શિષ્ય : સ્વામીજી! આજે આ દેશમાં ગાર્ગી, ખના કે લીલાવતી જેવી શિક્ષિત અને સદ્‌ગુણી સ્ત્રીઓ ક્યાંથી મળે?

સ્વામીજી : શું તમે એમ માનો છો કે એવી સ્ત્રીઓ આજે આ દેશમાં નથી? મેં દુનિયામાં બીજે ક્યાંય જોયાં ન હોય તેવાં ચારિત્ર્યબળ, સેવાભાવના, સ્નેહ, કરુણા, સંતોષ અને પૂજ્યભાવ ભારતની આ પવિત્ર ભૂમિમાં – સીતા અને સાવિત્રીની આ જન્મભૂમિમાં, આપણી સ્ત્રીઓમાં હજુ પણ જોવા મળે છે. પશ્ચિમમાં સ્ત્રીઓ ઘણીવાર સ્ત્રીઓ જ નથી લાગતી; તેઓ પુરુષની આબેહૂબ નકલ જ લાગે! તેઓ મોટરો હાંકે છે, ઓફિસોમાં કામ કરે છે, શાળાઓમાં શિક્ષિકા બને છે, અને બીજા ધંધાઓમાં પણ કામ કરે છે! એક ભારતમાં જ સ્ત્રીની નમ્ર્રતા અને શાંતિ પ્રકૃતિ આપણી આંખ ઠારે છે! આવી શક્યતા ભરેલી હોવા છતાં, અરેરે, આપણે તેનો ઉદ્ધાર કરી નથી શક્યા! તેમનામાં જ્ઞાનનો પ્રકાશ પૂરવા આપણે યત્ન કર્યો નથી! જો તેમને યોગ્ય પ્રકારનું શિક્ષણ આપવામાં આવે તો તેઓ જગતની આદર્શ નારી બની રહે.

.. બાળ લગ્નને પરિણામે અકાળે સંતાન થાય છે, અને આને કારણે જ આપણી ઘણીખરી બહેનો નાની ઉંમરમાં જ મૃત્યુ પામે છે; વળી તેમના સંતાનો પણ નિર્બળ થવાથી, દેશના ભિખારીઓની કતારોમાં ઉમેરો જ થાય! જો માબાપનું શરીર સુદૃઢ અને તંદુરસ્ત ન હોય તો સુદૃઢ અને તંદુરસ્ત બાળકો કેવી રીતે જન્મે? પરંતુ લગ્ન જો થોડાં મોડાં થાય અને કન્યા સંસ્કારી વાતાવરણમાં ઊછરે તો આપણી બહેનો એવાં બાળકોને જન્મ આપશે, જેઓ દેશનું સાચું કલ્યાણ સાધવા શક્તિમાન બનશે. દરેક ઘરમાં આજે જે આટલી બધી વિધવાઓ દેખાય છે તેનું કારણ આ બાળલગ્નની પ્રથા છે. જો બાળલગ્નની સંખ્યા ઘટે તો તેટલા પ્રમાણમાં વિધવાઓની સંખ્યા પણ ઘટે જ.

શિષ્ય : પરંતુ સ્વામીજી! મને એમ લાગે છે કે સ્ત્રીઓ જો મોડી પરણે તો તેઓ ગૃહકાર્યમાં ઓછું ધ્યાન આપવાની વૃત્તિવાળી થાય છે. મેં સાંભળ્યું છે કે કોલકાતામાં સાસુઓ બધું રસોઈનું કામકાજ સંભાળતી હોય છે, જ્યારે ભણેલી પુત્રવધૂઓ પગે મહેંદી મૂકી બેસી રહે છે! અમારા પૂર્વ બંગાળમાં તો આવું કદાપિ ચલાવી લેવાતું નથી.

સ્વામીજી : પણ આવું સારા અને નઠારાનું મિશ્રણ તો પૃથ્વી પર સર્વત્ર નજરે પડે છે. મારું માનવું એવું છે કે દરેક દેશમાં સમાજ પોતાની પ્રેરણાથી જ પોતાને ઘડે છે. તેથી બાળલગ્નબંધી, વિધવા પુનર્લગ્ન આદિ સુધારાઓ વિશે અત્યારે અકાળે આપણે આપણાં મગજને તસ્દી આપવાની જરૂર નથી. આપણી ફરજ એટલી જ છે કે સમાજનાં સર્વ સ્ત્રીપુરુષોને સાચું શિક્ષણ આપવું. આ શિક્ષણના પરિણામે શું સારું અને શું ખરાબ એ તેઓ પોતે જાણી શકશે અને કુદરતી રીતે જ અનિષ્ટ પ્રથાઓથી દૂર રહેશે. બળજબરીથી સમાજમાં કશું તોડી પાડવાની કે કશાની સ્થાપના કરવાની પછી જરૂર જ નહિ રહે.

શિષ્ય : આપના મત પ્રમાણે આપણી બહેનોને માટે કઈ જાતનું શિક્ષણ અનુકૂળ થશે?

સ્વામીજી : ધર્મ, લલિતકલાઓ, વિજ્ઞાન, ગૃહવ્યવસ્થા, રસોઈકાર્ય, સીવણકામ અને આરોગ્યશાસ્ત્ર : આ વિષયોના જરૂરી અને સાદા નિયમો આપણી બહેનોને શીખવવા જ જોઈએ. નવલકથા આદિને તેમને અડવા દેવું તે સારું નથી. મહાકાળી પાઠશાળા ઘણે અંશે સાચી દિશામાં કામ કરે છે. પરંતુ ફક્ત પૂજાવિધિઓ શીખવવાથી જ કાંઈ નહિ વળે; તેમનું શિક્ષણ તો સર્વ બાબતોમાં આંખ ઉઘાડનાર હોવું જોઈએ. સ્ત્રીઓમાં નિ:સ્વાર્થતાના ઉદાત્ત સિદ્ધાંતો પ્રત્યે ભક્તિભાવ જન્મે તે સારું ચારિત્ર્યનાં આદર્શ દૃષ્ટાંતો હંમેશાં તેમની સમક્ષ રજૂ કરવાં જોઈએ. સીતા, સાવિત્રી, દમયંતી, લીલાવતી, ખના અને મીરાંનાં ઉમદા ચારિત્રો તેમનાં માનસ સમક્ષ ધરવાં જોઈએ, તથા પોતાનાં જીવન એ પ્રમાણે ઘડવા તેમને પ્રેરણા આપવી જોઈએ.

(‘વિવેકાનંદનાં સાંનિધ્યમાં’, પૃ.૪૦-૪૩)

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.