે છે – એ જીવનનું પરમધ્યેય મનાયું છે. ‘ક્રિયાપદ’માં કર્મ મંદિર, કોઈ યજ્ઞ કે કાંઈ યાત્રાસ્થળે સામૂહિક પ્રાર્થનાઓની સંસ્થાઓ સ્થાપવામાં અવે છે કારણ કે તંત્રાનુસાર, વ્યક્તિની આધ્યાત્મિક પ્રગતિ પણ એ રીતે સમાજ સાથે જડાયેલી જ છે. એટલે તંત્રો આ રીતે સમાજને પણ જીવન અને ધર્મ બક્ષે છે. આમ આ ‘ક્રિયાપદ’થી વ્યક્તિ અને સમાજની સંવાદિતા સધાય છે. છેલ્લા ‘ચર્ચાપદ’માં વ્યક્તિ માટે સાધનાવિધિનો વિસ્તાર છે. એમાં નિયમો, અધિકાર તારતમ્ય વગેરે છે. આગમ પ્રામાણ્ય, આગમોની વેદપરકતા, સૃષ્ટિની ઉત્પત્તિ, વૈખરી વાણીનો આવિર્ભાવ, વર્ણમાલાનો જન્મ, દીક્ષાવિધિ, હોમવિધિ, વાસ્તુયાગ, દીક્ષાપ્રકાર, વિવિધ દેવોના સ્તુતિમંત્રો, યજ્ઞરચનાની પદ્ધતિ, કુંડલિ શક્તિ, આઠ ચક્રો – વગેરે વિષયો સમાવાયા છે.

તંત્રોના તત્ત્વજ્ઞાનમાં પણ સાંખ્યો અને વેદાંતીઓએ દર્શાવેલા સિદ્ધાંતોનું મિશ્રણ અને એનું પરિષ્કરણ જોવા મળે છે. સાંખ્યની પ્રકૃતિ જડ અને ભૌતિક છે, અદ્વૈત વેદાંતની માયા અનિર્વચનીય અને ભાવરૂપ છે. પણ તાંત્રિકોની શક્તિ તો શિવની વાસ્તવિક શક્તિ છે. અર્થાત્‌ ગતિ સ્વરૂપે શિવ પોતે જ છે. પ્રકૃતિ કે માયાને ‘ત્રિગુણાત્મિકા’ અને ‘જગદ્‌બીજરૂપા’નાં જે વિશેષણો અપાય છે, તે તાંત્રિકોની ‘શક્તિ’ને પણ લાગુ પડે છે.

પારમાર્થિક તત્ત્વ તો એક માત્ર શિવ કે શક્તિ (શિવશક્તિ) જ છે. એ ‘સંવિત્‌’ છે. વિશુદ્ધ ચૈતન્ય છે, અગ્નિ અને એની દાહશક્તિ જેવો આ શિવશક્તિનો સંબંધ છે, અથવા શબ્દ અને અર્થ જેવો છે; બે એકમાં છે અથવા એક બેમાં છે આ સંબંધ અવિભાજ્ય છે. ગતિહીનરૂપે એ શિવ છે અને ગતિશીલરૂપે એ શક્તિ છે શિવ શક્તિબીજથી યુક્ત નિર્ગુણ બ્રહ્મ છે, જ્યારે એની શક્તિ જાગે છે, ત્યારે એ સગુણબ્રહ્મ બને છે. સર્જન પ્રક્રિયાની પ્રથમ નીપજ શક્તિ છે. એ બીજભૂત શક્તિમાંથી એક અનાહત નાદ ઊઠે છે અને એ નાદપરબિંદુને જગાડે છે, એ પરબિંદુમાંથી સૌ પ્રથમ અપરબિંદુ આગળ થાય છે. એ આગળ આવેલ અપરબિંદુને શિવતત્ત્વ કહે છે. જ્યારે બીજને ‘શક્તિતત્ત્વ’ કહે છે અને અમરબિંદુએ શિવશક્તિનું મિલન થાય છે એમ લેખવામાં આવે છે.

આ બીજભૂત શક્તિ, ‘શબ્દબ્રહ્મ’, ‘પરાશક્તિ’, કે ‘પરાદેવતા’ના નામે પણ ઓળખાય છે. આ શક્તિમાંથી ૨૩ વૈશ્વિક સૂક્ષ્મ તત્ત્વો જન્મે છે; મહત્તત્ત્વ, અહંકાર, દશ ઈંદ્રિયો અને મન, પાંચ તન્માત્રાઓ, અને સ્થૂળ પાંચ મહાભૂતો આમ ૨૩ તત્ત્વો જન્મે છે અને એની સાથે શક્તિને ઉમેરીને કુલ ૨૪ તત્ત્વો થાય છે.

શિવતત્ત્વ તરીકે ગણાયેલા અપરબિંદુમાંથી પાંચ દેવો જન્મે છે : (૧) સદાશિવ, (૨) ઈશાન, (૩) રુદ્ર, (૪) વિષ્ણુ અને (૫) બ્રહ્મા. એમાં પુરુષ અને કાળ જેવાં બીજાં સાત તત્ત્વો ઉમેરીને કુલ સંખ્યા ૩૯ની કરાઈ છે.

માનવદેહમાં કરોડરજ્જુને છેડે મૂલાધારચક્રમાં, ગુંચળું વળેલા સર્પના જેવી કુંડલિનીરૂપે આ શક્તિ રહેલી છે. યોગ્ય સાધના કે આધ્યાત્મિક તાલીમથી એ જાગે છે, ત્યારે પૂર્વ પૂર્વનાં સ્વાધિષ્ઠાન જેવાં પાંચ ચક્રો પસાર કરતી, છેવટે મસ્તક પર રહેલા સહસ્રારચક્ર સુધી પહોંચી જાય છે. સહસ્રદલ ઉમલ જેવા આ ચક્રમાં તે શિવ સાથે એકાકાર થઈ જાય છે અને પરિણામે વ્યક્તિને મોક્ષ લાભ થાય છે.

શિવથી જીવ જુદો નથી એ તો પોતાની ઇચ્છાથી જ અવિદ્યાથી ઢંકાઈને સીમિત બન્યો છે. આ આવરણે જ એને નાનો બનાવી દીધો છે – આધ્યાત્મિક સાધનાથી, ઉપાસના ધ્યાન અને પ્રાર્થનાથી એ દિવ્ય જગદમ્બાની આરાધના કરવાથી એના અનુગ્રહથી તે દેવી સાથે ઐક્ય સાધીને મોક્ષ મેળવે છે.

ભારતીય ષડ્‌દર્શનોથી પેઠે તંત્રોએ પણ મોક્ષને જીવનના પરમલક્ષ્યરૂપે ગણ્યો છે એ માટે તંત્રોએ સાધના ઘણા ઘણા પ્રકારો બતાવ્યા છે. માનવ વ્યક્તિત્વની સમગ્રતાને આંબતા આ સાધના પ્રકારો તો અસંખ્ય છે. પણ આપણે એમાંના મુખ્ય સાધના પ્રકારો વિશે થોડી વાતો કરીશું.

સાધના પૂર્વે અધિકારી ગુરુ પાસે દીક્ષા લેવી એ તંત્રોમાં અનિવાર્ય છે. આ અધિકારી ગુરુ કુલીન અને સંયમી હોવા જોઈએ, એ વેદો આગમો અને તત્સંબંધી શાસ્ત્રોનો મર્મજ્ઞ હોવા જોઈએ; પૂજા, હોમહવન, ધ્યાન અને જપ આચરનારા હોવા જોઈએ, વિધિવિધાનમાં પ્રવીણ હોવા જોઈએ; એ શાન્ત, સૌમ્ય, શાલીન અને યોગજ્ઞ હોય એ પણ જરૂરી છે.

લેભાગુ ગુરુઓ સામે તંત્રો ચેતવણી પણ આપે છે અને વાસનાપુર્ણ, હીન અને અપવિત્ર ગુરુઓને ધિક્કારે પણ છે.

સાથોસાથ શિષ્યના આધ્યાત્મિક જીવનને ખ્યાલમાં રાખીને શિષ્યમાં ઓછામાં ઓછા કેટલા ગુણો આવશ્યક છે, તે પણ તંત્રો બતાવે છે. શિષ્ય નિષ્કપટ, જિજ્ઞાસુ, પુરુષાર્થ, વેદજ્ઞ, સંયમી, ગુરુ અને શાસ્ત્રોના ઉપદેશનો મર્મ પકડી શકનાર, માતાપિતાનો આજ્ઞાકારી, કર્તવ્યપરાયણ, નિરાભિમાની, ગુરુસેવી અને કોઈપણ વસ્તુના ત્યાગ માટે સજ્જ હોવો જોઈએ. ગુરુએ બરાબર કસોટી કરીને જ શિષ્યને સ્વીકારવો જોઈએ અને શિષ્યે પણ ગુરુની પસંદગી પરીક્ષણ કરીને કરવી જોઈએ, એમ તંત્રો પોકારીને કહે છે.

પરમતત્ત્વ એકમાત્ર જ હોવા છતાં તે પોતાને અનેકરૂપે પ્રકટાવી શકે છે સાધક એમાંના જે રૂપને ધ્યાન માટે પસંદ કરે, તે તેનો ઈષ્ટદેવ છે. આ ધ્યાનપૂજાદિ પ્રમાણમાં સરળ સાધના હોવાથી સામાન્ય લોકો માટે તંત્રો એને પુરસ્કારે છે. નિર્ગુણ સાધના કઠિન છે દરેક દેવતાને પોતાના મંત્ર કે મંત્રો હોય છે. તે દીક્ષા સમયે ગુરુ શિષ્યને આપે છે.

દીક્ષાનો વ્યુત્પત્તિલભ્ય અર્થ ‘ગુરુ દ્વારા અપાતી પાપનો ક્ષય કરનાર વિધિ’ એવો થાય છે. પવિત્ર દિવસે અને શુભ મુહૂર્તે એ અપાય છે. દીક્ષા આધ્યાત્મજીવનનો પ્રવેશવિધિ છે. સૂર્ય-ચંદ્રગ્રહણના દિવસો તંત્રોમાં ખૂબ પવિત્ર મનાયા છે. તંત્રોમાં દીક્ષાની અનેકાનેક વિધિઓ છે. ક્રિયાવતી, વર્ણમયી, કલાવતી અને વેધામયી એમાં મુખ્ય છે. એમાં ક્રિયાવતીમાં ગુરુએ ઘણી વિધિઓ કરવી પડે છે. વર્ણમયીમાં ગુરુ શિષ્યનાં વિવિધ અંગોમાં વર્ણસ્થ શક્તિને શિષ્યમાં સંક્રાંત કરે છે. કલાવતીમાં ગુરુ શિષ્યના વિશિષ્ટ અંગમાં શક્તિને શોધી કાઢે છે અને વેધામયીમાં ગુરુ વિચારશક્તિથી જ શિષ્યને દીક્ષા આપે છે. આ તો ખાલી એક ઉપછલ્લો નહિવત્‌ ઉલ્લેખ છે એની ઝીણવટની અહીં જરૂર જણાતી નથી. તંત્રોમાં એનાં વિધિવિધાન અને સમજણ બહુ સંકુલ અને અટપટાં છે.

દીક્ષાનું મહત્ત્વનું અંગ મંત્ર છે. મંત્રનો અર્થ, ‘મનન કરનારનું રક્ષણ કરનાર’ – એવો થાય છે. આ રક્ષણ સાંસારિકતાથી રક્ષણ છે. (અર્થાત્‌ મોક્ષદાયક છે) આ મંત્ર વેદ-પુરાણ કે તંત્રોમાંથી હોય છે. તંત્રોને મતે મંત્ર કેવળ અક્ષર કે અક્ષરસમૂહરૂપ જ નથી. પરંતુ પરબ્રહ્મની ચેતનાશક્તિના સ્વરૂપનું નાદ પ્રતીક છે. સૃષ્ટિ પૂર્વે બ્રહ્મ (શિવ) એમના નિજી જ્યોતિસ્વરૂપે સ્થિત હતા – પ્રકાશસ્થાણુરૂપ હતા. જ્યારે એમણે સૃષ્ટિસર્જનનો સંકલ્પ (વિમર્શ) કર્યો, ત્યારે એક ધબકારો થયો, એમાંથી નાદ જન્મ્યો. આ નાદમાં ધીરે ધીરે શક્તિ આવવા લાગી અને પછી એ બિન્દુસ્વરૂપે ઘન થઈ ગયો અને પછી જેમ બીજમાંથી ફણગો ફૂટે તેમ તેમાંથી શિવતત્ત્વ અને પાર્વતીતત્ત્વો ઉદ્‌ભવ્યાં, અને એમાંથી આ આખું જગત જન્મ્યું. આ રીતનું સૃષ્ટિવર્ણન કેટલાંક તંત્રોમાં અપાયેલું છે. એમ આ નામરૂપાત્મક સૃષ્ટિ મૂલત: નાદમાંથી જન્મી છે. એ જ શબ્દબ્રહ્મ કહેવાય છે. એટલે દરેક મંત્ર શબ્દબ્રહ્મનું અર્થરૂપે પ્રતિનિધિત્વ કરે છે, એમ સરળતાથી માની શકાય. અર્થરૂપ એટલે દેવ કે દેવી – ગમે તે પણ એ બ્રહ્મના જ અવતારો છે. મંત્ર, દેવતાનાં રૂપ અને શક્તિને ધારણ કરે છે. એ મંત્રજાપથી સમય જતાં એ દેવી દેવતા હાજરાહજૂર થાય છે.

તંત્રોએ મંત્રોના સૌર (સૂર્યના) અને સૌમ્ય (સોમના) – એમ બે ભાગ પાડયા છે. આ મંત્રો સ્ત્રીવાચક, પુરુષવાચક અને નાન્યતરવાચક હોય છે. એમાં પુરુષવાચક અને નાન્યતરવાચકને ‘મંત્ર’ કહેવાય અને સ્ત્રીવાચકને ‘વિદ્યા’ કહેવાય છે. ‘હમ્‌’, ‘વષટ્‌’ અને ‘કૂટ્‌’ અંતવાળા મંત્રો પુરુષવાચક છે, અને ‘સ્વાહા’ તેમજ ‘વૌષટ્‌’ અંતવાળા સ્ત્રીવાચક છે, અને ‘નમ:’ અંતવાળા નાન્યતરવાચક છે.

તંત્રોમાં કેટલાક ‘હ્રીં’, ‘ક્‌લીં’ જેવા એકાક્ષરી મંત્રો કે બીજાક્ષરો (બીજમંત્રો) સંસ્કારમંત્રો રૂપે છે જેમ એક નાનકડા છોડમાંથી ફૂલ્યુંફાલ્યું વૃક્ષ ઊભું થાય છે, તેમ સમય જતાં જરૂર પ્રમાણે આ એકાક્ષરી મંત્રમાંથી પણ જપ કરવાથી સિદ્ધિ સાંપડે છે – મંત્રદેવતા પ્રગટ થાય છે.

સુયોગ્ય ગુરુ પાસેથી યોગ્ય વિધિપૂર્વક મેળવેલો મંત્ર ફલદાયી હોય છે. એ ફળ માટે તંત્રો અનેક વિધિઓ વર્ણવે છે : એમાં મુખશોધન, જિહ્‌વાશોધન, અશૌચભંગ, નિદ્રાભંગ વગેરે મુખ્ય છે.

તંત્રો દશ સંસ્કારો પણ નિરૂપે છે. પ્રણવને ઉચ્ચારીને બીજમંત્રનું સાતવાર ઉચ્ચારણ કરવાના ‘દીપમ્‌’ નામનો સંસ્કાર એમાં સમાવિષ્ટ છે. આ બધાનું સુયોગ્ય ગુરુ પાસે શ્રવણ કરીને જ પામવું જોઈએ. પુસ્તકમાંથી વાંચીને એનો પ્રયોગ હિતાવહ નથી.

નાદવિકાસનો તંત્રનિરૂપિત અને નાદમાં અવ્યક્તરૂપે કહેલી વાક્‌નું સંપૂર્ણ રીતે અભિવ્યક્ત થયેલું રૂપ અહીં જાણવા જેવું છે. જ્યારે માણસ બોલે છે, ત્યારે એમાં વાણીનાં ચાર પગથિયાં સમાયેલાં હોય છે. પહેલાં તો વાણી મૂલાધારચક્રમાં અવ્યક્ત રૂપે જડાયેલી હોય છે એવી વાણી ‘પરાવાક્‌’ કહેવાય છે. પછી તે જાગીને નાભિ પાસે રહેલા મણિપુર ચક્રમાં પહોંચે છે ત્યાં એ સૂક્ષ્મ તરંગો દર્શાવે છે, એને ‘પશ્યન્તી વાક્‌’ કહે છે. વળી પાછી જાગીને અનાહતચક્રમાં હૃદયસ્થાને પહોંચે છે પેલા તરંગો ત્યાં નક્કર વિચારરૂપ પકડે છે; ત્યાં એ ‘મધ્યમા વાક્‌’ કહેવાય છે ત્યાર પછી એ પૂર્ણ અભિવ્યક્ત રૂપે બહાર નીકળે છે. અને એ ‘વૈખરી વાક્‌’ કહેવાય છે.

જપ કરવાથી જ મંત્ર પ્રભાવક બને છે. એનો ગુરુ નિર્દિષ્ટ કે શાસ્ત્રનિર્દિષ્ટ સંખ્યામાં જપ કરવો જોઈએ; જપ ત્રણ પ્રકારનો છે : (૧) ‘વાચિક’ જપ મોટેથી ઉચ્ચારણ કરીને થાય છે. (૨) ‘ઉપાંશુ’ જપ હોઠ ફફડાવીને જ કરાય છે, જ્યારે (૩) કેવળ મનથી જ કરાતો જપ ‘માનસિક’ છે. આ જપ સૌથી અસરકારક છે આ જપ કરમાલા કે જપમાલાથી થાય છે. મંત્રની જપસંખ્યા જુદી જુદી હોય છે. ૧૦, ૧૨, ૨૮, ૩૨ કે ૧૦૮ હોય છે. છેલ્લી સંખ્યા વધુ પ્રચલિત છે.

માણસ ૨૪ કલાકમાં ૨૧૬૦૦ શ્વાસ લે છે એમાંથી અડધા ઊંઘના અને શારીરિક જરૂરિયાતો વગેરેના કાઢી નાખીએ, તો ૧૦૮૦૦ રહે છે. એ સંખ્યાનું પ્રતિનિધિત્વ ૧૦૮ની સંખ્યા કરે છે તેમ એ આદર્શને યાદ રાખવા માટે સાધક ૧૦૮ની જપમાળાની સંખ્યા રાખે છે.

જપની સાથે સંકળાયેલો બીજો શબ્દ પુરશ્ચરણ છે. ‘પુર:’ એટલે પહેલાં અને ‘ચરણ’ એટલે આચરણ. કર્તવ્ય કર્મમાં અપેક્ષિત જપ સંખ્યાનું પહેલેથી જ આચરણ કરી લેવું એને પુરશ્ચરણ કહે છે. કેટલાક એનો એવો અર્થ કરે છે કે પુરશ્ચરણનો વિધિ કરવાથી ઈષ્ટદેવ ‘પુર:’ એટલે સાધક આગળ અને ‘ચરણ’ એટલે પ્રગટ થઈ જાય છે.

આ પુરશ્ચરણવિધિનાં ઘણાં ઘટકો છે; ધ્યાન, પૂજા, જપ, હોમ, તર્પણ, બ્રાહ્મણભોજન – જેવું ઘણું ઘણું કરવાનું હોય છે આમાંથી કોઈ ઘટક ન આચરાય, તો એને બદલે તંત્રોમાં વિહિત્ત સંખ્યાના જપ કરવાના હોય છે.

પુરશ્ચરણનો બીજો વિધિ એ છે કે કોઈ એક મંગળવારથી રોજના હજાર લેખે મંત્રજાપ એના પછીના મંગળવાર સુધી કરવા જોઈએ. તો કેટલાક વળી એવો પુરશ્ચરણવિધિ બતાવે છે કે વિધિપૂર્વક પૂજેલા અગ્નિમાં પાયસ કે ભાતની ૨૪ હજાર આહુતિઓ આપ્યા પછી ૨૪ લાખની સંખ્યામાં મંત્રજાપ કરવા જોઈએ. આ જાતના પુરશ્ચરણથી મંત્ર સિદ્ધ બને છે અને સાધકને ઇચ્છિત ફળ આપે છે. સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણના દિવસે  કેડ સમાણા પાણીમાં ઊભીને કરાતું મંત્રપુરશ્ચરણ અત્યંત ફલદાયક ગણવામાં આવ્યું છે. નદી તીરે, યાત્રાધામે, ગિરિ-શિખરે, ગુફામાં, સાગરકાંઠે, મંદિરના પ્રાંગણમાં પુરશ્ચરણ-વિધિ કરવાનું કહેવાયું છે.

બધા તાંત્રિક ગ્રંથો ભારપૂર્વક કહે છે કે સુયોગ્ય ગુરુ પાસેથી દીક્ષામંત્ર લીધા વિના અને એની પાસેથી સાધનાનું માર્ગદર્શન મેળવ્યા વિના કરવામાં આવતા પુરશ્ચરણ કે જપનો પણ કોઈ જ અર્થ નથી.

તંત્રોમાં દેવની પૂજાવિધિનું પણ ઘણું મહત્ત્વ છે. આ પૂજાવિધિ પુરશ્ચરણ તેમજ સાધનાનું ખાસ અંગ છે. કોઈપણ પૂજાવિધિના પ્રારંભે સંકલ્પ થાય છે. પછી બધી જ પૂજાસામગ્રીનું આસનાદિનું પવિત્રીકરણ થાય છે. પછી ભૂતાપસારણ આવે છે, પછી પ્રાણાયામ, પછી ભૂતશુદ્ધિ, અને પછી ન્યાસ, – આટલું તો અનિવાર્યરૂપે આવે જ છે. પૂજાવિધિનો મુખ્ય ભાવ તો ‘ઉપચાર’ છે. પૂજાવિધિના નાનકડા રૂપમાં ઉપચાર પાંચ હોય છે : ગંધ-પુષ્પ-ધૂપ-દીપ-નૈવેદ્ય. પૂજાવિધિનું વિસ્તૃત રૂપ દશ કે સોળ ઉપચારવાળું હોય છે. અઢાર ઉપચારો પણ હોય છે. એમાં આવાહન, પાદ્ય, અઘ્ર્ય, સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવીત, નમસ્કાર, વિસર્જન વગેરેનો સમાવેશ થાય છે.

પૂજા વિધિ અથવા પુરશ્ચરણના ભાગરૂપે કે પછી સ્વતંત્ર પણ હોમ કરવાનો વિધિ હોય છે. સામાન્ય રીતે વેદી પર ઈષ્ટદેવનું પ્રતિનિધિરૂપ કોઈક યંત્ર દોરાય છે અને તેના ઉપર યજ્ઞનાં સમિધ ગોઠવાય છે. અને અગ્નિ પેટાવાય છે. પવિત્રીકરણના કેટલાક પ્રાથમિક ઉપચારો પછી જે દેવને પ્રસન્ન કરવા માટેનો હોમ હોય એનું આવાહન થાય છે. અને એની ષોડશોપચાર પૂજા થાય છે. અને સંકલ્પ પછી મંત્રો સાથે હોમ શરૂ થાય છે અને સંકલ્પમાં દર્શાવેલી સંખ્યામાં આહુતિઓ અપાય છે. ઘી, જવ, ભાત, ફૂલ, બિલ્વ અને કેટલીક બીજી સામગ્રીઓ આહુતિઓમાં હોય છે.

આગળ જે યંત્રની વાત કરી તે ઈષ્ટસિદ્ધિનું સાધન છે એ તંત્રનિર્દિષ્ટ આકૃતિ છે અને તંત્રે બતાવેલી રીતે ધાતુ, પથ્થર, પાદડાં કે કાગળ ઉપર ચીતરવા કે કોતરવામાં આવે છે. એ સાધકની તૃષ્ણા અને ક્રોધને કાબૂમાં રાખે છે અને મનને કેન્દ્રિત કરવામાં મદદગાર બને છે. ‘મંડળ’ની ભૌમિતિક વિવિધાંગી આકૃતિ તો ગમે તે દેવની પૂજાવિધિમાં ઉપયોગી હોય છે પણ ‘ચક્ર’ કહેવાતું યંત્ર તો ખાસ દેવ માટે જ હોય છે. હિંદુઓના દરેક દેવને પોતાનું આગવું યંત્ર હોય છે. દેવ આત્મા છે, તો યંત્ર એનું શરીર છે.

ભૌમિતિક આકૃતિ હોવા ઉપરાંત યંત્ર એના દેવને બંધબેસતું હોય છે. યંત્રમાં ખાસ જગ્યાએ મંત્ર પણ લખેલો હોય છે. યંત્રમાં દેવનું આવાહન કરાય છે. મૂર્તિમાં કરાતા દેવના આવાહન જેવી જ આ આવાહનવિધિ સરળ છે. યંત્રમાં જાગ્રત થયેલા દેવ પાસે મનોવાંછિત માગી શકાય છે એ મનોવાંછિત તંત્રકથિત હોવું જોઈએ.

‘વિચારોનું રૂપાંતરણ એ વ્યક્તિના સમગ્ર અસ્તિત્વનું જ રૂપાંતરણ છે.’

જો સાધકદેહના વિવિધભાગોને સમુચિત મંત્રો સાથે એની આંગળીઓ અને હથેળીથી સ્પર્શ કરાય, તો એમાં દેવ હાજર થાય અને એથી એનું રૂપાંતરણ થઈને વિધિ માટે કે ખાસ સાધના માટે એ અધિકારી બને. ન્યાસ અને મુદ્રા પાછળ આ સામાન્ય સિદ્ધાંત છે.

ન્યાસ એટલે મૂકવું. સામાન્ય રીતે જમણા હાથની આંગળીનાં ટેરવાં અને હથેળીથી સાધક દેહનાં વિવિધ અંગોનો સ્પર્શ કરે છે. અને સાથે મંત્ર ઉચ્ચારતો રહે છે. આવા ઘણા ન્યાસો છે. એમાંના કેટલાક આ છે : (૧) જીવન્યાસ – હૃદય પર મંત્ર સાથે આંગળીનો સ્પર્શ કરી ઈષ્ટને હૃદયમાં સ્થાપવામાં આવે છે. (૨) વ્યાપકન્યાસ – નખશિખ શરીર પર હાથ ફેરવીને (મંત્ર સાથે) શરીરવ્યાપી ઈષ્ટદેવની ભાવના કરાય છે. (૩) માતૃકાન્યાસ – વર્ણમાલાના વિવિધ વર્ણોના ઉચ્ચાર કરતાં કરતાં માનસિક રીતે ભીતરનાં ષટ્‌ ચક્રો અને અન્ય બાહ્ય શરીરાવયવોનો સ્પર્શ કરીને કરાય છે એને અનુક્રમે અંતર્માતૃકાન્યાસ અને બહિર્માતૃકાન્યાસ કહેવાય છે. એમાં શબ્દબ્રહ્મને જાણવાની પોતાની ક્ષમતાની ભાવના રખાય છે. (૪) પીઠન્યાસ – એમાં દેવને માટે પોતાના હૃદયનું આસન તૈયાર કરવાની ભાવના રખાય છે. કેટલાકને મતે કામરૂપા (આસામ) કે જલંધર (હરિયાણા) જેવી શક્તિપીઠની સ્થાપનાની ભાવના અભિપ્રેત છે (૫) ઋષ્યાદિન્યાસ – એમાં દેવ, એના ઋષિ અને વૈદિક છન્દનું ઉચ્ચારણ થાય છે અને અંજલિ અપાય છે. (૬) કરન્યાસ – એમાં બન્ને હાથની આંગળીઓથી શરીરનાં વિવિધ અંગોને અડીને એને પૂજા અને ધ્યાન માટે સજ્જ કરવાની ભાવના કરાય છે એને અંગન્યાસ પણ કહે છે.

તંત્રવિધિઓમાં ન્યાસની પેઠે મુદ્રાઓનું મહત્ત્વ છે. મુદ્રાનો અર્થ, ‘દેવોને ખુશ કરીને સાધક પર દ્રવિત થઈ ઇચ્છિત વરદાન આપવા માટે કરવામાં આવતી હાથની વિવિધ આકૃતિઓ’ – એવો કરાય છે. પણ પારિભાષિક રીતે તો મુદ્રાના અનેક અર્થો થાય છે. જેમકે – (૧) નૃત્ય કે પૂજા વખતે કરાતી હાથની વિશિષ્ટ સ્થિતિ, (૨) હઠયોગ નિર્દિષ્ટ અંગવિન્યાસ, (૩) પાંચ ‘મકાર’ પૈકીનો એક, જેમાં વિવિધ અનાજમાં ઘી ભેળવાય છે. (૪) તાંત્રિક સાધનામાં આવશ્યક નારી સહચરી.

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.