મહાભારતના યુદ્ધાન્તે પાંડવ વંશનું નિકંદન કાઢવા ઝનૂની બનેલા અશ્વત્થામાએ જ્યારે ઉત્તરાના ગર્ભમાં રહેલા અભિમન્યુના બાળક ઉપર પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને એને ચોતરફથી (परि) ઘાયલ (क्षित्‌) કરી મારી નાખ્યો ત્યારે કૃષ્ણે ઘોષણા કરી : ‘હું મારું આખું જીવન ધર્મમય રીતે જ જીવ્યો હોઉં તો આ બાળક જીવતો થાઓ!’ અને ખરેખર પરિક્ષિત્‌ જીવતો થઈ ગયો!

આ વાંચી-સાંભળીને શ્રીકૃષ્ણ-જીવનનાં અનેક વિવાદાસ્પદ કાર્યો સામાન્ય અને અણઘડ જનની આંખે ખડાં થવાનાં! શ્રીકૃષ્ણને જો ભાગવતાદિ મુજબ દિવ્ય અવતાર તરીકે પહેલેથી જ ધારી લઈએ, તો તો ગમે તે કહી શકે કે માનવીય નીતિધર્મોના માનદંડે દિવ્યતાને માપી શકાય નહિ. પણ જો શ્રીકૃષ્ણને યુગંધર મહામાનવ માનીએ તો તો એ હાથવગાં વિવાદાસ્પદ કાર્યોનું સમાધાન શોધવું જ રહ્યું અને ‘सर्वारडभा हि धुमेनाग्निरिवावृताः’ – એ ન્યાયે એ કાર્યોનું વિશ્લેષણ – પૃથક્કરણ કરવું જ રહ્યું! આ એક એવો ઉપક્રમ છે. કારણ કે આપણી ગુણગ્રાહકતા કરતાં દોષગ્રાહકતા ઘણી બળવાન છે! આપણે ખણખોદિયા અને ખોંચરા જ વધુ છીએ.

પણ અહીં એક ખાસ વાત યાદ રાખીશું કે નીતિધર્મો સદૈવ કાલસાપેક્ષ અને કાળપરિવર્તનીય જ હોય છે કારણ કે એનો ધારક સમાજ પોતે જ ગતિશીલ છે. એટલે કૃષ્ણજીવનનાં કાર્યોને માપવાની ફૂટપટ્ટી પણ એ દ્વાપરયુગની જ હોવી જોઈએ. તો જ શ્રીકૃષ્ણની સાચી મહત્તા આપણે પિછાણી શકીએ અને તત્કાલીન નીતિધર્મોના જે સ્થાયી અંશો છે અને જે સ્થાયી અંશોએ કૃષ્ણને આજ સુધી અમર રાખ્યા છે એ સ્થાયી અંશોને પણ આપણે લક્ષમાં લેવા જોઈએ. આપણને એ માટે બેવડી વિવેકશક્તિની આવશ્યક્તા છે.

શ્રીકૃષ્ણની આલોચના વૃંદાવનની ગોપીઓના વસ્ત્રાહરણ, રાસલીલા અને પાંડવ વિજય માટે મહાભારતમાં તેમણે અપનાવેલી વિચિત્ર નીતિની બાબતમાં થયા કરે છે. એમાં વસ્ત્રાહરણનો કશો જ ઉલ્લેખ હરિવંશ જેવા પ્રામાણિક ગ્રંથમાં તો નથી, વિષ્ણુપુરાણમાં પણ એનો ઉલ્લેખ નથી. રાસલીલા ત્રણેય ગ્રંથોમાં છે. આમ વસ્ત્રાહરણની કથા સ્પષ્ટ રીતે પાછળથી ઉમેરાયેલી હોવા છતાં પણ જો થોડું વિચારીએ તો એ સ્નાન કરતી વ્રતધારી ગોપકન્યાઓ દસેક વરસની હતી એમ ભાગવત પોતે જ કહે છે (૧૦/૨૨/૧) અને ભાગવત જ કહે છે કે કૃષ્ણ સાત વર્ષના હતા! (૧૦/૨૬/૩) તો આવા નિર્દોષ અને નિર્દંશ બાળક ઉપર જાતીય વિકારનો આરોપ કેટલે અંશે ઉચિત છે, તે સુજ્ઞજન વિચારી જુએ!

શૈશવથી જ દિવ્ય પરાક્રમો કરતા કૃષ્ણને જોઈને સૌને એ સહજ રીતે આકર્ષતા હતા. રાસપંચાધ્યાયીમાંની રાસલીલામાં કૃષ્ણનાં દુશ્ચરિત્ર અને અધર્માચરણની શંકા તમને અને મને જ નહિ, ખુદ પરિક્ષિત્‌ને પણ થઈ હતી (જુઓ ૧૦/૩૩/૨૭-૨૯)

આવું સમાધાન કરતાં પહેલાં વચ્ચે એક હકીકત યાદ કરવી પડે તેમ છે. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં કૃષ્ણની અગ્રપૂજાનો સૌએ સ્વીકાર કર્યો હતો. પણ કૃષ્ણના કટ્ટા શત્રુ ચેદિના શિશુપાલે એનો સખ્ત વિરોધ કર્યો, કૃષ્ણને અણછાજતી સેંકડો ગાળો ભાંડી. છતાંય એણે કૃષ્ણને એમાં ક્યારેય વ્યભિચારી કહ્યા નથી! (જુઓ મહાભારત સભાપર્વ અધ્યાય ૩૯ અને ૪૦) ક્યો કટ્ટર શત્રુ ભૂંડી ગાળો દેવામાં દુરાચારને જ ભૂલી જાય? અને મહાભારત તો કૃષ્ણજીવનનો સૌથી વધુ વિશ્વસનીય અને પ્રાચીનતમ ગ્રંથ છે.

એટલે એનો નિષ્કર્ષ એ જ છે કે સૂફીઓ, ખ્ર્રિસ્તીઓ અને ભારતમાં ફેલાયેલા મધુરભાવની ભક્તિને સમજાવવાના રૂપક તરીકે રાસલીલા અને વસ્ત્રાહરણના બંને પ્રસંગો પાછળના લેખકોએ ઉમેરેલા છે. ભાગવતના ટીકાકારોએ પણ રાસપંચાધ્યાયીની ભાષાને ‘સમાધિભાષા’ એવું નામ આપ્યું છે એટલે કે આ ભાષા કેવળ વાચ્યાર્થથી સમજાય એવી નથી જ એ સ્પષ્ટ છે.

મહાભારતના પરિશિષ્ટ હરિવંશમાં કૃષ્ણકથા પૂર્ણ થાય છે. હરિવંશમાં વર્ણિત રાસલીલા પણ પૂર્વોક્ત રીતે ક્ષેપક હોઈ સ્વયં ખંડિત થઈ જાય છે. સ્ત્રી-પુરુષની સહજ પરસ્પર આકર્ષકતા માનવ ઇતિહાસમાં અજાણી નથી. એટલે પૂર્વ અને પશ્ચિમના અનેક રહસ્યવાદીઓએ આ પ્રકારના પ્રેમને ‘દિવ્યાનંદ’ કહ્યો છે. આક્કા, મહાદેવી, મીરાં, ટેરેસા, અવિલા, રબિયા, વગેરે અનેકાનેક રહસ્યવાદી સંતોએ એને પુરસ્કાર્યો છે.

કૃષ્ણ તો કામુક ન જ હતા. ગોપીઓ પોતે કામુક થઈને એમની પાસે ગઈ હતી. કૃષ્ણે તો એવા વિકૃત પ્રેમને રોગ ગણીને નિંદ્યો હતો. ભાગવતની જ એમાં સાક્ષી છે. (જુઓ ભાગવત ૧૦/૩૩/૨૬) જાણે કોઈ વડીલ કે માબાપ સ્વચ્છંદી છોકરાંને સહાનભૂતિપૂર્વક સમજાવતાં હોય. એવી એ ક્રમિક અને ઠાવકી ભાષા છે! અને એ સમજાવટથી ગોપીઓ સદાચારને પંથે વળી પણ ગઈ (ભાગ ૧૦/૪૭, ૧૦/૪૮, ૧૦/૮૨, વગેરે.) આમ તો ગોપીઓ અપવિત્ર ન હતી, પતિપરાયણ હતી પણ પતિ ઉપરાંત એકમાત્ર કૃષ્ણને પણ ચાહતી હતી, એટલું જ હતું. અને આ પણ કૃષ્ણ પોતે ખરેખર ભગવાન જ છે એમ બરાબર જાણીને થયું હતું. અને નવાઈની પણ નવાઈ તો એ થઈ કે વ્રજના પુરુષવર્ગે ક્યારેય પોતાને પોતાની પત્નીથી વિખૂટો પડેલ જાણ્યો નહિ! (ભા. ૧૦/૩૩, ૩૮) અને છતાંય પરિક્ષિતને પ્રશ્ન થયો કે શું કૃષ્ણ ધર્મચ્યુત નહોતા થયા? જો એમ હોય તો શું તેમણે સેંકડો વરસ સુધી ટકી રહે એવો ખરાબ દાખલો દુનિયામાં બેસાડ્યો ન કહેવાય?

શુકદેવે આ શંકાના ઉત્તરમાં ચૈતન્યના ઈશ્વર, જીવન્મુક્ત અને સામાન્ય એવા ત્રણ પ્રકાર પાડીને દરેકની શક્તિનો અધિકારભેદે પરિઘ દર્શાવ્યો છે. અને એક કક્ષાના ચૈતન્યને માપવાની ફૂટપટ્ટીથી બીજા પ્રકારનું ચૈતન્ય ન જ માપી શકાય અને માપવું ન જોઈએ એમ સૂચવ્યું છે. પણ આપણે માટે તો જરા વધારે સારી રીતે સમજી લેવું યોગ્ય લાગે છે કારણ કે શુકદેવનું વર્ગીકરણ વિશ્વ માન્ય તો ન કહેવાય! ઠીક છે. શ્રીકૃષ્ણે ગોપીઓ માટે તેમનો પ્રેમ સ્વીકાર્યો પોતાને માટે નહિ જ અને એમ કરવામાં એમણે પોતાની માયાથી દરેક સાથે રહેવા માટે સમાન્તરે અનેક સ્વરૂપો સર્જ્યાં અને સાથોસાથ ગોપીઓને પણ પોતપોતાનાં ઘરકામમાં પરોવાયેલી અનેકરૂપે સર્જી દીધી! એટલે શ્રીકૃષ્ણની આવી દિવ્ય લોકોત્તર લીલાને સામાન્ય સાંસારિક કર્મ તરીકે ખપાવવી એ નરી મૂર્ખતા વિના બીજું શું છે? કોઈ આવું દિવ્ય કામ કરી શકતો હોય, તો એ ઈશ્વરકોટિનો છે.

એટલા જ માટે જેનું જીવન નિષ્કલંક હતું અને જેની આલોચના નિષ્કપટ હતી એવા સ્વામી વિવેકાનંદ પણ વૃંદાવનલીલા ઉપર બોલી ઊઠ્યા હતા કે ‘આહ! કૃષ્ણજીવનનો ભવ્ય કાલખંડ! એ અગમ્ય લીલા પૂર્ણ પવિત્ર થયા સિવાય માણસે જેને સમજવાનો પ્રયત્ન પણ ન કરવો જોઈએ તેવી એ દિવ્યભવ્ય પ્રેમાનુભૂતિ! વૃંદાવનની એ સુંદર રૂપકાત્મક રીતે રજૂ થયેલી લીલા! આદર્શ પ્રેમના ભરપૂર પ્યાલાને પીને પાગલ બન્યા સિવાય એ સમજાય એવો નથી.

આની સાથે જ શ્રીકૃષ્ણ સોળ હજાર સ્ત્રીઓને પરણ્યા હતા એ કૃષ્ણજીવનની વળી બીજી વિચિત્રતા! આઠ પટરાણીઓ તો પહેલેથી જ હતી! નરકાસુરના કારાગારમાંથી સોળ હજાર રાજકુમારીઓને છોડાવી. પોતાના પરિવારજનોથી વિખૂટી પડેલી અને જેલમાંથી છૂટ્યા પછી પણ કશા આશ્રય વિના રહેવાની સંભાવનાવાળી એ મહિલાઓને શ્રીકૃષ્ણે લગ્ન કરીને સામાજિક મોભો આપ્યો એમાં તો નીતિધર્મનું ઊલટું રક્ષણ થયું છે, બાધ થયો નથી. એ કાળમાં ક્ષત્રિયોમાં બહુપત્નીત્વની પ્રથા તો સર્વસાધારણ જ હતી. એકવાર દેવર્ષિ નારદે જિજ્ઞાસાથી એ બધી કૃષ્ણપત્નીઓના ઘરની મુલાકાત લેતાં દરેકમાં કૃષ્ણને ઉપસ્થિત જોયા હતા એ વાત અહીં નોંધવા લાયક છે.

કેટલીકવાર આ ઘટનાને પ્રતીકાત્મક રૂપે લેખીને એની સમજૂતી અપાય છે. જેમ કૃષ્ણના ઉત્તર જીવનમાં આ રૂપક અપાયું છે, તેમ પૂર્વજીવનમાં – બાળપણમાં ગોપીઓ સાથેના પ્રસંગમાં પણ આવું આધ્યાત્મિક રૂપ અપાયું છે. એની વાત તો આપણે કરતા નથી. કારણ કે આપણે તો અહીં યુગન્ધર કૃષ્ણની વાત જ કરવી છે ને?

ધર્મસ્થ શ્રીકૃષ્ણના ઉત્તર જીવનમાં હવે વાંકદેખાઓને જે કંઈ વિવાદાસ્પદ લાગે છે એની વાત કરીએ. કૌરવો સાથેના વ્યવહારમાં એમણે મેક્યાવેલી પદ્ધતિ વાપર્યાનો આક્ષેપ કરાય છે. એટલે મહાભારતના વિવિધ પ્રસંગોને જાણીને સત્ય તારવવાનો પ્રયત્ન કરીએ.

પહેલી વાત તો એ કે તેમણે કર્ણને દુર્યોધન સાથેનો સંબંધ તોડી નાખવા સમજાવ્યો હતો. અહીં કહેવાનું એ છે કે કૃષ્ણ કોઈપણ હિસાબે આ બંધુયુદ્ધ ટાળવા ઇચ્છતા હતા. જ્યારે તેઓ શાંતિદૂત તરીકે દુર્યોધનની સભામાં અપમાનિત થઈ નિષ્ફળ થયા ત્યારે કોઈપણ ભોગે આ મહાસંહાર અટકાવવા કર્ણને એના જન્મની રહસ્યમય સાચી વાત કરી દીધી. જો કર્ણ પાંડવપક્ષે જાય તો દુર્યોધન સાચી વાત જાણીને કદાચ પાંડવોને અડધું રાજ્ય આપી દે અને યુદ્ધ અટકે અને શાંતિ કાયમ રહે. કર્ણ દુર્યોધનનો ખાસ મિત્ર અને શક્તિ સ્રોત હતો. એટલે એના જવાથી દુર્યોધનને લાચાર બની સંધિ કરવી જ પડે, આ લોહિયાળ લડાઈ અટકે અને ધર્મ સચવાય એટલે કૃષ્ણનો આ રાજકીય વ્યૂહ અદ્‌ભુત અને ધર્મલક્ષી હતો.

બીજી વાત, મહાભારતના યુદ્ધમાં પોતે નિ:શસ્ત્ર રહેવાની પ્રતિજ્ઞા લીધા છતાં યુદ્ધ દરમિયાન શસ્ત્ર ધારણ કરીને કૃષ્ણે ભીષ્મ પર આક્રમણ કર્યાની છે. સમરાંગણમાં કાળઝાળ બનીને પાંડવસેનાનો ખુરદો બોલાવી રહેલા ભીષ્મ સામે તેના પ્રત્યેના ભાવને કારણે તથા એમને વડીલ જાણીને અર્જુન દિલથી લડતો નથી એ કૃષ્ણે જોયું. એટલે એમણે પોતે જ સુદર્શન લઈ ભીષ્મ પર આક્રમણ કરવા વિચાર કર્યો પણ અર્જુને એમને અડધે રસ્તે જ એમ કરતાં અટકાવી દીધા અને દિલથી લડવાની ખાતરી આપી એથી કૃષ્ણ પાછા વળી ગયા અને લગામ પકડી. (જુઓ મહા.ભી.પ. ૩૯/૧૦૩) કૃષ્ણનું આ કાર્ય ભીષ્મ પર આક્રમણ કરવા કરતાં અર્જુનને ભીષ્મ સામે ધર્મયુદ્ધ કરવા પ્રેરવાનું હતું. વળી, આ બધાં અવાન્તર કાર્યોના કેન્દ્રમાં તો કૃષ્ણજીવનનું પ્રધાન કાર્ય ધર્મસંસ્થાપનનું જ રહ્યું છે. કોઈપણ ભોગે ધર્મ-ફરજ-પાળવી જ જોઈએ. વડીલપણાનો અવરોધ એને નડવો ન જોઈએ. પ્રતિજ્ઞાભંગને ભોગેય કર્તવ્યપાલન થવું જ જોઈએ એટલે આ પ્રતિજ્ઞાભંગ હોય તોયે ધર્મસંસ્થાપનનો એક પ્રેરક ભાગ હતો. અહીં સામે ભીષ્મે પણ પરમભક્તિથી કૃષ્ણની પ્રતિજ્ઞાનો ભંગ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી એ વાત યાદ રાખવી ઘટે. કૃષ્ણે ભીષ્મની ભાવભક્તિને પ્રતિજ્ઞાભંગ કરી પ્રતિસાદ આપ્યો હતો. જોકે મહાભારતમાં આ વાત મળતી નથી.

ત્રીજી વાત યુધિષ્ઠિરને ખોટું બોલવા કૃષ્ણે પ્રેર્યા એવો આક્ષેપ છે. આ માટે મહાભારતનો મૂળ શ્લોક આ છે :

‘तमतथ्यमये मनो जयेशक्तो युधिष्ठिरः ।
अश्वत्थामा हत इति शब्दमुच्चैश्चकार ह ॥
अव्यत्त्कमब्रवीद्राजन् हतः कुंजर इत्युत ॥’

(द्रोण पर्व, १९०/५५)

અર્થાત્‌ ‘હે રાજા! પછી અસત્યના ભયવાળા રાજ્યાકાંક્ષી યુધિષ્ઠિરે દ્રોણને ઉચ્ચસ્વરે ‘અશ્વત્થામા મરાયો’ એમ કહ્યું પણ ન સંભળાય તેવી રીતે ‘હાથી હણાયો’ એમ કહ્યું.’ આપણે જો મૂળ મહાભારતના આ પાઠને સ્વીકારીએ તો કૃષ્ણે યુધિષ્ઠિરને ઉશ્કેર્યાની વાત જ એક જૂઠાણું સાબિત થાય છે. ભીમે એ વખતે અશ્વત્થામા નામના હાથીને મારી નાખ્યો હતો. એ કરામત કૃષ્ણની ન હતી.

સદ્‌ભાગ્યે આ આખો ભાગ પાછળથી કેટલાક કાચા હાથોએ ઉમેરેલ પ્રક્ષેપ તરીકે હોવાનાં હવે સબળ કારણો સાંપડે છે : (૧) બધા માને છે તેથી ઊલટું જ, આ ઘાતક સમાચાર સાંભળીને પણ દ્રોણે શસ્ત્રો છોડ્યાં ન હતાં એમનું ઝનૂન એવું ને એવું હતું (જુઓ દ્રોણપર્વ, ૧૯૧), (૨) અભયમૂર્તિ, નારાયણાસ્ત્રનો પણ સામનો કરનાર ભીમ હાથી મારવાની હલકટ વાતમાં ઝૂકી જઈ જૂઠાણું ફેલાવે એ તદ્‌ન અસંભવ છે. અને ધર્મમૂર્તિ યુધિષ્ઠિર પણ કૃષ્ણ તેમજ પોતાના ગુરુ સામે જૂઠનો આશ્રય લે, એ પણ સંભવિત નથી. (૩) નિષિદ્ધ શસ્ત્રાસ્ત્રો વાપરીને દ્રોણ નિર્દોષ સૈનિકોને મારી રહ્યા હતા તેથી વિશ્વામિત્ર, જમદગ્નિ, ભારદ્વાજ વગેરે ઘણાએ ત્યાં આવીને તેમને ઠપકો આપ્યો અને એવાં શસ્ત્રો વાપરવાનું બંધ કરવાનું કહ્યું અને છોડી દીધેલા બ્રાહ્મણત્વ તરફ પાછા ફરવા કહ્યું (દ્રોણપર્વ, ૧૯૦/૩૨-૪૦) એમણે એમ પણ કહ્યું કે તેમનું મૃત્યુ નજીકમાં છે. એટલે જ દ્રોણે યુદ્ધમાંથી વિદાય લીધી અને ધ્યાનમાં બેસી ગયા એટલે દ્રુપદપુત્ર ધૃષ્ટદ્યુમ્ને એમનું માથું કાપી લીધું.

એટલે આપણે સહેલાઈથી તારવી શકીશું કે યુધિષ્ઠિર અને કૃષ્ણને લાંછન લગાડતો આ કથાભાગ એ એક ઉદ્વેગકારી ઉમેરણ જ છે અને એનાથી કશો હેતુ સરતો નથી. વી.એસ. સુકથણકર સમ્પાદિત મહાભારતની પરિષ્કૃત આવૃત્તિમાંથી તો (પ્રકાશન : ભાંડારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પૂના) ઉપરનો શ્લોક જ કાઢી નાખ્યો છે : એ આનું સબળ પ્રમાણ છે.

કૃષ્ણના વિશુદ્ધ ચારિત્ર્ય અને શાણપણનો એક પ્રસંગ મહાભારતના કર્ણપર્વમાં (૬૮-૭૧માં) છે, એ અહીં યાદ કરીએ : અર્જુને એકવાર આવેશમાં એવી પ્રતિજ્ઞા લઈ લીધી કે જે કોઈ એના ગાંડીવને નિંદશે એની એ હત્યા કરી નાખશે અને બનવા કાળ એવું બન્યું કે યુધિષ્ઠિર યુદ્ધમાં કર્ણને હાથે ઘાયલ થઈ ભાગ્યા અને માંડ માંડ બચ્યા. જ્યારે અર્જુન એમની ખબરઅંતર પૂછવા ગયો ત્યારે હજુ અર્જુને કર્ણને હણ્યો નથી એવું જાણીને યુધિષ્ઠિરે ધુંવાંફુંવા થઈ અર્જુનને અને એના ગાંડીવને ગાળો દીધી. જ્યારે પ્રતિજ્ઞાપાલન માટે અર્જુન યુધિષ્ઠિરને હણવા તૈયાર થયો, ત્યારે કૃષ્ણ વચ્ચે પડયા અને નીતિધર્મની સૂક્ષ્મતા વિશે સુંદર અને નિર્ણાયક ચર્ચા કરી અર્જુનને સ્વસ્થ કર્યો. ‘ધર્મનું તત્ત્વ ગુફામાં પડેલું છે’-એ આનું નામ! ત્યારે શ્રીકૃષ્ણે કહ્યું કે, ‘ધર્મ જેને અનુમતિ આપે તે જ સત્ય છે, અને અનુમતિ ન આપે તે અસત્ય છે. અને ધર્મ એ જ છે કે જે લોકોનું હિત કરે, કલ્યાણ કરે એટલે સત્યની કસોટી લોકકલ્યાણ જ છે આ દૃષ્ટિએ જોતાં જે અસત્ય છતાં લોકકલ્યાણ સાધે, તે સત્ય છે અને લોકહિતને ખતરામાં મૂકે એવું સત્ય પણ અસત્ય જ છે.

જયદ્રથ વધની કૃષ્ણે અજમાવેલી યુક્તિનો આક્ષેપ છે, કૌરવોના બનેવી સિંધુરાજ જયદ્રથે એકવાર પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીનું હરણ કર્યું હતું. જો કે એ પકડાયો પણ હતો, એને સજા પણ કરાઈ હતી. પણ પછી યુદ્ધમાં ચક્રવ્યૂહમાં અર્જુન સિવાય અન્ય પાંડવોને રોકવામાં અને અર્જુનપુત્ર બાળ અભિમન્યુને દગાથી મારી નાખવામાં એનો મુખ્ય હાથ હતો. એટલે અર્જુને પ્રતિજ્ઞા કરી કે તે સૂર્યાસ્ત પહેલાં જયદ્રથનો વધ કરશે. અને જો નહિ કરે તો બીજે દિવસે અગ્નિમાં બળી મરશે. અર્જુનની આ પ્રતિજ્ઞાથી ડરી ગયેલા કૌરવોએ જયદ્રથને અર્જુનથી સંતાડી રાખવાના ભારે પ્રયત્નો કર્યા. અર્જુને તે દિવસે ભારે જુસ્સાથી અથાક યુદ્ધ કર્યું પણ સાંજ સુધી જયદ્રથનો પતો ખાધો નહિ. ત્યારે કૃષ્ણે યોગશક્તિથી (સુદર્શનચક્રથી નહિ જ) જયદ્રથમાં આત્મલક્ષી સૂર્યાસ્તનો આભાસ કરાવી દીધો. એટલે જયદ્રથે આનંદ અને રાહતથી માથું બહાર કાઢ્યું અને અર્જુને એને મારી નાખ્યો (જુઓ દ્રોણપર્વ, ૧૪૬/૬૪-૬૬) જયદ્રથ અધર્મને પક્ષે લડતો હતો. અને આ એનો બીજો અપરાધ હતો એટલે અર્જુને કરેલી એની હત્યા ધર્મપુર:સર જ હતી અને ધર્મસંસ્થાપનાર્થે કાર્ય કરતા કૃષ્ણે એનો સાથ કર્યો. કૃષ્ણની ધર્મવિભાવના તો ઉપર ગાંડિવનિંદાના પ્રસંગમાં આપી જ દીધી છે.

આયુધરહિત અને ધરતીના પેટાળમાં પ્રવેશી રહેલ રથચક્રને બહાર કાઢવા મથતા કર્ણને કાયરતાભરી અન્યાયી રીતે મારી નાખવા માટે કૃષ્ણે અર્જુનને કરેલી ઉશ્કેરણીનો પણ કૃષ્ણ પર આક્ષેપ છે. કર્ણપર્વમાં આ પ્રસંગ વિસ્તારથી વર્ણવ્યો છે. (૯૦-૯૧) એકદમ તર્કપૂત અને એટલો તો સચોટ છે કે કર્ણને પણ એ નીચી મૂંડી રાખીને મૂંગે મૂગાં શરમથી સાંભળવો પડ્યો!! (જુઓ ૯૦/૧૫) કૃષ્ણની દલીલો સીધી સાદી છે. ભીમને કરાવેલું વિષપાન, લાક્ષાગ્રહમાં પાંડવોને બાળવાનું કાવતરું; ભરસભામાં દ્રૌપદીનું ચીરહરણ, અન્યાયી દ્યુતકર્મથી પાંડવોનું રાજ્ય છીનવી લેવાની યુક્તિ – વગેરેમાં કૌરવોએ જ્યારે ધર્મના બધા જ સીમાડા ઓળંગી નાખ્યા હતા અને પાંડવોને મારી નાખવાના વ્યૂહો રચ્યા હતા ત્યારે કર્ણે એ અધર્મને ક્યા પ્રકારનો ધર્મ ગણીને સાથ આપ્યો હતો? એટલે આજે કયે મોઢે કર્ણ ધર્મનો દાવો કરી રહ્યો હતો? એક કાંટો જ બીજા કાંટાને કાઢે છે, તેવી રીતે દુષ્ટતા સામે દુષ્ટતાના હથિયારથી જ લડાય – છાણના દેવને કપાસિયાની જ આંખો હોય, મોતીની નહિ – એ કૃષ્ણનું ધર્મસૂત્ર હતું. અને કર્ણને નિરાયુધ અને નિ:સહાય અવસ્થામાં માર્યોય ન હતો એ તો સામાન્ય રીતે લડતાં લડતાં જ મરાયો હતો.

ભીમ અને દુર્યોધનના ગદાયુદ્ધમાં કૃષ્ણે ભીમને દુર્યોધનનો સાથળ ભાંગી નાખવાની એની પ્રતિજ્ઞા પોતાનો સાથળ ઠોકીને યાદ કરાવી. ગદાયુદ્ધમાં નાભિ નીચેના પ્રદેશ પર પ્રહાર કરવાનો નિષેધ હોવા છતાં કૃષ્ણે આ અધાર્મિક સૂચન કર્યાનો પણ કૃષ્ણ પર આરોપ છે, પણ આ નિશાની કૃષ્ણે નહિ પણ અર્જુને કરી હતી. મૂળ મહાભારત વાંચ્યા વગરની વહેતી થયેલી વાયકાને પરિણામે આ આરોપ કૃષ્ણ પર આવી પડયો! (જુઓ શલ્યપર્વ, ૫૮/૨૧) ભીમનું આ કાર્ય ગદાયુદ્ધમાં નિષિદ્ધ તો છે પણ જ્યારે પૂર્વે દુર્યોધને ભરસભામાં પોતાનો સાથળ ઉઘાડો કરીને જુગુપ્સાભરી રીતે દ્રૌપદીને બતાવ્યો ત્યારે ભીમે દુર્યોધનના એ ડાબા સાથળને ભાંગી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. (સભાપર્વ, ૬૯/૧૦-૧૧) અને આવું ન થયું હોત તો કૃષ્ણ પણ એવું કરત જ. નહિતર તો દુર્યોધન પાછો રાજા થાય અને બધું એનું એ! ધરતી પરથી ધર્મધ્વંસ થઈ રહ્યો હોય એની અને ગદાયુદ્ધના નિયમભંગની – એ બન્ને વચ્ચે પસંદગી કરવાની હોય તો ઓછા અહિતકારીની જ પસંદગી કરવી જોઈએ. આખું જીવન બચાવવા માટે એક અંગને કાપી નાખવા જેવી જ આ વાત છે.

કૃષ્ણ સમર્થ હોવા છતાં યાદવાસ્થળી અટકાવી નહિ, એટલું જ નહિ એમાં પોતે સામેલ પણ થયા એનું કારણ તો એ સ્પષ્ટ જ છે કે ત્યારે યાદવકુળ ઊગરી ન શકે એટલી હદે શરાબપાનથી અધ:પતિત થઈ ચૂક્યું હતું. એને સુધારવાના કૃષ્ણના સઘળા પ્રયત્નો નિષ્ફળ સાબિત થયા હતા અને શ્રીકૃષ્ણ તો ધર્મસ્થાપન માટે અવતર્યા હતા, પોતાના હલકટ કુળનો ઉદ્ધાર કરવા નહિ! યાદવોના નાશની એમણે ભજવેલી ભૂમિકા વાસ્તવમાં પ્રશંસનીય જ ગણાય.

સામાન્ય પારધિને હાથે થયેલી કૃષ્ણની હત્યા કંઈ નાલેશીભરી ન કહેવાય. એમ ગણીએ તો તો બુદ્ધને પણ ઝેર અપાયું હતું, મહાવીર ડૂબી મર્યા હતા, જિસસ શૂળીએ ચડ્યા હતા, કેટલાક શીખ ગુરુઓને જંગલી રીતે મારી નંખાયા હતા, રામકૃષ્ણ કેન્સરના ભોગ થયા હતા, ગાંધીની હત્યા થઈ હતી! આવાં મરણોથી તો મહાત્માઓ અદકેરા શોભ્યા છે. કૃષ્ણના મૃત્યુ વિશે ભાગવત તો લખે છે કે તેમણે યોગથી સશરીરે પોતાના લોકમાં પ્રવેશ કર્યો! (જુઓ ભાગવત, ૧૧/૩૧/૬ અને વિષ્ણુપુરાણ ૫/૩૭/૭૫) જરા પારધિની કથા તો ‘જરા = ઘડપણ’ એમ ગણીને રૂપકાત્મક ગોઠવી લાગે છે. અને એ સાચી હોય તો પણ એમાં કૃષ્ણનું કશું બગડતું નથી.

જગતને બચાવનારનોયે આમ આપણે બચાવ કરવો પડે છે એ જ પેલા ખણખોદિયા લોકોની બલિહારી છે! એમને એ ખબર નથી કે કૃષ્ણ તો દાવાનળ પણ પી જાય છે અને આપણે ઊની ઊની કઢી પણ પી શકતા નથી!

Total Views: 33

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.