(૧) ભગવાન વિષ્ણુ શ્રીરામ રૂપે અવતર્યા હતા. સીતાની મુક્તિ માટે શ્રીરામે લંકા પર આક્રમણ કર્યું. યુદ્ધમાં રાવણનો પુત્ર ઈંદ્રજિત રામ સામે ઊતર્યો.

– આ તે કેવી નવાઈ? મેં ઈંદ્રને હરાવ્યો પણ આ સામાન્ય માનવને હરાવતા આટલી લાંબી વાર? વારુ, હવે હું બાણથી રામને નાગપાશથી બાંધી દઉં.

(૨) નાગપાશ બાણ રામને લાગ્યું અને તેઓ બેભાન થઈને પડી ગયા. નારદજીએ આ જોયું.

(૩) નારદ તો ઉપડ્યા વૈકુંઠમાં.

– હે ગરુડદેવ! ઈંદ્રજીતના નાગપાશથી રામ બેભાન થયા છે. ઝડપથી એમને નાગપાશથી મુક્ત કરો.

(૪) ગરુડજી તો ઊડવા માંડ્યા અને રામને નાગપાશના બંધનથી મુક્ત કર્યા.

(૫) વૈકુંઠમાં પાછા ફરીને ગરુડજીને ગર્વ થયો.

– માણસને બંધનમાં નાખતી સાંકળોને ભગવાન વિષ્ણુ તોડી નાખે છે; તો પછી માનવ રૂપે રહેલ શ્રીરામની આ લીલાનો અર્થ શો? જો હું ન હોત તો રામને નાગપાશમાંથી કોણ મુક્ત કરત?

(૬) નારદજી, જો મેં રામને બંધનમાંથી મુક્ત ન કર્યા હોત તો એનું શું થયું હોત! હવે હું મહાન કે શ્રીરામ મહાન! એ વિશે મને સાચું કહેજો.

– હે ગરુડજી! આ પ્રશ્નનો જવાબ હું ન આપી શકું. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા જ એ જવાબ આપી શકે. એમની પાસે જાઓ અને તમારી શંકાનું સમાધાન કરી આવો.

(૭) ગરુડજી તો ઉપડ્યા બ્રહ્મલોકમાં! નારદજીને પૂછેલો પ્રશ્ન જ બ્રહ્માજીને પૂછ્યો.

– ગરુડજી હજું સમજ્યા નથી કે બધું જ રામની લીલા છે. મારે એમાં પડવું ન જોઈએ.

– શિવજી શ્રીરામજીના ચાહક છે. એટલે એમ કરો કે તમે એમની પાસે જઈને શંકાનું સમાધાન કરો.

(૮) શિવજી તો પોતાના પડોશી કુબેરજીને ત્યાં હતા.

– રસ્તામાં અધવચ્ચે જ ગરુડને શિવજી મળ્યા અને ગરુડે એ જ પ્રશ્ન પૂછ્યો. ગરુડ! તમે મને રસ્તામાં રોક્યો છે. આ જગ્યાએ હું તમારા પ્રશ્નનો ઉત્તર વિગતે ન આપી શકું. કોઈ પણ વ્યક્તિએ પોતાના મનની મૂંઝવણ દૂર કરવી હોય તો લાંબા સમય સુધી મહાપુરુષની સંગાથે રહેવું જોઈએ. ત્યારે જ આપણને ઈશ્વરની સાચી સમજણ મળે. સંતના સમાગમથી મનની નિર્બળતા અને શંકા દૂર થાય. આવા મનમાં પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ જાગે. કૈલાસની ઉત્તરે નિલાચલમાં એક મહાન પવિત્ર આત્મા કાકભૂષંડી રહે છે. તે દિવસરાત વિષ્ણુનાં ગુણગાન ગાય છે. એમની પાસે જાઓ. એમના દ્વારા તમને ભગવાન શ્રીરામ પ્રત્યે પ્રેમભક્તિ જાગશે અને તમારા પ્રશ્નનો ઉત્તર પણ મળી જશે.

(૯) શિવજીની સૂચના પ્રમાણે ગરુડજી તો ઉપડ્યા નિલાચલમાં ત્યાં વટવૃક્ષની નીચે કાકભૂષંડી ભગવાન વિષ્ણુની વાતો ભક્તિભાવથી વર્ણવતા હતા. ઘણાં પક્ષીઓ ધ્યાનભક્તિ સાથે એમની વાર્તાઓ સાંભળતાં હતાં.

(૧૦) ગરુડના હૃદયમાં આ દિવ્ય વાતાવરણથી ભક્તિભાવ જાગ્યો. જ્યારે એણે નજીકના ઝરણામાં સ્નાન કર્યું ત્યારે તેનું મન આધ્યાત્મિક ઉચ્ચતા તરફ વળ્યું.

– ભગવાન વિષ્ણુના વાહન ગરુડજી તમને પ્રણામ હજો. અમે તમારું સ્વાગત કરીએ છીએ.

– ભગવાન શિવે મને તમારી પાસે શ્રીહરિનાં ગુણગાન સાંભળવા મોકલ્યો છે.

(૧૧) કાકભૂષંડીએ ભગવાન રામના દિવ્યજીવનની વાત કહી. આ વાત સાંભળીને ગરુડના મનનો ગર્વ ગળી ગયો.

– હે મહાપુરુષ! તમારે લીધે જ મને ભગવાન રામની આ દુર્લભ વાત સાંભળવાનું સદ્‌ભાગ્ય મળ્યું. રામ તો અંતિમ સત્ય કે અનુભૂતિ છે. એમને લીધે જ આ સૃષ્ટિ કાર્યરત બને છે. એમની ઇચ્છા વિના ઘાસનું તણખલું પણ હલી ન શકે. આ બધું અનુભવજ્ઞાન મને અહીંથી મળ્યું.

(૧૨) તમે તો મહાન ભક્ત અને વિદ્વાન છો. છતાંય આ કાગડાના રૂપે કેમ રહો છો?

– આ પહેલાંના જન્મમાં હું શિવભક્ત હતો. મેં મારા ગુરુનું અપમાન કર્યું. શિવજીએ મને સાપ તરીકે અવતરવા શ્રાપ આપ્યો. પણ મારા ગુરુએ શિવજીને મારા પર દયા કરવા પ્રાર્થના કરી. એટલે એમણે શ્રાપનું સ્વરૂપ બદલી નાખ્યું. પરિણામે અનેક જન્મો બાદ મને કાગડાનું રૂપ મળ્યું. જ્યારે હું આ રૂપમાં હતો ત્યારે ભગવાન રામે મારા પર એમની કૃપા વરસાવી.

– આપે મને અધ્યાત્મ જ્ઞાન આપ્યું છે. હવે હું તમારી રજા લઉં છું અને વૈકુંઠમાં પાછો જાઉં છું.

(૧૩) વૈકુંઠમાં…

– આ બધી રામની લીલા છે. આ જ્ઞાનના અભાવે મેં એમને બચાવ્યા છે એવું અભિમાન મારામાં આવ્યું હતું.

(૧૪) કૈલાસ પર્વત પર શિવજીએ ગરુડની આ વાત પાર્વતીજીને કહી.

– હે પ્રભુ, તમે પોતે જ ગરુડની શંકા દૂર કરી શક્યા હોત એમ છતાં પણ તમે એને શા માટે કાકભૂષંડી પાસે મોકલ્યા?

– ગરુડ તો પક્ષી છે. કાકભૂષંડી પણ પક્ષી! એક પક્ષી બીજા પક્ષી પાસેથી વધુ સારી રીતે શીખી શકે એ હેતુથી મેં ગરુડને એમની પાસે મોકલ્યા. જુઓ! બધું બરાબર થઈ ગયું ને!

– તુલસીકૃત ‘રામાયણ’માં પણ આ પ્રસંગનું વર્ણન આવે છે.

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.