‘મા સારદા ફિઝિયોથેરપિ અને સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’નું મંગળ ઉદ્‌ઘાટન સંપન્ન 

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય સેવાના નવપ્રયાણ રૂપે સુસંવર્ધિત ‘મા સારદા ફિઝિયોથેરપિ અને સેરેબ્રલપાલ્સી રિહેબિલિટેશન સેન્ટર’નું મંગળ ઉદ્‌ઘાટન ૩ એપ્રિલ, શુક્રવારે, રામનવમીના પાવનકારી દિવસે સવારે ૯ વાગ્યે રામકૃષ્ણ મઠ-મિશન, બેલૂરના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશન, મુંબઈના સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ હસ્તે થયું હતું. આ પ્રસંગે ભાવિકજનો નિષ્ણાત ડોક્ટરો અને સેરેબ્રલપાલ્સીવાળાં બાળકો અને એમના વાલીઓ પણ ઉપસ્થિત હતાં.

આવાં બાળકો માટે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે એક સુંદર બીજારોપણ કર્યું છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના આવા દર્દથી પીડાતાં બાળકો આશ્રમની શીતળ છાયામાં આ સંસ્થામાં નિયમિત ઉપચારાત્મક કસરતો કરીને પોતાના જીવનમાં હિંમત અને સાહસ કેળવતાં થાય અને પોતાના જીવનમાં સ્વાવલંબી બનીને જીવનની ગુણવત્તા કેળવતાં શીખે તથા સમાજના પ્રવાહમાં સરળતાથી હળીભળી શકે તેવો ઉદાત્ત હેતુ આ સંસ્થાનો છે.

સેરેબ્રલપાલ્સી મગજની ઈજા કે મગજના રોગથી થાય છે. આવા રોગ ગર્ભાવસ્થાથી માંડીને બાળકના વિકાસના પહેલાં બે વર્ષમાં સામાન્ય રીતે થતા હોય છે. કોમળ અને વિકસતા મગજની ઈજા સ્થાયી રહે છે અને શરીરનાં હલનચલન, નિયંત્રણ, હાથે-પગેથી બધી દૈનિક ક્રિયાઓ કરવી, ઊભવા-બેસવા-ચાલવા પર માઠી અસર થાય છે. સાંભળવાની શક્તિ, દૃષ્ટિશક્તિ, વાચાશક્તિ તેમજ સમજણશક્તિ પર ભયંકર માઠી અસર જોવા મળે છે. એને પરિણામે સ્વભાવનું સમતુલન પણ બગડે છે. ક્યારેક મૂર્છા અને લકવાની અસર પણ આવી જાય છે. 

સેરેબ્રલપાલ્સીની આ બહુમુખી સમસ્યાઓનો સામનો કરવા નિષ્ણાતોની ટીમની જરૂર પડે છે. એમાં બાળરોગના, મગજના રોગોના, બાળ-અસ્થિરોગના, આંખના, કાન-ગળા-નાકના અને મનોચિકિત્સક ક્ષેત્રના નિષ્ણાતો ઉપરાંત ક્યારેક ક્યારેક ન્યૂરો સર્જન અને પેટ-આંતરડાના રોગના નિષ્ણાતોની પણ જરૂર પડે છે. આવા નિષ્ણાતોની સાથે ખરેખર ક્ષેત્ર પર સાચું કામ કરતી ફિઝિયો, ઓક્યુપેશનલ, સ્પીચ થેરપિની એક ટીમ સાથે એક મનોચિકિત્સાના જાણકાર અને સલાહ-સૂચન આપનાર શિક્ષક, આવાં બાળકોએ વાપરવાનાં સાધન-પ્રસાધનોના નિષ્ણાત, સામાજિક કાર્યકર અને પોષક-આહાર નિષ્ણાતોની પણ આવશ્યકતા રહે છે.

આ સમગ્ર ટીમ સાથે મળીને બાળકોના પ્રારંભિક તબક્કામાં તાલીમ આપે છે, શારીરિક ગતિસ્થિતિ જાળવતાં શીખવાડે છે, ઈંદ્રિયો-સ્નાયુઓ-સાંધાઓને કાર્યશીલ બનાવે છે અને એને સ્વાવલંબી અને સ્વસ્થ બનવામાં માર્ગદર્શન આપે છે. એને કારણે વિકૃતિઓ વધતી રોકાય છે અને વિકૃતિઓનું પ્રમાણ પણ ઘટતું જાય છે. આવી સારવારથી બાળકોને શારીરિક, માનસિક, સામાજિક ક્ષેત્રે સારી એવી સફળતા મળે છે, ક્યારેક દવાઓ કે શસ્ત્રક્રિયા કે તાલીમ અથવા કસરત માટે સહાયક સાધન જેવાં કે ઘોડી, વોકરથી પણ બાળકમાં સારું એવું ઇચ્છિત પરિણામ લાવી શકીએ છીએ.

સેરેબ્રલપાલ્સીના સારાં ઉપચાર, પ્રોત્સાહન અને પ્રશિક્ષણથી આ બાળદર્દીઓ સમાજના દરેક ક્ષેત્રે કામ કરી શકે છે અને કરી રહ્યાં છે. કેટલાક સારા ડોક્ટર્સ છે, ચાર્ટર્ડ એકાઉન્ટંટ બન્યા છે, લેખકો, ચિત્રકારો અને સારા શિક્ષકો પણ બન્યા છે. કેટલાક તો પોતાનો વ્યવસાય પણ ચલાવે છે.

આજે શ્રીરામનવમીના પાવનકારી પર્વના દિવસે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટે સેરેબ્રલપાલ્સીના બાળકોના સાર્વત્રિક યોગક્ષેમ માટે એક આશીર્વાદરૂપ કાર્ય આરંભ્યું છે.

હવે પછી આ એક જ જગ્યાએથી આવાં બાળકોને પૂરેપૂરી સારવાર અને પ્રશિક્ષણ મળી રહે એવા સંકલ્પ સાથે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આ વિભાગના બીજા આવશ્યક ઉપવિભાગોનો પણ ઉમેરો કરશે અને સમગ્ર ગુજરાતના સેરેબ્રલપાલ્સીનાં બાળકો અને એમના વાલીઓની મનોમૂંઝવણોને દૂર કરશે એ વાત નિ:શંક છે. સાથે ને સાથે સાંધા, પીઠ, ઘૂંટણ, ગરદન, ખભાના દર્દથી પીડાતા અને લકવા, મૂઢમાર, અકસ્માતવાળા અને શારીરિક સ્થૂળતાવાળા મોટી ઉંમરના વ્યક્તિઓ માટે આધુનિક સાધનોથી સુસજ્જ ફિઝિયોથેરપિ સેન્ટર પણ કાર્યરત છે.

સેરેબ્રલપાલ્સીનાં બાળકોના આ સાર્વત્રિક ક્ષેમકલ્યાણનાં યજ્ઞકાર્યમાં સમાજના સૌ જાગ્રતજનોનો અમે હાર્દિક સહકાર વાંછીએ છીએ.

આજ દિવસે સાંજે મંદિર નીચેના હોલમાં એક જાહેરસભાનું આયોજન થયું હતું. તેમાં મુંબઈના સેરેબ્રલ પાલ્સી રોગના નિષ્ણાત ડોક્ટર ધ્રુવ મહેતાએ આ રોગના ઉપચાર વિશે સર્વાંગ સંપૂર્ણ માહિતી આપી હતી. શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી મહારાજે ભક્તોને સેવા સાથે વ્યાવહારિક જીવનના સમન્વય દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ માટે માર્ગદર્શન આપ્યું હતું. પૂજનીય મહારાજશ્રીના વરદ્‌ હસ્તે ‘શ્રીરામકૃષ્ણ પુરાણ ગાથા’ની વિડીયો ડીવીડી કેસેટનું વિમોચન થયું હતું. અને આ કેસેટના કેટલાક અંશો પણ ભક્તજનોએ અત્રે નિહાળ્યા હતા.

શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે મંગલ ઉદ્‌ઘાટન અને ભૂમિપૂજાના કાર્યક્રમો

૧ એપ્રિલ, ૨૦૦૯, બુધવારે આદિપુર (કચ્છ)માં શ્રીરામકૃષ્ણ સેવા કેન્દ્ર દ્વારા નવનિર્મિત ‘મા સારદા ભવન’નું મંગલ ઉદ્‌ઘાટન બપોરે ૫.૩૦ વાગ્યે શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે થયું હતું.

સાંજના ૬.૩૦ વાગ્યે કેન્દ્રમાં જાહેરસભાનું આયોજન થયું હતું.

૨ એપ્રિલ, ગુરુવારે સવારે ૯.૩૦ વાગ્યે ભૂજમાં શ્રીરામકૃષ્ણ યુવકમંડળે નવી ખરીદેલી જમીન પર નવા સંકુલ માટે ભૂમિપૂજન શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે થયું હતું. ભૂમિપૂજન પછી યોજાયેલ જાહેરસભામાં ૨૦૦ જેટલા ભાવિકજનોએ વરિષ્ઠ સંન્યાસીઓ અને અગ્રણીઓનાં વક્તવ્યોનો લાભ લીધો હતો. 

૪ એપ્રિલ, શનિવારે સવારે ૧૦.૦૦ વાગ્યે ઉપલેટામાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સેવા સમિતિએ નવી ખરીદેલી જમીન પર ભૂમિપૂજન શ્રીમત્‌ સ્વામી વાગીશાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે થયું હતું. એ પહેલાં જૂના મંદિરથી શરૂ કરીને નવી જમીન સુધીની યોજાયેલી વિશાળ શોભાયાત્રામાં ૫૦ જેટલાં સુસજ્જ વાહનો સાથે વિશાળ સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

જાહેરસભામાં ૧૨૦૦ જેટલા ભાવિકજનોએ વરિષ્ઠ સંન્યાસીઓ અને અગ્રણીઓનાં વક્તવ્યો માણ્યાં હતાં. ત્યાર બાદ ભક્તજનોને ભોજનપ્રસાદ આપવામાં આવ્યો હતો.

પ્રવચન

૬ થી ૮ એપ્રિલ, ૨૦૦૯ના રોજ સંધ્યા આરતી પછી શ્રીમંદિર નીચેના હોલમાં શ્રીરામકૃષ્ણ મિશન, જયપુરના સચિવ શ્રીમત્‌ સ્વામી નિખિલાત્માનંદજી મહારાજનાં ‘લક્ષ્મણચરિત’ પર પ્રવચનો યોજાયાં હતાં.

રામકૃષ્ણ મિશન, પોરબંદરનો વાર્ષિકોત્સવ

રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં તા. ૨ થી ૫ એપ્રિલ દરમિયાન વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તા. ૨ થી ૪ના રોજ સાંજે ૬.૩૦ કલાકે આશ્રમના વિવેકભવનમાં રામકૃષ્ણ મિશન, જયપુરના સચિવ સ્વામી નિખિલાત્માનંદજીનાં પ્રવચનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય પ્રવચનમાળાનો વિષય હતો, ‘રામચરિત માનસમાં ભરતચરિત’. રામાયણના ઊંડા અભ્યાસી, મર્મજ્ઞ અને વિદ્વાન વક્તાની ભાવસભર વાણીમાં ભરતનું ચરિત્ર જાણે જીવંત થઈ ઊઠ્યું હતું. સુમધુર કંઠે ગવાઈ રહેલાં ચોપાઈ અને દોહાઓની સાથે વ્યક્ત થઈ રહેલાં ભરતજીના ચરિત્રની લાક્ષણિકતાઓ – ભરતનો રામપ્રેમ, રામ સાથેનું ભરતનું પડછાયા જેવું એકત્વ, ભરતનાં ત્યાગ, તપશ્ચર્યા, રાજ્ય પ્રત્યેની નિર્મોહિતા, નંદીગ્રામનું રામમય જીવન, રામના સ્થાને તેમની પાદુકાઓની પ્રતિષ્ઠા – ની ભાવવાહી અભિવ્યક્તિથી વિશાળ સંખ્યામાં આવેલા શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા હતા.

તા. ૫ અપ્રિલ, રવિવારે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી આધ્યાત્મિક શિબિર યોજવામાં આવી હતી. દૈનિક જીવનમાં ધર્મનું આચરણ કઈ રીતે કરી શકાય, એ વિશે સ્વામી નિખિલાત્માનંદ; રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદ, તથા શ્રીરામકૃષ્ણ જ્યોતના તંત્રી સ્વામી સર્વસ્થાનંદે જિજ્ઞાસુઓને માર્ગદર્શન આપ્યું હતું. પ્રારંભમાં સ્વામી નિખિલાત્માનંદજીએ વેદમંત્રોનો પાઠ કરાવ્યો. ત્યારબાદ ધ્યાનનું પ્રત્યક્ષ નિદર્શન, સ્તોત્રપાઠ, દૈનંદિન જીવનમાં સાચાં સુખને શાંતિ માટે નામજપ, પ્રાર્થના અને સત્સંગની આવશ્યકતા વિ. દૃષ્ટાંતો સાથે સમજાવીને રોજના જીવનમાં ધર્મને વણી લેવાનો અનુરોધ કર્યો. સ્વામી આદિભવાનંદજીએ આધુનિક યુગમાં અજંપો, અશાંતિ, ઉદ્વેગ, ચિંતા અને આત્મહત્યામાં થતાં જતાં વધારાને રોકવાનો એક માત્ર ઉપાય પ્રભુનું શરણ અને તે માટે સદ્‌વાંચન, સત્સંગની અનિવાર્યતા, એમની રસપૂર્ણ, સરળ અને આગવી શૈલીમાં ઉદાહરણો દ્વારા સમજૂતી આપીને શિબિરાર્થીઓને જીવનના સાચા ઉદ્દેશ પ્રત્યે અભિમુખ કર્યા. સ્વામી સર્વસ્થાનંદજીએ દૈનિકજીવનમાં ધર્માચરણ કેવી રીતે કરવું, એમાં આવતા અવરોધોને પ્રાર્થના, ભક્તિ અને શ્રદ્ધા દ્વારા દૂર કરવા, જીવનની સમસ્યાઓનો ધૈર્યપૂર્વક સામનો કરવો, વગેરે માર્ગદર્શન આપ્યું. ત્યાબાદ જિજ્ઞાસુઓએ પૂછેલા પ્રશ્નોના સ્વામીજીઓએ ઉત્તર આપી તેમની સમસ્યાઓનું સમાધાન કર્યું. આ પ્રસંગે રાજકોટથી ખાસ આવેલા સ્વામી વિનિર્મુક્તાનંદે પોતાના સુમધુર કંઠે ભજનોની રસલ્હાણ કરી શ્રોતાઓને ભાવ તરબોળ કરી દીધા.

સાંજે ૬.૩૦ કલાકે જાહેરસભાનો કાર્યક્રમ હતો. સ્વામી આદિભવાનંદજીએ શ્રીમા સારદાદેવીનાં જીવન અને સંદેશને વ્યક્ત કરતાં જણાવ્યું કે આધુનિક યુગમાં પ્રેમ, પવિત્રતા, ત્યાગ, સંયમ, સેવા અને સાધનાનો આદર્શ પૂરો પાડનાર શ્રીમા સારદાદેવીનું જીવન પ્રત્યેક નારી માટે પ્રેરણાસ્તોત્ર છે. આદર્શ પત્નીત્વ અને આદર્શ માતૃત્વનો અદ્‌ભુત સમન્વય ધરાવનાર આવું અજોડ નારીરત્ન આ યુગમાં બીજે ક્યાંય જોવા મળતું નથી. સ્વામી સર્વસ્થાનંદજીએ સ્વામી વિવેકાનંદનાં જીવન અને સંદેશ ઉપર પોતાનું મનનીય પ્રવચન આપતાં જણાવ્યું કે સ્વામીજીની વિચારધારાના ત્રણ સૂર છે; ગુરુ, શાસ્ત્ર અને ભારત. શિકાગો ધર્મસભામાં એમણે આપેલ વ્યાખ્યાનોમાંથી પ્રગટ થતો ભારતીય સંસ્કૃતિનો નિચોડ, પરિવ્રાજક રૂપે કરેલું એમનું ભારતભ્રમણ અને ત્યારથી સ્થપાયેલો ગુજરાત સાથેનો આત્મીય સંબંધ, ભારતની દુર્દશાનાં મુખ્ય બે કારણો નારીની દુદર્શા અને નિમ્નવર્ગની ઉપેક્ષા, ભારતના ઉત્થાન માટેના તેમના પ્રયાસો, સંઘની સ્થાપના, રામકૃષ્ણ મિશનની ૧૭૧ શાખાઓમાં થઈ રહેલાં ‘આત્મનો મોક્ષાર્થં જગદ્ધિતાય ચ’ મહામંત્ર દ્વારા ‘શિવજ્ઞાને જીવસેવા’નાં કાર્યોની ઝલક – આ બધાંની વિશદ સમજૂતી દ્વારા તેમણે સ્વામી વિવેકાનંદના જીવનકાર્યથી શ્રોતાઓને અવગત કર્યા હતા.

સભાના પ્રમુખપદેથી સ્વામી નિખિલાત્માનંદજીએ શ્રીરામકૃષ્ણનાં જીવન અને સંદેશ વિશે આપેલા પ્રવચનમાં શ્રીરામકૃષ્ણદેવનાં જીવન અને કાર્યને વણી લીધાં હતાં. શ્રીરામકૃષ્ણદેવે કરેલી સર્વધર્મોની સાધના દ્વારા ‘જતો મત તતો પથ’ – બધા ધર્મો એક જ સત્ય તરફ લઈ જાય છે તેની અનુભૂતિ, એ દ્વારા સર્વધર્મ સમન્વયનો સંદેશ, નારીસન્માનની ભાવના, ત્યાગ અને સેવાનો આદર્શ – આ બધાં દ્વારા પાશ્ચાત્ય જડવાદી સભ્યતા અને ધાર્મિક સંકીર્ણતામાંથી વિશ્વને કેવી રીતે બચાવી શકાય એ અંગેની સ્પષ્ટ સમજૂતી આપતું એમનું મનનીય વ્યાખ્યાન શ્રોતાઓ ઉપર ઊંડો પ્રભાવ પાડી ગયું.

આ સભામાં સ્વાગત પ્રવચન રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજીએ આપ્યું હતું. સભાના પ્રારંભમાં અને અંતે સ્વામી વિનિર્મુક્તાનંદે પોતાના મધુરકંઠે ભાવવાહી ભજન ગાઈને શ્રોતાઓને ભાવવિભોર કરી દીધા હતા. સભાનું સંચાલન અને આભારદર્શન રામકૃષ્ણ મિશન, પોરબંદરના ઉપસચિવ સ્વામી ચિરંતનાનંદજીએ કર્યું હતું.

શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી

૧૭ એપ્રિલ, ૨૦૦૯, શુક્રવારના રોજ શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું. જેમાં ૯૪ દર્દીઓને ચકાસીને નિ:શુલ્ક દવાનું વિતરણ થયું હતું. આમાંથી ૧૪ દર્દીઓને ઓપરેશન માટે શિવાનંદ મિશન, સૌરાષ્ટ્ર સેન્ટ્રલ આઈ હોસ્પિટલમાં મોકલાયા હતા.

Total Views: 44

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.