બેલુર મઠમાં ૧૯૦૧માં દુર્ગાપૂજાનું પ્રથમવાર આયોજન થયું હતું. ત્યાર પછીથી દર વર્ષે બેલુર મઠમાં દુર્ગાપૂજાનો મહોત્સવ ઉજવાય છે. ૧૯૦૧ના પ્રથમ મહોત્સવ પછી થોડાં વર્ષો સુધી પ્રતિમાપૂજા થતી નહિ. (આ સંદર્ભમાં એમ કહી શકાય કે રામકૃષ્ણ મઠ, બારાનગરમાં શ્રીરામકૃષ્ણદેવના શિષ્યો પ્રારંભનાં વર્ષોમાં મૂર્તિ વિના દુર્ગાપૂજાનું નાના પાયા પર આયોજન કરતા.) સ્વામી વિવેકાનંદે જ બેલુર મઠમાં પ્રતિમા સાથે સર્વપ્રથમ દુર્ગાપૂજાનો પ્રારંભ કર્યો હતો. નિયમ પ્રમાણે હિંદુ સંન્યાસીઓ વિધિવિધાનો સાથેની આવી પૂજા કરતા નથી. તો પછી સ્વામીજીએ આ નવી પ્રણાલી શા માટે શરૂ કરી?

એક કારણ તો એ છે કે સ્વામીજી અને એમના સંન્યાસી ગુરુબંધુઓ જે નવું સંન્યાસી જીવન જીવતાં તેને માટે સ્થાનિક સમાજની સ્વીકૃતિ મેળવવી. કોલકાતાના હિંદુ સમાજે સ્વામીજીનું પશ્ચિમમાં જવું પૂર્ણમને સ્વીકાર્યું ન હતું. સાથે ને સાથે બેલુર મઠના સંન્યાસીઓની રૂઢિગત જીવનરીતિનો થોડો ચીલો ચાતરીને, જ્ઞાતિના રિવાજોની અવહેલના તેમજ પશ્ચિમના લોકો સાથે હળવા-મળવાની વાતને પણ આ સમાજે પૂરેપૂરી સ્વીકારી ન હતી.

વાસ્તવિક રીતે તો દુર્ગાપૂજા મહોત્સવે આ નવા સંન્યાસી સંઘ વિશેની સ્થાનિક લોકોમાં પ્રસરેલી ગેરસમજણ અને સંભ્રમને દૂર કરવા ઘણી મોટી સહાય કરી છે.

સ્વામીજી માતૃત્વની દિવ્યતા અને સ્ત્રીની પવિત્રતાને યોગ્ય માન-આદર આપીને એને પ્રણાલિકાબદ્ધ કરવા ઇચ્છતા હતા, એ બીજું કારણ હતું. સ્વામીજીએ એ જોયું હતું કે પશ્ચિમના લોકોની ઉન્નતિના મુખ્ય કારણમાંનું એક પશ્ચિમના દેશોમાં સ્ત્રીઓની ઉત્ક્રાંતિ છે. સાથે ને સાથે ભારતના પછાતપણાનાં મુખ્ય કારણોમાંનું એક કારણ એટલે આ દેશમાં થયેલી નારીની અવહેલના. જગન્માતાની પૂજા અને એમાંય વિશેષ કરીને કુમારીપૂજા સ્ત્રીઓમાં રહેલ સુષુપ્ત અને પ્રબળ દિવ્યતાની જાગૃતિ અને તેમના પ્રત્યે માન-આદરનો ભાવ જાગ્રત કરશે, એમ તેઓ માનતા હતા.

ત્રીજું કારણ આધ્યાત્મિકતા સાથે સંલગ્ન હતું. ૧૯૦૧માં દુર્ગાપૂજાના થોડા દિવસો પહેલાં સ્વામીજીને એક દર્શન થયું. એમાં બેલુર મઠમાં દુર્ગાપૂજા થતી હતી એ જોયું. લગભગ એ જ સમયે સ્વામી બ્રહ્માનંદજીએ દક્ષિણેશ્વરથી બેલૂર મઠમાં ગંગા પાર કરીને મા દુર્ગાને આવતાં નિહાળ્યાં. સ્વામીજીએ તરત જ રાજા-મહારાજને દુર્ગાપૂજાની પૂર્વતૈયારીઓ કરવા કહ્યું. જો કે દુર્ગાપૂજા આડે બહુ થોડા દિવસો જ રહ્યા હતા.

દુર્ગાપૂજાના આયોજનમાં મુખ્ય સમસ્યા તો પૂજા માટે મા દુર્ગાની માટીની પ્રતિમા મેળવવાની હતી. કોલકાતાના કામારતુલી (આ શેરીમાં કલાકારો માટીની શ્રીદુર્ગાની પ્રતિમાઓ બનાવતા)માં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે એક કલાકારની દુકાનમાં દુર્ગામાની એક સુંદર મૂર્તિ હતી. જે ભક્તે આ મૂર્તિ બનાવવા કહ્યું હતું તે લેવા ન આવતા કલાકાર સંન્યાસીઓને આપવા તૈયાર થયો. મા દુર્ગાની મૂર્તિ મેળવવા ઉપરાંત આ અટપટી વિધિવિધાનોવાળી પૂજા માટે ઘણી વસ્તુઓ એકઠી કરવી પડે તેમ હતી. સ્વામી બ્રહ્માનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ થોડા જ સમયમાં આ બધું પૂર્ણ થયું.

બેલૂર મઠના જૂના મંદિરની ઉત્તર તરફના ખુલ્લા મેદાનમાં પ્રથમ દુર્ગાપૂજાનો વિશાળ મંડપ ઊભો કર્યો હતો. આસોસુદ ષષ્ઠીના દિવસે આહ્‌વાનપૂજા ૧૮ ઓક્ટોબર, ૧૯૦૧ના રોજ થઈ.

પૂજારી તરીકે બ્રહ્મચારી કૃષ્ણલાલ હતા અને તંત્રધારક રૂપે શશી મહારાજના પિતા ઈશ્વરચંદ્ર ચક્રવર્તી હતા. અત્યારે મંદિરની સમક્ષ આવેલા બિલ્વવૃક્ષની નીચે બેસીને સ્વામીજીએ મા દુર્ગાનું અભિવાદન કરતાં આગમનીનાં ગીતો ગાયાં.

રામકૃષ્ણદેવના સાક્ષાત્‌ ગૃહસ્થ શિષ્યો અને નજીકમાં રહેતા રૂઢિચુસ્ત બ્રાહ્મણોને પણ વિશેષ રૂપે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ધર્મજ્ઞાતિના ભેદભાવ ભૂલીને હજારો લોકો આ ત્રણ દિવસની દુર્ગાપૂજામાં ઉપસ્થિત રહ્યા હતા. નવમીની રાત્રીએ સ્વામીજીએ શ્રીમા દુર્ગાનાં ગુણગાન કરતાં ઘણાં ગીતો ગાયાં. આમાંના કેટલાંક ગીતો શ્રીરામકૃષ્ણ પણ ગાતા.

શ્રીમા સારદાદેવી અને દુર્ગાપૂજા

બેલૂર મઠમાં સ્વામીજીએ દુર્ગાપૂજાનું આયોજન કરવાનો નિર્ણય કર્યો ત્યારે એમણે સૌ પ્રથમ તો કોલકાતાના બાગબજારમાં રહેતા શ્રીમા સારદાદેવીની પૂર્વમંજૂરી પણ માગી લીધી. સ્વામી પ્રેમાનંદ શ્રીમા પાસે ગયા અને માએ પોતાના પૂર્ણ મનહૃદયથી આ સૂચન વધાવી લીધું. આસોસુદ ષષ્ઠીના દિવસે શ્રીમા બીજાં ભક્તસ્ત્રીઓ સાથે આવ્યાં અને નજીકમાં આવેલ નિલાંબર બાબુના ઉદ્યાનગૃહમાં રહ્યાં હતાં. શ્રીમાએ તે દિવસે આહ્‌વાનપૂજામાં હાજરી આપી હતી અને ત્રણેય દિવસની દુર્ગાપૂજામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

સંન્યાસીઓ આવાં વિધિવિધાનો સાથેની પૂજા કરી ન શકે એટલે સ્વામીજીએ આ પૂજા શ્રીમાના નામે થાય એવો આદેશ આપ્યો. પછીથી આ એક પ્રણાલી બની ગઈ અને આજ સુધી એ ચાલુ રહી છે. આધુનિક વિશ્વમાં સ્ત્રીજાતિના જાગરણ માટે જન્મેલાં શ્રીમા સારદાદેવીને સ્વામીજી શ્રીરામકૃષ્ણદેવનાં લીલાસહધર્મચારિણી ગણતા.

અમેરિકાથી ૧૮૯૪માં સ્વામી શિવાનંદજીને લખેલા એક પત્રમાં સ્વામીજી શ્રીમાની દિવ્યતાની માન્યતાને આ શબ્દોમાં વાચા આપે છે :

‘ભાઈ, હું તને જીવંત દુર્ગાની પૂજા કેમ કરવી એ બતાવીશ અને ત્યારે જ હું મારા નામને સાર્થક કરીશ. જ્યારે તમે એક જમીનનો ટૂકડો ખરીદીને ત્યાં આ જીવંત દુર્ગા શ્રીમા સારદાદેવીની સ્થાપના કરશો ત્યારે જ હું મુક્તિનો શ્વાસ લઈશ.’ દુર્ગાપૂજા સમયે શ્રીમા સારદાદેવીની ઉપસ્થિતિએ સ્વામીજીને અને રામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યોને અસીમ આનંદ અને સંતોષ આપ્યાં હશે.

શ્રીમા સારદાદેવી ૧૯૧૨ અને ૧૯૧૬માં તેમજ ત્યાર પછીના કેટલાંક વર્ષોમાં દુર્ગાપૂજામાં ઉપસ્થિત રહ્યાં હતાં. દરેક દુર્ગાપૂજા દરમિયાન શ્રીમા થોડા દિવસ રોકાતાં અને પોતાનાં સંન્યાસી શિષ્યો તેમજ ગૃહસ્થ સંતાનોને આશીર્વાદ પણ આપતાં.

આગમની

અન્ય સ્થળે વર્ણવવામાં આવેલ છે એ પ્રમાણે દુર્ગાપૂજા મહોત્સવ પાછળ ઘણી પૌરાણિક કથાઓ રહેલી છે. એમાંની એક કથા આવી છે – દર વર્ષે નવરાત્રી દરમિયાન ભગવાન શિવનાં દિવ્યસહધર્મચારિણી ઉમા જે પાર્વતીને નામે પણ જાણીતાં છે, પોતાનાં માતપિતા હિમાવત અને મેનકાના ઘરે આવે છે. બંગાળમાં આવી એક સાર્વત્રિક લોકમાન્યતા અને શ્રદ્ધા લોકોના મનમાં બંધાઈ ગઈ છે કે દુર્ગાપૂજાના ત્રણ દિવસ દરમિયાન મા દુર્ગા પોતાનાં સંતાનોના ઘરે પધારે છે. આ પ્રસંગે આગમનીનાં ગીતો ગવાય છે; એમાં પોતાની દિવ્યપુત્રી ઉમા પ્રત્યેનો મેનકાનો માતૃપ્રેમ અને ગહનભાવ હૂબહૂ વર્ણવાયો છે. આ ગીતો મા ઉમાનું ઘરમાં સ્વાગત કરવા માટે ગવાય છે. આ ગીતોમાં ગૃહસ્થ માતપિતાની પરિણિત પુત્રીઓ પ્રત્યેનો પ્રેમભાવ પણ વ્યક્ત થાય છે.

આગમનીનાં ગીતોમાં અભિવ્યક્ત થતી કોમળ અને મધુર લાગણીઓને કારણે સ્વામીજીને એ ગીતો ખૂબ ગમતાં. બેલૂર મઠમાં પ્રથમ વખતની દુર્ગાપૂજાના છઠના દિવસે સ્વામીજીએ ‘ગિરિ ગણેશ આમાર શુભકારી’ જેવાં આગમનીનાં ગીતો મધુર કંઠે ગાયાં. આગમનીનાં ગીતો ગાવાની પ્રણાલી બેલૂર મઠમાં આજે પણ ચાલુ રહી છે. આ ગીતો રામકૃષ્ણ મઠ-મિશનનાં ઘણાં કેન્દ્રોમાં પણ ગવાય છે. અમાસ-મહાલયા પછીના પ્રતિપદાના દિવસથી ષષ્ઠી સુધી દર વર્ષે બેલૂર મઠના શ્રીરામકૃષ્ણદેવના મુખ્ય મંદિરમાં સાધુઓ અને બ્રહ્મચારીઓ સાથે મળીને પ્રભાતે આગમનીનાં ગીતો સમૂહમાં ગાય છે. રાત્રે આરતી પછી તેઓ કાલીકીર્તન પણ કરે છે.

ચંડીપાઠ

નવરાત્રીના નવ દિવસ દરરોજ સવારે ચંડીપાઠનું પઠન થાય છે. આ ચંડીપાઠ ભગવતી ચંડીની પૂજા સાથે થાય છે. બેલૂર મઠમાં પ્રથમ પાંચ દિવસ સુધી નટ મંદિરના એક ખૂણામાં આ પાઠ થાય છે અને છઠથી દુર્ગામંડપના એક ખૂણામાં ચંડીપાઠ થાય છે.

ષષ્ઠી

આ દિવસ ઘણો મહત્ત્વનો છે એ દિવસે દુર્ગાપૂજાનો બરાબર આરંભ કરવા માટે બધી વિધિપૂર્વકની તૈયારીઓ કરી લેવામાં આવે છે. તૈયારીઓમાં મુખ્યત્વે ત્રણ તૈયારીઓ છે, કલ્પારંભ, અધિવાસ અને આમંત્રણ.

કલ્પારંભ :

આ વિધિવિધાન વહેલી સવારે થાય છે. એમાં મુખ્યત્વે સંકલ્પવિધિ થાય છે. ત્રણેય દિવસ દુર્ગાપૂજા સુયોગ્ય રીતે થાય તે માટેનો દૃઢ નિર્ણય વ્યક્ત થાય છે. આ વિધિમાં દુર્ગામંડપમાં ઘટસ્થાપન અને મા દુર્ગા અને મા ચંડીને પૂજા-અર્પણ વગેરે થાય છે.

બોધન : સંધ્યા કે સૂર્યાસ્ત સમયે આ વિધિવિધાન થાય છે. બોધન એટલે જાગ્રત થવું. અન્ય શાસ્ત્ર ગ્રંથોમાં વર્ણવ્યા પ્રમાણે હિંદુશાસ્ત્રમાં માન્યતા છે કે બધાં દેવો અને દેવીઓ સૂર્યના દક્ષિણાયન વખતે છ માસ સુધી સુઈ જાય છે. શરદ ઋતુમાં દુર્ગાપૂજા થાય છે. સામાન્ય રીતે દુર્ગાપૂજા શરદકાળના મધ્યભાગમાં આવે છે. એટલે જ સૌ પ્રથમ તો મા દુર્ગાને જાગૃત કરવા જરૂરી છે. ભગવાન રામચંદ્રે રાવણ સાથે યુદ્ધ કર્યું તે પહેલાં મા દુર્ગા ભગવતીને પ્રસન્ન કરવા ઇચ્છ્યું હતું. મા દુર્ગાની જાગરણ વિધિ એમણે જ સર્વપ્રથમ કરી હતી.

બોધન વિધિમાં બિલીના ઝાડ નીચે એક તાંબાનો પાણી ભરેલ ઘટ પધરાવવામાં આવે છે. (અત્યારે બેલૂર મઠમાં બિલીના વૃક્ષની ડાળમાં આ ઘટ રાખવામાં આવે છે.) તેની સાથે મા દુર્ગાને જાગૃત કરવા પ્રાર્થના કરવામાં આવે છે.

અધિવાસ અને આમંત્રણ : બોધનવિધિ પછી આ વિધિ થાય છે. અધિવાસ એટલે અભ્યર્થના કે પ્રાર્થના. બોધનવિધિ દ્વારા દેવીનું જાગરણ થઈ ગયું છે. હવે બિલીના ઝાડ પર કે ઝાડની ડાળમાં એમનું આહ્‌વાન કરવાનું છે. અધિવાસ એ પુનિત પ્રતિષ્ઠાપનવિધિ છે. આ વિધિવિધાનમાં આવાં ક્રમિક સોપાન હોય છે : (૧) પ્રથમ ભગવતી દુર્ગા અને બિલ્વવૃક્ષનું પૂજન થાય છે. (૨) ભગવતી દુર્ગા અને બિલ્વ વૃક્ષને સ્પર્શ કરાવીને ૨૬ માંગલિક દૃવ્યોનું પવિત્રીકરણ થાય છે. (૩) બધા દુષ્ટપ્રભાવોથી દૂર રાખવા જ્યાં પૂજાવિધિ થાય છે તે વેદિની આજુબાજુ લાલ રંગની દોરી બાંધવામાં આવે છે.

અધિવાસ વિધિ પછી આમંત્રણ વિધિ થાય છે. જેમાં મા ભગવતીને આમંત્રવામાં આવે છે અને બીજા દિવસની સપ્તમીની પૂજા સ્વીકારવા માટે વિનંતી કરવામાં આવે છે.

ત્યાર પછી મા ભગવતી દુર્ગાની પંચદ્રવ્યથી પૂજા થાય છે અને આરતી પણ થાય છે.

સપ્તમીપૂજા

મહત્ત્વની વાત તો એ છે કે કોઈપણ દેવદેવીની પ્રતિષ્ઠા કરવા માટે કે એમનું આહ્‌વાન કરવા માટે જીવંત માધ્યમથી જરૂર પડે છે. આવા જીવંત માધ્યમથી જ દેવદેવીનું પ્રગટીકરણ થાય છે. છઠના દિવસે મા ભગવતી દુર્ગાનું બિલીના વૃક્ષ કે એની ડાળીમાં આહ્‌વાન કરવામાં આવે છે. સપ્તમીના દિવસે ‘નવ પત્રિકા’ના નામે જાણીતા નવ છોડમાં દેવીનું આહ્‌વાન કરવામાં આવે છે. આ નવ પલ્લવમાં બિલીના ઝાડની ડાળી પણ હોય છે, એ બધાને એકીસાથે બાંધીને તેની સ્નાનવિધિ કરાય છે અને પછી નારંગી રંગના વસ્ત્રથી વીંટાળીને મા દુર્ગાની જમણી બાજુએ રાખેલા પાટલા પર તેને સ્થાપવામાં આવે છે. વિવિધ દ્રવ્યો સાથે સામે અરીસો રાખીને મહાસ્નાન વિધિ થાય છે. મા દુર્ગાની માટીની મૂર્તિમાં દિવ્યપ્રાણ પૂરીને પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવે છે. ત્યાર પછી ભગવતી દુર્ગાની ષોડશોપચાર પૂજા થાય છે. સાથે સાથે બીજી દેવીઓ તેમજ મા દુર્ગાની સખીઓ અને દેવી સાથે સંલગ્ન બીજા પદાર્થોની પૂજા થાય છે. સાતમા દિવસની પૂજા ભોગ એટલે કે નૈવેદ્યાર્પણ અને આરતી સાથે પૂર્ણ થાય છે.

અષ્ટમીપૂજા

સપ્તમીની જેમ અષ્ટમીને દિવસે મહાસ્નાન અને ષોડ્‌શોપચાર પૂજા થાય છે. આ ઉપરાંત વિવિધ રંગની ધજાઓ સાથે નવ નાના ઘટનું સ્થાપન કરવામાં આવે છે અને એમાં નવ શક્તિનું આહ્‌વાન કરીને એમની પૂજા થાય છે. આના પછી નવ દુર્ગાની પૂજા થાય છે. આ નવદુર્ગામાં જયંતી, મંગલા, કાલી, ભદ્રકાલી, કપાલિની, દુર્ગા, શિવા, ક્ષમા, ધાત્રી, સ્વાહા, સ્વધા દેવીનો સમાવેશ થાય છે. અષ્ટમીપૂજા ભોગ અને આરતી સાથે પૂર્ણ થાય છે.

કુમારી પૂજા : દેવી માનીને યુવાન કન્યાની પૂજા કરવી એ અષ્ટમી પૂજાનો એક ભાગ છે. શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે મા જગદંબા પોતે નિર્મળ હૃદયની કન્યામાં વધારે સહજ રીતે પ્રગટે છે, એટલે કુમારીપૂજા થાય છે. શ્રીરામકૃષ્ણ નાની બાલિકાઓને મા જગદંબાના રૂપે જોઈને નમતા રહેતા. જ્યારે બેલુર મઠમાં સર્વપ્રથમવાર દુર્ગાપૂજા થઈ ત્યારે સ્વામી વિવેકાનંદે અનેક કુમારીની પૂજા કરી હતી. હવે એક જ કુમારિકાની પૂજા થાય છે. જે રીતે દેવીને ભોગ નૈવેદ્ય ધરાય છે તેવી જ રીતે આ કુમારિકાને પણ ધરાય છે. અંતે આરતી પણ થાય છે. વરિષ્ઠ સંન્યાસીઓ પણ આ કુમારીકાનાં ચરણે પુષ્પ અર્પણ કરે છે.

સંધિપૂજા : અષ્ટમીની છેલ્લી ચોવિસ મિનિટ અને નવમીની પ્રથમ ચોવિસ મિનિટ એટલે કે એ બંને દિવસની કુલ ૪૮ મિનિટથી પવિત્ર સંધિકાળ બને છે. આ સમય સૌથી વધુ પવિત્ર અને શુભ ગણાય છે. આ સમયે દુર્ગાની પૂજા ચામુંડા રૂપે થાય છે. ચામુંડા એટલે ચંડ અને મુંડ નામના રાક્ષસને હણનારી મા કાલી.

આ પવિત્ર પળે પશુબલિ ધરવાનો રિવાજ છે. જ્યારે બેલુર મઠમાં ૧૯૦૧માં પ્રથમવાર દુર્ગાપૂજાનો મહોત્સવ ઉજવાયો ત્યારે સ્વામી વિવેકાનંદ બલિ ધરવા ઇચ્છતા હતા. પરંતુ શ્રીમા સારદાદેવીએ એમ કરવા મના ફરમાવી. શ્રીમાના આ આદેશને માનીને બેલુર મઠમાં ક્યારેય પશુબલિવિધિ થતો નથી. એને બદલે પ્રતીક રૂપે કેળાં દેવાય છે.

નવમી પૂજા : અષ્ટમીની જેમ નવમીના દિવસે પણ દેવીનો મહાસ્નાન અને ષોડ્‌શોપચારવિધિ થાય છે. આ ઉપરાંત બલિ અને હોમ પણ યોજાય છે. બેલૂર મઠમાં બલિ તરીકે સફેદ કોળું અને શેરડી અપાય છે. હોમવિધિ વૈદિક અને તાંત્રિક પ્રણાલીઓનું સંમિશ્રણ છે.

દશમી પૂજા : દશમના દિવસે સવારે સંક્ષિપ્ત પૂજા, શીતલ ભોગવિધિ તથા આરતી થાય છે. ત્યાર પછી પુજારી અને તંત્રધારક વેદીની પરિક્રમા કરે છે અને વિસર્જન વિધિ કરે છે. આ વિધિમાં જે દેવીને નવ પત્રિકા અને મૂર્તિમાં પ્રતિષ્ઠાપિત કરવામાં આવ્યાં હતાં તેમને ફરી પાછા પોતાના દિવ્યધામે પાછા ફરવાનો વિધિ કરાય છે. અલબત્ત, મા જગદંબા તો ભક્તજનોનાં હૃદયમાં હંમેશાંને માટે નિવાસ કરે છે.

દશમની સાંજે મા દુર્ગાની પ્રતિમાને નવ પલ્લવ સાથે શોભાયાત્રા રૂપે નદી કિનારે લઈ જવામાં આવે છે અને નદીમાં મૂર્તિનું વિસર્જન થાય છે. એ સ્થળેથી લીધેલા જળને શાંતિ જળ કહેવાય છે અને એ શાંતિજળ ભક્તજનો પર છાંટવામાં આવે છે. સૌ ભક્તજનો મા જગદંબાના સંતાન રૂપે પોતાની શ્રદ્ધાભક્તિ બતાવવા એક બીજાને ભેટે છે. અને આવી રીતે લોકોનાં મનહૃદયમાં દિવ્યઆનંદની સ્મૃતિઓ છોડીને દુર્ગાપૂજાનો મહોત્સવ પૂર્ણ થાય છે.

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.