વિચારોની અદ્‌ભુત શક્તિને ઘણા થોડા લોકો સમજે છે. જો કોઈ મનુષ્ય કોઈ ગુફામાં પેસીને પોતાની જાતને પૂરી દઈને એકાંતમાં નિરંતર એકાગ્ર ચિત્તે કોઈ ગહન તથા ઉદાત્ત વિષય પર મનન કરતો રહે, અને એ જ દશામાં પોતાના પ્રાણ તજી દે, તો તેના એ વિચારોના તરંગો ગુફાની દીવાલોને ભેદીને ચારે તરફ વાતાવરણમાં ફેલાઈ જાય છે, અને છેવટે આખીયે મનુષ્યજાતિમાં તે પ્રવેશે છે. વિચારોની આવી અદ્‌ભુત શક્તિ છે. માટે પોતાના વિચારોનો બીજાઓમાં પ્રચાર કરવા માટે ઉતાવળ કરવાની જરૂર નથી. પહેલાં આપણે બીજાને કંઈ આપી શકીએ એવી યોગ્યતા મેળવવી જોઈએ. જેની પાસે આપવાનું કંઈક પણ છે, તે જ જ્ઞાનનો પ્રચાર કરી શકે, કારણ કે ઉપદેશ આપવો એ કેવળ શાબ્દિક વ્યવહાર નથી, તેમ જ બીજાની સમક્ષ પોતાના મત રજૂ કરવા એ પણ નથી. એનો અર્થ છે ભાવસંચાર. જેમ હું તમને એક ફૂલ આપી શકું છું એ જ રીતે, તેનાથી પણ વધારે પ્રત્યક્ષ રૂપમાં, ધર્મ પણ આપીે શકાય છે. અને આ વાત અક્ષરશ: સત્ય છે. આ ભાવના ભારતવર્ષમાં તો અતિપ્રાચીન કાળથી જ વિદ્યમાન છે અને પાશ્ચાત્ય દેશોમાં જે ‘ઈશ્વર દૂતોની ગુરુશિષ્ય પરંપરા (એપોસ્ટોલિક સક્સેશન) નો મત પ્રચલિત છે, તેમાં પણ આ ભાવનાનું દૃષ્ટાંત મળી આવે છે. એટલા માટે પ્રથમ આપણે ચારિત્ર્યવાન થવું જોઈએ; સૌની સમક્ષ સૌથી મોટું કર્તવ્ય એ જ છે. સત્યનું જ્ઞાન પહેલાં તમને પોતાને હોવું જોઈએ અને તે પછી જ તમે તે બીજા અનેકને શીખવી શકો, બલકે એ લોકો પોતે જ તે શીખવા આવશે. મારા ગુરુદેવની આ જ શૈલી હતી. તેમણે કદી કોઈ બીજાની ટીકા કરી નથી. હું વર્ષો સુધી તેમની સાથે રહ્યો છું, પરંતુ તેમને મુખે કદી કોઈ બીજા સંપ્રદાયની નિંદા મેં સાંભળી નથી. બધા સંપ્રદાયો પ્રત્યે તેમનો સમાન સદ્‌ભાવ હતો; અને એ બધાંમાંનો સમન્વય ભાવ તેમણે શોધી કાઢ્યો હતો. મનુષ્ય જ્ઞાનમાર્ગી, ભક્તિમાર્ગી, યોગમાર્ગી અથવા કર્મમાર્ગી હોઈ શકે છે. જુદા જુદા ધર્મોમાં આ વિભિન્ન ભાવોમાંથી કોઈ ને કોઈ એક ભાવનું પ્રાધાન્ય જોવામાં આવે છે; જો કે આ ચારે ભાવોનો વિકાસ એક જ મનુષ્યમાં જોવામાં આવે એવું પણ બને. ભવિષ્યની માનવજાતિમાં બનવાનું છે એ જ મારા ગુરુદેવની ધારણા હતી. તેમણે કોઈને ખરાબ કહ્યા નથી; ઊલટું બધામાં સારાપણું જ જોયું છે.

એ અપૂર્વ મહાપુરુષનાં  દર્શન તથા તેમનો ઉપદેશ સાંભળવા માટે હજારો મનુષ્યો આવતા અને મારા ગુરુદેવ જો કે હંમેશાં ગામઠી ભાષામાં જ વાતો કરતા હતા, પરંતુ તેમનો હરેક શબ્દ ઓજસ્વી અને  બોધથી ભરેલો હતો. ખરું તો એ છે કે શબ્દો અને ભાષા અત્યંત ગૌણ છે; વક્તાનું વ્યક્તિત્વ જ તેનો પ્રાણ છે, એ જ તેમાં શક્તિ ભરી દે છે. આનો અનુભવ આપણને ક્યારેક ક્યારેક થાય છે. આપણે ઘણીયે વાર અત્યંત ઊંડા પ્રકારનું અને તર્કશુદ્ધ અદ્‌ભુત વ્યાખ્યાન સાંભળીએ છીએ, પરંતુ ઘેર પહોંચીએ એટલે તરત એ બધું ભૂલી જઈએ છીએ. જ્યારે કેટલીક વાર આપણે થોડાક શબ્દો જ સાંભળીએ છીએ અને તે પણ અત્યંત સાધારણ ભાષામાં, છતાં તે હૃદય સોંસરવા ઊતરી જાય છે, અને આપણા જીવનમાં એકરૂપ થઈ જઈને આપણા ઉપર કાયમનો પ્રભાવ પાડે છે. જે મનુષ્ય પોતાના શબ્દોમાં પોતાના વ્યક્તિત્વનો પ્રભાવ લાવી શકે છે, તેના શબ્દો પ્રભાવશાળી હોય છે; મુદ્દાની વાત એ છે કે તે મનુષ્યનું વ્યક્તિત્વ અસાધારણ હોવું જોઈએ. બધા શિક્ષણની અંદર આપવા-લેવાનો ભાવ રહેલો છે; શિક્ષક આપે છે, શિષ્ય ગ્રહણ કરે છે; પરન્તુ શિક્ષકની પાસે આપવાનું કંઈ હોવું જોઈએ તથા શિષ્ય ખુલ્લા દિલથી તે ગ્રહણ કરવાને તત્પર હોવો જોઈએ.

(‘સ્વામી વિવેકાનંદ-ગ્રંથમાળા સંચયન’ પૃ.૨૬૦-૨૬૧)

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.