આપણી પ્રાચીન આશ્રમ વ્યવસ્થા અનુરૂપ વિવિધ આચારોનું પાલન આપણે કરવાનું હોય છે અને એ પાલનમાં સહાયરૂપ થાય અને માર્ગદર્શક બને તેવા નિયમો ઘડવામાં આવ્યા છે. દરેક આશ્રમ માટે નિયમો જુદા જુદા હોય એ સ્વભાવિક છે. ઠાકુર શ્રીરામકૃષ્ણ ક્યા આશ્રમમાં હતા? એમણે ક્યા આશ્રમધર્મનું પાલન કરવાનું હતું?

સને ૧૮૫૫માં, મોટા ભાઈ રામકુમારની આંગળી પકડી ગદાધર (શ્રીઠાકુર) દક્ષિણેશ્વરને કાલીમંદિરે ગયા ત્યારે એ બ્રહ્મચારી હતા. ત્રણ વર્ષ પછી ૧૮૫૮માં લગ્ન કરી એ ગૃહસ્થાશ્રમી બન્યા. પણ જેની સાથે એમણે લગ્ન કર્યા હતા તે કન્યા માત્ર પાંચ વરસની બાળકી હતી એટલે એની સાથે સંસાર માંડવાનો વિચાર પણ કરી શકાય તેમ ન હતું. વાત માત્ર આટલી જ ન હતી. પોતે લગ્ન કર્યા છે એ વાત જાણે તેઓ સાવ વીસરી ગયા હોય તેમ પોતાનાં પત્નીને પૂરા ભૂલી ગયા લાગતા હતા. પત્ની સાથે પત્ર વ્યવહાર કદાચ શક્ય હતો પરંતુ, શ્રીરામકૃષ્ણે શ્રીશારદાદેવી સાથે કશો સંદેશ-વ્યવહાર પણ રાખ્યો ન હતો. ‘નજર બહાર એટલે ધ્યાન બહાર’, એ અંગ્રેજી કહેવત જેવું એ હતું.

પણ, પોતાની ઓગણીસ વર્ષની વયે શ્રીરામકૃષ્ણનાં પત્ની શારદાદેવી સામે ચાલીને પતિને ત્યાં ગયાં અને તેઓ બંનેનો ગૃહસ્થાશ્રમ આરંભાયો. શ્રીરામકૃષ્ણ ભક્ત હતા, જ્ઞાની હતા, સંન્યાસી હતા, સાધક હતા પણ એમણે ગૃહત્યાગ કર્યો ન હતો તેમજ ભગવાં વસ્ત્રો અપનાવ્યાં ન હતા. સુદામા અને નરસિંહ મહેતાની માફક તેઓ સંસારમાં જ રહ્યા હતા. ફરક એટલો કે સુદામાજી અને મહેતાજી બાળકોના પિતા બન્યા હતા જ્યારે શ્રીઠાકુર ગૃહસ્થ બન્યા છતાં, પત્ની સામે ચાલીને આવ્યાં હોવા છતાં, બ્રહ્મચર્યમાંથી ચલાયમાન થયા ન હતા. અને એ દંપતિએ ગૃહસ્થાશ્રમ પણ માંડ્યો.

પણ સંસારના સામાન્ય ગૃહસ્થો માંડે છે તેવો ગૃહસ્થાશ્રમ એ ન હતો. સંસારી ગૃહસ્થાશ્રમમાં પતિપત્નીને જોડનાર તત્ત્વ કામ છે તેનો આ બંનેનાં જીવનમાં સંપૂર્ણ અભાવ હતો.’ ‘આપને વાસનાના સંસારમાં ઘસડી જવા હું નથી આવી પણ, આપની સાધનામાં સહાયરૂપ બનવા આવી છું’, એવા લોકોત્તર બોલ બોલનાર વ્યક્તિ નિરક્ષર ગ્રામનારી હતી એ તેનામાં રહેલી અક્ષરોપાસના કેટલી ઉચ્ચ કક્ષાની હશે તે દર્શાવે છે.

શ્રીશારદાદેવીમાંની આ ઉચ્ચ, અનન્ય શક્તિને પિછાનીને શ્રીઠાકુરે શારદાદેવીનું વિધિવત્ પૂજન કરી એમને દેવીપદે સ્થાપી દીધાં. પ્રખ્યાત ગ્રીક તત્ત્વવેત્તા સોક્રેટિસની પત્ની જેવાં શારદાદેવી હોત તો? કદાચ, તો પણ, શ્રીરામકૃષ્ણ એને ખૂબ ઊંચેરી કક્ષાએ લઈ જાત એમ, સુરેન્દ્ર, ગિરીશ, વગેરેના ઠાકુરે કરેલા ઉદ્ધારથી આપણે કલ્પના કરી શકીએ છીએ.

માર્ચ ૧૮૭૨થી ઓગસ્ટ ૧૮૮૬ સુધીનો ગાળો તે એ દંપતિના ગૃહસ્થાશ્રમનો કાળ. એ ગાળો કંઈ લાંબો ન કહી શકાય. પણ એ ચૌદ વર્ષના ગાળામાં એ બંનેએ બોધરૂપ થાય તેવા ધન્ય ગૃહસ્થાશ્રમનું અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

શ્રીશારદાદેવીનાં માતા શ્યામાસુંદરીને મોટી ચિંતા હતી કે, ‘જમાઈ આવો સાધુ છે તે મારી દીકરી સાથે સંસાર નહીં માંડે, મારી દીકરીને બાળકો થશે નહીં અને  એને કોઈ ‘મા’ નહીં કહે.’

‘તમારી દીકરીને એટલાં બધાં લોકો ‘મા’ કહેશે કે એના કાન પાકી જશે’ – ઠાકુરના આ ઉત્તરથી એમને કેટલી ધરપત થઈ એ ખબર નથી પણ, એમણે જયરામવાટીમાં માતાજીની પધરામણી કરી અને પૂજા કરવા નક્કી કર્યું ત્યારે, કોલકાતાથી ગયેલા સ્વામી શારદાનંદે અને એમના સાથીઓએ એમને, શ્યામાસુંદરીને, ‘નાની મા’ કહી એમને રાજીનાં રેડ કરી દીધાં હતાં. ઠાકુરને અને શ્રીમાને આવા પુત્રો લાધ્યા હતા. એમનો ગૃહસ્થાશ્રમ આ રીતે ધન્ય બન્યો હતો.

ઠાકુરના લાડકા ‘દીકરા’ રાખાલને હજી મૂછનો દોરો ફૂટે ત્યાં એના પિતાએ એનું લગ્ન કરી નાખ્યું. રાખાલનું આધ્યાત્મિક જીવન જોખમમાં મુકાઈ ગયું. હવે? એની પત્નીને બોલાવી, એને જોઈ આ બાબતની ખાતરી કરવી જ રહી. એ છોકરી – તેર વર્ષની હતી પાછી – ઠાકુરના ગૃહસ્થ ભક્ત મનમોહનની નાની બહેન હતી. એ વિશ્વેશ્વરી પોતાની માતા સાથે ઠાકુરને પગે લાગવા આવી. રાખાલ ‘પુત્ર’ તો આ વિશ્વેશ્વરી ‘પુત્રવધૂ.’ એ પહેલીવાર આવતી હતી. એને ઠાકુરે શારદાદેવી પાસે મોકલાવી અને સંદેશો કહાવ્યો : ‘પુત્રવધૂ પહેલીવાર આવે છે. મોં જોઈ એને રૂપિયો દેજો.’ ભગવો પહેરીને, હાથમાં દંડકમંડળ લઈને ઠાકુરે ક્યાં સંસાર છોડ્યો હતો? પુત્રવધૂ આણવી, એનું મુખ જોવું ને એના હાથમાં રૂપિયો મૂકવો એ સર્વ ગૃહસ્થધર્મ છે. ઠાકુરે અને પૂજ્ય શ્રીમાએ એ ધર્મને ઉવેખ્યો નથી તેનું આ જ્વલંત દૃષ્ટાંત છે.

હલકા ચારિત્ર્યની કહેવાતી હતી તે દાસી ઠાકુરના ભોજન માટે શ્રીમા લઈ જતાં હતાં તે થાળી, શ્રીમાના હાથમાંથી ઊંચકી ઠાકુર માટે લઈ ગઈ અને ઠાકુર રીસાઈ બેઠા : ‘જેવા તેવાના હાથનું અડેલું હું ખાઈ શકતો નથી, તે તમે જાણો છો છતાં, તમે આ બાઈ સાથે થાળી મોકલાવી તે મારે ગળે કેમ ઊતરે?’ ઠાકુરે ન જમવાનું કારણ કહ્યું. ‘મેં એની સાથે થાળી મોકલાવી નથી તે એક વાત, ‘લાવો, મા, ઠાકુરની થાળી હું લઈ જઉં’, એમ બોલી એણે મારા હાથમાંથી થાળી સરકાવી લીધી તે બીજી વાત અને ત્રીજી એ કે, એણે મને ‘મા’ કહી. માને મન કોઈ બાળક ખરાબ નથી. ઉલટું, જે ગંદું છે, માંદું છે તેની જ મા વધારે કાળજી લે છે.’ શ્રીમાની આ દલીલે ઠાકુરને જમતા કર્યા અને ગાર્હસ્થ્યના એક વિશેષ ધર્મ તરફ એમણે ઠાકુરનું ધ્યાન દોર્યું :

ગૃહસ્થ ધર્મના પાલનના આવા આગ્રહે જ ઠાકુરના ગૃહસ્થ ભક્ત બલરામ બસુનાં પત્ની માંદાં હતાં તો, એમને જોવા જવા ઠાકુરે પૂજ્ય માને કહ્યું હતું. અને આગ્રહ તો એવો હતો કે, ‘વાહન ન મળે તો શું? ચાલીને જાવ.’ ઠાકુરને તો ‘વસુધૈવ કુટુમ્બકમ્’ હતું એટલે, ભલે બલરામ લોહીના સગા ન હતા, ઠાકુરના પરમ ભક્તોમાંના એક તેઓ હતા. અને બલરામે તથા એમનાં પત્નીએ જ ઠાકુરની મહાસમાધિ પછી, કાશીપુરથી શ્રીમાને પ્રથમ પોતાને ઘેર આણ્યાં હતાં અને તે પછી વૃંદાવન, મથુરા, કાશી આદિની યાત્રા કરાવી હતી – લગભગ આઠ દસ મહિના એ રીતે પસાર થયા હતા. આ સગાઈ લોહીની સગાઈથી વિશેષ હતી.

આ ઘટનાની પૂર્વેની, દક્ષિણેશ્વરમાંની એક ઘટનાની વાત પણ નોંધવી જોઈએ. ૧૮૮૧થી ઠાકુર પાસે ભક્તોની અને શિષ્યોની આવનજાવન આરંભાઈ ચૂકી હતી. ધીમે ધીમે એ ભક્તોમાંથી કેટલાક અને શિષ્યોમાંથી કેટલાક દક્ષિણેશ્વરમાં ઠાકુર પાસે રાતવાસો કરતા અને બીજે દિવસે પણ રોકાતા થયા. શ્રી શારદા મા એ સૌને માટે રસોઈ કરતાં થયાં. ઠાકુરના બધા શિષ્યો બ્રાહ્મણો ન હતા. પણ તેથી શું? ત્યાં એક નવી જ્ઞાતિ ઉદ્ભવી – ભક્તોની જ્ઞાતિ અને ભક્તોની આ જ્ઞાતિના સભ્યોની સંખ્યા વધતાં, એમાંના એકને, લાટુ (ભવિષ્યના સ્વામી અદ્ભુતાનંદ)ને ઠાકુરે, રોટલીનો પીંડો બાંધી દેવા શ્રીમાની મદદમાં મોકલ્યો. ‘નાતજાત ખંડન મંડળ’ સ્થપાયાનો ઢોલ પીટ્યા વિના, દક્ષિણેશ્વરમાં ભરવાડથી (લાટુ ભરવાડ હતા) – બ્રાહ્મણ સુધીની જ્ઞાતિઓના સભ્યો એક થઈ ગયા. આમ કશી જાહેરાત વિના, કશા સંમેલન વિના સુધારાનું એક મોટું કદમ ભરાયું.

આવું જ સુધારાનું કદમ ઠાકુરની મહાસમાધિ પછી પૂજ્ય શ્રી શારદામા પાસે ઠાકુરે ભરાવ્યું હતું.

સને ૧૮૮૬ની ૧૬મી ઓગસ્ટની વહેલી સવારે ઠાકુરે મહાસમાધિ લીધી હતી. એમના દેહને ગંગા તટે આવેલા સ્મશાનમાં અગ્નિને સુપ્રત કરવામાં આવ્યો હતો. અને લગભગ તે જ સમયે રૂઢિ અનુસાર પૂજ્ય શ્રીમા સધવા વેશનો ત્યાગ કરી વિધવા વેશ ધારણ કરવા લાગ્યાં ત્યારે, એમની સામે પ્રગટ થઈ ઠાકુરે એમને તેમ કરતાં અટકાવ્યાં હતાં. આ માટે ઠાકુર તેમને એક કરતાં વધારે વાર દેખાયા હતા. એમની વિધવા ભત્રીજી લક્ષ્મીએ રિવાજ મુજબ મુંડન કરાવ્યું હતું, પૂજ્ય શ્રીમાએ નહીં. શ્રીમાના કરમાં ઠાકુરે કરાવી આપેલાં કંકણો શોભતાં જ રહ્યાં હતાં. જીવનવ્યવહારનો આ અરૂઢ ચીલો હતો. આવા જીવનવ્યવહાર અનુસાર કોઈ સામાન્ય દંપતિ જીવન વ્યતીત કરી શકે નહીં. એ પતિપત્નીના ગૃહસ્થાશ્રમને મૃત્યુ પણ વિછિન્ન કરી શક્યું ન હતું.

અને તત્ત્વત: ઠાકુર સંન્યાસી હતા. તોતાપુરી પાસે એમણે અદ્વૈતની દીક્ષા લીધી ત્યારે, પોતાનાં માને આઘાત ન લાગે એ માટે શ્રીરામકૃષ્ણે ભગવાં ધારણ કરવામાંથી મુક્તિ માગી હતી. ઠાકુરને એવી મુક્તિ સહજમાં આપનાર તોતાપુરી પણ કેટલા ઉદારમના હશે કે તેમણે એવી મુક્તિ સહજમાં આપી દીધી હતી! પરંતુ એથીયે ક્યાંય વધારે ઉદાર પગલું તો તોતાપુરીનું એ હતું કે, ‘હું પરિણીત છું’ એમ ઠાકુરે કહ્યું ત્યારે પણ, એ ગુરુએ શિષ્યને સંસાર ત્યાગ કરવા ન ફરમાવ્યું. સંસારમાં રહેવા છતાં સંન્યાસનું પાલન કરવાનું અનન્ય ઉદાહરણ શ્રીરામકૃષ્ણે પૂરું પાડ્યું હતું.

‘નાવ પાણીમાં હોય, પાણી નાવમાં ન હોય’, એમ ઠાકુર કહેતા તેનું પ્રત્યક્ષ દૃષ્ટાંત શ્રીઠાકુર સ્વયં જ હતા. શ્રીરામકૃષ્ણને કામકાંચન બંને વર્જ્ય હતાં. એમના સાધનાકાળમાં એમને લલચાવવા માટે એમને દેહનો વેપાર કરનાર નારીઓની વચ્ચે રાખવામાં આવ્યા હતા તો, ખૂણે બેસી ઠાકુર તો આખી રાત ‘મા, મા’ જપતા જ રહ્યા હતા.

પત્ની શારદાદેવી દક્ષિણેશ્વર આવ્યા પછી, એમની સાથે એક જ શય્યામાં સૂતેલા ઠાકુરે પોતાના મનને સીધો સવાલ કર્યો હતો :

‘જો મન, તારી બાજુમાં જ આ નારીદેહ છે. એને ભોગવવાનો અધિકાર સંસારે તને આપ્યો છે. તારે એને ભોગવવો હોય તો…’ પણ, પોતાના મન સાથેનો સંવાદ ત્યાં જ તૂટી ગયો અને, એમની કશી વાત સાંભળવાને બદલે એમનું મન સમાધિમાં સરી પડ્યું : સમાધિ એવી તો ગાઢ હતી કે, એ બીજી સવારે સામાન્ય ભાનમાં આવ્યા હતા. અને પોતાનું આખું જીવન એ કામકાંચનથી દૂર રહ્યા હતા. ધાતુને, રૂપિયાને, એ સ્પર્શ પણ કરી શકતા નહીં. રૂપિયાને અડતાંવેંત વીજળીના ઝાટકા જેવો ઝાટકો એમને લાગતો.

અને એમના ‘આનંદે’, પટ્ટશિષ્ય નરેન્દ્રે (પછી સ્વામી વિવેકાનંદે), આ બાબતની કસોટી પણ કરી હતી. એકવાર ઓરડામાં શિષ્યો સાથે ઠાકુર વાતો કરતા હતા. આમ કેટલોક સમય વીત્યા પછી, પલંગેથી ઊઠીને પગ છૂટો કરવા એ બહાર ગયા. કોઈને ખબર ન પડે એ રીતે, ઠાકુરની પથારી નીચે, પલંગ પર, નરેન્દ્રનાથે રૂપિયાનો એક સિક્કો સરકાવી દીધો. થોડીવાર પછી ઓરડે પરત આવી ઠાકુર પલંગે બેસવા ગયા. પણ, વીજળીનો જોરદાર ઝાટકો લાગ્યો હોય એમ તેઓ તરત ત્યાંથી કૂદકો મારી ઊઠી ગયા અને બોલ્યા કે : ‘અહીં કોઈએ કંઈ પૈસા રાખ્યા છે.’

ત્યાં બેઠેલા સૌ ચમકી ગયા, માત્ર નરેન્દ્ર સિવાય. નરેન્દ્ર છોભીલા પડી ગયા હતા. એની મુખમુદ્રા જોતાં શ્રીરામકૃષ્ણ સમજી ગયા અને બોલ્યા : ‘નરેન, તેં બરાબર જ કર્યું છે. ગુરુને પૂરો કસવો જ જોઈએ ને તે પછી જ એનામાં શ્રદ્ધા રાખવી જોઈએ.’ આ સહિષ્ણુતા એ નરેન્દ્રનાથ માટે બીજો અગત્યનો પાઠ હતો.

ઠાકુરની આવી બીજી કસોટી એમના બીજા એક શિષ્ય યોગિને (પછીના સ્વામી યોગાનંદે) કરી હતી. એકવાર યોગિન દક્ષિણેશ્વરમાં રાત રોકાયા હતા. ઠાકુરને ઓરડે જ તેઓ સૂતા હતા. રાત દરમિયાન એ જાગી ગયા અને જોયું તો ઠાકુર પલંગમાં ન હતા. યોગિનને શંકા ગઈ કે, રાતનો લાભ લઈ ઠાકુર પત્ની સાથે નોબતખાને ગયા છે. આ શંકાનો કીડો એને પથારીમાંથી ઉઠાડી બહાર લઈ ગયો અને તેઓ એવી જગ્યાએ ઊભા રહ્યા કે, ‘નોબતખાનેથી બહાર આવે તે ભેગા તેઓ પકડાઈ જાય.’

યોગિનને બહુ લાંબો સમય ઊભા ન રહેવું પડ્યું. થોડી જ મિનિટોમાં ઠાકુર આવ્યા પરંતુ, તે નોબતખાનેથી નહીં પણ, પોતાના ધ્યાનસ્થાનેથી, પંચવટીએથી. યોગિનને ત્યાં ઊભેલા જોઈ, એનો ઊભા રહેવાનો આશય ઠાકુર તરત સમજી ગયા. પણ એ જરા પણ ગુસ્સે થયા નહીં. પોતાના નિત્ય હાસ્ય સાથે એમણે યોગિનને કહ્યું કે : ‘તેં બરાબર જ કર્યું છે. ગુરુને દિવસે જોવો તેમ રાતે પણ જોવો. પછી એનામાં વિશ્વાસ કરવો.’ શિષ્યો સાથેનો આવો હતો એમનો વ્યવહાર.

એક વધારે દૃષ્ટાંત પણ નોંધવા જેવું છે, રાખાલ (સ્વામી બ્રહ્માનંદ)ને ઠાકુરે માતાનો સ્નેહ આપ્યો હતો. રાખાલ ઠાકુરના ખોળામાં બેસતા, એમને ખભે ચડી જતા અને તોફાન કરતા. માખણ, મિશરી, સંદેશ વગેરે એ પ્રેમપૂર્વક રાખાલને ખવરાવતા. પણ એક વાર એ લાડકડાએ ઠાકુરના ઓરડામાં પડેલું માખણ ઠાકુરની રજા વિના કે ઠાકુરને કહ્યા વિના ખલાસ કરી નાખ્યું. ઠાકુરને આ વાતની ખબર પડી ત્યારે, પોતાના એ લાડકા દીકરાને ઠાકુર ખૂબ વઢ્યા હતા. શિસ્તભંગ ચલાવી લેવાય જ નહીં. લાડકડા રાખાલનો તો જરા પણ નહીં.

ભલે ઠાકુર ગૃહસ્થની માફક રહેતા હતા પરંતુ, સંન્યાસીના અસંગ્રહના ધર્મનું એ ચૂસ્તપણે પાલન કરતા હતા. માસ્ટર મહેન્દ્રનાથ ગુપ્ત પાસે એક પંચિયું મંગાવ્યું હોય  અને મહેન્દ્રનાથ બે લઈ જાય તો, ઠાકુર એ બેનો સ્વીકાર ન કરતા પણ એક જ રાખતા. કોઈ મારવાડી ભક્ત એમને દસ હજાર રૂપિયા દેવા ચાહતો હતો તો એ રકમનો ઠાકુરે અસ્વીકાર કર્યો. અને એ મારવાડી ભક્તે પૂજ્ય માને એ રકમ આપવા ઇચ્છા કરી તો, ‘હું લઉં એ તમે જ લીધા કહેવાય અને હું એ પૈસો તમારે માટે જ વાપરું તો પણ એ તમે જ લીધો કહેવાય’, આ શબ્દો વડે શ્રીમાએ પણ એ રકમ નકારી. આ ઘટના એ દિવ્ય પતિપત્નીની તીવ્ર ત્યાગવૃત્તિ દર્શાવે છે. બંનેના જીવનમાં સંન્યાસ એવો તો વણાઈને એકરૂપ થઈ ગયો હતો.

આ કિસ્સાની પહેલાં, રાણી રાસમણિના જમાઈ અને કાલીમંદિરના કર્તાહર્તા મથુરબાબુએ ઠાકુરને પોતાની વિપુલ જમીનમાંથી થોડી જમીન આપવા ઇચ્છા દર્શાવી તો ઠાકુરે તેનો અસ્વીકાર જ કર્યો હતો. તે સમયે પૂજ્ય શ્રીશારદા મા હજી દક્ષિણેશ્વરવાસી બન્યાં ન હતાં. ઠાકુરનાં વૃદ્ધ માતા ચંદ્રામણિદેવી નોબતખાને રહેતાં હતાં. મથુરબાબુ નોબતખાને એમની પાસે ગયા અને કંઈ રકમનો સ્વીકાર કરવા તેઓ તેમને આગ્રહ કરવા લાગ્યા. તો ચંદ્રમણિ કહે : ‘મારે પૈસાનું – કે જમીનનું- શું કામ છે? માતાજીની છાયામાં અહીં ગંગાકાંઠે તમારી કૃપાથી વસું છું; મંદિરમાંથી પ્રસાદ આવે છે તે જમું છું, પછી મારે પૈસાની જરૂર જ શી છે?’

આમ છતાં મથુરબાબુએ આગ્રહ કરવાનું ચાલુ રાખ્યું તો ઠાકુરનાં મા કહે : ‘બાબુ, તમારો આટલો આગ્રહ છે તો, મારે દાંતે દેવાની એક આનાની બજર મને લાવી આપજો’, આવી ત્યાગી માતા જ ગદાઈ જેવો પુત્ર જણી શકે. માતાપુત્રની આ ત્યાગ વૃત્તિની પાછળ સાચું બ્રહ્મતેજ રહેલું હતું. સાચા બ્રાહ્મણધર્મનું એ પાલન હતું.

આમ ઠાકુર શ્રીરામકૃષ્ણનો સમગ્ર જીવન વ્યવહાર ત્યાગી બ્રાહ્મણનો હતો. જૂઠી જુબાની નહીં આપવા માટે જેમણે સર્વસ્વનો ત્યાગ કર્યો હતો તેવા પિતા ક્ષુદિરામનો અને અતિ આગ્રહ થતાં ‘એક આનાની બજર’ મંગાવનાર માતાનો, સાચા આર્ય બ્રાહ્મણનો વારસો ઠાકુરને મળ્યો હતો. સંગ્રહનો, સમૃદ્ધિનો ઠઠારો નહીં પણ ત્યાગની તેજસ્વિતા એમનું આગવું લક્ષણ હતું. એમાં, પ્રાચીન પરંપરાના સંન્યાસ આશ્રમની પુષ્ટિ ભળી હતી. સંસારમાં રહ્યા છતાં તેઓ સંન્યાસી હતા. લગ્ન કર્યું હોવા છતાં તેઓ બ્રહ્મચારી હતા. પૂજન કરીને પત્નીને દેવીપદે એમણે સ્થાપ્યાં હતાં. પતિપત્નીને દૈહિક બાળક ન હતું પણ અનેક માનસિક અને આધ્યાત્મિક પુત્રો અને પુત્રીઓ હતાં.

પોતાના એ અનન્ય જીવન દ્વારા ઠાકુરે – અને શ્રીમાએ – સંસાર સમક્ષ આધ્યાત્મિક જીવનનું, આધ્યાત્મિક સંબંધોનું, અસંગ્રહનું, સેવાનું અદ્વિતીય ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પ્રણામ; એ પૂજ્ય દંપતિને.

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.