પ્રાસ્તાવિક

પ્રાગૈતિહાસિક કાળથી હિંદુધર્મના સંન્યાસીઓ એકલા કે સમૂહમાં સમગ્ર ભારત ખંડમાં ઘૂમતા રહેતા. એમને માટે સંઘ કે સુસંગઠિત સંસ્થાનો વિચાર પ્રતિકૂળ કે પરાયા જેવો હતો. ભારતના આ મહાન ઉપખંડમાં સર્વત્ર પોતાનો મહાન સંદેશ આપવાનું ભગવાન બુદ્ધે શરૂ કર્યું ત્યારે એમણે જાણીતા બૌદ્ધ મઠોની સ્થાપના કરી અને એ બધા મઠો સંઘના નામે ઓળખાતા. આ સંઘની ભારતીય પરંપરાગત સંસ્કૃતિ પર ઘેરી અસર પડી હતી. ત્યાર પછી આવનાર આચાર્ય શંકરે હિન્દુ સંન્યાસીઓને સુસંગઠિત કરવા પ્રયત્ન કર્યો અને એના ફળ સ્વરૂપે સમગ્ર ભારતમાં દશનામી સંપ્રદાયની સ્થાપના થઈ. આમ છતાં પણ આ મઠવિહારનાં વૃંદો વત્તાઓછા પ્રમાણમાં સમાજથી અલગ રહેવાના વલણવાળા હતા અને એમણે એક રૂઢિવાદી અમલદાર શાહી પ્રકારનું તંત્ર વિકસાવ્યું. પ્રારંભમાં સ્વામી વિવેકાનંદ પણ આ યુગ જૂની પ્રણાલીને અનુસરવાના મતના હતા. એમણે ૧૮૯૫માં પોતાના શિષ્યોમાંના એકને આમ લખ્યું હતું:

‘આપણી પાસે સંસ્થા નથી, તેમ તે આપણે ઊભી કરવા પણ માગતા નથી. દરેક જણ ગમે તે પોતાને શીખવવા માટે સ્વતંત્ર છે, નર કે નારી પોતાને જે ગમે તેનો ઉપદેશ આપવાને મુક્ત છે.’ (૧૨.૪૮) પશ્ચિમમાં પણ તેઓ કોઈ સંસ્થાનો પ્રારંભ કરવામાં સંદેહ અનુભવતા. તેમણે પોતાના પશ્ચિમના શિષ્યોમાંના એકને આમ લખ્યું હતું : ‘મારો વિચાર જુદી જુદી જગ્યાએ સ્વયં સંચાલિત સ્વતંત્ર જૂથો ઊભા થાય તેવો છે. તેઓ તેમની મેળે કાર્ય કરે અને બની શકે તેવો ઉદ્યમ કરે. મારે પોતાને માટે તો હું કોઈ પણ સંસ્થામાં સંડોવાવા માગતો નથી.’ (૧૦.૧૨૩)

પશ્ચિમના દેશોના પોતાના રોકાણ દરમિયાન તેમણે પશ્ચિમની સંસ્કૃતિ અને સંસ્થાઓનો બારીકાઈથી અભ્યાસ કર્યો હતો, એની પાછળ એમનો દૃષ્ટિકોણ પોતાના દેશના કલ્યાણ માટે એ બધાની શ્રેષ્ઠ વસ્તુઓને અપનાવવાનો હતો. પશ્ચિમના લોકોની સફળતાના પાછળનાં રહસ્યમાં રહેલી શક્તિના સંયોજનનો એમને ખ્યાલ આવ્યો. આની આધારશિલા છે પરસ્પરનો વિશ્વાસ અને કદરદાની. ધીમે ધીમે તેઓ સંસ્થાની કે સંઘની શક્તિની સાચી કીમત જાણીને એની માનવના અંતિમ ધ્યેયની પ્રાપ્તિમાં ઉપયોગીતાનું ઉચિત મૂલ્યાંકન કરવા લાગ્યા. આને લીધે તેઓ પશ્ચિમમાં વેદાંત સોસાયટીની રચના કરવા દોરાયા હતા. તેમણે કહ્યું છે:

‘દરેક પ્રજામાં તેમની રીત પ્રમાણે તમારે કામ કરવું પડે. દરેક માણસ સાથે તેની પોતાની ભાષામાં તમારે બોલવું પડે. હવે જો ઈંગ્લેન્ડ કે અમેરિકામાં તમારે ધર્મનો ઉપદેશ આપવો હોય તો તમારે રાજકારણી પદ્ધતિ અપનાવવી પડે – એટલે કે મતદાન, ગુપ્તમત, પ્રમુખ, સંસ્થાઓ અને મંડળોની સ્થાપના ઇત્યાદિ દ્વારા કામ લેવું પડે, કારણ કે પશ્ચિમની પ્રજાની એ પરિભાષા છે, એ એમની રીત છે… પરંતુ પ્રત્યેક પ્રજામાં તેના હૃદય સુધી પહોંચવા માટે તમારે તેની પરિભાષામાં બોલવું જોઈએ, અને આ તદ્દન વ્યાજબી છે.’ (૮.૨૩૪-૩૫)

તેમણે ભારતમાં હિંદુઓને અરસપરસ સહાયરૂપ બનવાનું તેમજ એક બીજાના કાર્યની કદરદાની કરવાનું શીખવવા આવી સંસ્થાની આવશ્યકતા અનુભવી. એમણે સ્પષ્ટપણે અનુભવ્યું કે આવી સંસ્થા વિના કોઈ મહાન કાર્ય પૂર્ણ ન થઈ શકે. એટલે જ એમણે લખ્યું હતું : ‘મારા જીવનની સમગ્ર અભિલાષા એ છે કે એક એવી યોજના અમલમાં મૂકી દેવી કે જેથી પ્રત્યેક વ્યક્તિને ઊંચામાં ઊંચા વિચારો સુલભ બને, ત્યારબાદ ભલે સ્ત્રીઓ અને પુરુષો પોતપોતાનું ભાગ્ય નક્કી કરે.’ (૧૧.૨૧૪)

રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવા માટેની સભાનો આ શબ્દો સાથે એમણે પ્રારંભ કર્યો હતો :

‘જુદા જુદા દેશોનો પ્રવાસ કર્યા પછી મારા મનમાં ખાતરી થઈ છે કે એકાદ સંસ્થા ઊભી કર્યા વિના કોઈ પણ મહાન ઉદ્દેશ સફળ થતો નથી.’ (૧૦.૨૫૮)

કોઈ સર્વ સામાન્ય હેતુ માટે બધાએ ભેગા મળીને કામ કરવાની ક્ષમતાનો અભાવ ભારતના લોકોની અધોગતિનાં કારણોમાંનું એક કારણ છે એમ સ્વામીજીએ સ્પષ્ટપણે અનુભવ્યું હતું. આના રામબાણ ઈલાજ રૂપે તેઓ સંયોજિત કે સુસંગઠિત બનીને કામ કરવાના સંસ્કાર લોકોમાં પાડવા માગતા હતા. એક સુસંગઠિત કે સુસંયોજિત શક્તિના રહસ્ય અને તેની ભાવિ ભારતને ઘડવાની મહત્તા વિશે બોલતાં તેમણે કહ્યું હતું:

‘એક ભાવિ ભારત સર્જવાનું સઘળું રહસ્ય, સંગઠનમાં, સત્તાને એકત્રિત કરવામાં, સૌની ઇચ્છાશક્તિઓના સમન્વયમાં સમાયેલ છે. એક મનવાળા થવું એ સમાજનું રહસ્ય છે અને જેમ જેમ આપણે.. ક્ષુલ્લક બાબતો માટે વાદવિવાદ અને ઝઘડા વધારે કર્યા કરીએ તેમ તેમ ભારતના ભાવિનું સર્જન કરનારા જે શક્તિ સંગ્રહ અને સત્તા છે તેનાથી તમે દૂર દૂર જતા જશો. તમે ખસૂસ ધ્યાનમાં રાખજો કે ભારતનું ભાવિ સંપૂર્ણપણે તેના પર અવલંબે છે. ઇચ્છાશક્તિનું એકીકરણ, સમન્વય અને એ બધાને, એક મધ્યકેન્દ્રમાં લાવવા એ જ મુખ્ય મુદ્દો છે.’ (૪.૧૭૧)

કાર્યની સુયોગ્ય વહેંચણી

કોઈ પણ સંસ્થાનું સૌથી મહત્ત્વનું બીજું પાસું એ એના સ્થાયીપણામાં અને સ્થિરતામાં છે. સંસ્થાનું સુપેરે સંચાલન કરવા માટે પ્રશિક્ષિત અને પ્રેરણાવાળા લોકોનો જથ્થો એકધારો મળતો રહે એ આવશ્યક છે. આના માટે કુશળ માનવીય વ્યવસ્થા તંત્રની જરૂર રહે છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે આપણે ભારતીયો આપણી એક મોટી ખામીને કારણે સહન કરતા રહ્યા છીએ. દા.ત. આપણે કોઈ સુસ્થિર સંસ્થા રચી શકતા નથી. એનું કારણ એછે કે આપણને ક્યારેય આપણી શક્તિઓમાં બીજાને ભાગીદાર બનાવવાનું ગમતું નથી અને આપણે ચાલ્યા જશું તે પછી સંસ્થાનું શું થશે એનો પણ ક્યારેય વિચાર કરતા નથી.

પોતાના ગુરુબંધુ સ્વામી બ્રહ્માનંદજીને શ્રીનગરથી ૧ ઓગસ્ટ, ૧૮૯૮ના રોજ લખેલા એક પત્રમાં આ સમસ્યાના ઉકેલ માટે સ્વામીજી કહે છે :

‘દરેકને વારાફરતી જવાબદારીવાળું સ્થાન આપો, પણ એના પર પાકી દેખરેખ રાખો કે જેથી જરૂર પડ્યે તમે તેને કાબૂમાં લઈ શકો. આ રીતે જ માણસોને કામ કરવા તૈયાર કરી શકાય. તંત્ર એવું ગોઠવો કે ગમે તે મરે કે જીવે પણ એ આપોઆપ ચાલતું રહે… ચૂંટણી હિસાબ અને ચર્ચાનો હું વારંવાર ઉલ્લેખ કરું છું, તે એટલા માટે કે જેથી દરેક જણ કામ માથે ઉપાડી લેવા તૈયાર થાય. જો એક માણસ મરી જાય તો બીજો, બીજો જ શા માટે જરૂર પડે તો બીજા દસ જણા તે ઉપાડી લેવા તૈયાર હોવા જોઈએ. બીજું માણસને કામમાં રસ ઉત્પન્ન કરવામાં ન આવે તો તે ખરા દિલથી કામ ન કરે. સૌને એમ સમજાવવું જોઈએ કે કામ અને મિલકતમાં દરેકનો હિસ્સો છે અને વહીવટ અંગે દરેકને બોલવાનો અધિકાર છે. (૧૨.૨૩૭)

સંપૂર્ણ આજ્ઞાંકિતતા

પોતાની શ્રદ્ધા કે નિષ્ઠાનું બલિદાન આપ્યા સિવાય પૂર્ણ આજ્ઞાંકિતતાની આવશ્યકતા પર સ્વામીજી બહુ ભાર દેતા. જ્યાં સુધી આજ્ઞાંકિતતા સૌથી વધુ અગત્યની ન બને ત્યાં સુધી તેઓ જાણતા હતા કે કોઈ પણ સંસ્થા કે સંઘમાં કેન્દ્રીકરણ શક્ય નથી. વ્યક્તિગત શક્તિઓ કે ઊર્જાઓના કેન્દ્રીકરણથી જ કોઈ મહાન કાર્ય કરી શકાય છે, અને એક સફળ સંસ્થાનું આ મુખ્ય લક્ષણ છે.

આકરી ગુલામીમાં સપડાયેલા ભારતીયોને અંગ્રેજો પાસેથી પોતાના નેતાઓનું ચુસ્તપણે આજ્ઞાપાલન, ઈર્ષ્યાનો અભાવ તથા અટલ ખંત અને પોતાનામાં કદીયે ન મરતી શ્રદ્ધાના ગુણો શીખવા માટે સ્વામીજીએ ભારપૂર્વક કહ્યું હતું. ૧૮૫૭ના બળવાને દબાવી દેવા માટે સુખ્યાત લશ્કરી અધિકારીઓમાંના એક જનરલ સ્ટ્રોંગે એકવખત સ્વામીજીને એમ કહ્યું હતું કે આ બળવામાં ભારતીયોની હારનાં મુખ્ય કારણોમાંનું એક તે આજ્ઞાપાલનનો અભાવ હતો. એ વાતની એમણે યાદ અપાવી. ત્યાર પછી ‘ધ હિંદુ’ના એક પ્રતિનિધિ કે જે તેમની સાથે ચેંગલપટ્ટુથી મદ્રાસ યાત્રા કરી રહ્યા હતા તેમને સ્વામીજીએ કહ્યું:

‘કોઈ પણ કામને માટેના એક નેતાની એકવાર પસંદગી કર્યા પછી અંગ્રેજ તેને દરેકેદરેક પરિસ્થિતિમાં વળગી જ રહેશે અને એનો હુકમ માનશે. અહીં ભારતમાં તો દરેક જણ નેતા બનવા માગે છે. હુકમ પાળવા કોઈ તૈયાર હોતું નથી. હુકમ ચલાવતાં પહેલાં જાતે હુકમ પાળતાં શીખવું જોઈએ. આપણા હિંદુઓમાં ઈર્ષ્યાનો અંત નથી અને વ્યક્તિ જેટલી વધારે અગત્યની તેટલી તે વધારે ઈર્ષ્યાખોર હોય છે. હિંદુઓ જ્યાં સુધી આ ઈર્ષ્યાનો ત્યાગ અને નેતાઓની આજ્ઞાનું પાલન કરતાં શીખશે નહિ ત્યાં સુધી તેમનામાં વ્યવસ્થા કૌશલ્ય આવવાનું નથી; આપણે છીએ તેવા નકામા, અવ્યવસ્થિત અને આશાઓમાં રાચનારા પણ કાર્યમાં મીંડા જેવા જ રહીશું.’ (૮.૨૯-૩૦)

ઈર્ષ્યા કે અદેખાઈથી દૂર રહો

સ્વામીજી કહતા કે ભારતમાં ત્રણ પુરુષો પાંચ મિનિટ માટે પણ એક સાથે કોઈ કામ કરી શકતા નથી. દરેકેદરેક સત્તા માટે મથતો રહે છે અને લાંબે ગાળે સમગ્ર સંસ્થા ભયમાં આવી પડે છે. આનું કારણ આપણી વચ્ચેની ભયંકર ઈર્ષ્યા છે. તેઓ માનતા કે ગુલામ પ્રજાનું આ એક લક્ષણ છે. એટલે જ પોતાના અનુયાયીઓને આ પ્રપંચભરી ટેવથી દૂર રહેવા ખાસ જણાવ્યું હતું. આ કેવી રીતે કરવું એ પણ એમણે બતાવ્યું છે. તેમણે પોતાના ગુરુભાઈઓને હંમેશાં બીજા ગુરુભાઈઓના મતને આદર આપવાનું અને એમની સાથે એખલાસભર્યું વર્તન રાખવા સલાહ આપી હતી. યુ.એસ.એ.થી ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓને લખેલા એમના એક પત્રમાં સમૂહ જીવન જીવનાર માટે ઘણાં ઉપયોગી અને વ્યવહારુ સૂચનો એમણે કર્યાં છે. તેઓ લખે છે :

‘તમે સર્વને નિ:સ્વાર્થપણે ચાહશો તો બધા એકબીજાને ધીમે ધીમે ચાહવા લાગશે. એકનું હિત બીજાના હિત પર આધાર રાખે છે એ જ્યારે દરેક જણ પૂર્ણપણે સમજશે ત્યારે અદેખાઈ છોડી દેશે.’ (૧૦.૯૯)

નિરર્થક ટીકાથી દૂર રહો

સ્વામીજીએ એ પણ ઈંગિત કર્યું હતું કે કોઈ પણ બાબતને ગંભીરતાથી ન લેવી એ ભારતીયોની એક ખાસ ટેવ બની ગઈ છે. તેઓ દૃઢપણે માનતા હતા કે કોઈ પણ બાબતમાં ગંભીરતાનો અભાવ અને એની સાથે જોડાયેલી ઈર્ષ્યાને લીધે ભારતીઓમાં કાર્યની જવાબદારી લેવાનું તેમજ તેમાં સાહસ અને પ્રાણ પુરવાનો અભાવ જોવા મળે છે. પીઠ પાછળ નિંદા કરીને કે નિરર્થક ટીકાટિપ્પણ દ્વારા બીજાને આપણે પાડી પણ દઈએ છીએ. એમણે ૧૮૯૫માં પોતાના ગુરુભાઈઓમાંના એકને પત્ર દ્વારા સ્વામી ત્રિગુણાતીતાનંદને બંગાળી સામયિક શરૂ કરવા પ્રોત્સાહન આપવા અને એમને એ પ્રકલ્પમાં સહાય કરવા જણાવ્યું હતું. એ પત્રને અંતે એમણે ઘણી મહત્ત્વની બાબત જણાવી હતી :

‘કોઈને તેની યોજનામાં નિરુત્સાહ ન કરશો. ટિકા કરવાનું સદંતર છોડી દેજો. જ્યાં સુધી લોકો સારું કાર્ય કરતા હોય ત્યાં સુધી તેમને સહાય કરો; અને જ્યારે તેઓ ખોટે રસ્તે જવા લાગે ત્યારે તેમની ભૂલો નમ્રતાપૂર્વક બતાવજો. બધા ઝઘડાનું મૂળ એકબીજાની ટિકા કરવી એ છે. સંસ્થાઓને તોડી પાડવામાં મુખ્યભાગ તે ભજવે છે.’ (૧૦.૧૦૭)

ધંધામાં પ્રામાણિકતા અને નિષ્ઠા

વેપાર ધંધા-ઉદ્યોગ કે બીજી સંસ્થાઓમાં ચુસ્ત નૈતિક સિદ્ધાંતોના મહત્ત્વ વિશે આપણે બધા જાણીએ છીએ. જે સંસ્થાઓએ આ નૈતિક અને સદાચારના સિદ્ધાંતોમાં જરાય બાંધછોડ નથી કરી એવી સંસ્થાઓ લાંબે ગાળે ટકી રહી છે અને બીજા સમાજનું એક સફળ આદર્શ ઉદાહરણ બની ગઈ છે. ધંધાની કે કોઈ મહાકાર્યની પવિત્રતા અને નિષ્ઠા માટે સ્વામીજી પાસે પૂરતી દીર્ઘદૃષ્ટિ અને સમજણ હતાં. ૧૮૯૬ના ૨૬ ઓગસ્ટના રોજ સ્વીઝર્લેન્ડથી શિષ્ય નંજુંદારાવને લખેલા પોતાના એક પત્રમાં મદ્રાસથી શરૂ થવાના ‘પ્રબુદ્ધ ભારત’ નામના સામયિક વિશે કેટલાંક મહત્ત્વનાં તેમણે સૂચન કર્યાં હતાં:

‘ભારતમાં તમામ સામુહિક પ્રયત્નો એક જ ઊણપના ભાર હેઠળ પાણીમાં જાય છે; અને એ ઊણપ એ છે કે આપણે હજી સંગીન ધંધાદારી સિદ્ધાંતોનો વિકાસ કર્યો નથી. સાચામાં સાચા અર્થમાં, ધંધો એટલે ધંધો; એમાં મૈત્રી અને હિંદુ કહેવતમાં બધે બોલાય છે તેમ ‘આંખની શરમ’ જેવું હોવું ન જોઈએ. દરેક મનુષ્યે પોતાના હવાલામાં સોંપાયેલી દરેક વસ્તુનો ઝીણામાં ઝીણો હિસાબ રાખવો જોઈએ, અને એક બાબત માટે રાખેલાં નાણાંનો ઉપયોગ બીજી બાબત માટે કદાપિ કરવો ન જોઈએ; પછી બીજી જ પળે એ બાબત ભલે ભૂખે મરે. એનું નામ ધંધામાં પ્રામાણિકતા.’ (૧૧.૨૯૬)

લોકતાંત્રિક સંસ્થાઓ

સ્વામીજીએ બરાબર નિરીક્ષણ કરીને નોંધ્યું હતું કે પશ્ચિમના લોકો ભારતીયો કરતાં વધારે કેળવાયેલા અને એક બીજા પ્રત્યે ઓછામાં ઓછી ઈર્ષ્યા રાખનારા લોકો છે. તદુપરાંત તેઓ ગુણવત્તાને માન-આદર આપવાનું શીખ્યા છે. એટલે જ તેઓ સફળતાપૂર્વક લોકતાંત્રિક ધોરણે સંસ્થાઓનું સંચાલન કરી શક્યા. આપણા દેશમાં સામાન્ય જનસમૂહોમાં શિક્ષણના પ્રચાર સાથે તેઓ વધુ સહિષ્ણુ, સમભાવ અને ઉદાર વિચારવાળા બને ; કોઈ ચોક્કસ જાતિ-સંપ્રદાય કે પક્ષની બધી મર્યાદાઓ ઓળંગીને તેઓ વધુ ને વધુ ઉદાર વિચારો કેળવતા શીખે ત્યારે ભારતમાં પણ સ્વામીજી કહે છે તેમ આવી લોકતાંત્રિક ધોરણે ચાલતી સંસ્થાઓ બની શકશે. આવું ન બને ત્યાં સુધી તેમણે એક સારા ભલા અને સિદ્ધહસ્ત વ્યક્તિને બધી સત્તાઓ સોંપીને ચાલતા વહીવટને વધારે પસંદ કર્યો હતો. ૧૮૯૫માં પોતાના એક ગુરુબંધુને લખેલા એક પત્રમાં સહજ સરળ રીતે સંસ્થાનું સંચાલન કેમ કરવું તેના કેટલાંક મહત્ત્વનાં સૂચનો આપ્યાં હતાં. આમ તો આ સૂચનો ઘણાં વ્યવહારુ અને સાવ સીધાં સરળ લાગે છે. પરંતુ એમનાં આવાં સૂચનો પ્રત્યે પૂરતું ધ્યાન ન આપવાને બદલે કેટલીયે સંસ્થાઓ છિન્ન ભિન્ન થઈ ગઈ છે. તેમણે એ પત્રમાં લખ્યું હતું :

‘(૧) પક્ષપાત વૃત્તિ બધાં પાપનું મૂળ છે, એ નક્કી જાણજો. એનો અર્થ એ કે જો તમે એક કરતાં બીજા પ્રત્યે વધારે પ્રેમ બતાવો, તો ખાતરી રાખજો કે તમે ભાવિ મુશ્કેલઓનાં બી વાવો છો. 

(૨) તમારી પાસે કોઈ પોતાના ભાઈઓનું વાંકું બોલવા આવે તો તે સાંભળવાની ચોખ્ખી ના પાડજો; એવું સાંભળવું એ પણ મહાન પાપ છે. તેમાં ભાવિ આફતનું બીજ હોય છે.

(૩) ઉપરાંત, દરેકની અપૂર્ણતાઓને ચલાવી લેજો. લાખો અપરાધો માફ કરી દેજો. તમે સર્વને નિ:સ્વાર્થપણે ચાહશો તો બધા એકબીજાને ધીમે ધીમે ચાહવા લાગશે. એકનું હિત બીજાના હિત પર આધાર રાખે છે અને જ્યારે દરેક જણ પૂર્ણપણે સમજશે ત્યારે અદેખાઈ છોડી દેશે. કોઈ પણ કાર્ય સાથે મળીને કરવું તે આપણા રાષ્ટ્રના સ્વભાવમાં જ નથી. તેથી ખૂબ કાળજી લઈને આવો સ્વભાવ કેળવવાનો તમારે પ્રયત્ન કરવાનો છે અને તેમ કરીને શાંતિથી રાહ જોવાની છે.’ (૧૦.૯૯)

સંસ્થાની ઊણપો

કોઈ પણ સંસ્થાના નકારાત્મક પાસા વિશે સ્વામીજી પૂરેપૂરા વાકેફ હતા. એમાંના ત્રણ વિશે વિશેષ કરીને એમણે આપણને સાવધાન કર્યા છે.

(૧) જ્યારે કોઈ પણ સંસ્થાના એમાંયે ખાસ કરીને ધાર્મિક કે સામાજિક સંસ્થાના સંકુચિત દૃષ્ટિવાળા લોકોનું પ્રભુત્વ વધે ત્યારે તે સંસ્થા સાંપ્રદાયિક વલણ અપનાવે છે. સ્વામીજીએ બહુ સમજણપૂર્વક આ વિશે કહ્યું છે : 

‘જે ઘડીએ તમે કોઈ એક સંસ્થાની રચના કરો, તે જ ક્ષણથી તમે તે સંસ્થા બહારની પ્રત્યેક વ્યક્તિને ધિક્કારવા લાગો છો.’ (૯.૨૨૫) 

વૈશ્વિકતાના સિદ્ધાંતોને જાળવી રાખવા માટે સંસ્થાએ કોઈ પણ ભોગ આપવા તૈયાર રહેવું જોઈએ. કૂપમંડુપતા છોડીને ઈષ્ટનિષ્ઠા હોવી જોઈએ. રામકૃષ્ણ ભાવધારાનો મધ્યવર્તી વિચાર-આદર્શ એ જ છે. આ દેશમાં અને વિદેશમાં ચાલતાં રામકૃષ્ણ મઠ અને મિશનનાં જુદાં જુદાં કેન્દ્રોની સમસ્ત પ્રવૃત્તિઓ આ વૈશ્વિક આદર્શને ધ્યાનમાં રાખીને થાય છે. તેથી જ વૈશ્વિક ભાવનાઓથી રંગાયેલા છે, સંકુચિત અને સાંપ્રદાયિક ભાવથી દૂર રહે છે એવા લોકોમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા વધુ લોકપ્રિય બની છે.

(૨) સંસ્થાના વિશાળ હિત માટે ક્યારેક ક્યારેક વ્યક્તિગત સ્વાતંત્ર્યનો પણ ભોગ આપવો પડે છે. જીવનના દરેક તબક્કે સ્વામીજી સ્વતંત્રતાના હિમાયતી હતા. એમનો સંદેશ એટલે મુક્તિનો સંદેશ. મુક્તિ એટલે બધાં સ્તરની મર્યાદાઓ અને બંધનમાંથી મુક્તિ. ‘આત્મા અને પ્રકૃતિ’ નામના વાર્તાલાપમાં સ્વામીજીએ આમ કહ્યું છે : 

‘જ્યારે તમે કોઈ પણ સંસ્થામાં જોડાઓ છો, ત્યારે તમે તમારા પર બંધન લાદો છો. તમારી સ્વતંત્રતાને મર્યાદિત કરો છો. વધુમાં વધુ સ્વાતંત્ર્ય એ મોટામાં મોટું શુભ છે. દરેક વ્યક્તિ આવી સ્વતંત્રતા તરફ આગળ વધે એ જોવાનો આપણો ઉદ્દેશ હોવો જોઈએ. જેટલું વધારે સારાપણું, તેટલા કૃત્રિમ નિયમો ઓછા.’ (૯.૨૨૫)

એમણે કોઈ પણ સંસ્થાનું કુશળતાપૂર્વક સંચાલન કરવા તેમજ વ્યવસ્થાપન કરવા માટે નિયમો અને ધારાધોરણોની આવશ્યકતા પર ઓછો ભાર દીધો હતો. 

તેમણે સ્પષ્ટપણે ચેતવણી આપતાં કહ્યું હતું કે આ બધું કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતાના ભોગે ન થવું જોઈએ. બીનજરૂરી અનેક નિયમોની વિપુલતા એ સર્જનાત્મકતાને રુંધે છે અને તંત્રને ચલાવવું માનવો માટે દુષ્કર બનાવે છે.

(૩) જ્યારે જ્યારે સંસ્થાઓની સંરચના થાય છે ત્યારે તેમાં વંશવારસાગત કે પ્રણાલીગત વરિષ્ઠતા અને અનુભવ પર આધારિત વ્યવસ્થાપન પ્રણાલીની આવશ્યકતા રહે છે. તદુપરાંત જેમ જેમ કોઈ પણ સંસ્થા મોટી થતી જાય તેમ તેમ વધારે પ્રમાણમાં ધન અને શક્તિ તેના વ્યવસ્થાપનમાં આવી જાય છે. ૧૮૯૬માં લંડનમાં સ્વામીજીએ આપેલી એક રૂબરૂ મુલાકાતમાં આ પ્રમાણે ટિપ્પણી કરી હતી :

‘સંસ્થાઓ સ્થાપો એટલે એમની વ્યવસ્થા કરવા સારુ માણસોની જરૂર પડે; અને એ લોકો સત્તા, પૈસો, પ્રતિષ્ઠા વગેરેની પાછળ પડ્યા વિના રહે જ નહિ. ઘણીવાર તો તેઓ પોતાનું પ્રભુત્વ ચલાવવા સારું મથે છે, અને લડે છે પણ ખરા.’ (૮.૧૩)

સંસ્થાના નેતૃત્વ વિશે

કોઈ પણ સંસ્થાની તંદુરસ્તી અને તેની પ્રભાવકતાનો આધાર મહત્તર પ્રમાણમાં તેમના સંવાહક અને સુકાની જેવા નેતાઓની ગુણવત્તા પર રહેલો છે. લાયકાતવિહોણા નેતાઓવાળી સંસ્થાઓ સુકાન વિનાના વહાણ જેવી છે અને એ થોડા જ સમયમાં દરિયા કિનારાના ખડકોમાં ભટકાઈને ભુક્કો થઈ જાય છે. એટલે જ સ્વામીજીએ સંસ્થાના આ પહેલુ પર ઠીક ઠીક પ્રમાણમાં ધ્યાન આપ્યું હતું અને નેતૃત્વ વિશે એમણે મૂલ્યવાન સૂચનો પણ આપ્યાં હતાં.

પહેલી અને સૌથી મહત્ત્વની વાત, જેમાં સ્વામીજી દૃઢપણે માનતા હતા કે એક મહાન નેતા જન્મે છે અને એક જીવનમાં એનું નિર્માણ થઈ શકતું નથી. વાસ્તવિક રીતે જોઈએ તો સાચા નેતા બનવું એ ઘણું દુષ્કર મહાકાર્ય છે. સાચા નેતા બનવા માટે બુદ્ધિપ્રતિભા, કાર્યકુશળતાની જ માત્ર જરૂર રહેતી નથી; સાથે ને સાથે એને માટે કેટલીયે આધ્યાત્મિક સાધના કે મથામણોના પરિણામે જન્મતી અને જન્મજન્માંતરના અવિરત પ્રયાસોમાંથી ઉદ્‌ભવતી અંત:પ્રેરણા નામની શક્તિની પણ જરૂર પડે છે. એટલે જ સ્વામીજીએ કહ્યું હતું :

‘કોઈ પણ નેતાનું સર્જન એક જીવનકાળમાં થઈ ન શકે. એ માટે એણે વારંવાર જન્મવું પડે છે. કોઈ પણ સંસ્થામાં કેવળ એના સંચાલનમાં કે એની યોજનાઓ બનાવવામાં મુસીબતો આડે આવતી નથી. નેતાની સાચી કસોટી તો ભિન્ન ભિન્ન લોકોને એકીસાથે સામાન્ય સમસંવેદનાની એક રેખામાં સાંકળી રાખવામાં છે. અને આ બધું અસંપ્રજ્ઞાતપણે એક આધ્યાત્મિક અંત:પ્રેરણા દ્વારા કરી શકાય, પ્રયત્નો દ્વારા ન થાય.’

જ્યારે સ્વામીજીના સમયના શ્રીપ્રતાપચંદ્ર મજમુદારે ઈર્ષ્યાને કારણે એમની બદબોઈ કરતી ચળવળ શરૂ કરી ત્યારે તેમણે પોતાના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીને શિકાગોથી મજમુદાર જે કંઈ કરે છે એ કાને ન ધરવા જણાવ્યું હતું. એમણે આગળ જણાવ્યું કે પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણે એમને વિશ્વાસપૂર્વક સોંપેલ કાર્ય પ્રભુ જ એમના (સ્વામીજી) દ્વારા કરાવી રહ્યા છે. અને એમના આ મહાન મિશનને કાર્યરૂપ આપવામાં આ દુનિયાની કોઈ તાકાત એમને રોકી શકશે નહિ અને હાનિ પણ નહિ પહોંચાડી શકે. સાચા નેતાએ જે મહાન મુસીબતોનો સામનો કરવાનો છે તેના પર ભાર દેતાં તેઓ આગળ આ પત્રમાં લખે છે: ‘ભાઈ! નેતા શું બનાવી શકાય કે? નેતા તો જન્મે છે, સમજ્યો? નેતાનો પાઠ ભજવવો એ બહુ કઠિન છે. માણસે ‘દાસ્ય દાસ:’ સેવકોના પણ સેવક થવું પડે અને હજારોનાં મન મનાવવાં પડે. અદેખાઈ કે સ્વાર્થનો અંશ પણ હોય ત્યારે તમે નેતા ન બની શકો. પહેલાં જન્મથી હોય, અને પછી નિ:સ્વાર્થી બને તે નેતા થાય.’ (૧૦.૬૭)

(ક્રમશ:)

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.