વિવિધ સ્પર્ધાઓનું આયોજન : તંદુરસ્ત સ્પર્ધા વિદ્યાર્થીના મનને કુશાગ્ર અને ઉત્કટતાવાળું રાખે છે. દર ત્રણ મહિને કે છ મહિને અહીં આપેલ સ્પર્ધાઓ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજી શકાય : નિબંધ લેખન, વક્તૃત્વ, ચર્ચા, વાર્તાકથન, સ્મૃતિકસોટી, ચિત્ર કે રંગોલી, શ્લોકપઠન કે ગાન, ભજનગાન, એકાંકી નાટ્ય, સંગીત-નૃત્ય, વગેરે. દરેકે દરેક વિદ્યાર્થી ભાગ લઈ શકે એવી રીતે સ્પર્ધાઓનું આયોજન કરવું જોઈએ.

નિબંધ લેખન : કોઈ મહાન રાષ્ટ્રિય કે સામાજિક કાર્ય, મહાપુરુષોનાં જીવન અને સંદેશ, જે તે વિસ્તારનાં ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક દૃષ્ટિએ મહત્ત્વનાં સ્થળો, પર્યાવરણની સમસ્યાઓ અને એનો ઉકેલ, રાજ્ય અને રાષ્ટ્રની તત્કાલ સમવિષમ પરિસ્થિતિ, સમાજના વિધ વિધ ભાગોનાં વર્તનવલણ અને પ્રવૃત્તિઓ તેમજ સ્થાનિક તહેવારો કે મેળા-મેળાવડા વિશે નિબંધનલેખન સ્પર્ધાનું આયોજન સમયે સમયે કરી શકાય.

જે તે વિષય વિશે વિદ્યાર્થીઓને સુયોગ્ય માગદર્શન મળી રહે તે માટે સહાય કરવી. જરૂર જણાય તો વિદ્યાર્થીઓ એમનાં માતપિતાની સહાય પણ લઈ શકે છે.

વિદ્યાર્થીઓને આટલી સૂચના સ્પષ્ટપણે આપવી જોઈએ :

નિબંધલેખનમાં હસ્તાક્ષર સુઘડ અને સુવાચ્ય હોવા જોઈએ, નિબંધલેખનમાં તેના પ્રારંભ, એના વિચાર વસ્તુની વિગતવાર ચર્ચા અને વિષયના અંત વિશે વિવિધ પરિચ્છેદ પાડીને રજૂ કરવાં જોઈએ. વાક્ય રચના અને શૈલી વચ્ચે પણ વિદ્યાર્થીઓનું ધ્યાન દોરવું જોઈએ.

વક્તૃત્વ : વક્તૃત્વ સ્પર્ધાના ત્રણ દિવસ પહેલાં વિદ્યાર્થીઓને વિષયોની યાદી આપી દેવી જોઈએ. એને આધારે વિદ્યાર્થીઓ સાહિત્ય સામગ્રી એકઠી કરીને પોતાના વિચારોને અભિવ્યક્ત કરવા સુવ્યવસ્થિત રીતે માનસિક ગોઠવણી કરી શકે.

વક્તૃત્વ આપતી વખતે ચહેરાના હાવભાવ, શરીરનું હલનચલન, વિષય વસ્તુ પ્રમાણેનાં વલણરુચિ તેમજ રજૂઆત, સ્મૃતિશક્તિ અને ઉદ્ધરણો, વક્તવ્યમાં આવતાં આરોહ-અવરોહ, વિષયનો સુંદર પ્રારંભ તેની છણાવટ અને આકર્ષક અંત વગેરે વિશે વિદ્યાર્થીઓને કેળવવા જોઈએ.

વક્તૃત્વ સ્પર્ધા મનોરંજક પણ છે અને શિક્ષાપ્રદ પણ છે.

પરિચર્ચા કે ચર્ચા : સ્પર્ધાના ત્રણ દિવસ પહેલાં વિદ્યાર્થીઓને વિષયોની યાદી આપી દેવી જોઈએ. વિદ્યાર્થીઓની ઉંમરને અને અભ્યાસને ધ્યાનમાં રાખીને સુયોગ્ય રીતે ચર્ચા થઈ શકે એવા વિષયની પસંદગી કરવી. દા.ત. તલવાર કરતાં કલમની શક્તિ વધુ તાકાતવાન છે. અથવા સુખી જીવન માટે માત્ર વિજ્ઞાનની જરૂર છે, સાચા સુખ અને શાંતિ માટે વિજ્ઞાન અને ધર્મ બંનેની જરૂર છે.

દરેક સ્પર્ધકને ચર્ચા માટે ૪-૫ મિનિટ આપવી.

ગુણાંકન કરતી વખતે વક્તા કેવી રીતે પોતાના વિચારો અભિવ્યક્ત કરે છે, તાર્કિક મુદ્દાઓ દ્વારા પોતાના વિષયવસ્તુને કેવી રીતે વધુ અસરકારક બનાવે છે. આગળના વક્તાની ચર્ચામાં રહેલી ખામીઓ કે અતાર્કિક મુદ્દાઓને પણ તે કેવી રીતે રજૂ કરે છે, વગેરે વાત ધ્યાનમાં રાખવી જોઈએ.

વાર્તાકથન : બધા સ્પર્ધકો એક જ વાર્તા વર્ણવે કે દરેક સ્પર્ધકને પોતાની રીતે પસંદ કરેલ વાર્તા કહેવા દેવી.

દરેક સ્પર્ધકને વાર્તાકથન માટે દસ મિનિટનો સમય આપો.

વાર્તાકથન કરનારની શૈલી, રજૂઆત, અવઢવ અને શ્રોતાઓ પર પડેલો પ્રભાવને ગુણાંકન વખતે ધ્યાનમાં લેવાં જોઈએ.

સ્મૃતિકસોટી : સ્મૃતિશક્તિની કસોટી કરવા માટે જરૂરી વિગતો કે ચીજવસ્તુઓને એક સ્થળે રાખો અને વિદ્યાર્થીઓને એ બધું નિહાળવાનો દસ મિનિટનો સમય આપો. પછી વિદ્યાર્થીઓને એકબાજુ બોલાવીને ચીજવસ્તુઓ કે વિગતોને યાદ કરીને એ બધું સ્પષ્ટાક્ષરે લખવા જણાવો.

વિદ્યાર્થીઓને એકીસાથે બેસાડો અને કોઈ રસપ્રદ વસ્તુઓનું વર્ણન ૧૦-૧૫ મિનિટ કરો. પછી વિદ્યાર્થીઓને એ વિગતો કે રસપ્રદ વસ્તુઓની યાદી સ્મૃતિશક્તિના આધારે કરવાનું કહો. વિદ્યાર્થીઓની લેખન સામગ્રી તમે વર્ણવેલ વિષયની જ છે કે નહિ તેની ખાતરી કરી લેવી જોઈએ.

આધ્યાત્મિક શક્તિનું પ્રગટીકરણ : આધ્યાત્મિક શક્તિનું પ્રગટીકરણ એટલે આપણી ભીતર રહેલ સુષુપ્ત દિવ્ય શક્તિઓને જાગ્રત કરવી. એના માટે – પ્રાર્થના, ભજન, ધ્યાન, નૈતિક કે આધ્યાત્મિક પ્રતિજ્ઞા લેવી – જેવાં સાધનોનો ઉપયોગ કરી શકો.

શં નો મિત્ર: શં વરુણ: । શં નો ભવત્વર્યમા । શં ન ઇન્દ્રો બૃહસ્પતિ: । શં નો વિષ્ણુરુરુક્રમ: । નમો બ્રહ્મણે । નમસ્તે વાયો । ત્વમેવ પ્રત્યક્ષંબ્રહ્માસિ । ત્વામેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ । ઋતં વદિષ્યામિ । સત્યં વદિષ્યામિ । તન્મામવતુ । તદ્વક્તારમવતુ । અવતુમામ્‌ । અવતુ વક્તારમ્‌ । ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ॥

‘મિત્ર દેવતા અમને કલ્યાણપ્રદ હો, વરુણ સુખકર હો, અર્યમા અમને સુખકર થાઓ, ઇન્દ્ર અને બૃહસ્પતિ અમને સુખકર હજો, વિશાળ પલંગવાળા વિષ્ણુ અમને સુખકર બનો. બ્રહ્મદેવને નમસ્કાર. હે વાયુદેવ! તમને નમસ્કાર, તમે જ પ્રાણરૂપે પ્રત્યક્ષ બ્રહ્મ છો. તમને જ હું પ્રત્યક્ષ બ્રહ્મ કહીશ, ઋત્‌ કહીશ, સત્ય કહીશ. તે બ્રહ્મ મારી રક્ષા કરો. આચાર્યની રક્ષા કરો, ૐ શાંતિ: શાંતિ: શાંતિ: – ત્રિવિધ તાપની શાંતિ હજો.’

વેદમનૂચ્યાચાર્યોઽન્તેવાસિનમનુશાસ્તિ । સત્યં વદ । ધર્મં ચર । સ્વાધ્યાયાન્મા પ્રમદ: । આચાર્યાય પ્રિયં ધનમાહૃત્ય પ્રજાતન્તું મા વ્યવચ્છેત્સી: । સત્યાન્ન પ્રમદિતવ્યમ્‌ । ધર્માન્ન પ્રમદિતવ્યમ્‌ । કુશલાન્ન પ્રમદિતવ્યમ્‌ ; ભૂત્યૈ ન પ્રમદિતવ્યમ્‌ । સ્વાધ્યાયપ્રવચનાભ્યાં ન પ્રમદિતવ્યમ્‌ ।

વેદનો ઉપદેશ કરીને આચાર્ય શિષ્યને શિખામણ આપે છે. સત્ય વચન બોલ, ધર્મનું આચરણ કરજે, સ્વાધ્યાયમાં આળસ ન કર, આચાર્ય માટે વહાલુ ધન લાવીને પ્રજાતંતુને છેદતો નહિ, સત્યમાં આળસ કરીશ મા. ધર્મમાં પ્રમાદ ન કરતો. કુશળતામાં પણ પ્રમાદ ન રાખતો; તેજસ્વી બનવામાં આળસ ન કરતો; સ્વાધ્યાય અને પ્રવચનમાં પ્રમાદ ન કરજે.

દેવપિતૃકાર્યાભ્યાં ન પ્રમદિતવ્યમ્‌ । માતૃદેવો ભવ । પિતૃદેવો ભવ । આચાર્યદેવો ભવ । અતિથિદેવો ભવ ।

દેવપિતૃકાર્યમાં આળસ કરતો નહિ, માતાને દેવરૂપે માનજે, પિતાને દેવરૂપે માનજે, આચાર્યને દેવરૂપે માનજે, અતિથિને દેવરૂપે માનજે.

યાન્યનવદ્યાનિ કર્માણિ । તાનિ સેવિતવ્યાનિ । નો ઇતરાણિ । યાન્યસ્માકં સુચરિતાનિ તાનિ ત્વયોપાસ્યાનિ । નો ઇતરાણિ । યે કે ચાસ્મચ્છ્રેયાં સો બ્રાહ્મણા: । તેષાં ત્વયાઽઽસને ન પ્રશ્વસિતવ્યમ્‌ ।

શાસ્ત્રે પ્રમાણેલ અમારાં નિર્દોષ કાર્યો હોય એનું જ આચરણ કરજો; બીજાનું નહિ. અમારા સારાં કાર્યો હોય એને આચરણમાં મૂકજો, બીજાં નહિ. જ્યારે વિદ્વજ્જનો ધર્મચર્ચામાં પ્રવૃત્ત હોય ત્યારે તમારે બોલવું ન જોઈએ.

શ્રદ્ધયા દેયમ્‌ । અશ્રદ્ધયાઽદેયમ્‌ । હ્રિયા દેયમ્‌ । ભિયા દેયમ્‌ । સંવિદા દેયમ્‌ ।

રાજી ખુશીથી શ્રદ્ધાથી જ આપવું જોઈએ, અશ્રદ્ધાથી ક્યારેય ન આપવું. તમને સાંપડેલ સદ્‌ભાગ્ય પ્રમાણે વિનમ્રતા અને ભાવપૂર્વક આપવું. જ્યારે તમે કંઈ દાન આપો ત્યારે તમારા મનમાં મૈત્રીભાવ રહે એવું કરજો.

અથ યદિ તે કર્મવિચિકિત્સા વા વૃત્તવિચિકિત્સા વા સ્યાત્‌ । યે તત્ર બ્રાહ્મણા: સમ્મર્શિન: । યુક્તા આયુક્તા:। અલૂક્ષા ધર્મ-કામાસ્સ્યુ: । યથા તે તત્ર વર્તેરન્‌ । તથા તત્ર વર્તેથા: । અથાભ્યાખ્યાતેષુ । યે તત્ર બ્રાહ્મણા: સમ્મર્શિન: । યુક્તા આયુક્તા: । અલૂક્ષા ધર્મ-કામાસ્સ્યુ: । યથા તે તેષુ વર્તેરન્‌ । તથા તેષુ વર્તેથા: ।

તમારાં કર્મ માટે તમને જરાય મનમાં શંકા હોય કે જીવનમાં તમારા વર્તનને કારણે સંભ્રમ હોય ત્યારે તમારે વિવેકપૂર્વક ભેદભાવ વિના બધું જોખનાર, અનુભવી સ્વતંત્ર વિચારસરણીવાળા, વિનમ્ર અને કાયદાનું અનુશાસન પાળનારા મહાપુરુષોને પગલે પગલે ચાલવું જોઈએ.

એષ આદેશ: । એષ ઉપદેશ: । એષા વેદોપનિષત્‌ । એતદનુશાસનમ્‌ । એવમુપાસિતવ્યમ્‌ । એવમુચૈતદુપાસ્યમ્‌ ।

આ છે આદેશ, આ છે ઉપદેશ, આ છે વેદોપનિષદનો રહસ્યમંત્ર. અહીં દર્શાવેલી રીતે દરેક વ્યક્તિએ વર્તવું જોઈએ. આ વસ્તુને જાણ્યા પછી કોઈ પણ વ્યક્તિએ જીવનના અંત સુધી ઉપર્યુક્ત રીતે અવિરતપણે કાર્ય કરતાં રહેવું જોઈએ. એ સિવાય બીજું કંઈ નહિ, કે બીજી કોઈ રીતે નહિ.

માર્ગદર્શન હેઠળ ધ્યાન : વૈદિક મંત્રોચ્ચાર અને ભજનગાન પછી પાંચમિનિટ માટે કોઈ આદર્શ વ્યક્તિના માર્ગદર્શન હેઠળ ધ્યાનનું સત્ર હોવું જોઈએ. ધ્યાન આપણી ભીતરની દિવ્યશક્તિઓને ઉઘાડવાની ગુરુ ચાવી છે, આપણા સ્વરૂપની સાચી ઓળખાણ, ધીરસ્થિર સ્વાતંત્ર્ય અને અડગશીલા જેવા આત્મસંયમને પ્રાપ્ત કરવા માટેનું તે એક મુખ્ય સાધન છે.

આજુબાજુનું વાતાવરણ બને તેટલું શાંત રાખવું. બાળકો જમીન પર ટટ્ટાર ઊભા રહેવાં જોઈએ. છાતી, ગરદન અને મસ્તક એક સીધી રેખામાં હોવાં જોઈએ.

ગહન-ગંભીર અને મૃદુ કંઠે આ સૂચનો આપવાં :

પગલું પહેલું : શ્વાસ અંદર લો અને ધીમે ધીમે ઊંડાણથી શ્વાસને છોડો. આ આયામ દસ વખત કરાવવો. (શ્વાસોચ્છ્‌વાસની ક્રિયા સામાન્ય અને તાલબદ્ધ રહેવી જોઈએ. શ્વાસને વિદ્યાર્થીઓ રોકી ન રાખે એ જોવું.)

પગલું બીજું : ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ ૐ નો મંત્ર જાપ જપો. (વિદ્યાર્થીઓને આ મંત્રજાપ કરવા માટે તમારે સક્રિય દોરવણી આપવી જોઈએ.)

પગલું ત્રીજું : તમારા હૃદયમધ્યે એક કમળ છે તેવી ધારણા કરો. આ કમળ સુવર્ણપ્રકાશ રેલાવી રહ્યું છે અને સુવર્ણમય કીરણમોજાંથી ઘેરાયેલું છે. તમે આ સુવર્ણપ્રકાશથી પૂર્ણપણે ઢંકાઈ જાઓ છો.

પગલું ચોથું : આ કમળ પર પ્રભુ વિરાજેલા છે અને તમારા તરફ સ્મિત વેરી રહ્યા છે એવી ધારણા કરો. પ્રભુનાં ચરણોમાં પ્રણામ કરો. એમનાં શ્રીચરણોને પકડી રાખો. શારીરિક શક્તિ, મનોબળ, વિનમ્રતા અને પવિત્રતા માટે એમને પ્રાર્થો.

આ મંત્રગાન સાથે ધ્યાનનું સત્ર પૂર્ણ કરો.

પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્પૂર્ણમુદચ્યતે ।

પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ॥ ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ॥

આ પછી વિદ્યાર્થીઓ પ્રકરણ નં.૭માં પ્રાર્થના વિભાગમાં આપેલ વૈશ્વિક પ્રાર્થનાઓનું ગાન કરી શકે.

રામકૃષ્ણ મઠ અને મિશનની શૈક્ષણિક સંસ્થાઓમાં જે વિધિ પ્રમાણે વિદ્યાર્થીઓ દ્વારા હોમ કરવામાં આવે છે. તે અહીં આપવામાં આવેલ છે. જેથી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ આ ભ્રાતૃવરણની ઉમદા પરંપરા અપનાવી શકે.

યથાવિધિ અગ્નિસંસ્થાપનાદિકૃત્યમ્‌ સમાપ્ય વિદ્યાર્થીન: હોમમ્‌ આરંભેત । તતો વિદ્યાર્થિન: સંકલ્પવાક્યં પઠેયુ: ॥

વિદ્યાર્થીઓ  જ્યારે વિધિપૂર્વક અગ્નિની સ્થાપના વગેરે કરી હોમની શરૂઆત કરે ત્યારે નીચે પ્રમાણે સંકલ્પનું વાક્ય વાંચે.

શ્રી ભગવત્‌પ્રીતિકામોઽહં વિદ્યાબુદ્ધિશૌચવીર્યકામશ્ચ વિદ્યાર્થી વ્રતમનુષ્ઠાતુમ્‌ યથાસાધ્યમ્‌ યતિષ્યે ।

તદર્થમદ્ય પુરોઽવસ્તિથે પરમાત્મદેવતાનામાગ્નૌ । ‘નમ: પરમાત્માને સ્વાહા’ ઈતિ મંત્રેણ સંકલ્પાન્‌ ઉચ્ચાર્ય હોમમહં કરિષ્યે ॥

અમો ભગવાનની પ્રીતિ, તેમજ વિદ્યા, બુદ્ધિ, પવિત્રતા અને શક્તિની કામના ધરાવીએ છીએ, માટે વિદ્યાર્થી-વ્રતોનું અનુષ્ઠાન કરી આ સાધનો મેળવવા પ્રયત્ન કરીશું. તે માટે અહીં સ્થાપેલ અગ્નિમાં દેવોને ‘નમ: પરમાત્મને સ્વાહા’ એ મંત્રનો ઉચ્ચાર કરી, હોમનો આરંભ કરીશું. પછી ‘પરમાત્મા દેવતા’ કહી અમારી સમક્ષના અગ્નિકુંડમાં આહુતિ અર્પણ કરીશું.

ૐ યજ્જાગ્રતો દૂરમુદૈતિ દૈવં તદુ સુપ્તસ્ય તથૈવૈતિ । દૂરંગમમ્‌  જ્યોતિષાં જ્યોતિરેકં તન્મે મન: શિવસંકલ્પમસ્તુ ॥

જાગ્રત અને સ્વપ્ન અવસ્થામાં મન દૂર જનાર અને તેજસ્વીઓમાં એ તેજોમય એવું મારું મન સારા સંકલ્પવાળું થાય.

તતો બદ્ધાંજલય: સંત: પ્રપદમંત્રં પઠેયુ: ।

પછી બન્ને હાથ જોડી પ્રપદમંત્રનો પાઠ કરવો.

તપશ્ચ તેજશ્ચ શ્રદ્ધાચ, હ્રીશ્ચ, સત્યંચાક્રોધશ્ચ, ત્યાગશ્ચ, ધૃતિશ્ચ, ધર્મશ્ચ, સત્યંચ, વાક્‌ ચ મનશ્ચાત્મા ચ, બ્રહ્મ ચ તાનિ પ્રપદ્યે । તાનિ મે ભવન્તુ, ભૂર્ભુવ: સ્વરોમ્‌ મહાન્તમાત્માનં પ્રપદ્યે ॥

તપ, તેજ, શ્રદ્ધા, લજ્જા, સત્ય, અક્રોધ, ત્યાગ, ધૈર્ય, ધર્મ, સત્યવાણી, આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાન આ બધું અમોને પ્રાપ્ત થાય. ભૂલોક, ભુવલોક અને સ્વર્ગલોકમાં એ મહાન આત્મતત્ત્વ અમોને પ્રાપ્ત થાય.

તત:  એકૈકશ: સંકલ્પપંચકમ્‌ પઠિત્વા આહુતિં દદ્યુ:।

આ પછી દરેકે, વ્યક્તિગત નીચેના પાંચ સંકલ્પો વાંચી અગ્નિમાં આહુતિ આપવી.

(૧) શરીરમાદ્યમ્‌ ખલુ ધર્મસાધનમ્‌ । ઈતિ નીતિવાક્યમવધાર્ય, શ્રમક્ષમનીરોગશરીરાય, સ્વાસ્થ્ય-વિધિપાલનપરો, ભવિતુમહં યથાસાધ્યમ્‌ યતિષ્યે ॥

(૧) ‘શરીર જ ધર્મનું સાધન છે’ એ નીતિવાક્ય પર ધ્યાન કરી શરીરનું સ્વાસ્થ્ય જાળવી અને તેને રોગ વગરનું અને શ્રમ કરવાને લાયક રાખવા માટે યથાશક્તિ પ્રયત્ન કરીશ.

ઓજોસિઓજો મયિ ધેહિ, બલમસિ બલમ્‌ મયિ ધેહિ । પુષ્ટિરસિ પુષ્ટિમ્‌ મયિ ધેહિ । ઊર્જાસિઊર્જમ્‌ મયિ ધેહિ ॥

હે (પરમાત્મા) તમો તેજ સ્વરૂપ છો માટે મને તેજસ્વી બનાવો, તમો બળસ્વરૂપ છો માટે મને બળવાન બનાવો, તમો સાક્ષાત્‌ પોષણ છો માટે મને પોષણ આપો, તમો શક્તિ સ્વરૂપ છો માટે મને શક્તિ આપો.

પેશયો મે લૌહસમા ભવન્તુ । સ્નાયવો મે આયાંસીવ ભવન્તુ । હૃદયં મે વજ્રસારમ્‌ ભવતુ । અસીમતેજોરૂપાય, શૌર્યવીર્ય નિલયાય અનંતશક્તિમૂર્તયે નમ: પરમાત્મને સ્વાહા ॥

મારા શરીરનું માંસ લોહ સમાન થાય. મારા સ્નાયુઓ પોલાદ સમાન થાય. મારું હૃદય વજ્રસમાન થાય. હે પરમાત્મા, તમો અસીમ તેજોમય છો. તમો શૂરતા અને વીરતાના પ્રતીક છો. તમો અનંતશક્તિશાળી છો. તમોને આહુતિ આપું છું.

(૨) ‘છાત્રાણામ્‌ અધ્યયનમ્‌ તપ:’ ઈતિ સ્મૃતિવાક્ય્‌મ્‌ અવધાર્ય, પ્રતિભાવિકાસાર્થમ્‌, આચારનિરતા અધ્યયનપરો, ભવિતુમહં યથાસાધ્યમ્‌ યતિષ્યે ॥

(૨) ‘વિદ્યાભ્યાસ કરવો એ જ વિદ્યાર્થીઓનું તપ છે’ એ સ્મૃતિ વાક્ય પર મનન કરી મારી બુદ્ધિની પ્રતિભા વધે અને મારા આચાર સારા થાય તે માટે યથાશક્તિ પ્રયત્ન કરીશ.

મેધામ્‌ મે ઈન્દ્રો દધાતુ, મેધામ્‌ દેવી સરસ્વતી ।

મેધામ્‌ મે અશ્વિનાવુભાવાધત્તામ્‌ પુષ્કરસ્રજા ॥

હે  ઈન્દ્ર, મને બુદ્ધિમાન બનાવો,

હે દેવી સરસ્વતી, મને બુદ્ધિશાળી બનાવો,

હે સૂર્યના બે પુત્રો, અશ્વિનીકુમારો, મને બુદ્ધિની શક્તિ આપો.

નિ:શેષતમોઘ્નાય, નિખિલવિદ્યામૂર્તયે, સર્વસિદ્ધિપ્રદાત્રે નમ: પરમાત્મને સ્વાહા ।

અવિદ્યાના અંધકારનો નાશ કરનાર, સર્વવિદ્યાની મૂર્તિસ્વરૂપ અને બધી રીતે સફળતા આપનાર હે પરમાત્મા, તમોને આહુતિ આપું છું.

(૩) સત્યમેવ જયતે નાનૃતમ્‌, સત્યેન પન્થા વિતતો દેવયાન: । ઈતિ શ્રુતિવાક્યમવધાર્ય, કાયેન મનસા વાચા સત્યપરાયણો ભવિતુમહં યથાસાધ્યં યતિષ્યે ॥

(૩) ‘સત્યનો જ હંમેશાં જય થાય, સત્યનો રસ્તો એ જ દેવોનો માર્ગ છે.’ આ પ્રમાણેનું વેદવાક્ય મનમાં વિચારી, શરીરની ક્રિયાથી, મનથી અને વાણીથી સત્યનું સેવન કરવા માટે યથાશક્તિ પ્રયત્ન કરીશ.

અસતો મા સદ્‌ગમય । તમસો મા જ્યોતિર્ગમય । મૃત્યોર્માઽમૃતમ્‌ ગમય ॥ સત્યાત્મકાય, સત્યધર્માશ્ર-યાય, નિખિલાનૃતમર્દિને નમ: પરમાત્મને સ્વાહા ।

હે દેવ! મને અસત્યમાંથી સત્યમાં લઈ જા.

અંધકારમાંથી તેજમાં લઈ જા.

મૃત્યુમાંથી અમૃતમાં લઈ જા.

સત્ય સ્વરૂપ, સત્ય ધર્મનો આશ્રય અને બધાં જ અસત્યનો નાશ કરનાર, હે પરમાત્મા, તમોને આહુતિ આપું છું.

(૪) સ્વાર્થો યસ્ય પરાર્થ એવ, સ પુમાનેક:  સતામગ્રણી:, ઈતિ મનીષિવાક્યમવધાર્ય, નીચતા, ક્રૂરતા, દાંભિક્તાદિ, મલિનસ્વાર્થ, સંતતીર્વિહાય, ઉદારચેતા, વિનયી શ્રદ્ધાવાન્‌, દેશભક્તો, નરનારાયણસેવાનિષ્ઠો, ભવિતુમહં યથાસાધ્યમ્‌ યતિષ્યે ॥

(૪) ‘જે વ્યક્તિ પરોપકારને જ પોતાનો સ્વાર્થ માને છે તે વ્યક્તિ ખરેખર ઉચ્ચ છે’ આ પ્રમાણેનું મહાપુરુષોનું વાક્ય વિચારીને, નીચપણું, ક્રૂરતા, દંભ અને મેલા સ્વાર્થને છોડી, ઉદાર, વિનયી, શ્રદ્ધાવાન, દેશભક્ત અને નરરૂપી નારાયણની સેવા કરનાર બનવા માટે હું યથાવિધિ પ્રયત્ન કરીશ.

શ્રૂયતામ્‌ ધર્મસર્વસ્વં શ્રુત્વા ચાપ્યવધાર્યતામ્‌ ।

આત્મન: પ્રતિકૂલાનિ, પરેષામ્‌ ન સમાચરેત્‌ ॥

પોતાને પ્રતિકૂળ હોય તેવું કાર્ય કોઈ પ્રત્યે ન કરવું. એ જ આપણો ધર્મ છે તે સાંભળો અને જીવનમાં અનુકરણ કરવાનો નિશ્ચય કરો.

માતૃદેવો ભવ । પિતૃદેવો ભવ । આચાર્યદેવો ભવ । અતિથિદેવો ભવ । યાન્યનવદ્યાનિ કર્માણિ । તાનિ સેવિતવ્યાનિ । નો ઈતરાણિ ॥

માતા દેવ છે, પિતા દેવ છે, આંગણે આવેલ મહેમાન (અતિથિ) દેવ છે. જે કર્મો સારાં છે તે જ કરો, ખરાબ આચરણથી દૂર રહો.

ચિત્તકલુષહરાય, કરુણાઘનમૂર્તયે, પ્રેમમાધુર્યદાયિને, નમ: પરમાત્મને સ્વાહા ।

મારા મનના પાપનું હરણ કરનાર, દયાની મૂર્તિ, પ્રેમ આપનાર હે પરમાત્મા, તમોને આહુતિ આપું છું.

(૫) સુપરિચાલિતા સંહતિશક્તિરેવ, સમાજકલ્યાણનિદાનં । અત: ઐક્યપ્રતિષ્ઠામૂલકમ્‌, સંહતિશક્તિ જાગરણાત્મકં, સંગચ્છધ્વમ્‌, સંવદધ્વમ્‌, સં વો મનાંસિ જાનતાં । ઈતિ શ્રુત્યાદેશમવધાર્ય સદુપાયપર:, સન્નહમ્‌, એતદ્‌ વિદ્યાપ્રતિષ્ઠાનગોષ્ઠીભુક્તૈ: સર્વૈરેક્યબદ્ધૌ, ભવિતું યથાસાધ્યમ્‌ યતિષ્યે ॥

(૫) સુવ્યવસ્થિત આચરણ અને સંપ કરવાની શક્તિ એ જ સુખી સમાજના પાયા છે. ‘માટે સુવ્યવસ્થિત રહો અને સંપ કરવાની તથા ઐક્ય જાળવવાની શક્તિનો ઉદય થાય તેવું આચરણ કરો’ આ વેદ-વચન પર મનન કરી આ વિદ્યાલયમાં બધા વચ્ચે સંપ અને એક્તાનું સ્થાપન કરવા માટે હું યથાશક્તિ પ્રયત્ન કરીશ.

વિશ્વરૂપાત્મકાય, અખંડૈકતત્ત્વાય, સર્વલોકાશ્રયાય, નમ: પરમાત્મને સ્વાહા ।

વિશ્વરૂપ, હંમેશાં એકતા ધરાવનાર અને બધાનો આશ્રય એવા પરમાત્માને આહુતિ આપું છું.

તત: એભિ: મંત્રૈર્જુહુયુ: ।

આ મંત્રો વડે આહુતિ આપો.

સંકલ્પેષુ એષુ, પરમાત્મદેવતા, મે સહાયો ભવતુ સ્વાહા । સ મે શુભાય ભવતુ સ્વાહા । ભવતુ શુભાય, ભવતુ શિવાય, ભવતુ ક્ષેમાય, પરમાત્મદેવતા સ્વાહા ॥

ઉપર કરેલા સંકલ્પો પાર પાડવા માટે પરમાત્મા મને સહાયરૂપ બનો. હે પરમાત્મા મારું, શુભ કરો, મંગળ કરો, મારી રક્ષા કરો.

ૐ વિશ્વાનિ દેવ, સવિતર્દુરિતાનિ પરાસુવ । યદ્‌ ભદ્રં તન્મ આસુવ સ્વાહા ।

ૐ હે વિશ્વ દેવ, અશુભનો નાશ કરો. જે શુભ છે તે જ કરો.

ૐ પરમાત્મને નમ:, ૐ ઈત: પૂર્વમ્‌ પ્રાણબુદ્ધિદેહધર્માધિકારતો, જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તાવસ્થાસુ, મનસા, વાચા, કર્મણા, હસ્તાભ્યામ્‌, પદ્‌ભ્યામુદરેણ શિશ્ના, યત્‌ કૃતં, યદુક્તં યત્‌ સ્મૃતં, તત્‌ સર્વમ્‌, બ્રહ્માર્પણમ્‌ ભવતુ સ્વાહા । મામ્‌ મદીયંચ સકલં, પરમાત્મને સમર્પયે । ૐ બ્રહ્માર્પણમ્‌ ભવતુ સ્વાહા । ૐ તત્‌ સત્‌ ।

હે પરમાત્મા! તમોને વંદન કરું છું.

આ પહેલાં પ્રાણ, બુદ્ધિ અને શરીરધારી મેં, જાગતાં, સ્વપ્નમાં અને નિદ્રામાં, મનથી, વાણીથી, કર્મથી, હાથથી, પગથી, પેટથી, ઈંદ્રિયોથી જે કર્મો કર્યા, જે શબ્દો બોલ્યા, જે વિચારો કર્યા એ સર્વ હું બ્રહ્મને અર્પણ કરું છું.

મારું અને મારા કુટુંબજનોનું જે છે તે તમોને અર્પણ કરું છું.

બધું જ બ્રહ્મને અર્પણ થાઓ.

ૐ તત્‌ સત્‌

પૂર્ણાહુતિ મંત્ર:

ૐ પૂર્ણમદ: પૂર્ણમિદં પૂર્ણાત્પૂર્ણમુદચ્યતે ।

પૂર્ણસ્ય પૂર્ણમાદાય, પૂર્ણમેવાવશિષ્યતે ॥

ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ॥

ૐ = સત્‌ ચિત્‌ આનંદ રૂપ

એ (પરબ્રહ્મ) સર્વ રીતે પૂર્ણ છે

આ (જગત) સર્વ રીતે પૂર્ણ છે.

એ પૂર્ણમાંથી આ પૂર્ણનો ઉદ્‌ભવ થયો છે એ પૂર્ણમાંથી આ પૂર્ણને કાઢતાં પાછળ પૂર્ણ (પરબ્રહ્મ) જ રહે છે.

ૐ શાંતિ: શાંતિ: શાંતિ:

(ત્રણ તાપોની શાંતિ થાય.)

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.