હવે આપણે સત્તાધિકારી નારીઓની વાત કરીશું. તારામાં જન્મજાત પ્રતિભાશક્તિ હતી. એને લીધે તેઓ શાણપણભર્યા રાજનૈતિક નિર્ણયો લઈ શકતાં. તેઓ માનવ ઇતિહાસમાં એક મહાન માર્ગદર્શન બની શક્યાં.

તારા સુષેણનાં પુત્રી હતાં. એમનાં લગ્ન કિષ્કિંધાના વાનરરાજા વાલી સાથે થયાં હતાં. વાલી ખૂબ બળવાન હતા. એમનો દેહ લોખંડ જેવો મજબૂત હતો. વાલી અને તેનો નાનો ભાઈ સુગ્રીવ એક બીજાને ખૂબ ચાહતા હતા.

એક વખત એક રાક્ષસ સાથેની લડાઈમાં વાલી મરી ગયા છે એમ બધાએ માની લીધું. પછી સુગ્રીવને રાજનો તાજ પહેરાવ્યો અને તત્કાલીન રીતિરિવાજ પ્રમાણે તારા સુગ્રીવનાં પત્ની બન્યાં. પરંતુ જ્યારે વાલી ફરીથી પાછા આવ્યા ત્યારે તારાએ એમને જ પોતાના પતિ ફરીથી માની લીધા. સુગ્રીવ પ્રત્યેના રોષને કારણે વાલી તેની પત્ની રુમાને લઈ ગયા. વાલીએ સુગ્રીવને ત્યાંથી હાંકી પણ કાઢ્યા. રાજ અને કુટુંબ બંને ગુમાવીને સુગ્રીવ તો ઋષ્યમૂક પર્વત પર રહેવા લાગ્યા.

સીતાની શોધમાં નીકળેલા શ્રીરામ ઋષ્યમૂક પર્વત પર આવ્યા. એમણે સુગ્રીવને મિત્ર બનાવ્યો. સુગ્રીવે રામને સીતા ક્યાં છે એ શોધી આપવાનું વચન આપ્યું. બદલામાં વાલી પાસેથી પોતાનું રાજપાટ પાછું અપાવવામાં મદદ કરવાનું વચન એમની પાસેથી માગ્યું. જ્યારે શ્રીરામ સંમત થયા ત્યારે સુગ્રીવે વાલીને લડવા માટે પડકાર ફેંક્યો ત્યારે તારાએ વાલીને અંકુશમાં રાખવાનો પ્રયત્ન કર્યો. તેમણે વાલીને રોષ ન કરવા સલાહ આપી. સુગ્રીવ સાથે ન લડવા પણ વિનંતી કરી. વાલી શાંત મને બધું વિચારે એમ તારા ઇચ્છતાં હતાં. તેમણે વાલીને સલાહ આપતાં કહ્યું : ‘જુઓ, સુગ્રીવ તો પોતાનો જીવ બચાવવા ભાગી ગયા હતા. હવે જો એને કોઈ પ્રબળ રક્ષણહારની સહાય ન મળે તો તે યુદ્ધ કરવાની હિંમતેય કરી શકે તેમ નથી. પોતાના દૂતો દ્વારા તારાએ છુપી માહિતી મેળવી હતી કે અયોધ્યાના બંને રાજકુમારો શ્રીરામ અને લક્ષ્મણ સાથેની મિત્રતાને કારણે સુગ્રીવનો આત્મવિશ્વાસ ઘણો વધી ગયો છે. સામાન્ય રીતે તારાની આવી વિનંતી ઘણી પ્રબળ રહેતી અને યુદ્ધના નીતિવિષયક નિર્ણયમાં એમનું સારું એવું વજન પડતું. પણ વાલી પર તારાના શાણપણભર્યા શબ્દોની કંઈ અસર ન થઈ. વાલીની બુદ્ધિ તો ક્રોધનાં વાદળાંથી ઢંકાઈ ગઈ હતી. પોતે સુગ્રીવને પાઠ ભણાવશે જ અને એને હાંકી કાઢશે એવી ઉદ્‌ઘોષણા કરી. તારાનું વાલી પાસે કંઈ ચાલ્યું નહિ. તારાને કેટલાક જ્ઞાનમંત્રો મળ્યા હતા. પોતાના પતિનું રક્ષણ થાય એવા મંત્રો ઉચ્ચારીને પોતાના પતિ વિજયી બને એવી હૃદયની પ્રાર્થના સાથે યુદ્ધમાં મોકલ્યા.

વાલી અને સુગ્રીવનું યુદ્ધ શરૂ થયું. પ્રબળ વાલીની સામે સુગ્રીવ હતાશ થઈ ગયા. એટલે રામે વૃક્ષની પાછળ ઊભા રહીને વાલી તરફ તીર ફેંક્યું. વાલી જમીન પર ઢળી પડ્યો. લોહીથી લથબથ શરીરે વાલી જમીન પર પડ્યો હતો. એનો પ્રાણ ઘૂંટાતો હતો. વાલીને શ્રીરામે બાણથી વીંધી નાખ્યા છે, એ સાંભળીને વાનરો ભયથી નાસવા લાગ્યા. એ સમયે તારા એક વીરાંગનાની જેમ ઊભાં થયાં. એમણે બધા બીકણ વાનરોને ઠપકાર્યા. તેમણે એક મહારાણીની અદાથી રાજાનું પતન થાય ત્યારે કેવી રીતે વર્તવું અને રહેવું એ સમજાવીને બધા વાનરોને એકઠા કરી દીધા. વાલીને તો પોતાનાં પત્નીના ગુણોનો ખ્યાલ હતો. બધા મહત્ત્વના પ્રસંગોમાં તારાની સલાહ લેવાની વાત સુગ્રીવને ગળે ઉતારી. પોતાની અંતિમ પળે પણ સ્વસ્થતાથી તારાની ગુણવત્તાની વાત કરી.

તારા હિંમતવાન અને વિચક્ષણ નારી હતાં. રાજ્યમાં સૌનું કલ્યાણ કરનારી સમૃદ્ધિનાં સાધનો ઊભાં કરવાની એમનામાં અદ્‌ભુત શક્તિ હતી. તેઓ કુશળ રાજનીતિજ્ઞ હતાં. પોતાની બુદ્ધિપ્રતિભાથી તે આવનારી ઘટનાઓનો અંદાજ કાઢી લેતાં. તેમણે પોતાના પુત્ર અંગદ માટે શાંત અને પ્રેમાળ સમર્પણભાવ રાખ્યો. અંગદમાં એમણે સૌને માટે પ્રેમ અને કરુણાભાવનાં બીજ વાવી દીધાં.

હિંદુઓ પોતાની પ્રાત: પ્રાર્થનામાં જે સાત મહાનારીઓનાં નામ લે છે તેમાં સતી તારાનો પણ સમાવેશ થાય છે.

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.