(ગતાંકથી ચાલું)

ચાંદની ઓરડાના અંદરના ભાગને થોડો પ્રકાશિત કરે છે તેમ, ઠાકુરનો ઓરડો એમના દેહસૌંદર્યથી ચમકતો રહેતો. એમનો ચહેરો કૃપાવંત અને પ્રેમાળ હતો. શિષ્યો બેસતા તે જ જાજમ પર એ નમ્ર્રતાથી બેસતા અને, ઈશ્વર વિશે વાતો કરીને એમને એ પ્રભાવિત કરતા. એમને ઓરડે ફૂલો કે ધૂપ ન હતાં છતાં એમના દેહમાંથી ઊઠતી, કમલના જેવી દિવ્ય સૌરભ મેં અનુભવી – પૂજ્ય શ્રીમાના એક મહાન ભક્ત ઈશાન મુખોપાધ્યાયે કહ્યું હતું કે : ‘કાલીઘાટના મંદિરમાં આવે છે તેવી દિવ્ય સુગંધ અહીં પણ આવે છે.’ ઠાકુરને મેં જોયા તેવું જ મને લાગ્યું કે એ સદાને માટે મારા છે. હું એટલો તો પ્રભાવિત અને આકર્ષિત થયો હતો કે, મારું માથું સ્વયં ઠાકુરને ચરણે નમ્યું. એમણે પણ આનંદપૂર્વક મને પોતાનો ગણ્યો અને કહ્યું : ‘તમે આવ્યા છો, નિરાંતથી બેસો.’

સચ્ચિદાનંદનું ધ્યાન કરતાં ઠાકુરનો દેહ એટલો તો કોમળ બની જતો કે, કડક પુરીનો કટકો કરતાં પણ એમની આંગળીએ ઈજા થતી. વાસ્તવમાં ઠાકુરનો દેહ માખણ જેવો મુલાયમ હતો. મારી ઉપર દયા કરીને એમણે મને પોતાના પગ દબાવવા દીધા પણ, હું એટલો ગભરાઈ ગયો હતો કે મારા ધીંગા હાથે હું એમને ઈજા પહોંચાડી બેસું તેવી ચિંતા થતી હતી.

કીર્તનના આનંદનો નશો ઠાકુરને ચડ્યો હોય ત્યારે, એમની કાયા તપ્ત કંચન સમી ઉજ્જવલ અને માખણ જેવી નરમ લાગતી; પોતાની સાથે સ્વર્ગેથી આણેલા અમૃતની એ લહાણી કરતા હોય તેમ લાગતું. એમને અર્ધભાનાવસ્થામાં ધીમે ધીમે અને તાલબદ્ધ નૃત્ય કરતા જોઈ અમે આશ્ચર્યમુગ્ધ બની જતા. એ આગળ પાછળ જતા હોય ત્યારે, એમનો ડાબો હાથ થોડો અદ્ધર રહેતો અને એમનો જમણો હાથ નીચે રહેતો તથા, એમનો ડાબો પગ આગળ રહેતો અને જમણો પાછળ રહેતો. કુસુમ સરખું આવું કોમળ શરીર આટલું મધુર અને આટલું મસ્ત નૃત્ય કરે એ માની શકાય તેમ ન હતું! એમનું ઉભરાતું દિવ્ય રૂપ પીગળીને ભક્તો ઉપર ફેલાતું એમ અમને લાગતું. શ્રીરામકૃષ્ણના સૌંદર્યને વર્ણવવા માટે ભાષા ટાંચી છે; માત્ર ધ્યાન દ્વારા જ એ પામી શકાય.

તમે મારે વિશે શું ધારો છો?

સર્વજ્ઞ એવા શ્રીરામકૃષ્ણ બીજાના વિચારો અને મનોભાવો જાણી જતા. છતાં, સાધારણ માનવીની માફક, નવા આગંતુકોની સાથે પહેલી જ મુલાકાત દરમિયાન કે, એમની સાથે થોડો પરિચય થયા પછીથી એ પૂછતા : ‘વારુ, મારે વિશે તમે શું ધારો છો?’ અલબત્ત, દરેકને એ આમ ન પૂછતા. પોતે યોગિક દર્શનમાં જેમને જોયા હોય તે જ ભક્તોની સમજની કસોટી કરવા તેમને પૂછતા. જુદા જુદા લોકો જુદો જુદો જવાબ આપતા : કોઈ કહેતું કે, ‘આપ સાચા સાધુ છો.’ બીજા કહેતા કે, ‘ઈશ્વરના સાચા ભક્ત છો?’ ‘મહાપુરુષ છો’, ‘સિદ્ધ છો’, ‘ઈશ્વરનો અવતાર છો’, ‘પૂર્ણાત્મા છો’, ‘સ્વયં ચૈતન્ય મહાપ્રભુ છો’, ‘સાક્ષાત્‌ શિવ છો’, વગેરે. બ્રાહ્મસમાજી હતા અને અવતારમાં માનતા ન હતા તેઓ કહેતા કે, ‘કૃષ્ણ, બુદ્ધ, જીસસ, ચૈતન્ય વ.ની સમાન આપ પણ ઈશ્વરના પ્રેમી છો.’

એક દિવસ શ્રીઠાકુરે મ.ને કહ્યું કે : ‘મારે તમને કશુંક પૂછવું છે. મારે વિશે તમે શું ધારો છો? કેટલા આના ઈશ્વરનું જ્ઞાન મારી પાસે છે?’

મ.એ ઉત્તર આપ્યો કે : ‘આના’થી આપ શું કહેવા માગો છો તે હું સમજતો નથી. પણ મને આ વાતની ખાતરી છે કે, આવું જ્ઞાન, આવી ઉન્મત્ત ભક્તિ, ઈશ્વરમાં શ્રદ્ધા, ત્યાગ અને સર્વને આવરી લેવાની વૃત્તિ બીજે ક્યાંય મેં જોયાં નથી.’

બીજે એક દિવસે મ. બોલ્યા હતા કે : ‘આપને ઈશ્વરે પોતાને જ હાથે ઘડ્યા છે અને બીજાઓને યંત્રોથી. બીજા સૌને એણે નિયમાનુસાર બનાવ્યા છે.’

હસીને ઠાકુર બોલ્યા કે : ‘આ શું બોલે છે તે સાંભળો!’ અને પછી એ બોલ્યા કે : ‘ખરે જ, મારામાં જરાય અહંકાર નથી – ના, જરા સરખોય નહીં.’

રામકૃષ્ણનો ‘હું’, એમનો અહંભાવ, સદાને માટે મૃત્યુ પામ્યો હતો. જ્ઞાનાગ્નિએ એમના અહંને બાળી નાખ્યો હતો અને એ બળેલી સીંદરીને રૂપે હતો, એને આકાર હતો પણ કોઈને એ બાંધી શકે નહીં. આને ‘પક્વ અહં’ કહેવાય છે. અહંભાવ વિના માનવીઓ રહી શકે નહીં. પણ, પોતાના આ પાકા અહં વડે ઠાકુરે પોતાની દિવ્ય લીલા રચી હતી.

એક દિવસ હાજરા સાથે ઠાકુર ગમ્મત કરી રહ્યા હતા. એમની વચ્ચેની વાતોનું ઠાકુરે પછીથી વર્ણન કર્યું છે. ‘અહીં આવતા લોકો વિશે તું શું ધારે છે તે મને કહે: એમ મેં હાજરાને પૂછ્યું. દરેકમાં સત્ત્વ કેટલું છે?’ એ બોલ્યા કે, ‘નરેન્દ્રમાં સો ટકા છે ને મારા (હાજરા-પોતા)માં એકસો દસ ટકા છે.’ ‘મારી બાબત શું?’ મેં (શ્રીઠાકુરે) પૂછ્યું, એણે કહ્યું કે, ‘હજી તમારામાં (રજસ) લાલ રંગની થોડી છાંટ છે. તમારામાં માત્ર પોણો સો ટકા છે એમ મારે કહેવું જોઈએ.)

બીજા ભક્તની સાથે વાતના અનુસંધાનમાં મ.એ એકવાર કહ્યું કે : ‘ઠાકુરે એક દિવસ કેશવ સેનને પૂછ્યું, ‘મારામાં ઈશ્વરનું જ્ઞાન કેટલા આના છે તે કહો.’ કશો જ ઉત્તર આપતાં કેશવ અચકાતા હતા. આખરે એ બોલ્યા કે : ‘મારે શું લુહારને સોય વેચવી? આપને વિશે હું શું કહું?’ પણ ઠાકુર આગ્રહ કરવા લાગતાં કેશવે કહ્યું કે : ‘આપની પાસે સોળે સોળ આના (સો ટકા) જ્ઞાન છે.’ આના ઉત્તરમાં ઠાકુર બોલ્યા કે : ‘તમારી વાત હું માનતો નથી. નારદે અને શુકદેવે કહ્યું હોત તો માનત.’ ઠાકુરે શું કેશવનું અપમાન કર્યું હતું? ના, નહીં. કેશવને એ એટલું જ જણાવવા માગતા હતા કે, જેઓ નામ, કીર્તિ, સત્તા, સ્થાન અને સંસારી સુખમાં વ્યસ્ત છે તેઓ સત્ય સમજી શકે નહીં. એ માત્ર પોતાના આધ્યાત્મિક સ્થાનનો નિર્દેશ કરતા હતા.

નામ અને કીર્તિની તૃષ્ણાને ઠાકુરે એવા તો ચાબખા માર્યા હતા કે, એ કદી પોતાનું માથું ઊંચું કરી શકે નહીં. કેથલિક પરંપરા અનુસાર, કોઈ વ્યક્તિ પોતાના જીવન દરમિયાન કે પછી, ત્રણ ચમત્કાર કરે તો, તેને સંત (Saint) જાહેર કરી શકાય. વળી; બીજી કેટલીક શરતો પણ પૂર્ણ થવી જોઈએ. આજકાલ અવતાર થવું આસાન બની ગયું છે. ગુરુને થોડા મતાંધ શિષ્યો મળ્યા કે એ લોકો ગુરુને અવતાર જાહેર કરી દે છે. ઠાકુરે એકવાર ગમ્મતમાં કહ્યું હતું કે, ‘પાન ચાવતો અને હાથમાં નેતરની સોટી ધારણ કરતો છેલબટાઉ આવીને મને અવતાર કહેવા લાગે છે. એથી હું મારે રાજી થવું?’

રત્નનું મૂલ્ય ઝવેરી જ પારખી શકે, રીંગણાં જોખું નહીં. ખૂબ આધ્યાત્મિક સાધના કર્યા પછી જ, સાધક અવતારને ઓળખી શકે છે. ભક્તિના આવેગમાં આવી જઈને, કેટલાક ભક્તોએ ઠાકુરને અવતાર જાહેર કર્યા ત્યારે, ઠાકુરે કહ્યું કે : ‘એક દાક્તર છે (રામચંદ્ર દત્ત), ને બીજો નાટક શાળાનો મેનેજર છે (ગિરીશ ઘોષ). એ લોકો મને અવતાર કહે છે. આમ મને અવતાર કહીને એમણે મને ખૂબ પ્રસિદ્ધિ આપી છે એમ તેઓ માને છે. પણ અવતાર વિશે તેઓ શું જાણે છે?’

અવતારને ઓળખવો અતિ કઠિન છે. એ શા માટે તે ગીતામાં સમજાવતાં શ્રીકૃષ્ણ કહે છે કે, ‘ત્રણ ગુણોથી જન્મેલી માયાથી આચ્છાદિત હોઈને હું સૌ સમક્ષ પ્રગટ થતો નથી.’ (૭ : ૨૫) ‘હું મનુષ્યરૂપ ધારણ કરું છું ત્યારે મૂઢ લોકો મને જાણી શકતા નથી.’ (૯ : ૧૧) અવતારની ધારણા વિશે ઠાકુરે પોતે પણ કહ્યું હતું : ‘એ એક અજાણ વૃક્ષ છે’; ‘એ છૂપે વેશે આવેલ રાજા છે’; ‘એ અનંત છે પણ એ સાડાત્રણ હાથના માનવદેહમાં પ્રવેશે છે’; ‘એ પકડાવા માગતો નથી, કોઈ તેને પકડી શકતું નથી.’ (૧:૨:૨૩માં) કઠ ઉપનિષદ કહે છે કે, ‘આત્મા જેને પસંદ કરે છે તે જ તેને પ્રાપ્ત કરી શકે છે.’ ઠાકુર કહેતા ફોજદાર રાતે અંધારામાં રોનમાં નીકળે ત્યારે એમના એક હાથમાં ફાનસ હોય છે. એમનું મોઢું કોઈ જોઈ શકતું નથી. એમનું મોઢું તમારે જોવું હોય તો તમારે એમને કહેવું પડે કે : ‘સાહેબ, જરા તમારા મોઢા આગળ બત્તી ધરો ને મને આપને જોવા દો.’ એ જ રીતે ઈશ્વરનાં દર્શન માટે એની પ્રાર્થના કરવી જોઈએ. સૂર્યના પ્રકાશથી આપણે સૂર્યને નિહાળી શકીએ છીએ તેમ, ઈશ્વરની કૃપાથી જ ઈશ્વરદર્શન કરી શકીએ. જુદે જુદે સમયે જુદા જુદા ભક્તોને શ્રીરામકૃષ્ણ જુદે જુદે સ્વરૂપે દેખાયા હતા. શ્રીરામકૃષ્ણ વિવિધ રૂપધારી ઈશ્વર હતા એમ એમનાં દર્શનો પુરવાર કરે છે.

વૈશ્વિક આત્મા તરીકે શ્રીરામકૃષ્ણ

શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગમાં સ્વામી શારદાનંદે લખ્યું છે : એકવાર ગદાધર (શ્રીરામકૃષ્ણનું બાળપણનું નામ એ હતું) સાત આઠ મહિનાના હતા અને માતા ચંદ્રાદેવી તેમને ધવરાવતાં હતાં ત્યારે, ગદાધર ઊંઘી ગયા. એને સુવાડી, એની ઉપર મચ્છરદાની નાખી. પછી ત્યાંથી જઈને એ પોતાને કામે વળગ્યાં. થોડીવાર પછી કંઈ કામ માટે ચંદ્રાદેવી એ ઓરડે ફરીથી ગયાં અને જોયું તો, પોતાના શિશુ પુત્રને બદલે લાંબો અજાણ્યો જણ ત્યાં સૂતેલો એમને દેખાયો. આખી પથારી જેટલો એ લાંબો હતો. ગભરાઈને એમનાથી ચીસ પડાઈ ગઈ, તત્ક્ષણ બહાર ચાલી ગયાં અને પતિને બૂમો મારવા લાગ્યાં. ક્ષુદીરામ આવ્યા ત્યારે, જે બન્યું હતું તે ચંદ્રાદેવીએ તેમને કહ્યું. બંને ઓરડામાં ગયાં તો ત્યાં કોઈ અજાણ્યો જણ દેખાયો નહીં; બાળક જ પૂર્વવત્‌ સૂતો હતો. છતાં ચંદ્રાદેવીનો ભય ગયો નહીં. ‘કોઈ ભૂતપ્રેત એને વળગ્યું હશે. મારા દીકરાને બદલે મેં મોટા માણસને સૂતેલો સ્પષ્ટ જોયો હતો. એ ભ્રમ ન હતો – એની શક્યતા જ ન હતી. કોઈ જાણીતા ભૂવાને બોલાવી તપાસ કરાવો નહીં તો કોણ જાણે શી ઉપાધિ આવી પડશે.’ એમ ચંદ્રાદેવી ફરી ફરી કહેવા લાગ્યાં.

એમને સાંત્વના આપતાં ક્ષુદીરામે કહ્યું કે : ‘આપણા દીકરાના જન્મ પહેલાં આપણને દિવ્ય દર્શનો થયાં હતાં. તમે મોટા માણસને જોયો એમાં નવાઈ પામવા જેવું નથી. દીકરાને કંઈ વળગાડ છે એવો વહેમ ના રાખો. રઘુવીર સાક્ષાત્‌ આપણા ઘરમાં વસે છે એટલે કોઈ ભૂતપ્રેત અહીં આવી શકે જ નહીં. એટલે ધરપત રાખો અને આ વાત કોઈને કરતાં નહીં. રઘુવીર સ્વયં બાળકનું સદા રક્ષણ કરે છે.’

દેવદેવીઓથી સભર રામકૃષ્ણ

કામારપુકુરના ધર્મદાસ લાહાની દીકરી પ્રસન્ન આ ગદાધરને સાચા ગદાધર (ભગવાન વિષ્ણુ) જ માનતી હતી. આ નાના બાળકને મુખેથી દેવદેવીઓની પવિત્ર વાર્તાઓ સાંભળીને તથા એને ભજનો ગાતો સાંભળીને સરળ હૃદયની પ્રસન્ન આકર્ષાઈ હતી. એ વારંવાર એને પૂછતી : ‘જો, ગદાઈ, તું મને કોઈક વાર ઈશ્વર જેવો કેમ દેખાય છે? હા, તું ઈશ્વર છો એમ મને ખરેખર લાગે છે.’ આ સાંભળી એ બાળક મીઠું હસે અને કશો જવાબ ન આપે; અથવા, એ વિષયાન્તર કરે. બાળકના શબ્દોથી અચકાયા વિના, પ્રસન્ન ડોકું ધુણાવી, ગંભીર બની બોલે : ‘તું ઠીક લાગે તે બોલ, તું કંઈ સામાન્ય માનવી નથી.’

આનુડમાં આવેલા દેવી વિશાલાક્ષીને મંદિરે, પ્રસન્ન સહિતની ગામની કેટલીક સ્ત્રીઓ સાથે બાલ ગદાધર એકવાર ગયો. પણ દેવીનાં ગુણગાનનાં ભજનો ગાતાં, એક અસાધારણ ઘટના બની ગઈ; ગદાધર અચાનક મૂંગો બની ગયો અને એનો દેહ જડ, અચેતન બની ગયો. એની આંખોમાંથી આંસુ સરવા લાગ્યાં. એ શું માંદો પડી ગયો છે તેમ એને સ્ત્રીઓએ પૂછતાં એણે કશો જવાબ ન આપ્યો. આમ ચાલવા એ બાળક ટેવાયેલો નથી એ તેમને ખબર હતી એટલે એમને ડર લાગ્યો કે બાળકને લૂ લાગી છે. નજીકના કોઈ તળાવેથી પાણી લાવી એ સૌ ગદાધરનાં મસ્તક તથા આંખો પર છાંટવા લાગી. પણ ગદાધરને ભાન ન આવ્યું. અસહાય થઈ એ સ્ત્રીઓ ચિંતા વ્યક્ત કરવા લાગી કે, ‘આ પરિસ્થિતિમાંથી માર્ગ કેમ કાઢવો અને દેવીપૂજનની પ્રતિજ્ઞા શી રીતે પૂરી કરવી? પારકાના લાડકા આ ગદાઈને સાજોનરવો ઘેર કેમ પહોંચાડવો? અહીં મદદ કરનાર બીજું કોઈ તો છે નહીં, હવે કરવું શું?’ એ સ્ત્રીઓ ખૂબ ગભરાઈ ગઈ અને દેવદેવીઓને સાવ ભૂલી ગઈ. ગદાધરને ઘેરો વળીને એ સૌ પાલવ વડે એને પંખો નાખવા લાગી અને વારંવાર એને પોકારવા લાગી.

થોડી વેળા પછી પ્રસન્નને વિચાર આવ્યો કે કદાચ, આ ભોળા, વિશ્વાસુ છોકરાને દેવી વિશાલાક્ષી દેહમાં આવ્યાં હોય. એણે પોતાનાં સાથીઓને કહ્યું કે, ‘સરળ અને નિષ્પાપ બાળકોને તથા મોટેરાઓને દેવદેવીઓ શરીરમાં આવે છે. તો, એ બોલી, ‘ગદાઈને બોલાવવાને બદલે આપણે મા વિશાલાક્ષીને બોલાવીએ.’ પ્રસન્નના ઉમદા ચારિત્ર્યને કારણે સ્ત્રીઓને પ્રસન્ન પ્રત્યે ખૂબ આદર હતો. એટલે એ સૌએ પ્રસન્નનું સૂચન સ્વીકાર્યું અને, ગદાઈ પોતે જાણે દેવીસ્વરૂપ હોય તેમ એને સંબોધી સૌ બોલવા લાગી કે : ‘હે મા વિશાલાક્ષી, અમારી ઉપર કૃપા કરો, કરુણા કરો અને, મા, અમને આ મોટા ભયમાંથી બચાવો.’

આશ્ચર્ય વચ્ચે એ મહિલાઓએ થોડીવાર દેવીને પ્રાર્થ્યા તેવું જ ગદાધરનું મુખ મધુર હાસ્યથી ચમકવા લાગ્યું અને એ ભાનમાં આવતો જણાયો. એ બાળકમાં દેવી આવ્યાં હતાં એની તેમને ખાતરી થઈ ગઈ; તેઓ એને વારંવાર પગે લાગવા મંડી અને એને માતાજી તરીકે સંબોધી પ્રાર્થના કરવા લાગી.

એકવાર વિશ્વાસ(નામ)ને ઘેર ઠાકુર વામનદાસને મળવા ગયા. ‘ભલી થાય.’ માણસને વાઘ પકડે તેમ માતાજી એ એમને જકડી લીધાં છે.’ એમ એને બોલતાં ઠાકુરે સાંભળ્યા હતા.

કેશવ સેન અને પ્રતાપ મજુમદાર સાથે એકવાર નાવમાં બેસીને રેવરંડ જોસેફ કુક શ્રીરામકૃષ્ણને મળવા ગયા. એમની સાથે નાવમાં ગંગા પર પ્રવાસ કરતાં ઠાકુરને સમાધિ લાગી ગઈ. ઠાકુરને સમાધિસ્થ જોઈ પ્રતાપ બોલી ઊઠ્યા : ‘ભલા ભગવાન! એમને જાણે ભૂત વળગ્યું હોય તેમ જણાય છે!’

મથુરની કુંડળીમાં લખ્યું હતું કે, એના ઈષ્ટ એની ઉપર નિત્ય કૃપા કરશે – એટલું જ નહીં પણ, એ જ્યાં જશે ત્યાં ત્યાં એની સાથે જશે અને મથુરનું રક્ષણ કરવા માટે માનવદેહ ધારણ કરશે. પડછાયાની જેમ મથુર ઠાકુરને અનુસરતા. એક દિવસે મથુરે એમને કહ્યું કે : ‘બાબા, આપની અંદર ઈશ્વર સિવાય બીજું કશું છે જ નહીં. આપનું શરીર તો ખાલી ખોખું માત્ર છે. એ બહારથી ભલે કોળા જેવું દેખાય પણ એની અંદર લોહીમાંસ, કશું જ નથી. એકવાર આપને બુરખો ધારણ કરીને ફરતા મેં જોયા હતા.’

રામકૃષ્ણનો પિતરાઈ હલધારી પંડિત હતો. ઠાકુર પ્રત્યે એ હલકી નજરે જોતો અને એમનો દિવ્ય ઉન્માદ એ સમજી શકતો નહીં. પરંતુ, કોઈવાર ઠાકુરની સમાધિથી એ ખૂબ અચરજમાં ડૂબી જતો. અસમંજસમાં પડી હલધારીએ એકવાર હૃદયને કહ્યું કે, ‘હૃદય, રામકૃષ્ણમાં તને કોઈ દૈવી ઉપસ્થિતિ દેખાઈ હશે; નહીં તો તું આટલી નિષ્ઠાપૂર્વક એમની સેવા ના કરે.’

હલધારીના વલણ વિશે ઠાકુરે જણાવ્યું હતું કે :

મંદિરમાંની મારી નિષ્ઠાભરી પૂજાથી આકર્ષાઈ હલધારી મને અનેકવાર કહેતો કે, ‘રામકૃષ્ણ તમારી સાચી પ્રકૃતિ કઈ છે તે હું હવે સમજી શકું છું!’ એટલે હું એને ગમ્મતમાં કહેતો કે, ‘તો પછી હવે કદી ગોટાળામાં ન પડતો.’ એટલે એ બોલતો, હવે તમે મને છેતરી નહીં શકો. ઈશ્વર નક્કી તમારામાં વસે છે. આ વેળા મને ખાતરી છે.’ એટલે હું જવાબ આપતો : ‘વારુ, તારી આ ખાતરી કેટલી ટકે છે તે મને જોવા દે.’ પછી મંદિરની સેવા પૂજા કર્યા પછી એ બજરનો સડાકો ભરે અને ભાગવત કે ગીતા આધ્યાત્મ રામાયણ ઉપર વાર્તાલાપ આપવા માંડે. એટલે એ અહંકારથી ફૂલાઈ જાય. અને બીજી વ્યક્તિ બની જાય. કોઈવાર હું એના વાર્તાલાપ સાંભળું અને કહું કે, ‘જે બધી આધ્યાત્મિક દશાઓની તું વાત કરે છે તે સઘળીનો મેં સાક્ષાત્કાર કરેલો છે. શાસ્ત્રોમાં છે તે સઘળું હું સમજી શકું છું.’ ગુસ્સે થઈ એ તરત બોલી ઊઠે : ‘મૂરખ! તમે શાસ્ત્રો સમજી શકો છો એમ તમે માનો છો?’ હું કહું કે, ‘મારી વાત માન. આ દેહમાં જે વસે છે તે મને બધું શીખવે છે. મારી અંદર કશી દિવ્ય ઉપસ્થિતિ છે એમ તેં થોડીવાર પહેલાં જ કહ્યું હતું. એ (દિવ્યતા) જ તો મને બધું કહે છે.’ પછી એ ક્રોધથી લાલચોળ થઈ જાય અને મને કહે: ‘ચાલતો થા અહીંથી, મૂર્ખ ચક્રમ! તું ભગવાનનો અવતાર હોવાનો દાવો કરે છે શું? આ યુગમાં એક જ અવતાર થશે એમ શાસ્ત્રો કહે છે ને એ થશે કલ્કી. આવા વિચારો કરે છે તે તારી ડાગળી ચસકી ગઈ લાગે છે!’ એટલે, હસીને હું પૂછું : ‘હવેથી તું ફરીથી ગરબડ નહીં કરે એમ તેં કહ્યું ન હતું?’ પણ એવા ખ્યાલમાં એ હોય ત્યારે મને સાંભળે જ નહીં. આ દૃશ્ય અમે અનેકવાર ભજવતા. એક દિવસે એણે મને પંચવટીમાં વડના ઝાડ ઉપર હું નિર્વસ્ત્ર દશામાં ભાવમાં બેઠો હતો અને નાના બાળકની માફક પેસાબ કરતો હતો. મને કોઈ ભૂત વળગ્યું છે એવી પાકી ખાતરી એને ત્યારથી થઈ ગઈ.

હલધારી કૃષ્ણ ભક્ત હતો અને મા કાલીના ભયંકર રૂપથી એ અકળાતો હતો. સ્વામી શારદાનંદે લખ્યું છે કે : ‘એક દિવસ હલધારી ઠાકુરને પણ પૂછવા લાગ્યો : ‘શું તમસ મૂર્તિ કાલીની ભક્તિ કરીને કોઈ માણસ કશી આધ્યાત્મિક પ્રગતિ કરી શકે? તમે એની પૂજા શા માટે કરો છો?’ ઠાકુરે એને ઉત્તર ન આપ્યો પણ એમને ઊંડું દુ:ખ થયું. કાલીમંદિરમાં જઈ રુદન કરતાં એ બોલ્યા કે : ‘મા! મોટો પંડિત અને શાસ્ત્રજ્ઞ એવો હલધારી કહે છે કે, આપ ક્રોધ અને વિનાશ સિવાય કશું જ નથી. એ સાચું છે શું?’ એમને તરત જ પ્રતીતિ થઈ : મા કાલીએ એમની સમક્ષ પોતાનું પૂર્ણ રૂપ પ્રગટ કર્યું : આનંદ અને નિશ્ચિંતતાથી હલધારી બેઠો હતો ત્યાં રાધાકાંત મંદિરમાં શ્રીઠાકુર ગયા અને એને ખભે ચડી બેઠા. ઉત્તેજિત થઈ એ હલધારીને વારંવાર કહેવા લાગ્યા કે, ‘તું એમ તે કેમ કહી શકે કે મા ક્રોધમય અને તમસપૂર્ણ છે? એ બધું જ છે. એ મૂર્તિમંત ત્રણ ગુણો છે ને વળી એ શુદ્ધ પ્રેમસ્વરૂપ અને શુભંકરી છે.’ ઠાકુરના બોલથી અને દિવ્ય સ્પર્શથી હલધારીના અંતરમાં પ્રકાશ પથરાયો. એ પૂજારીને આસનેથી જ એણે ઠાકુરના શબ્દો અંત:કરણપૂર્વક સ્વીકાર્યા. ઠાકુરમાં એણે માતાજીનું મૂર્તિમંત સ્વરૂપ નિહાળ્યું અને ભક્તિથી અભિભૂત થઈ ઠાકુરને ચરણે એણે ચંદન પુષ્પ ચડાવ્યાં. તરત જ હૃદય હલધારી પાસે આવ્યો અને બોલ્યો : ‘મામા, તમે કહેતા હતા કે રામકૃષ્ણમાં ભૂત ભરાયું છે. એમની પૂજા કરવા તમને કોણે પ્રેર્યા?’ હલધારી બોલ્યો કે : ‘હું જાણતો નથી. કાલીમંદિરમાંથી એ બહાર આવ્યા તે ભેગો જ એમનામાં દેવી પ્રગટેલાં મેં સ્પષ્ટપણે જોયાં. એમની સાથે હું જ્યારે પણ કાલીમંદિરમાં હઉં છું ત્યારે ત્યારે એ મારી ઉપર તેવી જ અસર કરે છે. એ અચરજભર્યું છે! હું એને જરાય સમજી શકતો નથી.’

(ક્રમશ:)

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.