(‘વિવેકાનંદ લાઈફ સ્કિલ્સ એકેડમી’ દ્વારા પ્રકાશિત અને જે.ચંદ્રશેખર અને એમ.ગંગાધર પ્રસાદે લખેલ ગ્રંથ ‘ઈટરનલી ટેલન્ટેડ ઈંડિયા – ૧૦૮ ફેક્ટ્‌સ’ માંથી શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.)

પૃથ્વી ગોળ છે, એ કોણે શોધી કાઢ્યું?

આપણાં પુસ્તકો આપણને આવું કહે છે અને શીખવે છે : કેપ્લર, કોપરનિક્સ અને ગેલેલિયો. આ ત્રણેય વૈજ્ઞાનિકો ૧૬મી અને ૧૭મી સદીના છે.

પ્રાચીન સમયમાં આ વિશે ભારતની માન્યતા કેવી હતી? પૃથ્વી ગોળ છે, એમ તેઓ જાણતા હતા?

આનો જવાબ ‘હા’ છે. તેઓ એટલે કે ભારતીયો આ હકીકતને પ્રાચીન સમયથી એટલે કે યુગોથી જાણતા હતા. અહીં એ વિશેની હકીકતના કેટલાક સંદર્ભો પ્રસ્તુત છે.

* ભારતના સુખ્યાત ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે (ઈ.સ. ૪૭૬) આમ કહ્યું હતું : ‘ભૂગોલ: સર્વતો વૃત્ત: – પૃથ્વી બધી બાજુએથી ગોળ છે.’ (આર્યભટ્ટીયમ્‌, ગોલપદ, શ્લોક-૬)

એણે પૃથ્વીના વ્યાસની ક્ષતિરહિત ગણતરી પણ કરી હતી. (આર્યભટ્ટીયમ્‌, પ્રકરણ-૧, શ્લોક-૫)

* પોતાના આ ગ્રંથના ગોલપદના શ્લોક ૩૭માં આર્યભટ્ટે ગ્રહણનાં કારણો પણ આપતાં કહ્યું છે: ‘છાદ્યતિ સૂર્યમ્‌ શશિનમ્‌ મહતી ચ ભૂચ્છાયા – જ્યારે ચંદ્ર સૂર્યને ઢાંકી દે કે સૂર્ય પર ચંદ્રનો પડછાયો પડે ત્યારે સૂર્યગ્રહણ થાય છે અને જ્યારે પૃથ્વી ચંદ્રને ઢાંકી દે કે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે.’

એમણે ગ્રહણની ક્ષતિરહિત ગણતરી પણ કરી હતી. સૂર્યની આસપાસ એક પ્રદક્ષિણા કરવામાં પૃથ્વીને ૩૬૫ દિવસ, ૬ કલાક, ૧૨ મિનિટ અને ૩૦ સેકંડ લાગે છે. અને પૃથ્વી પોતાની ધરીની આસપાસ ૨૩ કલાક, ૫૬ મિનિટ, ૪.૧ સેકંડમાં ફરે છે.

* ૬ઠ્ઠી સદીના વરાહમિહિર નામના એક બીજા ભારતીય ખગોળશાસ્ત્રીએ પોતાના પુસ્તક ‘પંચ સિદ્ધાંતિકા’માં આમ કહ્યું છે: ‘પંચ મહાભૂત-માયાસ્ત્રારાગણા પંજરે મહીગોલાહા – ગોળ પૃથ્વી પંચ મહાભૂતોની બનેલી છે અને અવકાશમાં તરે છે. તે તારાઓથી મઢેલા પાંજરામાં લટકતા લોખંડના ગોળા જેવી છે.’ (પંચ સિદ્ધાંતિકા, પ્રકરણ-૧૩, શ્લોક-૧)

* હવે આપણે આ ઋગ્વેદ (૧.૩૩.૮) મંત્ર જોઈએ : ‘ચક્રણાસ: પરીણહં પૃથિવ્યા – પૃથ્વીના પરીઘની સપાટી પર લોકો રહે છે.’ એમ આ મંત્રમાં કહ્યું છે. આવા ઘણા વૈદિક મંત્રો છે. એમાંના ઘણા પૃથ્વી ગોળ છે એવું વિધાન કરે છે.

* ‘સૂર્યસિદ્ધાંત’ નામના એક પ્રાચીન ખગોળવિદ્યાના ગ્રંથ (૧૨.૩૨)માં આમ કહ્યું છે: ‘મધ્યે સમાનતાંઽસ્ય ભૂગોલો વ્યોમ્નિ તિષ્ઠતિ – બ્રહ્માંડની વચ્ચે ગોળ પૃથ્વી અવકાશમાં અડગ ઊભી છે.

* ભાસ્કરાચાર્ય (૧૧મી સદી) નામના સુખ્યાત ગણિત શાસ્ત્રીએ પોતાના ગ્રંથ ‘લીલાવતી’માં એક નાની બાલિકા લીલાવતીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર આ શબ્દોમાં આપે છે : ‘તમારી આંખ જે જુએ છે તે વાસ્તવિકતા નથી. તમે જુઓ છો એવી પૃથ્વી સપાટ નથી. તે વર્તુળાકાર છે, જો તમે એક મોટું વર્તુળ દોરો અને તેના ચોથા ભાગના પરીઘ પર દૃષ્ટિ કરો તો તે તમને સીધી રેખા જેવો લાગશે. પણ વાસ્તવિક રીતે તો એ વર્તુળ જ છે. એવી જ રીતે પૃથ્વીનો આકાર ગોળ છે.’

આજે પણ મોટા ભાગની ભારતીય ભાષાઓમાં અંગ્રેજી શબ્દ ‘જ્યોગ્રાફી’ એટલે ‘ભૂગોળશાસ્ત્ર’ ના નામે વર્ણવાય છે. ભૂગોળ એટલે વર્તુળાકાર પૃથ્વી. એનો અર્થ એ થયો કે યુગો પહેલાં ભારતીય લોકો પૃથ્વીનો આકાર ગોળ છે એ જાણતા હતા.

તો પછી આપણે શાળામાં આપણાં બાળકોને ‘પૃથ્વી ગોળ છે’ એ મહાન શોધ પશ્ચિમના વૈજ્ઞાનિકો-ખગોળ શાસ્ત્રીઓએ કરી હતી, એમ શા માટે ભણાવીએ છીએ?

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.